64 સમરહિલ - 52 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 52

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 52

વારંગલ પહોંચીને તરત દુબળીએ ટેમ્પો ટ્રેવેલરની બેઠક વ્યવસ્થા બદલી હતી. ઝુઝારને પાછળના કમ્પાર્ટમેન્ટમાં મોકલીને પોતે છપ્પનની પાસે ગોઠવાયો હતો. છપ્પનને તેણે મંદિર વિસ્તારનો નકશો, ફોટોગ્રાફ આપ્યા અને મૂર્તિના સ્થાન વિશે તેણે કરેલી નોંધ પણ આપી.

પોતે કઈ રીતે મૂર્તિ ઊઠાવશે એ વિશે કોઈની પણ સાથે ચર્ચા કરવી છપ્પનને કદી ગમતી નહિ અને અહીં હજુ તેણે લોકેશન પણ જોવાનું બાકી હતું. તેણે એક પણ બાબતનો ફોડ પાડયા વગર બે દિવસનો સમય અને પચ્ચીસ હજાર રૃપિયા માંગી લીધા અને કાઝીપેટ રેલવે સ્ટેશન પાસે ઉતરી ગયો હતો.

સૌથી પહેલાં તેણે સિટી બસની તપાસ કરી અને સર્ક્યુલર રૃટમાં બેસીને આખા શહેરની પ્રદક્ષિણા કરી લીધી. અજાણ્યા શહેરને ઓછા સમયમાં અને ઝડપથી સમજવા માટે તેને આ કિમિયો અક્સિર લાગતો હતો.

એકધારી ૩૨-૩૩ કલાકની મુસાફરીથી લાગેલો થાક ઉતારવાનો હતો પણ એ પહેલાં કેટલુંક શોપિંગ કરી લેવું જરૃરી હતું. બજારમાં ફરીને તેણે એક નાનકડો બેકપેક, એક મોટો થેલો, ત્રણ જોડી કપડાં, અલગ અલગ સાઈઝના પણ એકસરખાં જૂતાંની બે જોડી, શેવિંગ ફોમ, મીણબત્તી, લાઈટર, રસ્સી, લાકડાના ટૂકડા, છીણી, હથોડી, ડિસમિસ એવો જાતભાતનો સામાન ખરીદ્યો. પછી ત્રણેક મેડિકલ સ્ટોર ફરીને બ્રાઉન બેન્ડેજનું એક ફિંડલું, ડેટોલ, બોડી સ્પ્રે, હેર રિમૂવર ક્રિમની પાંચેક ટયુબ ખરીદી કરી.

ચૌરાહાની ફૂટપાથ પરથી વારંગલનો નકશો અને તેલુગુ ભાષાના પ્રાથમિક શબ્દો શીખવતી પોકેટ સાઈઝની બુક પણ લીધી. ખાસ્સી વાર સુધી એ ત્યાં જ ઊભો રહીને સ્થાનિકોની ચાલવાની ઢબ, ચહેરાની વિશેષતા, કપડાં, એકમેક સાથેનો વર્તાવ વગેરેનું બારીક નિરીક્ષણ કરતો રહ્યો.

છપ્પનની ખાસિયત હતી. કામ પર ચડતી વખતે તેની તમામ ઈન્દ્રિયો ફક્ત લક્ષ્ય પર જ કેન્દ્રિત થઈ જતી. રેલવે સ્ટેશન વિસ્તારની એક સસ્તી હોટેલમાં પહોંચ્યા પછી ય તેની આંખોમાં ઊંઘ ન હતી. ઘડીક આરામ કરીને તેણે લોકેશન વિઝિટની તૈયારી શરૃ કરી.

આજે તેનો બાપ ગૂંગાસિંઘ તેને બેતહાશા યાદ આવી રહ્યો હતો. ગૂંગાસિંઘનો કાયમી આદેશ રહેતો, કામ પર જતી વખતે જેટલી વિઝિટ કરવી પડે એ દરેક વખતે વેશપલટો કરવો જોઈએ. એ તદ્દન અભણ દેહાતી વેશપલટામાં જબરો માહેર હતો અને ચબરાક એટલો કે કોઈપણ હાથવગી કે ઘરગથ્થુ ચીજ વડે તે હુલિયો આબાદ બદલી શકતો.

સવારનો સમય હોય તો વેશપલટો કેવો હોવો જોઈએ અને સાંજે કેવો હુલિયો રખાય તેના વિશે ય ગૂંગાસંહિતામાં ખાસ અધ્યાય રહેતા.

દિખાવા, પહનાવા ઔર ચલાવા ઉ તીણ બાતા બદલતે રહો, ખુદ કી લુગાઈ ભી નઈ પૈચાણ સકેગી... છપ્પન મનોમન મરકી પડયો.

અરીસામાં ક્યાંય સુધી પોતાનો ચહેરો જોયા કરીને સૌથી પહેલાં તેણે દેખાવ બદલવાની કરામત આદરી. દિવસોથી વધેલા દાઢી-મૂંછ આજે યથાવત જ રાખવાના હતા. તેણે માથામાં ઘસી-ઘસીને તેલ નાંખ્યું પછી ડાબી બાજુ પાંથી પાડીને વાળને ચપ્પટ પાથરી દીધા. ચહેરા પર દીવાની મેંશ ચોપડીને થોડોક સમય સૂકાવા દીધી. મોં ધોયા પછી તેના ચહેરાનો વર્ણ થોડોક ઝાંખો અને શ્યામ થઈ ગયો હતો, જે સાંજના આથમતા તડકામાં વધારે ડલ લાગવાનો હતો.

કપડાં બદલીને તે બહાર નીકળ્યો. હોટેલ સાધારણ કક્ષાની હતી. કાઉન્ટર પર તેણે અકારણ જ સિવિલ હોસ્પિટલ જવા વિશે રસ્તો પૂછ્યો. કાઉન્ટર ક્લાર્ક ગંભીરતા પૂર્વક કાગળ પર નકશો દોરીને તેને સમજાવતો રહ્યો અને તે ય જાણે સમજવાનો પ્રયાસ કરતો હોય તેમ ડોકું હલાવતો રહ્યો.

તે બહાર નીકળ્યો ત્યારે ધીમે ધીમે બપોરનો તડકો કૂણો થતો જતો હતો. હવામાં ભેજ વર્તાતો હતો. ખભા પર બેકપેક લટકાવીને એકાદ કિલોમીટર સુધી એ સીધી જ દિશામાં ચાલતો રહ્યો અને પછી ઓટોરિક્ષા ઊભી રાખી, '૧૦૦૦ સ્તમ્બાલા ગુડી વાઉડા?'

'વાઉડા.. વાઉડા'

રીક્ષાવાળાએ તેની સામે અછડતી નજર ફેંકીને મીટર ડાઉન કર્યું અને રેલવે સ્ટેશન રોડના ભરચક ટ્રાફિક વચ્ચેથી કર્કશ અવાજ કરતી રીક્ષા સડસડાટ આગળ વધી.

* * *

'ઈટ્સ અ વરાઈટી ટેમ્પલ' દુબળી જાણે હવાફેર કરવા હિલ સ્ટેશન પર આવ્યો હોય તેમ ઈઝી ચેર પર પગ લંબાવીને ખુશનુમા મિજાજે કહી રહ્યો હતો, 'હજાર સ્તંભવાળું મંદિર...' પછી તેણે ત્વરિત તરફ આંગળી ચિંધી, 'તને તો ખ્યાલ હોવો જોઈએ...'

ધ્યાનથી તસવીરો નીરખી રહેલા ત્વરિતે ગરદન જરાક ઊંચકી અને બેધ્યાનપણે હકારમાં ડોકું ધૂણાવ્યું. સંકેત પ્રતિમાની તસવીરો તેણે જોઈ ત્યારથી તેના મગજમાં ધમાસાણ મચ્યું હતું. એ માની ન્હોતો શકતો કે આટલાં વિખ્યાત, પૂરાતન મંદિરમાં આવી દુર્લભ પ્રતિમા હતી અને તેમ છતાં અત્યાર સુધી તેનું તો ઠીક, બીજા કોઈનું ય ધ્યાન ગયું ન હતું.

'મેં પણ અનેકવાર આ મંદિરની મુલાકાત લીધી છે અને એક જર્નલ માટે આર્ટિકલ પણ લખ્યો છે..'

'આ પ્રતિમા જોઈ હતી?' દુબળીના અવાજમાં પાક્કું પ્રોફેસરપણું ઊભરાતું હતું.

'ના..' ત્વરિતના ચહેરા પર બેસબબ આશ્ચર્ય તરવરતું હતું અને રાઘવના ચહેરા પર અપાર ઉત્સુકતા..

'કમ ઓન, આ તમારો બંનેનો સબ્જેક્ટ છે એટલે તમે ઘણું જાણતા હશો પણ હું ય અહીં બેઠો છું...' કૂતુહલથી ધબકી રહેલા રાઘવે ખુરસી નજીક ખસેડી, 'એટલિસ્ટ મને સમજાય એ માટે ડિટેઈલમાં કહે, પ્લિઝ..'

'કેમ??' તેણે ધારદાર નજરે, ચહેરા પર રમતિયાળ સ્મિત મઢીને રાઘવની સામે જોયું, 'પછી મને પકડવામાં સરળતા રહે એટલે?'

'તો પછી આટલું ય શા માટે કહે છે?' રાઘવ ગિન્નાયો, 'બાંધી રાખને ક્યાંક ભંડકિયામાં?'

'તને છુટો રાખ્યો છે કારણ કે તું ભાગી શકવાનો નથી એ મને ખબર છે એન્ડ માઈન્ડવેલ...' તે ઝાટકાભેર કમરમાંથી ઊંચકાયો અને ડારતી નજરે રાઘવ સામે જોયું, 'આઈ એમ નોટ અ ક્રિમિનલ..' પછી એક એક શબ્દ છૂટો પાડતાં ઉમેર્યું, 'આઈ એમ જસ્ટ ટ્રાઈંગ ટૂ પ્રૂવ માયસેલ્ફ... એન્ડ બિલિવ મી, આઈ વિલ...'

'તો પછી આમ અડધુંપડધું શા માટે બોલે છે? ઘડીક તસવીર કાઢે છે, ઘડીક નકશા બતાવે છે, થાઉઝન્ડ પીલર્સ ઓર હન્ડ્રેડ વોલ્સ... જે કંઈ હોય એ સમજાય એમ કહે... ગોળ-ગોળ કહ્યું હશે એમાં જ તારૃં રિસર્ચ કોઈને ગળે નહી ઉતર્યું હોય...'

'માય ફૂટ...' હવે તે બરાબર ચીડાયો લાગતો હતો, 'તું જડ બુધ્ધિનો પોલિસવાળો છે, એ લોકો તો આ સબ્જેક્ટના ઈન્ટરનેશનલ સ્કોલર્સ હતા...'

'પણ હું તો...' રાઘવ નક્કી ન્હોતો કરી શકતો કે આ માણસ ચિડાય છે ત્યારે વધારે બોલી નાંખે છે કે તેને પંપાળવાથી તેની જીભ ખૂલે છે. છેવટે તેણે ઢીલ મૂકી, 'એઝ યુ સેઈડ, જડ બુધ્ધિનો પોલિસવાળો જ છું તો પ્લિઝ મને સમજાય એમ કહે ને... મને ય આ તિલસ્મી વાતમાં રસ પડયો છે...'

એ ઘડીક એમ જ હવામાં તાકીને બેઠો રહ્યો, પછી ત્વરિતના હાથમાંથી ફોટોગ્રાફ ખેંચીને રાઘવની સામે ધર્યા, 'આ મંદિર એક હજાર વર્ષ જૂનું છે અને આ મૂર્તિ ઓછામાં ઓછી ૧૭૦૦ વર્ષ પૂરાણી છે...'

'એ કેવી રીતે બની શકે?' રાઘવે આશ્ચર્ય વ્યક્ત કર્યું, 'ઘર કરતાં ઘરની દિવાલ જૂની હોય કદી?'

'હોય...' તેણે સ્મિતભેર જવાબ વાળ્યો, 'જો ફક્ત એ દિવાલને સાચવવા માટે જ ખાસ ઘર બાંધવામાં આવ્યું હોય તો...'

'એટલે? યુ મીન...' હવે ત્વરિતને ય કશુંક ગળે ઉતરતું હોય તેમ તેનો ચહેરો સપાટાભેર હાવભાવ બદલતો હતો.

'યસ, આ મૂર્તિ ૧૭૦૦ વર્ષ જૂની છે. ઈવન, કેશાવલિના સ્થાનકની મૂર્તિ કે ડિંડોરી દેવાલયની મૂર્તિ પણ મૂળ દેવાલય કરતાં ૨૦૦, ૫૦૦ કે ૭૦૦ વર્ષ જૂની છે અને કેટલીક વાર તો ખાસ એ મૂર્તિઓ સંતાડવા માટે, સાચવવા માટે જ દેવાલયો બન્યા છે..'

બંનેના ચહેરા પર છવાયેલી અવઢવ જોઈને તે મરક્યો, 'હિન્દુસ્તાનના આટલા લાંબા ઈતિહાસમાં થઈ ગયેલા શ્રેષ્ઠતમ માણસની બેહદ કુશાગ્ર બુધ્ધિ અને દૂરંદેશીપણાનું એ પરિણામ છે કે હજારો વર્ષની ઉથલપાથલ પછી પણ માનવશક્તિની ચરમસીમા સમી આ મૂર્તિઓને આજે આપણે જોઈ રહ્યા છીએ.' તેણે હવામાં બે હાથ ફેલાવ્યા, ચહેરા પર અજબ ભાવ સાથે તેની આંખો મિંચાઈ, હાથ વંદનની મુદ્રામાં જોડાયા અને ભાવસભર સ્વરે તેણે ઉમેર્યું, 'આદ્ય શંકરાચાર્ય...'

'વોટ અ વિઝન... વોટ અ વિઝનરી મેન...' તેણે કેટલીય વાર ડોકું ધૂણાવી નાંખ્યું, 'ઈસ્વીસનની નવમી સદીના પ્રથમ ઉત્તરાર્ધમાં થઈ ગયેલા એ આદમીએ વેદના ભેદ ઉકેલ્યા, શાંકરભાષ્ય રચ્યું, હજારો સ્તોત્રો રચ્યા અને એથી અનેકગણું મહત્વનું કામ એ કર્યું કે પ્રાચીનતમ મહાવિદ્યાઓને શોધી-શોધીને તેણે એકત્ર કરી અને બીજા હજારો વર્ષો સુધી તેને આંચ ન આવે, કુપાત્રના હાથમાં એ વિદ્યા જાય નહિ એ રીતે સુરક્ષિત રાખી જાણી...'

ઘડીક એ અટક્યો. બોટલ ઊઠાવીને પાણીનો ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો. ત્વરિત અને રાઘવ બંને સ્તબ્ધપણે તેને સાંભળી રહ્યા હતા.

* * *

છપ્પન ઘડીક દિગ્મૂઢ થઈને જોતો રહ્યો.

આખા રસ્તે એ સતત માહોલ નીરખતો જતો હતો. ક્યો ટર્ન કેટલો સાંકડો છે, ક્યા રસ્તે કેટલો ટ્રાફિક છે એ બધાની મનોમન નોંધ લેતા જઈને તે આવતીકાલનું પ્લાનિંગ કરી રહ્યો હતો પણ મંદિરની ભવ્યતા જોઈને તેના જેવા ધીટ, જાડી ચામડીના રીઢા ચોરના ય રૃંવાડા ઊભા થઈ ગયા હતા.

વારંગલથી દૂર અને હનુમાનકોન્ડાથી સ્હેજ નજીક, શહેરની ભીડથી દૂર, ખુલ્લા મેદાનમાં જમીનથી લગભગ ચારેક ફૂટ ઊંચા પથ્થરના પ્લેટફોર્મ પર બસ થાંભલા જ થાંભલા...

આથમતા સુરજનું અજવાળું ઝિલતા, એકમેકના ઓછાયામાં ભળીને વિરાટ કદના આદમીઓનું જાણે લશ્કર ઊભું હોય તેવો આભાસ સર્જતા એ દૃશ્યને છપ્પન ક્યાંય સુધી જોઈ રહ્યો.

સાંજ ઢળવા આવી હતી. પગથિયા પર કોઈક અટકચાળિયાએ કોતરેલા નવ કૂકરીના ખાંચા પર બે જણાં કોડીના દાવ પાડી રહ્યા હતા. થાંભલાઓ પાછળ કેટલાંક ટાબરિયાઓ થપ્પો રમતાં કોલાહલ કરી રહ્યા હતા. કેટલીક ઓરતો અકારણ જ થાંભલાઓ પર દેખાતા આકારમાં ઈશ્વરને ભાળીને સાડીનો છેડો માથે ઓઢીને વંદન કરી રહી હતી.

છપ્પને ખિસ્સામાંથી નકશો કાઢ્યો. મંદિરના વચ્ચેના અર્ધવર્તુળાકાર મંડપથી ડાબી તરફ ચોથી હરોળમાં છઠ્ઠો થાંભલો, તેની બરાબર પાછળ સીધમાં ત્રીજો થાંભલો, એ થાંભલા પર પાછળની દિશાએ જડેલી એક બિહામણી મુખાકૃતિ, એ મુખાકૃતિના ડાબા હાથના સ્હેજ વળેલા અંગૂઠા વડે ચિંધાતી દિશાએ વધુ એક થાંભલો અને તેના પર એકમાં બીજું, બીજામાં ત્રીજું એવા થ્રી-ડાયમેન્શલ ઓરડા કે વાવ જેવો આભાસ ઊભી કરતી કોતરણી વચ્ચે જડાયેલી વર્તુળાકાર પ્રતિમા...

એ જ ઊઠાવવાની હતી...

(ક્રમશઃ)