ડોકટર komal rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોકટર

ઘણા દિવસ થી બેચેની અને થાક અનુભવતી પિનલ આજે પોતાના મન નો ઉકેલ શોધવા ડોકટર પાસે આવી હતી...એપોઇન્ટમેન્ટ તો લઈ લીધી હતી પણ એનો વારો આવવાની હજી થોડીવાર હતી એટલે ડૉ. વિધિ વ્યાસ ના દવાખાના ની લોબી માં બેઠી હતી..આજુબાજુ ગર્ભવતી મહિલાઓને જોઈ મનોમન ખુશ થતી પિનલ એની નાનકડી દીકરી આરવી વખતની પોતાની ગર્ભાવસ્થા યાદ કરી રહી હતી...

પિનલ અને રાજ સફળ લગ્નજીવનના 10 વર્ષ વિતાવી ચુક્યા હતા..બંને વચ્ચે ગજબ નો સુમેળ હતો...વિચારો થી માંડી ને પસંદ નાપસંદ બધું જ એકબીજા ને મળતું આવતું.ક્યારેક કોઈ વાત ને લીધે એમની વચ્ચે અણબનાવ બન્યો હોય એવું બન્યું ન હતું...એકબીજા પ્રત્યે નો એમનો નિખાલસ પ્રેમ હજીયે એવો ને એવો જ હતો...એમના આ પ્રેમ નું પરિણામ એટલે એમની 6 વર્ષની દીકરી આરવી..આરવી ના જન્મ સમયે બન્ને પતિ પત્ની ખૂબ જ ખુશ હતા..આરવી ની કહેલી વાત...એનો પડતો બોલ બન્ને પતિ પત્ની માટે મહત્વ નો હતો...પણ બધાના જ વિચારો સરખા હોય તો પછી જોઈએ જ શુ...આરવી પુત્રી તરીકે અવતરી એની રાજ ના માતાપિતા ને ખાસ ખુશી ન હતી..જુનવાણી વિચાર ધરાવતા રાજ ના માતાપિતા માટે તો પુત્ર જ કુળ ને તારે ...એટલે અત્યાર સુધી એક જ બાળક ની ઝંખના રાખનાર પિનલ અને રાજે બીજા બાળક અંગે વિચાર શરૂ કર્યો...અને એ જ વિચાર ના ફળ સ્વરૂપે આજે પિનલ દવાખાને ડૉ.વિધિ વ્યાસ ને મળવા આવી હતી..પિનલ ની ખુશી એના ચહેરા પર સાફ જોઈ શકાતી હતી...વિચારો ના વમળ વચ્ચે રિસેપ્સન પરથી પડાતી પિનલ ના નામની બુમો એ એને તંદ્રા માંથી બહાર કાઢી..પિનલ ડૉ વિધિ વ્યાસ ના કેબીન માં પ્રવેશી..આરવી વખતે પણ આ જ વિધિ વ્યાસ ને ત્યાં આવવાનું થતું એટલે ડોકટર પણ હવે પિનલ ને સારી રીતે ઓળખી ગયા હતા.

"અરે પિનલ તું...આવ...આવ....બોલ શુ વાત છે?" ડોકટરે પિનલ ને આવકાર આપતા કહ્યું


"ડોકટર બસ ચેક અપ કરાવવા આવી હતી...કદાચ હું ગર્ભવતી છું એવું મને લાગી રહ્યું છે" પિનલે હર્ષભેર અવાજ માં જવાબ આપ્યો

ડોકટરે પિનલ ના ચેકઅપ કર્યા બાદ એ વાત ની પુષ્ટિ કરી કે પિનલ ખરેખર ગર્ભવતી છે..આ વાત સાંભળી પિનલ ખૂબ જ ખુશ થઈ ગઈ

"અભિનંદન પિનલ, તું માતા બનવાની છે. ત્રીજો મહિનો બેસી ગયો છે.હું તને જરૂરી એવી દવા લખી આપું છું.એ લેવાનું શરૂ કરી દેજે...બીજું કંઈ ચિંતા કરવા જેવું નથી..એટલે મહિના પછી બતાવી જજે..તારું ધ્યાન રાખજે.." ડોકટરે પિનલ દવા લખી આપી અને પિનલ કેબીન માંથી બહાર આવી..એના હૈયા માં ખુશી સમાતી નહોતી..

પિનલ ઘરે આવી અને સૌપ્રથમ એને આ વાત રાજ ને જણાવી..રાજ પણ આ સાંભળી હરખઘેલો થઈ ગયો..સાંજે ઓફિસ થી જલ્દી જ ઘરે આવી ગયો અને સાથે મીઠાઈ નું બોક્સ પણ લઈ આવ્યા.પરિવાર માં સૌના ચહેરા ખુશખુશાલ હતા..વીશેક દિવસ આ ખુશાલી સાથે વીત્યા ને એક દિવસ રાજે પિનલ ને ગર્ભપરિક્ષણ કરાવવાની વાત કરી.

