કોઝી કોર્નર 20
ગટોર અને ભીમાના મોંમાં ડૂચો નાખીને અમે કપડું બાંધ્યું હતું. એ બન્નેના હાથપગ બાંધીને સ્ટોરરૂમ જેવડા બાથરૂમમાં નાખ્યા હતા.કોઝી કોર્નરના દરેક રૂમમાં મેં આગળ જણાવ્યા મુજબ એટેચ બાથરૂમ હતા.જેમાં અમેરીકન સ્ટાઇલના ટોયલેટ હતા.પરંતુ હોસ્ટેલ બનાવ્યા પછી આ દરેક બાથરૂમોને તાળું મારવામાં આવ્યું હતું.અને વિદ્યાર્થીઓને જનરલ ટોયલેટ અને બાથરૂમનો ઉપયોગ કરવાનો રહેતો હતો. જે વિદ્યાર્થીઓ મહેસાણા સાઈડના હતા એ લોકોને " સમાજવાળા"નું બિરુદ પ્રાપ્ત હતું.કારણ કે આ બંગલાના માલિક કદાચ મહેસાણા સાઈડના મોટા ઉદ્યોગપતી હતા. પહેલા તો આ હોસ્ટેલ માત્ર મહેસાણાના પટેલ છોકરાઓ માટે જ ખોલવામાં આવી હતી પરંતુ એ વિસ્તારના છોકરાઓ પૂરતા પ્રમાણમાં મળતા નહીં હોવાથી સૌરાષ્ટ્રના પટેલના છોકરાઓ માટે પણ છૂટ અપાઈ હતી.પરંતુ સૌરાષ્ટ્રવાળાઓને મોટા મોટા રૂમ ફાળવીને એમાં દસ દસ વિદ્યાર્થીઓને ઘુસાડીને ઘમુસર, શેઠ પાસે સારો થતો હતો, જ્યારે સમાજવાળાને ટુ કે થ્રી બેડના રૂમ એલોટ થતા.અને એમના રૂમમાં પેલા અમેરિકન ટોઇલેટ સાથેના એટેચ બાથરૂમની સગવડ પણ આપવામાં આવતી.
રૂમ નં 17 માં આવેલાં એટેચ ટોઇલેટનું તાળું તોડીને અમે જ્યારે એમાં ઘુસ્યા ત્યારે અંદરની વ્યવસ્થા જોઈને આભા જ બની ગયા. ગામડે ડબલુ લઈને ખેતરની વાડ પાછળ સંડાસ જવા જનારા અને અહીં હોસ્ટેલમાં તૂટી ગયેલી ટાઇલ્સવાળા ગંદા ટોઇલેટમાં હળવા થનારા અમે ક્યારેય આવું ટોયલેટ જોયું નહોતું. દીવાલમાં લાગેલા બેઠક જેવા ટોઇલેટનું ઢાંકણું ખોલીને અંદરના મરઘામાં ભરેલું પાણી જોઈને અમે એટલું તો સમજ્યા કે આ ટોયલેટ છે, પણ આમાં જવાની રીત અમને કોઈને ખબર નહોતી!!
એ બેઠક ઉપર એક પેટી હતી અને એક પ્લાસ્ટિકની પહોળી રિંગ પણ ઢાંકણા સાથે હતી. બીટી એની ઉપર ઉભડક પગે બેઠો.
"અલ્યા આ રીતે તે કંઈ સંડાસ જવાનું ફાવતું હોય? આ અંગ્રેજ લોકો હાળા આમ જતા હશે ? આમાં પગ છટક્યો હોય તો સીધો માલમાં જ પડે ને ?" બીટીએ એની સમજણ પ્રમાણે વાત કરી.
"અલ્યા એમ નો જવાનું હોય..એની ઉપર સીટ માંડીને ખુરશીમાં બેસીએ એમ બેસી જવાનું હોય..મારા મામાના ઘરે આવું જ ટોયલેટ છે.."રમેશ સાવલિયાએ પોતાનું જ્ઞાન રજૂ કર્યું.
"પણ તો ધોવું કેવી રીતે...? નીચેથી પાણીનું ટબ વાંહે રેડવી તો તો આખું ઠાંઠુ પલળી જાય..." બીટીએ બીજો પ્રશ્ન કર્યો. હું પણ નવાઈથી આ નવી વ્યવસ્થા સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.કારણ કે મેં પણ ક્યારેય આવું ટોયલેટ જોયું નહોતું.
રમેશને પણ એ વખતે પિચકારીનું જ્ઞાન નહોતું. એટલે અમે આ ટોયલેટ અંગ્રેજોની મુર્ખામી જાહેર કરીને એ લોકોની બુદ્ધિ પર હસી પડ્યા.
