Maitry books and stories free download online pdf in Gujarati

મૈત્રી

"આટલા બધા લોકો છે દુનિયામાં, ને મોટાભાગના ને એવી ગેરસમજ છે કે મારા જ જીવનમાં આવી હાડમારી છે. બાકીના બધાને જલસા છે. પણ બેટા.... જેને તું હાડમારી કહે છે એ છે તો જીવનનો એક ભાગ જ ને. આપણી તકલીફ એક જ છે કે આપણે સુખમાં એટલું હસતાં નથી જેટલું દુઃખને રડીએ છીએ. એટલે દુઃખ હંમેશા લાંબુ લાગે છે ને સુખ ટુંકુ." કુસુમબેન ભીંડા સુધારતા બોલ્યા. સાંભળતા જ મૈત્રી અકળાઈ. "આ ઘરે બેસીને હીંચકા પર ઝૂલતા ઝૂલતા ભાષણ આપવું બહુ સહેલું છે. ઘણી વાર વિચારું છું કે એના કરતાં ભણી ના હોત તો તમારી જેમ લગ્ન કરીને સુખેથી ઘરમાં રહેત. બે ટાઈમ રસોઈ કરી જમાડવાનું જ ને...બહુ બહુ તો પાસે માર્કેટમાં શાક લેવા જવાનું." કુસુમબહેન એ મૈત્રી સામે જોયું. સહેજ ચપ્પાની ધાર આંગળીમાં વાગી ગઈ. પણ હૃદય માં ઘા વાગેલો એ વધારે ઊંડો હતો. આંગળીના ઘા તરફ બહુ ધ્યાન ગયું નહિ. "હશે બેટા...તો તને પણ કોઈ એ  જ કહી જાત ને જે તે મને હમણા કહ્યું. બહારનાં કામ કરીને પગાર આવે એની કિંમત ઘરના બીનપગારી કામ કરતાં વધારે જ હોય છે. એટલે જીવનમાં સ્વમાન માટે પણ પગભર થવું જરુરી છે." કુસુમબહેન વિષાદી હૃદયે બોલ્યા. મૈત્રી એ લાગલું જ ઉમેર્યું, "એટલે તમે એમ કહેવા માંગો છો કે ઘરમાં અમે તમારું માન નથી જાળવતાં? આ તો તમે કહ્યું એનો માત્ર જવાબ આપ્યો છે મેં. ને હું જેવું કોઈને કહું છું એ હું સાંભળી શકું એમ હોય તો જ હું બીજાને કહું છું. મને કોઈ આ કહે તો હું એનું ખરાબ લગાડવાના બદલે એ વાત ઉપર વિચાર કરું. ને કોઈક વાર મને પણ એ જાણવાનુ ગમશે કે જે બીનપગારી કામ તમે કર્યા છે એનું યોગ્ય વળતર તમને મળ્યું છે કે નહી." કુસુમબહેન બોલ્યા,"  ના ના બેટા, મે એવું ક્યાં કીધું કે તમે માન નથી આપતાં. મારા જેવું સુખી તો કોઈ છે જ નહિ એવું હું વિચારું છું. અને મારા કુટુંબનું દરેક વ્યક્તિ પણ એમ વિચારે એવું ઇચ્છું છું. એટલે કહ્યા કરું છું." "અત્યારે ઉનાળામાં તમને એસિડિટી થાય છે. એટલે ફુદીના વાળી ચા મૂકું છું. પાપડ શેકેલો ખાશો કે તળી આપું?" મૈત્રી એ વાત બદલતાં કહ્યું. અને કુસુમબહેન વિચારી રહ્યાં.
        સાડા ચાર વર્ષ થયા મૈત્રીને ઘરમાં આવ્યે. પણ હજી સુધી એનું વ્યક્તિત્વ પોતે સમજી શક્યા નથી. શબ્દોની જેટલી તોછડી છે એટલી જ હ્રદયની કોમળ છે. પણ એ કુમાશ કોઈ દિવસ એના શબ્દોમાં વરતાતી નથી. એવા બે શબ્દો બોલશે કે એણે કરેલાં બાર કામ ભૂલી જવાય. "હવે એમાં આટલું બધું વિચારવાનું?" મૈત્રી રસોડામાંથી બોલી. "શેકી આપો...."
         મૈત્રી ઘરનાં કામ પતાવીને બેગ લઈ નીકળી ગઈ. કુસુમબહેન વાગોળી રહ્યા એ સમય...જ્યારે હજી પોતે વિચારતા  જ હતાં કે ખંજન માટે કેવી છોકરી મળશે. ખૂબ ઊંચું ભણેલો.પણ એના સપના એના ભણતર કરતાં વધારે ઊંચા હતાં. એટલે જેવી તેવી નોકરી એ સ્વીકારવા માગતો નહોતો. ઘરમાં પૈસેટકે કોઈ તકલીફ નહોતી. શ્રીકાંત ભાઈ તાજેતરમાં જ સરકારી નોકરીમાં ઊંચા હોદ્દા પરથી રીટાયર થયેલા પેન્શનર હતાં. ભર્યુંભાદર્યું ઘર હતું. પણ છોકરો નોકરી ન કરતો હોય ત્યાં સુધી કોઈ ને કહેવું શી રીતે. ને ખંજને તો નક્કી કરેલું. નોકરી હોય કે છોકરી...પોતાના ધાર્યા મુજબની મળે તો જ પાકી કરવી. એવામાં ને એવામાં ખંજન એ અઠ્યાવિસ વર્ષ પૂરા કરી નાખેલા. કુસુમબહેન ની ચિંતા એની ઉંમર સાથે વધતી જતી હતી. ને શ્રીકાંત ભાઇ માનતા હતાં એના નસીબમાં હશે એ જ થવાનું છે અને એ થવાનું જ છે. એટલે પોતે બહુ ચિંતા કરતાં નહી.
         ઉનાળાની એક ભર બપોરે ખંજન મૈત્રીને ઘરે લઈ આવેલો ને કહેલું, "મમ્મી, મીટ માય વાઇફ મૈત્રી. આજે સવારે જ અમે આર્ય સમાજ માં લગ્ન કર્યા છે. આશીર્વાદ આપો." ને બે ઘડી કુસુમબહેન ને ચક્કર આવી ગયેલા. પોતાની જાતને સંભાળી એમણે મૈત્રીને આવકારી. લીંબુ શરબત બનાવી પીવડાવ્યું. "તમે તમારા મનમાં કોઈ બીજી છબી ધારેલી હોય તો માફી ચાહું છું મમ્મી. પણ મેં ને ખંજને તમામ રિસામણા મનાંમણા નો ટાઈમ પાસ બચી જાય એટલે આ વિચાર્યું. મૂળ આઈડિયા ખંજન નો. અમે ક્યાં મળ્યા એટલી ઉંડી ચર્ચા અત્યારે નથી કરતાં. એ બધું ફરી ક્યારેક. અત્યારે તો મારા વિષે ઉપર ઉપર થી જણાવી દઉં છું. હું જન્મે પટેલ ને હવે કરમે પરીખ છું. અમારા ઘરમાં હું મમ્મી પપ્પા ને મારો નાનો ભાઇ એમ ચાર જણ છીએ. પણ ખપ પૂરતી જ વાત કરીએ છીએ એટલે વિવેક ને આગ્રહ એવુ કંઈક કરવામાં મને થોડું અઘરું પડે. હા એ વગર મારા કામ માં તમને બીજી ફરિયાદ રહેશે નહીં. ગમે તેવું કડવું હોય, પણ ચોખ્ખું બોલવાની અને સાંભળવાની મને ટેવ છે. ગોળ ગોળ વાત કરતા આવડતી નથી ને સાંભળી તો જરાય નથી લેતી. એટલે તમ તમારે કંઈ કહેવું હોય તો છૂટ થી સીધે સીધું જ કહી શકો છો. સાચું લાગશે તો સ્વીકારી લઈશ ને બાકી સાચું જે મને લાગે છે એ સીધે સીધું કહી દઈશ. કોઈ કન્ફ્યુઝન જ નહીં." કુસુમબહેન ઘડીક ડઘાઈ ગયેલા. સાસરે પહેલી વાર આમ પણ વાત કરી શકાય? આ બધું શુ ચાલે છે.. આ છોકરીને પોતાના સગાં વચ્ચે લઈ જઈશ ને ત્યાં આમ સીધે સીધું ચાલુ કરશે તો મારે સીધે સીધું ઘરભેગા થવાનો વારો આવશે. રે દીકરા મારા... તને આખી દુનિયામાંથી આ ભડભડીયણ જ મળી. એવું બધું મનમાં ચાલ્યા કર્યું. પણ પોતે વણિક હતાં. શાંતિથી સાંભળી રહ્યા. હવે તો યાહોમ કરીને પડ્યે જ છૂટકો. પણ મૈત્રીએ એ દિવસે કહ્યા મુજબ જ, કામમાં એની ઝપટ કાબીલેદાદ હતી. એની સ્ફૂર્તિને નવાઈ પામી જોઈ રહેતાં. ઘણી વાર એમણે પોતાનું મન મનાવ્યું. ભલે આખાબોલી રહી, પણ પેટમાં પાપ નથી. તેમ છત્તા મૈત્રીએ ઉચ્ચારેલા શબ્દોથી એમનું મન કડવાશથી ભરાઈ આવતું. સાવ કોઈ વિનય વિવેક જ નહીં શીખવ્યો હોય. ને પાછું બહુ સારો ગુણ હોય એમ વટથી જ કહેવાનું. એને લાગતું જ નહોતું કે આમાં કોઇ ફેરફારની જરૂર છે. છેવટે એમણે ટોકવાનું છોડી દીધું.
