કોઝી કોર્નર - 16 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોઝી કોર્નર - 16


બીજા દિવસે ગમે ત્યાંથી એક જીપની વ્યવસ્થા કરવાની હતી.થોડીવારે બીજા છોકરાઓ પણ આવ્યા અને એમને પણ પરેશ ને છોડાવવાના અભિયાનની જાણ થઈ. હોસ્ટેલમાં અજીબોગરીબ શૂરવીરતાનું જાણે કે મોજું ફરી વળ્યું.અનેક વિદ્યાર્થીઓ અમારી સાથે આવવા તૈયાર થયા. એમાંથી જે લોકો ગીર વિસ્તારમાંથી આવ્યા હતા એ બધાએ તો કહ્યું કે આતો અમારા આંગણે અવસર કહેવાય.અમે કનકાઈ જોયું છે અને કાળો ડુંગર પણ જોયો છે એટલે અમે તો ચોક્કસ આવશું.
 બીટીએ કહ્યું કે લશ્કર મોટું થતું હોય તો આપણા બાપાનું શુ જાય છે...ભલેને આવતા..
  આખરે ગીરના જંગલમાં તુલસીશ્યામ અને કનકાઈ વગેરે સ્થળોની ટુરનું આયોજન હોવાનું જણાવીને બીજા દિવસે બસ બાંધવાનું અને જે ખર્ચ થાય તે ભાગે પડતો વહેંચી લેવાનું બધાએ નક્કી કર્યું.અને 42 વિદ્યાર્થીઓએ પોતાના નામ નોંધાવ્યા.
 હવે લડવા જ જવાનું હોવાથી થોડી તૈયારી પણ કરવી જરૂરી હતી. સાથે લાકડીઓ હોવી જોઈએ એ જરૂરી લાગ્યું.એટલે  બીજા દિવસે સવારે ગાંધી રોડ પર જઇ ભરવાડ લોકો રાખે એવી કડલી વાળી ડાંગ દરેકે પોતાના પૈસાથી ખરીદી લેવી એમ નક્કી થયું. એ રાત્રે છેક ત્રણ વાગ્યાં સુધી આ સિનારિયો ભજવાયો.
 કોઝી કોર્નરમાં કેટલીક રૂમો સમાજવાળા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવી હતી.એ મહેસાણા સાઈડના છોકરાઓ પોતાને ઉંચી કેટેગરીના હોવાનો ખ્યાલ ધરાવતા હોઈ અમારા સૌરાષ્ટ્રના છોકરાઓ પ્રત્યે અણગમો ધરાવતા. અમે લોકો કેમ જાણે એ લોકોની દયા ઉપર જીવતા હોઈએ એવો રૂઆબ અમને એ વિદ્યાર્થીઓના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતો.
 આ બધો દેકારો થયો અને હો હા મચી હોવા છતાં એક પણ સમાજવાળો શુ બન્યું છે એ જાણવા એમની રૂમમાંથી બહાર આવ્યો નહીં. કારણ કે એ લોકો એમ માનતા હતા કે આ પ્રજા અહીં ભણવા નહીં પણ ધમ પછાડા કરવા જ આવી છે. બંગલામાં રહેતા ધનવાન લોકો જેમ ઝૂંપડપટ્ટીમાં ચાલતી માથાકૂટમાં રસ ન લે એમ જ એ લોકો અમારી રૂમોને એક કોલોની જેવી અને અમને સૌને હલકી કક્ષાના કણબી સમજતા.
  પણ અમને કોઈને એ લોકોની કંઈ જ પડી નહોતી.બીજા દિવસે સવારે 10 વાગ્યે ચીમન જાગાણી અને નંદલાલ ભંડેરી પ્રાઇવેટ બસ ભાડેથી લઈ આવ્યા. અને જગદીશ માલવીયા, રાઘવ સાકરીયા અને જમન મારકણા વગેરે ગાંધી રોડ પર જઈને લાકડીઓનો ભારો પણ રિક્ષામાં લઈ આવ્યા. બધા પાસેથી 500 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.જે લોકો પાસે નહોતા એમને બીજાઓએ ઉછીના આપ્યા હતા.એ વખતે અમારો એક મહિનાનો રહેવાનો અને જમવાનો ખર્ચ માત્ર 500 રૂપિયા જ થતો હતો.પેટ્રોલ માત્ર 10 રૂપિયાનું લીટર હતું. અને ડીઝલ છ રૂપિયા પ્રતિ લિટરનો ભાવ હતો.
 અમારી પાસે એકવીસ હજાર રૂપિયા જેટલી માતબર રકમ અને ગુંડાઓના માથા ફોડી નાખવા તત્પર થયેલા 42 નવયુવાનોની ફોજ હતી. પેલા બન્ને જનવરોનો કોથળામાં પુરીને મોઢું સુતળીથી બંધ કરવામાં આવ્યું હતું.અને અમારી મીની લકઝરી બસના ડ્રાઇવર કંડક્ટરને એ અમારો સમાન હોવાનું જણાવ્યું હતું.
  આખરે અમારી બસ બપોરે એક વાગ્યે અમદાવાદની કોઝી કોર્નર હોસ્ટેલથી ઉપડી હતી. કઈ રીતે જગા રબારીના નેસડા પર પહોંચવું,બસ ક્યાં ઉભી રાખવી ચેક પોસ્ટ પર શુ જવાબ આપવા અને જંગલમાં કયો રૂટ લેવો વગેરે આયોજન કરવામા ગીરના મિત્રો રમેશ પાઘડાર, નંદલાલ ભંડેરી અને રાજુ સાવલિયાએ મદદ કરી હતી.આખરે અમે બેતાલીસ જણ હોવાથી ગમે તેવા લોકોને ભારે પડશું એવો આત્મવિશ્વાસ સૌના ચહેરા ઉપર જોઈ શકાતો હતો.
***  *** ***    ****   ****
પરેશ અને રમલી ગટોરની ટોળીમાંથી છટકવા ખૂબ લડ્યા હતા પણ પરેશને માથામાં ટોર્ચ મારીને બેભાન કરી દીધો હોવાથી એ લોકો ભાગી શક્યા નહોતા. જૂનાગઢના સરકારી દવાખાનામાં અબ્દુલ અને જેસાને સારવાર લેવી પડે તેમ હોઈ એ બન્નેને ત્યાં છોડીને ગટોર અને ભીમો બીજા બે માણસોને સાથે લઈ જગા રબારીના નેસડા પર ગાડી લઈ ગયો હતો. કાળા ડુંગરમાં હમીરસંગે પોતાને રહી શકાય એવી વ્યવસ્થા વાળું મકાન બનાવ્યું હતું. જો કે એ મકાનમાં રાત્રે રહેવાનું સાહસ કોઈ ઓન કરતું નહીં. કારણ કે આ ગીરનું જંગલ હતું. દીપડાઓ મકાનની છત તોડીને અંદર પડતા હોય છે એટલે એ ખન્ડેર જેવા મકાનમાં દિવસ દરમ્યાન આઠ દસ માણસો સાથે કઈક કામકાજ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
 જગા રબારીએ જ્યારે પરેશ અને રમલીને કાદવથી ખરડાયેલી હાલતમાં બંધાયેલા અને એમ્બેસેડરની ડીકીમાં ટૂંટિયું વળીને પડેલા જોયા ત્યારે એને ગટોર અને ભીમા પર નફરત આવી ગઈ હતી.આખરે એ સોરઠનો માલધારી હતો. એ ભલે લાલચવશ હમીરસંગ સાથે મળીને કેટલાક ગેરકાયદેસર કામ કરતો હતો પણ આ રીતે માનવ તસ્કરીના કાળા કરતૂત કરવા માટે એનો અંતરાત્મા ઘસીને ના પડતો હતો.
"અલ્યા આ ખડના પોટકા સે ? આમ બિસાડાવને ગાડીની ડીકીમાં ઘાલીને આયાં લાવવાના હતા ? હાળ્યો કંઈક તો ઉપરવાળાની બીક રાખો..આ બેય બાલુડાને'ય માં ને બાપ હશે.. ઇવા તે શાના વાંક ગનામાં આ સોકરા'વ આવ્યા સ તે તમે હાવ આમ રાક્ષસ જેવા થઈને આમને ગારો ગારો કરીને ખડના પોટકા ઘોડ્યે ડીકીમાં ભરી લાયા સો.." જગા રબારીથી પરેશ અને રમલીની દશા જોવાતી નહોતી.
"ઇ તું હમીરબાપુને પુસજે ભાય...આ બેયને માણહની જેમ જ ગાડીમાં બેહાડીને લાવતા'તા,
પણ આ ભડના દીકરા ગાડીમાંથી ભાગ્યા..અને જો આ મારું થોબડું..
આગલના બેય દાંત હું ખોઈ બેઠો છું અને આ છોડીને તું જેવી તેવી નો હમજતો...વાલમસિંહ રાજપૂતની ઇ છોકરી સે...ઓલ્યા જેસા અને અબ્દુલને ઓળખેસ..? ઇ બેયને બટકા ભરીને ખમભાના લોસા કાઢી નાયખા ..જેસીયાને તો જૂનાગઢ સરકારી દવાખાનામાં દાખલ કરવો પડ્યો સે. અને આ હાંઢીયો જોયો..? ટોકીઝમાં અમે હળી કરી'તી.. મને અને આ ભીમલાને બેયને મારો બેટો એકલો પૂરો પડી રીયો'તો. અમારે ભાગવું ભારે પડ્યું'તું. ઇ તો મારી પાંહે ઓલી શીશી સે એટલે ઇ હુંઘાડીને આ બેયને માંડ માંડ આયાં લાયો છું..."
ગટોરે આખું વૃતાંત ટૂંકમાં જણાવ્યું.
 "હવે અમને છોડો તો ખરા..હવે અમે નહિ ભાગીએ ભાઈ.. અમારે નાવું છે...ભૂખ પણ લાગી છે.. તમે જેમ કેશો તેમ કરશું પણ એમને છોડો..."પરેશે ડીકીમાં પડ્યા પડ્યા જગા રબારીને કહ્યું.
  એ દરમ્યાન જગા રબારીની વહુ ત્યાં આવી પહોંચી. રમલીની દશા જોઈને એણે બુમાબુમ કરી મૂકી. માંડ માંડ જગાએ એને શાંત પાડી.
પરેશ અને રમલીના બંધન છોડી નાખવામાં આવ્યા. બન્નેના પગમાં સાવ ખાલી ચડી ગઈ હતી. મહામહેનતે પરેશ અને રમલી ઉભા રહી શકતા હતા.જગાની વહુ મીઠી રબારણ, રમલીને એના ઘરમાં લઈ ગઈ અને પરેશનો કબજો  જગાએ લીધો. બન્ને ને ન્હાવાની વ્યવસ્થા કરી આપીને રબારીના કપડાં પહેરાવવામાં આવ્યા. રમલી રબરણના ડ્રેસમાં ખૂબ શોભી રહી હતી.પરેશ એને જોઈને ખૂબ જ ખુશ થતો હતો.પોતાનું અપહરણ કરીને લાવવામાં આવ્યા છે એ વાત આ લોકો સાવ વિસરી ગયા હતા.
  ભેંસનું તાજું દૂધ અને બાજરાના રોટલા માખણના ગાંગડા સાથે બન્નેને પીરસવામાં આવ્યા. ગીરના નેસડાની મહેમાનગતિ અનેરી હોય છે.જગા અને મીઠી ને ખબર તો હતી જ કે આ છોકરો અને છોકરી હમીરબાપુના દુષમન છે, છતાં એ બન્નેને પ્રેમથી જમાડ્યા હતા. 
 જમી રહ્યા પછી એક ઓરડામાં બન્ને ને પુરીને બહારથી સાંકળ ચડાવી દીધી.પરેશ અને રમલીએ અંદરથી સાંકળ ચડાવીને પાથરેલા ઢોલિયામાં ઝંપલાવ્યું હતું.
"વાહ મારી રબારણ.." પરેશે રમલીને ઉંચકીને છાતીએ ચાંપી.
"અરે મારા રબારી... આય લવ યુ.."રમલીએ હસીને પરેશના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા.
 એકબીજાની બાહોમાં સ્માઈને બન્ને ઘસઘસાટ ઊંઘી ગયા.
 હમીરસંગે આવીને જગાને પરેશ અને રમલી નાસી ન જાય તેનું ધ્યાન રાખવાનું જણાવ્યું હતું.ઘમુસરને મળ્યા વગર આ રમલીનું શુ કરવું એ નક્કી નહોતું. 
"આ છોકરાઓને મારપીટ કરવા  નહી દવ હો બાપુ...બિચારા સાવ નાના બાળ છે...બેય વરવહુ સે..ને.. શુ કામ આવા પાપ કરો સો.." મીઠીએ મોં ઉપર સાડીનો છેડો ઢાંકીને હમીરસંગને કહ્યું.
"જગા...આ.. વહુબાપાને કે... આપડે આપણા કામથી કામ રાખો. ભેંસો દોવો અને વલોણા વલોવો..અમારા કામમાં માથું મારો એવડી બુદ્ધિ તમને ભગવાને નથી આપી..." હમીરસંગ ખિજાયો.
"હશે.. બાપુ...બાયું માણહ સે..ઇના બોલ્યા હામુ નો જોશો..." જગાએ વાત વાળી લેતા કહ્યું.
 હમીરસંગ, ગટોર અને બીજા માણસો પણ જમવા બેઠા. જમીને એ લોકો એમ્બેસેડર લઈને કાળા ડુંગરમાં બનાવેલા મકાને જતા રહ્યાં.
** ** ** ** ** ** ** ** ** ** **
 હમીરસંગ અને ઘમુસર જેલમાં મિત્રો બન્યા હતા. ભ્રષ્ટાચારના આરોપસર પકડાયેલા ઘમુસર અને ચોરી ચપાડી અને મારપીટ ના કેસમાં હમીરસંગ સજા કાપી રહ્યા હતા.બન્નેએ જેલમાંથી છૂટીને અલગ જ ધન્ધો શરૂ કર્યો હતો. ઘમુસર મુંબઈ રહેવા જતો રહ્યો હતો કારણ કે ઘમુસરની પત્નીએ ઘમુસરના કાળા કરતૂતો બદલ પોતાની જિંદગીમાંથી બેદખલ કર્યો હતો.એટલે ઘમુસરની જિંદગી ધૂળધાણી થઈ હતી અને એનો જવાબદાર વાલમસિંહને શોધીને બદલો લેવાનું એક જ લક્ષ એમના માટે બાકી રહ્યું હતું.
  વરસો સુધી વાલમસિંહને શોધવા છતાં એ મળ્યો નહોતો.અને હમીરસંગ નામનું હથિયાર વાપરીને ઘમુસરે જમીનના કોઠા કબાડા કરીને કરોડો રૂપિયા ભેગા કર્યા હતા. પરંતુ જીવનના એક તબક્કે એમને હવે થાક લાગવા માંડ્યો હોઈ અમદાવાદ ખાતે હોસ્ટેલના રેક્ટર બનીને જીવન શાંતિથી વ્યતીત કરવાનો નિર્ણય લીધો હતો.પેપરમાં આવેલી જાહેરખબર વાંચીને તેઓ કોઝી કોર્નરના માલિક અને ઉદ્યોગપતિ એવા  મોહનલાલ શેઠને મળવા ગયા હતા અને પોતે કોઈપણ પ્રકારના વેતન વગર સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
અને અમદાવાદમાં જ નવરંગપુરમાં એક બંગલો લઈને તેઓ રહેવા લાગ્યા હતા. હમીરસંગે હવે પોતાનું નેટવર્ક અમદાવાદમાં પાથરવા માંડ્યું હતું.ઘમુસર ધીરે ધીરે નિવૃત થવાની વાત કરી રહ્યા હતા એ હમીરસંગને માફક આવે તેમ નહોતું. છતાં ઘમુસર માટે એને ખૂબ માન હતું કારણ કે એમની બુદ્ધિથી પોતે લાખો રૂપિયા કમાયો હતો અને ક્યારેય પોલીસનું લફરું ઘમુસરે થવા દીધું નહોતું.આખરે એ ઉચ્ચ કક્ષાના અધિકારી હતા.એમની બુદ્ધિ આગળ હમીરસંગની આખી ટોળકી સાષ્ટાંગ પ્રણામ કરતી હતી.
   અમદાવાદમાં કોઝી કોર્નરમાં મેં જ્યારે એડમિશન લીધું એ દિવસોમાં ઘમુસરના જીવનમાં એક નવી જ ઘટના બની હતી. પહેલેથી રંગીન સ્વભાવને કારણે ઘમુસરે પોતાના ઘરમાં રસોઈ અને સાફસૂફી કરવા એક બાઈ રાખી હતી.
  થોડી જાડી અને શ્યામરંગની રંભા દેખાવે ખાસ આકર્ષક નહોતી પણ નમણી જરૂર હતી. ભૂખ્યો માણસ ક્યાં સુધી ભોજનથી ભરેલી થાળી સાચવી શકે ? ઘમુસરે ધીરે ધીરે રંભાને દાણા નાખવાનું શરૂ કર્યું હતું. અવારનવાર રંભા માટે નવી સાડી લઈ જવા લાગ્યા. સ્ત્રીઓને સૌથી પ્રિય વસ્તુ કઈ કઈ હોય એની સારી એવી સમજ ઘમુસરને હતી. એ પ્રમાણે એમણે રંભાને પલોટવા માંડી હતી.ક્યારેય ઘમુસર કોઈ સ્ત્રી સાથે બળજબરી કરવામાં માનતા નહિ.સામે ચાલીને પોતાને ગમતી સ્ત્રી એમના બિસ્તરમાં આવી જાય એવી ટ્રિક્સ ઘમુસર જાણતો હતો.
 રંભા બે ચોપડી ભણેલી દેહાતી ઓરત હતી. એને કોઈ બાળકો નહોતા અને એ એના ઘરવાળા સાથે ગુલબાઈ ટેકરાથી નવરંગપુરા જવાના રસ્તા પર આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી.એનો ઘરવાળો છૂટક મજૂરી કરીને થોડા પૈસા રળી લાવતો અને બન્ને જણ આરામથી રહેતા હતા. રંભા પણ નવરંગપુરા વિસ્તારના બંગલાઓમાં ઘરકામ કરવા જતી.
એ અરસામાં જ એને ઘમુસરના બંગલામાં કામ મળ્યું હતું.મોટેભાગે એ શેઠાણી વગરના ઘરમાં કામ કરતી નહિ પણ ઘમુસરે સારા પગારની ઓફર કરી હોવાથી એ લલચાઈ હતી.
  ઘમુસરે રંભાના મન ઉપર ધીરે ધીરે કબજો જમાવીને એક દિવસ પોતાની આપવીતીમાં પોતાના પ્રત્યે કરુણા ઉપજે એવા કિસ્સાઓ ઘડી કાઢીને રંભાને આખી વાર્તા આંખમાં આંસુ (મગરના) સાથે પોતે ખૂબ જ દુઃખી હોવાની રજુઆત કરી હતી.પોતે સાવ નિર્દોષ હોવા છતાં પત્ની બાળકોને લઈને ચાલી ગઈ, કેવી રીતે કેસ ચાલ્યો અને પોતાની બધી જ મિલકત પણ આપી દેવી પડી..પછી પોતે કેટલી કેટલી મહેનત રાત દિવસ કરી..કેટલી મુશ્કેલી વેઠીને થોડા પૈસા કમાયો...અને હવે સાવ એકલું જીવવું કેટલું મુશ્કેલ છે..એ બધી વાર્તા આંખો લૂછતાં લૂછતાં કહી સંભળાવી.અને છેલ્લે જો કોઈ સાથ અને સુખ આપે તો આ બંગલો અને બધી જ મિલકત એ બાઈને આપી દેવાનું ગાજર પણ બખૂબી ઘમુસરે રંભા નામની ગધી આગળ લટકાવ્યું.
  રંભાને આ ડોસાની વાત સાંભળીને ગલગલીયા થવા લાગ્યાં. જો આ બંગલો અને ડોસાની મિલકત મળી જાય તો પોતાને ઘર ઘર રખડીને કામનો ઢસરડો કરવો ન પડે.અને પોતાના ધણીને પણ મજૂરી કરવી ન પડે. ડોસા ભેગું થોડીવાર સૂવું પડે તેમાં પોતાનું કંઈ જ લૂંટાઈ જવાનું નથી એમ સમજીને એ મનોમન તૈયાર થઈ. ચકળવકળ આંખે ઘમુસર વિચારમાં પડેલી રંભાને તાકી રહ્યા. રંભાના મનમાં ચાલતા વિચારો ચાલાક ઘમુસર સ્પષ્ટ વાંચી શકતા હતા. મોં આગળ લટકાવેલું ગાજર ચાલવાથી મોં માં આવી જશે એમ સમજતા ગધેડાને ખબર પડતી નથી કે જેટલાં ડગલાં એ ચાલે છે એટલું જ ગાજર દૂર જાય છે. રંભા એક ગધી હતી.
  "સાયેબ, તમારે જે સુખ જોવે ઇ હું તમને આલીશ... તમે દખી નો થશો..'' રંભા બોલી કે તરત જ ઘમુસરે એનો હાથ પકડીને પોતાની તરફ ખેંચી હતી. રંભાએ અનુભવ્યું કે આટલી તાકાત તો એનો જુવાન ઘરવાળો અરણજ પણ કરી શકતો નથી. ઘમુસર તે દિવસથી રંભા નામના રમકડાથી રમવા લાગ્યા.
 અરજણને રંભાએ વાત કરી હતી કે પોતાનો ઘરડો શેઠ પોતાની મિલકત અને બંગલો પોતાને આપી દેવાનો છે  અને બદલામાં એ થોડુંક સુખ માગે છે. ઇ બસાડો બવ દુઃખી સે અને લૂંટી લૂંટીને મારામાંથી શુ લૂંટી લેવાનો સે..તું કેતો હોવ તો લગરિક સુખનો છાંટો ઇ ડોહલા ઉપર નાખું. પછી આપડે બેય હે...ય..ને ઇ બંગલામાં રેશું. ઇના પોસા પૉસા ગાડલામાં સુવાની બવ મજા આવશે...ઇ ડોસલો જીવી જીવીને ચેટલું'ક જીવશે..
  અરજણને પણ રંભાની વાતમાં વજૂદ દેખાયું.પોતાની ભાર્યાની ભરેલી જુવાની માંથી ઇ ડોહો શુ ભરી લેવાનો સે ? એવું લાગશે તો લાગ જોઈને હડિયો ટીસી નાખશું..ભલે ને થોડો'ક લાભ લે...
  રંભાએ પોતાની ભરેલી ગાગરમાંથી  પ્રેમનો પ્યાલો ભરીને ઘમુસરને પાવા માંડ્યો. પણ એ બિચારી ક્યાં જાણતી હતી કે એક સાથે આખો ઘડો ઘટઘટાવી જનારો એની ગાગરડીથી ધરાવાનો નથી. ઘમુસર રંભાના હાડકાનો ચુરો થઈ જાય એટલે જોરથી એને ભીંસી નાંખતા. જરીક સુખના નામે બ્લુ ફિલ્મ બતાવી બતાવીને અનેક પ્રકારના આસન રંભા પાસે કરાવતા.અને કલાકો સુધી એમના જરીક સુખનું વાસણ ભરાતું નહીં. રંભા થાકીને લોથપોથ થઈ જાય તો પણ આ ડોસલો એને છોડતો નહીં. આ ડોસલાની બયરી શુ કામ ભાગી ગઈ હશે એ હવે એને સમજાવા લાગ્યું હતું. 
  દિવસે ને દિવસે ઘમુ નામનો આ ડોસો તાજો માજો થવા લાગ્યો. અને રંભા સુકાવા લાગી. કાજુ બદામ અને પિસ્તાની વાનગીઓ અને કામશક્તિ વધારવાની અનેક પ્રકારની ફાકીઓ ફાકીને ઘમુસરે રંભાનો ડાટ વાળી દીધો. ડગમગવા લાગશે એમ ધારેલો આ ડોસો દામ આપીને જામ ઉપર જામ પીવા લાગ્યો. રંભાને જરીક સુખ આપવું ભારે થઈ પડ્યું.
  અરજણ અને રંભા ઘમુસરમાં બરાબરના ભેરવાયા હતા.એટલે ધીરે ધીરે ભાવ વધારવાનું શરૂ કર્યું. ઘમુસરને પૈસા લૂંટાવવામાં કોઈ વાંધો નહોતો. પણ અરજણ અને રંભાએ એક દિવસ આવીને કહ્યું કે, "કાકા તમે કે'તા હતા કે આ બંગલો તમે અમને આપશો અને મિલકત પણ આપશો...તો હવે અમે અહીં જ રે'શુ..." 
 અરજણની વાત સાંભળીને ઘમુસર ખડખડાટ હસી પડ્યા. 
"હા..ભઈ.. હા..મારે ચ્યાં હારે લઈને જાવું છે.?  તું તારે આ બંગલો રંભા ને જ આલવાનો છેં હો..પણ હજી જરીક સુખ તો લેવા દે..." ફરી ઘમુસર હસી પડયા.
 તે દિવસે અરજણ જતો રહ્યો. પણ ત્યારબાદ રંભાએ અને અરજણે ઘમુસરનું કાટલું કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. લોભ અને લાલચના પાયા પર રચાયેલા સંબંધોનો આવો જ અંજામ આવતો હોય છે. એક દિવસ બપોરના સમયે અરજણ ધારદાર છરો લઈને ઘમુસરના ઘેર આવી પહોંચ્યો. એ વખતે ઘમુસર રોજની જેમ જરીક સુખના સાગરમાં રંભાને ડૂબકા ખવડાવતા હતા..
  અરજણના કમનસીબે તે દિવસે હમીરસંગ પણ આવી ચડ્યો હતો.એણે સાહેબનું સુખ જોઈને પોતે પણ આવું જરીક સુખ માણવાની ઈચ્છા પ્રગટ કરી હતી. ઘમુસરે પોતાના આ  "બિચારા દુખિયારા ભાઈબંધને" પણ લાભ આપ્યો હતો.અને રંભાએ એનો જોરદાર વિરોધ કર્યો. કામાંધ બનેલા હમીરસંગે લાંબો વિચાર કર્યા વગર પોતાની અવગણના કરનાર રંભા ઉપર બળાત્કાર કર્યો હતો.અને રંભાએ પ્રતિકાર કરવા હમીરસંગને જોરથી તમાચો માર્યો હતો. રંભાના તમાચાથી હમીરસંગે  મગજનો કન્ટ્રોલ ગુમાવીને રંભાનું ગળું દબાવીને મારી નાખી હતી.અને બરાબર એ જ વખતે આવી ચડેલા અરજણે આ દ્રશ્ય નજરો નજર જોયું હતું. અને પોતાની પાસે રહેલો ધારદાર છરો લઈને હમીરસંગને મારવા દોડ્યો હતો. હમીરસંગ માટે અરજણ, ગીધ સામે કબૂતર હતો.હમીરસંગે અરજણના હાથમાંથી છરો લઈને એના જ ગળા ઉપર ફેરવી દીધો અને પળવારમાં અરજણનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બંગલાના માલિક બનવાના ખ્વાબ પોતાની પત્નીના શરીરનો ઉપયોગ કરીને જોનાર સજોડે એ બંગલામાં જ મોતને ભેટ્યા હતા.
 ઘમુસરના ગુસ્સાનો પાર રહ્યો નહીં. હમીરસંગ જનાવર હતો પળવારમાં ઘમુસર કંઇક વિચારે એ પહેલાં જ એણે રંભા અને અરજણનું ખુન કરીને નવી ઉપાધિ વ્હોરી હતી.
  તાત્કાલિક ઘમુસરે બન્નેની લાશનો નિકાલ કરવાનું કહ્યું હતું.હમીરસંગ જે કામે આવ્યો હતો એ કામ રહી ગયું અને નવું જ કામ એને કરવાનું આવ્યું. બંગલાનો મેઈન ગેટ અંદરથી લોક કરીને હમીરસંગે ક્યાંકથી બે કોથળા શોધ્યા હતા અને બન્નેની લાશને કોથળામાં નાખી હતી.ડ્રોઈંગ રૂમમાં અરજણના લોહીના રેગડા ચાલ્યા હતા,અને હમીરસંગના કપડાં પણ બગડ્યા હતા.પણ આ બધા કામોમાં એ ખૂબ કાબેલ હતો.શાકભાજીના પાંદડા સમેટતો હોય એટલી હળવાશથી એણે આ બધું સમેટયું હતું.એના ચહેરા પરની ભયાનક શાંતીથી ઘમુસર પણ ગભરાયા હતા. ફર્શની બરાબર સફાઈ કરીને હમીરસંગે કોઈપણ પ્રકારનો સુરાગ રહેવા દીધો નહોતો.
   છેક મોડી રાત્રે જ્યારે મુશળધાર વરસાદ વરસતો હતો ત્યારે કોઝી કોર્નરના પાછળના અવાવરું ભાગમાં આ બેઉ લાશ દફનાવવાની હતી. હમીરસંગના વિશ્વાસુ ગટોર અને ભીમો પણ આવી પહોંચ્યા હતા.રંભાને એ લોકોએ દાટી દીધી હતી.અને જ્યારે અરજણની લાશનો કોથળો ડીકીમાંથી ખેંચ્યો ત્યારે એ પતરાં સાથે ભરાઈને ફાટી ગયો હતો.એટલે હમીરસંગ અરજણની લાશનો હાથ ખેંચીને એને ઢસરડવા લાગ્યો હતો અને જ્યારે એ રૂમ નં 17 ની બારી પાસેથી જતો હતો ત્યારે પવન અને વરસાદની જોરદાર ઝાપટ ને કારણે મારા બેડ પાસેની એ બારીમાંથી પાણી મારા બેડ પર આવતું હોવાથી હું જાગી ગયો હતો.મેં ઉઠીને બારી બંધ કરી ત્યારે થયેલા વીજળીના ચમકારમાં મેં ગળું કપાયેલી હાલતમાં અરજણને અને એને ઢસડી જતા હમીરસંગને જોયા હતા. હમીરસંગે પણ એ વીજળીના ચમકારમાં મને બારી બંધ કરતો જોયો હતો એ મને ખબર નહોતી.
પછી જે બન્યું તે આપણે જાણીએ છીએ પણ અમે એમ માનતા હતા કે જ્યારે હમીરસંગે પાછળના તૂટેલા દરવાજામાંથી હોસ્ટેલમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે ફેંકેલા ટોર્ચના અજવાળામાં એ અમને જોઈ શક્યો નહોતો.પણ હકીકતમાં એ અમારી ભૂલ હતી.અમે પહેરેલા નાઇટડ્રેસના કલર પરથી એ સમજી ગયો હતો કે આ બન્ને વિદ્યાર્થીઓએ આ ઘટના જોઈ છે એટલે તરત જ એણે બન્ને લાશો બીજી જગ્યાએ લઈ જઈને નિકાલ કર્યો હતો.અમે એના ડરને કારણે ચૂપચાપ પડી રહ્યા હતા, અને એમ માનતા હતા કે કોઈ એક જ માણસનું ખુન કરીને અહીં દાટી દેવામાં ઘમુસર પણ સામેલ હતા. જ્યારે હકીકત કંઇક જુદી જ હતી !!
 (ક્રમશ :)