સવારના સાત વાગ્યે એલાર્મના અવાજથી સાહિલની આંખ ખુલ્લી ઉભો થઈ રસોડામાં જઈ પોતાના માટે કોફી બનાવી ને બાલ્કનીમાં ઉભો ઉભો બહાર નું દ્રશ્ય જોઈ રહ્યો હતો. ફોન ની રિંગ વાગતા તેને ફોન હાથ લીધો ત્યાંજ ફોન કટ થઈ ગયો.
સાહિલ પાછો બાલ્કનીમાં જય ખુરશી પર બેઠો. અને વિચારતો હતો કે આજે દીદાર ના લગ્ન છે. જે મારુ સર્વસ્વ છે બહુ દુઃખી હોય છે પણ પોતે કાઈ ન કરી શક્યો એવો અફસોસ કરતો ભુતકાળ ની યાદો ને વાગોળવા લાગે છે
સાહિલ ધોરણ દસ ની પરીક્ષા આપીને વેકેશન માણવા મામા ના ઘરે આવેલો. મમ્મી ના અવસાન પછી ઘણાં વર્ષે આવ્યો હતો. બધા ખુબજ વહાલ કરતા એ તેને ગમતું.
મામાને એક દીકરી જેનું નામ હતું દીદાર. બન્ને એ નાના હતા ત્યારે પણ ઘણો સમય સાથે વિતાવેલો અને સાથેજ મોટા થયેલા. ઉંમર સાથે લાગણીઓ બદલાવા લાગી. સાહિલ ને તે ઘણી અલગ લાગતી હતી. અને તેનામાં પણ સ્ત્રી સહજ ગુણ જલકાતો હતો ઘણી શરમાળ થઈ ગઈ હતી. થોડા દિવસમાં બન્ને સારા મિત્રો બની ગયા પણ સાહિલ માટે કદાચ એ મિત્ર કરતા વધુ બની ગઈ હતી. દિલ માં પ્રેમની કૂણી કુંપળો ફૂટવા લાગી હતી, તેને દીદાર ગમવા લાગી હતી. લગ્ન કરવા સુધીનું વિચારી લીધેલું. સાહિલ ને તો દીદાર જ તેનું સર્વસ્વ લાગતી હતી.
સાહિલે એક દિવસ તેના નાનીને વાત કરી કે મને દીદાર બહુ ગમે છે મારે તેની સાથે લગ્ન કરવા છે. ત્યારે તો નાની બહુ ખુશ થયા. બન્ને ની ઉંમર હજી નાની હતી માટે તેમણે કોઈ ને વાત ન કરી.
બે દિવસ પછી સાહિલે તેના મામી એટલેકે દીદાર ના મમ્મી ને એજ વાત કહી, મને દીદાર બહું ગમે છે મારે તેની સાથે લગ્ન કરવા છે. મામી સાહિલ સામે તાકી રહ્યા.
સાહિલને તો એમ લાગ્યું મામી ને નથી ગમ્યું મારાથી ના બોલવાનું બોલાઈ ગયું લાગે છે. પણ મામી કંઈક વિચારતા હતા. તેમને ફરી સાહિલને પૂછ્યું શું તારે સાચે દીદાર સાથે લગ્ન કરવા છે? સાહિલે હા કહ્યું પછી તેમણે પણ હળવું હસતા કહ્યું દીદાર ને પસંદ હોય તો મને કોઈ વાંધો નથી. સાહિલ પણ ખુશ થઈ ગયો કે મામી માની ગયા. ત્યારે સાહિલે મામીને પૂછ્યું તમે આ વિશે દીદાર સાથે વાત કરશો ? મામી પણ હા કહી પોતાના કામે વળગી ગયા
બીજા દિવસે લગભગ સાંજના છ વાગે સાહિલ બહાર ફળીયા માં બેઠો હતો. દીદારે ત્યાં આવીને પૂછ્યું શું થયું તું કેમ અહીં બેઠો છે ? સાહિલે કહ્યું કંઈ નહીં એમ જ.
પછી સાહિલ અને દીદાર વાતો કરતા હતા ત્યારે સાહિલે દીદાર ને પૂછ્યું તારા મમ્મી એ તને કઈ કહ્યું ?
