રાત્રીનું રહસ્ય Krupa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાત્રીનું રહસ્ય

સાતમ આઠમ ની બે દિવસ ની રજા પડી હતી મીરા અને તેના પતિ શ્યામ બંનેએ ગામ જવાનું નક્કી કર્યું. સાંજ પહેલા પહોંચી જઈશું એમ વિચારી ચાર વાગ્યા આસપાસ બંને ઘરેથી નીકળ્યા. બસ માં જઈએ તો ત્રણ કલાક આસપાસ નો રસ્તો છે એટલે સાત વાગ્યા સુધી માં ઘરે પહોંચી જવાય.

ઘરેથી નીકળ્યા ત્યારે તો વરસાદ નું કોઈ નામોનિશાન નહોતું. પણ લગભગ ભાવનગર થઈ અડધો કલાક દૂર પહોંચ્યા હશે ત્યાં તો ખુબજ વરસાદ અને વરસાદ ની થોડું નક્કી હોય કે ક્યારે બંધ થશે.

જેમ જેમ આગળ ગયા તેમ વધુ ને વધુ વરસાદ હતો. જ્યારે ગઢડા પહોંચ્યા ત્યારે ત્યાં લોકો વાતો કરતા હતા કે ઘેલો નદી તો બંને કાંઠે વહે છે ત્યારે ખબર પડી કે ઘેલોમાં તો પુર આવ્યું છે.

તે લોકો ને ગઢડાથી માંડવધાર ત્યાંના લોકલ વાહનો માં જવું પડતું કોઈ પણ છકડો હોય છે પછી મિનિબસ વરસાદ અને ઘેલો નદીમાં પુર હોવાથી બધું બંધ હતું હજુ સાડા સાત જેવું થયું હતું એટલે થોડું થોડું અંજવાળું હતું એટલે ઘેલા ની પરિસ્થિતિ જોવા અને આગળ જવા માટે કોઈ રસ્તો મળશે વિચારીને બંને તેઓના જાણીતા રસ્તે ચાલતા થયા.

તેઓને ઘેલો નદી પાર કરીને આગળ ના ગામ માંડવધાર જવાનું છે. નદી તો બન્ને કાંઠા પણ ના દેખાય એમ સમતલ બધે પાણી પાણી થઈ ગયુ હતુ. નદીના કાંઠે કાંઠે રોડ છે અને રોડ ની બીજી બાજુ સ્વામિનારાયણ મંદિરની પાછળ ની દીવાલ છે જે ગઢડા નું મોટું મંદિર છે. બંને ને ખબર છે કે અહીં રસ્તો છે પણ રોડ પર પણ પાણી હોવાથી દીવાલ ના ટેકે ચાલ્યા જતાં હતાં.

થોડું આગળ જતાં રોડ ની સામે ની બાજુ ટેકરી પર એક જૂની પોસ્ટ ઓફીસ છે જે ઘણા વર્ષો થી બંધ છે ત્યાં ક્યારેય કોઈ જતું નહીં એટલે મકાનની સ્થિતિ પણ જોવામાં ડરામણી લાગે તેવી હતી અને એમાં પછી રાત હતી. છતાં બીજો કોઈ રસ્તો છે નહીં એમ વિચારી બંને હિંમત કરી બંને ત્યાં પહોંચ્યા. તેઓએ નક્કી કર્યું કે ત્યાં બેસીએ પાણી ઓછું થાય એટલે જતા રહેશું.

મકાન જૂના જમાના પ્રમાણેનું મેડા વાળું બનેલું છે આજુબાજુ માં મોટા ઝાડ વાવેલા છે ટેકરી હોવાથી ત્યાં પાણી નહોતું. પણ બધી બાજુ પાણી પાણી જોઈ મુંજાતા હતા.

એ પોસ્ટ ઓફીસમાં નીચે ઓસરી જેવું હતું અને તેમાથી બીજા માળે એટલે કે મેડા જેમ બનેલા ઉપરના માળ પર જવાનો લાકડાનો દાદર હતો. ત્યાંથી ઉપર ચડીને ઉપરના જરૂખા માં બેસી ગયા. રાહ જોતા હતા કે પાણી ઓછું થાય તો ચાલતા જ નીકળી જઈએ.

એમજ સમય જતો હતો ને કયારેક ક્યારેક વીજળી ના ચમકવાથી બધું દેખાતું હતું. લગભગ 11 વાગ્યા હશે ત્યારે તેઓની જેમ જ બીજા બે છોકરાઓ વીસ બાવીસ વર્ષ ના હશે તેઓ ત્યાંથી આગળ જવા માટે રસ્તો જોતા હતા તેઓને પણ શ્યામે ત્યાં બોલાવી લીધા પછી બધા વાતો કરતા હતો ક્યાં જવાનું છે એવી બધી અને સમય પસાર કરવા અલક મલક ની વાતો કરતા હતા

બંને છોકરાં વાત કરતાં હતાં. હજી તો સવારે કાઈ હતું નહીં અમે તો ભાવનગર ફિલ્મ જોવા ગયા હતા. અને અત્યારે જુઓ તો બધે પાણી પાણી છે. સાલું આ વરસાદ નું કઈ નક્કી નહિ. તેઓની વાત માં ક્યારેક ક્યારે શ્યામ અને મીરા પણ હા પુરાવતા હતા. ચારેય ઉભા થઈને વીજળીના ચમકારા થાય ત્યારે પાણી કેમ છે તેવું જોઈ રહયા હતા.

બરાબર મધ્યરાત્રી એ સાડા બાર આસપાસ બીજું એક કપલ થોડું મોટી ઉંમરનું હોય તેવું ત્યાથી પસાર થઈ રહ્યું હતું. તેઓને પણ આ લોકો એ બોલાવી લીધાં કારણ કે આગળ જાવા માટે બીજો કોઈ રસ્તો જ નહોતો.

એ કપલ મુસ્લિમ પરિવાર નું હોય એવું લાગ્યું. સાથે જે સ્ત્રી હતી તેમણે બુરખો પહેર્યો હતો તે પરથી અનુમાન લગાવી શકાતું હતું. તેઓ જ્યારે ત્યાં જરૂખા માં પહોંચ્યા તો મીરા ને થોડી અચરજ થઈ કારણકે તેઓની પાસે ફાનસ હતું. આ જમાનામાં કોણ ફાનસ લઈને ફરે ? એવો મનમાં વિચાર કરી બેસી રહી. ફાનસ ના કારણે હવે બધાના ચહેરા જોઈ શકતા હતા.

થોડી વાર વાતો કરી પછી તે દાદા બોલ્યા છોકરાઓ ચા પીશો ? તેનો સવાલ સાંભળી બધા મન માં તો બોલ્યા કે દાદા મસ્તી કરે છે પણ મીરા એ બોલી દીધું અહીં અત્યારે ક્યાં ચા મળવાની દાદા.... !

દાદા એ તેમના પત્ની ને સંબોધીને કહ્યું બેગમ સબ કો ચાય પીલાઓ. અને દાદા કહેવા લાગ્યા કે હું ચા નો બહુ શોખીન છું એટલે ચા નું થર્મોસ તો સાથે હોય જ. દાદા વાત કરતા હતા પણ મીરા ને તેના પર શંકા થયા કરતી હતી. બેગમે તેઓ પાસે એક જોળી જેવું હતું તેમાંથી થર્મોસ અને પ્લાસ્ટિકના કપ કાઢી બધાને ચા આપી.

ચા પીધા પછી શ્યામ ઉભો થયો અને બોલ્યો લાગે છે આજે આખી રાત અહીજ રોકાવું પડશે. વરસાદની કાઈ ઉભા રહેવાની દાનત નથી લાગતી. બધા એ તેની હા માં હા પુરાવી બેસ્યા ત્યારે પાછા દાદા બોલ્યા કોઈ ને પત્તા રમવાનો શોખ ખરો તો સમય સારો પસાર થશે.

મીરાં ના કાન પાછા ચમક્યા અને બોલી દાદા તમે આ નાની જોળી માં શું શું લઈ ને ફરો છો મારે તમારી જોળી જોવી છે. દાદા હસવા લાગ્યા બોલ્યા આ છોકરી ને તો વિશ્વાસ જ નથી આવતો. સારું તું સવાર પડે અજવાળા માં મારી જોળી જોઈ લેજે બસ... એમ કહી પાછું મંદ મંદ હસ્યાં અને જોળી માંથી રમવા પત્તા કાઢ્યા બધા રમવા બેસી ગયા.

રમત માં બધા એટલા મશગુલ થઈ ગયા કે સવાર ના 4 વાગી ગયા અને થોડો થોડો ઉજાસ થવા લાગ્યો હતો. મીરા નો જીવ હજી પેલી જોળી જોવામાં જ હતો અને બીજા બધા પત્તા રમવા માં પડ્યા હતા.

મીરાં ઉભી થઈ અને પાણી ની સપાટી જોવા લાગી વરસાદ બંધ થઈ ગયો હતો અને પાણી ઘીમે ધીમે ઘટી રહ્યું હતું. સવારનો આછો ઉજાસ અને ચોતરફ પાણી પાણી ખુબજ સુંદર દ્રશ્ય બન્યું હતું. ત્યાંજ ઉભી રહી મીરા બધું નિહાળી રહી હતી.

સમય પસાર થતો જતો હતો અને ઉજાસ વધતો જતો હતો અચાનક મીરા નું ધ્યાન પેલા દાદા અને તેમના બેગમ પર ગયું તો એ બને ના શરીર ઝાંખા પડતા જતા હતાં. મીરા એ આંખો ચોળી ને ફરી જોયું. અને તેની આંખો ખુલ્લી જ રહી ગઈ ખરેખર તેઓ ઝાંખા થતા હતા મીરા જોરથી બોલી શ્યામ જલ્દી જોને આ દાદા અને બા કેમ ઓગળતા હોય એમ ઝાંખા થાય છે શ્યામે પણ જોયું અને પેલા બંને છોકરાઓ એ પણ જોયું.

બધા ને અચાનક મગજ બંધ થઈ ગયા કે તેઓ ડરી ગયા કે પછી સમય ઉભો રહી ગયો હોય તેમ બધા સ્થિર નજરે જોઈ રહ્યા હતાં અને દાદા હસતા હતા. મીરા એ ડરીને શ્યામનો હાથ જોર થી પકડી લીધો. દાદા મીરા ને સંબોધીને બોલ્યા દીકરી તું શું કામ ડરે છે ? તારે મારી જોળી જોવી હતીને લે જોઇલે કહી મીરાં બાજુ ફેંકી પણ તેમાં કઈ જ હતું નહિ. ખાલી કપડું હતું.

એ જોઈ મીરાંએ શ્યામનો હાથ જોરથી પકડ્યો. અને મીરાં બોલી તમે કોણ છો અને કેમ તમે આમ આછા થાવ છો આવી રીતે ?

દાદા એ વાત કહેવાની ચાલુ કરી.... લગભગ બસો વર્ષ પહેલાં હું અહીંના આજુબાજુ ના બાવીસ ગામ નો રાજા હતો અને આ મારા રાની એમ કહી બેગમ બાજુ આંગળી કરી. ફિરંગીઓ એ મારી સાથે કપટ કરી મને મારી નાખ્યો હતો. ત્યારે તો હું કઈ કરી ન શક્યો પણ હવે હું જ્યારે પણ મારા રાજ્ય નું કોઈ મુસીબત માં હોય ત્યારે તેઓની મદદ કરવા આવું છું.

પણ હા હંમેશા અલગ રૂપમાં આવું છુ એટલે તમે કોઈ કિસ્સો સાંભળ્યો નહિ હોય. અને જેને સાંભળ્યો પણ હશે તો ભગવાન નો ચમત્કાર છે એમ કહયુ હશે. તમે પણ સમજો છો કે મેં કોઈ ને હાનિ નથી પહોંચાડી માટે હું તમને પણ એટલું જ કહીશ કે બને તો કોઈ ને વાત ન કરશો નહીતો લોકો ડરવા લાગશે.

બધાં જોતા રહી ગયા અને દાદા અને તેમની બેગમ અદ્રશ્ય થઈ ગયા. જ્યારે સાવ દેખાતા બંધ થઈ ગયા ત્યારે મીરાં, શ્યામ અને પેલા બંને છોકરાઓ એ બહાર નજર કરી તો પાણી પણ ઓછું થઈ ગયું હતું. એટલે બધા પોતાનાં રસ્તે આગળ નીકળી ગયા.



મારી કહાની સારી લાગી હોય તો રેટિંગ્સ અને પ્રતિભાવ જરૂર આપજો. કોઈ ભૂલ હોય તો માફ કરશો. બદલાવ ની જરૂર લાગે તો મિત્રો મેસેજ કરજો. હું જરૂર અમલ કરીશ