ડેડુને કેમ કરી કહું?….. Nayana Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેડુને કેમ કરી કહું?…..

ડેડુને કેમ કરી કહું?…..

બાજુનાં જ ફ્લેટમાં રહેતી દીપ્તિ રૂચાના ખુલ્લા બારણામાંથી દોડતી રૂચાના રૂમમાં ગઈ અને હાંફળા ફાંફળા થઈને જુદા જુદા ખાના અને કબાટ ખોલી ખોલીને આખરે રૂચાનું અંડરવેરનું ખાનું શોધી કાઢ્યું. જે હાથમાં આવી તે નીકર અને ડ્રેસ લઈને દોડતી એના પોતાના ફ્લેટમાં ગઈ જ્યાં બાથરૂમમાં રૂચા પેટનો દુઃખાવો સહન ન થવાથી અને કંઈક ન સમજાય એવું થઈ ગયું હોવાથી ગળું ફાડીને રડતી હતી. નહાવા માટે ડોલ ભરી આપી અને પેડ નીકરમાં લગાવી એણે રૂચાને કઈ રીતે પહેરવાનું તે બતાવ્યું. રૂચાને છાની રાખવાની મથામણ કરતી દીપ્તિની પીઠ પર બે ગરમ ગરમ પાણીના ટીપાં પડ્યા. આમ તો એ ટીપાં ગીઝરની પાઈપમાંથી પડ્યાં હતાં પરંતુ એને થયું જાણે એ આંસુના ટીપા હતાં અને રૂચાની સ્વર્ગસ્થ મમ રંજનની આંખમાંથી ટપકતાં હતાં!

રંજન અને દીપ્તિ લગભગ એક જ સમયે આ બિલ્ડિંગમાં રહેવા આવ્યા હતાં હજુ તો નિક્ટતા આવી ન આવીને ત્યાં તો થોડાં જ દિવસની બિમારીમાં રંજન મૃત્યુ પામી. રંજનનું બ્રેસ્ટકેંસર એના છેલ્લા સ્ટેઈજમાં ઝડપાયું ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. 4 વર્ષની રૂચાને દીપ્તિએ સંભાળી લીધી. રંજનના મૃત્યુથી બહાવરા બની ગયેલા મનોજને દીપ્તિના પતિ રાકેશે સંભાળી લાધો હતો. બસ, ત્યારથી જુદા જુદા ફેલટમાં રહેતાં બન્ને કુટુંબ નિકટ આવી ગયાં. ઘર, નોકરી અને રૂચાને સંભાળતા મનોજને દીપ્તિ અને રાકેશનો ભારે સાથ. બાળક માટે વલવલતી દીપ્તિને ભગવાને કેવા સંજોગોમાં રૂચા આપી ?

થોડી મિનિટોમાં તો દીપ્તિનાં અંતરમનમાં કંઈ કેટલીઓ ઘટનાઓ ફિલ્મની પટીની જેમ પસાર થઈ ગઈ.

બાથરૂમનું બારણું ખુલ્યું અને સંકોચથી કોકડું વળી ગયેલી, પીડાથી ત્રસ્ત રૂચા બહાર આવી. દીપ્તિએ વહાલથી એને માથે હાથ ફેરવી બાથમાં લીધી. ત્યારે રૂચાથી સહેજ ‘ ઓ’ થઈ ગયું.

‘શું થયું બેટા?’

રૂચા દીપ્તિથી અળગી થઈ ધીમે ધીમે એના બેડરૂમમાં ગઈ અને દીપ્તિનાં બેડ પર બેસી ગઈ. દીપ્તિ એ થોડા દિવસથી નોંધ્યું હતું કે રૂચા થોડી ખુંધી ચાલે છે તેનું રહસ્ય ખુલ્યું, ‘ આન્ટી, મને અહીં(એણે એની છાતી બતાવી કહ્યું)મારો પોતાનો હાથ લાગી જાય તો ય દુઃખે છે. મને ખબર છે કે મારે હવે બ્રા પહેરવી જોઈએ. મારી ઘણી ફ્રેંડ્સ પહેરે છે……પણ મને ડેડુને કહેતાં…’

અધૂરા વાક્યમાંથી નીતરતી અસહાયતા, અનાથતા શરમ-સંકોચ દીપ્તીને હચમચાવી ગયાં!

પહેલી જ વખત દીલ ફાડીને વાત કરતી રૂચાને માથે હાથ ફેરવી સાંત્વના આપતી દીપ્તિને પણ જોર જોરથી રડવું હતું પણ ન રડી.

‘આંટી, અમને પિરિયડ વિષે સ્કુલમાં માહિતિ આપી હતી પણ આવું થશે એવી નહોતી ખબર. સૉરી, આન્ટી, તમે મારા ડેડુને ન કહેતાં, ઓ.કે.’

માથું હલાવી રુદનને માંડ માંડ કાબુમાં રાખતી દીપ્તિએ કહ્યું, ‘ ડોંટ વરી બેટા, હું તારા ડેડુને કાંઈ નહી કહું ઓ.કે, અને આજે જ હું બજારમાં જઈશને ત્યારે તારે માટે પેડ્સ અને બ્રા લઈ આવીશ. પણ તું મને પ્રોમિસ કર કે હવેથી તને કંઈ પણ મુશ્કેલી હોય તો મને જરાય સંકોચ કે શરમ વગર કહીશ. કહીશને બેટા?’

‘પ્રોમીસ, આંટી.' પછી થોડીવાર રહીને સંકોચનું કોકડું વાળી ફેંકતાં ફંકતાં બોલી,' આંટી શોપમાં જઈને બ્રા જોઈતી હોય તો શું કહેવાનું તે પણ મને ખબર નથી. એકવાર ગઈ હતી પણ એ વિભાગમાં કોઈ અંકલ ઉભેલા હતાં એટલે....'

'મને ખબર છે, શરુઆતમાં શરમ લાગે પછી ટેવાય જવાય. હજુ પેટમાં દુખે છે, બેટા?'

માથું હલાવી હા કહી, પેટ દબાવી રૂચા ગુમસુમ બેસી રહી.

દીપ્તિ હૉટવૉટરબેગ લાવી અને જોયું તો રૂચા સૂઈ ગઈ હતી.

દીપ્તિને દેખાતી રંજનની બે આંસુભરી આંખો ધીમે ધીમે હવામાં ભળી ગઈ!

*************