64 સમરહિલ - 64 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 64

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 64

દિવસભરની આકરી મુસાફરીના થાક પછી પેટમાં બાટીનું વજન અને શરાબના ઘૂંટ પડયા પછી કંતાનના પાથરણા ય સવા મણ રૃની તળાઈ હોય તેમ સૌ પડતા વેંત ઘોરી ગયા હતા.

અચાનક ત્વરિતની આંખ ખૂલી. સામે જંગલની દિશાએ ઝડપભેર આમતેમ ઘૂમતી મશાલો જોઈ અને પછી જરાક સ્વસ્થ થયો એટલે મોટા મોટા અવાજે થતો કોલાહલ પણ તેને સંભળાવા લાગ્યો.

ચોંકીને એ તરત પથારીમાંથી ઊભો તો થયો પણ તેના શરીરના એકેએક સ્નાયુમાંથી જાણે કડાકા બોલી રહ્યા હતા. ઝાંખરા વટીને તેણે રાઘવને જગાડયો એટલી વારમાં ઝુઝાર પણ આંખો ચોળતો ઊભો થઈ ગયો હતો. હિરનની પથારી ખાલી હતી. છપ્પન અને પ્રોફેસર હજુ પણ ગાઢ ઊંઘમાં હતા.

ઘેરા અંધારા તળે દૂર જંગલ તરફની કેડીએ કશું ભળાતું ન હતું પણ મશાલોની હેરફેર, ગાભરા સ્વરે અજાણી ભાષામાં થતી બૂમરાણ, લાકડીના ફટકા પડતા હોય તેવા અવાજો... જાણે ધિંગાણું મચ્યું હોય તેવો આભાસ ખડો થતો હતો.

રાઘવે તરત ગન ઊઠાવી એ પહેલાં ત્વરિત અને ઝુઝારે એ દિશામાં દોટ મૂકી દીધી હતી.

અધવચ્ચે જ હિરન ત્યાં ઊભેલી મળી એટલે રાઘવ ત્યાં જ થંભી ગયો પણ ઝુઝાર આગળ વધ્યો કે તરત મશાલ પકડીને ઊભેલા એક લૂંગીધારીએ ત્રાડ નાંખી, 'હિક્કા તેથાન્ન્ન્...' એ શું બોલ્યો એ તો ના સમજાયું પણ તેની રાતીચોળ આંખો, ચહેરા પર પથરાયેલો ઓથાર અને આવેશભેર લંબાવેલો હાથ જોઈને ઝુઝાર એટલું જરુર સમજ્યો કે એ ત્યાં જ થોભી જવા કહે છે.

ઝુઝાર અટક્યો એટલે તેણે જંગલની દિશા ભણી હાથ લંબાવીને બીજી ત્રાડ નાંખી, 'થેમ્બા... ગેસુ થેમ્બા'

'ક્યા બોલા?' ઝુઝારને હવે પારાવાર અકળામણ થતી હતી.

'અજગર છે..' હિરને ધીમા અવાજે કહ્યું.

'હેં???' અવાજ રાઘવનો હતો પણ તેમાં હાયકારો સૌનો ભળ્યો હતો.

'હું થાકીને ઘસઘસાટ ઊંઘતી હતી ત્યાં મેં પવનના એકધારા પણ વિચિત્ર પ્રકારના સૂસવાટા જેવો અવાજ સાંભળ્યો. ઝબકીને હું બેઠી થઈ ગઈ ત્યારે આ લોકો સાવ આપણી લગોલગ લપકી રહેલા અજગરને છંછેડીને જંગલની દિશા તરફ વાળવા મથતા હતા...'

'બટ વી હેવ વેપન..' રાઘવે તરત ગન કાઢી, 'શૂટ કરતા વાર કેટલી લાગે?'

જવાબમાં હિરન ફક્ત હસી. ચંદ્રના આછા ઉજાસમાં ઘેરા અંધકાર તળે તેનો ચહેરો વધુ ગોરો લાગતો હતો.

'અહીં જંગલનો કાયદો ચાલે છે...' તેણે રાઘવના ખભા પર હાથ મૂકીને ત્વરિતની સામે સ્મિત વેર્યું, '... અને એ આપણા કાયદા કરતાં વધારે પ્યોર છે. એ લોકો એવું માને છે કે ભક્ષણ માટે હુમલો કરવો એ અજગરની પ્રકૃતિ છે અને બચાવ કરવો એ આપણી પ્રકૃતિ છે. ધે બિલિવ ઈન કો-એક્ઝિસ્ટંસ. એ લોકો મહેનત કરીને અજગરને દૂર સુધી પાછો ધકેલી દેશે પણ અકારણ મારી નહિ નાંખે...'

એટલી વારમાં પ્રોફેસર અને છપ્પન પણ આંખો ચોળતા આવી ચૂક્યા હતા.

ખાસ્સી એકાદ કલાકની ધમાલ પછી ચાર લોકોની ચોકી ગોઠવીને ફરીથી બધા ઊંઘ્યા. ઊંઘ્યા તો શું, પડખા ઘસવાના ય કોઈને હોશ ન હતા.

આકાશમાં તારાઓનો ચંદરવો જામ્યો હતો, પડખે વિરાટ નદીના જળ કાંઠાને પખાળતા હતા અને સૌના મનમાં સતત ફૂંફાડાનો ફફડાટ સંભળાયા કરતો હતો.

સફરની કરાલતાનો એ જાલિમ અહેસાસ હતો.

*** *** ***

સવારે રાઘવ જાગ્યો ત્યારે પ્રોફેસર અને હિરન નદીકાંઠા તરફથી આવતા હતા. ત્વરિતની પથારી પણ ખાલી હતી. ઝુઝાર પાથરેલું કંતાન ઓઢીને ઘોરતો હતો અને છપ્પન કંતાનના ફિંડલામાં મોં નાંખીને પડયો હતો.

ગઈકાલે નેતા જેવો લાગતો આદમી અત્યારે કોઈકની સામે અદબભેર ઊભો હતો. રાઘવે તે અજાણ્યા આદમીને ધારીને જોવાનો પ્રયાસ કર્યો. તેણે જીન્સ પહેર્યું હતું. ઉપર બંધ ગળાનો લોંગ શર્ટ હતો. કમર પર બાંધેલા હોલ્સ્ટરમાં ગન ખોસેલી હતી.

રાઘવે પથારીમાંથી સફાળા બેઠા થઈને તરત ચારેબાજુ નજર દોડાવવા માંડી.

લૂંગીધારીઓનો કાફલો જાણે ઊંઘ્યો જ ન હોય એમ સ્ફૂર્તિભેર કામે વળગી ગયો હતો. કેમ્પ ક્યાંક બીજે ખસેડાતો હોય એવું રાઘવને લાગ્યું. એ ઝાટકા સાથે ઊભો થઈ ગયો.

બરાબર દોઢ કલાક પછી...

'માયસેલ્ફ કેસાંગ...' ઘડીક એ અટક્યો અને સૌની આંખમાં આંખ પરોવી. તેના ગોરા, પાતળા, સ્હેજ ફિક્કા ચહેરા પર સ્મિત એ જાણે સ્થાયી ભાવ હોય તેમ મઢાયેલું રહેતું હતું, 'કેસાંગ ત્સોરપે... બટ યુ કેન સે મી કેસી..' તેણે હિરનની સામે જોયું અને ઉમેર્યું, 'હિરન ભી મુજે કેસી કહેકે હી બુલાતી હૈ...'

જાણે ક્લાસ લેવાતો હોય તેમ પ્રાતઃક્રિયામાંથી પરવારીને સૌને લાઈનસર નદીકાંઠે બેસાડી દેવાયા હતા અને સામે ઊભો હતો આ આદમી. એ સફાઈદાર હિન્દી અને ફાંકડા અંગ્રેજીમાં બોલી રહ્યો હતો.

રાઘવે સ્વસ્થ ચહેરે સહજ સ્મિતભેર હિરનની તરફ જોઈને તરત મોં ફેરવી લીધું પરંતુ તેના દિમાગમાં ટેવવશ ઘંટડીઓ વાગવા માંડી હતી.

'હું તિબેટ લિબરેશન ફોર્સ યાને તિબેટ મુક્તિબાહિનીનો નોર્થ ઈસ્ટ કમાન્ડ સંભાળું છું...' તેણે રાખોડી લોંગ શર્ટની બાંય ચડાવતા સહજ રીતે કહેવા માંડયું, 'મને તમારા સૌ વિશે થોડુંક કહેવામાં આવ્યું છે' પછી તેણે સીધી રાઘવ તરફ આંગળી ચિંધી દીધી.. 'માહિયાસાહબ પુલિસ કે બડે અફસર હૈ... યે છપ્પનસિંઘ કે કારનામે મુજે ભી બડે દિલચશ્પ લગે... ત્વરિત કૌલ... આપ એક્સપર્ટ આર્કિયોલોજિસ્ટ હૈ ઔર યે મલ્હાનસાહબ... આપ તો હમારે સાથ હી હોને ચાહિયે...' તેણે આમ કહ્યું એટલે મલ્હાનના ચહેરા પર રોનક આવી ગઈ.

'એઝ યુ નો...' તેના પાતળો, એકવડિયા બાંધો ગજબનો સ્ફૂર્તિલો હતો. શરીરમાં ક્યાંય વધારે પડતી ચરબીનો અણસાર ન હતો પરંતુ તેણે ચડાવેલી બાંય તળેથી દેખાતા તેના હાડકા અને ઉપસેલી નસો પરથી તેના કવાયતી બદન અને આકરા શ્રમથી કેળવાયેલા સ્નાયુઓની ગજવેલ જેવી તાકાતનો ખ્યાલ આવી શકતો હતો,

'તિબેટ જવું એ...' તિબેટના ઉલ્લેખ સાથે તેણે ઉત્તર દિશાએ તાકીને આંખ બંધ કરી અને વંદન કર્યા.

રાઘવે જોયું, ત્યાં ઊભેલા દરેક લૂંગીધારીએ તેનું અનુકરણ કર્યું હતું.

'... જરાય આસાન નથી. ચીનનો ચોકીપહેરો ખતરનાક કહેવાય એટલી હદે સતર્ક હોય છે. ધારો કે કોઈ રીતે તિબેટ પહોંચી પણ ગયા તો ત્યાં ખુલ્લેઆમ ઘૂમવાનું તમારા સૌના પરંપરાગત ભારતીય ચહેરા જોતાં શક્ય નથી...' તેના અવાજમાં નક્કર આત્મવિશ્વાસ રણકતો હતો.

'બટ ધેર આર સમ રૃટ્સ.. જ્યાંથી અમે તમને તિબેટ લઈ જઈ શકીએ. એ રૃટ પર કોઈ ભય નથી એમ તો હરગીઝ ન માનશો. અત્યારે ચોમાસુ છે એટલા પૂરતા જ એ રૃટ ખુલ્લા હોય છે, બાકી ત્યાં ચીનાઓનો પહેરો હોય જ છે. બટ ઈટ્સ નોટ યોર સબ્જેક્ટ... તમને સૌને તિબેટ પહોંચાડવાની જવાબદારી અમારી છે પણ એ માટે મારા કેટલાંક નિયમો છે...'

'આવતીકાલથી દસ દિવસ માટે તમારી સૌની ટ્રેનિંગ શરૃ થશે. માહિયાસાહેબે કદાચ માઉન્ટનિયરિંગ કે રોક ક્લાઈમ્બિંગનો શોખ પોષ્યો હશે પણ બાકીના તમારા બધા માટે એ બેહદ...' પછી તેણે બેય હાથ હવામાં ફેલાવ્યા, 'આઈ રિપિટ... એ બેહદ મુશ્કેલ હશે પણ એ વગર તિબેટ તો બહુ દૂરની વાત હશે, બોમ્દિલા ઘાટ વટયા પછીના ત્રણ-ચાર ચઢાણમાંજ તમારી લાશ ત્યાં રઝળતી હશે...'

'અહીંથી આપણે કેમ્પ ઊઠાવીએ છીએ...' પછી તેણે નદીની ઉત્તરે દેખાતી પહાડીઓ તરફ આંગળી ચિંધી, 'સામે જે દેખાય છે એ બોમ્દિ ઘાટ છે. મારા સાથીદારો ત્યાં તમારી તાલિમ માટે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. આજનો દિવસ તમારા માટે આરામનો છે.'

'અને હા...' બેઠક પૂરી કરતો હોય તેમ બે ડગલાં પાછા હટીને તેણે અચાનક કહ્યું, 'રૃલ નંબર વન, તમારી કોઈની પાસે કોઈપણ પ્રકારનું વેપન, મોબાઈલ કે મ્યુઝિક પ્લેયર કે એવું કશું જ નહિ રહી શકે.. રૃલ નંબર ટૂ...'

'બટ... તો પછી અમારે...' રાઘવે વચ્ચે જ હાથ ઊંચો કરીને કહેવા માંડયું.

'એ જ હું કહું છું... લિસન મી કેરફૂલી...' રાઘવ તરફ તેણે એવું જ સ્મિત વેરીને અધવચ્ચે જ વાત કાપી નાંખી, 'રૃલ નંબર ટૂ, મને ફક્ત બોલવાની આદત છે, સાંભળવાની નહિ. નો ક્વેશ્ચન... નો આન્સર. જસ્ટ ફોલો' તેણે ફરીથી રાઘવની સામે જોયું. તેના ચહેરા પર સ્મિત હતું પરંતુ તેની પીંગળી, ફિક્કી આંખોમાં બેખૌફ મુસ્તાકી હતી, 'ન ફાવે તો અહીંથી જ તમે જઈ શકો છો... અધરવાઈસ...'

પાછા પગલે એ બે-ત્રણ ડગલા ખસ્યો, સ્મિતભેર સૌની સામે નજર નોંધી અને પછી ઉત્તરની પહાડીઓ તરફ મોં ફેરવ્યું, સપાટાભેર ઢીંચણમાંથી સ્હેજ વળ્યો, બેય હાથ વંદનની મુદ્રામાં જોડયા અને પછી ગંભીર અવાજે કહ્યું, '.. ઈશ્વરની ભૂમિ પર તમારૃં સ્વાગત છે!!'

(ક્રમશ‌‌‌:)