ચપટી સિંદુર ભાગ - ૧૧ Neel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચપટી સિંદુર ભાગ - ૧૧

(ભાગ -૧૦ માં.... કાકા હવે હું જાઉં છું... અને દવા ટાઇમસર ખાઇ જજો અને ટીફીન પણ મોકલાવું છું બહારનું કાંઇ જ ના મંગાવશો ના તો જાતે લેવા જજો. રાશી ટકોર કરે છે.

હા બેટા... તું જા... હવે... સાંજ થઇ ગઇ છે ટ્રાફીકમાં આમેય મોડું થાશે.. રમણકાકા કહે છે.

રાશી ત્યાંથી પરત જવા નીકળી જાય છે.)

રાશી રમણકાકાના ઘેરથી પાછી આવે છે. ઘરમાં પ્રવેશીને રાત્રીનું જમણ તૈયાર કરી ટીફીન રમણકાકાને મોકલાવે છે. અને બધું કામ પુરું કરી નિકેશને કોલ લગાડે છે.

નિકેશ સાથે રમણકાકા સાથે થયેલી બધી વાતો કહે છે અને રાશીએ નવ્યા અને રમણકાકા માટે જે વિચાર્યું તે માટે નિકેશને રાશી પ્રત્યે ગર્વની લાગણી થાય છે. વાતો વાતોમાં નિકેશ હોસ્પીટલમાંથી ડીસ્‍ચાર્જ મેળવીને બે દિવસમાં ત્યાં પહોંચવાનું પણ જણાવે છે.

પોતાના પરિવાર પર આવી ગયેલી અચનાક મુશીબતોમાંથી બહાર નીકળવા અને ભવિષય માટે પણ યોગ્ય કરવાની તૈયારીમાં બે દિવસ જોત જોતામાં નીકળી ગયા. આજે નિકેશ નવ્યાને લઇને પરત આવી ગયાે છે. રાશી નવ્યાને ઘરથી બહાર જ ઉભી રાખીને પૂજાની થાળી લઇ આવે છે નવ્યા મોતના મુખમાંથી બચીને બહાર આવી ગઇ છે તેના જીવનમાં હવે કોઇ બીજી મુશીબત ના આવે તેવી ભાવનાથી રાશી તેની આરતી ઉતારે છે અને નવ્યાને ઘરમાં લાવે છે.

આ બાજુ નવ્યાને હજી પણ ખબર નથી કે પ્રશાંતનું તે બનાવમાં અવશાન થઇ ગયેલું છે. રાશીનું નવ્યા સાથેનું વર્તન કુટુંબની સભ્ય હોવાથી અને રાશી મોટા ભાભી થતાં હોવાથી કરવામાં આવતું હશે તેવું વિચારીને ઘરમાં વ્હીલચેર થી પ્રવેશ કરે છે. પરંતુ પ્રશાંત કે રમણકાકા ક્યાંય પણ દેખાતા નહીં હોવાથી અને પોતાના ઘેર નહીં અને નિકેશના ઘરે શા માટે આવ્યા તેવા અનેક પ્રશ્નો રાશીને પરેશાન કરી રહ્યા છે.

રાશીએ નવ્યા માટે પોતાના બેડ રૂમની બાજુના જ બેડ રૂમમાં જ વ્યવસ્થા કરી દીધેલી છે અને તે રૂમમાં નવ્યાને લઇ જઇ ને બેડ પર નિકેશ અને રાશી બન્ને જણા સુવડાવે છે. રૂમમાં તમામ વસ્તુઓ અને વ્યવસ્થા જોઇને નવ્યાથી નથી રહેવાતું અને પુછી બેસે છે... દીદી આ રૂમમાં બધું જોઇને એવું લાગે છે કે તમે આ રૂમ જાણ મારા માટે તૈયાર કર્યો છે, પણ દીદી હું તો મારા ઘેર જઇશ ને...

હા નવ્યા આ તારા માટે જ તો તૈયાર કર્યું છે અને તું જાજે ભલે તારા ઘેર પણ હમણા તો અહીં આરામ કરો અને બીજી વધુ કોઇ જ વાતો નહીં બસ આરામ અને પોતાનું ધ્યાન રાખવાનું અને કાંઇ પણ જરૂર હોય તો મને કે નિકેશને બોલાવી લેવું જાતે હાથ લાંબા કરવાની કોઇ જરૂર નથી... રાશી કહે છે.

રાશી અને નિકેશનો પોતા પ્રત્યેનો પ્રેમ જોઇ નવ્યાની આંખોમાંથી આંસુઓ વહી નીકળે છે, પણ તે આંસુઓને તે ગેમ તેમ તેઓ બન્નેથી લકાડવાની નાહકની કોશીષ કરે છે. નવ્યાને રડતાં અને તેઓ બન્નેથી આંસુઓ છૂપાવતા રાશી અને નિકેશ બન્ને જણા જોઇ જાય છે પરંતુ તેઓ બન્ને જાણે કોઇ જ ખબર નથી તે રીતે અજાણ બને છે.

સાંજના ભાગમાં નિકેશ રમણકાકાને લઇને ઘરે આવે છે. રમણકાકા નવ્યને જોઇને ખુશ થાય છે, પણ રમણકાકા સાથે પ્રશાંત નથી તે જોઇને નવ્યા વ્યાકુળ થઇ જાય છે. રાશી, નિકેશ અને રમણકાકાએ પ્રશાંના અવશાન અંગેનું ખુદ રમણકાકા નવ્યાને કહેશે તેવું નક્કી કરેલું હતું.

નવ્યાની વ્યાકુળતા વધી જાય છે અને તેનાથી રહેવાતું નથી અને રમણકાકાને પુછી લે છે, પપ્પા પ્રશાંત ક્યાં છે તે કેમ નથી આવ્યા, મારું મન બેચેન થઇ રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી મને કોઇ પ્રશાંત વિશે કાંઇ કહેતા નથી કે પ્રશાંત પણ મારી પુછા નથી કરતાં અને પ્રશાંત આપની સાથે આવે નહીં તેવું બને નહીં. મને કહોને પપ્પા ક્યાં છે પ્રશાંત ?

બેટા.. જો ધીરજ રાખ જે, તું પણ મોતના મુખમાંથી બચીને આવી છો અને તું જાણે છે તારી પણ તબીયત સારી નથી. બેટા હું બાપ છું અને પ્રશાંત મારો એકનો એક દીકરો અને તું મારી એકની એક દીકરી.. રમણકાકા કહેતા જાય છે, નવ્યા તેમની વાત કાપીને....

પપ્પા શાને ગોળ ગોળ વાત કરો છો મને કહો મારું હૈયું બેસતું જાય છે…

તો સાંભળ બેટા... પ્રશાંત હવે આપણા વચ્ચે નથી. એ ગોજારો અકસ્માત પ્રશાંતને ખાઇ ગયો. મારો એકનો એક દીકરો લઇ ગયો. હવે તું જ એક મારી દીકરી છો જેના આશરે હું જીવી શકીશ. ..

આ સાંભળી નવ્યા ચો-ધાર આંસુએથી રડી પડે છે. રાશી તેને સાંત્વના આપે છે અને નવ્યાને રડવા દે છે.

રમણકાકા નવ્યાને સમજાવતા…બેટા હવે રડવાથી કાંઇ જ નહીં થાય. જે થવાનું હતું તે થઇ ગયું. હરી ઇચ્છા જ બળવાન છે. એમાં આપણે કાંઇ જ નથી કરી શકવાના. તું હવે રડવાનું બંધ કર બેટા... હવે તું તો અમારી એક માત્ર જવાબદારી છો.. તું છો ને મારી દીકરી.....

નવ્યા રડતાં રડતાં હા... પપ્પા... એટલું જ કહે છે.

રમણકાકા આગળ વાત વધારતા.... જો બેટા અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી તને ઠીક ના થઇ જાય ત્યાં સુધી તું અહીં રાશી સાથે રહીશ, ત્યાં હું બુઢો એકલો હોઇશ અને તારી દેખભાળની પ્રાથમિક્તા હું કદાચ ના આપી શકું. અહીં રાશી અને નિકેશ બન્ને જણા તારી સારસંભાળ બરોબર રાખશે અને હું એકાંતરે આવ જાવ કરતો રહીશ.

નવ્યા રમણકાકાની વાત સાંભળતી જ જાય છે અને તમામ પરિસ્થિતિ તેના દીમાગમાં બેસતી જાય છે અને મનોમન પોતાની દયનીય ‍સ્થિતિ માટે દુઃખ કરે છે અને સાથે સાથે નિકેશ અને રાશી નો મનોમન અભાર માને છે અને તે સિવાય બીજો કોઇ ઉપાય જ નહીં હોવાથી તે રમણકાકાની વાતમાં હામી ભરે છે.

રાત્રીનું જમણ બધે સાથે કરે છે અને લાંબા અંતરાળ પછી જાણે ઘરમાં ખુશીનો વાતાવરણ છવાઇ ગયો છે. આ ખુશીમાં નિકેશનો મીત્ર પ્રજ્ઞેશ અને તેનો પરિવાર પણ સાથે છે.

હવે નિકેશ અને રાશીની પ્રથમ પ્રાથમિકતા પોતાનાથી પહેલા જાહ્નવી અને નવ્યા જ બની ગયી છે. રાશી નવ્યાની ખુબ સેવા કરે છે અને રાત્રે વારાફરતી રાશી અને નિકેશ નવ્યાની દેખભાળ કરે છે.

રાત્રીના સમયે નવ્યાની દેખભાળ માટે જયારે જયારે નિકેશ જાગતો ત્યારે ત્યારે તે બસ નિંદ્રાધીન જોતો રહેતો અને પોતાના અને નવ્યાના સંબંધ વિશે વિચારતો રહેતો.

એક રાત્રીના નિકેશ આવા જ વિચારોમાં ખોવાઈ જાય છે અને મનોમન...એક ચપટી સિંદુરની કેટલી કિંમત આપવી પડશે હજી અને આ એક ચપટી સિંદુરની સૌથી વધુ કિંમત નવ્યા તેં ચૂકવેલી છે. હવે તું મારી જવાબદારી છો બસ તને કાંઇ જ ઓછું નહીં આવવા દઉં. હું તો પરણિત હતો છતાં રાશી જેવી પત્નીનો પ્રેમ અને ત્યાગ ભુલીને મેં તારી સાથે પ્રેમ કર્યો..

હું આજે પણ નથી સમજી શકતો કે તે મારી ભુલ હતી કે શું? નવ્યા હું તને આજે પણ એટલો જ ચાહું છું. મારો વિશ્વાસ કરજે કે તારા પ્રેમ માટે મેં ક્યારેય પણ રાશીને દુઃખ નથી આપ્યો. હું જાણું છું નવ્યા તું આજે પણ મને ચાહે છે. હું સ્વિકારું છું કે તારો છુટા થવાનો નિર્ણય સાચો હતો પણ નવ્યા આ પ્રેમમાં સૌથી વધું તે ભોગવ્યું છે. તારો ગુનેગાર હું છું મને માફ કરી દે. આવા અનેક વિચારો નિકેશ કરતો રહે છે અને આ વિચારોમાં તે નવ્યાના હાથને પોતાના હાથમાં લઇને ચૂમે છે અને પછી નવ્યાના મસ્તિષ્ક પર ચુંબન કરે છે, જે દ્રશ્ય રાશી જોઇ જાય છે.

આ દ્રશ્ય જોઇને પ્રથમ રાશીને ઘણો આઘાત લાગે છે, પણ વધુ કાંઇ નહીં વિચારતા કદાચ નિકેશ ભાવુક થઇ ગયા હશે અને નવ્યા પ્રત્યેની કૂણી લાગણીમાં આવું કર્યું હશે તેવું વિચારે છે.

બસ આમને આમ દિવસો વિતતા જાય છે. નિકેશ ચપટી સિંદુરનો ઋણ ઉતારતો હોય તે ભાવનાથી નવ્યાની સારસંભાળ, દવાદારૂ અને સેવા કરે છે. સમય વિતતો જાય છે. આજે ત્રણ વર્ષનો સમય પસાર થઇ ગયો છે. નવ્યાની સ્થિતિમાં પણ ઘણો જ સુધાર આવ્યો છે. જે બન્ને પગ પેરેલાઈઝ્ડ થઇ ગયા હતા તેમાં એંસી ટકા જેવી રીકવરી આવી હતી. આથી નવ્યા પણ પોતાના રોજીંદા કામ જાતે કરી શકતી હતી પણ હજી તે ડીપેન્ડેડ હતી.

નવ્યા મનોમન નિકેશ અને રાશી પ્રત્યે રોજ આભાર વ્યકત કરતી. પરંતુ એક અનાથને કોઇ આમ શા માટે સાચવે અને ક્યાં સુધી નિકેશ અને રાશી ઉપર બોજ બનીને રહેવું, તે હવે નિકેશ અને રાશી પર બોજ બનવા ઇચ્છતી ન હતી અને કઇ રીતે તે નિકેશ અને રાશીનો ઋણ ઉતારશે તેવા અનેક પ્રશ્નો નવ્યાને અકળાવતા રહેતા.

એક દિવસ નિકેશના ઓફીસ જવા બાદ અને રાશી પણ બજાર ગયેલી હોવાથી નવ્યા ઘર પર એકલી હોય છે. નવ્યા પોતે જોબ કરતી હોવાથી પોતાના એકાઉન્ટમાં રકમ પણ હોય છે અને તે રકમના આશરે હું કાંઈપણ કરી શકીશ પણ હવે મારે બોજ બનીને નથી રહેવું તેમ વિચારીને પોતે એકલી છે અને આ જ સમય અહીં થી નીકળી જવાનો બરોબર હોવાનું વિચારીને અને તે પરિસ્થિતિનો લાભ લઇ નવ્યા એક પત્ર નિકેશને ઉદેશીને લખે છે અને તે પણ તેના ઓફીસના એડ્રેસ પર મોકલે છે અને નિકેશ અને રાશીના ઘરમાંથી વિદાય લઇ નીકળી જાય છે.

ક્રમશઃ