Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 22

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ

(સિક્વલ)

પ્રકરણ ૨૨

સમુદ્રમાંથી બહાર કાઢ્યા

એ જગ્યા જ્યાં ગોળો સમુદ્ર ખાબક્યો હતો તેની તો ખબર હતી પરંતુ તેને સમુદ્રના તળીયેથી સપાટી પર લાવવા માટે જરૂરી સાધનોની કમી વર્તાઈ રહી હતી. આવું સાધન હજી શોધવાનું બાકી હતું, તેને બનાવવાનું પણ બાકી હતું. લોઢાના પક્કડો એક વાર જોડી દેવામાં આવે પછી તેમની મદદથી ભલેને ગોળાનું વજન કેટલું પણ ભારે હોય અથવાતો તે પાણીમાં ગમે તેટલી ઊંડાઈએ પડ્યો હોય તેને આસાનીથી ખેંચીને બહાર લાવી શકાય તેમ હતું.

ગોળાને બને તેટલો ઝડપથી બહાર લાવવો જરૂરી એટલા માટે પણ હતો કારણકે તેની અંદર રહેલા મુસાફરો માટે તે જરૂરી હતું. જો કે કોઈને પણ તેની બિલકુલ અપેક્ષા ન હતી.

“હા,” જે ટી મેટ્સન ફરીથી બોલ્યા, જેમના આત્મવિશ્વાસે દરેક વ્યક્તિમાં ઉત્સાહ ભરી દીધો હતો, “આપણા મિત્રો હોંશિયાર છે અને તેઓ એમ સરળતાથી મૃત્યુ પામે એવા નથી. તેઓ જીવતા છે, ખરેખર જીવતા છે પરંતુ આપણે તેમને જીવતા જોવા હોય તો તેમને બને તેટલા ઝડપથી બહાર કાઢવા જોઈએ. ખોરાક અને પાણીની મને ચિંતા નથી, તેમની પાસે તે લાંબો સમય ચાલે એટલા હશે જ. પરંતુ હવા, તેમને તેની તાત્કાલિક જરૂર છે, એટલે જલ્દી કરો, જલ્દી કરો!

અને તેમણે ખરેખર ઝડપ કરી. તેમણે સુસ્ક્વેહાનાને તેના નવા ગંતવ્ય માટે તૈયાર કર્યું. તેની ખેંચવાની ચેન સાથે શક્તિશાળી મશીનરી જોડવામાં આવી. એલ્યુમિનિયમના ગોળાનું વજન માત્ર ઓગણીસ હજાર બસો પચાસ પાઉન્ડ હતું, એ પેલા કેબલ કરતા ઘણું ઓછું હતું જેને સમુદ્રમાં બીછાવવામાં આવતો હતો. તકલીફ એક જ હતી કે તેનો શંકુ આકાર અને તેની પાતળી દીવાલો જે હૂકમાં ભેરવી શકાય એવી મજબૂત ન હતી. આ અંગે એન્જીનીયર મુર્ચીસન સાન ફ્રાન્સિસ્કો દોડ્યા અને તેમણે લોઢાના ઓટોમેટિક પક્કડો જોડી દીધા જે એકવાર જો ગોળો તેમાં પકડાઈ જાય તો તે ક્યારેય તેની પક્કડમાંથી છૂટે નહીં તે સુનિશ્ચિત કરતું હતું. ડાઈવીંગ પોષાકો પણ તૈયાર કરવામાં આવ્યા જેને પહેરીને સમુદ્રમાં કુદનારા લોકો તેના અભેધ કવરને લીધે ક્યારેય પાણીમાં ડૂબી શકવાના ન હતા. તેમણે આ સાથે એક એવું સાધન પણ મૂક્યું જેમાં દબાણ હેઠળની હવાને બહુ સુંદર રીતે મુકવામાં આવી હતી. જેને કારણે તેના એક હિસ્સામાં પાણી સરળતાથી અંદર આવી શકતું હતું જેને લીધે વધુ ઊંડાઈ વાળી જગ્યામાં પણ જઈ શકાતું હતું. આ બધું બનાવવા માટેની વસ્તુઓ સાન ફ્રાન્સિસ્કોમાં જ ઉપલબ્ધ હતી કારણકે અહીં સબમરીન બનાવવાનું કારખાનું હતું. ભલે આ સાધનો ઉતાવળમાં બનાવવામાં આવ્યા હોય અને ભલે તેના વપરાશ માટે સમય ઓછો બચ્યો હોય પરંતુ નિષ્ણાતો તેની સફળતા માટે જરાય શંકાશીલ ન હતા જો કે આ અઘરું કાર્ય પાર પાડવા બાબતે ઘણી શંકાઓ જરૂર હતી. ઉલટું ઘણી બાબતો તેમની વિરુદ્ધ હતી કારણકે ગોળો સમુદ્રની સપાટીથી વીસ હજાર ફૂટ અંદર હતો! અને જો તેને સપાટી પર લાવવામાં આવે તો મુસાફરો કેટલા મોટા આઘાતમાં હશે કારણકે તેઓ છેક વીસ હજાર ફૂટના તળીયે હતા. જે હોય તે પરંતુ તેમણે ઝડપથી કામ કરવાનું હતું. જે ટી મેટ્સને કામદારો પાસે દિવસ રાત કામ લીધું. તેઓ પોતે ડાઈવીંગ પોષાક પહેરવા કે પછી હવાવાળા સાધનનો ઉપયોગ કરવા માટે તૈયાર હતા જેથી તેઓ પોતાના સાહસિક મિત્રોની શોધખોળ જાતે ચલાવી શકે.

વિવિધ એન્જીનો બનાવવા માટે ભલે તમામ પ્રકારના યોગ્ય પ્રયાસો કરવામાં આવ્યા, ગન ક્લબને આ માટે અમેરિકન સરકારે ભલે પૂરતા નાણાની વ્યવસ્થા કરી આપી હોવા છતાં આ કાર્ય પૂર્ણ થવામાં પાંચ લાંબા દિવસો (કે પાંચ સદીઓ) પસાર થઇ ગયા. પરંતુ આ દરમ્યાન લોકોનો ઉત્સાહ ખૂબ ઉપર હતો. હજારો ટેલિગ્રામ સમગ્ર વિશ્વમાં ફરી વળ્યા. બાર્બીકેન, નિકોલ અને માઈકલ આરડનને બચાવવા એ વૈશ્વિક મુદ્દો બની ગયો. ગન ક્લબ સાથે સંકળાયેલા તમામ લોકોને મુસાફરોની સુખાકારીમાં જ રસ હતો.

ગોળો ખેંચવાની ચેન, હવાના સાધનો અને ઓટોમેટિક પક્કડોને જહાજ પર મૂકવામાં આવી. જે ટી મેટ્સન, એન્જીનીયર મુર્ચીસન અને ગન ક્લબના પ્રતિનિધિઓ પોતપોતાની કેબીનોમાં અગાઉથી જ બેસી ગયા હતા. હવે તેમણે સફર શરુ કરવાની જ હતી જે તેમણે એકવીસમી ડિસેમ્બરે રાત્રે આઠ વાગ્યે શરુ કરી દીધી, જહાજ જે સુંદર દરિયામાં ચાલવા માટે તૈયાર હતું તેની તરફ ઉત્તરપૂર્વી પવનો આવી રહ્યા હતા જે ખૂબ ઠંડા હતા. પોર્ટના ધક્કા ઉપર સાન ફ્રાન્સિસ્કોની સમગ્ર જનતા આવીને ઉભી રહી ગઈ હતી, જેમાં ઉત્સાહ તો હતો પરંતુ બધા જ શાંત હતા, તેમના હર્ષોલ્લાસ તેમણે મુસાફરોના પરત આવવાના સમય માટે સાચવી રાખ્યા હતા. અગ્નિ પૂર્ણરૂપે સળગી ચૂક્યો હતો અને સુસ્ક્વેહાનાના ખલાસીઓએ તેને ઝડપથી ખાડીમાંથી બહાર લાવી દીધું.

ઓફિસરો, ખલાસીઓ અને મુસાફરો વચ્ચેની ચર્ચા વિષે કશું કહેવું જરૂરી નથી. આ તમામના મનમાં એક જ વિચાર હતો. આ તમામ એક જ પ્રકારની લાગણીમાંથી પસાર થઇ રહ્યા હતા. જ્યારે તેઓ તેમની મદદ માટે દોડી રહ્યા હતા ત્યારે બાર્બીકેન અને તેમના સાથીદારો શું કરી રહ્યા હતા? તેમનું શું થયું હશે? શું તેઓએ ગોળામાંથી બહાર નીકળવા માટે કોઈ સાહસ કર્યું હશે? કોઇપણ કશું પણ કહી શકે તેમ ન હતું. સત્ય તો એ હતું કે તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હશે. દરિયાની નીચે લગભગ ચાર માઈલ નીચે આ લોઢાની જેલ તેના કેદીઓના બહાર નીકળવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી ચૂકી હશે.

ત્રેવીસમીએ સવારે આઠ વાગ્યે ઝડપી મુસાફરી કર્યા બાદ સુસ્ક્વેહાના એ બદનસીબ જગ્યાએ પહોંચવાનું હતું. પરંતુ તેમણે બાર વાગ્યા સુધી કાર્ય શરુ કરવા માટે રાહ જોવાની હતી. અવાજ માપવાની રેખા જે જગ્યાએ હતી તેને હજી સુધી ઓળખી શકાઈ ન હતી.

બાર વાગ્યે કેપ્ટન બ્લોમ્સબેરી જેમને નિરીક્ષણ કરવામાં મદદ કરવા માટે બે સહાયક અધિકારીઓ હતા તેમણે ગન ક્લબના પ્રતિનિધિઓની હાજરીમાં એ જગ્યાની ઓળખ કરી. ત્યારબાદ ચિંતાની ક્ષણ આવી. સુસ્ક્વેહાના જે જગ્યાએ ગોળો ખાબકીને દરિયાના તળીએ જતો રહ્યો હતો તેનાથી પશ્ચિમ દિશાએ થોડું આગળ વધી ગયું હતું.

આથી યોગ્ય સ્થાને પહોંચવા માટે જહાજનો રસ્તો બદલવામાં આવ્યો.

બાર વાગીને સુડતાલીસ મિનિટે તેઓ એ સ્થાને પહોંચ્યા, વાતાવરણ એકદમ યોગ્ય હતું, તેઓ તળીયે થોડા આમ તેમ જરૂર થયા હશે.

“છેવટે!” જે ટી મેટ્સન બોલ્યા.

“તો આપણે શરુ કરીએ?” કેપ્ટન બ્લોમ્સબેરીએ પૂછ્યું.

“એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર.”

જહાજ બિલકુલ પણ ન હલે તેની તમામ કાળજી લેવામાં આવી. ગોળાને પકડવા પહેલા એન્જીનીયર મુર્ચીસન સમુદ્રના તળિયે તેની ચોક્કસ જગ્યા નિશ્ચિત કરવા માંગતા હતા. સબમરીન જેવું સાધન તળિયે આ જગ્યા નક્કી કરવા માટે હવા પૂરી પાડવાનું હતું. આ એન્જીનીયરોનું કાર્ય ભયમુક્ત બિલકુલ ન હતું, સમુદ્રની સપાટીથી વીસ હજાર ફૂટ નીચે તેમની સાથે ઘણું ખરાબ થઇ શકે તેવી તમામ શક્યતાઓ હતી.

જે ટી મેટ્સન, બ્લોમ્સબેરી ભાઈઓ અને એન્જીનીયર મુર્ચીસને આ ભયનો બિલકુલ વિચાર કર્યા વગર હવાની કોટડીઓમાં પોતપોતાનું સ્થાન લઇ લીધું. કમાન્ડર પોતાના સ્થાને આ ઓપરેશન પર નજર રાખવા માટે ઉભા રહ્યા જેથી ચેનને નીચે ઉતારવી કે ઉપર ખેંચવી તેના કોઇપણ સંકેતને તેઓ પારખી શકે. સ્ક્રૂ ફીટ કરી દેવામાં આવ્યા અને તેની સાથે જોડાયેલા જાડા તાર પોતાની શક્તિથી પેલા સબમરીન જેવા સાધનને આસાનીથી દરિયાની અંદર ધકેલી શકે તેમ હતા. આ કાર્ય રાત્રે એક વાગીને પચ્ચીસ મીનીટે શરુ થયું સબમરીન જેવું સાધન નીચે ઉતારવામાં આવ્યું અને પળવારમાં તે સમુદ્રની ઉંડાઈમાં અદ્રશ્ય થઇ ગયું.

જહાજ પર રહેલા અધિકારીઓ અને ખલાસીઓની ચિંતા હવે ગોળાના કેદીઓ અને સબમરીનના સાધનના કેદીઓમાં વહેંચાઇ ગઈ. થોડીવાર બાદ તેઓ પોતાની જાતને ભૂલી ગયા અને એક પછી એક બારીની બહાર પાણીના જબરદસ્ત જથ્થાની ઊંડે સુધી જોવાની કોશિશ કરવા લાગ્યા.

ઉતરાણ બહુ ઝડપી રહ્યું. બે વાગીને સત્તર મિનિટે જે ટી મેટ્સન અને તેમના સાથીદારો પેસિફિકના તળિયે પહોંચી ગયા; પરંતુ તેમને અહીં જીવ કે વનસ્પતિ વગરના પાણીના રણ સિવાય બીજું કશું જ ન દેખાયું. તેમની પાસે રહેલા શક્તિશાળી પ્રકાશના સાધનોની મદદથી તેમણે જોયું તો દરિયાના અંધકાર સિવાય કશું જ ન હતું અને ગોળાનું તો નામોનિશાન ન હતું.

તેમની ઉતાવળને શબ્દોમાં કહી શકાય એમ હતી અને જહાજ સાથે જોડાયેલા ઈલેક્ટ્રીકલ દોરડાની મદદથી તેમણે નક્કી કરેલો સંકેત ઉપર મોકલાવ્યો અને સુસ્ક્વેહાના તે મુજબ આ સાધનને હજી એક માઈલ આગળ લઇ ગયું.

તેમણે લગભગ સમગ્ર તળિયું શોધી કાઢ્યું અને તેમને દરેક દ્રષ્ટિભ્રમ થયા જેણે તેમના દિલ તોડી નાખ્યા. એક ખડક તેમને ગોળા જેવો લાગ્યો પરંતુ તેમને પોતાની ભૂલ તરત જ સમજાઈ ગઈ અને તેઓ અત્યંત નિરાશ થયા.

“પરંતુ તેઓ ક્યાં છે? ક્યાં છે તેઓ?” જે ટી મેટ્સને ચીસ પાડી. અને આ બિચારાએ નિકોલ, બાર્બીકેન અને માઈકલ આરડનના નામની બૂમો પણ પાડી જાણેકે તેના મિત્રો આ ચીસોને પાણીની અભેદ્ય દિવાલને તે સાંભળીને તેને જવાબ આપવાના હતા. જ્યાંસુધી આ સાધનમાં શ્વાસ લેવા માટેની હવા પૂર્ણ ન થઇ ત્યાં સુધી તેમણે શોધખોળ ચાલુ રાખી અને છેવટે તેમણે ઉપર જવું પડ્યું.

તેમને ઉપર લાવવાની પ્રક્રિયા સાંજે છ વાગ્યે શરુ થઇ અને મધ્યરાત્રી સુધી ચાલુ રહી.

“આવતીકાલે,” જહાજ પર પગ મુકતાની સાથે જ જે ટી મેટ્સને કહ્યું

“હા,” કેપ્ટન બ્લોમ્સબેરીએ જવાબ આપ્યો.

“અને બીજા સ્થાને?”

“હા”

જે ટી મેટ્સનને તેમની સફળતા અંગે જરા પણ શંકા ન હતી, પરંતુ તેમના સાથીદારો હવે શરૂઆતનો ઉત્સાહ ગુમાવી ચૂક્યા હતા કારણકે તેમને હવે આ સાહસમાં પડી રહેલી મુશ્કેલીઓની જાણ થઇ ગઈ હતી. સાન ફ્રાન્સિસ્કોમાં જે વાત સરળ લાગતી હતી તે અહીં લાંબા પહોળા સમુદ્રમાં અશક્ય દેખાઈ રહી હતી. સફળતાની શક્યતા બહુ ઝડપથી ઓછી થઇ રહી હતી અને ગોળો મળે તેની શક્યતાઓ તો સાવ ધૂંધળી થઇ ગઈ હતી.

બીજે દિવસે, ચોવીસમીએ આગલા દિવસનો થાક હોવા છતાં ઓપરેશન ફરીથી શરુ થયું. જહાજ પશ્ચિમ તરફ થોડું આગળ ચાલ્યું અને પેલા સાધનમાં હવા ભરવામાં આવી અને તેમાં એ જ સાહસિકો બેસીને સમુદ્રના તળીએ ગયા.

આખો દિવસ નિષ્ફળ શોધમાં વ્યતીત થયો, સમુદ્રનું તળિયું રણ માત્ર હતું. પચ્ચીસમી કે છવ્વીસમી પણ કોઈજ પરિણામ ન લાવી.

આ અત્યંત નિરાશાજનક હતું. છવ્વીસ દિવસોથી ગોળામાં કેદ રહેલા અભાગીયાઓના વિચારો આવવા લાગ્યા હતા. કદાચ એ સમયે તેમને ગુંગળામણનો પહેલો અનુભવ થયો હશે જો તેઓ ખાબકવાના નુકશાનથી બચ્યા હશે તો. તેમાં રહેલી હવા વપરાઈ ગઈ હશે અને તેમની સાથે તેમના આત્માઓ પણ...

“હા, કદાચ હવા,” જે ટી મેટ્સન નિશ્ચિતતાથી બોલ્યા, “પરંતુ તેમના આત્માઓ? ક્યારેય નહીં!”

અઠયાવીસમી એ બે દિવસની વધુ શોધખોળ બાદ તમામ આશાઓ મરી પરવારી હતી. આ અગાઢ સમુદ્રમાં ગોળોતો અણુમાત્ર હતો. હવે તેને શોધવાના તમામ વિચારો ભૂલી જવા જોઈએ.

પરંતુ જે ટી મેટ્સન કશે જવાના ન હતા. તેઓ આ સ્થળ તેમના મિત્રોની કબર જોયા વગર તો છોડવાના જ ન હતા. પરંતુ કમાન્ડર બ્લોમ્સબેરી હવે વધુ રાહ જોવાના ન હતા અને માનનીય સેક્રેટરીના વિચારોને સાંભળ્યા હોવા છતાં તેમને આગળ વધવાનો હુકમ આપવાનું નક્કી કરી લીધું હતું.

ઓગણત્રીસમી ડિસેમ્બરે સવારે નવ વાગ્યે સુસ્ક્વેહાના જે ઉત્તરપૂર્વ તરફ જોઈ રહ્યું હતું તે સાન ફ્રાન્સિસ્કોની ખાડી તરફ ફરીથી આગળ વધ્યું.

સવારના દસ વાગ્યા હતા, જહાજ ધીમેધીમે આગળ વધી રહ્યું હતું કારણકે તેને આ રીતે દુર્ઘટનાની જગ્યા છોડી જવાનું દુખ હતું, પરંતુ એક ખલાસી જે જહાજના સહુથી ઉપરની જગ્યાએ દરિયા તરફ નજર રાખી રહ્યો હતો તેને અચાનક જ બૂમ પાડી:

“ત્યાં જુઓ...ત્યાં કશુંક છે!”

અધિકારીઓએ એ જગ્યા તરફ જોયું અને તેમના દૂરબીનોની મદદથી તેમને એક નિર્દેશ કરતું સાધન જોવા મળ્યું જે સામાન્યરીતે ખાડીઓ અથવાતો નદીઓના માર્ગ દર્શિત કરતું હોય છે. એક રીતે કહીએ તો એક ધજા જે શંકુ આકાર પર મુકવામાં આવી હોય અને પાણીની સપાટી પર તરતી હોય તે પાણીથી પાંચ કે છ ફૂટ ઉપર આવી ગઈ હતી. આ સાધન સુર્યપ્રકાશથી ચમકી કર્યું હતું જાણેકે તેને ચાંદીમાંથી બનાવવામાં આવ્યું હોય. કમાન્ડર બ્લોમ્સબેરી, જે ટી મેટ્સન અને ગન ક્લબના પ્રતિનિધિઓ બ્રિજ પર ચડ્યા અને એ સાધનને જોવા લાગ્યા જે દરિયાના મોજા પર આમતેમ ભટકી રહ્યું હતું.

તેઓ તમામ અત્યંત આતુરતાથી તેને જોઈ રહ્યા હતા. પરંતુ કોઈએ પણ પોતપોતાના મનમાં ચાલી રહેલા વિચારોને વ્યક્ત કરવાની હિંમત કરી નહીં.

જહાજ તે સાધનની અત્યંત નજીક પહોંચી ગયું.

સમગ્ર ક્રૂના શરીરમાંથી ત્યારે ધ્રુજારી છૂટી ગઈ જ્યારે તેમણે જોયું કે એ ધજા ખરેખર અમેરિકન રાષ્ટ્રધ્વજ હતો!

આ જ સમયે એક જબરદસ્ત ધબાકો સાંભળવામાં આવ્યો; એ સાહસિક જે ટી મેટ્સન હતા જેઓ ઉતાવળે તમામ બાબતો ભૂલી જઈને દરિયામાં પોતાનું પૂરું જોર લગાવીને ખાબકી પડ્યા હતા. ખલાસીઓ ઝડપથી તેમની તરફ આગળ વધી ગયા અને તેમને તરત જ ઉપર લાવી દીધા. અને તેમના પ્રથમ શબ્દો હતા?

“આહ! આપણે ત્રણગણા જાનવરો છીએ! ચારગણા મૂર્ખો છીએ! પાંચગણા મૂઢમતી છીએ!”

“શું થયું?” તેમને ઘેરી વળેલા તમામે પૂછ્યું.

“શું થયું?”

“અરે બોલો બોલો!”

“અરે મુર્ખાઓ!” ભયંકર સેક્રેટરીએ ચિત્કાર કર્યો, “એ ગોળો છે જેનું વજન માત્ર ઓગણીસ હજાર બસ્સો પચાસ પાઉન્ડ છે!”

“તો?”

“તો એ અઠ્યાવીસ ટન જેટલો થઇ જાય છે અથવાતો બીજા શબ્દોમાં છપ્પન હજાર પાઉન્ડ જે પાણી પર તરી શકે છે!”

ઓહ! “તરી” શબ્દ પર તેમણે કેટલો બધો ભાર મુક્યો! અને એ સાચું હતું! હા સાચું! આ તમામ વિદ્વાનો એ એક મૂળભૂત સિદ્ધાંત ભૂલી ગયા હતા, કે, એક ખાસ હળવાશને લીધે ગોળો, જે જબરદસ્ત ઉતરાણને લીધે સમુદ્રના તળીયે જતો રહ્યો હતો તે કુદરતી રીતે તેની સપાટી પર પરત આવી જવાનો હતો. અને અત્યારે તે દરિયાના મોજાની મદદથી તેની સપાટી પર તરી રહ્યો હતો.

હોડીઓ સમુદ્રમાં મુકવામાં આવી. જે ટી મેટ્સન અને તેમના મિત્રો ગોળા તરફ દોડી ગયા! ઉત્તેજના તેની ચરમસીમાએ હતી! દરેક હ્રદય જોરથી ધબકી રહ્યું હતું જ્યારે તેઓ ગોળાની નજીક જઈ રહ્યા હતા. તેમાં શું હશે? જીવિત કે મૃત વ્યક્તિઓ?

જીવિત, હા! જીવિત કારણકે જો બાર્બીકેન અને તેમના મિત્રો મૃત્યુ પામ્યા હોત તો તેમણે ઝંડો કેવી રીતે લહેરાવ્યો હોત. હોડીઓમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. તમામના શ્વાસ રોકાઈ ગયા. આંખો કશું પણ જોઈ રહી ન હતી. ગોળાની એક બારી ખુલ્લી હતી. તેની ફ્રેમમાં કાચના ટુકડાઓ ચોંટેલા હતા જે દર્શાવી રહ્યા હતા કે તેને તોડવામાં આવ્યા છે. આ બારી ખરેખર પાણીની સપાટીથી પાંચ ફૂટ ઉપર હતી.

જે ટી મેટ્સન જેમાં બેઠા હતા એ હોડી સહુથી નજીક આવી અને તેઓ ઝડપથી એ તૂટેલી બારીમાં ઘુસ્યા.

એ સમયે તેમણે સ્પષ્ટ અને આનંદદાયક અવાજો સાંભળ્યા. માઈકલ આરડનો અવાજ જે તેમની સફળતાના ગુણગાન ગઈ રહ્યો હતો.

“બાર્બીકેન, બધું જ સફળ રહ્યું બધું જ સફળ રહ્યું!”

બાર્બીકેન, માઈકલ આરડન અને નિકોલ ડોમિનોઝ વગાડી રહ્યા હતા!

***