Sumudrantike - 16 books and stories free download online pdf in Gujarati

સમુદ્રાન્તિકે - 16

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(16)

ડક્કા પર બેઠો બેઠો ગઈ રાત્રીએ અનુભવેલું શ્યાલબેટનું અપ્રતિમ સૌંદર્ય વાગોળું છું. મછવો દશ વાગે લાગશે. હજી બેકલાક છે. માછલાંની વાસથી દૂર રહેવા અને ચા પીવાને ઈરાદે નાનકડા ગામ તરફ જઉં છું. દયારામની દુકાને પહોંચી જવાય તો ચા પણ મળશે.

‘આવો સાહેબ, બાપુ તો ગ્યા દાંડીયે’ તેના પુત્રે કહ્યું.

‘મળ્યો મને તારો બાપુ. હું હવે જઉં છું. મછવાને હજી વાર છે એટલે આ તરફ આવ્યો.’

‘બેસો’ કહેતા તેણે પતરાની ખુરશી ખોલીને દુકાનના બારણે જ રસ્તા પર મૂકી. ‘હું ચાનું કઈ આવું.’

દુકાનમાં પડેલી રંગીન ચૂંદડીઓ જોતાં અચાનક મને બેલી માટે કંઈક ખરીદવા ઈચ્છા થઈ. જીવનમાં પ્રથમ વખત કોઈ સ્ત્રી માટે કંઈક ખરીદવા બેઠો છું. દુકાનદાર પાસે બે-ત્રણ ચૂંદડી જ છે, પસંદગીનો ઝાઝો અવકાશ નથી છતાં કેટલીએ વખત એકની એક ચૂંદડી હાથમાં લઈ પાછી મૂકી. અંતે દુકાનદારે જ પસંદગી કરી આપવી પડી. ‘લ્યો, ચા પીવો તમ તમારે. હું આ લાલ ભાતવાળી ચૂંદરડી બાધું દઉં.’

કદાચ મેં પણ એ જ કપડું પસંદ કરવા ધાર્યું હતું તેવા સંતાષ સાથે હું ઊભો થયો. છાપાના કાગળમાં વીંટેલી ઓઢણી લઈને હું બેલીના ઘર તરફ ચાલ્યો. આજે પણ બેલીનું ઘર બંધ છે. થોડી પળ રાહ જોઈને પછી પાડોશના ખેતરે ગયો. એક છોકરો માટીમાં લીટા દોરીને એકલો એકલો રમતો હતો.

‘બેલી ક્યાં ગઈ છે?’

‘ખબર નંઈ, કામે ગઈ હસે.’

‘મારું એક કામ કરીશ? બેલી આવે તો આ તેને આપજે. દીવાદાંડીયે રહેતો તે ભાઈ આપી ગયો છે તેમ કહેવાનું’ મેં પડીકું તેના તરફ લંબાવતા કહ્યું.

‘તે મને સું લેવા આપ છ?’ તેને નવાઈ લાગી. ‘બેલીની સાંકળે ભરવી દે ને,’ પછી તે નિર્દોષ હસ્યો.

‘આંય કોઈ લઈ નો લે. મૂક તું તારે.’

બેલીના બારણાની સાંકળ પાછળ પડીકું ભરાવીને હું ડક્કા તરફ ગયો. મછવો લાગી ગયો હતો. મેં ઉતાવળે મારો સામાન ચડાવ્યો. માછીમારો, ભરવાડો અને મજૂરી કામે જતા લોકોના ચોક્કસ પ્રકારની વાસવાળા શરીરો વચ્ચે ગોઠવાયો.

બેટ ધીમે ધીમે દૂર સરતો ગયો. વરાહસ્વરૂપ તરફ ન જતાં મછવો તેનાથી એકાદ કિલોમીટર ઉત્તરે એક નાના મહાદેવના મંદિરે લાંગર્યો. અહીંતી ચાલીને વરાહસ્વરૂપ જવાનું હોય છે. તે મને ભરવાડે સમજાવ્યું. ‘ત્યાં કણે પાણો બેઉ છે. મછવો લાગે નંઈ. આંય જ લાગે છ.’

ટોળા સાથે ચાલતા હું વરાહસ્વરૂપ પહોંચ્યો. બે-ત્રણ જણે વગર કહ્યો મારો સામાન ઉપાડી લીધો. ઘણા સમયથી જે સ્થળનો ઉલ્લેખ સાંભળતો આવ્યો છું તે ખરેખર વહાલું લાગે તેવું સ્થળ છે. ખારાપાટાના છેડે, ખડકાળ સમૃદ્રતટ પર, બદામ, વડ, નાળિયેરીઓ અને આસપાસ જુવારના વાવેતરે લીલીછમ્મ વાડીઓ વચ્ચે ઘેરાયેલું પુરાતન મંદિર.

ઈશ્વર, અવતાર, પુરાતત્ત્વ કે સ્થાપત્ય. આ બધાય વિષયો મને ગહન અને મુશ્કેલ લાગ્યા છે. આજ સુધી હું આમાંના કોઈથી ખાસ આકર્ષાયો નથી. પણ આજે આ મંદિર જોતાં લાગે છે કે કોઈ પણ સ્થળને જ્યારે કાળ સાથે સાંકળીને જોઈએ ત્યારે તેનું આકર્ષણ જાદુની જેમ ચિત્ત પર છવાઈ જાય છે.

પથ્થરના પાકા કોટથી ઘેરાયેલું મંદિર કિલ્લાની વચ્ચોવચ્ચ વિશાળ ચોકમાં ઊભું છે. કોટને ઊંચો, કમાનવાળો દરવાજો છે. દરવાજા પર માઢ મેડી. કોટની દીવાલમાં જ પથ્થરોની સીડી છે. તે ચડીને કોટની રાંગ પર અને માઢ મેડીમાં જવાય છે. બહાર ઊગેલા વડની ડાળો કિલ્લાને વળોટીને ચોકમાં ઝૂકેલી છે.

મંદિર કોણે બંધાવ્યું? અને કેટલાં વર્ષ જૂનું છે? તે વિશે પૂજારી સહિત દરેક ગ્રામવાસી અજાણ છે. પોતાના દંતૂશળ પર પૃથ્વીને ટેકવી સમુદ્રમાંથી બહાર આવતા વરાહ અવતારની કાળા પથ્થરની સુંદર મૂર્તિવાળું, આવું વરાહ મંદિર આ દેશમાં અન્યત્ર ક્યાંય હશે કે નહીં? તે મને ખબર નથી. પણ અહીં મેં એ પ્રશ્ન પૂછ્યો તો મેં મૂર્ખાઈ કઈ હોય તેમ લાગ્યું. જવાબ મળ્યો:

‘પ્રથમીંને વારારૂપે દરિયેથી બારી કાઢી ઈ જીગ્યા જ આ છે. પછે મંદિર તો આંયા જ હોય ને. બીજે સું લેવા હોય?’

ખેર! માન્યતાઓ અને વિશ્વાસના પ્રદેશનો હવે હું પણ એક નિવાસી છું. મત્સ્ય, કચ્છપ, વરાહ, જેમ જેમ પૃથ્વી પર જીવન પાંગરતું ગયું તેમ તેમ જીવનના દરેક સ્વરૂપને ઈશ્વરનું રૂપ આપનારની ઈશ્વર વિશેની કલ્પના, જીવન વિશેની કલ્પના કરતા જુદી નહીં હોય તેવું મને લાગે છે.

બપોર પછી નાનકડા ગામમાં ફરીને મંદિરની વય વિશે કંઈ વધુ જાણવા મળે તો જાણવાની ઈચ્છા હતી. એકાદ જણને હવેલીએ મોકલી, કબીરાને મંગાવી લેવાનું પણ ગોઠવવું છે. પણ બપોર થતા સુધીમાં અનરાધાર વરસાદ તૂટી પડ્યો.

પૂજારીએ મને મેડી સાફ કરી આપી. કિલ્લાની બારીએથી દૂર સુધી ભેખડો પર વરસતો વરસાદ જોઈ રહેવાની મજા પડી. અસંખ્ય મોરલાઓના ગહેકાટથી વાતાવરણ રમ્ય બની ગયું. કેટલાય સમય પછી આ ખુલ્લા ગળે ટહુકો દેતા પંખીનો અવાજ સાંભળવા મળ્યો. કેટલાક તો આ મેડી બહારના વિશાળ વડ પરથી જ બોલે છે. વરસાદ આખી રાત ચાલુ રહ્યો. સવારે ગામમાંથી એકાદ-બે જણ શણના કોથળા ઓઢીને મળી ગયા.

‘કાંય કામ હોય તો સાદ કરજો’ કહેતા ગયા. પૂજારીએ પોતાની સાથે જ મારા ભોજનની વ્યવસ્થા કરી આપી. કોઈને સાદ કરવા જેવું કામ પડે તે પહેલાં તો સાંજે વરસાદ થંભી ગયો.

હવે કબીરો અહીં મંગાવું તો આવતી કાલે પણ રોકાવું પડે. કોઈ ચાલતો બંગલે જાય અને પાછો આવે તો દોઢેક દિવસ તો થઈ જાય. ગઈકાલનો વરસાદ મને નડી ગયો. હવે આવતી કાલે સવારે સામાન ઉપડાવીને ચાલી જ નાખવું. સાંજ પહેલાં તો બંગલે પહોંચી જવાશે. મેં સામાન પૅક કર્યો અને સવાર પડવાની રાહ જોતાં લંબાવ્યું.

સવારે ઊઠીને જોઉં છું તો કબીરો મેડીના દાદર પાસે ઊભો ઊભો જુવારના સાંઠા બટકાવે છે. મને જોતાં જ તેણે હણહણાટ કર્યો અને ચામડી થરકાવી.

સામે મંદિરના ઓટલે બેસીને નૂરભાઈ ચા પીએ છે.

‘અરે નૂરભાઈ! તું ક્યાંથી!

‘કાલ આ પાણી વરસ્યું તે ગ્યો થો બંગલે. ન્યાં ખબર પડી કે તમે બેટથી છૂટ્યા છો ને વારારૂપ પોગ્યા છો. તે હું આંય આવી ગ્યો. તમને તેડવાનું ને ફરવાનું ભેગું થાસે.’

‘ક્યારે આવ્યો?’

‘આ ગણોને, અડધી રાત જેવું થ્યું હસે. આંય મંદિરને ઓટલે સૂઈ ગ્યો થો. આપણે તો અલ્લા આસરે જ હાલે છ.’

મંદિરના ઓટલા પર અલ્લા આશરે સૂઈ રહેનાર મુસલમાન પઠાણને હું જોઈ રહ્યો ‘એલા, પણ આવામાં રાતે નીકળાય?’ મને આ પ્રદેશનો લહેકો કરવામાં મજા આવતી.

‘કબીરાને તો ખાલી હાલવું’તું ને મારો ઘોડો તો રાતની ચોકીયુંમાં રખડેલ. તે તબડાવી મૂકી.’

‘ખરો, ભાઈ તું તો.’ મેં કહ્યું, ‘જા, ગામમાં કંઈક ગરમ મળે તો ખાઈએ. લેતો આવ. ત્યાં હું તૈયાર થઈ જાઉં, પછી નીકળીએ.’

‘ગરમમાં આ ગાંઠિયા ને ડુંગળી.’ તેણે થેલી ઓટલા પર મૂકતા કહ્યું ‘ધરમનો બાધ નો હોય તો ના’વાનું પછી કરજો, પેલાં ખાઈ લ્યો.’

નાહ્યા વગર ચા-નાસ્તાનો મને વાંધો ન આવ્યો. નાસ્તો કરીને હું કોટની પાછલી ડોકાબારીમાંથી ગળકીને દરિયે ઊતર્યો. અહીં દરિયાકિનારો ખડકાળ છે. દરિયામાં પડીને નવાય તેવું નથી. એક ખડક પર પલાંઠી વાળીને હું બેઠો. દરિયો આવતાં-જતાં મને ભીજવતો રહ્યો. થોડી વારે નૂરભાઈ પણ ત્યાં આવ્યો.

‘મોર જોયા?’

‘જોયા નથી. સાંભળ્યા ખરા. બે દિવસ વરસાદમાં જોવા ક્યાંથી નીકળાય?’

‘ઊભા થાવ બતાવું’ નૂરભાઈએ કહ્યું અને હું ભીના શરીરે તેની પાછળ ગયો. અમે એક ઊંચા ખડક પર ચડ્યા. તેની પાછળ ભાંગેલા કિનારાના કોતરોમાં જોયું તો મોરના ટોળે ટોળાં. આટલા બધા મોર એકસામાટા મેં ક્યારેય જોયા નથી. કદી ફરી જોઈશ કે નહીં તે પણ ખબર નથી. ભરતીમાં ભેખડને અડીને પાછો વળેલો દરિયો, જેમને કોતરમાં છોડી ગયો હશે, તે નાનાં-મોટાં સમુદ્રજીવોનો ચારો આ મોરલાનું ટોળું ચરે છે. મોર સમુદ્રજીવોને ખાય તે પણ મેં આજે જોયું. ભૂખરી ભેખડોમાં પોતાની રંગછટા વીખેરતા, લાંબા પીછાંવાળા આટલા બધા મોર! હું સ્તબ્ધ થઈને જોઈ રહ્યો.

