વીર વત્સલા - 16 Raeesh Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીર વત્સલા - 16

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 16

વીણા અને વત્સલા બન્ને પ્રેમિકાઓ આજે પોતપોતાના પ્રેમીઓને મળી ચૂકી હતી.

ઉત્સાહ અને આનંદથી ઘેલી થયેલી વીણા એકધારી પોતાની કથા સંભળાવી રહી હતી. વત્સલા બન્ને કાન દઈ ધ્યાનથી સાંભળી રહી હતી. એક કાનને વીણા-ચંદનસિંહના પ્રેમપ્રસંગની જિજ્ઞાસા હતી, પણ બીજો કાન એ વાત પર ચોંટેલો હતો કે વીણાએ અભયની બાબતે ચંદનસિંહને શું કહ્યું? કેમ કે, સાંજ સુધી બન્ને મિત્રોની મુલાકાત નક્કી હતી.

વીણા કહી રહી હતી કે ચંદનસિંહે ગણેશને ખૂબ વહાલ કર્યું. એને માટે ઘણા રમકડાં પણ લાવ્યો. વત્સલાએ વિચાર્યું, ગરીબ માણસો થોડીક જ સારપથી રાજીના રેડ થઈ જાય. વીણાના ઘરથી સહુએ આ સંબંધ સ્વીકારી લીધો પણ ચંદનસિંહના ઘરેથી મંજૂરી મળવી મુશ્કેલ હતી, પરંતુ આવું લાંબુ વિચારનારા પ્રેમ ક્યાં કરી શકે છે?

વત્સલાએ આખરે વીણાને પૂછ્યું, “ચંદનસિંહને તેં મારા અભય વિશે વાત કરી?”

“ના!”

વત્સલાને હાશ થઈ. પણ હાશ ઘડીભરની હતી. ટાળી ટાળીને કેટલું ટાળી શકાશે?

વીણા બોલી, “પણ એને પાદરે હુકુમસિંહે કહ્યું કે વીરસિંહની રાહ જોવાને બદલે વત્સલા કાળું કામ કરીને બેઠી છે! અને પછી રસ્તે કોઈએ કહ્યું વત્સલાના ખોળામાં તો કોઈનું બાળક રમે છે!”

“ચંદનસિંહ શું કહેતો હતો?”

“એ કહેતો હતો, હકીકતે શું બન્યું તે જાણવું તો પડશે!”

વત્સલા કંઈ બોલ્યા વગર સાંભળી રહી.

“ચંદનસિંહે કહ્યું કે વીરસિંહ કે વત્સલાને તો કોઈ પૂછવા નહીં જાય, સહુ તને અને મને જ પૂછશે કે હકીકત શું છે?”

વત્સલાના હાવભાવ નીરખતી વીણા બોલી, “વાત તો સાચી જ છે ને!”

વત્સલા બોલી, “તે એને અભય વિશે શું કહ્યું?”

“મને ખબર હોય તો કહું ને? પણ.. આજે નહીં તો કાલે મારે એને કહેવું પડશે કે આ બાળક તારા ખોળામાં ક્યાંથી આવ્યું છે. આજે તો વાત ટળી ગઈ કેમ કે સરદારસિંહની ટોળકીમાં સામેલ થવા માટે એ વીરસિંહને મળવાની ઉતાવળમાં હતો.”

ઘડીઘડી વત્સલાના મનમાં સરવાળા બાદબાકી ચાલી રહ્યા હતા. વીણા જે ધારશે, એ ચંદનસિંહને કહેશે. ચંદનસિંહ જે સમજશે તે વીરસિંહને કહેશે અને વીરસિંહ શું પ્રત્યાઘાત આપશે એના આધારે એની મમતાનું અને એના પ્રેમનું ભવિષ્ય નક્કી થશે. વીણાને મન તો આ બે સહેલીઓના દિલની વાતચીત હતી. પણ વત્સલાને મન આ કટોકટીની પળ હતી.

પહેલી મુલાકાતમાં એ વીરસિંહને સત્ય કે અસત્ય કશું કહી શકી નહોતી. હવે બીજી મુલાકાતમાં મોઢામોઢ કશુંય કહી શકાશે?

“અભય બાબતે મારે શું કહેવાનું છે, મને ખબર તો હોવી જોઈએ ને?” વીણાએ ફરી પૂછ્યું.

એણે અચાનક એક નિર્ણય લીધો. એક અસત્ય સત્યની જેમ કહેવાનો નિર્ણય!

વીણાની લટ સાથે ખેલતી વત્સલા બોલી, “જો વીણા તું મારી જીવથી વહાલી સહેલી છે એટલે તને કહું છું. પણ તું આ વાત ચંદનસિંહ સિવાય કોઈને નહીં કહે!”

વીણા જાણવા અધીરી થઈ હતી, એની સામે વત્સલા ગણતરીપૂર્વકનું અસત્ય બોલી, “આ બાળક મારી કૂખનું જ છે.”

ફાટી આંખે વીણા બોલી, “વત્સલા, હોય નહીં!”

વત્સલાએ હકારસૂચક નજર ઢાળી. વીણા વત્સલા પર શંકા ન કરે. પણ આ વાત પચાવતાં એને બે પળ લાગી.

“બાપ કોણ છે એનો?”

વત્સલાએ હાથવગો જવાબ આપ્યો, “શાહુકારનો દીકરો!”

વીણાએ પૂછ્યું, “બળજબરી?”

વત્સલાએ કહ્યું, “ના, મજબૂરી!”

વીણા વિચારે ચડી.

વત્સલા વરસ ઉપર વગડામાં રહી, ત્યારે બાકી રહેલું દેવું વસૂલવા શાહુકારનો દીકરો ત્યાં જતો હશે? વીરસિંહને મનથી વરેલી વત્સલા એ નપાવટને શરણે થાય? કદી નહીં. બીજી જ પળે વીણાને વિચાર આવ્યો, ગરીબી શું ન કરાવે?

અસમંજસની મનોદશા પડતી મૂકી વીણાએ પૂછ્યું, “અટાણે એ તને હેરાન કરે છે?”

વત્સલાએ ના પાડી, “એની તો ગરજ સરી ગઈ!”

“એ નપાવટના બાળકને તેં જનમ જ કેમ દીધો? તારા માણેકબાપુ તો ઓસડિયાના આવડા મોટા જાણકાર છે!”

વત્સલાને થયું, એક અસત્ય બોલવામાં વાત ક્યાંથી ક્યાં ચાલી ગઈ. એણે તો બસ વીણા અને ચંદનસિંહના મગજમાં આ બદનામી ભરેલી વાત એટલા માટે નાખવી હતી કે અભય દિલિપસિંહનો વારસ છે, એવી શંકા એમને ન આવે, અથવા જ્યારે કોઈનેય આ શંકા આવે ત્યારે આ લોકો આ વાત વડે એ શંકાનું ખંડન કરી શકે. બહુ જોખમી અસત્ય એ બોલી હતી. પણ હવે એ નિભાવવું પડે એમ હતું.

“બહુ કોશિશ કરી, પણ ઓસડિયા કામ ન લાગ્યા! અને એકવાર બાળક પેટમાં ફરકવા લાગે, પછી એની સાથે માયા બંધાઈ જાય છે!”

વીણાની સમજમાં આ વાત જરા મુશ્કેલીથી ઉતરે એમ હતી, પણ પોતાની જીવથીય વહાલી સહેલીને તમામ ગુણદોષ સાથે અપનાવવાની એની તૈયારી હતી. એટલે એનાં મન અને બુદ્ધિ આ વાત સ્વીકારવા જેટલા વિશાળ થયાં.

*

બપોર સુધી તો વીરસિંહ અને સરદારસિંહ થોડા સાથીઓ સાથે માલવપુર પહોંચી ગયા હતા. કોઈ પગલું લેતાં પહેલા માલવપુરના મુખી પાસે બેસીને મળેલી બાતમી સાથે હકીકતનો તાળો બેસાડવાનું નક્કી થયું.

માલવપુરની સીમમાં તેજલબાના ભાઈ સગરામસિંહનું ખેતર હતું. એ ખેતરમાં સગરામસિંહની હવેલી છ મહિનાથી પડતર પડી હતી. સગરામબાપુ અને એમના પત્નીનું તો ઉધમસિંહે કાસળ કાઢી નાખ્યું હતું.

ઊગતા સૂરજને સહુ પૂજે એમ મુખી અટાણે દુર્જેયસિંહની સાથે થઈ ગયા હતા. મુખીએ કહ્યું, “થોડા દિવસ પહેલા હવેલીમાં રાતે બાર પછી દીવા બળતા કોઈએ ભાળ્યા હતા. એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર.”

સરદારસિંહ બોલ્યો, “કોઈ ગંજેરીઓએ ધામો નાખ્યો હશે હવેલીમાં!”

એ જવાનિયાઓને બોલાવવામાં આવ્યા, જેમણે દીવા જોયા હતા. ત્રણ જવાનિયા હતા. ત્રણેએ દીવા જોયા હતા.

બસ આટલી વાત હતી. એમાંથી ભૂતપ્રેતની અફવા ફેલાઈ.

ત્રણમાંથી એક જવાનિયો દોઢડાહ્યો હતો, બોલ્યો, “મને તો લાગે છે કે સગરામસિંહનું ભૂત દુર્જેયસિંહ સાથે લડવા માટે સેના એકઠી કરે છે!”

વીરસિંહ બોલ્યો, “હું ભૂતપ્રેતમાં નથી માનતો, ચાલો હવેલી બતાવો!”

“અટાણે ના હોય, ભૂત રાતે બાર પછી ડૂટી(ડ્યૂટી) પર આવે.” જવાનિયો બોલ્યો.

“રાત રોકાઈ જઈએ, સરદારસિંહ! જોઈએ તો ખરા સગરામસિંહનું ભૂત કેવું છે?” વીરસિંહ બોલ્યો.

સરદારસિંહ જરા હબકી ગયો હતો, પૂછવા લાગ્યો, “ભૂત ખરેખર છે? કોણે જોયું? અને ભૂત સગરામસિંહનું હતું? ના, ના! દિલિપસિંહનું હશે!”

પોતાના સરદારની કમજોરી છતી થાય એ પહેલા વીરસિંહ સરદારસિંહને બહાર લઈ ગયો અને ધીમેથી કહ્યું, “તમે જેને મારો છો, એનું ભૂત તમારા પોતાના મનમાં ઘર કરી જાય છે. બીજે ક્યાંય નથી હોતું!”

સરદારસિંહ પરત ફરવા માંગતો હતો પણ વીરસિંહે રાતના સમયે છુપાઈને હકીકતનો તાગ મેળવવાનું નક્કી કર્યું. રાતે અગિયાર વાગ્યે વીરસિંહ સાથીઓ સાથે છુપાઈને સગરામસિંહની પડતર હવેલી પર ગયો. અનુકૂળ જગ્યા શોધી સહુ છુપાયા. એક કલાક થયો. બે કલાક થયા, કોઈ આવ્યું નહીં. સાથીઓ બગાસાં ખાવા માંડ્યા ત્યાં જ રાતે દોઢ વાગ્યે, હવેલીની પાછળની દિશાની બારી ખૂલી, એક બુકાનીધારી પ્રવેશ્યો. અને એણે મીણબત્તી જલાવી. પટારો ખોલ્યો. વીરસિંહના એક સાથીએ બંદૂક તાકી. વીરસિંહે ઈશારાથી ના પાડી, “હમણાં નહીં!” સાથી નિરાશ થયો, “અરે એ એકલો છે અને આપણે ત્રણ! પતાવી દઈએ!” સાથીએ ઈશારાથી કહ્યું.

વીરસિંહની સાવચેતી સાચી પડી. ધીમેધીમે સીમની દિશામાંથી એક પછી એક બારેક બુકાનીધારી આવ્યા. ધીંગાણું થયું હોત તો વીરસિંહ સહિત ત્રણેનાં મોત નક્કી હતાં.

બુકાનીધારીઓએ પટારામાંથી શસ્ત્રો કાઢ્યા. વીરસિંહને ખ્યાલ આવી ગયો કે આ બળવાખોરોનું કોઈ જૂથ હતું, માલવપુર કે આસપાસના ગામના હશે. અહીં ભાલા, બરછી, ખંજર વગેરે શસ્ત્રો એકઠા કર્યા છે અને કદાચ શસ્ત્રો ચલાવવાની તાલીમ પણ અહીં જ લે છે. કોણ હશે બળવાખોરો?

બંધિયાર ધૂળિયા ખંડમાં છીંક આવતાં જ બળવાખોરોના આગેવાન જેવા દેખાતાં માણસે બુકાની હટાવી. મીણબત્તીના આછા અજવાળેય એ ચહેરો વીરસિંહને જાણીતો લાગ્યો. વશરામ કોળી હતો એ? એ જીવે છે હજુ? શું એ શક્ય હતું કે વશરામ કોળી જીવતો હોય?

***