દીદાર એ ના માં માથું ધુણાવ્યું સાહિલ તો વિચારોમાં ખોવાઈ ગયો. મામી એ મને હા પાડી તો દીદાર ને કેમ નથી વાત કરી? મામી ને મંજુર નહિ હોય ? કે બીજું કાંઈ થયું હશે મારા પપ્પા ને તો વાત નહીં કરી હોય ને એમ વિચારો કરતો સ્થિર થઈ ને બેઠો અને બાજુમાં દીદાર કાંઈક વેટ કરતી હતી. જે સાહિલે કદાચ સાંભળી જ નહીં. દીદાર કઈ સવાલ કરી સાહિલ ના જવાબ મટે તેની સામે જોવે છે પણ સાહિલ નું ધ્યાન જ નથી. દીદાર તેને કોણી મારીને કહે છે ધ્યાન ક્યાં છે તારું હું અહી એકલી બાબડું છું.
સાહિલ તેની સામે જુએ છે પણ કોઈ પ્રતિભાવ આપતો નથી હજી વિચારોમાં જ હોય છે તેને કાઈ સૂઝતું ના હતું માટે જાતેજ દીદાર ની ઈચ્છા જાણવાનું વિચાર્યું પણ દિલ માં ડર હતો દીદાર ના પાડશે તો શું કરીશ ? બધી હિમ્મત એકઠી કરીને સાહિલે દીદાર ને પૂછ્યું, હું તને ગમુ છું? તું મારી સાથે લગ્ન કરીશ ? તે પણ સાહિલ સામે એક નેણ ચડાવીને તાકી રહી. અને કાંઈ પણ બોલ્યા વગર ઘર માં જતી રહી.
દીદાર ના એમ ચાલ્યા જવાથી સાહિલ ત્યાંજ જડ બની ગયો અને વિચારો એ વેગ પકડ્યો. એવું તે સુ વિચારતો હતો કે આંખ મટકું મારવાનું પણ ભૂલી ગઈ તેની આંખ માં આંસુ આવી ગયા. અને ખુદ પર ગુસ્સો આવવા લાગ્યો. તે દિવસ સાહિલ જમવા પણ ન ગયો. મન માં ડર હતો કે દીદારે બધાને વાત કરી હશે તો બધા મારા પર ગુસ્સો કરશે.
રાત ના બે વાગ્યા છતાં સાહિલને ઊંઘ નહોતી આવતી. સાહિલ તેના નાની અને બીજા માસી એમ ઘણાં લોકો સાથે હૉલ માં જ સુતો હતો દીદાર પણ ત્યાંજ સૂતી હતી. ઊંઘ ન આવી એટલે તે બહાર નીકળી ફળીયા માં આવેલા કૂવા પાસે જઈ ઉભો રહ્યો. વિચારો માં મગ્ન હતો ત્યાંજ પાછળ થી કોઈએ તેના ખભા પર હાથ મુક્યો.
સાહિલે પાછળ ફરીને જોયું તો દીદાર ઉભી હતી. એની આંખમાં જે પ્રશ્ન હતો એજ પ્રશ્ન હોઠ બોલી ગયા, અહીં કેમ ઉભો છે ? શું થયું છે તને ? સાંજે જમવા પણ ના આવ્યો અને સૂતો પણ નથી કેમ કાઈ બોલતો નથી ? શુ થયું છે ?
તે સવાલ પર સવાલ કરતી હતી અને સાહિલ તેની સામે તાકી રહ્યો હતો. એક પણ મટકું માર્યા વિના સાહિલ તેને જોઈ રહ્યો. આંખ માંથી આંસુ સરી પડ્યા પણ એ કઈ તેને ધ્યાનજ ન હતું. સાહિલ તો જાણે દીદારના દીદાર કરવા માજ મગ્ન હતો.
દીદાર તેને ખભા પકડી હલાવે છે ત્યારે તેનું ધ્યાન જાય છે કે દીદાર મને કાઈ પૂછે છે,એ ચોકી જાય છે અને દીદાર ને પૂછે છે શુ થયું ?
દીદાર પણ ચોંકી ને સામે જુએ છે અને સવાલ ભરીઆંખો થી બોલે છે ' મને કે તને ?' અહીં કેમ ઉભો છે?
સાહિલ પણ જાણે ભૂલી ગયો હોય કે પોતે અહીં શુ કરે છે તેમ આજુ બાજુ જોવે છે અને પછી કહે છે કાંઈ નહિ એતો ઊંઘ નથી આવતી એટલે આંટો મારવા બહાર નીકળ્યો છું. તું કેમ અત્યારે અહીં ?
દીદાર : મને પણ ઊંઘ નથી આવતી.
સાહિલ : કેમ ? શું થયું ?
દીદાર : તારી સાથે વાત કરવી હતી.
સાહિલ : અરે ! તો બોલને હું તો તેની જ રાહ જોવ છું.
દીદાર : તે મને પૂછ્યું હતું, હું તને ગમુ છું ? મારે તને એ વિશે વાત કરવી છે
સાહિલ : હા બોલને શું કહેવું છે ? ( સાહિલ પણ થોડો ઉદાસ થઈ ગયો તેને લાગ્યું કે દીદાર ને ના કહેવી છે માટે બોલતા મુંજાય છે. )
દીદાર : મને પણ તું ગમે છે. એટલું બોલતા દીદાર શરમાઈ ગઈ.
સાહિલ પણ અવાક થઈ ગયો. કાંઈ જ ન બોલી શક્યો બસ દીદાર ને જોતો રહી ગયો અને ચહેરા પર ખુશી ફરી વળી. ઈચ્છા તો હતી કે દીદાર ને તેડીને ગોળ ગોળ ફરે જેવું ફિલ્મો માં થતું હોય છે ( કારણકે લોકો ને પ્રેમ કરતા તો ફિલ્મોજ શીખવે છે પણ ફિલ્મો કરતા હકીકત જુદી હોય છે ) પણ ડર હતો કે તેને નહિ ગમે એટલે બસ તેને જોઈ રહ્યો.
પછીતો બંને સાથે થોડો સમય વિતાવ્યો. અને સાહિલનું રિઝલ્ટ આવી ગયું. તેનાં પપ્પા નો ફોન આવ્યો એટલે સાહિલ પોતાના ઘરે ચાલી ગયો.
સાહિલ ની હજી કારકિર્દી ની શરૂઆત હતી તેથી તેણે પોતાના ઘર માં આ સંબંધ વિશે કોઈ ને વાત ન કરી. સાહિલ ને મેકેનિકલ એન્જીનીયરીંગ કરવું હતું. તો તેને વડોદરા પારુલ ઈન્સ્ટિટ્યૂટ માં એડમિશન લીધું. અને વડોદરામાં કાકા ના ઘરે રહેવાની પણ ગોઠવણ થઈ ગઈ.
સાહિલ ને ઘરથી દુર રહેવાનું હોવાથી તેના પપ્પા એ તેને ફોન લઈ આપ્યો. બન્ને અવારનવાર ફોન પર પણ વાત કરતાં અને જૂની યાદો સાથે સમય પસાર કરતા.
***********************
અચાનક ફોનની રિંગ વાગતા સાહિલ ઝબકી ને વર્તમાનમાં આવ્યો હાથ માંથી કોફીનો મગ પણ છટકી ગયો. ધ્યાન ફોન બાજુ દોરવાતા એ ફોન પાસે જઈ જોયું તો તેની સિસ્ટરનો હતો. જે પોતે આજે દીદારના લગ્નમાં હાજર હતી. ખબર અંતર પૂછી તે દીદારના લગ્ન વિશે વાત કહેવા લાગી પણ તેને ક્યાં ખબર હતી કે એ વાતથી ભાઈનો જીવ કપાતો હતો.
સાહિલ થોડી વાતો સાંભળી ત્યાં આંખ માંથી શ્રાવણ - ભાદરવો વરસવા લાગ્યો. એ વાત ની જાણ બહેનને ન થાય એ માટે ફોન કાપી નાખ્યો અને ફરી અતીત ના પાના ઉખેળવા લાગ્યો.
***********************
દીદાર ની મોસાળ વડોદરામાં ગોરવા પાસે આવેલું. એ જ્યારે તેના નાની ના ઘરે આવે ત્યારે સાહિલ ને ફોન કરી જાણ કરી દેતી. સાહિલ તેના કાકા નો દીકરા સાથે દીદાર ને મળવા જતો. દિદાર પણ તેના મામા ની દીકરી સાથે મળવા આવતી. સાહિલ અને દીદાર ના પ્રેમ વિશે બંનેને ના કઝીન અને સાહિલ ના એક ફ્રેન્ડ ને ખબર હતી.
એક વાર દીદાર ને મળવા જવા માટે સાહિલે તેના ફ્રેન્ડ ને બોલાવ્યો અને સાહિલ પાસે ગાડી ની વ્યવસ્થા ન હતી માટે ફ્રેન્ડની ગાડી લઈ ને દીદાર ને મળવા ગયો જયારે તેનો મિત્ર તેના કઝીન સાથે ઘરેજ હતો.
તેના કાકી ને સાહિલ પર શંકા થઈ તેમણે કાકા ને વાત કરી અને એ બંને ને ખબર પડી ગઈ કે સાહિલ ને કોઈ છોકરી સાથે અફેર છે પણ કોની સાથે એ ખબર ના હતી સાહિલ ના ઘરે વાત કરતાં પહેલાં પોતેજ સાહિલ ને સમજાવવાની કોશિશ કરી અને ધમકી પણ આપી કે તું હવે એવું કંઈ કરીશ તો તારા પપ્પા ને વાત કરવી પડશે. કારણકે સાહિલ ના કરિયર ની હજી શરૂઆત જ હતી. અત્યાર થી આવા કોઈ ચક્કર માં પડશે તો ભવિષ્ય બગડશે. એવું કહી સમજાવ્યો. ત્યારે તો સાહિલે વિશ્વાસ અપાવ્યો કે હવે એવું નહિ થાય.
વર્ષ થઈ ગયું ને ફરી ઉનાળાનું વેકેશન આવી ગયું.
સાહિલ ફરી મામા ના ઘરે આવ્યો. દીદાર ને મળી બહુ ખુશ હતો. પણ બીજા કોઈ નું ધ્યાન જાય કે અણગમો થાય એ રીતે ક્યારેય વર્તન ન કરતાં.
ગામડામાં તો બધાને વહેલી સવારે ઉઠવાની જ ટેવ હોય છે. સવારે ઉઠી સૌથી પહેલું કામ માટલું વિછળવાનું અને ભરવાનું હોય છે. દીદાર પણ સવારે વહેલી ઉઠી કૂવે પાણી ભરવા જતી વળતી વેળાએ અવશ્ય સાહિલ પર પાણીની છાંટ નાખી તેને ઉઠાડતી અને ગુડ મોર્નિંગ કહી જતી.
સાહિલ પણ દીદાર ને જોઈ નેજ પોતાની સવાર ને શુભ સવાર બનાવતો. આખો દિવસ દીદાર ની પાછળ ફરતો. ફળીયા માં જાય તો ત્યાં, પાણી ભરવા જાય તો ત્યાં, રસોડા માં હોય તો ત્યાં જાણે સાહિલ ને બીજું કાંઈ કામ જ નો હોય. અને ખરેખર તેને બીજું કાંઈ સુજતું પણ નહીં. ઘણીવાર સાહિલ ના નાની તેનો કાન પકડી રસોડા માંથી બહાર મોકલતા પણ સાહિલ તરત જ પાછો આવી જાય એટલે બધા હસી પડતા.
એક સવારે પાણી ભરીને જતા દીદાર લપસી પડે છે. સાહિલ તરતજ ત્યાં પહોંચી જાય છે. પછાડ લાગ્યો હોવાથી દીદારથી ઉભું નથી થવાતું એટલે સાહિલ તેને ઉંચકીને ઘરમાં લઈ જાય છે. દીદાર દુખાવો ભૂલીને એકીટસે સાહિલ ને જોઈ રહે છે. જાણે દુખાવો સાહિલ ને થતો હોય તેમ સાહિલ ની પાંપણે અશ્રુબિંદુ આવીને ડોકિયું કરી રહ્યા હોય છે. દીદાર કશુંક બોલવા જય છે પણ ત્યાંજ બીજા બધા આવી જાય છે અને કંઈ બોલી શકતી નથી.
સાહિલ ત્યાંજ બાજુમાં આખો દિવસ દીદાર પાસે બેસી રહે છે ધીરે ધીરે કળ ઉતરતા દીદાર ઉભી થઈ ચાલવા જાય છે તો ફરી બેલેન્સ ખોરવાઈ છે અને સાહિલ તેને પકડી લે છે. થોડો ગુસ્સો કરીને કહે છે થોડી વાર સુઈ રેને નથી ચાલતું તો શુ કામ કોશિશ કરે છે. દીદાર ફરી સાહિલ સામું તાકી રહી છે અને મનમાં બોલે છે તું સાથે છે તો મને શું થવાનું અને મંદ મંદ હશે છે.
સાહિલ એ જોઈ લે છે અને પૂછે છે કેમ હસે છે શું થયું? ત્યારે દીદાર સાહિલના હાથ પર હાથ મૂકી કહે છે મને કંઈ નહીં થાય તું છે ત્યાં સુધી!
સાહિલ પણ ઇમોશનલ થઈ જાય છે અને દીદારનો હાથ ચૂમી કહે છે હું હમેંશા તારી સાથે છું. ત્યારે રૂમ માં કોઈ હોતું નથી તો દીદાર પણ સાહિલ ના ખભે માથું ટેકવી બેસી જાય છે અને વાતો કરતા રહે છે. બીજા દિવસે તો દીદાર ને સારું થઈ જાય છે થોડું પગ માં દુખતું હોય છે પણ ચાલી શકે છે.
વેકેશન પૂરું થાય છે અને સાહિલ ને જવાનો સમય આવી જાય છે. સાહિલ ને જવું ગમતું નથી પણ દીદાર સમજાવે છે હું તને મળવા આવીશ. સાહિલ ખુશ થઈ ને જવા નીકળે છે ત્યારે દીદાર ના કાન માં કહે છે :
"જો તું દરિયો બની મને મળવા આવીશ તો હું કિનારો બની તને વધાવીશ....
જો તું હવા બની મને મળવા આવીશ તો હું વૃક્ષ બની તારામાં લહેરાઈશ....
જો તું સૂરજ બની મને મળવા આવીશ તો હું તારી સાથેજ આથમીશ..... અને
જો તું ચંદ્ર બની મને મળવા આવીશ તો હું તારી સાથે શીતળતા લહેરાવીશ...... "
દીદાર ખુશ થઈ તેને વિદાય આપે છે અને ઓસરી માં આવેલ હીંચકા પર બેસી હીંચકો ચલાવે છે. અને હવા ની દરેક લહેર માં સાહિલ ના સ્પર્શ ને મહેસુસ કરતી હોય તેમ મંદ મંદ હસે છે
દર વર્ષે વેકેશન માં સાહિલ મામા ના ઘરે આવતો અને દીદાર સાથે સમય વિતાવતો એજ સમય ને યાદ કરીને આગળ નું વર્ષ અભ્યાસ કરતો.
**********************************************
સાહિલ ના નાની અને તેના મામા મામી સાહિલ માટે દીદાર ની વાત લઈ ઘરે આવે છે ત્યારે સાહિલના નવા મમ્મી (શહેનાઝબાનું)ને બધી વાત ની ખબર પડે છે અને તે અચરજ પામી જાય છે. ત્યારે તો શહેનઝબાનું તેવું બાનું બતાવી દે છે કે હજી તેની પ્રેકટિસ ચાલે છે અને જોબ મળે પછી તો તે વિદેશ જવાનો છે ત્યાં સેટ થયા પછી સાહિલ નું સગપણ વિશે વિચારશું લગભગ હજી પાંચેક વર્ષ લાગશે ત્યાં સુધી તમે રાહ જોઈ શકો તો જુઓ.
દિદારના માતા પિતા એ તેમને કહ્યું તમે પાક્કું કહો તો અમને વાંધો નથી અથવા સગાઈ કરી નાખો પછી અમેં પાંચ વર્ષ રાહ જોઈશું. પણ શહેનાઝબાનુ ને સબંધ નહતો કરવો એટલે એવો જવાબ આપ્યો. વાતનો કોઈ સરખો જવાબ ન મળતા એ લોકો ચાલ્યા જાય છે. જ્યારે આ બાજુ સાહિલ આ બધી વાતથી અજાણ હોય છે. ઘરે આવતા જ જોવે છે કે બધા તેની રાહે બેઠા છે અને ગુસ્સા માં હોય એવું લાગે છે. પોતે કાંઈક વાંક માં હોય એવું લાગતા તે સીધો પોતાના રૂમ માં જવા લાગે છે અને જતા જતા તેના ભાઈ ને ઈશારો કરી બોલાવતો જાય છે.
સાહિલ નો ભાઈ તેને બધું જણાવે છે જે દિવસ દરમિયાન થયું હોય છે. અને સાહિલ અવાક બની જાય છે કારણકે તેણે દીદાર ને કહ્યું હતું થોડી રાહ જોજે હું જોબ ચાલુ કરું પછી વાત કરીશુ.
સાહિલ બધાનાં સવાલ ના જવાબ આપવા માટે મન ને તૈયાર કરીને નીચે જાય છે. પણ કોઈ કશુ બોલતું જ નથી બધા જમવા બેસે છે તો પણ કોઈ કશું ન બોલ્યું. છેલ્લે તેના મમ્મી એ કહ્યું તને દીદાર પસંદ છે તે વાત ઘરે કેમ ન કરી ?
મેતો તારા માટે કેટલીય છોકરીઓ જોઈ રાખી છે.
સાહિલ : મમ્મી હું પહેલા પગભર થવા માંગતો હતો. પછી તમને કહેવાનું હતું. પણ .....
સાહિલ ના મમ્મી : મેં પણ અત્યારે દીદાર ના મમ્મી પપ્પા ને એમ જ કહ્યું છે કે તું સેટ થાય ત્યાં સુધી રાહ જોઈ શકો તો રાહ જુઓ.
સાહિલ તેના મમ્મી સામે જોઈ વિચારતો હતો કે કેમ એવો જવાબ આપ્યો. દીદાર મારી રાહ જોશેજ અને મન ને સમજાવતો હતો બધું સારું થઈ જશે.
સાહિલ અને દીદાર તો પહેલાની જેમ જ ફોન પર વાત કરતા હોય છે અને સાહિલ હમેંશા તેને રાહ જોવા કહે છે. હું હમેશા તારો જ છું તેવો વિશ્વાસ અપાવે છે.
બે વર્ષ પછી ફરી દીદાર ના ઘરેથી વાત આવી પણ શહેનાઝબાનું એ પેલા જેવો જ જવાબ આપ્યો. આ વખત સાહિલ ને કોઈ વાતની જાણ પણ કરવામાં ન આવી. દીદાર ના મમ્મી પપ્પા એ સાહિલને કહ્યું હવે તું વાત કર અમને કોઈ જવાબ મળતો નથી પછી અમે દીદાર માટે બીજો છોકરો શોધીએ. સાહિલ પાસે કોઈ જવાબ ન હતો. તે પોતાના મમ્મી પપ્પા ને કહી ના શક્યો કારણકે તે હજી જોબ માં સેટ ના હતો.
એક દિવસ શહેનાઝબાનું તૈયાર થઈ બહાર જઈ રહ્યા હતાં. જોતા એમ લાગ્યું કે કોઈ પ્રસંગ માં જાય છે માટે સાહિલે પૂછ્યું કઇ બાજુ જાવ છો ? શહેનાઝબાનુ એ કહ્યું દીદાર ની સગાઈ છે અને ચાલ્યા ગયા.
સાહિલ ને એ વાત ની ખબર જ ન હતી. એને મનમાં ફાળ પડી હદય એક ધબકારો ચુકી ગયું. સાહિલ ત્યાંજ સોફા પર ઢળી પડ્યો જાણે જીવ નીકળી ગયો હોય. અચાનક અવાજ થી તેનો ભાઈ બહાર આવ્યો અને સાહિલ ને તેના રૂમમાં લઈ ગયો. તે દિવસ સાહિલ ખુબજ રડયો. ત્યાર પછી સાહિલ ની હિમ્મત ન થઈ કે દીદાર ને કઈ પૂછે. દીદાર ક્યારેક ફોન કરતી અને કહેતી નાની ને વાત કરવી છે એટલે ફોન કર્યો.
સાહિલ જિંદગી ની જંગ હારી ગયો હોય તેમ નિરાશ થઈ ગયો હતો. ઘરમાં રહેવું મુશ્કેલ લાગતું બધા પર ગુસ્સો આવતો પણ કાઈ બોલી ના શકતો. બધાથી દુર જવા દેશ છોડી જોબ માટે દુબઈ જતો રહ્યો.
આજે એ વાત નો અફસોસ છે કે થોડી હિમ્મત કરી ઘરે વાત કરી હોત તો જિંદગી કાંઈક અલગ હોત. બાલ્કની માં બેસીને જિંદગી માં પોતાની હાર નો અફસોસ કરતા આંસુ સારતો બેસી રહે છે.