સમુદ્રાન્તિકે - 13 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સમુદ્રાન્તિકે - 13

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(13)

આજ સવારથી ક્રિષ્નાની રાહ જોતો બેઠો છું. દયારામને મેં કહી દીધું છે કે હું જમવાનો નથી; અમે ક્રિષ્નાના ઘરે અને ત્યાંથી દરિયે ફરવા જવાના છીએ. પરંતુ અત્યારે દસ વાગવા આવ્યા તો યે ક્રિષ્નાનો પત્તો નથી.

‘હવે, સાયેબ, કયો તો ચૂલો ચાલુ કરું. નહીંતર ખાડી ઊતરી જાવ, ખાડી ભરાઈ જાસે તો સાંજ લગણ આંય પડ્યા રેવાનું થાસે’ દયારામે કહ્યું.

‘સારું.’ મેં મારો બગલથેલો ખભે નાખ્યો, ‘હું જઉં છું. કદાચ ક્રિષ્ના આવે તો હું ડક્કા તરફ હોઈશ તેમ કહેજે.’

દરિયાકિનારે ચાલીને પણ ડક્કે પહોંચાય છે. પણ બેટની વાડીઓ વચ્ચે જઈને જવાનું મને વધુ સારું લાગ્યું. ખડકો ચડીને હું ઉપર આવ્યો. અને નાની નાની લીલી વાડીઓ વચ્ચે ચાલતો ડક્કા તરફ આગળ વધ્યો.

વાડી એટલે નાનું કૂવાવાળું ખેતર. મોટાં વૃક્ષો ક્યાંક ક્યાંક દેખાય છે. બાકી ઘાસ જેવું કંઈક ઊગ્યું હોય તેવી લીલોતરીનું ચોસલું એટલે વાડી. કૂવો ન હોય, લીલોતરી ન હોય તે ખેતર. એવી કંઈક સમજણ અહીંના લોકોમાં અવશ્ય હોવાની. બહારના ભાગે કોઈ બેઠું હોય કાં છોકરાંઓ રમતા હોય. કોઈક કોઈક સ્થળે માણસો કામ કરતા હોય. વાવેલું ધાન ઘાસ જેટલું ઊંચુ છે. ઓળખતો નથી કે આ શું છે?

એક સ્થળે એક ડોસો ખાટલામાં બેઠો બેઠો હુક્કો ગગડાવે છે. હું તેના ઝાંપે ઊભો રહ્યો, ‘દાદા આ શું વાવ્યું છે?’ મેં પૂછ્યું.

‘તિકમ, પણ આંય માલીપા આવોને. અળગા રેઈને સું પૂછવું?’ તેણે ઊભા થઈને બીજો ખાટલો લાવી ઢાળ્યો.

‘તિકમ?’ મેં અંદર જતાં આશ્ચર્યથી પૂછ્યું. અનાજનું આવું નામ મેં ક્યાંય સાંભળ્યું નથી.

‘તમારું નામ નંઈ, આતા, આ સું વાવ્યું છ ઈ પૂછે છ.’ કહેતી એક કાળી, નમણી યૂવતી ઝૂંપડી પાછળથી આ તરફ આવતા બોલી ‘ભાભો ઓછું સાભળે છ.’

‘ઓ... હો... હો..’ કરતો ડોસો હસી પડ્યો ‘બંટી વાવી છ. બંટી કેવાય આને. ને ઓલા વાંહ્યલા પડામાં બાવટો નાખ્યો છ. અમારે આય આવું જ ઊગે. બીજાં ધાન નો ઊગે.’

આ વનસ્પતિને જોતાં જ સમજાઈ જાય છે કે જે કંઈ પણ હોય, તે કનિષ્ઠ પ્રકારનું છે. આવું અનાજ અને ભાંભરું પાણી, સખત મહેનત, ભીષણ દારિદ્રય. સદાકાળ અભાવની વચ્ચે જીવતી આખી એક પ્રજા. ના, ના, પ્રજા માત્ર જીવતી નથી, જીવંત પ્રજા છે. જેને મળો તે કહે છે, ‘હાકલા છે બાપા.’

ક્યાંથી આવે છે આ ખુમારીભર્યો ઉત્તર? ક્યાંથી શીખવા મળ્યું છે આવું દીનતારહિત જીવવાનું? મારા અત્યાર સુધીના આ વનવાસે મને સમજાવ્યું છે કે પ્રકૃતિ જીવન ટકાવે તો છે જ. પણ તેના સતત સંસર્ગે રહેનારને તો તે જીવન જીવતાં પણ શિખવાડે છે.

ત્રિકમ મારા સામે ઝીણવટથી જોઈ રહ્યો હતો, ‘બેટ માથે પેલ વારકા આવ્યા?’

‘હા.’ મેં પેલી યુવતી તરફ દૃષ્ટિ કરતાં જવાબ આપ્યો.

‘છોડી છે છોકરાની. દેવકી’, ત્રિકમે પોતાની પૌત્રીની ઓળખ આપી. ‘આણે આવી છ.’

મેં ઘર-ખેતરમાં નજર કરી. મારા મનનો પ્રશ્ન સમજતો હોય તેમ ત્રિકમ બોલ્યો, ‘છોડીનાં મા-બાપ ગ્યા છ નાના બંદ્રે.’ પછી પૂછ્યું, ‘તમે ન્યાંથી જ આવ્યા લાગો છ. કે પછી મોટા બંદ્રેથી? પણ મોટા બંદરવાળાઉં તો કાલ વયા ગ્યા.’

‘ના’મેં નકાર સૂચક સંજ્ઞા કરી.

‘ઈવડા ઈ હાદાભટની હવેલીયેથી અવ્યા છ.’ પૌત્રીએ દાદાને કહ્યું. પછી મારા તરફ જોતાં પૂછ્યું, ‘ટંડેલ લેવા ગ્યો’તો ઈ જ ને?’

મેં માથું નમાવીને હા પાડી, દાદો કંઈ સાંભળી શક્યો હોય તેવું ન લાગ્યું.

‘ક્યાંથી?’ ત્રિકમે ફરી પૂછ્યું.

‘એસ્ટેટ બંગલેથી,’ મેં મોટા અવાજે કહ્યું. તે બંગલો અહીં હાદાભટ્ટની હવેલી તરીકે શા માટે ઓળખાતો હશે? અચાનક મને આશા બંધાઈ કે જે પ્રશ્નો આજ સુધી અનુત્તર છે એ, અવલ, બંગલો, હાદોભટ્ટ બધાંનું રહસ્ય કદાચ આ ટાપુ પર મળશે.

હું કંઈ પૂછું ત્યાર પહેલાં ત્રિકમે આગળ પૂછ્યું.

‘હવેલીયેથી? તંયે તો વારારૂપથી મછવામાં.’

‘ના, વરાહસ્વરૂપથી નહીં. બંગલેથી જ હોડીમાં આવ્યો,’ મેં મોટેથી સમજાવ્યું.

ત્રિકમની આંખો પહોળી થઈ ગઈ ‘ન્યાંથી હોડીમાં કોણ લાવ્યું?’ તેના આશ્ચર્યને સીમા ન હતી.

‘ક્રિષ્ના, ક્રિષ્ના ટંડેલ સાથે.’

ત્રિકમ ઘડીભર મારા સામે જોઈ રહ્યો. પછી પોતાની પૌત્રી સામે જોતાં કહ્યું, ‘આને ટંડેલ લયાવ્યો, સાંભળ્યું છોડી?’ પછી સ્વગત બોલતો હોય તેમ બબડ્યો, ‘ઈ જ હોય, ઈના વિના આવી ગાંડાઈ કોઈ નો કરે.’ તેણે હુક્કાનો દમ ખેંચ્યો. અને મારા તરફ જોતાં આગળ બોલ્યો, ‘પણ દરિયો ઈને માગ મૂકે. ઈ ભેંસલે રાત અમથો રૈ આવ્યો છ?’

અહીં તો રહસ્યોનો તાગ મેળવવાને બદલે નવાં રહસ્યો જન્મતાં દેખાય છે. મારી જિજ્ઞાસા ચરમસીમાએ પહોંચી ગઈ.

‘કેમ? ભેંસલા પર રાત્રે ન રહેવાય?’

‘રાત્યે?’ દેવકી વચ્ચે બોલી ‘અરે દા’ડેય કોઈ જઈ તો જુવે. ઈ કાંઈ જેવા-તેવાં સંત છે? દરિયો ઈના થાનકે આદમીને રે’વા દેય?’ દેવકી સામા પ્રશ્નો કરવા માંડી તેના જવાબ મારી પાસે ન હતા.

‘થાનક? ત્યાં મંદિર છે?’ ભેંસલા પર કંઈ જોયાનું મને યાદ ન હતું.

‘ન્યાં મંદિર કોણ બાંધે?’ દેવકી જવાબ આપવાને બદલે સામા પ્રશ્નો જ પૂછતી રહે છે. ‘ન્યાં જવાય એમ નો હોય પછી મંદિર બાંધે કોણ?’

‘ભાભા,’મેં ત્રિકમને પૂછ્યું ‘આ ભેસલા માથે કોનું સ્થાનક છે?’

‘દરિયાપીરનું. ઈ જીગ્યા જ દરિયાપીરની. આપણે, મનેખને જેમ ઘરબાર હોય ઈમ દરિયાનું ઘર ઠેઠ પતાળમાં હોય. પણ કો’કવાર દરિયો બારો ફરવા નીકળે. ફરતો ફરતો થાકે તંયે પોરો ખાવા આવી જગ્યાએ જાય. ઊભા દરિયે આવી જગ્યાઉં હોય ઈ ને ભેંસલા કે’વાય. વલોવાઈ વલોવાઈને દરિયાપીર થાકે તે ઘડીયે જે ભેંસલો પાંહે હોય ન્યાં ઊંઘવા પોગી જાય. ઈ વેળા જો આદમી ન્યાં હોય તો દરિયાપીરનું રૂપ ભાળે. પછી તો થૈ ર્યું.’ લાંબી વાત કરવાથી ત્રિકમ થોડો હાંફી ગયો હોય તેવું લાગ્યું. તેણે હુક્કો એક તરફ મૂક્યો અને પાણી પીધું.

‘શું થઈ રહે?’ ડોસાએ વાત અધૂરી મૂકી તે મને ન ગમ્યું. આવી કપોળકલ્પિત વાતમાં પણ મને કેમ રસ પડ્યો તે ન સમજવા છતાં મેં પૂછ્યું.

‘હવે, સું થાય, ઈ તો જેણે ભાળ્યું હોય ઈ જાણે. આ તો દરિયાપીર કે’વાય. એના થાનકે આદમીને ભાળે ને દરસન આપે તંયે ખીજમાંય હોય ને રીજેય ખરો. જેને રીજે ઈને છોડી દે ને ઈ જીવે ન્યાં લગણ દરિયો એને માગ મૂકે. નો રીજે ઈનું ધનોતપનોત કાઢી નાખે.’

કેટલી અંધશ્રદ્ધામાં જીવે છે આ માનવીઓ? આ પરીકથાઓના કેવા પ્રદેશમાં આવી ચડ્યો છું હું? ત્રિકમને ધુત્કારી કાઢવાની ઈચ્છા અમલમાં મૂકું તે જ પળે મને યાદ આવે છે મારી દાદીમા. તે મારા જ સમાજની હતી એ જમાનામાં, અવસ્થાએ પહોંચેલ માણસ ભણ્યું હોય તેટલું ભણેલી પણ હતી. છતાં તેની વારતાનો દરિયો માનવદેહ ધરતો. મનુષ્યો સાથે વાતો કરતો. મારાં દાદી પરની મમતાએ મને ત્રિકમનો તિરસ્કાર કરતો રોક્યો; પરંતુ તેની અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયત્ન તો મેં કર્યો જ, ‘દરિયો થોડો આપણા જેવો માણસ છે?’

‘તે નથી?’ ત્રિકમનો બચાવ કરતી હોય તેમ દેવકી પૂછી બેઠી. ‘ઈ વિના આટલા જનાવરને જીવાડે છ? માણાં નો હોય તો દેવ તો ખરો કે નંઈ?’

દેવકીની વાત કરવાની શૈલી તેની આગવી છે. તેનો પિતામહ પોતાની પૌત્રીને દલીલો કરતી જોઈને ખુશ થતો હતો. તેણે દેવકીની વાતમાં પોતાનો સૂર પુરાવ્યો, ‘રામને લંકાયે જાવું’તું ઈ ટાણે હરુભરુ પરગટ કોણ થ્યું’તું? ને આ તમારા ભાઈબંધને રાત્યે ભેંસલા માથે મોઢામોઢ થૈ ગ્યો ઈનું સું?

ત્રિકમનો ઈશારો ક્રિષ્ના તરફ હતો. ક્રિષ્ના જેવો માણસ આવા ગપગોળા ચલાવવામાં સામેલ હોય તેની મને નવાઈ લાગી. હવે આ આખીયે વાત ક્રિષ્ના પાસે જ કઢાવવી પડશે. તે દિવસે તો તેણે ‘ભેંસલો સીધો ઊંચો ખડક છે તેથી ત્યાં હોડી લાગતી નથી’ એટલું જ માત્ર કહેલું.

‘ક્રિષ્ના ક્યાં રહે છે?’

‘આ આંયથી તીજી વાડે. કરમદાંના ધુંહા વાંહે ઈનું ઘર.’ ત્રિકમે કહ્યું. હું ઊભો થયો.

વાડીમાં બૂખરાં બેલાંથી બાંધેલું નળિયાં છાયેલું નાનકડું મકાન બંધ હતું. મેં સામી બાજુના ખેતરમાં તપાસ કરી તો કહે ‘ડક્કે ગ્યાં છ બેય જણ. ક્યુંના ગ્યા છ. બેલી તો લોટ દળાવા વારારૂપ જાવાની હતી. અટાણ લગણ તો આવવી જોવે.’

હું ડક્કા તરફ જવાનો વિચાર કરું ત્યાં સામેથી માથા પર લોટનો ડબ્બો અને કેડ પર વાંસનો ટોપલો ટેકવીને આવતી ખારવા સ્ત્રી દેખાઈ. લાલ જાડું વસ્ત્ર ગોઠણથી નીચેના પગ ખુલ્લા રહે તે રીતે વીંટાળ્યું છે. માથું અને પીઠ ઢંકાય તેટલી નાની લીલા રંગની ઓઢણી અને પીઠ ખુલ્લી રહે તે રીતે પહેરેલો કમખો. કમખામાં રેશમી ભરત.

બેલી તરીકે હું તેને ઓળખું તે પહેલાં તો તે મને ઓળખી ગઈ.

‘હું દરગાયે જ આવતી’તી’ તેણે ટોપલો માથા પરના ડબા ઉપર મૂકી ઝાંપલી ખોલી. હું તેને પાછળ વાડીમાં દાખલ થયો.

ટોપલો, ડબો અને ઈઢોણી ઓટલા પર મૂકી તે ઘરની સાંકળ ખોલવા વળી. ‘આ ડબો ઘેર મૂકું ઈ જ વાર હતી.’ એક અજબ છટાથી તે ઘરમાં ગઈ. હું બહાર ઢાળિયાની પાળી પર બેઠો.

બેલીએ બહાર આવીને મને પિત્તળના ચમકતા કળશામાં પાણી આપ્યું. આઘેડ વયની આ સ્ત્રી તેના સમયમાં દૂર દૂર સુધી જાણીતી હોય તો તે નવાઈની વાત નથી. તેના એક એક હલન-ચલનમાં આગવી છટા છે.

તે થાંભલીને ટેકો દઈને જમીન પર બેઠી.

‘ક્રિષ્ના ક્યાં છે?’ મેં પૂછ્યું.

‘ઈ તો ગ્યો દરિયે,’ બેલીએ સાવ નિરાંત જીવે કહ્યું, ‘ભળકડે વાયલેસ આવ્યો’તો. ક્યાંક થાપડો છૂટી ગ્યો છ.’

ક્રિષ્ના આ રીતે મને છોડીને ચાલ્યો ગયો છે તે જાણીને મને ક્રોધ ચડ્યો. એમાંએ થાપડો છૂટવો એટલે શું તેની તો મને જરા પણ સમજ ન પડી. હું કંઈ કહું તે પહેલાં બેલી માથા પરનું ઓઢણું સરખું કરતી બોલી, ‘મને કે’તો ગ્યો છ કે દરગાયે ખબર્ય કરજે, તે હું આવતી જ તી.’

‘ખરો છે ટંડેલ,’ મેં જરા ગુસ્સામાં કહ્યું. ‘મને તો કંઈ સમજાતું નથી કે શું કરવું?’ બેલી હાજર ન હોત તો મેં ક્રિષ્નાને થોડી વધારે ચોપડાવી હોત.

બેલી મારા સામે જોઈને હસી પડી. તે ઊભી થઈ અને પાળીના સામે છેડે બેસતા બોલી ‘તે તું સું લેવા અથરો થા છ? ટંડેલ કાંય હાર્યે ઘર લઈને નથ ગ્યો. જા, તું વાયલેસમાં જ’યાવ ન્યાં લગી હું રોટલો ટીપી લઉં. ન્યાં મનરભાય બેઠો હસે. ઈને પૂછી લેજે.’

હું ડક્કા પરની વાયરલેસ કચેરીએ ગયો. અંદર ટેબલ પર મૂકેલા વાયરલેસસેટ પર નમીને ઑપરેટર કંઈક મથામણ કરતો હતો. જમણી તરફ બારી પાસે બાંકડા પર, લાલ-લીલાં ચોકડા વાળા શર્ટ અને વિચિત્ર રંગની લૂંગીઓ પહેરીને, બે-ચાર માછીમારો બેઠા હતા. એકાદ જણાએ માથા પર ઘેરા લીલા રંગનો રૂમાલ પણ વીંટ્યો છે. એક નાનો ચડ્ડીધારી બાળક સોડાની ખાલી બાટલીઓ એકઠી કરતો હતો.

હું અંદર ગયો કે ઑપરેટરે ઊંચે જોયું, ‘આવો.’ તેણે એક ખુરશી તરફ ઈશારો કર્યો અને પેલા છોકરાને કહ્યું, ‘સોડા લેતો આવજે.’

‘તમને પીવરાવી શકાય તેવું આ એક જ પીણું અહીં મળશે. ચા તો અહીં દૂધ વગરની પીવાય છે.’ કહેતા તેણે હાથમાંનાં સાધનો ટેબલ પર મૂક્યું અને ખુરશીમાં બેઠો. ખલાસીઓ ઊભા થયા ‘લે, તંયે, મનરભાય; કાંઈ ખબર આવે તો કે’વરાવજે,’ કહીને ગયા.

‘ક્રિષ્ના તમને વરાહસ્વરૂપ ઉતારવાની વ્યવસ્થા કરીને ગયો છે.’ ઑપરેટરે મને કહ્યું, ‘તમે બંગલેથી આવ્યો છો તે જ ને?’

‘હા.’

‘હું મનહર સાવળિયા. અહીં વાયરલેસ ઑપરેટર છું.’

‘ક્રિષ્ના ક્યાં ગયો છે?’

‘સવારે મોટા પોર્ટ પરથી વાયરલેસ હતો. ત્યાં એક બાર્જ ટગબોટથી છૂટું પડી ગયું છે. બે-ત્રણ ખલાસી બાર્જ પર છે.

‘હં.’ મને સમજ પડવા માંડી હતી.

‘બાર્જ, અહીં લોકો થાપડો કહે છે તે, સપાટ કન્ટેઈનર હોય.’ મનહરે મને વિગતે સમજાવવા ટેબલની સપાટી પર હાથ ફેરવીને બાર્જના બેઠા ઘાટનો ખ્યાલ આપ્યો ‘આપમેળે ચાલે નહીં. માત્ર સુકાન હોય, એન્જિન ન હોય. ટગબોટ સાથે બાંધીને તેને સ્ટીમર પાસે લઈ જવાય. સ્ટીમર પર માલ ચડાવવા કે સ્ટીમરનો માલ પોર્ટ પર લાવવા ફેરી સર્વિસ આ બાર્જ કરે.

