સમુદ્રાન્તિકે - 26 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમુદ્રાન્તિકે - 26

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(26)

મારું ઘડિયાળ ઘરમાં જ રહી ગયું છે. ઊંઘના કલાકો યાદ નથી; પરંતુ આશરે લગાવીએ તોએ સત્તર-અઢાર કલાકથી વાવાઝોડું એકધારું ચાલું છે. પવનના સૂસવટા થોડા નરમ પડ્યા હોય તેવું લાગે છે. પણ વરસાદ અનરાધાર પડે છે. બાળકો હવે આ કેદથી કંટાળ્યા છે.

‘ઘેરે જાવું છે’ ની ફરિયાદ વારંવાર ઊઠે છે અને અવલ કહે છે. ‘આ વરસાદ રેય એટલે તરત તને મોકલાવું.’

ક્યાં મૂકી આવીશું આ બાળકોને? ખેરા તો સાવ સપાટા કિનારા પર છે. ઓચિંતો આવીે સમુદ્ર માઈલો સુધી ભૂમિ પર ઘસી ગયો હશે. આ વિનાશમાંથી કોણ બચ્યું હશે, કોણ નહીં તેની શી ખબર?

છોકરાંઓ વારંવાર ખાવાનું માગે છે અને અવલનું અક્ષયપાત્ર ક્યારે જવાબ દઈ દેશે તે ખબર નથી. એકાદ કલાક પસાર થયો. પવનનું જોર સાવ નરમ પડ્યું. વીજળીના કડાકા બંધ થયા. માત્ર વરસાદ ચાલુ રહ્યો.

‘પગી, ઉપર જાવ, વાછંટ ન આવતી હોય તો બારણું ખોલી નાખો’ મેં કહ્યું.

ઉપર દરવાજો ખુલ્યો અને સરવણે બધાંને બોલાવ્યા. દરવાજા બહાર આખો ખારોપાટ જળમગ્ન દેખાય છે. છેક દરવાજા સુધી પાણીની પાટ રચાઈ ગઈ છે. ઠંડી હવાનું લખલખું લગભગ બધાના દેહ ધ્રુજાવી ગયું.

આખોએ દિવસ અમે બધાં બારણા બહારના વાતાવરણને જોતાં રહ્યાં. વાતો ખૂટી ગઈ હોય તેમ મૌન. બાળકો પણ કંઈ બોલતાં નથી. રાત્રે દરવાજો બંધ કરીને બધાં બેઠાં. ભોંયરા કરતાં આ કમરામાં સ્વસ્થતા વધુ લાગે છે.

અવલ મારી પાસે આવીને ધીમેથી બોલી ‘અત્યારે આપણને ખાવાનુ નહીં મળે. છોકરાંવ માટે રાખવું પડશે.’

‘નહીં મળે’ તેવું બોલતાં અવલને કેટલું દુ:ખ પડે છે તે હું તેના મુખ પર જોઈ શક્યો. તે મારા જવાબની રાહ જોતી હોય તેમ મારી સામે જોઈ રહી.

મેં બોલતાં જરા વાર લગાડી. પછી મારા હૃદયમાંથી નીકળેલો એક શબ્દ હોઠ સુધી પહોંચ્યો અને મેં થોડું હસીને કહ્યું, ‘ભલે.’

અવલના મુખ પરથી વાદળી ખસી ગઈ. તે પણ એટલી જ સાહજિકતાથી બોલી ‘બસ’.

કશું જ કામ ન કર્યાનો થાક લાગે છે એટલો થાક વધુ પડતો શ્રમ કર્યો હોય ત્યારે પણ નથી લાગતો. કેટલાયે કલાકોથી એક કમરામાં કશું કર્યા વિના બેસી રહેલા અમે બધાં એક પછી એક ક્યારે નિદ્રાધીન થયાં તે ખબર ન પડી.

સવારે બારણું ખૂલ્યું. ચારે તરફ લહેરાતા પાણી પર સોનેરી તડકો ઝળહળતો હતો. સૂર્યપ્રકાશનો આવો પીળો રંગ અગાઉ ક્યારેય જોયાનું મને યાદ નથી. આજના દિવસની સવાર આશા લઈને આવી છે. બાળકો આનંદમાં આવી ગયાં. હજી સૂઈ રહેલાં બીજાં બાળકોને જગાડવા માંડ્યાં: ‘આલ્લે લે, ઠેઠ ઝાંપા હૂંધી પાણી આવ્યું છ.’ કહેતા પરસાળમાં આવી ગયાં.

પરસાળ કચરાથી છલકાઈ ગઈ છે. લાકડાની રવેશ તૂટીને આંગણામાં પડી છે. ક્યાંક ક્યાંક કાચ પણ વેરાયા છે. કશાયની પરવા કર્યા વગર અમે ઊભા ઊભા તડકો જોઈએ છીએ.

‘એલા, આણીપા હોતેન દરિયો બની ગ્યો’ એક બાળક બોલ્યું. બાળકોનો કલબલાટ મનને આનંદ આપી ગયો. ગઈ રાતનો ઉપવાસ ભુલાઈ ગયો.

અમે દાદર ચડીને અગાશી પર ગયા. છાપરા વગરનો બંગલો ભેંકાર લાગતો હતો. ચારે તરફ ફેલાયેલી પાણી વચ્ચે ભગ્ન વહાણ જેવો. કમ્પાઉન્ડની દીવાલ ઠેકઠેકાણેથી તૂટી પડી છે. અવલની વાડી, ઝૂંપડી, પાણીથી તરબતર બે નાળિયેરી, નાનાં વૃક્ષોની ટોચ અને દરિયાકિનારે બાવળોની ઉપરની ડાળીઓ પાણીની બહાર દેખાય છે.

દિવસ રમવામાં ગયો. સાંજે જે થોડું ઘણું વધ્યું હતું તે બાળકોને વહેંચાઈ ગયું. આવતી કાલે શું ખાઈશું તેની ચિંતા કરતો હું પાળી પર બેઠો છું. અવલ અને સરવણ બાળકોને નીચે લઈ ગયાં છે.

ભૂખનું ગાંડપણ મેં જોયું છે. મારી અગાઉની નોકરીના સમયમાં. ધમધમતા નગરની ઊંચી ઈમારત પર પાણીની ટાંકીમાં સંતાઈને મેં બે ભૂખ્યા દિવસો વિતાવ્યા છે.

તે સાંજે બધા ઘેર ગયા પછી હું, જેકબ કારકુન અને નારાયણ પટાવાળો ઑફિસમાં હતા. નીચે હોહો અને તોડફોડ ક્યારે શરૂ થઈ ગઈ તે ખબર ન પડી.અચાનક ટોળું ઉપર આવતું લાગ્યું. અમે કચેરીને તાળું વાસીને અગાસી પર પાણીની ટાંકીમાં ગળાડૂબ ઊભા રહ્યા.

પછી કરફયુ લાગ્યો. ભય, ભૂખ અને સૂમસામ શહેર. દૂર ઊઠતા આગના ભડાકા. ગોળીબારના અવાજો. જેકબ પાગલ બનીને આળોટવા માંડ્યો હતો. તેણે પોતાનાં કપડાં ફાડી નાંખ્યા. વાળ ખેંચ્યા, પાળી પરથી કૂદી પડવા કોશિશ કરવા માંડ્યો. નારાયણે અને મેં તેને પરાણે સંભાળ્યો ત્યારે. તે વખતે હું પણ અસ્વસ્થ થઈ ગયેલો.

અહીં અમે ત્રણ-ચાર દિવસથી ફસાયા છીએ. મૃત્યુને સમીપથી અનુભવ્યું છે. હજી કેટલા દિવસ ખાવાનું નહીં મળે તેની ખબર નથી. તે છતાં આ નિર્જન સ્થળે મન અશાંત નથી થતું. ઉદ્વેગ નથી થતો. કશાક પર શ્રદ્ધા છે. શાના પર? તે હું નથી જાણતો.

સ્વચ્છ આકાશમાં ચંદ્ર નીકળી આવ્યો. ચારે તરફ ચાંદની પથરાઈ. જે ચાંદની મને રમ્ય લાગતી, તે આજે ભયાવહ લાગી. છાપરા વગરની હવેલી, વેરાયેલો કાટમાળ, પાણીની બહાર ડોકાતાં ઉદાસ વૃક્ષો. આખા વાતાવરણને બોઝીલ બનાવે છે.

અવલને પગરવ સંભળાયો. તે પાળી પર હાથ ટેકવીને ઊભી રહી.

‘અહીં જ રહેવું છે?’ તેણે દરિયા પર જોતાં પૂછ્યું.

‘આવું છું’ મેં કહ્યું અને ન ઈચ્છવા છતાં મારાથી બોલાઈ ગયું ‘કાલે શું કરીશું?’

તેણે અપૂર્વ શ્રદ્ધાભરી નજરે મને જોયો. મંદ હસી અને માત્ર બે જ શબ્દો બોલી ‘ભરોસો રાખીએ તો?’

