પાણી Ravindra Parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

પાણી

ચાર દિવસ પછી ધાબા પરથી ઉતરતાં રેવતીને લાગ્યું કે તે જાણે નરકનાં પગથિયાં ઊતરી રહી છે. નરક જ હતું પણ ઊતરી શકાયું તેનો આનંદ હતો. કાલે તો એમજ લાગતું હતું કે આખું કુટુંબ ઉપર થી ઉપર જ પહોંચી જશે પ્ણ કોઇક ના પુણ્ય આડે આવ્યાં ને નીચે ઉતરવાનું નસીબ ખૂલ્યું.


તેણે કેડમાંની ચકીને જરા કસીને બાંધી અને થોડાં વધુ પગથિયાં નીચે આવી. તેની પાછળ પાછળ ઠૂંઠો પણ ઊતર્યો. પણ તેનો હાથ દીવાલ પર ટક્યો નહીં. તે બે ચાર પગથિયાં લસરી જ આવ્યો. રેવતી એ પાછળ જોયું ને તેને હાથ ટેકવી ને રોક્યો,


“તું તારે ધાબે જ રહેને. નીચે આવીને શું વઘારવાનો છે ?”


ઠૂંઠાને ખોટું પણ લાગ્યું. તેનો હાથ સાબૂત હોત તો રેવતી એ આમ જ હડધૂત.....


“ઓછું ના આણ રઘલા.” રેવતી પસ્તાતી હોય તેમ બોલી,


“જાણું છું કે નીચે આવીને તારે પાણી ઉલેચવું છે પણ .....” રઘલો ફરી ધાબે જવાં પગથિયાં ચડવાં લાગ્યો તો રેવતી એ જ રોક્યો.


“ચાલ ઉપર બેસીને ય શું કરશે ? આવ નીચે.”


રઘલાએ નીચેની તરફ મોં ફેરવ્યું. રેવતી તો પગ વડે કાદવ બહાર ધકેલવા લાગી. રઘલાએ પણ કાદવ વડે કાદવ કાઢવા માંડ્યો. ચીકણો ગાળ પાણીમાં ભળવા લાગ્યો ને પાણીના તરંગો બહર સરક્યા. જો કે વાત આટલે થી પતે તેમ ન હતી. કીચડ ખુબ જ હતું. કરસાટો સામેની દિવાલે ઘસરકાઈને તરતો હતો. તેની પાસે જ પ્લાસ્ટિકનું ભૂરું ડ્રમ તરતું હતું. આ ડ્રમમાં રેવતી વધારાનું પાણી રાખતી હતી. પણ અત્યારે તો પાણી સિવાય કંઈ જ વધારાનું હતું નહી. સમજાતું ન હતું કે ક્યાંથી શરુ કરવું ? પાણી છે ત્યાં સુધીમાં જો કાદવ ઉલેચી લેવાય તો જ અર્થ હતો. પછી તો સુકાયેલો કાદવ કાઢવાનું ઓર મુશ્કેલ હતું. શું સૂઝ્યું તે રેવતીએ ક્યાંકથી તણાઈને આવેલી ડોલ પકડીને આગળ જઇ જઇ ને પાણીનો મારો ફર્શ પર ચલાવ્યો. ઘણી વારે ટાઇલ્સના ટુકડા દેખાયા. પાણી નીચે તે પણ આમતેમ સરકી ગયા હતા. જોરથી પાણી મારમાર કરવાને લીધે ટાઇલ્સ અંદરોઅંદર ટકરાતી હતી. રેવતી ની કમર વધારે આગળ પાછળ ખસવાને લીધે ચકી રડતી હતી. ચકીની રેવતીને ખૂબ દયા આવી.. બિચારી ચાર દિવસથી છાતીના દૂધ પર જ હતી. રેવતી થોભી. તેણે ચકીને છેડો છોડીને કમર પરથી સામે આણી અને ઉભાં ઉભાં જ છાતીએ વળગાડી. પણ ચકીએ રડીને મોં ખસેડી લીધું. રેવતીને થયું ખસેડે જ ને ! થાનમાં કંઇ હોય તો છોકરી ચૂસે ને ! બેબાકળી નજરે રેવતીએ આમતેમ જોયું પણ પાણી સિવાય કંઇ દેખાયું નહીં. હેલિકોપ્ટરનો અવાજ આવતાં રેવતી બહાર આવી. થોડાંક પેકેટ્સ ઉપરથી વેરાયાં પણ બધાં ધાબાં પરથી હાયકારો નીકળી ગયો. પેકેટ્સ વહેતાં પાણીમાં પડ્યા હતાં. દૂધનું એકાદ પેકેટ પણ ધાબાં પર પડ્યું હોત તો ચકીનું રડવાનું અટક્યું હોત. રઘલો એકાદ પેકેટ પડ્યું હશે એમ ધારીને ઉપર જવા ગયો તો રેવતીએ પાણીમાં દૂર જતાં પેકેટ્સ બતાવ્યાં. રઘલો મરવા જેવું નિરાશ થયો.


*****


સાંજ સુધીમાં તો પાણી ઓસરી ગયા હતાં. થોડી થોડી અવરજવર પણ ચાલુ થઇ ગઇ હતી. લોકો શાક પાંદડું લેવા કાદવ ખૂંદતાં બજાર ભણી જઇ રહ્યાં હતાં. રઘલો પણ પેકેટ લેવા બહાર નીકળ્યો હતો. એકાદ દૂધની કોથળી મળી જાય તો.....


પણ ભીડજ એટલી હતી કે રઘલો તેને ભેદી શકતો ન હતો. એકાદ ટેમ્પો આવ્યો હતો ને તેણે બે ચાર મૂઠી દાળ ચોખા ઠોબલાંમાં ઠાલવવા માંડ્યા હતાં. કંઇ નહી તો ખીચડી તો પેટમાં ઓરાય. રઘલો દૂધની કોથળી લઈને આવી ગયો. રેવતીએ દાંતથી કોથળી ચાવીને થેલી થાનની જેમ જ ચકીને ધરી દીધી. ચકી પાણીની જેમ દૂધ પી ગઈ. થોડું બચ્યું તે ચૂલે મુક્યું. દાળ ચોખા પલાળીને રેવતી એ આંધણ મૂક્યું ને રેવતી અને રઘલો વીતેલા ત્રણ દિવસ જોવા લાગ્યા. ચકી ઉંઘી ગઈ હતી.


*****


ત્રણ દિવસથી રેવતી ઘરમાં હતી. ઘણે દિવસે રેવતીને રઘલાનું મોઢું રાતે જોવા મળતું હતું. દિવસના તો એ પાળી પર હોય. રાતે આવે ત્યારે રેવતી ચકીને સોંપી દેતી. પણ છેલ્લી ત્રણ રાત થી તો રઘલો-રેવતી સાથે હતાં. રાત્રે પણ. આમ વધતાં જતાં પાણીને કારણે કાલે શું થશે તેની ચિંતા હતી પણ રેવતીને કોણ જાણે કેમ રઘલા પર ખાસું વહાલ ઉભરાતું હતું. લોકો ધાબા પર ધરબાઈને અડધા જીવે ઊંઘતા હતાં પણ રેવતીને ઝીણો થરકાટ ક્યાંક ક્યાંક થતો રહેતો હતો. રઘલાનો હાથ તો તેને પૂરો વીંટળાતો નહોતો પણ રેવતી પાણી ના અંધારા અવાજમાં રઘલાને વીંટળાઈ વળતી હતી. ભૂખ તો હતી જ પણ કોઇ પણ ( ? ) સંતોષાય તો ઘણું હતું. જાણે રઘલો છૂટી જવાનો હોય તેમ રેવતી સતત રઘલાને વીંટળાતી રહેતી હતી. એકવાર તો દિવસેના જ... રઘલો ચીડાયો પણ ખરો,


“જરા જો તો ખરી, તડકાં માં તું આમ વળગે તે લોકો જોશે તો___” પણ રેવતીએ રઘલાનું મોં, ( ? ) મોં મૂકીને બંધ કરી દીધું. રઘલાને નો’ તું ગમતું એવું નો’ તું. પણ આમ પાણી વચ્ચે ખુલ્લામાં જ... રેવતી વળગતી ને તે પણ અકરાંતિયો થઈ ઉઠતો હતો. રોજ તો નીચે સૂતો હતો.. પણ રેવતી આડે દિવસે તો ...


*****


રેવતીએ ખીચડી ધગધગતી જ થાળીમાં ઠાલવી. બંને એક જ થાળીમાં ઝાપટવા બેઠાં. ચાર દિવસે ધરાય એટલી ખીચડી જોઇને રઘલો તાનમાં આવી ગયો. આજે તો થોડી તાકાત પણ આવી હતી. ધાબા પર તો મરિયલની જેમ જ પડી રહેવાનું હતું. પણ હવે તો પેટ ભરાતું જતું હતું. રઘલાને છમ જેવો વિચાર ઝબકી ગયો. આજે રેવતી વળગવા આવે તો તેને એટલી ભીંસવી કે.... રઘલાને થયું પણ કે રેવતી આજે દીવો વહેલી હોલવે ને સીધી પથારીમાંજ આવી જાય. હજી કંઈ બહુ રાત થઈ નો’તી પણ રઘલાને થતું હતું કે રાત થોડી વહેલી જ શરુ થાય તો સારું. રેવતી બોલી પણ ખરી,


“સૂઈ જઇએ હવે. આખો દિવસ તેં પણ ઘણો કાદવ કાઢ્યો છે. થાક્યો હશે.” રઘલો બોલ્યો,


“થાક્યો છું પણ તને થકવવી છે.”


“ તો તો આ આવી. ” બોલતી અજવાળા જેવી રેવતીએ બારણું બંધ કર્યું અને ફૂંક મારીને દીવો હોલવ્યો. રઘલાની બાજુમાં આવીને વાળ છોડવા લાગી. રઘલો રઘવાયો થયો હતો. તેણે રેવતીને બાથમાં લીધી અને __ બારણું ખખડ્યું.


રેવતી સમીસૂતરી થતાં ‘કોણ ?’ બોલતીકને ઊભી થઇ. બારણું ખોલ્યું. મોઢા પર બેટરીનો પ્રકાશ પડ્યો. તેણે ચહેરા આડે હાથ ધરી દીધો બોલી, “ કોણ ? ”


“હું મુસ્તુફા. જગનશેઠનો ડ્રાઇવર.”


રેવતીને તો શરીરમાં ચડેલું બધું લોહી પગ વાટે નીતરી ગયું. તેનાથી બોલાઈ ગયું,


“મુસ્તુફા ? તું ? અત્યારે ?”


“હા શેઠે ગાડી મોકલી છે.”


“આજે રે’વા દે કાલે આવીશ.”


“શેઠે આગ્રહ કર્યો છે આજે આવવાનો.”


“રોજ તો આવું જ છું ને ? પાણી ના ઓસર્યા હોત તો તો તારો શેઠ ચુમાઇને બેઠો હોત ને ? ”


“તમે એ બધું શેઠને કહેજો. એ ચાર દિવસથી અકળાયા છે.”


રેવતીને કોઇની જોડે વાત કરતી સાંભળી રઘલો બારણે આવ્યો. “કોણ છે ?”


“મુસ્તુફા.”


રઘલો ચૂપ થઈ ગયો ને અંદર આવી ગયો. રેવતી અંદર આવી. રઘલાને રડી પડતાં વળગી પડી.


“શું કરું ? જવું જ પડશે નહી તો દાણો પાણી......” રઘલાએ રેવતીને બારણાં તરફ દોરી ખભું દાબ્યું.


મુસ્તુફા સાથે રેવતી ચાલવા લાગી. જરા વારે પાછળ ફરીને જોયું તો બારણું બંધ થઈ ગયું હતું.