દાદા દાદી komal rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાદા દાદી

"અરે રુદ્ર બેટા...આવી ગયો રમી ને?" સ્નેહા એ ખૂબ જ પ્રેમથી એના 6 વર્ષ ના નાનકડા દીકરા ના માથે હાથ ફેરવતા પૂછ્યું

"હા" રુદ્ર એ મોં ફુલાવી ને જવાબ આપ્યો

"અરે વાહ...સારું ચાલ આપણે નાસ્તો કરીએ" રુદ્ર ની નારાજગી સમજી ગયેલી સ્નેહા એ એને મનાવવા પ્રયત્ન કર્યો

"ના મારે નથી કરવો નાસ્તો...અને હવે જ્યાં સુધી તમે દાદા દાદી ને નહિ લાવો ત્યાં સુધી હું જમીશ પણ નહીં" રુદ્ર પોતાની નારાજગી ને પોતાના કાલીઘેલી વાણી માં રજૂ કરી રૂમ માં ચાલ્યો ગયો..

સતત એક અઠવાડિયાથી રુદ્ર રોજ આમ જ રમવા ના સમયે થોડીવાર રમી ઘરે આવી બસ દાદા દાદી ને લઈ આવવાની જીદ કરતો હતો...સ્નેહા હવે જાણે એની જીદ સામે હારી ગઈ હોય એમ કઈક વિચારતી બેઠી હતી..થોડી જ વાર માં મિતેશ ઓફિસથી આવી ગયો...સ્નેહા ને આમ ચિંતા માં જોઈ મિતેશ એની પડખે આવી ને બેઠો ને બોલ્યો

"ક્યાં ખોવાઈ ગયા છો મેડમ"

"મિતેશ...આજે ફરી એ જ જીદ લઈને બેઠો છે રુદ્ર"સ્નેહા એ ગંભીર અવાજે જવાબ આપ્યો

રુદ્રની જીદ થી મિતેશ પણ વાકેફ હતો...એટલે એને પરિસ્થિતિ ની ગંભીરતા માપી લીધી.

"મિતેશ પ્લીઝ તું કઈક કર ને...હું રુદ્ર ને આમ રોજ ઉદાસ નથી જોઈ શકતી" માતૃહ્ર્દય ખોલતા સ્નેહા બોલી

"અરે સ્નેહા રુદ્ર નાનો છે...પણ તું ય એની સાથે નાની કેમ બને છે...કોઈ રમકડાં ની જીદ હોય તો હું હમણાં પુરી કરી દઉં..પણ દાદા દાદી....."એટલું બોલતા બોલતા માં મિતેશ અટકી ગયો..મિતેશ ના ચહેરા પર પણ ઉદાસીનતા ના ભાવ છવાઈ ગયા..મિતેશે રુદ્ર ને શાંતિ થી સમજાવવા નો નિર્ણય લીધો...

સ્નેહા અને મિતેશ એકસાથે રુદ્ર પાસે ગયા...

"hey....મારો ચેમ્પ...શુ કરે છે" મિતેશે રુદ્ર ને ઉત્સાહપૂર્વક પૂછ્યું

"ડેડી..મારે કોઈની સાથે વાત નથી કરવી...જ્યાં સુધી તમે દાદા દાદી ને લઈને નહિ આવો ત્યાં સુધી હું જમીશ પણ નહીં અને કોઈની સાથે વાત પણ નહીં કરું".રુદ્ર ફરી એ જ નારાજગી ના સ્વર માં બોલ્યો અને અવળો ફરી ને બેસી ગયો

"રુદ્ર ...મારો દિકો તો ગુડ બોય છે ને...આવી જીદ ન કરાય..મામ્મા અને ડેડી છે ને તારી પાસે" સ્નેહા એ રુદ્ર ને ખોળા માં બેસાડતા કહ્યું

"નહિ મામ્મા...મને દાદા દાદી જોઈએ જ છે...મારા બધા જ ફ્રેંડસ ના દાદા દાદી છે..બધા ના દાદા દાદી એમને પાર્ક માં રમવા લઈ આવે છે...એમની સાથે મસ્તી કરે છે...એમને કેટલી બધી વાર્તા કહે છે...તમે આખો દિવસ ઘર કામ માં બીઝી હોવ અને ડેડી રોજ ઓફિસ જતા રહે ..પછી મારી પાસે કોઈ નથી હોતું...એટલે મને દાદા દાદી જોઈએ જ...સ્નેહા અને મિતેશ રુદ્ર ની નિર્દોષ જીદ જોઈ રહ્યા..આગળ શું કરવું એ વિચાર કરતા કરતા બન્ને રૂમ ની બહાર નીકળી ગયા....

રાત્રે જમવાના ટેબલ પર સ્નેહા અને મિતેશ ગોઠવાઈ ગયા...સાંજે બનેલી ઘટના પછી રુદ્ર રૂમ માં જ ભરાઈ રહ્યો હતો.....

"રુદ્ર બેટા ચાલ જમવા...આજે તારા ફેવરિટ ઢોસા બનાવ્યા છે" સ્નેહા રુદ્ર ને ભાવતા ઢોસા બનાવ્યા હતા...

"મારે નથી જમવું...હું સુઈ જાઉં છું" રુદ્ર એ રાત્રે જમ્યા વગર જ સુઈ ગયો..
સ્નેહા અને મિતેશ પણ જમી ન શક્યા...

રાત્રે સૂતી વખતે સ્નેહા એ વિનવણી ના સ્વરે મિતેશ ને કહ્યું

"મિતેશ...તું એકવાર વૃદ્ધાશ્રમ માં વાત તો કરી જો...કદાચ એ લોકો માની જાય"

"સ્નેહા તું મને આ સલાહ 3જી વાર આપી ચુકી છે...તું સમજે છે એટલું સરળ નથી....એ લોકો ના માન્યા તો શું કરીશું આપણે..વૃદ્ધાશ્રમ માંથી માબાપ ને લઈ આવવા મને વ્યક્તિગત રીતે મંજુર છે..પણ શું એ લોકો અહીં આવવા તૈયાર થશે ખરા?" મિતેશે સ્નેહા ને સમજાવતા જવાબ આપ્યો

"એકવાર વાત તો કરી જો.....તું વર્ષોથી વૃદ્ધાશ્રમ માં દાન કરતો આવ્યો છે...ત્યાંના મેનેજર પણ તને સારી રીતે ઓળખવા લાગ્યા છે...કદાચ એ સમજાવવા માં કોઈ મદદ કરે" સ્નેહા એ આશાનું કિરણ બતાવતા મિતેશ ને કહ્યું

"ઓકે હું કાલે જ વૃદ્ધાશ્રમ જઇ આવીશ...મારાથી હવે રુદ્ર ની આ નારાજગી સહન નથી થતી...એના માટે હવે આ પગલું ભરવું જ પડશે.." મિતેશે નિર્ણય લેતા સ્નેહા ને કહ્યું...અને બન્ને ચિંતામાં જ સુઈ ગયા..

સવારે સ્નેહા ઉઠી પોતાની બાજુ માં સુતેલા રુદ્રને વ્હાલ થી રોજ ની જેમ ચૂમી લીધો...પણ આ શું...રુદ્ર તો તાવ માં ધગધગી રહ્યો હતો...એનું શરીર અત્યંત ગરમ હતું...સ્નેહા એ રુદ્ર ના માથે મીઠા ના પોતા મૂક્યા..રુદ્ર ની હાલત માં પહેલા કરતા સુધાર હતો..પણ એ સતત દાદા દાદી એવું બોલી રહ્યો હતો...મિતેશે ડોક્ટરને ઘરે જ બોલાવી લીધા..ડોકટરે જરૂરી દવા આપી અને નિદાન કરતા કહ્યું

"રુદ્ર ને ઘણો જ તાવ છે...મેં દવા આપી છે એ સમયસર આપતા રહેજો...જો કાલ સુધી માં તાવ નહિ ઉતરે તો એને હોસ્પિટલ માં એડમિટ કરવો પડશે"

સ્નેહા ગભરાઈ ગઈ....મિતેશ ને વળગી ને એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી...એને હિંમત આપતા મિતેશે કહ્યું

"તું ચિંતા નહિ કરીશ...આપના રુદ્ર ને કઈ નહિ થાય....હું હમણાં જ એના આ તાવ ના ઉપચાર ને લઈને આવું છું....હવે હું ઘરમાં પગ મુકીશ તો રુદ્રના દાદા દાદી સાથે જ"

મિતેશ તૈયાર થઈ સીધો જ વૃદ્ધાશ્રમ પહોંચી ગયો..મિતેશ ને દૂર થી જોતા જ વૃદ્ધાશ્રમ ના મેનેજર રમેશ ભાઈ એ મિતેશ ને આવકારો આપતા કહ્યું

"અરે મિતેશ ભાઈ...આવો....આવો...."

કદાચ રમેશભાઈ મિતેશ ની ચિંતા ભરેલો ચહેરો વાંચી ગયા હતા...એટલે એમને એના ઉકેલ રૂપે મિતેશ ને પૂછ્યું

"શુ વાત છે મિટેશભાઈ...મૂંઝવણ માં લાગો છો.....પૈસા નો પ્રોબ્લેમ હોય તો તમે 4 5 દિવસ પહેલા દાન માટે આપેલો ચેક હું પાછો આપું...મેં હજી એને બેન્ક માં નથી મોકલ્યો..."છેલ્લા 10 વર્ષથી મિતેશ નિયમિત રીતે પોતાની આવક નો અમુક હિસ્સો આ વૃદ્ધાશ્રમ માં દાન પેટે આપતો હતો એ વાત રમેશભાઈ ખૂબ સારી રીતે જાણતા હતા...અને એટલે જ રમેશભાઈ ને પણ મિતેશ ભાઈ સાથે માયા બંધાઈ ગયેલી...

"ના ના રમેશભાઈ એવી કોઈ વાત નથી...હું મારી આવક નો એ ભાગ પહેલા જ અલગ કરી લઉં છું" મિતેશે રમેશભાઈ ની શંકા નું સમાધાન કર્યું

"તો પછી આટલા ચિંતીત કેમ લાગી રહ્યા છો..તમે તો ખૂબ હસમુખ માણસ છો તમને ક્યારેય આમ ચિંતા માં જોયા નથી" રમેશભાઈ એ મિતેશ ની ચિંતા નું કારણ જાણવા પૂછ્યું.

"રમેશભાઈ મારે તમારી મદદ જોઈએ છે..શુ તમે મદદ કરશો?" મિતેશે આજીજી કરતી નજરે રમેશભાઈ તરફ જોઈને કહ્યું

"અરે મિતેશ ભાઈ હું ચોક્કસ તમારી મદદ કરીશ...તમે ખાલી મને તમારી મુંજવણ જણાવો..એનું નિવારણ કરવા હું બનતી કોશિશ કરીશ." રમેશભાઈ એ મિતેષને ને હિંમત આપતા કહ્યું

"રમેશભાઈ...મારે મારા માં બાપ જોઈએ છે" મિતેશે ભારે હૈયે કહ્યું

"માબાપ........???પણ તમારા માબાપ ક્યાં આ વૃદ્ધાશ્રમ માં રહે છે" રમેશભાઈ એ પ્રશ્નાર્થ નજરે પૂછ્યું

રમેશભાઈ અને મિતેશ ના સંવાદો બહાર ઉભેલા વૃદ્ધાશ્રમ ના વૃદ્ધો પણ સાંભળી રહ્યા હતા..

"રમેશભાઈ હું તો બાળપણ થી જ અનાથ છું...હું 10 વર્ષ હતો ત્યારે જ મારા માતા પિતા એક એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા હતા...ભણવામાં હોશિયાર હતો એટલે એક સજ્જન પુરુષે ભણતર નો ખર્ચ ઉઠાવ્યો જેના કારણે આજે અહીંયા સુધી પહોંચી શક્યો છું...મારી પત્ની સ્નેહા પણ મારી જેમ અનાથ જ છે...." મિતેશે પોતાની આપવીતી સંભળાવી

"તો પછી તમે માં બાપ જોઈએ છે એવું શા માટે કહ્યું" રમેશભાઈ આવક થઈને પૂછી રહ્યા

"મારો નાનકડો દીકરા ની બાળ હઠ છે કે એને દાદા દાદી જોઈએ છે.....મેં અને મારી પત્ની એ અમારું જીવન માવતરની છાયા વગર વિતાવ્યું છે...પણ હું મારા દીકરા ના ઘડતર માં કોઈ કચાશ રાખવા નથી માંગતો..બસ એટલે જ હું આજે આ વૃદ્ધાશ્રમ માંથી માબાપ દત્તક લેવા માંગુ છું" મિતેશે હાથ જોડી રમેશભાઈ ને વિનવણી કરી

રમેશભાઈ અને ત્યાં ઉભેલા સઘળા વડીલો મિતેશ ને અવાચક બની જોઈ રહ્યા..

"પણ મિતેશભાઈ વૃદ્ધાશ્રમ તો આજ સુધી મેં દીકરાઓને પોતાના માબાપ ને મુકવા આવતા જ જોયા છે....તમે જે કહો છો એ શક્ય છે ખરું?"
રમેશભાઈ એ મિતેશના નિર્ણય પર શંકા વ્યક્ત કરતા કહ્યું

" કેમ શક્ય નથી??...શુ માવતર ને જ બાળક દત્તક લેવાનો અધિકાર છે....શુ મારા જેવું કોઈ જેને માવતર ની છત્રછાયા ની જરૂર હોય શુ એ માબાપ ને દત્તક ન લઈ શકે....રમેશભાઈ હું જાણું છું કે વૃદ્ધાશ્રમ માં બાળકો એમના માબાપ ને મુકવા જ આવે છે પણ શું માબાપ વગર નો વ્યક્તિ એમાંથી કોઈને મારા માબાપ બનાવી મારી સાથે ન લઈ જઈ શકું?????"


રમેશભાઈ સહિત બધા વૃદ્ધો ની આંખ ના ખુણા મિતેશ ની વાતો સાંભળી ભીના થઈ ગયા હતા...સર્વ કોઈ મિતેશ ની નવી વિચારસરણી ને વધાવી રહ્યા હતા..

"મિતેશભાઈ તમારા જેવા વિચારો જો 10% લોકો પણ વિકસાવે તો મારેએ આ વૃદ્ધાશ્રમ ને તાળું જ મારી દેવું પડે...ધન્ય છે તમારા વિચારો ને" રમેશભાઈ એ મિતેશ ની પીઠ થાબળતા કહ્યું.

વૃદ્ધાશ્રમ માં સરલાબેન અને રવજીભાઈ જ સજોડે રહેતા હતા...બાકી ના બધા જ વૃદ્ધો વિધવા કે વિધુર હતા...એટલે બધા ની સહસહમતી થી સરલાબેન અને રવજી ભાઈ ને મિતેશે પોતાના માબાપ બનાવ્યા..અને ઘરે લઈ જવાની તૈયારી કરી

"મને ઘણીવાર મારા માબાપ ની ખોટ પડી છે...પણ મારા કમનસીબ કે મને આજ સુધી આવા સ્તકાર્ય નો વિચાર ન આવ્યો...ધન્ય છે મારા દીકરા ને કે એની જીદ થકી મને આજે માબાપ મળી ગયા..અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે મારી માંગણી સ્વીકારી" મિતેશ સૌકોઈના આશીર્વાદ લઈ સરલાબેન અને રવજીભાઈ સાથે ઘરે જવા રવાના થયો.

"રુદ્ર બેટા રુદ્ર....ચેમ્પ...મારા ચેમ્પ....ક્યાં છે તું?....જો તો હું કોને મારી સાથે લાવ્યો છું" મિતેશે સરલાબેન અને રવજીભાઈ ને સન્માનસહ ઘરે લાવી પોતાના લાડલા રુદ્ર ને બૂમ મારી..

બૂમ ની વળતો કોઈ જવાબ ન મળ્યો

"દીકરા...બહાર આવ....હું તારા દાદા દાદી ને સાથે લાવ્યો છું"મિતેશે ફરી બમણા ઉત્સાહ થી બૂમ પાડી

સામે ના દરવાજે થી દોડતો રુદ્ર આવી ને સરલાબેન અને રવજીભાઈ ને વળગી પડ્યો

"મારા દાદા દાદી આવી ગયા...મારા દાદા દાદી આવી ગયા...."ઉત્સાહ માં ગાંડો થયેલો રુદ્ર હરખભેર બુમો પાડી રહ્યો હતો...અને એનાથી પણ બમણા ઉત્સાહ અને હરખ થી રવજીભાઈ અને સરલાબેન રુદ્ર ને ઉચકી ને ચૂમી રહ્યા હતા....સ્નેહની આંખો હરખથી ભીંજાઈ ગઈ....અને મિતેશ પોતાના માબાપ અને દીકરા ને જોઈ સંતોષ પામ્યો..