મારી ઉદાસીનતા ઓસરી ગઈ. સમુદ્ર, ખારાપાટમાં ભરાયેલું પાણી ખંડિત હવેલી અને નીતરતી ચાંદની આ બધાં મને એટલાં જ રમ્ય લાગવા માંડ્યાં જેટલા અગાઉ લાગતાં હતા. મારી બધી ચિંતાઓ છતાં મન સ્વસ્થ થઈ ગયું.

મેં કંઈ જવાબ ન આપ્યો. માત્ર હસ્યો અને અવલ સાથે નીચે ગયો.

ભૂખ્યા પેટે ઊંઘ ન આવી. આખી રાત લગભગ જાગતાં પસાર થઈ. બાળકો ઘસઘસાટ ઊંઘે છે. સરવણ અને અવલ ઊંઘમાં છે કે જાગતાં સૂતાં છે તે ખબર નથી. પરોઢિયે માંડ મારી આંખ મળી.

અચાનક કોઈ મોટા ઘરઘરાટથી મારી આંખો ખૂલી ગઈ. અવાજ શાનો થાય છે તે વિચારું ત્યાં અવલ અને સરવણ પણ જાગી ગયાં. આ અવાજ હેલિકૉપ્ટરનો છે તે સમજાતાં જ મેં અગાસી તરફ દોટ દીધી. છોકરાંઓ અને પગી પણ અગાસી પર આવ્યા. અવલ ધીરે ધીરે પાછળ આવી.

અગાસીએ જઈને જોઉં છું તો બંગલા પરથી પસાર થઈ ગયેલું હૅલિકૉપ્ટર દૂર જતું દેખાયું. થોડે દૂર નીકળીને એ લોકોએ બીજું ચક્કર માર્યું. બે-ત્રણ બાળકો ગભરાઈ ગયાં. બાકીનાં હો હા કરતાં કૂદવા લાગ્યા. અમે હાથ હલાવ્યા. હૅલિકૉપ્ટર બરાબર હવેલી પર સ્થિર થયું. તેમાંથી પ્લાસ્ટિકની થેલીઓ ફેંકાઈ. પંખાની હવામાં ધકેલાઈને થેલીઓ વેર-વિખેર પડી. કેટલીક અગાસીમાં, કેટલીક ચોકમાં, પાણીમાં, તે લોકો જેમ આવ્યા તેમ પાછા ચાલ્યા ગયા.

હું અને પગી નીચે ઊતરીને કોથળીઓ વીણી લાવ્યા. અવલે બધાને ગોળ કૂંડાળું વળીને બેસાર્યાં. પગી પાળી પર જઈને બેઠો. હું એક તરફ ઊભો ઊભો વ્યવસ્થાને જોઈ રહ્યો. બાળકોને વહેંચાઈ ગયા પછી અમે ખોરાકનાં પડીકાં ખોલ્યાં.

જેણે કદીએ પલળેલો ખોરાક ખાધો નથી, જેઓ હંમેશા હાથ અને મોં દાઝે તેટલો ગરમ ખોરાક પામ્યા છે અને જેને ખાતા પહેલાં દશ મિનિટથી વધુ રાહ જોવી નથી પડી તેમને આ આકાશમાંથી વરસેલા ભોજનનો સ્વાદ ક્યારેય સમજાવાનો નથી.

ચારે બાજુ પાણી વચ્ચે ઘેરાયેલા ભગ્ન મકાનની અગાસી પર, મુરઝાયેલા ચહેરા અને રુક્ષ વાળવાળાં બાળકો અને અમે જે ખાઈ રહ્યાં છીએ તેનાથી મળતી તૃપ્તિનો અનુભવ તેના રાંધનારને પણ પહોંચે તેવું ઈચ્છું છું.

આ સૂમસામ, નિર્જન સ્થાનથી સુદૂર, પોતપોતાના સંસારમાં વ્યસ્ત, હે નગરવાસિનીઓ, મારા હાથમાં આવેલું આ અન્ન તમારામાંથી કોણે બનાવ્યું છે તે હું નથી જાણતો; પણ પૂરા આદરથી તેનો સ્વીકાર કરું છું. કદાચ કોઈએ નહીં ખાધું હોય એટલા પ્રેમથી અમે તે આરોગીએ છીએ. તમે ક્યાં છો, કોણ છો, તે અમે નથી જાણતા. જાણીએ છીએ માત્ર એટલું કે તમે છો ત્યાં સુધી આ પૃથ્વી પર જીવવાનું કારણ રહેવાનું છે.

***