બ્લેક મેઈલ - 2 Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

બ્લેક મેઈલ - 2

બ્લેક મેઈલ - ૨

***

હું અસમંજસમાં હતો, ગૂંચવાયો હતો. સ્વાતી જુઠું બોલે છે? કેમ? તેને શું ફાયદો કે તેનો શું આશય છે? કે કપિલ જુઠું બોલે છે? મગજ કહેતું હતું કે કપિલ એટલો પૈસા પાત્ર અને પહોંચેલ હતો કે તે ધારે તેવી છોકરીનો સંગાથ મેળવી શકે. અને સ્વાતી એવી નહોતી કે કપિલ ફક્ત સેક્સ માટે તેને બ્લેક મેઈલ કરે. દિલ કહેતું હતું કે ના, સ્વાતી સાચી છે અને તે ખરેખર મુસીબતમાં છે.

સ્વાતિનું શું રહસ્ય છે તે હું શોધી કાઢીશ, પણ તે પહેલા મારે મોટું કામ, દારૂવાલા મેન્સનનું પતાવવું છે. મને એટલી તો ખાતરી હતી કે જો કપિલ જુઠું બોલ્યો હોય તો પણ મારી મુલાકાત પછી તે સ્વાતિ પર દબાણ કરવાની હિંમત નહિ કરે. અને જો સ્વાતી જુઠી હોય તો પણ તેણે ચિંધેલ કામ થઇ જ ગયું છે, એટલે તેનું હવે પછીનું સ્ટેપ શું હશે તે જાણવા મળશે. તેનો શું પ્લાન છે તે જાણવું પડશે અને તેના પર નજર રાખવી પડશે. અને તે માટેના કપીલે મને બે લાખ પણ આપ્યા જ છે ને? ગમે-તેમ,મારે સ્વાતી સાથે ચાલાકી પૂર્વક વર્તવું પડશે.

સાંજે હું કાઉન્ટર પર બેઠો અને સ્વાતિની રાહ જોવા લાગ્યો. થોડીવાર થઇ ને તે હસતી આવી. તે હજુ પણ મને તો નિર્દોષ અને ભોલી જ લાગી રહી હતી. હું બોલ્યો, “તારા કામ વિષે વાત કરવી છે, પણ અહી નહિ.”

“ઓકે, હું તે જ રેસ્તોરંતમાં તમારી વાટ જોઉં છું.” કહીને તે જતી રહી.

હું કોલેજ પાસેના રેસ્તોરંતમાં આવ્યો. સ્વાતી ખૂણાના એક ટેબલ પર બેઠી હતી. મારા બેસતા જ તે બોલી, “ “કામ નું શું થયું? તમે મળ્યા હતા?”

“કામ તો સમજ કે લગભગ થઇ જ ગયું છે, પણ થોડી બબાલ થઇ છે એટલે મને શંકા છે.”

“બબાલ? કેવી બબાલ? બરાબર કહોને...” તે ચિંતિત થઈને બોલી.

“જો બેબી, તેણે મને તારા મામલામાં વચ્ચે ન આવવાની સલાહ આપી છે અને જો આવીશ તો પતાવડાવી દેવાની ધમકી પણ આપી છે.”

“તો હવે?”

“તે તને ક્યારે અને ક્યાં બોલાવે છે?”

“સમયનું ઠેકાણું નહિ, વીકમાં બે વાર પણ બોલાવે અને ઘણીવાર પંદર દિવસ પણ નીકળી જાય.. જગ્યા પણ અલગ અલગ હોય છે, તેના ઘણા ફ્લેટ અને ફાર્મ હાઉસ પણ છે. તમારી બબાલ એટલે ફક્ત બોલા-ચાલી કે ફીઝીકલ પણ થઇ હતી? અને તેનો સ્ટાફ પણ હશે જ ને?”

“ફક્ત બોલાચાલી.. અને સ્ટાફમાં ફક્ત બે-ત્રણ જ હતા.”

“તમે તેની ધમકી સાંભળીને આવતા રહ્યા?”

“ના, મેં ય ધમકી આપી કે કોણ કોને પતાવડાવે છે તે જોવાઈ જશે. એટલે બેબી, મને લાગતું નથી કે તે હવે કશું કરે, છતાં પણ તે તને બોલાવે ત્યારે તુ મને જાણ કરજે અને કેટલા વાગ્યે અને ક્યાં બોલાવી છે તે પણ કહેજે.” કહીને હું ઉભો થઇ ગયો. મેં પાસા ફેંકી દીધા હતા.

તે પણ ઉભી થઈને મારો હાથ પકડી લીધો અને રડવા જેવી થઈને બોલી, “મને ડર લાગે છે.”

“ડર લાગે છે? તો તે જેમ કહે તેમ કરજે....”

“એમ નહિ, મને આનુ કાયમી નિરાકરણ લાવી આપો....પ્લીઝ...”

“કાયમી નિરાકરણ માટે જ કહું છું ને કે તે હવે જયારે બોલાવે ત્યારે તેને હા પડજે અને મને જાણ કરજે...”

“પછી?”

“પછીનું તુ મારી પર છોડી દે.. જા એશ કર...”

“અને ન બોલાવે તો?”

“એ જ તો તુ ઈચ્છે છે ને? એ તો સારું કહેવાય ને?” કહીને હું નીકળી ગયો.

***

સ્વાતી સાચી હોય તો પણ મને હવે ખાતરી હતી કે કપિલ મારી તેની સાથેની મુલાકાત પછી સ્વાતિને બ્લેકમેઈલ કરવાની હીમ્મત નહિ કરે. અને જો કપિલ સાચો હોય અને તે સ્વાતિને બ્લેકમેઈલ કરતો જ ન હોય તો પણ મેં સ્વાતિને વિશ્વાસ અપાવ્યો હતો કે તેનું કામ થઇ ગયું છે, અને હવે બ્લેકમેઈલ કરશે તો હું ફોડી લઈશ.

ટૂંકમાં, હાલ તુરત બંને પક્ષે શાંતિ રહેવાની હતી. અને મને એ જ જોઈતું હતું, જેથી હું મોટું કામ, દારૂવાલા મેન્સન પર ધ્યાન આપી શકું. સ્વાતી અને કપિલની આગલી ચાલથી મને સ્પષ્ટ થઇ જશે કે કોણ શું છે?

દારૂવાલા મેન્સન મેળવવા માટે મેં મારા ચક્રો ગતિમાન કરી દીધા હતા. જોકે હજુ મારે પિકચરમાં આવવાની વાર છે. તે પહેલા મેં ત્રણે ભાઈઓના એડ્રેસ મેળવી લીધા હતા, અને તેમનો ઉપરછલ્લો, ખાસ તો તેમની આર્થિક પરિસ્થિતિ, વગેરેનો બાયો-ડેટા પણ મેળવ્યો હતો.

કપિલ મને ફોન કરીને ઉતાવળ કરવા માટે કહેતો હતો. પણ મારી કામ કરવાની પધ્ધતિ જુદી છે. પૈસાથી કામ થતું હોય ત્યાં હું આંગળી વાંકી કરવામાં કે હિંસામાં માનતો નથી. અને મને ખાતરી હતી કે ત્રણે પારસી ભાઈઓને હું મિલકત વેચવા માટે મનાવી લઈશ.

અને બીજી તરફ મારો માણસ સ્વાતી પર સતત નજર રાખી રહ્યો હતો. અને દિવસમાં એકવાર તો સ્વાતી હોટલમાં આવતી જ. અમે હલકી-ફૂલકી વાતો, મજાક કરતા રહેતા હતા. સતત અઠવાડિયા સુધી સ્વાતિ પર નજર રાખ્યા પછી પણ મને તેની કોઈ જ હિલચાલ કે વર્તણુક અસામાન્ય લાગી નહોતી. તે પાર્ટ ટાઈમ એકાઉટીંગ ફર્મ માં નોકરીએ જતી, અને સવારે કોલેજ જતી હતી. સ્વાતી તરફથી હવે હું નચિંત હતો. હવે મને તેની પર જરાય શક રહ્યો નહોતો. જોકે અંતરથી હું પ્રાર્થના જ કરતો રહેતો હતો કે સ્વાતી સાચી અને નિર્દોષ હોય... કેમ? તે હું જાણતો નથી. કદાચ શરીફ લોકો તેને જ પ્યાર કહેતા હશે... જો એવું જ હોય તો તમે કહી શકો કે હું સ્વાતિને પ્રેમ કરું છું, ચાહું છું... પણ મને મારું સ્ટેટસ, મારો સામાજિક દરજ્જો, ખબર છે, પણ ગમે –તેમ સ્વાતી જો મને મળી જાય તો.... લાઈફ બની જાય... હું તેને રાણી બનાવીને રાખું.

હું હોટલમાં હોઉં તો મને જોતા જ સ્વાતી પણ આવી જતી હતી. અને હકથી ખુરશી ખેંચીને કાઉન્ટર પાસે બેસી જતી ને ખુબ વાતો કરતી, મને ગમતું હતું. તેને જોઇને સ્ટાફ પણ હરખ પદુડા થઈને તેની સરભરામાં લાગી જતા. તેને લસ્સી કે આઈસ્ક્રીમ લાવી આપતા, અને થોડી થોડીવારે મેડમ કશું લાવું? એમ પૂછી જતા.

સ્વાતી આવતી હતી તેથી હવે હું વધારે સમય હોટલ પર જ વિતાવતો થયો હતો. મેં મારી હેર સ્ટાઈલ પણ બદલી હતી અને હવે કપડા પણ વ્યવસ્થિત પહેરવા માંડ્યો હતો. રોજ શેવ પણ કરતો થયો હતો. એક અજબ પરિવર્તન મારામાં થતું હું જોઈ રહ્યો હતો, પણ તેના પર મારો કંટ્રોલ નહોતો.

“ત્રણ દિવસથી તમે જોવાતા નથી કે ફોન પણ નથી કરતા તમે તો...” કહેતી સ્વાતી ખુરશી ખેંચીને બેસી ગઈ.

“હા, કામસર બહારગામ હતો. તેં પણ મને ક્યાં ફોન કર્યો?”

“છોકરાએ જ ફોન કરવો પડે, તમને એટલી પણ ખબર નથી?” કહેતા સ્વાતી ખીલખીલાટ હસી. તે હસે ત્યારે સાચે જ ખુબસુરત લાગે છે. તેના હસવાથી હોટલના ગ્રાહકોનું ધ્યાન તેની તરફ ગયું, અને બધા સ્વાતિને જ તાકી રહ્યા હતા. મને ગમ્યું નહિ, કેમ? ખબર નથી, પણ હું ઉભો થઇ ગયો ને બોલ્યો, “ચાલ આપણે ક્યાંક ફરી આવીએ.”

મારી હોટલમાં છેલ્લી કક્ષાના કહી શકાય એવા અસામાજિક ગ્રાહકો જ વધારે આવતા હતા, પણ મારી ધાક એવી હતી કે આજ સુધી કોઈએ કોઈ પણ છોકરીને છેડવાની હિંમત કરી નહોતી. પણ આજે તો કોઈ સ્વાતી સામે તાકી રહે તે પણ મને ગમ્યું નહોતું.

સ્વાતી કશું બોલ્યા વગર બાઈક પર બેઠી. અમે નદી કિનારે આવી ઉભા. તે બોલી, “કેમ આપણે અહી આવ્યા?”

“બસ એમ જ.. હોટલમાં સાલા બધા તને કેવા તાકી રહ્યા હતા...”

“તો? તમને શું તકલીફ થઇ?”

મેં કશો જવાબ આપ્યો નહિ. થોડીવારે તે ફરી બોલી, “કહો ને....”

“શું?”

હવે તે ચુપ થઇ ગઈ. અને બેંચ પર જઈને બેઠી, અને બાજુમાં હાથ ઠપકારીને બોલી,

“અહી આવી જાવ ને...”

હું તેની બાજુમાં બેઠો હતો, તે મને જ જોઈ રહી હતી. થોડીવારે તે બોલી, “તમને કશું કહેવું છે? જે કહેવું હોય તે કહી નાખો.”

“મારે? ના મારે કશું કહેવાનું નથી...”

સ્વાતિએ પર્સમાંથી પેન કાઢી અને મારો હાથ પકડીને બોલી, “તમે તો નહિ કહો, પણ મારાથી હવે વધારે વાટ જોવાય એમ નથી, એટલે હું જ કહું છું.” કહીને તેણે મારી હથેળી પર આઈ લવ યુ લખ્યું. વાંચતા હું રોમાંચિત થઇ ગયો, પણ ભાવ બદલ્યા વગર બોલ્યો, “હું કોણ છું તે નથી જાણતી?”

તે મને જ તાકી રહી હતી. થોડીવારે હું બોલ્યો, “બેબી, સાચું કહું તો હું પણ તને પ્રેમ કરું છું, પણ આપણી દુનિયા અલગ છે.” તેની આંખમાં એક અજીબ ચમક મને જોવાઈ. તે ઉભી થતા બોલી, “તમે ફરી એકવાર કહો...”

“હા બેબી, હું તારા પ્રેમમાં છું જ પણ...” તે આગળ મારી વાત સાંભળવા રોકાઈ નહીને દોડીને બાઈક પાસે જઈને ઉભી રહી. હું પણ ત્યાં ગયો. તે હસીને બોલી, “હવે તમે પચીસ હજાર નહિ માંગોને?”

“કેમ નહિ માંગું? ધંધો એટલે ધંધો, એમાં ચીટીંગ નહિ ચાલે.”

“કેમ શું? તમે હમણાં જ તો બોલ્યા કે તને પ્રેમ કરું છું...”

“તો? તો શું થયું? અને આમ પણ આપણી ડીલ થઇ ત્યારે હું ક્યાં તને પ્રેમ કરતો હતો? મારા નિયમ મુજબ તે જ સમયે પૈસા લઇ લેવા જેવા હતા.” કહેતા હું પણ હસ્યો.

તે ગંભીર થતા બોલી, “સાચું કહું તો મારી પાસે એટલા પૈસા જ નથી કે ડીલ કરી ત્યારે પણ નહોતા.”

“કામ સાંભળીને હું ત્યારે જ પૈસા માંગતો તો?”

“એની તય્યારી તો મેં રાખી જ હતી. મારી પાસે બે બંગડી છે.” અને કાને હાથ લગાડતા બોલી, “અને આ બે કડીઓ છે, સોનીએ પચીસ હજાર આવશે એમ કહ્યું એટલે જ મેં તમને પચીસ હજાર આપવાનું કહ્યું હતું.”

અને જાણે કેમ પણ મને કપિલ યાદ આવ્યો. સ્વાતી તેને એટલી નફરત કરે છે કે તે કાનની કડી અને બંગડી વેચીને પણ તેને સબક શીખવાડવા માંગે છે, કેમ?

હું હસ્યો અને સ્વાતિના ગાલે ટપલી મારતા બોલ્યો, “બેબી પૈસાની મારે મન ખુબ કિંમત છે, અને આજ થી એજ પૈસાની તારે મન કોઈ જ કિંમત નહિ રહે, સમજી કે નહિ?”

કહેતા મેં બાઈક સ્ટાર્ટ કરી. તે મને જકડીને બેસી ગઈ. હોટલ પર આવ્યા તો તે બોલી, “કેમ અહી? તમારું ઘર નહિ બતાવો?”

“કાલે... તને લઇ જવા લાયક અને વ્યવસ્થિત કરાવવું પડશે ને? બેચલરનું ઘર કેવું હોય?”

તે હસી પડી અને મારા વાંસે ધબ્બો મારીને દોડી ગઈ.

આજે જ મારા મેનેજરને મારું ઘર સાફ અને વ્યવસ્થિત કરાવી દેવાનું મેં કહ્યું.

મને પૈસાની રેલમછેલ હતી. અને તે સિવાય મેં કશું વિચાર્યું જ નહોતું. આજે મને લાગતું હતું કે જો સ્વાતી મને ન મળતી તો હું ઘણું ખોઈ નાખવાનો હતો, અને શું ખોઈ નાખ્યું છે તે ક્યારેય સમજાતું નહિ. મને એક અજીબ ફીલિંગ આવતી હતી, હું નશામાં હતો.

***

મારી લાઈફમાં મજા જ મજા હતી. લગન કર્યા હોય તો? કદાચ કરું પણ ખરો... સ્વાતી ને કહ્યું હોય તો તે કરે? કે મને રમાડી રહી છે? ભલે તેના મનમાં ગમે તે હોય, પણ તેણે મને જેટલું આપ્યું છે તેટલું જ પુરતું છે. તેણે મને એક નવી જ નજર આપી હતી, અને મારામાં નવી જ લાગણીઓ જન્માવી હતી, અને તે બહુ મોટો ઉપકાર છે મારા પર. અને ફક્ત એટલા કારણે જ હું તેને ચાહતો રહીશ...

સ્વાતિના પપ્પા ઘેરથી નીકળ્યા કે છોકરાએ આવીને મને કહ્યું. હું પણ તેમની પાછળ બસ સ્ટોપ પર આવ્યો. સ્વાતિના પપ્પા ૫૦ ના હશે પણ ૬૦ના લાગતા હતા. માથે વચ્ચે ટાલ હતી, અને બાકીના વાળ સફેદ હતા. ઢીલા અને નખાઇ ગયેલા... નજીક જઈને હું બોલ્યો, “કેમ છો અંકલ? તમે સ્વાતિના પપ્પા છો ને?”

તેમણે મને જોયો અને પછી ધીરેથી બોલ્યા, “ના, સ્વાતી મારી દીકરી નથી.”

“કેમ? એવું તો શું થયું?”

“વંઠેલ, બગડેલ અને અમારા કહ્યામાં ન હોય એવી દીકરીનો હું બાપ નથી.”

વંઠેલ, બગડેલ.. સ્વાતિના મારી સાથેના સબંધોને કારણે અંકલ ગુસ્સામાં હતા કે સ્વાતિના સંપૂર્ણ ચરિત્રના સંદર્ભમાં બોલી રહ્યા હતા? ચરિત્ર... આ બહુ વિચિત્ર અને હાસ્યાસ્પદ શબ્દ મને લાગ્યો છે. ચરિત્રનો અર્થ મારે માટે જુદો અને વિશાલ છે. જયારે મોટાભાગના લોકો ચરિત્ર શબ્દને ફક્ત સેક્સ સાથે જોડીને જ જુએ છે. એવી વસ્તુ સાથે કે જેનું મારે મન જરાય મહત્વ નથી. શોચક્રિયા કરવી, ભૂખ લાગે તો જમવું, ઊંઘ આવે તો ઊંઘવું, જેવી જ સામાન્ય અને સહજ ક્રિયાને ચરિત્ર સાથે શું લેવા-દેવા?

“અંકલ, વંઠેલ અને બગડેલ એટલે કેવી?”

“મને તમારી સાથે વાત નથી કરવી.”

“ઓકે અંકલ, જો સ્વાતી એમ કહે કે તેને મારી સાથે લગન કરવા છે, તો?”

“તોયે કૈંક ધૂળ નાખી... સારું ઠેકાણું તો હવે તેને મળવું રહ્યું....”

“અંકલ તમને નથી લાગતું કે તમે મારું અપમાન કરી રહ્યા છો?”

“તો શું તમે તમારી જાતને મહાન અને પુરુષોત્તમ સમજો છો?” કહેતા અંકલ ચાલવા માંડ્યા. હું ત્યાં જ ઉભો હતો.

સ્વાતી બારીમાં જ ઉભી હતી. મને જોયો ને સ્માઈલ આપ્યું. અને થોડીવારમાં જ તે પણ આવી ગઈ, “કેમ મો લટકી ગયું છે? જહાજ ડૂબી ગયા કે શું?”

“તારા પપ્પાનું કહેવું એમ છે કે તારે મારી સાથે લગન કરી લેવા જોઈએ, કે જેથી તેમની રહી-સહી ઈજ્જત બચી જાય.” તે મને જ તાકી રહી હતી. બોલી, “ પપ્પાએ તમને કશું આડું-અવળું સંભળાવ્યું તો નથીને? મન પર લેશો નહિ.”

“લગન?”

“જરૂરી છે? અમારી ઈજ્જતની ચિંતા તમે ન કરો, અને તે માટે લગન કરવા જરૂરી નથી.”

***

અમારા રૂટીનમાં કશો ફેર પડ્યો નહોતો. હું સ્વાતી સાથે અને તે ન હોય ત્યારે તેના જ વિચારોમાં ખોવાયેલો રહેતો હતો. કામ પણ મોટાભાગનું છોકરાઓ ઉપર જ છોડ્યું હતું. કપિલે સોંપેલા કામ પર જ મારું ધ્યાન હતું કે રાખવું પડતું હતું.

સીટી સર્વેની ઓફિસમાંથી મેં તે મિલકતના કાગળો મેળવ્યા હતા. તે મિલકત પારસી ભાઈઓના બાપના નામે બોલતી હતી. અને તે ખરીદવા માટે સહીની જરૂર પડે તેવા સીધી લીટીના વારસદાર તે ત્રણ ભાઈઓ સિવાય કોઈ નહોતું.

મેં મેળવેલ પ્રાથમિક જાણકારી અને મારી કોઠાસુઝને કારણે મેં ત્રણ પારસી ભાઈઓમાંથી બોમ્બે રહેતા વચલા ભાઈને પસંદ કર્યો, અને તેને ફોન કર્યો. વચલા ભાઈને પસંદ કરવાનું મારું લોજીક એ છે કે જો મોટો ભાઈ કશું કહે કે નિર્ણય લે તો નાના ભાઈઓનો અહમ ઘવાય, અને તેમણે લાગે કે અમે કશું નહિ? એટલે ઝટ મોટાભાઈના નિર્ણયને અનુમોદન આપે નહિ, ને કહે કે જોઈશું, વિચારીશું.. જો સવથી નાનો ભાઈ કશું જણાવે તો કહે કે મોટાની સલાહ લઈશું, તને શું સમજ પડે? પણ જો વચલો કશું કહે તો નાના અને મોટા પણ તેની વાત પર પૂર્વગ્રહ રાખ્યા વગર વિચાર કરે. હા, તો મેં વચલા ભાઈને ફોન કર્યો અને કહ્યું કે એક પ્રતિષ્ઠિત મોટી કંપનીને તમારું મેન્સન ખરીદવામાં રસ છે. અને મારી તે કંપનીના દલાલ તરીકે ઓળખાણ આપી. તે બોલ્યો, “તમને કોણે કહ્યું કે અમે વેચવા માંગીએ છીએ? તેમાં ભાડૂતો રહે છે, અને ખાલી કરાવવા માટે આઠ વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે.”

“સોરી સર, પણ ત્યાં મિલકત વેચવાની છે, એવું બોર્ડ જોયું અને તમારો નંબર પણ લખ્યો છે.” મેં ટાઢા પહોરની ફેંકી.

“ના, અમે એવી કશી જાહેરાત કરી નથી.”

“ભલે સર, પણ ભવિષ્યમાં વેચવાની ઈચ્છા થાય તો પહેલી જાણ મને કરજો. હું ભાડૂત સહીત, હાલની હાલતમાં તેના તમને ૬૦ લાખ અપાવી શકીશ.”

મેં ૬૦ લાખનો પાસો ફેંકીને એક સાયકોલોજીકલ ગેમ શરુ કરી હતી. રાત્રે મારા માણસ પાસે મેં તે જ પારસી ભાઈને ફોન કરાવડાવ્યો. અને મારા કહ્યા મુજબ તેણે પણ વેચવાનું બોર્ડ લાગેલું છે કહીને વાતની શરૂઆત મારાથી બિલકુલ વિપરીત, અને હલકી, ટપોરી ભાષામાં કરી. પારસી ભાઈ ગેંગે-ફેંફે કરવા અને વેચવી નથી, એમ કરવા લાગ્યો. મારા માણસે તેને આજ હાલતમાં તે મિલકતના 45 લાખ આપવાની ઓફર કરી.

બીજે દિવસે મેં મારા બીજા માણસ પાસે ફોન કરાવડાવ્યો. તેણે પણ રફ ભાષામાં વાત કરી અને મિલકતના ૪૦ લાખ આપવાની ઓફર મૂકી.

બસ, હવે બે દિવસ શાંતિ રાખીને ફરી અલગ અલગ વ્યક્તિઓ પાસે ફોન કરાવડાવીશ. અને બધાની ઓફર ૬૦ થી નીચી જ રખાવડાવીશ. ગેમ શું છે તે તમને સમજાવું.

સામાન્ય માનસિકતા એવી છે કે આપણે પહેલી દુકાને ભાવ પૂછીને ત્યાંથી વસ્તુ લેતા નથી. કારણકે આપણને આશા હોય છે કે કદાચ આગળ હજુ સસ્તું મળે... અને આગળ બે-ત્રણ જગ્યાએ તપાસ કરતા ઉંચો ભાવ સંભાળવા મળે ત્યારે આપણે માની લઈએ છીએ કે વસ્તુનો સાચો ભાવ ઉંચો જ છે, પણ પહેલા દુકાનદારની ભાવ કહેવામાં જરૂર ભૂલ થઇ છે. ભલે ભૂલ થઇ, તે પોતાની ભૂલ સુધારી લે અને બોલેલી કિંમતમાંથી ફરી જાય તે પહેલા ઉતાવળે જઈને આપણે તે વસ્તુ ખરીદી લઈએ છીએ. બસ, આ જ, પણ ઉલટી ગેમ હું પારસી ભાઈ સાથે રમી રહ્યો હતો. જોઈએ, હવે શું થાય છે... કિંમત તો વધારે કહી જ, અને બીજું પ્રલોભન એ કે ગુંડા ટાઈપના લોકો સાથે ડીલ કરવા કરતા, તેમના મોઢે લાગવા કરતા મારા જેવા સભ્ય અને પ્રતિષ્ઠિત વ્યક્તિ જોડે સારું. ચીટીંગનો કે બીજા પ્રકારનો પણ ખતરો નહિ.

મને લાગતું હતું કે મારે કપિલને એકવાર મળવું જોઈએ. ભવિષ્યનો પ્લાન બનાવવામાં ઉપયોગી થાય એવું કશુક જાણવા પણ મળી જાય અને જો મોકો હોય તો થોડા પૈસા પણ ખંખેરી લાવું.

તેને ફોન કર્યો. તેણે મને રાત્રે તેના એક ફ્લેટ પર આવી જવાનું કહ્યું.

બેલ વગાડતા જ એક ટૂંકું સ્કર્ટ પહેરેલી છોકરીએ બારણું ખોલ્યું. કપિલ હોલમાં બેઠો હતો ને પી રહ્યો હતો. મને જોતા જ બોલ્યો, “આવ કિશન આવ..”

હું તેની સામે બેઠો, તે છોકરી કપિલની પાસે બેસી ગઈ. કપિલ અર્ધ નશામાં લાગતો હતો. છોકરી મારે માટે પેગ બનાવી રહી હતી, હું તેને જ જોઈ રહ્યો હતો. કપિલે આંખ મારીને છોકરી સામે ઈશારો કરીને બોલ્યો, “આને તને ખોળામાં બેસાડવી હોય તો મને વાંધો નથી.”

છોકરીના હાથમાંથી ગ્લાસ લેતા હું બોલ્યો, “ના શેઠ ચાલશે, જરૂર નથી.” અને ગ્લાસ નાકે લઇ જઈને સૂંઘ્યો.

કપિલ બોલ્યો, “શું સુંઘે છે? તારો જ મોકલેલ માલ છે. અને હા ભાઈ, તને ક્યાંથી જરૂર હોય... વાત સાંભળી છે કે આજ-કાલ તુ ઓલી સ્વાતિને રમાડે છે..”

મને ગુસ્સો આવ્યો.પણ સ્વાતી વિષે હું શું વિચારું છું કે તેને માટે મારી કેવી લાગણીઓ છે તે હું કપિલને જણાવવા માંગતો નહોતો. તેને ભ્રમમાં જ રાખવો હતો. એટલે હું પણ હસતા બોલ્યો, “કામની કિંમત તો લેવી રહીને? જોકે મૂડી આવી ગઈ છે, હવે તો ફક્ત વ્યાજની વસુલી ચાલુ છે.”

“અચ્છા!!! એટલે હવે તુ કિંમત પૈસા સિવાયના ફોર્મમાં પણ સ્વીકારે છે, એમ ને? બાકી છે મજાની, નહિ?”

“મજાની તો ઠીક છે હવે... અમ જેવા ગરીબોને ચાલે...” અને તેની પાસે બેસેલી છોકરી સામે ઈશારો કરીને આગળ બોલ્યો, “બાકી તમારા જેવા લેવલનું તો મારાથી વિચારી પણ ન શકાય.”

“અરે એવું કશું નહિ... ગમે ત્યારે તુ મને કહેજે ને.. અત્યારે પણ જો તારી ઈચ્છા હોય તો તુ પહેલો, બસ?” કહીને કપિલ હસ્યો.

ગ્લાસ ખાલી કરીને હું નીચે મુકતા બોલ્યો, “આભાર શેઠ, પણ અત્યારે હું જરા ઉતાવળમાં છું.” સાંભળતા જ કપિલે છોકરીને કહ્યું, “સ્વીટી, તુ બેડ પર જા, હું આવું છું.”

છોકરી બેડરૂમમાં ગઈ કે કપિલ બોલ્યો, “બોલ શું કામ હતું?”

“દરુવાલાનું લગભગ પતવા આવ્યું છે. પૈસા તય્યાર રાખજો, ગમે ત્યારે જરૂર પડશે.”

“બીજું કાઈ? જલ્દી પતાવ.. ઘણો સમય કાઢી નાખ્યો તેં.”

“હા, હવે બહુ સમય નહિ લાગે. મને ૨૫ પેટી જોઈએ છે.”

“કેમ? શું કરવું છે? કે શું કરવા માંગે છે?”

“શેઠ તમે મારા ધંધાનું સિક્રેટ પૂછી રહ્યા છો...”

“સાલ્લા.. પૂછું જ ને... મારા પૈસા જઈ રહ્યા છે તો...”

“શેઠ, તમને શું વાંધો છે? તમે જેટલા આપો તેટલા તમને તો ત્રણ ખોખામાંથી બાદ જ કરવાનાછે ને? હા, તમને ડર લાગતો હોય તો વાત જુદી છે.” મેં કાળીનો એક્કો ફેંક્યો, અને તેની ધારી અસર થઇ. કપિલ ગ્લાસ ગટગટાવીને નીચે મુક્તા બોલ્યો, “ડર? મને? હજુ એવો કોઈ પેદા નથી થયો કે જે કપિલ શેઠના પૈસા ખાઈ જાય કે કપિલ શેઠ સાથે ચીટીંગ કરી જાય.... જા હવે.. કાલે મોકલું છું પૈસા.”

તરત જ ઉભો થઈને હાથ મિલાવતા હું બોલ્યો, “શેઠ, બહુ થોડા સમયમાં તમે દારૂવાલા મેન્સનના માલિક હશો.” કહીને હું નીકળી આવ્યો.

***

(બાકી છે.)