Return Ticket books and stories free download online pdf in Gujarati

રિટર્ન ટીકીટ

"શૈવા...... આજે સર મિટિંગમાં તારા માટે પૂછતાં હતાં. આઈ અન્ડરસ્ટેન્ડ તારે પોતાનાં પ્રોબ્લેમ્સ છે ઘરે. બટ આઈ મસ્ટ સે તારે કઈક એડજસ્ટ કરીને એટલીસ્ટ મિટિંગ ના દિવસે તો ટાઈમ પર આવી જવું જોઈએ...આ ખોટું સાંભળવાનું ને હવે.....આપણાં બોસ તો ખબર છે ને તને. ગુસ્સો કરવા માટે એમને કારણ ની પણ જરૂર હોતી નથી. નાક પર જ હોય છે. ને તું પાછી એમને કારણ આપે. વ્હાય ડુ યુ ડુ ધેટ.." " મને ખબર છે સ્ટેફી...પણ તને ખબર છે ને મારા ઘરની સિચ્યુએશન. હું એનું કાંઈ કરી શકું તેમ નથી." શૈવા એ બેગ મૂકી કોમ્પ્યુટર ચાલુ કરતાં કહ્યું. " મને બધું ખબર છે અને હું બધું સમજુ છું માય ડિયર.. પણ શું છે ને....ઓશિયન ફેબ્રિક્સ એ મારી કંપની નથી. મિસ્ટર નૈષધ કિનારીવાલાની છે. અને એ કશું જ નહીં સમજે. એ માત્ર એટલું જ સમજશે કે મેં બોલાવેલી મિટિંગમાં કોઈ એમ્પ્લોઈ લેટ આવ્યો. મને ચિંતા થાય છે. એ માથાનો ફરેલો માણસ છે. બે જણ ને એણે આવી નાની વાત ઉપર રાજીનામાં પકડાવી દીધાં છે." સ્ટેફીએ કહ્યું.

"ઓફિસમાં લેટ આવવું એ નાની વાત નથી સ્ટેફી....બધા એ સમયસર જ આવવું જોઈએ એમ હું પોતે પણ દ્રઢપણે માનું છું. એટલે એમની એ વાત ખોટી નથી. પણ મારા સંજોગોના કારણે હું કોઈક વાર એમાં ચુકી જાઉં છું. ને રહી વાત પેલા બે જણ ની..તો આઈ એમ શુઅર એ વગર કોઈ કારણે મોડાં આવતાં હશે..અથવા મોડાં આવીને પણ અહીં કાંઈ ઉકાળી નહીં લેતાં હોય એટલે આપણી મશીન ગને એમને ફાયર કરી દીધાં હશે..." સ્ટેફી શૈવાને જોઈ ને વિચારતી રહી..કેટલું ભરીને બેઠી છે આ છોકરી. ને તેમ છતાં કેટલું ખેલદિલી થી જીવી રહી છે.એનો અવાજ કોઈ પણ સંજોગોમાં દ્રઢ જ હોય. ગમે તે રીતે કામની શરૂઆત થઈ હોય પણ એનો અંત તો શૈવા પરફેક્ટ જ બનાવી દેતી. આખો દિવસ બસ કામ ને કામ..બીજી કોઈ માથાકૂટ નહિ.

" શૈવા મેડમ..તમને સર તાત્કાલિક બોલાવે છે..." મહેશભાઈ એ આવીને કહ્યું ને સ્ટેફીની તંદ્રા તૂટી. એણે શૈવાને કહ્યું," લો ત્યારે...ઓલ દ બેસ્ટ...."

"મે આઈ કમ ઇન સર? શૈવાએ કેબિનનો દરવાજો ખોલતાં પૂછ્યું. અને નૈષધે ખૂબ કઠોર નજરથી જોઈ ઇશારાથી સંમતી આપી.

