64 સમરહિલ - 45 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 45

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 45

રાઘવ ઘડીક તો સૂનમૂન થઈ ગયો હતો. તેને સમજાતું ન હતું કે આ આખું કમઠાણ ખરેખર શું છે, તેમાં કોણ લોકો હોઈ શકે, એ કેટલાં છે, કેવાંક શક્તિશાળી છે... બંધ આંખે એ જોઈ રહ્યો હતો, બીએસએફના અલમસ્ત જવાનને એક જ ચોંપમાં રાડ પડાવીને ગાઢ અંધારામાં બારી વાટે બે બ્લોકની પાળ કૂદી જતી છોકરી...

તેણે હતાશામાં માથું ધૂણાવી દીધું હતું. હોસ્પિટલ સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડની ઝીણવટભરી પૂછપરછ કરીને તે મુદ્દાઓ નોંધતો હતો એથી ઝુઝાર અકળાતો હતો. અત્યારે તો ધરતી આખી ઉપરતળે કરી નાંખવાની હોય તેનાં બદલે આ પોલિસ ઓફિસર...

'લે બૂંધું ને કર સીધું'માં માનતો ઝુઝાર અકળાઈને દૂર બેસી ગયો પણ રાઘવનું ઈન્વેસ્ટિગેશન રાતભર ચાલ્યું હતું.

તેના મગજમાં દૃશ્યો બનતાં જતાં હતાં અને વિખેરાઈ જતાં હતાં. આખા ય કમઠાણમાં ત્રણ જગ્યાએ ભેદી છોકરી દેખાઈ હતી.

  • કેકવાના ધાબા પર એક છોકરીએ પેકેટ આપ્યું,
  • ખુબરાના જંગમાં અબૂધ યાત્રાળુઓના ઘંટારવના રવાડે ચડાવીને એક છોકરીએ સિફતપૂર્વક આબાદ નિશાન તાકીને પરિહારને વિંધી નાંખ્યો.
  • હવે અહીં પણ એક છોકરીએ ડોક્ટર તરીકે આબેહૂબ રૃઆબ ઝાડીને ત્વરિતના રૃમની જડતી લીધી.
  • રાઘવના દિમાગમાં અધમણના હથોડા પછડાતા હતા અને બેચેનીપૂર્વક એ ચાના પ્યાલાને ભીંસ દઈ રહ્યો હતો.

    એ છોકરી બેહદ રૃપાળી છે... તેણે સાક્ષીઓએ આપેલું વર્ણન ફરી વાંચવા માંડયું,

    ઓવલ શેઈપનો ચહેરો છે. આંખોનો રંગ પારદર્શક બદામી. વાળ સ્હેજ ભૂખરા, થોડા કર્વી અને રેશમી. નિતંબ સ્હેજ પ્રસરેલા પણ અત્યંત ચુસ્ત. ઉન્નત, તંગ અને ભરાવદાર સ્તનો... એક-એક વિગત માટે તેણે બહુ ખણખોદ કરી હતી. સાક્ષીઓ મૂંઝાતા હતા ત્યારે તેણે સરખામણી માટે ઓપ્શન પણ આપ્યા હતા, 'યુ મીન, આયેશા ટકિયા જેવી? દીપિકા જેવી કે વિદ્યા બાલન જેવી?' તેણે ઢીલ આપી એટલે પેલો ચોકિયાત બોલી ગયો હતો, 'ઐસી થી... માનો, કૈસે ભી છૂને કો મન હો જાવે...'

    એ યાદ કરીને અત્યારેય તે મનોમન મરકી પડયો.

    હોસ્પિટલની સમાંતરે પસાર થતા રોડ પર સામેની બાજુ ચા-નાસ્તાના ખુમચા, ભોજન પીરસતા એક-બે ઢાબા, ફ્રુટ વેચતા બે-ચાર વેપારી અને બે-ત્રણ મેડિકલ સ્ટોરને બાદ કરતાં દિવસે પણ ખાસ અવરજવર રહેતી નહિ. અત્યારે એ દુકાનો ખુલવાની શરૃઆત થઈ રહી હતી. એક-બે દૂધવાળા પસાર થયા હતા. એક એમ્બ્યુલન્સ અંદર આવી હતી. થોડાં વાહનોની આવ-જા શરૃ થઈ હતી. હોસ્પિટલથી દૂર દુકાનો પૂરી થતી હતી ત્યાં બ્લેક સ્કોર્પિયો પાર્ક થયેલી હતી.

    કિટલીવાળાએ મૂકેલા નેતરના મૂઢા પર બેસીને રાઘવ શૂન્ય નજરે એ માહોલ જોતો રહ્યો.