"શુ વાત કરો છો તમે?..તમને ખબર છે ને ગર્ભપરિક્ષણ ગુના ને પાત્ર છે" પિનલ સ્તબ્ધ થતા બોલી

"જો પિનલ હું જાણું છું કે ગર્ભનિરીક્ષણ કરાવવું એ ગેરકાયદેસર છે..પણ અત્યારે એ જ આપણા હિત માં છે" રાજે પિનલ ને સમજાવતા કહ્યું

"હું કંઈ સમજી નહિ" પિનલે પ્રશ્નાર્થ ભાવે પૂછ્યું

"હું જાણું છું કે આરવી ના જન્મ સમયે મારા માતા પિતા એને સહર્ષ સ્વીકારી નહોતા શક્યા જે વાત નું મને પણ ઘણું દુઃખ છે...અને હવે જો બીજી વાર પણ પુત્રી અવતરશે તો હું એ પુત્રીની અવહેલના સહી નહિ શકું...અને આમ પણ આપણને એક પુત્રી તો છે જ તો હવે ભગવાન એક પુત્ર આપી દે એટલે ભાઈ બહેન ની જોડ થઈ જાય....અને બસ એટલે જ હું ગર્ભપરિક્ષણ કરાવવા ઈચ્છું છું" રાજે પીનલનો હાથ પોતાના હાથ માં લઇ કહ્યું


રાજની વાત પિનલ ના ગળે ઉતરી એટલે પિનલ પણ ગર્ભપરીક્ષણ કરાવવા તૈયાર થઈ ગઈ..બીજા જ દિવસે રાજે પોતાના એક ખાસ મિત્ર પાસે થી આવા એક ડોક્ટરનું સરનામુ શોધી કાઢ્યું જે આમ ગેરકાયદેસર રીતે ગર્ભપરિક્ષણ કરતા હોય....4 5 દિવસ પછી રાજ અને પિનલ એ ડોક્ટરને મળવા જવા તૈયાર થયા..પિનલ ખુબજ ગભરાયેલી હતી..અને રાજ એને હિંમત આપી રહ્યો હતો.
આખરે પિનલ ને સોનોગ્રાફી રૂમ માં લઇ જવામાં આવી...15 20 મિનિટ ની તપાસ બાદ ડોકટર રાજ પાસે આવ્યા..થોડી ક્ષણ માં પિનલ પણ ત્યાં આવી પહોંચી..બન્ને ડોક્ટરની સામે વાળી ખુરશી માં ગોઠવાઈ ગયા...અને ડોક્ટરની સામે જોઈ રહ્યા હતા..

"its a baby girl...તમારા ગર્ભમાં બાળકી ઉછરી રહી છે..."ડોકટરે કહ્યું..

રાજા ને પિનલ અવાચક થઈ ગયા...એવું નહોતું કે એમને દીકરી નહોતી જોઈતી..પણ દીકરો જન્મે એવી એ બન્ને ની પણ ઈચ્છા હતી... 

"so હવે એબોર્શન કરાવવાનું છે?" ડોકટરે ઉતાવળે જ પૂછી લીધું...

આવા દવાખાના અને આવા ડોકટર ના આ જ કામ હોય..ગર્ભ પરીક્ષણ કર્યા બાદ જો ગર્ભ માં પુત્રી હોય તો એ હમેંશા સામે વાળા દંપતીને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરતા અને બદલા માં ઊંચી કિંમત વસુલ કરતા.

"અમે વિચારી ને જવાબ આપીશું" પિનલ ની હાલત જોતા રાજે ત્વરિત જવાબ આપ્યો અને એ પિનલ ને લઈ ને હોસ્પિટલ ની બહાર નીકળ્યો..પિનલ જાણે લાચાર થઈ ગયી હોય એવું લાગી રહ્યું હતું..ફરી એ જ મહેણાં ટોણા સાંભળવા પડશે..એ વિચારે એને વધારે બેબાકળી કરી દીધી હતી..રાજ પીનલ ને લઈ ને ઘરે ગયો...ઘરે આ અંગે વાત કરતા જ ગર્ભપાત કરાવી નાખવાનું ફરમાન જાહેર થઈ ગયું...પિનલ નિયા આંખો દળદળ વહી રહી હતી..પણ અફસોસ એના આંસુઓ ની અસર કોઈને નહોતી થઈ રહી...આખરે પરિવાર નો નિર્ણય એ જ પોતાનો નિર્ણય એમ વિચારી પિનલ કમને ગર્ભપાત કરાવવા તૈયાર થઈ પણ એની શરત એટલી જ કે એ ગર્ભપાત ડૉ.વિધિ વ્યાસ પાસે જ કરાવશે...એની શરત ઘરના લોકો એ પણ મંજુર રાખી..