‘આને કે’વાય અલ્લાની કુદરત.’ નૂરભાઈએ કહ્યું, ‘હવે બે-તણ દિ’માં આ પંખીડા જમીન માથે વયાં જાસે. વરસાદ થ્યો એટલે એને ખાવા જેવું ય ઉગસે.’

મોર જેવા રૂપાળા પંખીડાને જીવન ટકાવી રાખવા સમુદ્રની ભેખડોમાં ભટકવું પડે એટલી હદે ઉજ્જડ થતો જતો આ ખારોપાટ. કદાચ તે હવે પોતાની જીવનશક્તિ ખોઈ બેઠો છે. બાકી હશે તો તે રસાયણોનાં કારખાનાંઓ પૂરું કરશે. પછી આ વડ, બદામડી અને રહી-સહી નાળિયેરી પણ રહેશે કે નહીં? તે જોવા હું રોકાવાનો નથી. હું વિનાશની ભૂમિકા રચીને જતો રહીશ; આ ધરતીના રહ્યા-સહ્યા જીવોને, તેમનું બાકીનું જીવન ટકે ત્યાં સુધી જીવાડવાની જવાબદારી, દરિયાને સોંપીને.

‘આ દુનિયા માથે આદમીનો કેર કાંય ઓછો છે? ઈનું હાલે તો માનાં ધાવણ સૂકવી નાખે.’ નૂરભાઈ બોલ્યો.

મારી ખારી, ભીની પીઠ પર જાણે ચાબખો પડ્યો હોય તેવી વેદનાથી મેં મોં ફેરવી લીધું.

‘કર્મણ્યેવાધિકારસ્તે’ના ઉપદેશની ભૂમિમાં ઊછરેલો હું ભાંગેલે પગેલે મારું કામ આગળ ધપાવવા બંગલા તરફ જવાની તૈયારી કરવા પાછો વળ્યો. એક પથ્થર ગબડ્યો. તેના અવાજથી ચમકીને એક મોર ટહુક્યો અને પછી અનેક ટહુકાના પડછંદા કોતરોમાં ફરી વળ્યા.

મંદિરની વાડીમાં મેં મીઠે પાણીએ સ્નાન કર્યું. ભીનાં કપડાં સૂકવ્યા અને અશ્વ પલાણ્યો,

‘સાથે રઈને હાલીએ.’ નૂરભાઈએ કહ્યું. પક્ષીઓ જોવા મળે અને બાવળ પાસેની કેડી મળે તો નૂરભાઈ દરિયા કિનારે નહીં ચાલવાનો એ મને ખબર છે.

‘આ બે દિ’ પાણી પડ્યું એટલે હવે પંખીડાંને ચારો મળી રે’શે!’ નૂરભાઈએ કહ્યું ‘જુઓ ઓલું લીલું પંખી.’

ચકલીથી સહેજ મોટું ઘાટા લીલારંગે ચમકતું પક્ષી મેં જોયું ‘એની પૂંછડીમાંથી તાર નીકળે છ. જોયું?’

‘હા.’

‘પતરંગો છે. ‘બી ઈટર’ ’ નૂરભાઈએ તેનાં નામ કહ્યાં.

હું ચમક્યો. નૂરભાઈ સામે જોઈને કંઈ બોલવા જાઉં તે પહેલાં તેણે કહ્યું, ‘જુઓ, જુઓ. એ... એ... એ.. આહા’ પતરંગો ઊડ્યો, તેણે ઊડતાં ઊડતાં જ એક જીવડું પકડ્યું અને ગુલાંટ મારતો પાછો બાવળ પર જઈને બેઠો. તે આખી પ્રક્રિયાને નૂરભાઈ આંખ, હાથ અને અવાજથી અનુસર્યો. મને પણ મજા પડી ગઈ.

‘તમે તો નૂરભાઈ, ભારે જાણકાર. આ વિદેશી નામ પણ શીખ્યા છો ને!’ મેં કહ્યું.

‘વાંચી વાંચીને જાણીએ. બાકી નામ જાણવાથી સું? ઈને દેખવામાં જ મજા પડે છ.’

‘તોય જાણીએ એટલે વધુ મજા પડે. ચોપડીઓ ક્યાંથી લાવો છો આ વેરાનમાં?’

નૂરભાઈએ પોતાની સફેદ ભમરો પર હાથ ફેરવ્યો. ‘બચપનમાં, રજવાડાનું રાજ હતું. ઈ ટાણે રાજનો અમલદાર આંય તમે રયો છ ઈ કવાર્ટરમાં રે’તો’તો. મારો બાપ ઈ ટાણે રાજની ચોકીદારમાં. એટલે હું બંગલે જાતો. ઈ અમલદાર, પાઠકસાહેબ. ઈના ઘરની અસ્ત્રીને પંખીનો બઉ શોખ. મોરલાને હાથમાં ચણ ખવડાવે.’

‘તમને પણ એણે શોખ લગાડ્યો કેમ? પક્ષી જેવી નજાકત ભરી રચના પ્રત્યે આ પઠાણને લગાવ કેમ થઈ ગયો હશે તેનો ઉકેલ મને હવે મળ્યો.

‘ઈ ટાણે આંય ઝાડવાં ખરાં. તે બેય જણાં ફરવા નીકળે ને મારો બાપ મને લાકડી લઈને હારે મોકલે. ઈ ટાણે કંયેક દીપડાની રાડ્ય થાતી. જંગલ તો ઠેઠ પટવા લગી હતું તે ઈ બેય હાલ્યા જાય ને જોતાં જાય. મને ય બતાવે, કિતાબુંય લયાવે. હું ભણ્યો ઈ પાઠકસાહેબ પાંહે. નીકર નિહાળ કોણે ભાળી છ?’

એક મુસલમાન ચોકીદારના છોકરાને પ્રેમથી ભણાવીને આવા સરસ વિષય પ્રત્યે વાળનારા એ અજાણ્યા દંપતી પ્રત્યે મને માન થયું. જાણે-અજાણ્યે મારી સરખામણી મેં તે અમલદાર સાથે કરી જોઈ. મને લાગ્યું કે એ જ કવાર્ટરમાં રહેવા માટે મારી પૂરી યોગ્યતા નથી.

‘હવેલી તો રજવાડાની નથી. મેં જૂના દફતરો જોયાં છે’ મને અચાનક યાદ આવ્યું કે નૂરભાઈએ હવેલી રજવાડાની કહી.

‘આ પ્રદેશ તો બ્રિટિશ સરકારનો ગણાતો. કોઈ સ્ટેટનો નહીં.’ આવા નિર્જન સ્થળે હવેલી કેમ બની? કોણ તેમાં રહેતું? તે જાણવાની મારી ઈચ્છા બળવત્તર બની.

‘મારા અબ્બાજાનના ટેમમાં આંય જંગલું હતાં. મારો બાપ કે’તો કે ઠેઠ પટવાથી લઈને ડુંગરની ટેકરિયું લગી બધે ખુદાતાલાનું રાજ હતું. ડુંગરની ઓલીપા નવાબી રાજ ને પૂરબમાં રજવાડાની હદ. આ આટલો મલક કોનો? તો કેય ખુદાનો. બેય રાજવાળાં આવે ને લૂંટાય ઈ લૂંટે. ગામ તો પટવા વિના બીજું નંઈ. મેસુલ તો સું લેય? લાકડું લઈ જાય. દીપડાને મારી જાય. કંયેક તકરારું થાય. પણ બઉ લાંબું નો હાલે. બેય રાજ સમજે કે કોના બાપનું છે? લૂંટાય ઈ લૂંટવું’ નૂરભાઈએ વિસ્તારથી જવાબ આપ્યો.

‘તો પછી આ હવલી કોણે બાંધી?’

મારો પ્રશ્ન અનુત્તર રહ્યો. નૂરભાઈએ ઘોડો ઊભો રાખ્યો. બાવળની કાંટ પાસે જઈ થોડી જગ્યા સાફ કરી. ‘આવો છાંયડે, રોટલો ખાઈ લઈએ. પછી હાલીએ.’ તેણે કહ્યું.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED