64 Summerhill - 21 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 21

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 21

ફાતિમા સામે હાથ લંબાવીને ત્વરિતે ગોગલ્સ માંડી લેવા પડયા.

ચોમાસાની બપોરના હજુ અગિયાર વાગ્યા ન હતા ત્યાં તીવ્ર બફારો સુક્કી અને ભેંકાર હવામાં ઘૂમરાઈ રહ્યો હતો. બિકાનેરથી નીકળ્યા પછી લેન્ડસ્કેપ સતત બદલાતો જતો હતો. તડકો વધુ આકરો થતો જતો હતો અને હવામાંથી જાણે કોઈક અકળ ટીસ ઊઠતી હોય તેમ સન્નાટાનું મૌન વિલિઝની એકધારી ઘરઘરાટીને બિહામણું બનાવતું હતું.

ત્વરિતે મોબાઈલના સ્ક્રિન પર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ચેક કરી. ડાબે-જમણે સતત ટર્ન લેતો રસ્તો... તેને રસ્તો ય શેનો કહેવાય? ગાલ પર ઊઘડેલા સસ્તા પાઉડર જેવી, ભીતરની ખારાશની સફેદી ચહેરા પર છાંટીને દોડી જતી એ ઉબડખાબડ સડક માત્ર હતી.

ત્વરિત આખા રસ્તે સતત તેની આસપાસ દેખાતા ચહેરાઓને ધ્યાનમાં રાખતો જતો હતો. મળસ્કે હોટેલમાં પહોંચ્યા પછી એ સખત થાક્યો હતો પણ દિમાગ પર સવારે થયેલો ઉશ્કેરાટ તેને ઊંઘવા દેતો ન હતો.

ભેદી, તિલસ્મી ગણાતી વામપંથી મૂર્તિ યા તો કિંવદંતી છે અથવા તો હજારો વર્ષોની ઉથલપાથલમાં નાશ પામી છે એવું આખી દુનિયાએ સ્વીકારી લીધું હતું ત્યારે એક આદમી દેશભરમાં ખૂણેખાંચરે પથરાયેલી આવી મૂર્તિઓને શોધી-શોધીને ઊઠાંતરી કરાવી રહ્યો હોય એ કલ્પના માત્રથી તેને રૃંવેરૃંવે ઉત્સુકતાના ચટકા ભોંકાતા હતા.

કોણ હતો એ આદમી? આદમી હતો કે ઓરત? પોતાના અસ્તિત્વની જરાક સરખી ઓળખ પણ ન આપવા દઈને કઈ રીતે એ સતત છપ્પનનો પીછો કરી શકે છે? હવે તો તેને પોતાના વિશે ય ખબર છે... ત્વરિતને ફરીથી કંપારી છૂટી ગઈ.

ના, કોઈપણ હિસાબે ગમે તેમ કરીને આખી દુનિયાના કાયદા-કાનૂન તોડીને ય આ ભેદી દુબળીને તો પટકવો જ રહ્યો. તે સપાટાભેર પથારીમાંથી ઊભો થયો. એક ચાદર ઊઠાવીને શરીર ફરતી વીંટાળીને એ બહાર નીકળ્યો અને હોટેલની આસપાસ દેખાતા પ્રત્યેક ચહેરામાં તે દુબળીને શોધવા મથતો રહ્યો હતો.

તેને જોકે સમજાતું ન હતું કે દુબળી તેનો પીછો કરે કે છપ્પનનો? છપ્પન અત્યારે ક્યાં હશે? તેણે પોતાનો પ્લાન કહ્યો ન હતો. ત્વરિતે કેશાવલી માતાનાં મંદિરે જઈને એ મૂર્તિ ઓળખવાની હતી, પણ એ મૂર્તિ ઓળખ્યા પછી છપ્પન તેને ક્યાં મળશે એ વિશે તેણે સાલાએ કશું જ કહ્યું ન હતું.

'વો ફિકર મત કર... તારે બાર વાગ્યા સુધીમાં મંદિરે પહોંચી જવાનું છે...' આટલું જ તેણે કહ્યું હતું.

જમીનની તરાહ હવે સાવ બદલાઈ ગઈ હતી અને સડક પર જાણે વહાણ ચાલતું હોય તેમ વિલિઝ એકધારા હડદોલા ખાતી દોડી રહી હતી. પાછળ આવતા વાહનો તરફ અને સડકની ધાર બાજુ દેખાતી દરેક હલચલને તે બારીકાઈથી જોતો રહેતો હતો. તેની જીપની આગળ લગભગ બસ્સો મીટર દૂર બીએસએફની એક ખટારી જઈ રહી હતી. આઠ-દસ ઊંટસવારોના કારવાઁને તેણે ઓવરટેઈક કર્યો હતો.

'ઠન્ડે પાની કી પ્યાઉ' લખેલા પાટિયા, બોરડીના ઝાડના છાંયે ભીના કંતાન વીંટેલા, જમીનમાં અડધા દાટેલા ઊભા ઘાટના બે-ત્રણ માટલા, એકાદ-બે ખટિયા પર ઊભડક બેઠેલા દેહાતીઓ વચ્ચે ઘૂમરાતો ચલમનો ધૂમાડો, રસ્તા પર મોટરસાઈકલ પાર્ક કરીને થોરના ઝુંડ પાછળ પેશાબ કરી રહેલો એક આદમી...

ત્વરિત એકેએક ચહેરો મનોમન નોંધતો જતો હતો અને એ પ્રત્યેક ચહેરો તેના હૈયામાં અજાણ્યો થડકાટ પેદા કરતો જતો હતો.

રણની મુસાફરીની રંગત આવી વસમી હશે તેનો આંચકો ફાતિમા અને ચંદાના ચહેરા પર પણ દેખાતો હતો. પૈસાની લાલચ અને ડેઝર્ટ સફારીની મોજના આશયે જોડાયેલી બંને ઓરતો ઘૂઘવતી નદીના લીલાંછમ કાંઠે ઉછરી હતી. રણ વિશે ફિલ્મોમાં જોયેલા દૃષ્યોથી વિશેષ કોઈ સમજ તેમનામાં હોય એવું ત્વરિતને લાગતું ન હતું.

દેહાતી વેશ પહેર્યા પછી ઉન્માદ આવીને બેય આખા રસ્તે કલશોર મચાવતી રહી હતી. સુંવાળી રેતીના ઢૂવા હશે, મસ્ત ચાંદની રેલાતી હશે અને બેય હાથના બલોયા હવામાં ખનકાવીને 'મોરની બાગામાં બોલે આધી રાતમાં...' એવા રોમેન્ટિક ગીતો ગાઈશું એવી તેમની તમામ કલ્પના આકરો તાપ અને કરાલ સન્નાટો ખાઈને હવાઈ ગઈ હતી. બેયનો કલબલાટ શમી ગયો હતો અને જીપના માફામાંથી ફૂંકાતી ગરમ હવાના દઝારાથી બચવા બંનેએ ચહેરા પર જાડા દુપટ્ટા ઢાંકી દીધા હતા.

બિકાનેરથી સાડત્રીસ કિલોમીટર પછી બીએસએફની ચેકપોસ્ટ આવી ત્યારે સ્ટિઅરિંગ ફરતા ભીંસાયેલા ત્વરિતના આંગળામાં ધૂ્રજારી થવા માંડી હતી. ચેકપોસ્ટ એટલે રસ્તાની બેય સાઈડ પાકા બાંધકામની કેબિન હશે, ઝિગઝેગ બેરિકેડ વટયા પછી બેરિયર પોલ આડો પાડીને રસ્તો બંધ કરાયો હશે અને...

ચેકપોસ્ટની હાલત જોઈને ત્વરિતને તીવ્ર થડકારા હેઠળ પણ હસવું આવી ગયું. સડકની બેય બાજુ ડાબે-જમણે થોડાંક થોડાંક અંતરે બનાવેલા સેન્ડબેગના માંચડા, માંચડા પાછળ સ્ટેનગન લઈને ઊભેલા કરડા ચહેરાવાળા ચોકિયાતો અને ડામરના ખાલી પીપ રસ્તા પર ગોઠવીને ઊભી કરાયેલી આડશો... ભારત અને પાકિસ્તાનને જુદા પાડતા ભેંકાર રણ તરફ જતી સડકનું એ છેલ્લું થાણું હતું.

ત્વરિતે ધાર્યું હતું એવો સાવ નિર્જન વિસ્તાર ન હતો. અહીંથી ત્રણ કેડા ફંટાતા હતા. એક કેડો ડેરા સુલ્તાનખાઁ તરફ જતો હતો અને બીજો બીએસએફ કેમ્પ તરફ જતો હતો. એ તરફ જવાની ખાનગી વાહનોને છૂટ ન હતી. ત્રીજો કેડો ડેરા તરફ જતી સડકની સમાંતરે થોડેક સુધી જઈને પછી થોર-બોરડીની કાંટાળી લીલોતરી તરફ ફંટાતો હતો.

એ રસ્તે એક ખુબરામાં ઊંટની લે-વેચ ચાલતી. એ વિસ્તાર ઊંટિયાલી તરીકે ઓળખાતો. દેશભરમાંથી ઊંટ ખરીદવા આવતા વેપારીઓ, વણઝારાઓ, 'દેહાલ' તરીકે ઓળખાતા ઊંટને કેળવનારા રણના બાશિંદાઓની અહીં આવ-જા રહેતી. નિયમિત રીતે અહીં આવનારાઓ બીએસએફની બિકાનેર ઓફિસથી માસિક પરવાનો લઈ રાખતા, જેને સ્થાનિકો 'પીલા પાસ' તરીકે ઓળખતા. જ્યારે છૂટકપુટક આવનારાંઓ માટે ભૂરા રંગના પૂંઠા પર પરવાનગી અપાતી હતી.

ત્વરિતે ડબલ બેરલ રાઈફલ ખભા પર ભરાવી. ગમછાના છેડાથી ચહેરા પરનો પસીનો લૂછ્યો. નાનકડા પાઉચની ઝીપ ખોલીને ઓળખના બનાવટી પૂરાવા કાઢ્યા અને જીપની નીચે ઉતર્યો ત્યારે વગર રેતીએ તેના પગ તળેથી જમીન સરકતી હોય તેમ તેને લાગતું હતું.

પ્રયત્નપૂર્વક તેણે જાતને સ્વસ્થ કરી પીપની આડશ પાસે ઊભેલા સ્ટેનગનધારી જવાન તરફ કાગળો લંબાવ્યા અને જાણે આસપાસનો નજારો નિરખતો હોય તેમ આડું જોઈને બોલી ગયો,

'મંદિર જાના હૈ...'

'જનાને કે સાથે તો મંદિર હી જાઓગે ના...' જવાને તેના હાથમાંથી કાગળ લીધા, 'બાકી તો ઉધર ઓર કુછ હૈ હી ક્યા?'

બીજા પીપડા પર મૂકેલા લાકડાના એક નાનકડી પેટી જેવા બોક્સમાંથી તેણે બ્રાઉન પૂંઠાવાળું રજિસ્ટર કાઢ્યું અને ત્વરિતના ઈલેક્શન કાર્ડમાં જોઈને લખવા માંડયું, દેવુસિંઘ જયસલાણ, ઠે. કુંઢા, જિ. ભરતપુર...

પછી તેણે નજર તિરછી કરીને વિલિઝ જીપ પર લખેલો ગાડીનો રજીસ્ટ્રેશન નંબર નોંધ્યો. ગાડીમાં કોણ-કોણ છે, શા માટે જવું છે એવી રોજિંદી પૂછપરછ કરી. કોઈ કારણ આપ્યા વગર માથાદીઠ પાંચસો રૃપિયા લીધા અને ગેટપાસ બનાવી દીધો. ગાડીની ચકાસણી કરતો હોય તેમ વિલિઝ ફરતો એક આંટો માર્યો. જાડાં કાપડના ખુલતાં, દેહાતી કાપડાં તળેથી ય અછતા ન રહેતા ફાતિમાના ભરાવદાર ઉભાર તરફ લોલુપ નજરે જોયું. ભદ્દા અવાજે મોંમાંથી જર્દાનો ગંદો બડખો કાઢ્યો અને પીપડાંની આડશ હટાવી લીધી.

કમાન્ડન્ટના ગિન્નાયેલા મિજાજથી બેખબર એ જવાનની આ રોજિંદી બેદરકારી આજે તેને ભારે પડવાની હતી.

***

'કમાન્ડન્ટ સર...' તેણે વોકીટોકીનો માઉથપીસ હોઠને અડાડીને કહ્યું, 'વિલિઝ જીપ મેં એક આદમી-દો ઔરત ટેમ્પલ કી ઓર આ રહે હૈ, સર...'

રસ્તાની ધાર પર મોટરસાઈકલ પાર્ક કરીને થોરના ઝુંડ પાસે પેશાબ કરવા ઊભેલા એ આદમીને ત્વરિતે જોયો હતો, પણ તેને ખબર ન હતી કે બિકાનેરની ઉત્તર-પશ્ચિમ દિશાની આ એકમાત્ર સડક પર તેણે જીપ વાળી ત્યારે જ તેને ઓવરટેક કરીને આગળ નીકળી ગયેલો આ મોટરસાઈકલ સવાર બીએસએફનો આદમી હતો.

'ઓકે...' વિશ્વનાથે કાગળ પર કશુંક નોંધ્યું. યાત્રાળુઓનું આ ચોથું વાહન હતું. ડેરા, ઊંટિયાલી અને મંદિર વચ્ચે છેક રણ તરફ પથરાયેલા ખુબરાઓમાં ત્રણ દિવસથી કશીક ભારે મૂવમેન્ટ હોવાના રિપોર્ટ તેમને મળી ગયા હતા. સ્થાનિક ઈનચાર્જને અને સ્ટાફને સદંતર બેખબર રાખીને પોતે અહીં મોરચો માંડયો હતો. વિશ્વનાથે જબ્બર જોખમ ઊઠાવ્યું હતું પણ પોતાની ઉજળી કારકિર્દી પર કાયમ માટે કલંક લાગતું અટકાવવા એ રાજપૂત બચ્ચો મરણિયો બન્યો હતો.

ઊંટિયાલી કે મંદિર તરફ જતા દરેક વાહનનો પીછો કરાવવાનું તેણે ગોઠવી દીધું હતું. એ સિવાય બંને સ્થળોની આસપાસ તેમના આદમીઓ દેહાલ કે વણઝારાના વેશમાં ઊંટ પર સવાર થઈને ફરી રહ્યા હતા. ઊંટિયાલીમાં ય કેટલાંક જવાનોને તેમણે વેપારી તરીકે ઘૂસાડી દીધા હતા.

'એક કામ કર...' વિશ્વનાથે ઘડીક વિચારીને જવાબ વાળ્યો, 'તું એ ગાડીનો પીછો જારી રાખ... સ્હેજપણ અંદેશો ન આવે તેની કાળજી રાખજે... કિપ સેઈફ ડિસ્ટન્સ. કોઈ ભી સસ્પિસિયસ મૂવમેન્ટ દીખે તો ભી હમ કરને દેંગે... ડોન્ટ સ્ટોપ એનીબડી વિધાઉટ માય ઓર્ડર... ઠીક હૈ?'

'યસ સર.. રાઈટ સર..' એ આદમીએ મોટરસાઈકલ સ્ટાર્ટ કર્યું.

'ચેકપોસ્ટ પરથી પરવાનો કઢાવીને જ જજે...' પોતાના ઓપરેશનની વિગતો છાની રાખવા અને આતંકી તત્વોને અંધારામાં રાખવા માટે ચેકપોસ્ટ પર ઊભેલા જવાનો ય બેખબર રહે એ વિશે વિશ્વનાથ બહુ જ સતર્ક હતા, 'બી કેરફૂલ એન્ડ ગો અહેડ...'

વિશ્વનાથે વોકીટોકી ઓફ્ફ કર્યું અને બીજા સેટ પરથી મંદિર આસપાસ ફરતાં આદમીઓને સૂચના આપી દીધી.

અગાઉ ગયેલા યાત્રાળુઓના ત્રણ કાફલા પૈકી એક ગાડી પરત જવા નીકળી ગઈ હતી. બીજા બે કાફલાના આદમીઓ-ઓરતો હજુ મંદિર અને તેનાંથી થોડે દૂરની છત્રી આસપાસ જ હતા. ક્યાંય કોઈ શંકાસ્પદ હિલચાલ ન હતી એથી વિશ્વનાથને રાહત પણ થતી હતી અને તેમનો અજંપો ય બેવડાતો હતો.

શરીરને તંગ કરીને તેમણે ચહેરા પરની અસ્વસ્થતા હટાવી દીધી. તેમણે જુગાર તો ખેલ્યો જ હતો પણ એ જુગાર કેવડું મોટું જોખમ ઊભું કરવાનો હતો તેનો કમાન્ડન્ટ વિશ્વનાથ પરિહારને ય અંદાજ ન હતો.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED