"દાદા શું ભૂત હોય છે?"
"હા,હોય છે.દુનિયામાં કેટલીક સારી શકિતઓ સામે કેટલીક ખરાબ શકિતઓ પણ હોય છે."
૮ વર્ષનો સ્મિત તેના લાડકવાયા દાદા ને પ્રશ્ન કરી રહ્યો હતો. ત્યાંજ પાછળથી તેના સ્મિતના પિતા એ તે વાત હાસ્ય માં કાઢી "પપ્પા આપ કંઈપણ કહી રહ્યા છો. આ એક મોર્ડન યુગ છે.આજ કાલ દુનિયા કેટલીબધી આગળ નીકળી ગઈ છે.આપ ખુદ ૬૫ વર્ષના થઈને સ્માર્ટફોન વાપરો છો.છતાંપણ આપ ભૂતપ્રેત આવી અંધશ્રદ્ધામાં માનો છો."
૮ વર્ષ નો સ્મિત આ બધું શાંતિથી સાંભળતો હતો અને તેના પિતાની વાત સાંભળ્યા બાદ તે બોલ્યો "મને દાદાની વાત પર વિશ્વાસ છે.તે ખોટું કોઈદિવસ ના બોલે."
"અચ્છા બેટા તો તારા દાદા ને જ પૂછ, શું તેમણે ક્યારેય ભૂત જોયું છે?"
દાદા ત્યાંજ બેઠા હતા. પપ્પાના આ શબ્દ સાંભળીને સ્મિતે તેના દાદા સામે જોયું તે દાદા નો જવાબ સાંભળવાની ઉતાવળમાં હતો.
દાદાએ વિના કોઈ સંકોચ વિચાર્યાવગર જ "હા" કીધું.
સ્મિતના પપ્પા અરીસામાં જોતા જોતા સ્મિત અને દાદા જ્યાં હીંચકા પર બેસીને જુલી રહ્યા હતા ત્યાં આવીને બેઠા.
"અચ્છા તો તમે ક્યાં જોયું હતું?"
"મેં જોયું નથી પણ અનુભવ્યું છે અને કદાચ જોયું પણ છે."
"અચ્છા તો તમે ક્યાં અને ક્યારે જોયું છે?"
સ્મિત દાદા ની વાત સાંભળવા દાદાની તરફ ધ્યાનથી સાંભળતો હતો.
આ વર્ષો પહેલાની વાત છે.જ્યારે તું નાનો હતો. હું એક વખત એક ગામમાં ચિત્ર બનાવવા ગયો હતો.મારુ કામ ચિત્રો દોરવાનું હતું. હું એક કલાકાર ત્યારે.કલાકાર તો આજે પણ છું પણ તે વખત ની વાતજ કંઈક અલગ હતી.હું એક બહુ મોટા શાહુકાર ને ત્યાં એક નાનકડા ગામડાંમાં ગયો હતો.આટલા વર્ષો પછી મને તે ગામડાનું નામ તો યાદ નથી પણ તે ગુજરાતમાં જ હતું.હું ટ્રેન પકડીને તે ગામડાંના નજીકના સ્ટેશને પહોંચ્યો ત્યાંથી શાહુકાર મને ઘોડાગાડી માં લેવા આવ્યો હતો.હું તેમની સાથે તેમના ઘરે ગયો ઘર બહુ જૂનું હતું કદાચ તે વખત કરતા પણ ૧૦૦ એક વર્ષ જૂનું.શાહુકાર હૃદયનો બહુ સારો હતો.તેમણે મને સવારે ચા નાસ્તો આપ્યો.નાસ્તામાં પણ વિશિષ્ટ વાનગીઓ હતી.પણ મેં શરમ ના માર્યે ખૂબ ઓછું જમ્યો પણ પછી બપોરે જમવામાં બાજરી નો રોટલો અને તડબૂચ નું શાક આપ્યું. જે મને આજે પણ યાદ છે, મને ભાવ્યું ના હતું તેથી તો સારું મેં નાસ્તો પેટભરીને કર્યો હોત તો સારું હતું તેમ થયું.દિવસમાં તો મારે તેમના ઘરે જ કામ કરવાનું હતું કારણકે મારે તેમના દાદાનું જ ચિત્ર બનાવવાનું હતું.પણ જ્યારે સાંજ પડી ત્યારે મને તેમણે એક દૂરના ઘર માં સુવાની સગવડ કરી આપી હતી.જે ગામથી થોડેક દૂર હતું એવું તેમણે મને કહ્યું તેથી મને તેમણે પાણીનો નાનો ઘડો ભરી લેવાની પણ સલાહ આપી.સાંજે ૮ વાગ્યા બાદ તેમનો સેવક અને હું એક નાનકડી પાતળી કેડી ઉપર ચાલતા ચાલતા તે ઘર તરફ જઈ રહ્યા હતા. લગભગ અંધારું થઈ ગયું હતું.હું એક પનિહારી ની જેમ હાથમાં નાનો ઘડો પકડીને ચાલી રહ્યો હતો અને મારી બાજુ માં તે શાહુકાર નો સેવક ચાલી રહ્યો હતો.
અમે બંને ખાસુ ચાલ્યા અને તેને સહેજ પણ મારી સાથે વાત ન કરી.તે એક દમ ચૂપ હતો.તે દુબળો હતો અને કપડાં પણ સામાન્ય પહેર્યા હતા,ધોતી અને અડધી બાય નો ઝભ્ભો જે પ્યોર ખાદીનો હતો.
બંને ૧૦ મિનિટ થી ચાલી રહ્યા હતા.આગળ એક રસ્તા સિવાય કંઈજ દેખાતું નહતું.રસ્તા પર અવરજવર ખુબજ ઓછી હતી માંડ એક કલાક એ એક સાઇકલ જતી હશે અને ચાલતા જનારા તો અમારા જેવા કોઈક જ હશે.૧૦ મિનિટ સતત ચાલ્યા બાદ તેના મોં માંથી પહેલું વાક્ય સાંભળવા મળ્યું.
"શું તમને જમવાનું ભાવ્યું?"
રાત ના જમવામાં બપોરનો જ રોટલો અને બટાટા નું શાક હતું જે મને નહોતું ભાવ્યું પણ મને મન માં થયું જો હું સેવક ને કઈ સાચું કહીશ તો તે શાહુકાર ને કહી દેશે પરિણામે કદાચ તે મારાથી નારાજ થઈને મારા કામ ના પૈસા કાપી લેશે.તેથી
મેં તેને હા પાડી.મેં તેને કહ્યું આમ તો યોગ્ય હતું.જોકે મને તે કંઈક બોલ્યો તે વાત ની ખુશી હતી કારણકે તેની સાથે વાતો કરીને મારો રસ્તો જલ્દીથી કપાઈ જાય.
તેને મને કહ્યું "આપ ખોટું બોલી રહયા છો.આપ ચિંતા ના કરો હું કોઈને નહીં કહું આપ મને કહી શકો છો.
"તમને કઈ રીતે ખબર પડી કે મને ખાવનું નહોતું ભાવ્યું."
"શહેર ના લોકોને વધારે આવું ખાવાની આદત નથી હોતી.હું પણ શહેર માંથી આવ્યો છું નોકરી માટે, તેથી હું જાણું છું.મને પણ શરૂઆત માં નહોતું ભાવતું."
"હા તે વાત તો છે."મેં તેની વાત માં હાજીયો પુરાવ્યો.
મેં મોકો જોઈને તેને પૂછી લીધું.
"અહીંયાંથી તે ઘર કેટલું દૂર છે?"
"બસ પાંચ મિનિટનો જ રસ્તો છે. હું આપને એક વાત કહું છું.આપ અહીંયા નવા છો તેથી મારે તમને કહેવું ઠીક રહેશે પણ તમે આ વિષે શાહુકાર સાહેબને કંઈ વાત ના કરતા."
"હા, જરૂર બોલો તમે શું કહેવા માંગો છો?"
"તમે તે ઘરમાં પહોંચ્યા બાદ સૂતી વખતે કે તે પહેલાજ ફાનસ નો દીવો બંધ કરી દેશો અને તે દીવો ત્યારબાદ ચાલુ ના કરતા."
"એવું કેમ?" મારા થી રહેવાયું નહીં અને મેં તેને સામે સવાલ કર્યો.
"આપ સવાલ ના કરો બસ મેં કીધું એટલું જ કરો."
"ઠીક છે."
અમે પાંચ મિનીટ જેટલું ચાલ્યા બાદ જમણી તરફ ના રોડ ઉપર એક બહુ નાનો દરવાજો હતો.જેની બહાર એક જુનવાણી તાળું લગાડેલું હતું.જેને મજબૂત હડો કહે છે. બહારની દીવાલ મોટી હતી એટલે અંદર નું મકાન હજી મેં જોયું ના હતું.
ખડ ખડ ખડ ખડ એમ એવા અવાજ બાદ એક જુના દરવાજાના કરરર એવા અવાજ બાદ તે નાનો દરવાજો ખુલ્યો.તે પોતાની ધોતી ઉપર કરીને અંદર ગયો.હું પણ તેની સાથે અંદર ગયો.મેં ત્યારે પ્રથમ વખત જ તે મકાન જોયું હતું.જે અત્યંત જૂનું હતું.તેનું સમારકામ પણ વર્ષો થી કરાવેલું ના હતું.તે મકાનની આગળ થોડીક જગ્યા હતી અને તે જગ્યામાં કૂવો હતો.તથા તેની આગળ ના ભાગ માં સીડી હતી.જેની ઉપર થી મકાનના છાપરા પર ચડી શકાતું હતું.ત્યારબાદ મકાનનો બીજો મુખ્ય દરવાજો જે લોક મારેલુ હતું તે ખોલ્યો.બંને ઓરડામાં પ્રવેશ્યા ત્યાં એક ખાટલો મદયમાં પડેલો હતો.તે દરવાજાની સામે તરફ હતો.તેથી માત્ર તેજ દેખાતો હતો.આજુબાજુ બાકીનું કશુંજ દેખાતુંના હતું.ફાનસ તો તેણે અંદર પ્રવેશતા પહેલાજ ઓલવી નાખી હતી.જેમ તેણે પહેલા કીધું હતું.
"તમે અહીંયા ખાટલામાં સુઈ જજો.આ પાણી ની માટલી તમારા ખાટલની બાજુમાં મૂકી દેશો. આ બારણું તમે ખુલ્લું રાખશો.હું બહારનું બારણું બહારથી બંધ કરીને જાઉં છું તે હું કાલ સવારેજ ખોલીશ."
આ સાંભળતા જ મારા કાન સુન પડી ગયા અને આંખો પહોળી થઈ ગઈ. મને અત્યાર સુધી એમ હતું ઘર કંઈક વ્યવસ્થિત હશે અને ઘર જોયા બાદ મને થયું કે કદાચ આ નોકર પણ મારી જોડે રહેશે.
હવે તેને કંઈ પણ કહેવું એનો મતલબ તેને એમ બતાવું કે હું ડરું છું.મેં તેને કશું કહ્યું નહીં.તે બહારની તરફ ચાલવા માંડ્યો અને ત્યારબાદ તે દરવાજો તેણે બહાર થી બંધ કરી દીધો.
હવે મારી પરીક્ષા હતી.હું થોડીકવાર તો જ્યાં ઉભો હતો ત્યાંજ ઉભો રહ્યો.મારી અહીંયા એક રાત કેવી રીતે પુરી થશે તેની ચિંતા હતી,છતાં પણ હવે છૂટકો હતો નહી.
હું ધીમા પગલે રૂમની અંદર ગયો.રૂમ દેખાવમાં શાંત હતો.પણ મારું મન જરા પણ શાંત ના હતું. હું તે રૂમમાં જઈને તે ખાટલામાં સૂતો હતો.આમ તો હું સૂતો ના હતો પણ સુવાની કોશિષ કરી રહ્યો હતો.કદાચ ઊંઘ આવી જાય.પણ મને ખબર હતી ઊંઘ નથી આવવાની.
મેં કલાક આંખ બંધ કરીને સુવાનું નાટક કર્યું પણ મને ઊંઘ નહોતી આવતી.તેનું બીજું કારણકે હું આજે કંઈક વહેલોજ સુવાની કોશિશ કરી રહ્યો હતો.હું કલાકના નાટક બાદ જાગી ગયો અને ફરીથી બહાર ગયો.હું ત્યાં ઉભો હતો.બહાર નાનો કૂવો અને એક ઘટાદાર વૃક્ષ જે ઘરની બહાર તરફ હતું પણ તે ઘર ના તરફ વળેલું હોવાથી તેના પાંદડા ઘરના ફળિયામાં પડતા હતા.હું પેલો નાનો દરવાજો ખૂબ ધ્યાનપૂર્વક નિહાળી રહ્યો હતો.મને કશુંજ નવું લાગી રહ્યું ના હતું.હું કદાચ કંટાળી રહ્યો હતો આટલા મોટા ઘરમાં હું એકલો મારી આજુબાજુ નો રૂમ પણ મેં આખો જોયો ના હતો.મેં દરવાજાની બહાર મારી બાજુમાં પડેલી ફાનસ જોઈ આમ તો તે સેવકે મને ફાનસ રૂમમાં ચાલુ કરવાની ના પાડી હતી પણ જોકે મને અહીંયા એવું કંઈ વિચિત્ર લાગ્યું નહીં એટલે મેં તે ફાનસ બહાર ચાલુ કર્યું અને હું તે ફાનસ અંદર લાઇ ગયો.કદાચ આ મારી ભૂલ હતી.હું રૂમની અંદર ફાનસ લઈને ગયો આનાથી આખા રૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો.મેં આજુ બાજુ જોયું ત્યાં દીવાલો ઉપર મોટા મોટા ચિત્રો હતા.એમ કહી શકાય કે તે ચિત્રો તે શાહુકાર ના પૂર્વજો નાજ હતા.તે દેખવમાં મસમોટા શરીરવાળા અને આંખો ક્રોધિલી હતી અને દેખાવમાં પણ અમુક ખુબજ વિચિત્ર હતા.ત્યાંજ થોડેક આગળ બીજી બાજુ તેવાજ તે શાહુકાર ના પૂર્વજોના પૂતળા હતા.જે પણ ખૂબ બિહામણા લાગતા હતા.પણ મને એમ થયું કે તે અહીંયા શા માટે રાખ્યા હશે. હું ડરી ગયો કદાચ હોવી મને કોઈના હોવાની અનુભૂતિ થતી હતી.મેં ફાનસ બંધ કરવાનો વિચાર કર્યો.હું ફાનસ બંધ કરી બહાર મુકવા ગયો ત્યાં મને દરવાજાના ઉંબરા આગળ ઠેસ વાગી અને હું પડી ગયો.મારા હાથ માંથી ફાનસ પણ પડી ગયું.હું વધારેજ ગભરાઈ ગયો.મને હવે એવું સતત લાગતું કે અહીંયા કોઈ છે.maei પાસે પાછા જવાનો પણ રસ્તો ના હતો.નોકર ઘર બંધ કરીને ગયો હતો અને કોટ ની દીવાલ પણ ખૂબ ઊંચી હતી બહાર નીકળવું મુશ્કેલ હતું.હું ઉભો થયો કંઈ સૂઝતું ના હતું.મેં ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું પણ ડર યથાવત હતો.છતાંપણ હું અંદર ગયો અને આંખો બંધ કરીને સુવાની કોશિષ કરતો હતો.મને ત્યાં સતત કોઈના હોવાની અનુભૂતિ થતી હતી.મને એવો અહેસાસ થયો કે કોઈ અજાણ્યો પડછાયો દરવાજા પાસે છે. મેં થોડીવાર રહીને ધડામ એવો અવાજ કોઈના કૂવામાં પડવાનો સાંભળ્યો.મેં આંખો ના ખોલી હું ત્યાંજ સૂતો સૂતો ભગવાનનું નામ લેતો હતો.પણ મારા હાથ કોઈ પકડી રાખ્યા હોવ એવો અહેસાસ થવા લાગ્યો.જેણે પણ મારો હાથ પકડ્યો હતો તેણે પોતાની પકડ મજબૂત કરી મને અસહ્ય પીડા થતી હતી કદાચ તે હવે લોહી નીકળી જવાની કગાર પર હતું.પણ છતાં મેં આંખ ના ખોલી મેં મન માં ભગવાનનું નામ ચાલુ રાખ્યું.હું સતત તે ડર અનુભવી શકતો હતો.
નાતો હું રૂમ નીબહાર જવા માંગતો હતો નાતો હું અંદર રહેવા માંગતો હતો.મારે ગમે તેમ કરી અહીંયા રાત ગુજારવાની હતી.ધીમે ધીમે કદાચ અડધી રાત થઈ ગઈ હતી.હું હજી તેજ અવસ્થામાં હતો મેં મારી આંખ સહેજ પણ નહોતી ખોલી કારણકે હું તેને જોવા માંગતો ના હતો.હવે કદાચ તે હદ વટાવી ચૂક્યું હતું. તેના હાથની મજબૂત પકડ મને સતત દુખતી હતી.મેં શાન કરવાનું ચાલુ રાખ્યું હું ભગવાનનું નામ લેતો હતો.મને ખબર જ ના રહી કે હું સુઈ ગયો કે બેહોશ થઈ ગયો હતો.હું ઉઠ્યો ત્યારે સેવક મારી સામે બેઠો હતો અને તે મને ઉઠાડવાની કોશિષ કરી રહ્યો હતો.હું ઉઠ્યો અને તેની સામે જોયું હું ખાટલા પર જ બેઠો હતો.ત્યારે મારુ ધ્યાન અચાનક દીવાલો પર ગયું અત્યારે તે રૂમમાં કંઈજ ના હતું.ના કોઈ ચિત્રો ના કોઈ પૂતળા મારુ મન ચકરાવે ચડ્યું હતું.તો શું રાત્રે મેં જોયું હતું તે સ્વપ્ન હતું કે હકીકત તે મારી માટે મુશ્કેલ બન્યું હતું.છતાં મેં સેવક ને તે રાત વિષે કંઈજ કહ્યું ના હતું.અમે શાહુકાર ના ઘર તરફ આગળ વધતા હતા.થોડીક વાર બંને શાંત હતા.પણ તેણે મને સવાલ પૂછ્યો.
"શું આપે રાત્રે ફાનસ ચાલુ કરી હતી રૂમમાં?"
હું વિચારમાં પડી ગયો ત્યારબાદ મેં થોડું વિચારીને હા જવાબ આપ્યો.
પણ મેં તેને સામે પ્રશ્ન કર્યો
"આવું પૂછવાનું કારણ?"
તે ઉભો રહ્યો અને ત્યારબાદ તેણે પોતાનો ઝભ્ભો ઊંચો કર્યો અને મારી તરફ પીઠ ધરી તેની પીઠ ઉપર નાના નાના નખ જેવા ઉઝરડા હતા.જે થોડા આછા હતા પણ બહુ બધા હતા.
આ હતો મારો અનુભવ ત્યારબાદ હું તે ગામમાં કોઈ દિવસ નથી ગયો.મેં તે નોકર ને તે વિષે બહુ કંઈ પૂછ્યું ના હતું.પણ ઠીક છે આ મારી ખરાબ યાદો માંથી એક છે.
તેમનો દીકરો સ્મિત વાતો સાંભળતા સાંભળતા સુઈ ગયો હતો.તેના પપ્પા એ તે વાત ધ્યાન દઈને સાંભળી બાદ ત્યાંથી ઉભા થઈને કંઈજ કહ્યા વગર બહાર જતા હતા.પણ છતાંય તેમને વળીને તેમના મનની ખાતરી કરવા પૂછ્યું "શું આ સત્ય ઘટના છે કે બાળકો માટે વાર્તા બનાવી છે?"
ત્યારે દાદા એ પોતાનો જમણો હાથ તેમના દીકરા તરફ કર્યો અને જેવા તે શાહુકાર ના સેવકની પીઠ પર ઉઝરડા હતા તેવાજ તેમના હાથે બતાવ્યા જે હવે આછા થઈ ગયા હતા.
આ જોઈને સ્મિત ના પપ્પાનું મોં ખુલ્લું રહી ગયું.
દરેક મારા વાંચક મિત્રોને નમ્ર વિનંતી કે વાર્તા વાંચ્યા બાદ આપના પ્રતિભાવો મને ચોક્કસ થી જણાવો જેથી મને પ્રોત્સાહન મળે અને હું વધુ જ સારું ઉત્કૃષ્ટ લેખન કરી શકું.
તથા આપ તદ્દન નવીજ દુનિયાની મુસાફરી કરાવતી અને એક રહસ્યમય સાહસકથા મારી પ્રથમ નવલકથા વાંચી શકો છો..માતૃભારતી પર જેની નામ છે "કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય".
લેખક: કુલદીપ સોમપુરા