Black Mail - 6 books and stories free download online pdf in Gujarati

બ્લેક મેઈલ - ૬

બ્લેક મેઈલ - ૬

૫૦ પેટી મળી ગઈ હતી. મોટો મામો પહોંચી ગયો હતો. કપિલને દારૂવાલા મેન્સન આપવું નહોતું. અને સ્વાતિની ઈચ્છા મુજબ ભાડૂતોને ખાલી કરાવવાના પણ નહોતા.

પણ આ સ્થિતિ હવે લાંબો સમય ચાલી શકે નહિ. કપિલને મારી મંશા ખબર પડવાની જ છે, અને ત્યારે તે ચુપ નહિ રહે તે પણ એટલું જ સાચું હતું. જે થવાનું છે તે અફર છે, સવાલ ફક્ત ક્યારે? તે જ છે. હવે આ વાતનો નિવેડો લાવવો જ પડે. અને નિવેડો એટલે...

મને સ્વાતિની ચિંતા હતી. તેને ચોવીસે કલાક પ્રોટેક્ટ કરી શકાય નહિ. કરી શકાય તો પણ અમે એ રીતે જીવવા માંગતા નથી જ.

હોટલમાં આવ્યો ત્યારે સ્વાતી કાઉન્ટર પર બેઠી હતી ને મેનેજર સાથે વાતો કરી રહી હતી. હુંય ખુરશી ખેંચીને બેસતા મેનેજરને સંબોધીને બોલ્યો, “સ્વાતિને જો કઈ પણ થયું તો હું તારી ફાડી નાખવાનો છું.”

“ભાઈ તમે નચિંત રહો.”

સ્વાતી બોલી, “આમ ક્યાં સુધી રહેવાનું? આપણે કશે દુર જતા રહીએ. કિશન, આપણે કશું કરવું નથી, મેં કપિલને માફ કરી દીધો છે. ગમે-તેમ, તેને કારણે જ આપણે મળ્યા ને?”

”“બેની નહિ ફક્ત એકની જ જગ્યા છે, કા તે કા આપણે.. આપણે તેને નહિ મારીએ તો તે આપણને મારી નાખશે.....”

“કિશન મારે એક વાત કહેવી છે.” તે સંભાળતા જ મેનેજર હું આવું છું કહીને જતો રહ્યો. મેં સ્વાતી સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિથી જોયું.

“કિશન હું પ્રેગ્નન્ટ છું.”

“કેટલા દિવસ થયા?”

“આઠ દિવસ... તમે કહો એમ...”

“તારી શું ઈચ્છા છે?”

“મારે જોઈએ.”

“ભલે... સ્વીટી તને દીકરી ગમે કે દીકરો?”

“વાવ!!! એટલે તમે ખુશ છો? તમને વાંધો નથી? સાલું તમારું મોઢું અને આંખો તો જાણે પત્થર...”

હું હસીને બોલ્યો, “ખુશ છું, પણ ખતરનાક પણ છે મારે માટે...”

“ખતરનાક?”

“હા, મારી નબળી કડીઓ વધતી જાય છે... પહેલા તુ હવે આ....”

મેં મેનેજરને બોલાવીને કહ્યું, “નક્કી કરી લે, તારે કાકો બનવું છે કે મામો?”

તે સ્વાતી સામે જોઇને બોલ્યો, “ઓહો!!! કોન્ગ્રેચ્યુલેશન... હું તો પહેલેથી જ ભાભીજી તરફથી છું, એટલે હું તો મામો જ બનીશ.” અને મારી સામે જોઇને બોલ્યો, “ભાઈ, અહી જ રિસેપ્શન રાખીશું, પૂરી હોટલ સજાવીશું.”

“એટલે તુ લગનની વાત કરે છે? તે તો કપિલના બારમા પછી જ શક્ય બનશે.”

“તો ભાઈ આજથી બાર દિવસ પછીનું બધું બુક કરાવી દઉં?”

“તને ઘણી ઉતાવળ છે... શું આજે જ કપિલને પતાવવો છે?”

