8.
(અખિલેશ દીક્ષિતે જણાવ્યા મુજબ પોતાની (ડિજિટેક સોફ્ટવેર કંપની)નાં નવા સોફ્ટવેર "મેગા - ઈ" ની લોન્ચિંગ ઇવેન્ટમાં ઊટી જવાં માટે તૈયાર થઈ જાય છે, જે માટે દીક્ષિતે સી.ઈ.ઓ ઓફ ડિજિટેક સોફ્ટવેર કંપનીના નામે અગાવ થી જ ફલાઇટ ટીકીટ બુક કરાવેલ હતી, જે તેણે અખિલેશને આપી હતી…)
ત્યારબાદ અખિલેશે પોતાની ઓફિસમાં આવ્યો, ખુરશી પર બેસીને ગ્લાસમાં રહેલ પાણી પીધું, અચાનક તેને કંઈક યાદ આવ્યું હોય, તેમ પોતાના શૂટના ખિસ્સા ફંગોળવા લાગ્યો, અને થોડીવાર પછી પોતાના ખિસ્સામાંથી દિક્ષિતે આપેલ ટીકીટ બહાર કાઢી અને તેની વિગતો જોવા લાગ્યો, જેમાં લખેલ હતું, "સ્પાઈસ જેટ એર-વે" મુસાફરીની તારીખ - 6 માર્ચ, ફલાઇટ સમય : રાત્રીના 10: 55 (મુંબઈથી કોઈમ્બતુર), આથી અખિલેશે પોતાના મોબાઈલમાં એક દિવસ અગાવનું રિમાઇન્ડર ગોઠવી દીધું.
ત્યારબાદ અખિલેશે ટેબલ પર પડેલ મોબાઈલ ઉઠાવ્યો અને દીક્ષિતને કોલ કર્યો,
"હા ! અખિલેશ બોલ…!" - દીક્ષિત કોલ રિસીવ કરીને બોલ્યો.
"હેલો ! અખિલેશ,આપણાં સોફ્ટવેરનો લોન્ચિંગ પ્રોગ્રામ 8 તારીખથી ઊટીમાં શરૂ થશે...ઓકે...અને આજે 5 તારીખ તો થઈ અને મારે 6 તારીખે મારી ઊટી જવા માટેની ફલાઇટ છે, તો મારી પાસે આ પ્રોગ્રામની તૈયારી કરવા માટે માત્ર એક જ દિવસ વધે છે, જો તને પ્રોબ્લમ ન હોય તો..? હું આવતી કાલની રજા રાખું, જેથી કરીને હું આ પ્રોગ્રામની વ્યવસ્થિત તૈયારી કરી શકુ…??" - અખિલેશ મૂંઝાતા અવાજમાં બોલ્યો.
"ડોન્ટ વરી ! અખિલેશ ! તું તમ તારે કાલે નહીં આવતો ઓફિસે...હું તારું જે કંઈ અહીંનું પેન્ડિંગ કામ છે, તે અન્ય કર્મચારી પાસે કરાવી લઈશ, અને તું અહીંની બિલ્કુલ ચિંતા કરીશ નહીં, બસ તું આ પ્રોગ્રામમાં ગ્રાન્ડ સક્સેસ અપાવજે…!"
"સ્યોર ! હું આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે દિવસ- રાત એક કરી દઈશ, અને જરૂરથી આપણી કંપનીને સફળતા અપાવીશ…!" - અખિલેશ વિશ્વાસ ભરેલા અવાજમાં બોલ્યો.
"આથી જ આ પ્રોગ્રામ માટે મેં આખી કંપનીમાંથી તારી પસંદગી કરેલ છે, જેમાં તું ચોક્કસ પાર ઉતરીશ એવો મને દ્રઢ વિશ્વાસ છે."
"થેન્ક યુ ! દીક્ષિત...અને હા કોઈમ્બતુર પહોંચીને પછી મારે ઊટી કેવી રીતે જવાનું છે..?"
"અખિલેશ ! તું 6 તારીખે રાતે 10:55 ફલાઈટમાં બેસીસ એટલે એ તને 7 તારીખે સવારે 10 વાગ્યાની આસપાસ કોઈમ્બતુર પહોંચાડશે અને કોઈમ્બતુર એર પોર્ટ પર તને આપણી કંપનીની કાર પીક-અપ કરવાં માટે અગાવથી જ આવી ગઈ હશે, કોઈમ્બતુરથી ઊટીનો રસ્તો 3 કલાક જેવો છે, જે તને બપોરે 1 વાગ્યાની આસપાસ ઊટી પહોંચાડશે, અને ઊટીમાં આપણી આ આખી ઇવેન્ટ "સીટી પેલેસ બીચ રિસોર્ટ"માં એરેન્જ કરેલ છે, માટે સાતમી તારીખનો એક દિવસ આરામ અને અન્ય તૈયારી કરવા માટે મળી રહેશે, બાકીની આખી ઇવેન્ટ તેને જે ફાઈલ આપી તેમાં મેન્શન કરેલ છે જ તે, તેમ છતાંપણ તને કંઈ કન્ફ્યુઝન લાગે તો મને કોલ કરજે..!" - દીક્ષિતે શાંતિપૂર્વક અખિલેશને બધી વિગતો જણાવી.
"ઓકે ! દીક્ષિત, થેન્ક યુ વેરી મચ, ફોર સોલ્વ માય ડાઉટ…" - અખિલેશે દીક્ષિતનો આભાર માની કોલ ડિસ્કનેક્ટ કર્યો.
ત્યારબાદ, અખિલેશ ફરી પાછા પોતાનાં કામમાં અને ફાઈલોમાં ખોવાઈ ગયો, અને પોતાનું જે પેંડીગ કામ હતું, એ પૂરું કરવામાં લાગી ગયો, એવામાં ક્યાં પાંચ વાગી ગયાં એ ખ્યાલ ના રહ્યો, તેમ છતાં પણ અખિલેશ એક કલાક વધારે રોકાયને બધું જ પેન્ડિંગ કામ પૂરું કરી નાખ્યું, અને છ વાગ્યાની આસપાસ પોતાનાં ફ્લેટ પર જવા માટે રવાના થયો.
ત્યારબાદ બીજે દિવસે અખિલશે પોતાનાં ફ્લેટ પર રહીને, દીક્ષિતે આપેલ "મેગા - ઈ સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટ વાળી ફાઇલની સ્ટડી કરી, અને પોતાને જે કંઈ પ્રેઝન્ટેશન કરવાનું હતું તે તૈયાર કર્યું, અને આખે-આખી ઇવેન્ટનો એજન્ડા પોતાનાં મગજમાં ફિટ કરી લીધો, પોતાની બેગ કપડાં અને જરૂરી વસ્તુઓ વગેરે યાદ કરી કરીને પેક કરી.
એજ દિવસે રાતે
અખિલેશનાં ફ્લેટથી મુંબઈ એરપોર્ટ થોડુક દૂર હોવાથી, પોતે જમીને, રાતે 9 કલાકની આસપાસ મુંબઈ એરપોર્ટ જવા માટે, પોતે અગાવથી બુક કરેલ કેબ દ્વારા મુંબઈ એરપોર્ટ જવા માટે રવાનાં થયો, કેબમાં બેઠા-બેઠાં તેણે પોતાના ફોનમાંથી દીક્ષિતને કોલ કર્યો.
"હેલો ! દીક્ષિત ! હું મારા ફ્લેટથી મુંબઈ એરપોર્ટ જવા માટે રવાનાં થઈ ગયો છું.!"
"સરસ ! બધી વસ્તુ તે યાદ કરીને લઈ લીધી'ને..?? અને હા આજે તે કંપનીમાં રજા રાખી હોવાથી તારી પાસે આખો દિવસ હતો, તો હું આશા રાખું છું કે તેને આ ઇવેન્ટ માટેની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી ગયો હશે….?"
"હા ! ચોક્કસ! મેં બધી વસ્તુઓ યાદ કરીને લઈ લીધી છે, અને આ આખી ઇવેન્ટની સંપૂર્ણ તૈયારી મેં કરી લીધી છે, માટે તું ચિંતા ના કરીશ, તું તારું બધું જ કોન્સન્ટ્રેશન અત્યારે તારી દીકરી આર્યાની પરીક્ષા પર આપ….!"
"થેન્ક યુ ! અખિલેશ" - દીક્ષિત ભાવુક બનતા બોલ્યો.
"એમાં ! થેન્ક યુ ની કોઈ જરૂર નહીં, આર્યા મારા માટે પણ દીકરી સમાન જ છે, અને હું એવું ઈચ્છું છું કે તું એક સફળ બીઝનેસમેન તો છો જ તે, પણ હવે એક સફળ આદર્શ પિતા પણ બને..!"
"થેન્ક યુ ! વેરી મચ ! અખિલેશ ! જો તું કદાચ મારી સાથે હાલ ન હોત તો મારી શું હાલત થાત, એ વિચારીને જ મારૂ હૃદય કબૂતરની માફક ફફડવા માંડે છે….!"
"ડોન્ટ વરી ! દીક્ષિત ! આવા સમયે એક મિત્ર જો બીજા મિત્રને કામમાં નહીં આવે તો કોણ કામમાં આવશે, જે મિત્ર આવા કપરા કે મુશ્કેલ સમય કે પરિસ્થિતિમાં પોતાના મિત્રને મદદ ના કરે કે કામમાં ના આવે એ પણ એક દુશ્મન સમાન જ ગણાય..! એવાં મિત્ર કરતાં તો પથ્થર સારો એ કંઈક તો કામમાં આવે….!"
