indian lovestory - 18 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - ૧૮. પુનઃમિલન


ભુજ ના સ્ટેશને ઉતરીને કાવ્યા મા આવેલુ ચૈતન્ય અને સૌમ્ય એ નાંખેલ નિસાસા નો ધ્વનિ ને નજરબહાર રાખવા કપરા હતા . સૌમ્ય ને કરણ સાથે કે તેના લગ્ન બાબતે કોઈ રસ ન હતો . કાવ્યા ની જીદ અને તેને દુખ ન થાય એ જ તેની પ્રાથમીક્તા હતી . તે એકદમ સ્પષ્ટ હતો કે બને ત્યા સુધી કોઈની સામે લાંબી ચર્ચા કરવી નહી , લગ્ન મા મહેમાન બનીને આવ્યો છો તો મહેમાન ની જેમ જ રહેવુ અને બને તેટલુ જલ્દી લગ્ન પતાવી ને ફરી તેની અને કાવ્યા ના વિશ્વ મા ખોવાઈ જવુ . 
બંને ભુજ મા બે દીવસ રોકાઈ ને કરણ ના ઘરે જવાના હતા , તેમણે રહેવાની વ્યવસ્થા કરી . બે જ વર્ષ પહેલા જે હવા આનંદદાયક હતી તે જ આજે સૌમ્ય ને ખુંચી રહી હતી . હવા મા કોઈ ફેરફાર ન હતો . પરીવર્તન પરિસ્થીતી અને સૌમ્યની માનસીક્તા મા આવ્યુ હતુ  . પુજા ની ઉપસ્થીતી ના કારણે સૌમ ભુજ છોડવા માંગતો ન હતો તેજ આજે ત્યા ઉભો રહેવા પણ અસક્ષમ બની રહ્યો હતો . કાવ્યા એ દરેક શ્વાસ ને સમજી રહી હતી જે સૌમ્ય હાલ મહાપ્રયત્ને લઈ રહ્યો હતો . તે સ્થિતી થી સંપુર્ણપણે વાકેફ હતી પરંતુ દવા કેટલી પણ કડવી ભલે ને હોય પણ તેનુ સેવન આવશ્યક છે કારણ કે તે હીતકારી છે . એવી જ રીતે માનસીક સ્થિતી ખોરવે તેવી પરીસ્થીતી નો સામનો કરવો પણ ક્યારેક સ્વહીત ના કારણે આવશ્યક બની રહે છે . પરંતુ કાવ્યા આવી ગમગીન હાલત મા સૌમ્ય ને વધુ સમય જોઈ શકે તેમ ન હતી . 
“ તો શરુઆત ક્યાંથી કરવાની છે ? મારી ઇચ્છા સૌપ્રથમ તમારી હોસ્ટેલ જોવાની છે . “ 
સૌમ્ય એ ચીડ સાથે ઉતર આપ્યો , “ હજુ આપણે પહોંચ્યા જ છીએ , કાલે જઈશું “ કંટાળા ના કારણે તે પુરુ બોલ્યો પણ નહી . 
કાવ્યા હળવેથી તેને ખેંચી ને બાથરૂમ તરફ લઈ ગઈ , “ ઝડપથી તૈયાર થઈ જાઓ ! બસ નીકળવુ જ છે . “ સૌમ્ય ને અસમંજસ મા છોડી ને પોતે તૈયાર થઈ . તે તૈયાર થઈ ને આવી ત્યા સુધીમા સૌમ્ય હજુ તૈયાર થયો ન હતો તેને બહાર થી અવાજો કરી કરી ને મહાપ્રયત્ને તૈયાર કર્યો અને પછી બન્ને બહાર નીકળ્યા . 
ભુજ મા સૌમ્ય એ પહેલા કાવ્યા ને આયનામહેલ મા લઈ ગયો . ત્યા રાખેલી કચ્છાધિપતી ના સિંહાસન આરોહણ પ્રસંગે આપવામા આવનાર હાથીદાંત ની મૂઠ વાળી તલવાર કાવ્યા માટે એક અદ્ભુત આકર્ષણ બની રહ્યુ . ત્યાના વ્યવસ્થાપક ના ઘણા સમજાવ્યા બાદ તે માની કે ત્તે તલવાર ખરીદી શકે તેમ નથી . ત્યા રહેલી દરેક વસ્તુ સામાન્ય ન હતી . તેમની પાછળ વર્ષો નો ઇતીહાસ છુપાયેલો હતો , ત્યાના દરેક સંભારણા કચ્છના સ્વર્ણીમ ઇતીહાસ ની ઝાંખી પુરી રહ્યા હતા . ભારતીય સંસ્કૃતી ના દીગ્ગજ મસ્તીષ્કો , તેમના દ્વારા થયેલા અદ્વીતીય પરીશ્રમ  અને સમૃદ્ધીના પ્રતીક સમાન અડિખમ ઉભા રહેલા પ્રાગ મહેલ અને આયના મહેલ સાક્ષી પુરી રહ્યા હતા . તે જ ખરો ખજાનો હતો , જે તેમણે આપ્યો હતો . ધન વૈભવ નહી પરંતુ એ શુરવીર લોકો એ આપણને વારસો આપ્યો હતો , જે કદાચ તેમના અનુગામી એવા આપણે તે જાળવી શક્યા નહી . ભારત ના ખુણે ખુણે આવી કથાઓ રહેલી છે પરંતુ આપણે તે સ્વર્ણીમ ભુતકાળ ને ભુલ્યા છીએ . 