      આજે પણ મૈત્રી ઓફિસના વાતાવરણ અને ઓફિસ સુધી પહોંચવા માટે વેઠવી પડતી તકલીફોની વાત કરતી હતી. એમાં કુસુમબહેને સાંત્વના આપવા પ્રયત્ન કર્યો. ને મૈત્રી એ એના સ્વભાવ મુજબનો જવાબ આપ્યો. કુસુસમબહેનનું મન ખિન્ન થઈ ગયું. ભીંડા સુધારીને એ ઊભાં થયાં. સાંજે ગાર્ડનમાં જવાનો સમય થઈ ગયો હતો. રોજ સાંજે બે કલાક ત્યાં બેસતાં. આજે પહોંચ્યા ત્યારે શારદાબહેન અને વીણાબહેન એમની રાહ જોતાં બેઠા હતા. એ બંને સાથે કુસુસમબહેન ને સારું બનતું. શારદાબહેન અને વીણાબહેન એમની વહુ વિષે વાત કરતાં. પણ કુસુમબહેન મૈત્રી વિષે વધુ વાત કરતાં નહીં. એ સાંભળી રહેતાં. આજે પણ વીણાબહેન એમની વહુ વિષે વાત કરતાં બોલ્યા," મારે તો સંધ્યાને સાંજે મદદ કરાવ્યા વગર અવાય જ નહીં. સાસુ એ ભલે આખી જીંદગી એકલે હાથે કર્યું. પણ આજ કાલની છોકરીઓને મદદ ના મળે એટલે ભારે દુઃખી થઈ જાય. આમ બોલે નહીં પણ મોઢા પર તરત જણાઈ આવે. પછી કકળાટના ઘર કરવા એના કરતાં હું એ કહે એટલું કરીને જ બહાર નીકળું. ખોટી સાડાબારી ક્યાં કરવી." શારદાબહેને સામે કીધું,"વાત તો તમારી સાચી વીણાબહેન, પણ તમારી વહુ ને એની કાંઈ બહુ કદર હોય એવું લાગતું નથી. હમણાં જ મને મારી અપેક્ષા કહેતી હતી, કે પરમ દિવસે અમે બધા નીચે ભેગા થયેલા ત્યારે સંધ્યા એ ઘરે જવાની વાત કરી, તો બધાં એ થોડી વધુ બેસવાનો આગ્રહ કર્યો ત્યારે એ બોલી, કે ના રે, ઘરે રસોઈ બનાવવાની છે હજી. એટલે કોઈક એ કહ્યું હશે કે તારે તો સાસુ મદદ કરાવે એવાં છે, તો ખબર છે મમ્મી સંધ્યા એ શું કહ્યું...અમારા બા નું તો એવું. કરેલું ના કરેલું બધું સરખું. મારે ફરી હાથ નાખવો પડે ત્યારે જ મેળ પડે. બાકી વીણામાસી તો કેટલું કરી આપે છે. શાક લઈ આવવા થી ઇસ્ત્રીનાં કપડાં લઈ આવવા સુધીનું બધું. તમારી જેમ એમને આરામ નહીં. તો ય સંઘ્યા આવું કહેતી હતી. હવે મને કેવો એણે આરામ આપી દીધો એ તો એ જ જાણે. પણ આવું આ વહુઓનું."          કુસુમબહેને નોંધ્યું કે શારદાબહેનની આખી વાતમાં વીણાબહેને પાછળનાં ભાગ ની અવગણના કરી અને શારદાબહેને આગળનાં ભાગની.           
        શારદાબહેન ફરી બોલ્યા,"કુસુમબહેન, તમે ભારે નસીબદાર છો. તમારી વહુને આવી આદત જ નહીં. ખૂબ મહેનતું છોકરી છે. હા બોલે જરા ઓછું છે ને બહુ હળતી મળતી નથી લોકોમાં. પણ કામથી કામ રાખે એટલે ઘણું થયું." કુસુમબહેન વિચારી રહ્યાં. વાત તો સાચી હતી. મૈત્રી જે ફરિયાદ હોય તે સામે જ કહેતી. કોઈ બીજાના મોઢે વાત કરવાની આદત નહીં એને. ને આમ ઘરનાં કામકાજની તો પોતાની સાથે ચર્ચા ય ના કરતી. મેં કર્યું હોય તો ય એ જ ને ના કર્યું હોય તો ય એ જ. કોઈ જાતની અપેક્ષા નહીં. એમને અચાનક થઈ આવ્યું. કે બસ જે તોછડું બોલવાની આદત છે ને...એને જરા સુધારવા વિષે પ્રેમ થી કહીશ. જોઈએ તો ખરાં શું કહે છે. એવું વિચારતાં એ ઘરે આવ્યા. રસોઈ બધી થઈ ગઈ હતી.ટેબલ પર સરસ રીતે ઢાંકીને ગોઠવી દીધું હતું બધું. ઓહ...પાછા મેડમ છાપું વાંચે છે કામકાજ પતાવીને. સરસ...એ પાસે આવી ને બેઠા. "ઓહ...કેમ આટલાં વહેલા આવી ગયા તમે? તમારી બંને  બહેનપણીઓ સાથે ટોળટપ્પા કરી શાંતિ થી આવવું હતું ને...ખંજન ને તો ઓફિસથી ડીનર પર જવાનું છે. ને પપ્પા ભજનમાં ગયા છે એટલે ત્યાં જમવાના છે. આ મોકાનો લાભ લઇ ને આપણા બેઓને ભાવતી ઈડલી બનાવી છે. ભૂખ લાગી હોય તો સાંભર ગરમ કરવા મૂકી દઉં... " વીણાબહેન એની સામે જોઈ રહ્યાં. "વળી પાછા બોલતા નથી. મમ્મી તમારું ય ખરું છે હોં... અંદર અંદર વિચારો કર્યે જ રાખો છો.  બોલો હવે કંઈક.." વીણાબહેને કહ્યું," માણસ આટલો વિઘ્નસંતોષી કેમ હશે મૈત્રી...બધી વસ્તુમાં સારું ને ખરાબ બે ય વસ્તુ હોય છે. પણ આપણે સારું ભૂલી જઈએ છીએ ને ખરાબ વાગોળે રાખીએ છીએ."
મૈત્રી થોડી વાર સામે જોઈ રહી. પછી નકલ કરતી હોય તેમ બોલી..."એ તો મમ્મી, ગમતું ના ગમતું બધું જીવનનો જ એક ભાગ છે ને....આપણી તકલીફ એક જ છે કે આપણે ગમતાને એટલું માણતા નથી જેટલું અણગમતાને વાગોળીયે છીએ. એટલે સારું હંમેશા ભુલાઈ જાય છે ને...."            વીણાબહેનને અચાનક મૈત્રી પર ખૂબ વહાલ આવી ગયું. એ પણ એની જેમ નકલ કરતાં હોય તેમ સામે બોલ્યા..."આમ છાપાં વાંચતા વાંચતા ભાષણ આપવું સહેલું છે....." ને સાથે જ સાસુ વહુ બન્નેના અટ્ટહાસ્યથી ડ્રોઈંગ રૂમ ભરાઈ ગયો.....


બીજા રસપ્રદ વિકલ્પો