કર્ણલોક
ધ્રુવ ભટ્ટ
|| 23 ||
વૃક્ષોના છાંયડામાંથી ચળાઈને ફળિયું અજવાળતી ચાંદની જરા આગળ વધીને ખુલ્લા ચોકમાં પથરાતી આવે તે દૃશ્ય પ્રકૃતિના મનમોહક રૂપની એક જુદી જ અદા છતી કરતું રહે છે. ફળિયેથી આગળ, નિર્જન નદીતટ પર, દૂરના ઢોળાવો, ખુલ્લાં ખેતરો અને છાપરાંઓ પર લંબાઈને સૂતેલી ચાંદનીમાં શરૂ થતી રાતનો માહોલ જેણે માણ્યો છે તે જીવનભર ભૂલી શકવાના નથી.
કરમી અને હું સાંજથી અહીં બેઠાં છીએ. મોહિન્દર ઘરની પરસાળમાં તેની વ્હીલચૅર પર બેઠો હતો તે હવે કમરામાં ચાલ્યો ગયો લાગે છે. રાત ઢળ્યાને પણ એકાદ કલાક થઈ ગયો.
ચાંદની રાતમાં કરમીની મોટી કાળી આંખો ક્યારેક હસતી તો ક્યારેક ભીની થતી જોઈ શકું છું. પીળી દીવાલોની આડશે હું આવ્યો તે સમયે તો કરમી માંડ વરસ દિવસની હતી. મેં તે સ્થળ છોડ્યું ત્યારે તે પાંચેક વરસની હશે. તેનો તે વખતનો મેલોઘેલો પણ નમણો ચહેરો આજે આ ચાંદનીમાં બેઠેલી પાંત્રીસ ઉપર પહોંચવા આવેલી કરમીમાં શોધતો રહું છું.
પીળા મકાનમાં રહેતી ત્યારે કરમી ભાગ્યે જ કંઈ બોલતી. ત્યાંની ઘટના, ત્યાંના ન્યાય, અન્યાય ત્યાંની દરેક બાબતોની પોતે મૌન સાક્ષી હોય તેમ માત્ર જોયા કરતી. પરંતુ આજે સાંજથી તે અથાક બોલતી રહી છે. તેની વાતોમાં વારેવારે એક નામ આવ્યા જ કર્યું, ‘દુર્ગાઈ.’ આ નામ બોલતી વખતે તેના મોં પર એક જુદો જ મધુર ભાવ ઝળકી જતો અને મને આ નામનું ઉચ્ચારણ થતાં જ ઊંડે ઊંડે શૂળ ખૂંચતી.
‘તમે જવાના હતા ને રાતે જ નીમ્બેનના ખબર આવેલાં ખરું?’ કરમીએ સહેજ પૃછા કરીને વાત આગળ ચલાવી, ‘દુર્ગાઈ તો રાતે જ વાડીએ જતી રહેલી.
‘ખરું યાદ રાખી શકી છે તું.’ મેં રેતી પર હાથ ફેરવતાં કરમીને કહ્યું, ‘તે વખતે તો તું સાવ ટીનકૂડી હતી. તોપણ બધું યાદ છે?’
‘અમે ક્યારેય ટીનકૂડાં હોતાં જ નથી.’ દુર્ગાઈની શિષ્યા અને હવે તેની પુત્રવધૂ કરમી તેની જેમ જ જવાબ આપતી હતી તે જોઈને મને મજા પડતી હતી.
કરમી ચાંદનીમાં ચમકતાં પાણી તરફ જોતી રહી ને આગળ બોલી, ‘તમે ગયા, દુર્ગાઈ ગઈ. એ હતી ત્યાં સુધી જે હતું તે બધું તેના ગયા પછી બહુ જલદી બદલાવા માંડેલું. નેહાબહેનનું આવવાનું પણ ઓછું થઈ ગયું. ત્યાંની ખબર બહાર લઈ જનારું તો કોઈ હતું નહીં.’
‘નલિનીબેન ક્યાં સુધી ત્યાં રહ્યાં?’ મેં પૂછ્યું.
‘છેક સુધી. રિટાયર થયાં ત્યાં સુધી હતાં તે તો મને ખબર છે.’ કરમીએ જવાબ આપ્યો અને ઉદાસ સ્વરે કહ્યું, ‘દુર્ગાઈ ગઈ કે બીજે કે ત્રીજે અઠવાડિયે એ લોકે મારું બેનને ઘરે કામે રહેવાનું ગોઠવી દીધું હતું. દફતરેથી મારું નામ કોણ જાણે શી રીતે કમી થઈ ગયું.’
ઊગતી ચાંદનીના ઝાંખા અજવાળા જેમ જ કરમીનો ચહેરો પણ ઝાંખો થઈ ગયો. તે બોલતી અટકી અને સામા કિનારે જોઈ રહી. થોડી વારે ફરી બોલી, ‘નીમ્બેનના બારમે દિવસે પ્રાર્થનાસભામાં નલિનીબેન સાથે વાડીએ ગઈ ન હોત અને દુર્ગાઈને મળવાનું થયું ન હોત તો હજીયે નલિનીબેનના ઘરે વાસણ-કપડાં કરતી હોત.’
‘તે દુર્ગા તને વાડીએથી સાથે લઈ ગયેલી?’ મેં પૂછ્યું.
‘ના. એ દિવસે તો તેવું કંઈ શક્ય જ નહોતું. દુર્ગાઈએ મારી વાત જાણી અને મને એક ખૂણામાં લઈ જઈને કહેલું, ‘કરમી, બરાબર સાંભળ, તું ભાગવા માટે તૈયાર રહેજે. હું ગમે ત્યારે આવીને તને લઈ જઈશ.’
કહેતાં કહેતાં કરમી હસી પડી. અને આગળ બોલી, ‘એવામાં ગોમતીમાને મોહિન્દર માંદા જન્મ્યા. મા પોતે મહિનામાં જ ધનુર્વામાં સપડાઈને ચાલી ગયાં. મોહિન્દરને સાચવવા જી’ભાઈએ પાલિતાણાથી દુર્ગાઈને બોલાવી. લાઇબ્રરિયનની નોકરી આપવાનો કાગળ મોકલ્યો એટલે તે આવી શકી. થોડા દિવસો તો રોડવ્યું. પછી નેહાબેને પેલા દિલ્હીથી આવેલાં તે મહેરાસાહેબને લખ્યું એટલે તે લોક આવીને મોહિન્દર સાથે દુર્ગાઈને પણ પટિયાલા લઈ ગયાં. આમ દુર્ગાઈ પંજાબી થઈ.’
‘અને તું?’ મેં પૂછ્યું.
કરમીએ કહ્યું, ‘તે વખતે હજી હું સાતેક વરસની. એકાદ વરસ તો દુર્ગાઈના કોઈ ખબર પણ ન આવ્યા. પછી એક દિવસ ઓચિંતી તે પોતે જ આવી. નલિનીબહેનને ઘરે ઊતરેલી પણ જમી નંદુને ઘેર. રાતે બહેનને કહે, ‘જુઓ બેન, હું તો હવે ઠરીને ઠામ થઈ છું. માયા છે તે તમને બધાને મળવા આવી છું. રજા આપો તો બધાં મળીને છોકરાંઓને એક દિવસ બહાર ફરવા લઈ જઈએ.’ ’
‘પછી બહાર ગયાં ત્યાંથી તને લઈ ગઈ!’ મેં વચ્ચે કહ્યું.
‘ના રે ના.’ કરમીએ કાંકરો પાણીમાં નાખતાં કહ્યું, ‘મને તો સાથે ફરવા લઈ જવાની પણ દુર્ગાઈએ ના પાડી.’
‘તે તને ખરાબ ન લાગ્યું?’
‘લાગ્યુંને! રડવું પણ આવ્યું. મેં બહુ વેન કર્યું. બહેને પણ ‘ભલેને આવે’ કહીને લઈ જવાનો આગ્રહ કર્યો તો દુર્ગાઈ કહે, ‘રજિસ્ટરમાં નોંધાયેલાં છોકરાંઓને જ લઈ જઉં ને પાછા મૂકી જઉં. તમે જ કહો બેન, મારે એક રાત રોકાવું અને ખોટી જવાબદારી શું કામ માથે લેવી?’
‘પછી?’ મને કરમીની વાતમાં મજા પડતી હતી.
‘પછી તો બધાં છોકરાં મજા કરી આવ્યાં. છેક રાતે પાછાં ફર્યાં. ખૂબ રખડ્યાં હશે તે બધાંય થાકીને લોથ થઈ ગયેલાં. અડધી રાતે દુર્ગાઈએ મને જગાડી કહે, ‘સાંભળ, તને વંડી પર ચડાવી દઉં છું. વંડી પાછળ જે હોય તેની સાથે તે લઈ જાય ત્યાં જતી રહેજે. હું કાલ-પરમ તને મળીશ. હું આવું નહીં ત્યાં સુધી કંઈ બોલતી નહીં. જાણે જીભ જ નથી તેમ માનીને મૂંગી મરજે.’ તમને તો ખબર જ છે; દુર્ગાઈ કંઈ કરવાનું કહે તે અમે બધાંય વગર સમજ્યે પણ કરી નાખતાં. ભલે મરવું પડે.’
કરમીએ કહેલી ઘટના નદીના ચાંદનીમઢ્યા જળમાં વહેતી જોતો હોઉં તેમ મેં પાણી જોયા કર્યું. જાણે આ સામે જ દેખાય છે કે, બીજે દિવસે સવારે દુર્ગાઈ નિરાંતે ઊઠી છે કે પછી નલિનીબહેને બૂમ પાડીને તેને જગાડી છે. દુર્ગાઈ કંઈ જાણતી જ ન હોય તેમ પૂછે છે, ‘શું થયું બેન?’
નલિનીબહેને કહે છે, ‘દુર્ગી, કરમી નથી મળતી.’
‘કઈ કરમી?’ પૂછીને દુર્ગા ગંભીર થઈ જાય છે. દુર્ગાના આવા પ્રશ્નથી ચમકીને બહેન શંકાપૂર્વક દુર્ગા સામે જોઈ રહે છે. તેમની શંકા સાચી હોય તોયે તે બિચારાં કરે શું? એમાં દુર્ગા પાછી તરત બોલે છે, ‘ઓહ, કાલ આપણે સાથે ના લઈ ગયા એટલે રિસાઈ હશે. પીપળે જોઈ આવું.’
વહેતાં જળમાં જોઈ શકું છું કે દુર્ગા પીપળે જઈને, પોતાના જૂના વહાલા સ્થાનને જોઈને અને તે જગ્યાને ભીંજવી આવીને બહેનને કહે છે, ‘બેન ત્યાં તો ક્યાંય નથી. બહાર ભાગી ગઈ હશે? પોલીસમાં લખાવીએ?’ અને મનોમન બોલે છે, ‘રજિસ્ટરમાંથી નામ તો પોતે જ છેક્યું છે. પોલીસને શું કહે? હવે તો ટ્રસ્ટીઓને પણ ખબર ન પડે તેમ મૂંગા રહ્યે જ પાર આવશે.’
બાઘો બનીને હું એકીટસે નદી તરફ જોઈ રહેલો તે જોઈને કરમીને હસવું આવી ગયું. તેણે વાત આગળ ચલાવી, ‘બીજે દિવસે બપોરે તે મને મળી. અમે જ્યાં હતાં ત્યાં એક બગીચો હતો અને કોઈનું નાનું ઘર હતું. એક બહેન અને બે છોકરીઓ અને એક ભાઈ એટલાં ત્યાં હતાં. આવીને મને કહે, ‘તારી તો જબરી શોધ ચાલે છે. આજે જ નીકળી જવું પડશે.’ બસ, પછી રાતની ગાડીમાં મને સાથે લઈને તે નીકળી આવી, પંજાબ.’
મોહિન્દર કરમી કરતાં પાંચેક વરસ નાનો હતો અને પોતે તેને રમાડીને મોટો કરેલો તે વાત કહેતાં તો કરમી આ ઉમ્મરે પણ નાની બની ગઈ હોય તેમ ખિલખિલાટ હસતી રહી. મોહિન્દરના માનવીય ગુણો, તેની સમજ બધી વાત કરમીએ કરી.
મને હતું કે કરમીને મોહિન્દર સાથે લગ્ન કરવાનું દુર્ગાએ કહ્યું હશે; પરંતુ કરમીએ કહ્યું, ‘દુર્ગાઈ માંદી પડી અને જતી રહી પછી મોહિન્દર બહુ એકલા પડી ગયા એ મારાથી ન જોવાયું. મેં જ તેમને કહ્યું કે હું કાયમ તમારી સાથે રહીશ.’
‘કરમી,’ મેં કહ્યું, ‘દુર્ગાને શું થયેલું?’
‘કંઈ નહીં બસ, એક દિવસ તાવ આવ્યો અને...’ કરમી આગળ કંઈ બોલી નહીં. મેં વળી પૂછ્યું, ‘વકીલ પાસે જમીનના કાગળ તેં તૈયાર કરાવેલા?’
‘ઓહ, હા,’ કરમી સહસા બોલી અને ઉમેર્યું, ‘દુર્ગાઈને તમારા નામની ખબર હતી. તેણે મને કહેલું.’
દુર્ગાએ મારું નામ અને તે પણ પૂરું નામ ક્યાંથી જાણ્યું હશે તે નથી સમજાતું; તોપણ મેં કરમીને પૂછ્યું નહીં. મારા માટે તો દુર્ગા મારું નામ જાણતી હતી તે વાતનો અર્થ મને બરાબર સમજાય એટલું પૂરતું છે. અને આ સમજાતાં જ મને દુર્ગા મારાથી છૂટી પડી તે રાત યાદ આવે છે.
મારી ગાડી રાતે એક વાગે જવાની હતી. ઑફિસનું કામ પતાવીને સ્ટેશને પહોંચી જવાની સૂચના આપીને મહેશભાઈ ઘરે ગયા. દુર્ગાની ટ્રેન રાતે અગિયાર આસપાસે છૂટવાની તે મને ખબર હતી. કામ વહેલું પતાવીને હું દુર્ગાની ગાડીના સમયે સ્ટેશને પહોંચ્યો.
પ્લૅટફૉર્મ ઉપર નંદુ ઊભો હતો. દુર્ગા ટ્રેનની બારીમાં બેઠી બેઠી નંદુ સાથે કંઈક વાતોમાં હતી. દુર્ગાને પાલિતાણા સુધી મૂકી આવવાની જવાબદારી લક્ષ્મી ઉપર હોય તેવું લાગ્યું. તે પાછળના કમ્પાર્ટમેન્ટના પાટિયા પર પોતાનું પાથરણું પાથરતી હતી.
દુર્ગાની સામેની બર્થ પર એક યુગલ બેઠું હતું. તેમની સાથે તેમનાં ઘરડાં માજી. હું બારી પાસે જઈને નંદુ સાથે ઊભો અને દુર્ગાને કહ્યું, ‘હું છેક સુધી કામમાં જ ફસાયેલો રહ્યો.’
જવાબમાં દુર્ગા સહેજ હસીને મૌન રહી.
હું વધુ કંઈ કહું તે પહેલાં અચાનક નેહાબહેન પણ આવી ચડ્યાં. મને, ‘તું પણ જવાનો કે?’ એમ પૂછીને નેહાબહેન દુર્ગા સાથે વાતોએ વળગ્યાં. અમે બધાં બારી પાસે ટોળે વળ્યાં હતાં. એકાદ બે વખત દુર્ગાએ મારા સામે જોઈ લીધું. એકાદ વખતે અમે સામસામે વિદાય સૂચક હસી પણ લીધું.
થોડી વારે નંદુ સામેના સ્ટોલ પર પીપરમેન્ટ લેવા ગયો.
અચાનક મારી નજર લક્ષ્મી પર પડી. પેલી બાજુના કમ્પાર્ટમેન્ટમાંથી ડોકું કાઢીને તે પેલા યુગલને કંઈક ઇશારો કરતી હતી. મારી આંખો પહોળી થઈ ગઈ. બરાબર તે જ પળે દુર્ગાનું ધ્યાન પણ લક્ષ્મી તરફ ગયું અને તેની મોહક આંખોમાં પીડા ઝબકીને શમી ગઈ.
લક્ષ્મી પોતાની જાતને બહુ હોશિયાર માનતી હોય કે ગમે તેમ, જાહેરમાં ઇશારા કરીને સૂચવતી હતી કે તમારી સામે બેઠેલી છોકરી ચોર છે. સાવધ રહેજો અને તમારો સામાન સાચવજો.
અમે, જેટલાં ત્યાં હાજર હતાં તે બધાની નજર આ નાટક પર પડી. પેલાં પતિ-પતિની પણ ગૂંચવણ અને ક્ષોભ અનુભવીને નીચું જોઈ ગયાં.
મારો ચહેરો લાલ થઈ ગયો. નેહાબહેન પણ આડું જોઈ ગયાં. દુર્ગાએ મારી સામે જોયું, દુર્ગા, તે અસહાય છોકરી, મારો ટેકો માગતી હોય તેમ જોઈ રહી; પરંતુ હું પણ પ્રયત્નપૂર્વક હસીને તેને જોઈ રહેવા સિવાય કંઈ કરી શક્યો નહોતો.
કોણ જાણે અંદરની કઈ અજાણી તાકાત પર દુર્ગા એ ક્ષણો પણ જીરવી ગઈ. તરત જ ટ્રેન ઊપડી અને જાણે કંઈ બન્યું જ ન હોય તેવા સહજ સ્વરે દુર્ગાએ મારા તરફ જોઈને કહ્યું, ‘બસ ત્યારે...!’
નંદુ પાછો ફર્યો અને કંઈક અજુગતું બન્યાનો અણસાર પામી ગયો. મને પૂછ્યું, ‘શું?’ હું નિરુત્તર રહ્યો.
તે પછી ગાડી દેખાતી બંધ થઈ ત્યાં સુધી કોઈ કંઈ બોલી શક્યું નહીં. બધાં પાછાં ફર્યાં પણ નંદુ રોકાઈ ગયો. કહે, ‘ચાલી ગઈ. એ પોતે ઇચ્છા કરીને આવી હતી. પોતાનું કામ પૂરું કરીને ગઈ.’ પછી મારા સામે જોઈને કહે, ‘તું પણ જતો જ રહે ભાઈ, તમારે અહીં રહેવાનું જ નહોતું. હું પહેલેથી જ કહ્યા કરતો હતો કે આ સ્થળ, આ ઘર તમારું નથી. તમારો નિવાસ અહીં ન હોય. આ તો નંદુ, લક્ષ્મી અને માધોની વસ્તી છે.’
મેં ચાલતાં ચાલતાં જ નંદુનો હાથ થપથપાવ્યો. નંદુ કંઈક ક્રોધમાં હોય તેમ તેણે પોતાનો હાથ ઝટકો મારીને ખેંચી લીધો. તેને શું થતું હતું તે હું જાણી ગયો હતો. તે દૂર ગયો હતો ત્યારે શું બન્યું તે મેં તેને કહ્યું નહોતું તેની રીસ તેને હતી. નંદુ પોતાના મનનો ઊભરો કાઢી નહીં નાખે ત્યાં સુધી પીડાયા કરશે તે પણ હું જાણતો હતો. મેં નંદુને ઉશ્કેરવા જ જે બન્યું હતું તે કહ્યું, અને ઉમેર્યું, ‘લક્ષ્મીએ આવું નહોતું કરવું જોઈતું.’
‘એમ લક્ષ્મીને દોષ દઈને તું છટકી નહીં શકે.’ નંદુએ કહ્યું.
મારા ગાલ પર સણસણતો તમાચો પડ્યો હોય તેમ હું વળ ખાઈ ગયો. નંદુની વાત કેટલી સાચી હતી તે હું શું નહોતો જાણતો! દુર્ગાએ ગાડી ઊપડતાં મને કહેલા શબ્દોનો અર્થ હું જાણીજોઈને નહોતો સમજવા માગતો એવું તો નહોતું ને? દુર્ગાએ કહેલું, ‘બસ ત્યારે...?’ તે સાથે જ મને હું કેટલામાં અને કેવો છું તે સમજાઈ જવું જોઈતું હતું. તે વખતે ન સમજાયું તે નંદુએ કહ્યું ત્યારે દીવા જેવું સામે આવીને સમજાયું. તે પળથી આજ સુધી મને એક વાતે પીડ્યા કર્યો છે કે દુર્ગાને સમજવામાં મેં હંમેશાં ભૂલ કરી હતી. હું જ નહીં મારા સહિત દરેક જણે, ‘તે મનથી ખરાબ નથી. નાનાં છોકરાંનું દુ:ખ જોઈ ન શકે ત્યારે ચોરી-ચપાટી કરી લેતી હશે; પણ મનની તો તે સારી છે;’ કહેતાં માધો, લક્ષ્મી કે નલિનીબહેન. ‘તે વખતે મને બહુ દુ:ખ થયું; પણ મારાથી કંઈ બોલાયું નહીં;’ કહેતાં નેહાબહેન અમે દરેકે દુર્ગાને સમજવામાં ભૂલ કરી છે.
બીજા બધાંની ભૂલ માફ થઈ શકે. માફ ન થઈ શકે એક મને. એટલે જ દુર્ગાની આંખોની ભાષા સમજવા છતાંયે મૌન ઊભા રહેલા મને દુર્ગા ‘બસ ત્યારે...?’ ન પૂછે તો બીજું શું પૂછે!
એક માત્ર નંદુ હતો જેણે કહેલું, ‘વાંક તો તારો જ છે. લક્ષ્મીએ ગમે તે કર્યું હતું; પણ તું તો જાણતો હતોને કે મારી મા કદીયે ચોર નહોતી. તારે તો કહેવું જોઈતું હતું કે તે કોઈ દિવસ, એક ક્ષણ માટે પણ ચોર નહોતી. લાલા, આપણે ભલે દેખાવ કરીએ પણ બધાયે ઊંડે ઊંડે ક્યાંક તેને દોષી ગણીએ છીએ. ‘તે મનથી સારી હતી પણ...’ એ બધાં આપણાં ઓઠાં. આપણે શું બોલીએ છીએ એનું ભાન ક્યાં છે? આવા બહાના ઉપર આ તું, સ્વયં તું પણ મૂંગો રહ્યો. ધિક્કાર છે.’
નંદુની વાત સાચી હતી. હકીકતમાં દુર્ગા ક્યારેય ચોર હતી જ નહીં. તે જો ચોર જ હોત તો સ્ટેશન પર, ગાડીમાં, અનેક સ્થળે મૂલ્યવાન ચીજો ભરી પડી હતી તે બધી સલામત કેમ કરીને રહેત? જો તે ખરેખર ચોર હોત તો સામેના માણસના ખિસ્સામાંથી ટિકિટ સુધ્ધાં કાઢી લઈ શકે એવી તેની કુશળતાનો તો હું જીવતો જાગતો સાક્ષી છું.
જો દુર્ગા ચોર હોત તો તે બપોરની ભૂખી છોકરીની નજર સામે ગાડીનાં મુસાફરોનાં ટિફિન સહીસલામત શા માટે પડી રહ્યાં છે એટલું પણ મારે લક્ષ્મીને પૂછવું જોઈતું હતું. સામેના યુગલને મારે કહેવું જોઈતું હતું કે લક્ષ્મી તેમને જુઠ્ઠું કહેતી હતી. દુર્ગાથી સાવચેત રહેવાની જરૂર નથી. ઊલટાનું દુર્ગા હાજર છે ત્યાં સુધી તમારો સામાન પૂર્ણ રીતે સલામત છે. તમે સહેજ પણ ચિંતા કર્યા વગર ઊંઘી જજો.
મેં તેવું કહ્યું નહીં તેનો મને રંજ છે. આજે પણ મને થાય છે કે મેં દુર્ગાને છેહ દીધો હતો. તે વખતે પોતે ચોર નથી તેની ખાતરી દુર્ગા પોતે તો શી રીતે આપવાની હતી? તેથી જ તે કંઈ બોલી નહીં હોય. નંદુ તો નહોતો. હું હતો, પણ કંઈ બોલ્યો નહીં. ત્રીજો હતો ઈશ્વર જે કદીય કંઈ બોલતો જ નથી.
વાડીએથી રખેવાળનો સાદ સંભળાયો એટલે હું મારા વિચારો ખંખેરતો હોઉં તેમ માથા પર હાથ ફેરવીને ઊભો થયો. કરમી તો ક્યારનીયે દૂર જઈને ચાંદનીના અજવાળે કંઈક શોધતી હોય તેમ રેતીમાંથી છીપલાં વીણતી હતી.
ચાંદની અને નદીને ઉદાસ છોડીને અમે વાડી તરફનો ઢોળાવ ચડ્યાં. નિમુબહેન બેસતાં તે ઓટલો ભાંગ્યો-તૂટ્યો પણ હજી હતો. ઓટલા પાસે વ્હીલચેર ઉપર મોહિન્દર બેઠો હતો. તેણે અમને પૂછ્યું, ‘નદીએ ફરી આવ્યાં બાપ-દીકરી?’
‘હા, તને ખબર છે? આ નદીએ તો હું બોલતાં શીખી છું.’ કરમીએ કહ્યું અને ઓટલા પર બેઠી.
મેં મોહિન્દરને માથે હાથ મૂક્યો અને પછી તેના ટૂંકા હાથનો પંજો હાથમાં લઈને કેટલોય સમય તેની સામે ઓટલા ઉપર મૌન બેસી રહ્યો. કેટલીયે વારે મોહિન્દરે કહ્યું, ‘તો અમે કાલે જઈએ? તમે કહેશો ત્યારે આવી જઈશું.’
મેં ઊભા થતાં થતાં જવાબ આપ્યો, ‘યસ માય ચીલ્ડ્રન, જાવ.’
***