"મારા હાળા હાથે કરીને હેરાન થવાના ધંધા કરે છે, આવા તે સંડાસ હોય ? જમીનથી દોઢ ફૂટ ઊંચા અને જાવું કેમ અને ધોવું કેમ ?" એમ કહીને મેં ગટોર અને ભીમાને ઢસડ્યા. એ બન્નેને અંદર પુરીને અમે નવું તાળું માર્યું.
હોસ્ટેલના તમામ છોકરાઓ અમારી રૂમ છોડવા માંગતા નહોતા. બધા વારા ફરતી પોતપોતાની મેસમાં જમીને આવી ગયા.હું અને બીટી પણ જમી આવ્યા. કોઈને આ વાત ખાનગી રાખવાનું કહેવાની અમારે જરૂર નહોતી.
ગટોર અને ભીમા માટે પણ ખાવાની વ્યવસ્થા અમે લોકોએ કરી હતી. બન્નેના હાથ છોડીને અમે ખાવાનું આપ્યું હતું.ગટોરે કંઈ જ ખાધું નહીં પણ ભીમો બધું જ ઝાપટી ગયો હતો.
એ જમી રહ્યો એટલે બીટીએ કંપાસમાંથી પરિકર કાઢ્યું,અને મીણબત્તી પેટાવીને પરિકરની અણી ગરમ કરવા લાગ્યો.
"અલ્યા તું શું કરે છે ?" મેં કહ્યું.
"આ બે'યને ક્યાં હુંધી સંઘરશુ ? આમ બાંધીને ક્યાં સુધી રખાશે ? આ ગરમ પરિકર હમણે આ ભીમલાનું મોં ખોલાવશે, કેમ ભીમા બરોબરને ? તું તારે તને જ્યાં ફાવે ન્યા આપણે આ પરિકરની અણી ઘાલશું..મુંજાતીનો નઈ.. અને તું કહે એટલું જ ઊંડું...તું ના કહીશ એટલે આપડે પાછું ખેંહી લેશું હો.."
અમે બધા ખખડી પડ્યા.એટલે બીટીને વધુ પાનો ચડ્યો.એણે ચૂપચાપ ડોળા કાઢીને અમને ઘુરકી રહેલા ગટોરના ગાલ પર પરિકરની લાલચોળ અણી અડાડી.
"તારી માનો @#$& , પોલીસવાળાને તો નિયમો'ય નડે..મને કંઈ નો નડે..બોલ #@$&ના નકર આ સગુ નઈ થાય.."
ગટોરની ચામડી બળવા લાગી. બીટિયો આટલો ક્રૂર થઈ શકે એ મારા માન્યમાં નહોતું આવતું. ગટોર એનું મોં દૂર લઈ જવા નમી ગયો.એ જોઈને બીટી એની ઉપર બેસી ગયો.ગટોરના હાથ અને પગ બન્ને બંધાયેલા હોવાથી એનથી તરફડવા સિવાય કંઈ જ થઈ શકવાનું નહોતું.
ગટોરનું માથું લાદી સાથે અડાડીને બીટીએ એના ગાલ પર પગ મૂક્યો અને બેઠા બેઠા મીણબત્તી વડે પરિકરની અણીને ફરીવાર ગરમ કરવા લાગ્યો.
"બેટા.. ભીમજી..તારો વારો પછી લઈએ હો..પેલા તારા આ મોટભાઈનું પાણી માપી લેશું ને ! સમીર તું કાતર લાવીને આ ગટોરની ગટરનું ઢાકણું ખોલ..હળાની #$ ઉપર ડામ દેવા જોહે..." બીટી આજ બરાબરનો ખીલ્યો હતો. રૂમ નં 17 ખીચોખીચ ભરેલો હતો. બધાને આ ખેલ જોવાની મજા પડી રહી હતી. જમવાનું આપવા માટે અમે ગટોર અને ભીમાના મોં માંથી ડૂચા કાઢી લીધા હતા તેમ છતાં હજુ ગટોર કે ભીમો અમારા સવાલોના જવાબ દેવા તૈયાર નહોતા. ગટોરને આડો પાડીને બીટી એની ઉપર ચડી બેઠો હતો. મેં ક્યાંકથી કાતર શોધીને ગટોરની સીટ ઉપરથી એના પેન્ટનો ભાગ કોતરી લીધો. બીટીએ ઉઘાડી થયેલી ગટોરની પૂંઠ ઉપર ગરમ પરિકરની અણી ઘુસાડી.
"બોલ.. તારી જાતના @#$ અમને તારા બાપાઓને શીદ ઉપાડ્યા હતા..બોલ..નકર હમણે હોલમાં..."
ફરી બધા ખખડી પડ્યા. ગટોર તરફડિયા મારતો હતો.ભીમાંથી એ જોવાતું નહોતું.એ પડ્યો પડ્યો ધ્રૂજતો હતો.
"અલ્યા ભહીં મરને...હાળા... આ છોકરા એમ નહીં છોડે કવસુ.." ભીમાએ રાડ પાડી.
બીટીએ સળગતી મીણબત્તી ગટોરની ગુદા આગળ રાખી. અને મીણબત્તીએ પોતાનો પ્રભાવ બતાવ્યો કે તરત જ ગટોરે રાડ પાડી.
"એ ....છોડ બાપ મારા...હાળા હળગાવી નાખીશ તું...કવ સુ..ભાઈસાબ બધુંય કવસુ...."
ગટોર આખરે શરણે થયો હતો.
"બધાને પોતાની @#$ તો વાલી જ હોય.. હી..હી..હી..." બીટીએ મીણબત્તીને ફૂંક મારીને ઓલવી.અને ગટોરને પાટું માર્યું.
"હવે તારો આ બાપ, સમીર જે પૂછે ઇ બકવા માંડજે, નકર આ વખતે તો અંદર જ ભડકો કરીશ હા..."
ગટોરે લાચાર નજરે મારી સામું જોયું. રૂમમાં હવે સ્મશાનવત શાંતિ પથરાઈ ગઈ હતી.બીટી અમારી હોસ્ટેલનો હીરો બની ચુક્યો હતો. મેં ઉભા થઈને બિટીની પીઠ થાબડી.
"શાબાશ બીટી, તેં તો પાછળના દરવાજે આગ લગાડીને આગળનો દરવાજો ખોલાવી નાખ્યો હો... તને તો પોલીસમાં ભરતી કરવો જોઈએ. ભલભલા ગુનેગારોની #@$માં ભડકો કરીને તું પોપટ બનાવી શકે એમ છો.."
"આ રમલો ક્યાં માને છે સાલ્લો.." બીટીએ રમેશે જંગળવાળી વાતમાં વિરોધ કરેલો એ યાદ કરાવ્યું.
"પણ યાર તું સિંહને ઝાડ ઉપર ચડાવ અને એ પાછું મીંદડું હોય એમ આ સમીર ડાળ હલાવીને હેઠો પાડે..એટલું બધું તો કેમ ગળે ઉતારવું.."રમેશે કહ્યું.
અમે બધા હસી પડ્યા. ગટોર અને ભીમો કાગડાઓના ટોળામાં સપડાયેલા દેડકાં જેવી દશામાં બંધાયેલા પડ્યા હતા.
"તો બોલ ભાઈ...અમારો ભાઈબંધ ક્યાં છે અને અમને ઉપાડી જવાનું કારણ શું હતું..અને અમારું શુ કરવાનું હતું એ બધું જ તું પોતે બોલવા માંડ. પેલેથી છેલ્લે સુધીનું પૂરેપૂરું અમારે જાણવું છે, જો કંઈ પણ ખોટું જણાશે તો આ મીણબત્તીને બદલે સુતળિયો બૉમ્બ તારી @#$માં ફોડવામાં આવશે..."
"ઘમુસાહેબ અને હમીરબાપુના અમે બેય માણસો છઈએ, ઘમુસાહેબને ઓલી શાંતાબાઈ અને એના ઘરવાળા હારે કંઇક જૂનું વેર છે, એટલે વાલમસિંહને મારી નાખવાનું કામ અમને સોંપેલ હતું. પણ અમારી નજરમાંથી વાલમસિંહ છટકી ગયો. એ પહેલાં એની છોકરી અને તમારો ભાઈબંધ..શુ નામ ઈનું....હા પરેશ..ઇ બેયને અમે રવિવારે ટોકીઝમાંથી પીછો કરીને ઉપડ્યા હતા.તમારા ઇ ભાઈબંધે પણ અમને ખૂબ માર્યા હતા, ભાઈ તમે હોસ્ટેલના સોકરાઓ આટલા જબરા હશો ઇ અમને ખબર નોતી. વાલમસિંહની છોડીએ અમારા માણસોને બચકાં ભરી લીધા'તા. ભાઈ ભારે લોંઠકી છે ઇવડી ઇ..."
ગટોરે આટલું કહીને પોરો ખાધો. એ બોલતો બંધ થયો એટલે તરત જ બીટીએ મીણબત્તી સળગાવવા માચીસમાંથી દીવાસળી કાઢીને સળગાવી. એ જોઈને ગટોરે તરત બોલવાનું શરૂ કર્યું. ફરીવાર હાસ્યનું મોજું આખા રૂમમાં ફરી વળ્યું.
" પરેશ અને રમલીને અમે ગીરના જંગલમાં લઇ ગયા છીએ..અને તું પરેશનો ખાસ ભાઈબંધ છો..અને હમીરબાપુને તારી ઉપર કંઇક શંકા છે..તેં પોલીસને બોલાવી હતી અને હોસ્ટેલમાં તપાસ કરાવી હતી.."
ગટોરની વાત સાંભળીને બીટી સહિત બધાએ મારી સામું જોયું. અંદરોઅંદર બધાં વાતો કરવા લાગ્યા.કારણ કે પોલીસની રેડ કોઝીમાં આવી હતી એ બધા જાણતા હતા પણ એની પાછળ હું હઈશ એવી કોઈને ખબર નહોતી.
"હેં.. એ..અલ્યા..સમીર તેં પોલીસ બોલાવી'તી ? અલ્યા શુ કામ હેં..?"
"બહુ કે'વાય..અલ્યા શુ રહસ્ય છે ઇ તો કોક સમજાવો..."
"અલ્યા..પરેશ અને સમીર તમે લોકો શુ જાણો છો ઇ તો ક્યો.. બીટી તને તો ખબર જ હશે ને.."
રૂમમાં કોલાહલ વ્યાપી ગયો.
"બધું જ તમને કહીશ...અત્યારે મૂંગા મરો..." મારા બરાડાથી ફરી બધા શાંત થયા.એટલે મેં ગટોરને પૂછ્યું, "હમીરસંગ નામના ગુંડાને હું ઓળખું છું, તું એનો જ સાગરીત છો એ પણ મને ખબર છે, અને હવે મને એ જણાવ કે તારા હમીરસંગ ને મારી અને પરેશ ઉપર શાની શંકા છે ? અમે એના બાપનો બાજરો ભાંગવા નથી ગયા.આયાં અમે ભણવા આવ્યા છીએ, તમારી જેવા મવાલીઓ હારે બથોડા લેવાનું અમારું ગજું નથી, પણ આતો તમે સામે ચાલીને અહીં મરાવવા આવ્યા છો એટલે અમારે ના છૂટકે આ બધું કરવું પડે છે...બોલ શાની શંકા છે તારા બાપને અમારી ઉપર.." મને ખ્યાલ આવી ગયો હતો કે ગટોર કઈ બાબતની વાત કરી રહ્યો હતો.આ આખી ઝંઝટ જ્યાંથી શરૂ થઈ હતી એ વરસાદી રાતની ઘટના વિશે ગટોર ચોક્કસ જાણતો હોવો જોઈએ એમ હું માનતો હતો.
" તું અને પરેશ થોડા વખત પે'લા રાતે કંઈક જોઈ ગયા છો, હમીરબાપુ અને ઘમુ સાહેબની ખાનગી વાત તમે બેય જાણો છો.."
ગટોરે હવે વાત ચોરવાનું શરૂ કર્યું. પણ મેં અને પરેશે જે દ્રશ્ય જોયું હતું એ દ્રશ્યમાં એ વખતે ગટોર અને ભીમો હતા કે નહીં એ મને ખબર નહોતી. જો પેલા માણસનું ખુન કરવામાં આ લોકો હમીરસંગ સાથે સામેલ હોય તો તો એ માણસ કોણ હતો અને શું કામ એને મારી નાખવામાં આવ્યો એ બાબત મને જાણવા મળી જાય.અને જો એમ થાય તો હું તરત જ પોલીસ સ્ટેશને જઈને ગટોર અને ભીમાને સોંપીને એક જમીનમાં ધરબાઈ ગયેલી ઘટનાને બહાર લાવી શકું.પણ એ માટે મારે સીધું જ એમ પૂછવું પડે કે એ રાત્રે તું હમીરસંગ સાથે હતો કે નહીં.અને જો હું એમ પૂછું તો ગટોર અને ભીમાને ખબર પડી જાય કે મેં એ લોકોને તે રાત્રે જોયા હતા.અને હમીરસંગનો શક સાચો પડે. મને પૂછવામાં કંઈ વાંધો નહોતો પણ ગટોર અને ભીમાને અમે કંઈ મારી નાખી શકીએ એમ નહોતા.આવા ખૂંખાર માણસો એમના કાળા કામોના રાઝદાર લોકોને જીવતા રહેવા ન દે. અને ભવિષ્યમાં ગમે ત્યારે મારુ અને પરેશનું ખુન કરી નાખે. મારે મારી જિંદગી સાવ આમ મફતમાં જોખમમાં મુકવાની ઈચ્છા નહોતી.એટલે મેં ગટોરને ફરી
પૂછ્યુ , "હમીરસંગને અમારી ઉપર શેની શંકા છે ઇ તારે મને કે'વુ પડશે.."
"ઇ તું હમીરસંગને જ પૂછી લેજે ને ભાઈ..." ગટોરે મને વિચારમાં પડેલો જોઈને જરાક ઊંચા અવાજે કહ્યું.
એટલે બીટીએ એને લાફો ઝીંકતા કહ્યું, "@#$%ના..તને જે પૂછવામાં આવે ઇનો સીધી રીતે જવાબ દેજે. અવાજ નીચો રાખવાનો શું.. ઉ..ઉ..?"
"હું હમીરસંગને શુ કામ પૂછું ? તું જ મને જણાવ..અને હમીરસંગ મને ક્યાં મળશે..?" મેં કહ્યું.
"તારે હમીરસંગનો ગોતવાની જરૂર નઈ પડે..હમીરસંગ જ તને ગોતી લેશે.. હજી છઠ્ઠીનું ધાવણ તમારા મોઢામાં ગંધાય છે સોકરાઓ.. તમને હજી ભાન નથી.. કે તમે ચિયા કુંડાળામાં પગ મુયકો સે..ઘમુસાયેબ અને હમીરબાપુ અમદાવાદના ડોન માણસો સે..હજી કવ સુ..અમને છોડી મુકો અને જાવા દયો..અમે તમને નુકસાન નહી કરવી.." ગટોરે રૂમમાં તમાશો જોવા ઉભેલા હોસ્ટેલના બીજા છોકરાઓ સામે જોઇને કહ્યું, "અલ્યા, તમારામાંથી કોય ડાયો માણહ હોય તો આ બેયને હમજાવો. ભરી જુવાનીમાં વેતરાઈ જાહો..." ગટોરને ન જાણે ક્યાંથી બળ મળી ગયું ! એની ધમકીની અસર આ ખેલ જોવા ઉભેલા કેટલાક કાચા પોચા વિદ્યાર્થીઓ પર થઈ ખરી.
"અલ્યા, જાવા દયો ને..આપણે આ બેયને ઠોકારી તો લીધા સે..હવે આગળ શું કામ વધારો છો..નકામું આ બધા તો ગુંડા કે'વાય..આપડા બાપાએ આયાં ભણવા મોકલ્યા સે." 12 નં વાળા જગદીશ ભુવાએ સલાહ આપી.
" જેની ફાટતી હોય ઇ હાલતીનો થઈ જાય આયાંથી. બાકી આ બેયને મુકવાના નથી. તે દી રાત્યે અમારી જે દશા કરી'તી એનો બદલો લેવાશે અને જરૂર લેવાશે. આ બેય @#$@નાઓ એ આપણા દોસ્ત પરેશને અને ઓલી બિચારી છોકરીને પણ ઉઠાવી છે.. સમીર, તું બધું પૂછી લે પછી આ બેયને પોલીસને સોંપી દેશું..અને હાલો એ..ય બધાં.. પોતપોતાની રૂમ ભેગીના થાવ.અમારા રૂમના પાર્ટનરો સિવાયના કોઈ આયાં ઉભીના રેતા નઈ.. હાલો નીકળી જાવ.." બીટી ભુવાની વાત સાંભળીને ખિજાયો.
મેં પણ બધાને ચાલ્યા જવાનું કહ્યું. મહા મહેનતે બધા ગયા. ભુવાએ વચ્ચે બોલીને બાજી બગાડી એ બદલ બધાએ એને ગાળો દીધી. અમે રૂમનો દરવાજો બંધ કરીને ફરી ગટોરની ઉલટ તપાસ શરૂ કરી.
"મેં અને પરેશે તમારા એ હમીરબાપુનું કંઈ જ બગાડ્યું નથી તોય શુ કામ એ અમારી પાછળ પડ્યો છે..?"
"તેં જ પોલીસને બોલાવી'તી ને..?" ગટોર જવાબ આપવાનો બદલે સવાલ પૂછવા લાગ્યો. મને ખ્યાલ આવી ગયો કે ગટોર માત્ર મવાલી જ નથી.એ સાલ્લો બુદ્ધિશાળી પણ હતો. ઘમુસર અને હમીરસંગનો ખાસ માણસ બનવાની એનામાં લાયકાત હું જોઈ રહ્યો હતો.
"હું શુ કામ પોલીસ બોલાવું..? હાલ ઇ જાવા દે. અત્યારે પરેશ અને રમલી ક્યાં છે એ જણાવ.."
"મને ઇ ખબર નથી...હમીરસંગ બાપુને ખબર હોય.." ગટોરે આખી વાત હમીરસંગ ઉપર ઢોળવાનું શરૂ કર્યું.એટલે મેં બીટીને કહ્યું.
"બીટી મીણબત્તી સળગાવ. આ સાલ્લો દોઢ ડાહ્યો થવા માંડ્યો છે.."
"પણ મને નો ખબર હોય ઇ હું તમને ચેવી રીતે કવ.."ગટોરે આજીજી કરતા કહ્યું.
"પણ તું એ બેઉને ક્યાં લઈ ગયો હતો ઇ તો તને ખબર જ હોય ને...બોલ નકર આ મીણબત્તી.." બીટીએ ગટોરની સીટે અડાડી.
"યાર...એવું નો કર ભાઈ.. વાંહે દઝાય સે..મારાથી માર સહન થાય છે પણ દાઝવાનું સહન નથી થાતું..
અમે ગીરના જંગલમાં કનકાઈ માતાના મંદિરથી ઉગમણી દશયે બે ગાઉ કાળો ડુંગર સે, ઇની ઉપર જગા રબારીનો નેસડો સે ન્યા ઇ બે'યને પુરી રાખ્યા સે. ઘમુ સાયેબ મળતા નથી ઇમની વાટે આ લોકોને પુરી રાયખા સે..ઘમુસાયેબ જીમ કે ઇમ અમે કરવી છીવી."
ગટોરે એકી શ્વાસે બોલી ગયો.
"હમીરસંગ અત્યારે ક્યાં છે ?" મેં પૂછ્યું.
"ઇ ઘમુ સાયેબને ગોતવા ગયા સે,અમે હારે જ હતા પણ અમને આયાકને ( અહીં) મોકલીને ઇવડા ઇ ઘમુસાયેબ પાંહે ગ્યા સે, ઇમના બંગલે..."
"ઘમુસરનો બંગલો તેં જોયો જ હોય ને..બોલ ક્યાં રે છે ઘમુસાયેબ ?"
"નવરંગપુરામાં..."
"પૂરું સરનામું આપ "
ગટોરે કહ્યું એ પ્રમાણે અમે સરનામું નોંધી લીધું. હવે આગળ શુ કરવું એ વિચારવાનું હતું. પરેશ અને રમલી ગીરના જંગલમાં હતા. વાલમસિંહને અમે માત્ર ચેહરાથી જ ઓળખતા હતા.એનો પરિચય અમને એ વખતે નહોતો.
"ઠીક..ચાલો હવે આગળનો પિરિયડ કાલે રાખશું. અત્યારે ગટોર મહારાજ અને ભીમજી મહારાજ તમે બેય આ ઈંગ્લીશ ટોયલેટ વાળા રૂમમાં આરામ કરો.કાલે સવારે અમો તમારી સમક્ષ ઉપસ્થિત થઈશું.ગુડ નાઈટ " એમ કહીને મેં અને બીટીએ એ બન્નેને ઢસડીને પેલા બાથરૂમમાં નાખ્યા
"યાર, અમારા હાથ પગ તો ખોલી દયો...અમારે એકી પાણી તો કરવું પડશેને ભાઈ સાબ..."ભીમાએ કરગરતા કહ્યું.
અમે બન્નેના હાથ પગ વારા ફરતી છોડીને એ લોકોને વ્યવસ્થા કરી આપી. ગટોરે ભૂખ લાગી હોવાનું જણાવ્યું પણ અમે તેને હવે ખાવાનું લાવી આપી શકીએ એમ નહોતા.એટલે એને ભૂખ્યા જ રહેવાનું હતું. ફરી એ બન્નેને બાંધીને એ લોકોના મોંમાં ડૂચો મારીને અમે પુરી દીધા. જ્યારે એ લોકોના હાથ પગ અમે છોડ્યા ત્યારે જો આડી અવળીના થયા તો મારી નાખવાની ધમકી અમે એ લોકોને આપી હતી એટલે બન્ને પાળેલા કૂતરાની જેમ વર્તતા હતા.
બાથરૂમનો દરવાજો લોક કરીને અમે આગળનો પલાન વિચારવા બેઠા. રમેશ અમારો રૂમ પાર્ટનર ન હોવા છતાં અમે એને સાથે રાખ્યો હતો. એ સિવાય અમારા રૂમ નં 17 માં અમે કુલ આઠ જણ હતા.એમાંથી પરેશ તો હતો નહીં અને બીટી સહિત બીજા જે છ હતા એમાં રાઘવ સાકરીયા, જગદીશ માલવીયા,રમેશ પાઘડાર, નંદલાલ ભંડેરી, ચીમન જાગાણી અને રાજુ સાવલિયા એટલા જણ હતા.એ બધા જ અમારો સાથ આપવા તૈયાર હતા. હવે ગમે તેમ કરીને અમે પરેશને છોડાવવા માંગતા હતા.આખરે એ અમારો રૂમ પાર્ટનર અને દોસ્ત હતો.
આ બેઉ હરામખોરોનું ધ્યાન રાખવાનું કહીને હું, બીટી અને રમેશ ગટોરે બતાવેલા એડ્રેસ પર તપાસ કરવા ઉપડ્યા. કોઝીના ગેટ પરથી અમે રીક્ષા બાંધીને ઘમુસરની સોસાયટીમાં આવ્યા. સોસાયટીમાં મેં આગળ જણાવ્યા પ્રમાણે છુટા છવાયા મકાન હતા. ઘમુસરના બંગલાનું ફાટક ખુલ્લું હતું.અમે ધીરેથી અંદર ઘુસ્યા. જો ઘમુસર મળી જાય તો અમારે કામ હતું એટલે મળવા આવ્યા છીએ એમ કહેવાનું અમે નક્કી કર્યું હતું.
પણ એ વખતે ઘમુસર વિરસિંહની ફિયાટની ડીકીમાં આરામ ફરમાવતા હતા એ અમે જાણતા નહોતા.
આખા બંગલામાં કોઈ જ નહોતું. રમેશે હાથ ફન્ફોસીને લાઈટ ચાલુ કરી હતી.
જ્યારે અમે આંટો મારીને બહાર નીકળ્યા ત્યારે એક માણસ અમને ગેટમાં અંદર આવતો જોવા મળ્યો. એણે અમને જોયા એટલે તરત જ એ ચમક્યો હતો.
"કોણ છો એ..ય..કેમ સાહેબના ઘરમાં આંટા મારો છો ?" પેલાએ ખિજાઇને અમને કહ્યું.
"મોટાભાઈ, અમે સાહેબને મળવા આવ્યા'તા. અમે હોસ્ટેલમાં રે'વી છી અને કેટલાય દી થી સાહેબ આવતા નથી એટલે મળવા આવ્યા'તા..." રમેશે નમ્રતાથી કહ્યું.
"કેમ કોઈ માણસો આજે તમને હેરાન કરવા આવ્યા 'તા ? તમારામાંથી કોઈ સોકરાને લેવા આવ્યું તું કોઈ..?"
અમારી નવાઈનો પાર ન રહ્યો.આને કેમ ખબર કે ગટોર અને ભીમો સાંજે કોઝીમાં મને અને બીટીને લેવા આવ્યો હતો. એ ચોક્કસ અમારી જ વાત કરતો હતો અને અમને લોકોને લેવા માટે જ હમીરસંગે ગટોર અને ભીમાને મોકલ્યા હતા એ આ વ્યક્તિ જાણતો હતો. મતલબ કે આ માણસ ગટોર અને ભીમાનો સાથીદાર અને હમીરસંગનો માણસ હોવો જોઈએ.
અમને વિચારમાં અને એકબીજાની સામે જોઈ રહેલા જોઈને એ બોલ્યો, " સાહેબ તો બહાર ગયા છે, બોલો તમારે બીજુ કંઈ કામ હતું ? તમે કંઈ ઉપાધિ નો કરતા..એ બે છોકરાઓનું સાહેબને કામ હતું એટલે બોલાવી ગયા હશે..જાવ હવે આયાથી... જઈને સાનામાંના સુઈ જાવ.."
એને એમ હતું કે ગટોર અને ભીમો અમને બીવડાવીને સાથે લઈ ગયો હશે એની ફરિયાદ કરવા બીજા છોકરા સાહેબ પાસે આવ્યા છે. હમીરસંગ સાહેબની તપાસ કરવા આવ્યો ત્યારે એને સાથે લાવ્યો હતો. પણ સાહેબ મળ્યા નહિ એટલે એણે એને અહીં રહેવાનું કહીને હમીરસંગ ચાલ્યો ગયો હતો.
અમે ચૂપચાપ બહાર નીકળીને હોસ્ટેલ પર આવ્યા.
" સાલું એ માણસે એમ કેમ કહ્યું કે બેય છોકરાને સાહેબે બોલાવ્યા છે?" બીટી હું સમજ્યો એટલું સમજ્યો નહોતો.
"એ હમીરસંગનો માણસ હતો.ગટોર અને ભીમો આપણને લેવા આવ્યા હતા એ વાતની એને ખબર છે, પણ આપણે એ બેયને લઈ લીધા છે એની એ ડફોળને ખબર નથી. હમીરસંગ અને ઘમુસર નક્કી ગીરના જંગલમાં પેલા રબારીના નેસડે ગયા હોવા જોઈએ. પરેશ અને રમલીનું શુ કરવું એ ઘમુસર નક્કી કરવાના છે.આપણે જો પરેશને છોડાવવો હોય તો ગીરના જંગલમાં જવું પડે..." મેં ધારણા પ્રમાણે વાત કરી.
"પણ આ ગટોર એમ કેમ કે'તો તો કે હમીરસંગનો તારી અને પરેશ ઉપર શંકા છે ? એક દી પોલીસની રેડ પડી હતી અને પાછળ ખૂબ તપાસ થઈ હતી..એ પોલીસ તેં બોલાવી'તી એમ ગટોર કહેતો હતો. સાલ્લા સમીરિયા તું અમારાથી કંઈક વાત છુપાવે છે એ નહિ ચાલે..જો તું અમને પુરી વાત નહિ કરે તો અમે કોઈ તને સાથ નહિ આપીએ.." બીટીએ કહ્યું.
"હા, બરાબર છે,તારે અને પરિયાને 36નો આંકડો હતો.આ પોલીસવાળું બન્યા પછી તમે બેય 63ના આંકડે આવી ગયા'તા.કાંઈક એવું તો બન્યું જ છે કે તમે બે જ જાણો છો પણ કોઈને કહેતા નથી."
રમેશે પણ બિટીની વાતમાં સાથ પુરાવ્યો.
"સારું ચાલો, હવે તમારાથી છુપાવવાનું કંઈ જ કારણ નથી..હું તમને એ વાત કરું છું."
મેં ગટોર અને ભીમો પણ સાંભળી જશે તેની બીક રાખ્યા વગર જુલાઈ માસની એ રાત્રે મેં અને પરેશે જોયેલી ઘટનાની વાત અમારા રૂમ નં 17ના તમામ મિત્રોને કહી. આ વાત સાંભળીને અમારા રૂમમાં છન્નાટો છવાઈ ગયો.
"તો ઘમુસર પહેલેથી જ ગુંડો છે એમને..હવે સવારે આ બેયની #@$માં ભડકો કરીને પૂછીએ કે હમીરસંગે કોને મારીને દાટ્યો હતો અને પછી શું કામ એ મડદું બીજે લઈ ગયો.." બીટીએ કહ્યું.
" આપણે પોલીસને જાણ કરવી જોઈએ એમ મને લાગે છે..આ ખૂબ જ ખતરનાક માણસો છે યાર...આપણે તો કોલેજના છોકરા કહેવાઈએ..આ દેશમાં નેતાઓની પણ સલામતી નથી તો આપણે કઈ વાડીના મૂળા... સમીરિયા તે અને પરિયાએ બહુ મોટું જોખમ લીધું છે..આપણે આ બેયને આવી રીતે મારવાની જરૂર નહોતી...હાથે કરીને તમે દુષમની ઉભી કરીને જીવ જોખમમાં નાખ્યો છે, ઓલ્યો સાચું જ કેતો'તો..એને છોડી દયો..યાર.." અત્યાર સુધી ચૂપ બેઠેલો રાજુ સાવલીયા આ વાત સાંભળીને ખૂબ જ ડરી ગયો.
"એટલે જ હું તમને કોઈને આ વાત નહોતો કરતો.સાલ્લા સાવ ફાટણીયા લોકોને કારણે જ આપણો દેશ પાંચસો વરસ સુધી ગુલામ રહ્યો. હવે જેની #$@ માં છાણ હોય એ કાલે મારી હારે આવવા તૈયાર થાય. હું કાલે પરેશને છોડાવવા જવાનો છું, જે થવું હોય ઇ થાય...બોલ બિટીયા...તારી પણ ફાટે છે ? હમણાં તો ઓલ્યાની $#@માં મીણબત્તી લઈને ભડકો કરતો'તો..હવે બોલ..."મેં બીટીને ખિજાઇને કહ્યું.
"દોસ્ત સમીર. દોસ્તી માટે જાન હાજર છે, પરેશ આપણો ભાઈ છે,આવા ફાટણીયાઓ ભલે જીવી લેતા..કોઈ નો આવે તો કાંઈ નહી.. હું બીટી, તારી સાથે છું..." બીટીએ મારો હાથ પકડીને દબાવ્યો.
એ જોઈને રાઘવ, જગદીશ, ચીમન અને રમેશ એ બધા ઉભા થયા અને મારા અને બિટીના હાથ પર હાથ મૂકીને મને સાથ આપવા તૈયાર થયા.
"અલ્યા હું કંઈ ફાટણીયો નથી, આતો સાચી વાત કરી...હાલો તમે બધા આ સાહસ કરવા તૈયાર હોય તો હું શું કામ ના પાડું.." આખરે રાજુ પણ અમારી સાથે જોડાયો. બીજા દિવસે ગટોર અને ભીમાને પણ કોથળામાં પુરીને સામાન તરીકે સાથે લેવાનું અમે નક્કી કર્યું. એક જીપ ભાડે કરીને અમે આઠ જણ ગીરમાં જગા રબારીના નેસડે જવા તૈયાર થયા.
ચેકપોસ્ટ પર માધવસિંહને જાણ કરીને એ ભલા ફોરેસ્ટ ઓફિસરને સાથે લેવાનું મનોમન મેં નક્કી કર્યું હતું.