    નાઈટશિફ્ટ પરનો સ્ટાફ ઘરે જઈ રહ્યો હતો. બહાર નીકળી રહેલી એક નર્સને જોઈને રાઘવના ચહેરા પર કશુંક યાદ કરતો હોય તેવા ભાવ અંકાયા અને તરત તેની આંખમાં હળવાશ પ્રસરી. ત્વરિતના ફ્લોર પર જ તેની ડયુટી હતી. મધ્ય વયસ્ક એ નર્સની પૂછપરછ કરી ત્યારે રાતની ઘટનાથી એ બેહદ હેબતાયેલી હોય તેમ રાઘવને લાગ્યું હતું. રાઘવ સહજ રીતે જ તેને જોતો રહ્યો. થોડે આગળ જઈને તેણે રસ્તો ક્રોસ કર્યો કે તરત ત્યાં પાર્ક થયેલી સ્કોર્પિયો આગળ વધી અને થોડે દૂર જઈને જમણી બાજુ વળી ગઈ. રાઘવે ધ્યાનથી જોયું તો નર્સ પણ એ જ દિશામાં વળી અને પાંચ-સાત મિનિટ પછી ફરીથી મેઈન રોડ પર આવીને જતી હતી એ જ દિશામાં આગળ વધી ગઈ.

    'આ ટર્ન કઈ તરફ જાય?' રાઘવે એ વળાંક તરફ આંગળી ચિંધીને કિટલીવાળાને પૂછ્યું.

    'એ વિહારનગર ક્રોસિંગ તરફ જાય પણ અત્યારે ફાટક બંધ હોય એટલે વાહનો મેઈન રોડનો ચક્કર મારીને અન્ડરપાસથી જવાનું પસંદ કરે'

    કિટલીવાળો જવાબ આપી રહ્યો હતો ત્યારે રાઘવ રોડની બરાબર વચ્ચે ઊભો રહીને સ્થિર નજરે જોઈ રહ્યો હતો. ઝુઝારને હજુ ગળે ન્હોતું ઉતરતું કે રાઘવ કેમ આવી સુસ્તીથી વર્તે છે? તેની જગ્યાએ પોતે હોય તો આખા ગામમાં ચારે બાજુ નાકાબંધી કરીને તમામ શંકાસ્પદ જગ્યાઓએ રેડ પડાવી હોય. તેને બદલે...

    ***

    બપોર નમી ત્યાં સુધી રાઘવ ગેસ્ટહાઉસના તેના ઓરડામાં જ પૂરાઈ રહ્યો એટલે કંટાળેલા ઝુઝારે છેવટે રૃમ નોક કર્યો. ઝુઝારને જોઈને તેણે સ્મિત વેર્યું, 'એક ઓર છોકરી પકડાઈ છે...' પરિહારની હેલ્પથી આગલા દિવસે સાંજે જ તેણે બિકાનેર પોલિસને રિક્વેસ્ટ કરીને તમામ હોટેલ પર ચેકિંગ હાથ ધરાવ્યું હતું અને બધી જ હોટેલના રજીસ્ટર મંગાવ્યા હતા. છોકરી પકડાયાનું જાણીને ઝુઝાર ચોંક્યો.

    'અફકોર્સ, નોટ ધેટ હોસ્પિટલ ગર્લ...' તેની ગેરસમજ પારખીને રાઘવે તરત ચોખવટ કરી, 'આ કોઈ મરિયમ નામની બાઈ છે. ફાતિમા-ચંદા અને આ મરિયમ બધા એક જ ડાળના પંખી છે. તેની પાસેથી ખાસ માહિતી મળી નથી, અને મને ય ખાતરી છે કે તેમનો ઉપયોગ આ લોકોએ કવર તરીકે જ કર્યો છે...'

    પછી ટેબલ પર પડેલા રજીસ્ટરના થોકડા ભણી આંગળી ચિંધીને તેણે કહ્યું, 'હવે આમાંથી કંઈક મળવું જોઈએ...'

    ઝુઝાર કામથી થાકનારો આદમી ન હતો. પીછેહઠ થાય ત્યારે તેનું ઝનુન બેવડાઈ જતું અને દિવસરાત કે ભુખતરસ જોયા વગર એ મચી પડતો. ફ્રિઝમાંથી રમની બોટલ ઊઠાવી અને રાઘવની હાજરીની પરવા કર્યા વગર સીધી જ તેણે મોંઢે માંડી. શર્ટની બાંય વડે હોઠ લૂછ્યા અને ગંદા અવાજે ઓડકાર ખાધો.

    ઝુઝાર તેની આદત મુજબ ફ્રેશ થઈ રહ્યો એટલે રાઘવે વ્યુહ સમજાવ્યો.

    ખુબરાના જંગમાં એક આદમી (છપ્પન) વિલિઝ જીપ લઈને ભાગ્યો અને સ્નાઈપર રાઈફલ સાથે આવેલા બીજા એક આદમીએ તેને સહાયતા કરી ત્યારે બપોરના સાડા ત્રણ- ચાર વાગ્યા હશે. વિલિઝ જીપ ચેકપોસ્ટથી વિરુદ્ધના છેડે મળી હતી. મતલબ કે, તે બંને દેશનોક ચોકડીથી બીજા કોઈ વાહનમાં ભાગ્યા હતા. એ બંનેએ રાહતનો શ્વાસ લેવો હોય, વાહનની વ્યવસ્થા કરવી હોય, હુલિયો બદલવો હોય કે છુપાઈ રહેવું હોય તો બિકાનેર એકમાત્ર રસ્તો હતો. આસપાસ ગામડાં હતા પણ નાનકડાં ગામમાં વાત છાની ન રહે. એ બંને બિકાનેરમાં જ છુપાયા હોય.

    ડેરાથી બિકાનેરનો રસ્તો અઢી કલાકનો હતો. મતલબ કે, વહેલામાં વહેલા તે બંને સાંજે સાત વાગ્યે બિકાનેરમાં પ્રવેશ્યા હોય. જો તેમને લોકલ સપોર્ટ ન હોય તો તેમણે કોઈ હોટેલમાં જ આશરો લીધો હોય. બીજા દિવસે સાંજે સાડા છ વાગ્યે દરેક હોટેલનું ચેકિંગ હાથ ધરાયું હતું અને તેમાં મરિયમને બાદ કરતાં આ બે આદમી પકડાયા ન હતા. તેનો અર્થ એ થયો કે, બીજા દિવસે ચેકિંગ શરૃ થાય એ પહેલાં તેમણે ચેક-આઉટ કરી લીધું હોય.

    રાઘવનો તર્ક એકદમ સંગીન હતો.

    કલાકો સુધી બંનેએ રજીસ્ટર્સના પાના ફંફોસીને, એકાગ્રતાપૂર્વક માથોફોડી કરીને એવા ૩૩ લોકો શોધી કાઢ્યા, જે આગલા દિવસે સાંજે સાત પછી હોટેલમાં પ્રવેશ્યા હતા. એ ૩૩ પૈકી ૧૩ ટુરિસ્ટ બીજા દિવસે સાંજના છ પહેલાં હોટેલ છોડીને રવાના થઈ ગયા હતા. ઝુઝારે એક પછી એક એ દરેકનો, રજીસ્ટરમાં દર્શાવેલા ફોન નંબર પર સંપર્ક કરવા માંડયો. ૧૨ જણાની ઓળખની ખરાઈ થઈ ગઈ, હવે એક બાકી રહ્યો. એ નંબર સતત સ્વિચ્ડ ઓફ્ફ આવતો હતો. સર્વિસ પ્રોવાઈડર કંપનીમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સાંજે સાડા પાંચ પછી એ નંબરનો યુઝ થયો જ નથી.

    સર્વિસ પ્રોવાઈડર કંપનીના ઓફિસર સાથે રાઘવે થોડીક વધારે વાત કરી પછી તેના ચહેરા પર હળવી મુસ્કાન આવી હતી. રાત્રે સાડા અગિયારે તેમણે લાલગઢ ચોકમાં આવેલી હોટેલ બિકાજી ઈનની મુલાકાત લીધી ત્યારે તેમના મનમાં ચિત્ર થોડું વધું સ્પષ્ટ થયું.

    હોટેલના રૃમ નંબર ૩૩૧માં બે આદમી રોકાયા હતા. એક આદમી ઈજાગ્રસ્ત હતો. તેના માટે ડોક્ટર પણ આવ્યા હતા. બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે અચાનક જ તેમણે ચેક-આઉટ કરી લીધું. ત્યારે પણ એ આદમીની હાલત કંઈ એટલી સારી ન હતી. ડોક્ટરની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેના જમણાં પગમાં સળિયો ભોંકાયો હતો, ગરદનમાં (વિલિઝ જીપના વિન્ડશિલ્ડનો) કાચ વાગ્યો હતો, ડાબા પગના સાથળમાં ય ઈજા હતી. ઈજાઓ શંકાસ્પદ હતી પણ તગડી ફીની લાલચમાં ડોક્ટરે પણ ઝાઝી પડપૂછ ટાળીને સારવાર કરી આપી હતી.

    ચેકઆઉટ કરતી વખતે કાઉન્ટર પર જ તેમણે ટેક્સી માટે રિક્વેસ્ટ કરી હતી. ત્યારે જેસલમેર જવાનું કહ્યું હતું પણ જૂનાગઢ ફોર્ટ પાસે પહોંચીને તેમણે ટેક્સી છોડી દીધી હતી. જૂનાગઢ ફોર્ટ આસપાસ તપાસ કરતાં જાણવા મળ્યું કે અહીંથી તેમણે એક ઓટોરિક્ષા પકડી હતી અને જેસલમેર રોડ પાસે રિક્ષા ય છોડી દીધી હતી. એ પછી સઘન તપાસ છતાં ય તેમનું ઠેકાણું મળ્યું ન હતું.

    વળી, હતા ત્યાંને ત્યાં જ આવીને ઊભા રહી ગયા એથી ઝુઝારને માથા પટકવાનું મન થઈ આવ્યું. ગુસ્સાથી ફાટતા દિમાગે તેણે રમના ત્રણ-ચાર મોટા ઘૂંટડા પી નાંખ્યા. ઉશ્કેરાટમાં બે-ચાર ગાળો ય બોલી નાંખી, પણ રાઘવના ચહેરા પર સ્વસ્થતા હતી.

    - અને ઝુઝારને તેની એ ટાઢક જ વધારે અકળાવતી હતી.

    (ક્રમશઃ)