***

મારે કપિલનો કાંટો કાઢવો જ હતો, પણ કપિલ કઈ મામો નથી. તેના મોત પર હોબાળો મચવાનો છે. કોઈ એવો નક્કર પ્લાન મારા મગજમાં બેસતો નથી. અને હમેશા કશું ન સુઝે ત્યારે હું વિચારવાનું બંધ કરી દઉં છું. પછી સામે ચાલીને તેનો ઉકેલ મને મળી જ આવે છે. આજે પણ એવું જ થયું. મારો ફોન વાગ્યો, કોઈ અજાણ્યો નંબર હતો. બોલ્યો, “ કિશન, તારી છમ્મકછલ્લો અને તારો માણસ અમારા મહેમાન છે. શેઠ કહે એમ બધા કાયદાકીય કામ તુ પતાવી લે. બે-ચાર-છ દિવસ, કોઈ ઉતાવળ નથી.” અને ફોન કટ થઇ ગયો.

મારા ધારવા કરતા કપિલ ખુબ ઝડપી નીકળ્યો. અને આ બધું કાઈ દારૂવાલા મેન્સન માટે નહોતું, તે કપિલ પણ જાણતો હતો અને હું પણ. કપિલને વિશ્વાસ થઇ ગયો હતો કે હું સ્વાતિનો બદલો લઇ રહ્યો છું, અને તેને મારી નાખવાનો છું. મનેય વિશ્વાસ હતો કે સ્વાતિને છોડાવવા માટે જો હું મેન્સન તેને લખી પણ આપું તો પણ તે મને કે સ્વાતિને છોડવાનો નથી.

મારું મગજ દોડવા લાગ્યું. સ્વાતી અને મેનેજરને ઊંચકી લેવામાં આવ્યા હતા. અને તે પણ ખુબ ઝડપથી..

બહારના માણસોને રોકવા આટલા ઓછા સમયમાં શક્ય નથી. જરૂર લોકલ માણસ જ હોવો જોઈએ. કોણ? વિષ્ણુ.... આમ તો તેના વસુલીના જ કામ છે, પણ તેના સિવાય આ કામ બીજાનું ન હોઈ શકે. જો હું વિષ્ણુ અને કપિલને વિશ્વાસ અપાવી શકું કે મને પૈસા સિવાય કશામાં જ, સ્વાતીમાં પણ રસ નથી, તો કદાચ....

હવે બધો દિમાગનો ખેલ શરુ થયો હતો. સ્વાતિને કે મારા મેનેજરને કશું જ થવા દઈશ નહિ.

મારા ભૂતિયા ફોનથી મેં વિષ્ણુને ફોન લગાડ્યો, અને સીધું જ પૂછ્યું,”શું છે આ બધું?”

તેણે થોડી આનાકાની પછી કબુલી લીધું. ને બોલ્યો, “તુ શેઠ સાથે કેમ ફોડી લેતો નથી?”

હું હસ્યો, ને બોલ્યો, “ગધેડીના, તુ મને નથી ઓળખતો? શેઠ સાથે તો હું ફોડી જ લઈશ પણ તે પહેલા તારી સાથે જરૂર ફોડીશ. શેઠે તને મારી સામે ભીડાવ્યો છે. એક કામ કર તુ એ છોરીને હમણાં જ મારી નાખ, તેની ઈજ્જત લુંટ, તેના હાથ-પગ કાપી નાખ, મરજી પડે એ કર... મારે મન એની કિંમત કોડીની પણ નથી. અને આ વાત તારા બાપ શેઠને પણ કહી દેજે.”

“કિંમત નથી તો એટલો અકળાય છે કેમ? અમને બેવકૂફ સમજે છે?”

“તમને નહિ, ફક્ત તને... તુ બેવકૂફ છે. તુ કેટલા દિવસ કાઢીશ? ક્યાં ભાગીશ? છોરી માટે હું નથી અકળાતો, પણ તે મને ચેલેન્જ કરી તેના માટે હું ખુબ ગંભીર છું.”

“ધમકી આપે છે?”

“ના, હું ધમકી નથી આપતો, તને ચેતવું છું. શેઠ એક ન જેવી વાતને બહુ મોટી બનાવી રહ્યો છે. ત્રણ ખોખાની ડીલ થઇ છે...”

તે મારી વાત કાપતા બોલ્યો, “તે હું જાણું છું, મિલકત શેઠ કહે તેના નામે લખી આપ, સિમ્પલ...”

“કામ પૂરું થયું નથી.. અડધેથી કામ પાછું લઇ લે તો તુ શું કરે? આજે પણ મારી એ જ શરત છે, અને રહેશે કે નક્કી કરેલ કિંમત આપ અથવા કામ પૂરું કરાવીને આપ... તને કેટલા આપ્યા?”

“એ છોડ...”

“૨૦થી વધારે નહિ આપ્યા હોય, બરાબર? હવે શેઠ તને કહે કે જરૂર નથી, છોરીને પાછી મૂકી આવ.. તો તુ તારા વીસ નહિ માંગે?? તારો ધંધો છે, હું સમજુ છું, પણ વીસ માટે તુ મારી સામે પડ્યો? અરે હમણાં જ તુ છોકરાને મોકલ, હું એમને એમ જ તને ૪૦ આપું છું. ભવિષ્યનું પણ ન વિચાર્યું? આ સોદો તને મોંઘો નથી લાગતો? એ પણ એવા ઇસ્યુ માટે કે જે કોઈ ઇસ્યુ જ નથી?”

“તુ શેઠ સાથે બેસીને વાત કેમ કરી લેતો નથી?”

“એ તો કરી જ લઈશ, પણ તુ આપણી લાઈનનો છે, એટલે આટલી વાત કરી. બાકી તુ છોરીને મારી પણ નાખીશ તો મારી શરત બદલાવાની નથી. અને આપણી દુશ્મની થશે તે વધારામાં... મને તો લાગે છે કે શેઠ મારા હાથે તારો કાંટો કઢાવી નાખવા માંગે છે. તારામાં અક્કલ નથી કે એક છોકરી માટે કરીને મને દબાવી શકાય?”

“તને છોરી અને તારો માણસ જોઈએ કે નહિ?”

“જોઈએ જ છે, કિંમત કશી નથી, પણ હવે હું વટ પર આવી ગયો છું. પણ તેમના માટે એવી આશા રાખીશ નહિ કે હું શેઠ કહેશે એમ કરીશ... મારી શરત બદલાવાની નથી. પણ છોરી તેં ઉપાડી છે, અને મને બ્લેકમેઈલ કરવાની કોશિશ કરી છે, એટલે તેની કિંમત હું તારી સાથે વસુલીશ...” કહીને મેં ફોન કાપી નાખ્યો.

આ એક જાતનો જુગાર હતો. મને સ્વાતી અને મારા ભાઈ જેવા મેનેજરની ચિંતા હતી, મારો દાવ સફળ થશે કે નહિ તે જાણતો નથી. પણ વિષ્ણુને મેં વિચારતો તો કરી જ દીધો હતો. તે હવે શેઠ સાથે વાત કરશે. દિમાગ ઠંડુ રાખ્યા વગર કે બેફિકરાઈ બતાવ્યા વગર હવે આ વાતનો નિવેડો લાવી શકાય એમ નથી.

મારે કપિલને પણ મળવું જોઈએ અને તેને પણ ખાતરી કરાવવી જોઈએ કે મારે માટે સ્વાતી કશું નથી કે મને પૈસા સિવાયની કોઈ જ વાતમાં રસ નથી.

ફોન કર્યા વગર હું કપિલની ઓફીસ પર ગયો. નીચે જ મને એક ટપોરી જેવા બોડી ગાર્ડે રોક્યો અને કપિલ સાથે વાત કરી. પછી મારી બરાબર ઝડતી લીધા બાદ ઉપર જવા દીધો. ઉપર ઓફિસની બહાર ફરીથી બીજાએ મારી ઝડતી લીધી. કપિલે બોડી-ગાર્ડ રાખ્યા હતા. હું મનમાં હસ્યો અને ઓફિસમાં પેઠો. કપિલ ખુર્શીમાં બેઠો હતો અને તેણે પિસ્તોલ મારી સામે જ તાકી રાખી હતી. મેં પરવા કરી નહિ, કારણકે તેણે પિસ્તોલ મને મારવા નહિ પણ પોતાનું રક્ષણ કરવા મારી સામે તાકી હતી. હું પરવા કર્યા વગર તેની સામે ગોઠવાયો. અને બોલ્યો, “શેઠ, શું છે આ બધું?”

“તેં શરૂઆત કરી છે.”

“મેં? તમને કેમ એવું લાગે છે?”

“તુ મેન્સન છોડવા માંગતો નથી.”

“એમ? કેમ નથી છોડવા માંગતો? તમને કોણે કહ્યું? ભાડૂતોને ખાલી કરાવીને તમારા નામે કરવાની આપણી ડીલ થઇ હતી, તે હજુ પણ કાયમ છે જ.”

“તે ઘર ખાલી કરાવ્યા?”

“શેઠ, મહિનાનું કહ્યું હતું, તો મહિનો વાટ તો જોવી હતી.”

કપિલ હસતા બોલ્યો, “એટલે તને ઉડી જવા દઉં? અને પછી તને શોધવા નીકળું, એમ?”

“ઉડી જતા તો હમણાંય મને કોઈ રોકી શકે એમ નથી. તમે ખોટી ગણતરી માંડી છે. પણ તે મારા ધંધાના સિધ્ધાંત વિરુધ છે. તમે એમ માનો છો કે સ્વાતિની કિંમત પાંચ ખોખા કરતા વધારે છે?”

“એટલે સ્વાતી જીવે કે મરે, તને કોઈ ફરક નથી પડતો?”

“હા શેઠ... તેનો ઉપયોગ કરીને તમે મને બ્લેકમેઈલ નહિ કરી શકો. હમણાં પણ મારી શરત એ જ છે કે હું કામ પૂરું કરીને ત્રણ ખોખા લઈશ, અથવા હમણાં પણ તમારા નામે લખી આપીશ તો પણ ત્રણ ખોખા જ લઈશ.”

“એટલે અમે સ્વાતિનું ગમે તે કરીએ તને કોઈ જ વાંધો નથી ને?”

“પહેલા ન લેતો, પણ હવે જરૂર વાંધો લઈશ.. હવે તેને હું મારો પ્રેસ્ટીજ ઇસ્યુ બનાવીશ.”

“એટલે ચીત પણ તારી અને પટ પણ તારી?”

“ના શેઠ, સ્વાતિને કે મારા માણસને વચ્ચે લાવીને મને તમે બ્લેકમેઈલ નહિ કરી શકો, તેઓ વચ્ચે ના હોય કે ન હોતા તો પણ હું આપણી થયેલી વાત મુજબ ડીલ પૂરી કરતો જ. હમણાં પણ તમે કહો એના નામે લખી આપવા તય્યાર છું, પણ બાકીના પૈસા આપો તો જ... સ્વાતિના બદલામાં નહિ.” કહીને હું ઉભો થયો. અને બોલ્યો, “શેઠ મને એમ કે તમે મને પૂરો ઓળખી ગયા છો. સબંધ બગાડીને કઈ કાઢી લેશો નહિ. ક્યાં સુધી આમ ડરીને કે બોડીગાર્ડ લઈને ફર્યા કરવું?”

“તો તારી ના છે, એમ ને?”

“હા, સ્વાતિને મારી નખાવો... પણ તમને કહ્યું એમ તે મારો પ્રેસ્ટીજ ઇસ્યુ બની જશે. વિશ્વાસ રાખશો તો હજુ પણ આપણી ડીલ પહેલા જેવી જ છે.”

કહીને હું ફર્યો. તેને અવઢવમાં નાખવા હું સફળ થયો હતો. તેને લાગી રહ્યું હતું કે સ્વાતિએ મને કશું કહ્યું નથી. અથવા કહ્યું હોય તો પણ હું તેના માટે બદલો લઉં એવો તો બિલકુલ નથી. મને પૈસા સિવાય કોઈ રસ નથી.

તે બોલ્યો, “આજ સુધી તે એકેય ઘર ખાલી કરાવ્યું? કેમ?”

“ફરીથી કહું છું, તમે મહિનો રાહ જોતા. ઉતાવળ કરી નાખી. કામ પ્રત્યે હું ગંભીર છું, હા, મારી રીત અલગ છે.” કહીને હું તેની પાસે આવ્યો અને જે ભાડૂત પતિ-પત્નીને બોલાવીને મેં ધમકાવ્યા હતા અને પૈસા આપ્યા હતા, તેનું નામ અને નંબર કાગળ પર લખીને કપિલ સામે સરકાવતા બોલ્યો, “ હમણાં જ વાત કરો અથવા તમારી રીતે તપાસ કરાવડાવજો, તમને ખયાલ આવશે મારા કામની પ્રગતિનો...”

કહેતા હું નીકળી આવ્યો.

હવે વાટ જોવાની હતી. હોટલ પર આવીને બેઠો. કલાકમાં વિષ્ણુનો ફોન આવ્યો, “કિશન, તુ અને શેઠ બેસીને માંડવાલી કેમ કરી લેતા નથી?”

હું મક્કમતાથી બોલ્યો, “માંડવાલી એટલે? છોરીને લીધે ડરી જઈને બાકીના પૈસા ન લઉં? એ કહે એમ કરવું?”

“હું એમ નથી કહેતો, પણ તે કામ કેમ અધૂરું મુકાવે છે? કૈંક તો હશે ને?”

“હું શું જાણું? શેઠને વહેમ ભરાયો છે કે હું ચીટીંગ કરવાનો છું. ચીટીંગ કરવી હશે તો હું હજુ પણ કરીશ જ, શું છોરીને પકડીને તે એમ સમજે છે કે મને ચીટીંગ કરતા રોકી લેશે?”

“બે-ત્રણ ખોખા જેવા માટે ચીટીંગ કરવા જેવું કશું મને લાગતું નથી.”

“હું પણ એ જ કહું છું. શેઠને મારા પર વિશ્વાસ નથી, તારા જેવો કોઈ વજનદાર વ્યક્તિ કહે તો માને ખરો”

“હા, આ મામલો તો બેસીને પતી જાય એવો છે. અંદર અંદર લડવું મનેય ગમતું નથી.”

“છોકરી? ક્યાં છે એમ નથી પૂછવું, પણ...”

તે હસીને બોલ્યો, “બંને મારા મહેમાન છે, ચિંતા ન કરીશ.” હું જાણી જોઇને સ્વાતિનો નામ લઈને ઉલ્લેખ કરતો નહોતો. બોલ્યો, “ છોકરીને હેરાન કરીશ નહિ, તે બચારી બે-ચારવાર મારી સાથે સુતી એટલો જ તેનો વાંક છે ને? એવી તો સેંકડો છે, તો શું તે બધીને પકડી પકડીને મને બ્લેકમેઈલ કર્યા કરશો? અને તે દરેક માટે હું તારા કે કપિલ જેવાઓને પગે પડતો રહીશ?” કહેતા હું ખડખડાટ હસ્યો.

“શેઠને જરૂર કશી ગેરસમજ થઇ છે. તુ મને ખાતરી આપે છે ને કે કામ પૂરું કરીશ?”

“ડીલ કરી છે તો પૂરું કરીશ, પણ પૂરું નહિ કરાવે તો પણ પૈસા તો પુરા જ લાગશે... ભલેને તેના માટે તે બે-પાંચ છોકરીઓને મરાવી નખાવે...”

આમ પણ અમારા સર્કલમાં મારી છાપ સારી છે. નખશીખ પ્રોફેશનલ... દરેક લીધેલ કામ પૂરું કર્યું જ હતું. પણ કપિલની વાત જુદી હતી... મારી લાગણીઓ જોડાયેલી હતી. મારી સ્વાતી સાથે તેણે જે કર્યું તેની કિંમત તેને પોતાની જિંદગીથી ચૂકવવી જ રહી.

હું ઘેર આવ્યો. હવે મારા ધારવા મુજબનો ખેલ પડવો જોઈએ. કબાટમાંથી ગ્લોક અને કોલ્ટ બંને કાઢીને કમરે ખોસી. હું તય્યાર હતો, બસ ગમે ત્યારે....

મોડી સાંજે વિષ્ણુનો ફોન આવ્યો, “ગાડી મોકલું છું, તુ આવ.”

“ક્યાં? અને કેમ?”

“આપણે બેસીને વાત કરી લઈએ. વાતમાં વાત નથી ને ખોટા.....”

“ભલે, હું એવન મોલના પાર્કિંગમાં ત્રીજા ફ્લોર પર ઉભો છું.” હું ઈચ્છતો નથી કે તેને કે તેની ગાડીને કોઈ મારે ઘેર આવતા જુએ.

પાર્કિંગમાં થોડીવારમાં જ એક કાર આવીને મારી પાસે ઉભી, વાંકા વળીને જોયું તો વિષ્ણુ જ હતો. હું દરવાજો ખોલીને આગળ બેસી ગયો. તેણે હાથ લંબાવ્યો, પણ મેં મિલાવ્યો નહિ. તે હસીને બોલ્યો, “ધંધો છે ભાઈ...”

“ધંધા સાથે પાર્ટી જોવાની કે નહિ? સબંધ જોવાના કે નહિ?”

“ભાઈ, સબંધને કારણે જ આ બધી જફા કરી રહ્યો છું ને?” કહીને તેણે ગાડી ઉપાડી. થોડીવારે હું બોલ્યો, “ક્યાં?”

તે હસીને બોલ્યો, “ફાર્મ હાઉસ પર..”

“મારો માણસ?” મેં જાણીને સ્વાતિનું પૂછ્યું નહિ.

“બંને મળી જશે ભાઈ, ચિંતા ન કર.”

“પૈસા-બઈસાની જરૂર પડે તો ગમે ત્યારે કહેજે, અને મારા લાયક કોઈ કામ હોય તો બતાવજે, તારો કટ રાખીશ.”

“હા ભાઈ ચોક્કસ.. હળી-મળીને કમાઈશું.”

“અને વાપરવા જીવતા રહીશું.” કહેતા હું હસ્યો.”

“સાચી વાત ભાઈ.”

***

હોટલના ઓટલે મેં બંને હાથ ઊંચા કરીને આળસ મરડી. અને મારી નજર સામે પડી. સ્વાતિના બાપનું ઘર હતું.

સ્વાતી ઘરમાંથી નીચે ઉતરી. તેની કાખમાં ત્રણ વર્ષનો છોકરો ઊંચકેલો હતો. તેણે આજુ-બાજુ જોઇને રોડ ક્રોસ કર્યો અને છોકરાને નીચે ઉતારી દીધો. મેં વાંકા વળીને બંને હાથ ફેલાવ્યા, છોકરો દોડીને મને વળગી પડ્યો. મેં તેને ઊંચકીને બચીઓ કરી. સ્વાતી હસતી સાથે જ ઉભી હતી. મને જોઇને બોલી, “મમ્મીને મોઢું બતાવી આવી... ઘણા દીવસથી મળી નહોતી.” અમે ત્રણે હોટલમાં આવ્યા. સ્વાતિને જોતા જ મારો મેનેજર કાઉન્ટર પરથી ઉભો થતા બોલ્યો, “આજે કેમ આટલા મોડા?”

“ઘેર થોડું કામ બાકી હતું.” કહેતી કાઉન્ટર પર બેઠી. મેનેજરે મારા હાથમાંથી મારા દીકરાને લઇ લીધો, ને બોલ્યો, “ભાઈ, આજની તારીખ યાદ છે?”

“કેમ આજે તારી વર્ષગાંઠ છે?”

તરત સ્વાતી બોલી, “આજે કપિલની પાંચમી પુણ્યતિથી છે.”

“સાથે વિષ્ણુની પણ... બંને એ એકબીજાને ફાર્મ હાઉસમાં મારી નાખ્યા હતા.” કહીને મેનેજર હસ્યો. હું કશો જવાબ આપ્યા વગર જવા લાગ્યો. સ્વાતી બોલી, “ક્યાં જાવ છો? જલ્દી આવજો, આજે આપણે જલ્દી ઘેર જઈશું.”

----------સમાપ્ત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED