ચપટી સિંદુર ભાગ - ૭ Neel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચપટી સિંદુર ભાગ - ૭

(ભાગ-૬ માં નિકેશ નવ્યાની આ બેરૂખી સહન નથી કરી શકતો. મનમાં ને મનમાં વિચારે છે કે એક સ્‍ત્રી કેવી રીતે પોતાને આમ બદલાવી શકે, હું તો જરા પણ બદલી નથી શકતો. નવ્યાએ સાવ આમ ના કરવું જોઇએ, હવે તો એ મારાથી સાવઅંતર રાખે છે. પણ ... નવ્યા તો મને પ્રેમ કરે છે... એણે પોતે કહ્યું છે કે એ મને છોડવા નથી માંગતી. હું તેનાથી દૂર ના રહું તે માટે તે મારી સાથે મીત્રતાના સંબંધ તો રાખવા જ માંગે છે અને બીજી બાજુ મારી તરફ એનો હવે કોઇ રીસ્‍પોન્‍સ જ નથી, આમ કેમ હોઇ શકે. મારે આ બધું હવે મરૂં નહીં ત્યાં સુધી સહન જ કરવાનું છે આવા અનેક વિચારો નિકેશના શાંત મનને ડહોળી રહ્યા હતા.)

નવ્યા પણ નિકેશથી હવે એક દૂરી રાખતી થઇ ગઇ છે. પરંતુ તેના મનમાં તો હજી પણ નિકેશ, નિકેશની વાતો, તેનો સ્‍વભાવ અને તેનો પ્રેમ જીવંત જ રહે છે. નિકેશના તેના જીવનમાં આવ્‍યા બાદ કેટ કેટલા ફેરફારો, કેટ કેટલી ખુશીઓ મળી તે નવ્‍યા ભુલી નથી શકતી, નિકેશનો પ્રેમ તો જાણે એના જીવન માત્રનો જ કારણ છે. પરંતુ પોતે નિકેશ સાથે જે સંબંધ આગળ વધાર્યો તેના કારણોસર તે નિકેશ અને રાશીના જીવનને બગાડવા નથી માંગતી અને જાહ્નવી તો જાણે પોતાની જ સંતાન છે તેવો ભાવ નવ્યાના હ્રદયમાં છે.

નવ્યા એક બાજુ નિકેશને પ્રેમ કરે છે, બીજી બાજુ રાશીનો મોટી બહેન જેવો પ્રેમ એને ખુદને શરમજનક સ્થિતિમાં મુકતી હોય તેવું હંમશા ફીલ કરતી રહે છે. પરંતુ તે નિકેશને ખોવા પણ નથી માંગતી. આ જ બધી અસમંજસમાંથી બહાર નીકળવા માટે નવ્યાએ નિકેશથી દૂર થવા માટેનો મોટો કદમ લઇ નિર્ણય કરી લીધો અને મનોમન નક્કી કર્યું કે આ જીવનભર તે નિકેશને પોતાના થી દૂર જ થવા નહીં દે. નિકેશ, રાશી અને જાહ્નવીની ખુશી જ નવ્યા માટે સર્વોપરી રહેશે.

આમને આમ દિવસો પસાર થતા જાય છે. એક દિવસ સાંજે નિકેશ ઓફીસ પરથી પરત આવે છે ત્યારે રાત્રીના ભોજન સમયે રાશી નિકેશને કહે છે.

રાશીઃ નિકેશ એક વાત કરવી છે તમારા થી.

નિકેશઃ હા કહે... શું કહેવું છે... નવું કાંઇ જોઇ આવી શૂં માર્કેટમાંથી કે પછી જાહ્નવીની કોઇ નવી ડીમાન્‍ડ આવી છે. નિકેશ રાશીની ખીંચાઇ કરતા કહે છે.

રાશીઃ ના રે ના... મારે નવ્યાની વાત કરવી છે.

આ સાંભળીને નિકેશને થોડું આશ્ચર્ય થાય છે...

નિકેશઃ આશ્ચર્ય સાથે નવ્‍યાની ... હા બોલ શું કહેવું છે.

રાશીઃ હું હમણા રમણ કાકાને ઘેર રોકાવા ગયેલી હતીને, ત્યારે મારા મનમાં વિચાર આવ્‍યો કે, આપણા રમણકાકાનો દીકરો પ્રશાંત...

નિકેશઃ નવ્‍યાની વાત અટકાવતા... પ્રશાંત.. શું થયું એને.

રાશીઃ અરે... પુરી વાત તો સાંભળો.. કહું છું પ્રશાંત માટે નવ્યા કેમ રેશે. મેં તો રમણકાકાને પણ વાત કરી છે, અને પ્રશાંતને પણ નવ્યાનો ફોટો મોબાઇલમાં બતાવી દીધેલ છે. રમણકાકા અને પ્રશાંત બન્‍ને ને નવ્યા પસંદ છે. અને હા... તમને વાત કર્યા વિના મેં નવ્યાના માતાજી શાંતાબેન સાથે પણ આ માટે વાત કરી છે અને તેઓ તો કેટલા ખુશ થઇ ગયા અને હામી આપી છે.

રાશીની વાત સાંભળી ‍નિકેશના પગ તળેથી તો જાણે જમીન જ સરકી ગઇ અને તરત જ તેને નવ્યાની વાત યાદ આવી ગઇ.નિકેશ જો તમારે મારાથી દૂર ના થાવું હોય તો એમ કરીએ કે તમારા કોઇ કુટુંબી કે ભાઇ સાથે જ મારા લગ્‍ન કરી નાંખીએ... નિકેશ એકીટશે એ વાતના વિચારમાં ખોવાઇ જાય છે.

રાશી નિકેશને ઝંઝોડતા કહે છે.. અરે ક્યાં ખોવાઇ ગયા. અને નિકેશ ઝબકીને વિચારોમાંથી બહાર આવે છે અને તરત જ તેણે નવ્યાને આપેલ વચન પણ યાદ આવી જાય છે.

નિકેશઃ સારું.. પ્રશાંતે પણ સીવીલ એન્‍જીયનીયરીંગ કરેલું છે, નવ્યા પણ ભણેલી અને હોશીયાર છે. બધાને યોગ્‍ય લાગે તો કાંઇ ખોટું નથી. મને ક મને નિકેશને વાતમાં હામી ભરવા સિવાય કોઇ ચારો જ ન હતો.

રાશીઃ હાશ તો.... હવે કામ તમારું છે. મેં તો બન્‍ને પક્ષે વાત કરી દીધી છે. સગાઇ કે છોકરા છોકરીએ એક બીજાને જોવા માટેનું ગોઠાવવાની જવાબદારી રમણકાકા એ તમારા પર જ મુકી છે. આમેય કોકીલા કાકીના અવસાન બાદ રમણકાકા અને પ્રશાંત બન્‍ને એકલા જ છે.

નિકેશઃ હા. આપણે કાલે હાલીએ નવ્યાને ત્યાં અને વાત કરીએ અને જમીને રમણકાકા થી પણ વાત કરી લઉં

નિકેશ હવે પોતાના નવ્યા માટેના પ્રેમનો આ જ અંત હોવાનું સ્વિકારીને પોતે બધી જવાબદારી લે છે.

ડીનર કરી લીધાં બાદ નિકેશ રમણકાકાને ફોન કરી તેઓ નવ્યાને ઘેર જઇ વાત કરશે તેવી વાત કરે છે અને બીજા દિવસે રાશી અને નિકેશ નવ્‍યાને ઘેર જાય છે. ત્યાં નવ્યાની સામે જ નિકેશ તેના કાકા ના દીકરા પ્રશાંત માટે નવ્યાના વેવિશાળ માટે વાત કરે છે. નિકેશના મોઢેથી આ વાત સાંભળી નવ્યાને ઘણો જ આશ્ચર્ય થાય છે. નવ્યા એકીટશે બસ નિકેશને જોતી રહે છે.

નવ્યાના માતાજી કહે છે, હા રાશી એ વાત તો કરી હતી પણ મેં નવ્યાને હજી સુધી વાત નતી કરી આજે તમે એની સામે જ વાત કરી દીધી એ પણ સારું થયું.

સાચું કહું તો‍ નિકેશ તમે જયારથી અમારા સંબંધમાં આવ્‍યા છો ત્યારથી બધું જ સારું થાય છે. નવ્‍યાને નોકરી અપાવી અને હવે એના લગ્‍ન માટે પણ તમે જ કહો છો અને તમારા જ ભાઇ સાથે. હું શું કહું તમને વધુ.

અરે તમે એવું ના કહો. નવ્યા છે જ એવી કે કોઇને પણ ગમી જાય અને હોશીયાર પણ છે અને મળતાવડી પણ છે અને સારા નરસાં ની પુરી સમજ પણ છે. પોતાનું સારું શેમાં છે અને શું પકડી રાખવું શું છોડી દેવું કે જતું કરવું એ બધી જ સમજ છે નવ્‍યામાં. સાચું ને નવ્‍યા... નિકેશ કટાક્ષ ભર્યા સ્‍વર થી બોલે છે.

નવ્યા કાંઇ જ ઉતર નથી આપતી અને નિકેશ સામે જોતી રહે છે.

નવ્યા તારો શું વિચાર છે તું કહેતી હો તો પ્રશાંત સાથે વાત આગળ વધારું નવ્યા ના માતાજી નવ્યાને પુછે છે.

હા મમ્મી તમને જેમ યોગ્‍ય લાગે તેમ, તમે ત્રણેય જણા મારું ખરાબ તો નહીં જ ઇચ્‍છો એ હું સમજું છું અંતે તો હું સમજદાર છું જ ને. તમને જેમ યોગ્‍ય લાગે તેમ મમ્મી.. નવ્‍યા ઉતર આપે છે.

નવ્‍યા ની હા હોવાથી વાત આગળ વધે છે. એક સારો દિવસ ગોઠવીને તેઓ બન્ને પરિવાર એકબીજાના ઘરે જાય છે. નવ્યા અને પ્રશાંત પણ એક બીજાને મળે છે. પ્રશાંતને તો નવ્યા પહેલેથી જ ગમી ગયેલી હોય છે અને નવ્યા એક માત્ર પોતાની ઇચ્‍છા કે કેમેય કરીને નિકેશ મારી સાથે તો સંબંધમાં રહેશે અને સ્‍ત્રીનું જીવન શું કે બીજાના ઘરની જવાબદારી લેવી, નિકેશના ઘરની નહીં તો પ્રશાંતના ઘરની અને પ્રશાંત ના હોત તો બીજા કોઇના ઘરની જવાબદારી લેવાની હતી તો પછી પ્રશાંત સાથે જ શા માટે નહિં તેવા વિચારો સાથે પોતાની સગપણ માટે હામી ભરે છે.

એક સારો દિવસ જોઇ બન્‍નેના વેવિશાળ કરવામાં આવે છે. વેવિશાળના દિવસે સગપણની વિધિ દરમ્‍યાન જ નિકેશ તેના સગપણમાં જાતે ભાગ લઇ બધી જવાબદારી ઉપાડે છે તે જોઇને અને તે પ્રસંગમાં નિકેશ તેની સામે છે અને નવ્યા બીજા કોઇને થવા જઇ રહી છે તેવા વિચારોથી સગપણ દરમ્‍યાન જ નવ્યાની આંખોમાંથી આંસુઓ સરી પડે છે.

નવ્યાને રડતા જોઇ પ્રશાંત તેને કહે છે, નવ્યા હું તારી સ્થિતિ સમજી શકું છું અને દેરક સ્‍ત્રીની આ સમયે આવી જ દશા હોય છે પણ મારો વિશ્વાસ કર જે હું તને ક્યારેય કાંઇ ઓછું નહીં આવવા દઉં તેવી શાંત્‍વના આપે છે, પણ નવ્યાના આંસુઓનું કારણ તો બીજું જ હતું જે પ્રશાંત ને ક્યાં ખબર હતી.

નિકેશ પણ પોતાને જ પોતાના જ પ્રેમના લગ્‍ન અને સગપણ જાતે કરાવવા પડશે તેવું ક્યારેય વિચાર્યું ન હતું અને કુદરત આવા દિવસો પણ દેખાડશે તે પણ ખબર ન હતી અને ભવિષ્‍યમાં હજી શું શું જોવાનું છે કે શું શું જોવું પડશે તેની પણ ખબર નથી તેવા વિચારોથી ખીન્‍ન થાય છે.

સમય સમયનું કામ કરતો જાય છે, સગપણ બાદ નવ્યા અને પ્રશાંતના લગ્‍ન પણ નક્કી કરવામાં આવે છે. હવે નવ્યા પોતાના જીવનમાંથી સંપૂર્ણપણે નથી તેવું વિચારીને પોતાના નવ્યા માટેના પ્રેમને મુખ પર આવવા નહિં દે તેવું પોતાની જાતને જ વચન આપે છે, પરંતુ ભીતરતો બસ નવ્યા અને નવ્યા જ છે.

લગ્‍ન પહેલા રાશી અને નિકેશ બન્‍ને નવ્‍યાને ઘેર જાય છે. નિકેશ નવ્યાના માતાજીને કહે છે, તમારે વધું કાંઇ કરવાનું નથી અને મારા લાયક કાંઇ પણ કામ હોય તો મને વિના સંકોચે કહી દેજો. મને ખુશી થાશે.

હા ચોકકસ, તમે જ તો છો અમારી સાથે, હું તમને નહીં કહું તો બીજા કોને કહીશ નવ્‍યાના માતાજી જવાબ આપે છે અને લગ્‍ન માટેની કરેલી ખરીદી ની ચીજ વસ્‍તુઓ બધી રાશીને બતાવે છે.

આ બાજુ લગ્‍નની તારીખ પણ નક્કી થઇ ગયેલી છે, હવે પછી ક્યારે નિકેશ મળશે તેની નવ્યાને ખબર પણ નથી આવા વિચારોથી નવ્યા નિકેશ, રાશી અને નવ્યાના માતાજી સમક્ષ પોતાની ઇચ્‍છા મુકે છે અને કહે છે મમ્મી થોડા દિવસોમાં તો હું પરણીને મારા ઘરે ચાલી જઇશ, પછી ક્યારેય પણ નિકેશ સાથે મળવાનું નહીં થાય, હા રાશી સાથે મળવાનું થાશે, મનમાં એક ઇચ્‍છા થઇ છે કે મારે નિકેશના ખોળામાં માથું રાખીને એક વાર સંતોષ સાથે સુવું છે, મારા જીવનની દરેક ખુશીઓ જે આવી છે તે નિકેશથી થઇને જ આવી છે, અને આ ઇચ્‍છા, આ ભાવના કઇ રીતે ઉભી થઇ છે હું નથી સમજી શકતી, મમ્મી તારી અને રાશી તમારી અને નિકેશ તમારી રજામંદી હોય તો મને એકવાર તમારા ખોળામાં માથું રાખવા આપો.

નવ્યાની આ વાત સાંભળી નિકેશ અને નવ્યાના માતાજીને આશ્ચર્ય થાય છે. પરંતુ રાશી.. રાશી એક સમજદાર સ્ત્રી છે તે નવ્યાના મનની સ્થિતિને જાણે જાણી લીધી હોય તે રીતે કદાચ નવ્યા તેના પિતાને મીસ કરતી હશે એટલે આમ કહે છે તેમ વિચારી હા ... હા એમાં શું.. નવ્યા.... એમ કહીને હા પાડે છે.

નવ્યા પછી નિકેશના ખોળામાં માથું રાખીને જાણે ચીરઃ શાંતિ અનુભવતી હોય તેમ ફીલ કરે છે અને નિકેશ પણ નવ્યાના માથા ઉપર બસ હાથ ફેરવ્‍યા રાખે છે. આ પ્રેમનો અનુભવ તો નવ્યા અને નિકેશ સિવાય કોઇ સમજી કે જાણી શકે તેમ હતું જ નહીં. આમને આમ અડધી કલાક જેટલો સમય નીકળી જાય છે અને નવ્યા તો જાણે ઉંઘી જ ગઇ હતી. ત્‍યાં રાશી પણ બસ હવે નવ્યા બધો લ્‍હાવો શું એમને આપવાનો છે મને નહીં આપે આ લ્હાવો ? રાશી કહે છે.

ચાલો નિકેશ ઉભા થાઓ અને મને પણ લ્હાવો લેવા દ્યો એમ કહીને નિકેશને ઉભો કરે છે.

હા ... હા.. શા માટે નહિં એમ કહી નિકેશ ઉભો થાય છે અને નવ્યા રાશીના ખોળામાં પણ માથું રાખીને સુવે છે અને રાશી પણ નવ્યા જાણે એની નાની બહેન હોય તેમ વ્હાલ કરે છે. મોડી રાત થઇ જવાથી નિકેશ અને રાશી ત્‍યાં થી નીકળે છે. જોત જોતામાં તો લગ્‍નના દિવસને પણ એક જ દિવસની વાર હોય છે.

નિકેશ નવ્યાના લગ્‍નના આગલા દિવસે સાંજના ભાગે ઘેર આવે છે અને ન્હાવા માટે બાથરૂમમાં જાય છે. રાશી તેના કપડા વગેરે કાઢવા માટે વોર્ડરોબ ખોલે છે ત્યાં નિકેશના મોબાઇલમાં એકથી વિશેષ વખત વ્હોટસએપ મેસેજની ટોન વાગતાં રાશી નિકેશનો મોબાઇલ જુવે છે. મેસેજીસ નવ્‍યાના જોઇને તેને ઘણો જ આશ્ચર્ય થાય છે. મને ક મને તે વ્હોટસએપના મેસેજીસ વાંચે છે.

મેસેજીસમાં સ્‍પષ્‍ટ રૂપે તો નવ્યાએ કાંઇ જ લખેલું ન હતું, પરંતુ તમામ મેસેજીના સાર મુજબ નવ્યા અને નિકેશ વચ્‍ચે કોઇ બીજો સંબંધ પણ હોય તેવો અનુમાન કરી શકાય તેવું હતું જે સંબંધનો અંત આવતો હોવાનો મેસેજીસનો સાર રાશી કાઢે છે. રાશી આ બધાં મેસેજીસ વાંચીને અવઢવમાં પડે છે. પરંતુ નિકેશનો સ્‍વભાવ, નિકેશ પ્રત્‍યેનો પોતાનો પ્રેમ, નવ્યાનો સ્‍વભાવ એ બધું નજર સામે રાખતાં રાશી તે બધાં મેસેજીસને ઇગ્‍નોર કરે છે. અને નિકેશનો સેલ ગેમ રમવા માટે જાહ્નવીને આપે છે. આમ નિકેશ અને નવ્યા વચ્‍ચેના સબંધની આડકતરી રીતે જાણ રાશીને પણ થાય છે, પણ રાશી કાંઇ જ સમજી શકતી નથી.

નવ્યા અને પ્રશાંતના લગ્‍ન થાય છે. આજે લગ્‍નને બે થી અઢી માસનો સમય વીતી ચુકયો છે. નિકેશ પોતાની ઘરેડમાં પડી ગયો છે, નવ્યાના પ્રેમ સાથે જીવી રહ્યો છે, નવ્યા પણ પોતાના ઘરની જવાબદારી સારી રીતે નિભાવી રહી છે. પરંતુ કુદરતને બધી ખુશી જોઇ શકતી નથી. નવ્યાના લગ્‍નની જવાબદારી માંથી જાણે મુકત થઇ ગયા હોય તેમ નવ્યાના માતાજીનું હ્રદય રોગના હુમલાથી દેહાંત થાય છે. નવ્યા પોતાને અનાથ સમજવા લાગે છે. આ આઘાત સહન કરી શકતી નથી. નિકેશ, રાશી, પ્રશાંત, પ્રજ્ઞેશ, નિશા બધાં નવ્યા ને શાંત્વના આપે છે અને તેઓ બધાં જ તેના પોતાના છે તેવો વિશ્વાસ આપે છે.

નવ્યાના માતાજીના અવશાનને આજે એક વર્ષથી વિશેષ સમય થઇ ગયો છે. લગ્‍ન બાદ તરત જ આવું મેણું થતાં નવ્યા અને પ્રશાંત ક્યાંય બહાર ફરવા પણ જઇ શકેલા નહીં. આથી તેઓ હનીમુન માટે કુલુ મનાલી કપલ ટુરમાં જઇ રહ્યા છે અને નવ્યા પ્રશાંત સાથે નવા જીવનની શરૂઆત હોય તે રીતે ખુશ હોય છે.

નવ્યા અને પ્રશાંત હનીમુન પર ગયા હોય છે. એક દિવસ સવારના નિકેશ બ્રેકફાસ્‍ટ કરી રહ્યો હોય છે ત્યાં પ્રજ્ઞેશનો કોલ આવે છે, પ્રજ્ઞેશ બીજું કાંઇ નહીં ટી.વી. ઓન કરી ન્યુઝ જોવાનું કહે છે.

ક્રમશઃ..