બીજા જ દિવસે પિનલ પોતાના સાસુ સાથે ડૉ વિધિ પાસે પહોંચી ગઈ..નાનકડી આરવી પણ સાથે જ હતી..પીનલ કેબીન માં પ્રવેશી..એના ચહેરા પરની ઉદાસીનતા ડો.વિધિ પારખી ગયા....

"આવ પિનલ કેવી છે તબિયત"

"ઠીક છે...એક અગત્યની વાત કરવી હતી" પિનલે સીધી જ વાત માંડી.

"હા બોલ ને...કોઈ તકલીફ છે કે શું?" ડોકટરે પૂછ્યું

" ના..પણ હું ગર્ભપાત કરાવવા ઈચ્છું છું" 

"what..પણ કારણ શું?"

"કઈ નહિ...અમે હમણાં સંતાન નથી ઇચ્છતા" પીનલે બહાનું કરી લીધું.


આગલી વખતે આવેલી પીનલ અને તેની આંખો માં રહેલી એ ખુશી નું સ્થાન આંખની ધારે આવેલા આંસુ એ લઈ લીધું હતું એના પરથી ડોક્ટરને અંદાજો આવી ગયો હતો કે વાત કઈક બીજી જ છે..એમને ફરી વાર પીનલ ને કારણ પૂછ્યું..આ વખતે પિનલ પોતાની જાત ને રોકી ન શકી એક આંસુ નું ટીપું એની આંખ માંથી પડ્યું..એ સાથે જ ડોકટરે પિનલ નો હાથ પકડી ફરી એ જ સવાલ પૂછ્યો
.
"શુ વાત છે પિનલ?"

હવે પિનલ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી..એના સાસુ પણ પીનલ નો આંક્રંદ જોઈ ઢીલા પડી ગયા. પિનલ આખરે ગર્ભપરિક્ષણ વાળી વાત ડૉ વિધિ ને જણાવી.

"હા તો પુત્રી છે ગર્ભ માં તો ગર્ભપાત કેમ કરાવવાનો" એક હળહડતો સવાલ ડોકટરે પૂછી લીધો

આ વખતે જવાબ પીનલ ના બદલે પિનલ ના સાસુ એ આપ્યો

"ડોકટર રાજ અને પીનલ ને ત્યાં એક પુત્રી તો છે જ...હવે બીજા સંતાન માં અમે બધા જ એક પુત્ર હોય એની આશાએ  હતા..પણ પુત્રી છે એટલે ગર્ભપાત કરાવી લેવો છે"

"ઓહ એટલે બીજી પુત્રી આવશે એમ સમજીને ગર્ભપાત કરાવવો છે બરાબર ને?"
ડોકટરે કહ્યું

"હા" પિનલ અને એના સાસુ એક સાથે બોલી ઉઠ્યા

"એક કામ કરશો" ડોકટરે પૂછ્યું

"હા કેમ નહિ...બોલો શુ કરવાનું છે" પિનલ ના સાસુએ  વળતો જવાબ આપ્યો

"તમારી આ આરવી મને સોંપી દો".ડૉક્ટરેએ આરવી ને પિનલ ના હાથ માંથી ખેંચી પોતાની પાસે લઈ લીધી..અને ટેબલ પર પડેલું એક ચપ્પુ આરવી ના ગળા પાસે ધરી દીધું.

બન્ને સાસુ વહુ ગભરાઈ ગયા

"ડોકટર શુ કરી રહ્યા છો તમે...તમે પાગલ તો નથી થઈ ગયા ને..છોડો મારી આરવી ને" પીનલ ગભરાતા સ્વરે બોલી

"હા છોડી દો મારી ઢીંગલી ને...એને વાગી જશે.." પિનલ ના સાસુ બોલી ઉઠ્યા.
ડોકટરના હાથ માં રહેલુ ચપ્પુ જોઈ બન્ને ના જીવ તાળવે ચોંટી ગયા હતા.

"ના હુ આરવી ને મારી ને જ રહીશ...એમ પણ તમારે તો એક જ પુત્રી જોઈએ છે ને...ટોટ મારી વહુ માં ગર્ભ માં પુત્રી છે જ..એટલે આરવી કદાચ નહિ હોય તો ય કઈ ફરક નહિ પડે" ડોકટરે જવાબ આપ્યો

"મગજ ઠેકાણે છે કે નહીં...સાવ ફૂલ જેવી મારી ઢીંગલી ને મારવા ની વાતો કરો છો..ડોકટર તરીકે ને બધી ફરજો ભુલાવી ચૂક્યાં છો કે શું...." પીનલ ના સાસુ એકીશ્વાસે બોલી ઉઠ્યા

"હું પણ તો એ જ કહેવા માગું છું ને કે જો તમે તમારી આરવી ના ગળા ની નજીક પહોંચેલું ચપ્પુ જોઈ ગભરાઈ ગયા..તો પિનલ ના ગર્ભ માં રહેલી બાળકી ના અંગો કપાતા જોઈ શકશો....ફૂલ જેવી આરવી ની હત્યા તમને મંજુર નથી...તો જે બાળકી હજી તો માંડ કળી બની છે એને મસળી નાખવા..એને મારી નાખવા તમે કઈ રીતે તૈયાર થઈ ગયા" ડોકટરે આરવી ને પિનલ ને પરત સોંપતા કહ્યું

બન્ને સાસુ વહુએ આરવી ને છાતી સરસી ચાંપી દીધી..ડોકટર ની વાત એમના મગજ માં ઉતરી ગઈ હતી..બન્ને ની આંખો માં આંસુ છલકાઈ ગયા..અને એ સાથે જ ગર્ભપાત કરાવવાનો નિર્ણય પણ માંડી વાળ્યો..બન્ને આરવી ને લઈને ઘરે પાછા ફર્યા..ઘરે રાજ અને એના પિતા ને બધી જ વાત કરી..એ બન્ને પણ ગળગળા થઈ ગયા...એમને પણ ડોક્ટરની વાત સાચી લાગી....પછી શું બાકી ના બધા જ મહિના પિનલ નું ખૂબ જ ધ્યાન રાખ્યું બધાએ....અને છેલ્લા મહિને પ્રસુતિ ની પીડા થતા પિનલ ને દવાખાને લઈ જવામાં આવી...એ જ ડોકટર વિધિ વ્યાસ પાસે...3 કલાક ની પીડા બાદ આખરે પીનલ ની ડિલિવરી થઈ...કપડાં માં વિટાળેલું એક નાનકડું બાળક પીનલ ના સાસુ ના હાથ માં આપતા ડોકટર વિધિ બોલ્યા.

"અભિનંદન તમે ફરી એકવાર દાદી બની ગયા છો..તમારી નાનકડી આરવી ને ભાઈ મળી ગયો છે...પુત્રરત્ન નો જન્મ થયો છે"

.પિનલ ના સાસુ ડોકટર જે બોલી રહ્યા હતા એ સમજી ન શક્યા..બસ આશ્ચર્યચકિત થઈ એટલું જ બોલી શક્યા

"પુત્ર.......પણ ગર્ભમાં તો પુત્રી"

" હા પિનલ પુત્રને જ જન્મ આપ્યો છે...અત્યારના જમાના માં ઘણા એવા ડોકટર છે જે ગર્ભપાત ના પૈસા પડાવવા દંપતીઓને ગર્ભ માં પુત્રી છે એમ કહી ગર્ભપાત કરાવી પૈસા પડાવતા હોય છે...પિનલ અને રાજ નો પણ આવા જ કોઈ ડોકટર સાથે ભેટો થઈ ગયો હશે" ડોકટરે જવાબ આપ્યો

"પણ ડોકટર તમને તો ખબર જ હશે...."રાજ બોલ્યો પણ એની વાત વચ્ચેથી જ કાપતા ડોકટર બોલ્યા.

"હા પિનલ અને તમારા મમ્મી જ્યારે ગર્ભપાત કરાવવા આવેલા ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે ગર્ભ માં પુત્રી નહિ પુત્ર છે...પણ હું ગર્ભમાં રહેલા બાળક નું જાતિ પરીક્ષણ કરવું એ કાયદેસર ગુનો છે...અને હું મારા ડોકટરી વ્યવસાય સાથે છેતરપિંડી ન કરી શકું એટલે જ મેં તમને ત્યારે પુત્ર હોવાની વાત નહોતી કરી...અને એટલે જ ગર્ભપાત રોકવા મને એ સમયે જ ઠીક લાગ્યું એ મેં કર્યું"


"તમારા જેવા ડોક્ટરો ને કારણે જ આજે પણ લોકો ડોકટર ને ભગવાન ની ઉપમા આપે છે...એ દિવસે તમે ફક્ત પિનલ ના ગર્ભ માં રહેલા પુત્ર ને બચાવ્યો હતો એવું નહતું..પણ વર્ષો થી ચાલી રહેલી મારી ખોટી માનસિકતા ને પણ બદલી હતી...ધન્ય છે તમારા જેવા ડોકટર ને" પીનલ ના સાસુ ડોકટર સામે હાથ જોડતા બોલી રહ્યા હતા....

સમગ્ર પરિવારે ફરી એકવાર ડૉ વિધિ નો આભાર માન્યો..અને ડોકટર વિધિ ફરી ચાલ્યા એક નવા વહેમ ના ઉપચાર માટે...