"અખિલેશ ! ભગવાન કે કુદરતે આપણી દોસ્તીની બે-બે વાર પરીક્ષા લીધી છે...એકવાર જ્યારે આપણે ભણતાં હતા અને મારું એક્સિડન્ટ થયું ત્યારે, અને હાલ અત્યારે, જેમાં તું બને વાર સફળતાપૂર્વક પાસ થઈ ગયો, હું આ માટે ભગવાનનો તો આભરી છું જ તે પણ એ પહેલાં તારો આભારી છું." - આટલું બોલતાં દીક્ષિતની આંખોના ખૂણા ભીના થઈ ગયાં.
"અરે ! દીક્ષિત ! ડોન્ટ વરી, તે પણ હું જ્યારે તારી કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે સિલેક્ટ થઈને આવ્યો, ત્યારે તે એકવાર પણ મારા ડોક્યુમેન્ટ કે ફાઈલ જોઈ નથી, જો તને મારા પર આટલો બધો વિશ્વાસ હોય તો હું કેવી રીતે તારો વિશ્વાસ તોડી શકુ….?? મારા માટે એકદમ અજાણ્યા એવાં મુંબઈમાં રહેવા માટે તે એકપણ પ્રશ્ન પૂછ્યા વગર જ 3 બી.એચ.કે ફ્લેટ આપી દીધો, તારા પરિવારમાં મને એક સ્થાન આપ્યું, મારે જ્યારે નોકરી એટલે કે આવકની જરૂર હતી ત્યારે તે નોકરી આપી….આમ તે પણ મારા માટે કંઈ ઓછું નહીં કર્યું….માટે વારંવાર મને થેન્ક યુ કહીને શરમાવીશ નહીં…." - આટલું બોલતાની સાથે અખિલેશ પણ ભાવુક બની ગયો.
જાણે વર્ષોથી સુકાયેલ કોઈ નદીમાં અચાનક ઘોડાપુર આવે, અને તેમાં જેવી રીતે ઊંચા-ઊંચા મોજા ઉછળે, તેમ અખિલેશ અને દીક્ષિતનાં હૃદયમાં મિત્રતા રૂપી નદીમાં લાગણીનાં ઊંચા-ઊંચા મોજા ઊછળી રહ્યાં હતાં, આ બંનેની મિત્રતા જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે કૃષ્ણ અને સુદામા ફરીથી એકબીજાના મિત્ર બનીને આ ધરતી પર અવતર્યા હોય.
"સારું ! ચાલ ! ત્યારે હેપી જર્ની, અને "મેગા-ઈ" સોફ્ટવેરની લોન્ચિંગ ઇવેન્ટ સક્સેસફૂલ થાય તે માટે બેસ્ટ ઓફ લક…"
"ઓકે ! થેન્ક યુ ! દીક્ષિત…!"
"ઓકે ! બાય એન્ડ ટેક કેર ! અખિલેશ…!"
"બાય ! દીક્ષિત…!" - આટલું બોલી અખિલેશે કોલ ડિસ્કનેક્ટ કર્યો.
એકાદ કલાકમાં અખિલેશ મુંબઈ એરપોર્ટ પર પહોંચી ગયો, જ્યાં બધી ફોર્માંલીટી પુરી કરીને લગભગ 10 : 37 કલાકે પોતાની ટીકીટ જે ફલાઈટમાં(સ્પાઇસજેટ) બુક હતી તેમાં બેસી ગયો.
ત્યારબાદ ફલાઈટ બરાબર 10:55 ના ટકોરે ઊપડી, અખિલેશે પોતાની સીટ પર બેસીને આ પ્રોગ્રામ કેવી રીતે સક્સેસફૂલ બનાવવો તેના માટેની સ્ટ્રેટેજી વિચારવા લાગ્યો, અને પોતાના લેપટોપમાં રહેલા બધાં જ પ્રેઝન્ટેશન એકવાર જોઈ લીધાં, અને પોતાને જે પ્રેઝન્ટેશન કરવાનું હતું તે તેને પોતાના તેજ અને શાંતીર મગજમાં ફીટ કરી દીધું, લગભગ એકાદ કલાક બાદ અખિલેશે પોતાનું લેપટોપ બંધ કરી દીધું.
આખા દિવસની દોડાદોડી, થાક, અને પૂરતી ઊંઘ ન થવાને લીધે, અખિલેશને ક્યારે ઊંઘ આવી ગઈ, તે ખ્યાલ ના રહ્યો, અને અખિલેશ પોતાની સીટ પર એકદમ રીલેક્ષ થઈને ઘસઘસાટ ઊંઘવા લાગ્યો, પરંતુ અખિલેશ એ બાબતથી એકદમ અજાણ હતો કે આ તેની છેલ્લી ઊંઘ હશે, જે તે શાંતિપૂર્વક લઈ રહ્યો હશે, કારણ કે હવે આવનાર દિવસોમાં અખિલેશની ઊંઘ કાયમિક માટે ઉડી જવાની હતી, એવાં-એવાં અણધાર્યા વળાંકો તેના જીવનમાં આવવાનાં હતાં, જે તેને શાંતિથી ઊંઘવા નહીં દે…!
ક્રમશ :
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.
મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com