‘તે છૂટી ગયો?’ મેં વચ્ચે પૂછ્યું. કદાચ અમસ્તું જ.

‘મોટા પોર્ટ પર સ્ટીમર લાગતી નથી. બંદર પુરાઈ ગયું છે. સ્ટીમર દરિયે દશેક માઈલ દૂર ઊભી રહે છે. ત્રણ બાર્જ બાંધીને ટગબોટ જતી હતી તેમાં છેલ્લું બાર્જ છૂટી ગયું.’

‘નવાઈ કહેવાય. બાર્જ છૂટી જાય અને કોઈને ખબર પણ ન પડે?’

‘બેઠા ઘાટનું સાધન દરિયે ઝટ દેખાય નહીં. મોટાં મોજાં હોય અને એમાંય આ તો રાતનો છેલ્લો ફેરો કરતા’તા.’

‘હવે? મળશે?’

‘મળશે, બધાં નાનાં-મોટાં પોર્ટને ખબર કરી છે. એક રાતમાં જઈ જઈને કેટલે જાય? પણ કંઈ કહેવાય નહીં. પાણી તો ક્યાંનું ક્યાં જાય તે કેમ ખબર પડે? કદાચ આ તરફ નીકળી ગયું હોય તો? એટલે તપાસમાં ખારવો મોકલ્યો છે.’

‘ક્રિષ્ના ક્યારે પાછો આવશે?’ મારું મન ડંખ્યું. થાપડાના ખલાસીઓ કરતાં મને મારી ચિંતા વિશેષ થાય છે!

‘એ તો કેમ કહેવાય? ભાળ મળી જાય તો સાંજે પાછો આવે. ન મળે તો ત્રણ-ચાર દિવસ તો ખરા જ. ખારવો હિંમત ન હારે.’ મનહરે કહ્યું અને હસ્યો.

‘પણ બીજા બંદરે મળી ગયું હોય તો?’

‘તરત જ ખબર પડે. જે જે મછવા તપાસમાં ગયા છે એ બધા સાથે વાયરલેસ લઈ ગયા છે.’

‘સારું, હું જઉં,’ કહેતા હું ઊભો થયો મનહર પણ ઊભો થઈ કચેરીના દરવાજા સુધી મારી સાથે આવ્યો. છૂટા પડતાં તેણે કહ્યું, ‘તમે તમારે જવું હોય ત્યારે કહેજો. મછવો વરાહસ્વરૂપ ઉતારી જશે. ત્યાંથી માણસ મોકલીને કબીરો મંગાવી લેજો. કોઈને પણ કહેશો તો જઈને લઈ આવશે.’

‘ઓહ!’ મને થોડું આશ્ચર્ય થયું. ‘કબીરાની ખ્યાતિ બેટ સુધી પહોંચી ગઈ છે ને શું?’ મેં હસતાં હસતાં કહ્યું.

‘અહીં વસ્તી ઓછી. જનાવર ઓછાં. કોઈને ત્યાં નવી ગાય આવે તોયે ખબર પડે. ખેરા-પટવાના ભરવાડો એટલે અમારાં છાપાં ગણાય. ને ભરવાડ જનાવરની વાત પહેલી કરે.’

‘ભલે, હું જઉં. આજનો દિવસ તો રોકાઈશ. ક્રિષ્ના આવી જાય તો મળીને જઈશ. નહીંતર પછી વિચારશું.’

‘વાયરલેસ છે. વાત કરવી છે ક્રિષ્ના સાથે?’

‘ના.’

હું પાછો ફર્યો.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Leena

Leena 3 માસ પહેલા

Shivram lodha

Shivram lodha 9 માસ પહેલા

Nimisha Patel

Nimisha Patel 10 માસ પહેલા

nihi honey

nihi honey 11 માસ પહેલા

Mv Joshi

Mv Joshi 2 વર્ષ પહેલા