" જુઓ મિસ શૈવા...હું આ તમને લાસ્ટ ટાઈમ કહું છું. આમ તો આટલી તક હું કોઈને આપતો નથી. પણ પપ્પાના રેફરન્સ થી તમે આવ્યાં છો. ને એના કરતાં પણ વધારે તમારું કામ ઓફિસમાં વખણાય છે. એટલે આટલું મેં ટોલરેટ કર્યું. પણ એની આડમાં મને ઓફિસ ટાઇમિંગ સાથે કોઇ કોમ્પરોમાઇઝ કરે એ પસંદ નથી. એટલે હવે પછીથી તમે ગમે તે કરણ હોય...મોડાં નહીં પડો. આઈ હોપ ધેટ ઇઝ અન્ડરસ્ટુડ વેલ..."

"સોરી સર...એન્ડ યસ આઈ વિલ ટેક કેર ઓફ ઇટ. " શૈવા એ કહ્યું અને નૈષધ પાછો નીચે જોઈ કામ કરવા લાગ્યો. બહાર આવી શૈવા પણ કામ માં પરોવાઈ ગઈ. સાંજ પડે બધાના ડેઇલી રિપોર્ટ્સ બોસને મેઈલ કરી સ્ટેફીએ જવાનું રહેતું. અને નૈષધ એ બધું જોયા બાદ ઓફિસથી નીકળતો. આમ તો ટેલેન્ટ વગરની ભરતી કરવામાં એ માનતો નહીં. પણ એનાં પિતાજી એ ખુદ શૈવા માટે ભલામણ કરેલી. એમનાં એક સમયનાં એકાઉન્ટન્ટની દીકરી હતી. એ પપ્પાને ના કહી શક્યો નહોતો. એટલે શૈવાનો રેસ્યુમ જોવામાં એણે બહુ રસ દાખવ્યો નહી. ઓફિસમાં સ્ટેફીને કહી રાખેલું કે એક નવી છોકરી આવશે.એને જગ્યા બતાવી કામ સમજાવી દેવાનું. એન્ડ લેટ મી નો હાઉ ડઝ શી વર્ક. અત્યારે પપ્પાની વાત માનવી પડે એમ છે પણ પછી કંઈક રસ્તો કરીશું. સ્ટેફી નૈષધની પર્સનલ આસિસ્ટન્ટ હતી. એના કહ્યા પ્રમાણે કર્યું તો ખરું. અને શૈવાના કામ વિષે રિપોર્ટ્સ આપતી રહી. એનું કામ જોઈને નૈષધને સંતોષ થયો. અને થોડી વધુ તક આપવાની ઈચ્છા થઈ. ત્યાં સુધી નૈષધને શૈવાને મળવું જરૂરી લાગ્યું નહોતું. શૈવાએ ઘણી વાર વિચાર કર્યો કે પોતાને આ જોબ આપવા બદલ આભાર માને. પણ નૈષધે એવી કોઈ તક શૈવાને આપી નહોતી. પણ જ્યારે એનાં ધ્યાનમાં આવ્યું કે શૈવા રોજ ઓલમોસ્ટ વીસ-પચ્ચીસ મિનિટ મોડી આવે છે. ત્યારે એને લાગ્યું કે આ બાબત ન ચલાવી લેવાય. બીજા બધા જ્યારે પોતાની બીકે સમયસર ઓફિસ આવતાં હોય, ને શૈવાને સ્ટેફીએ સમજાવ્યું જ હોય..ત્યારે એણે સમયસર તો આવવું જ જોઈએ. અને પહેલી વાર એણે શૈવાને કેબિનમાં બોલાવી એ વિષે કહ્યું હતું. સ્ટેફી આમ તો નૈષધની સૂચનાઓ ને ખૂબ સિરિયસલી લેતી. પણ શૈવા વિષે જાણ્યાં પછી એને શૈવા માટે થોડી લાગણી રહેતી. એટલે નૈષધ ટોકે એના પહેલાં એ જ એને ચેતવી દેતી. એની સાથે મિત્રતા થઈ ગઈ હતી. એટલે એ શૈવાને કહેતી...કે તેં ધાર્યું ન હોય એટલો કઠોર હૃદયના છે આપણા બોસ..આમ લાઈટલી ન લે...એ માણસને કામ સિવાય કોઈ વસ્તુ સાથે લેવા દેવા નથી. ટોટલ ઈમોશનલેસ છે. પણ શૈવા ધારે તો પણ સમયસર આવી શકે તેમ નહોતી. અને ઘણું ધ્યાન રાખવા છતાં એક દિવસ ફરી મોડું થઈ જ ગયું. સવારે નૈષધે સ્ટેફીને એક્સટેંશન પર ફોન કરી શૈવાને અંદર મોકલવા કહ્યું. સ્ટેફીએ થોડું ડરતાં જવાબ આપ્યો કે શૈવા હજી આવી નથી. આવે એટલે તરત મોકલું. સાથે જ નૈષધનું ત્રીજું નેત્ર ખુલ્યું.

" નો ઇટ્સ ઓકે સ્ટેફી. એમનો રીલિવ લેટર ટાઈપ કરી એ આવે એટલે એમને આપી દેજો. અને મને અહીં મળવા ન આવે એનું ખાસ ધ્યાન રાખજો. વિશ હર એ બ્રાઇટ ફ્યુચર ઓન માય બિહાફ..." કહી એણે ફોન મૂકી દીધો. અને કામમાં પરોવાઈ ગયો. સ્ટેફી સ્તબ્ધ બની હાથમાં રીસીવર પકડી બેસી રહી. એને શુ કરવું સમજાયું નહીં....

નૈષધ સાંજે બધાનાં ડેઇલી રિપોર્ટ્સ જોઈ રહ્યો હતો. લિસ્ટમાં શૈવાનું નામ આવ્યું. સામે કોઈ પ્રોગ્રેસ અપડેટ્સ હતી નહીં. એ સમજી ગયો કે સ્ટેફીએ કહી દીધું હશે. પણ એને નવાઈ લાગી કે શૈવાએ બચાવ કરવાનો પ્રયત્ન ન કર્યો. કારણકે એણે સ્ટેફીને કહી રાખેલું કે કોઈનું રિયલ ઈશ્યુ હોય તો તમારે આગળ વાત કરવી. બાકી મેં કીધું એ કરી નાખવાનું. સ્ટેફી ગમે એટલું વાહિયાત બહાનું હોય બોસને એકવાર ઇમેઈલ પાઠવી જણાવતી. પણ આજે એવું પણ કંઈ નહોતું થયું. કદાચ શૈવા નાં પપ્પા પોતાના પિતાજીને સીધું કહેવા આવશે. ભલે આવે. એ વિચારી રહ્યો. મારી પાસે પણ નક્કર કારણ છે જ. હું કહી દઈશ. પછી પપ્પા કહેશે એમ. એવું બધું એ વિચારી રહ્યો. શૈવાએ તૈયાર કરેલી ગઈ કાલની ડિઝાઇન્સ એ જોઈ વિચારી રહ્યો..વ્યક્તિમાં કેટલી ક્રિએટિવિટી હોય છે. પણ ડીસીપ્લીન વગર કશુંય કામનું નથી....

"બેટા.... આપણી ઓફિસની એનિવર્સરી નિમિત્તે તેં જે પાર્ટી રાખી છે એમાં હું વિચારું છું મારાં થોડાં જૂનાં સ્ટાફને પણ બોલાવી લઉં. ખૂબ વર્ષો સુધી મારાં કામમાં સાથે રહ્યાં છે. એમને સારું લાગશે." ઉદયભાઈ એ નૈષધને કહ્યું.

" ચોક્કસ પપ્પા, સારો આઈડિયા છે. મને માત્ર લિસ્ટ આપી દેજો. એટલે એરેન્જમેન્ટ્સ માં ખબર પડે." નૈષધ બોલ્યો.

" પાંચ જ જણ છે બેટા. ફેમિલી સાથે કહીશું તો પણ એકલાં જ આવશે બધા. પહેલાં છ હતાં પણ ભાસ્કરભાઈ નું તો ગયા વર્ષે નિધન થયું. ને એના બિહાફમાં એમની દીકરી શૈવાને તો ઓફિસ સ્ટાફ તરીકે કીધું જ હશે તેં...." ઉદયભાઈ એ કહ્યું. સાથે જ નૈષધને એક આંચકો લાગ્યો. એને શુ કહેવું એ સમજાયું નહીં. એણે પૂછ્યું..." એટલે શૈવાનાં ફાધર...."

" હા બેટા, રોડ એક્સીડેન્ટમાં બંને પતિપત્ની મૃત્યુ પામ્યાં હતાં. દીકરી એકલી રહી ગઈ. ખૂબ સરસ વ્યક્તિ હતાં."

સંવાદ ત્યાં પૂરો થયો પણ નૈષધ નાં મનમાં ચાલુ રહ્યો. એને પહેલી વાર કંઈક ખૂંચ્યું. મનમાં ઘણા વિચારો આવતાં રહ્યાં.અને પહેલી વાર કાલે સવારે ઓફિસ જઈ ને સ્ટેફીને મળવાની ઉતાવળ થઈ આવી......

રોજ નાં ટાઈમે ઓફિસ પહોંચી પહેલું કામ સ્ટેફીને બોલાવવાનું કર્યું. સ્ટેફી આવી એટલે સીધું જ પૂછ્યું," મિસ શૈવાનો કોન્ટેકટ નમ્બર છે આપણી પાસે?" સ્ટેફીને નવાઈ લાગી. આવીને તરત આજની મિટિંગ્સ, ક્લાયન્ટ્સ અને ઓર્ડર્સ ની જ વાત હોય. અને આખા દિવસનાં શેડ્યુલની સૂચનાઓ બોસ આપી દેતાં. પણ આજે આ અચાનક શૈવા વિષે પૂછવાનું કેમ થયું હશે. " યસ સર, આપણી પાસે છે."

" ગુડ. તો....એક્ચ્યુઅલી પપ્પાની ઈચ્છા છે એ આપણી ઓફિસની ઓપનિંગ એનિવર્સરી પાર્ટીમાં આવે. એમને ખ્યાલ નથી કે હવે એ અહીંયા નથી. એન્ડ આઈ ડોન્ટ નો આ સિચ્યુએશન માં શુ કરવું. તમે કંઈ કહી શકો તો સારું."

નૈષધને બિઝનેસ સિવાય બીજી કોઈ વાતમાં ખબર નહોતી પડતી. એ સ્ટેફીને ખબર હતી. એણે કહ્યું, " હું પ્રયત્ન કરું બટ સર, મને લાગે છે હવે એ આ શહેરમાં નથી. એન્ડ ઇટ્સ ઓકે. તમે તમારા ફાધરને આ જ કહી શકો છો કે એ હવે ઓફિસ કે આ શહેરમાં નથી. હું શૈવાને ઓળખું છુ. ઇન કેસ તમારા ફાધર કોન્ટેકટ કરશે તો પણ શૈવા એમ જ કહેશે કે એને બીજે શિફ્ટ થવું હતું....." સ્ટેફીથી અનાયાસે બોલાઈ ગયું....

સ્ટેફીની વાત સાંભળી નૈષધ પહેલાં તો એકધારું જોઈ રહ્યો. પછી ઊંડો શ્વાસ લઈ ને બોલ્યો " પ્લીઝ બી સિટેડ.", સ્ટેફીને એણે કહ્યું." પહેલી વાત તો એ સ્ટેફી મને એ બીક નથી કે મારા ફાધરને ખબર પડશે કે એ અહીં નથી. સેકન્ડ થિંગ.. મને હમણાં જ ખબર પડી છે કે શી હેઝ લોસ્ટ હર પેરેન્ટ્સ ઇન એન એક્સિડન્ટ. એન્ડ આઈ એમ વરીડ એન્ડ ક્યુરિઅસ કે શી ઇઝ ફાઇન ઓર નોટ. અને મને લાગે છે સ્ટેફી તમારે મને આ જણાવવા જેવું હતું."

સ્ટેફીને થયું આજે ચાન્સ છે. એને ક્યારનું ય કહેવું હતું એ કહેવાનો. એણે વાત શરૂ કરી," સર, તમે ત્યારે એને રીલિવ લેટર આપવાનો ઓર્ડર આપ્યાં પછી મેં એને જણાવ્યું ત્યારે જ કીધેલું. કે એક વાર તું તારી હાર્ડશિપ્સ સર ને કહી શકે છે. આઈ એમ શુઅર એ સમજશે. પણ એણે સામેથી ના પાડી. ખૂબ સ્વાભિમાની છે એ. એટલે એને માન આપીને મેં તમને રિકવેસ્ટ કરી નહોતી...."

"વ્હોટ હાર્ડશિપ્સ?" નૈષધ ને જાણવાની ઉત્કંઠા થઈ આવી.

" સર એનાં મધર ફાધરનાં નિધન પછી એનાં મામા મામી સાથે રહે છે એ. એમનાં નિધન વખતે પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલતું હતું એનું. એ એણે જેમ તેમ પૂરું કર્યા પછી જ્યારે આપણાં ત્યાં જોબ સ્ટાર્ટ કરી ત્યારે ફાયનાન્સિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ ને એને થોડી ઘણી શાંતિ થયેલી. બાકી એણે ખૂબ સફર કર્યું છે. શી અલવેઝ ફેલ્ટ અનવોન્ટેડ. એનાં મામી એને પરણાવી દેવા માંગતા હતાં. અને શૈવા એના માટે રેડી નહોતી. અને સોશિઅલ પ્રેશર્સ ના કારણે એ ઘર છોડી બીજે રહેવા પણ જઈ શકતી ન હતી. આપણાં ત્યાં થી ગયા પછી મને ખાસ ખ્યાલ નથી એ શું કરે છે. પણ એની આ સિચ્યુએશનના કારણે મને એના માટે લાગણી હતી. અને ઘરનું બધું કામ કરીને આવવાનાં કારણે એને લેટ થતું. જેને મેનેજ કરવા એ ગમે એટલી વહેલી ઉઠે એનાં મામી કોઈ ને કોઈ કારણસર લેટ થાય એવો પ્રયત્ન કરતાં. બસ પેરેન્ટ્સના ગયા પછી મામા એ સાચવી એનાં કારણે એ કંઈ પ્રૉટેસ્ટ નહોતી કરતી...."

નૈષધને આ જાણી દુઃખ થઈ આવ્યું. પણ એને અભિવ્યક્ત કરવું એને સહેજ પણ પસંદ નહોતું. એણે સાહજીકતા થી પૂછ્યું," તો એ હવે આ શહેરમાં નથી એવું તમે કેમ કહો છો?"

" કારણકે એક વાર એણે મને કીધેલું સર. કે એનાં ફાધરનાં એક ધર્મનાં બહેન છે. એકલાં જ છે અને વૃદ્ધાશ્રમ ચલાવે છે. અહીંથી જ્યારે બહુ ફેડ અપ થઈ જશે અથવા મામા મામી લગ્ન કરવા ખૂબ પ્રેશર કરશે તો ત્યાં એમની સાથે રહી જશે. જોબ કરશે અને બાકીનાં સમયમાં એમના કામમાં મદદ કરશે." સ્ટેફીએ કહ્યું.

" શુ તમે એ જાણી શકો કે અત્યારે એ છે ક્યાં.....?" નૈષધે પૂછી લીધું. સ્ટેફીએ કહ્યું," અફકોર્સ સર, હું અત્યારે જ કોલ કરીને પૂછી લઉં છું." સ્ટેફી ખુશ થતાં બોલી અને નીકળવા લાગી. નૈષધ હજી એને બોલાવવા જ જતો હતો કે સ્ટેફી એ પાછું વળીને કહ્યું," એન્ડ ડોન્ટ વરી. એને નહીં કહું કે તમે પૂછ્યું છે. જેવી વાત થશે એટલે તરત તમને ઈંફોર્મ કરીશ" અને નૈષધ થોડો ઝંખવાયો. સ્ટેફી ના ગયા પછી પોતે વિચારતો રહ્યો.

એને યાદ આવી એની અને શૈવાની પહેલી મુલાકાત. ઓફિસ આવે એટલે તમામ સ્ટાફ પોતાની જગ્યા એ ગોઠવાઈને બેસી ગયો હોય. એ દિવસે પણ જેવું પેસેજ માં થી ઝડપથી પસાર થયો કે જમણી બાજુએ થી શૈવા પ્રિન્ટસ લઈ ને નીકળવા ગઈ અને નૈષધ સાથે અથડાઈ. નૈષધ એ એક નજર એને જોઈ. અને પોતાની ઓફિસમાં આ નવું વ્યક્તિ કોણ હોઈ શકે એનું અનુમાન લગાવતાં એને વાર ન લાગી. કારણકે પપ્પાના કહેવા મુજબ પહેલી તારીખ થી ભાસ્કરભાઈ ની દીકરી ને જોઈન કરવાનું હતું. કેબિનમાં પહોંચી બેસ્યો એટલે સ્ટેફી રિપોર્ટિંગ કરવા આવી. અને બાકીની મિટિંગ્સ ના શેડ્યુલ સાથે નવા એમ્પ્લોઈ ના જોઈન કર્યાની ખબર આપી. સ્ટેફીએ આપેલ રેસ્યુમ હાથમાં લઈ વાંચ્યો. શૈવા ભાસ્કર મહેતા......

એ દિવસ પછી લગભગ દોઢ મહિને શૈવાને સમયસર આવવાનું કહેવા કેબિનમાં નૈષધે બોલાવેલી. પણ એનો પહેલી વાર જોયેલો ચહેરો એને આજ દિવસ સુધી બરાબર યાદ હતો. એ આજે નૈષધે નોંધ્યું ત્યારે એને નવાઈ લાગી....

" મે આઈ કમ ઇન સર....?" સ્ટેફીના અવાજ થી એની તંદ્રા તૂટી. "યસ...."એણે સ્વસ્થ થઈ જવાબ આપ્યો.

"સર મેં એને ફોન કર્યો હતો. એ અત્યારે સુરત છે. મેં હમણાં કહ્યું એમ એનાં ફોઈ સાથે વૃદ્ધાશ્રમમાં રહે છે. અહીં થી જોબ છોડ્યા પછી એણે મામા મામીનું ઘર પણ છોડી દીધું હતું. એક અઠવાડિયા પછી એ મુંબઇ શિફ્ટ થવા નીકળે છે સર. શી હેઝ ગોટ અ જોબ ઘેર...." સ્ટેફીએ આવતાં ની સાથે માહિતી આપી.

" ઓહ...ધેટ્સ ગ્રેટ. ગુડ ટુ નો કે એ ઠીક છે. હું વિચારું છું એ આવતાં અઠવાડિયે જાય છે તો જતાં પહેલાં પપ્પા ને મળીને જાય. એમને ગમશે. તમે હેલ્પ કરશો સ્ટેફી.....?" નૈષધ થોડું વિચારીને બોલ્યો......


........."તમને ખબર છે આ પ્લાન્ટ્સ ને ઓફિસટાઈમ પ્લાન્ટ્સ કહેવાય છે....?" કોઈ અજાણ્યો અવાજ કાને પડ્યો અને છોડવાઓ ને પાણી પાઇ રહેલી શૈવાએ વાળીને પાછળ જોયું. એનું હૃદય એક ધબકારો ચુકી ગયું. સામે ઉભેલો એ વ્યક્તિ વાસ્તવિકતા છે કે કલ્પના એ નક્કી ન કરી શકી....

નૈષધે નજીક આવીને કહ્યું," એનાં પર આવતાં ફૂલો સવારે ઉગે ને સાંજે કરમાઈ જાય છે...એટલે એને ઓફિસટાઈમ કે નાઈન ઓ ક્લોક પ્લાન્ટ કહેવાય છે...."

"ગુડ મોર્નિંગ સર...આઈ મીન હેલો...તમે અહીંયા અચાનક......." શૈવા ને શુ બોલવું એ સમજાયું નહીં.નૈષધે હળવું સ્મિત આપતાં કહ્યું," ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ સોરી શૈવા...મેં તમારાં લેટ આવવાનું કારણ જાણ્યાં વગર આ ડીસીઝન લઈ લીધું. અને બીજું વાંક તમારો પણ છે કારણ કે હું જસ્ટિફાય કરવાનો ચાન્સ બધાને આપું છું. તમે ખબર નહીં શું વિચારીને સીધું એક્સેપ્ત જ કરી લીધું. તમારી પાસે માર્કેટમાં ઓફર્સ ખૂબ સારી હોય એમ લાગે છે...."

શૈવાને હસવું આવી ગયું. એને થયું આ માણસ માફી પણ બોસીઝમ માં માંગે છે. એનાં ચહેરા પર રમતું સ્મિત જોઈને નૈષધને નવાઈ લાગી. એણે ધારેલું કે શૈવા એની આ વાત પર પિત્તો ગુમાવશે.પણ એની ધારણાથી ઊંધું શૈવા એ કહ્યું," ઓહ આઈ સી સર...ઇફ ધેટ ઇઝ ધ કેસ, હું તમને આ ગિલ્ટમાં નાખવા બદલ ખુબ દિલગીર છું."

શૈવા પાસેથી આવા જવાબની નૈષધે અપેક્ષા નહોતી રાખી. એણે વિચારેલું શૈવાને આ રીતે કહેવું અને એ ગુસ્સો કરે તો એનો બધો ગુસ્સો નીકળી જવા દઈ પછી સોરી કહેવું. પણ કહેવાય છે ને કે ઉંમરના કારણે પરિસ્થિતિમાં બતાવેલ પરિપક્વતા કરતાં પરિસ્થિતિઓ ને કારણે ઉંમરમાં આવેલ પરિપક્વતા વધારે સાબૂત હોય છે. શૈવાને ગુસ્સો આવ્યો હોય તો નીકળે ને. એણે સાહજીકતાથી વાત ચાલુ રાખતાં કહ્યું," અને આટલું કહેવા માટે તમે પોતે છેક અહીં સુધી આવવાની તકલીફ લીધી મને નવાઈ લાગી..તમારા ઓલ ટાઈમ સ્ટ્રીકટ વ્યક્તિત્વ ની બીજી બાજુ જોવા મળી..."

આ સાંભળી નૈષધ થોડો ઝંખવાયો. અને હંમેશા અકડું થઈ ને ફરતાં નૈષધને આમ જોઈ શૈવાને ખૂબ મજા આવી ગઈ. નૈષધે શબ્દો ગોઠવતા કહ્યું,"આઈ ડિન મીન કે તમે મારી માફી માંગો..જસ્ટ તમને કહ્યું કે આમ થઈ શકતું હતું..અને કમિંગ બેક ટુ માય પ્રોબ્લેમ.....મારે પપ્પાને શું કહેવું...?

" વેલ એ એટલું કોમ્પ્લિકેટેડ નથી......આમ હવે હું ઓફિસમાં નથી અને સ્પેશિયલી આઈ વોઝ ટોલ્ડ ટુ લિવ...પાર્ટીમાં આવવું થોડું ઓકવર્ડ લાગશે. પણ આપણે એમ કરી શકીએ..હું તમારા ફાધરને મળવા એમ જ ઘરે આવી જાઉં. પાર્ટી પહેલાં જ. અને મને ઇનવાઈટ કરે ત્યારે કહીશ કે મારે એનાં પહેલાં મુંબઇ માટે નીકળવાનું છે. એક સારી ઓપોર્ચ્યુનીટી છે તો...એટલે થયું પહેલાં મળીને જાઉં. વિલ ધેટ બી ઓકેય સર....?"

આટલાં સરસ સોલ્યુશન થી નૈષધ જાણે ખૂબ કન્વિન્સ ન થયો હોય એમ વાત બદલતાં એણે કહ્યું ," હા ઠીક રહેશે એ પણ....પણ હું વિચારતો હતો કે...તમે ખરેખર જવા માંગો છો શૈવા...? આઈ મીન...સારું શહેર છે. પણ ઓવર કરાઉડેડ છે..ઇફ યુ આસ્ક મી...આઈ વુડ નેવર ચુઝ મુંબઇ ઓવર

અહમેદાબાદ...."

"હા..... મને પણ એટલી ભીડમાં જીવવું પસંદ નથી. પણ જવું પડે એમ છે."

" તમે મને હજી જોઈન કરી શકો છો તમારે ન જવું હોય તો શૈવા...."

" આઈ રિસ્પેક્ટ યોર ઓફર સર પણ....મને પાછું જોઈન કરવું થોડું ઓકવર્ડ લાગશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ..."

" યસ અફકોર્સ...ઇટ્સ ઓકેય...પણ તમારે એક વીકમાં નીકળવાનું છે અને તમે એમાં છેક પપ્પાને મળવા અહમેદાબાદ આવશો.....?ધેટ વિલ બી ટુ મચ ઓફ બોધરેશન......આઈ થિંક ફોન પર કહી દેશો તો પણ...ધેટ વિલ બી ફાઇન..." નૈષધ ધીમા અવાજે બોલ્યો.

" નોટ એ પ્રોબ્લેમ સર...તમે જે કહેવા અહીં સુધી આવ્યાં.. એ પણ ફોન પર કહી જ શકાતું હતું ને..." શૈવા એ નૈષધની આંખો માં આંખો પરોવતાં સ્મિત આપી કહ્યું.....

અને નૈષધને થયું...એક છવ્વીસ વર્ષ ની છોકરી આગળ પોતે એકત્રીસ નો થઈ ને પણ જે કહેવું છે એ સ્પષ્ટ કહી શકતો નથી. શુ કહેવા આવેલો અને શું નું શું ય બોલે જાય છે. લાઈફમાં બિઝનેસ સિવાય પોતે ક્યાંય ચાલે એમ નથી એમ એને થઈ આવ્યું. અને એની આ નબળાઈની શૈવાને જાણે ખબર પડી ગઇ હોય એમ એણે થોડી ક્ષણો રાહ જોઈ. પણ છેલ્લે ઊંડો શ્વાસ લઈ ને બોલી," જો સેલ્ફ ડ્રાઇવ કરીને આવ્યાં હોય...અને કારમાં વધુ સમાન ન હોય.......તો અમદાવાદ સુધી મને લિફ્ટ આપશો?"

નૈષધે નીચે જોઈ અને માથું નમાવી હા કહ્યું....

શૈવાને મનમાં થયું હા બોલતાં પણ કેટલું જોર આવે છે. અને એણે કહ્યું," ઓકેય તો...તમે વેઇટિંગ રૂમ માં બેસો. હું દસેક મિનિટમાં આવું...." કહી શૈવાએ ફરીને ચાલવા માંડ્યું.

" રિટર્ન ટીકીટ પણ લેવી કમ્પલસરી છે...હું સિંગલ સાઈડ ફેરી રાઈડ નથી કરતો....." શૈવાનાં કાને શબ્દો પડ્યાં. અને એણે પાછું વળી ને નૈષધ સામે જોયું. નૈષધ ફરી નીચું જોઈ ગયો. શૈવા થોડી વાર એની સામે એકધારું જોતી રહી. પછી બાજુમાં રાખેલ કુંડા તરફ ઈશારો કરતાં બોલી....

"તમને ખબર છે આ પ્લાન્ટ્સ ને ટચ- મી- નોટ પ્લાન્ટ્સ કહેવાય છે....?" અને નજીક આવીને કહ્યું," એનાં પાંદડા અડો તો બીડાઈ જાય છે..અને પાછા થોડી મિનટ્સમાં ખુલી જાય છે......એટલે એને ટચ-મી-નોટ અથવા શાય પ્લાન્ટ કહેવાય છે...."અને નૈષધે ખૂબ પ્રયત્ન કર્યો પણ અંતે શરમાઈ ને મલકાઈ જવાયું.......

બીજા રસપ્રદ વિકલ્પો