ભુજ્મા એક દીવસ ના ભ્રમણ છતા સૌમ્ય એ કાવ્યા ને હોસ્ટેલ બતાવી નહી . કાવ્યા ની ઘણી જીદ ના કારણે ત્તે અમીતભાઉ ના ઘરે જવા રાજી થયો .  સૌમ્ય પુજા ના ઘરે અને છાત્રાલયે નહી જ લઈ જાય માટે તે પણ માત્ર અમીતભાઇ ને મળીને થોડામાંજ સંતોષ માન્યો . 
બીજા દીવસે સવારમાં અનીતભાઇ ના દરવાજે દસ્તક આપી , દરવાજો ખોલીને તેઓ થોડી વાર જોઈ રહ્યા , “ અરે ! સૌમ્ય આવ અંદર આવ ! ઘણા સમય બાદ તને મારી યાદ આવી ? “ તેઓ કાવ્યા અને સૌમ્ય ને ઘરમા લઈ ગયા . તેઓ સૌમ્ય ને જોઈ ને ઘણા ખુશ થયા હોય તેમ લાગી રહ્યુ હતુ . હર્ષ ના અતીરેક માંજ તેઓ બોલી રહ્યા હતા . 
“ છેલ્લે તમે કોઈ મારી વીદાય પણ ના લીધી . બીજા બધા વિદ્યાર્થી ઓથી વીપરીત તમારી સાથે ખુબ જ અંતરંગ સબંધો બંધાયા હતા . માટે છેલ્લે જ્યારે તમે કોઈ મળ્યા નહી ત્યારે થોડુ દુઃખ થયુ , પણ એ જવા દે શુ ચાલે છે ? ક્યા કામ કરે છે ? ક્યા રહે છે ? ઘરે બધા ... અરે આમની ઓળખાણ તો તે કરાવી જ નહી . “ 
“ એ કાવ્યા છે . અમદાવાદ મા મારી બાજુના ફ્લેટ માંજ રહે છે . “ 
“ હં , બરાબર છે . ક્યા છે બાકીના બધા ? ત્યાર પછી કોઈ સામે આવ્યુ જ નથી . બે વર્ષ થવા આવ્યા ક્યારેય કોઈ નો ફોન આવ્યો નથી . તને તો મળતા જ હશે ? બધા શુ કરે છે ? “ અમીતભાઇ ના અવાજ મા ઉત્સુક્તા દેખાઈ રહી હતી . 
“ હુ પણ ત્યારબાદ કોઈના સંપર્ક મા રહ્યો નથી . બધા પોતપોતાના જીવન મા ગુંથાઈ ચુક્યા હશે . બધા વીશે પુછો છો પણ તમે ન જણાવ્યુ કે તમે કેમ છો ? “ 
“ શુ કહુ ? આનંદમા છુ . હવે તમારા જેવા છાત્રો મળતા નથી . હવે સમય પસાર કરવાનો રહ્યો છે . તમને દરેક ને રોજ યાદ કરુ છુ , ખાસ કરીને રૂદ્રને , તે તમે બધા જતા રહ્યા ત્યારબાદ દસ પંદર દીવસે એકવાર અહીયા આવ્યો હતો પરંતુ ત્યારબાદ તો તેના પણ કોઈ સમાચાર મળ્યા નથી . “ 
કાવ્યા રૂદ્ર નુ નામ સાંભળતા જ જાગૃત અવસ્થા મા આવી , “ છેલ્લે તમને રૂદ્ર મળ્યો હતો ? શુ કહ્યુ તેણે ? “ અમીતભાઈ ના મુખ પર આવેલ અસમંજસના ભાવો કળીને કાવ્યા એ તેમને કહ્યુ , “ સૌમ્ય એ તમારા અને રૂદ્ર વીશે ઘણી વાતો કરી છે કે હવે હુ તેમની સાથે અહીજ ભણી હોય તેવ લાગે છે . “ 
સૌમ્ય અને અમીતભાઇ બન્ને ના ચહેરા પર સ્મીત આવ્યુ , “ હા એ બસ મારી રજા લેવા માટે આવ્યો હતો , તે  જતા સમયે મને મળી ન શક્યો તેનો તેને અફસોસ હતો . “ 
સૌમ્ય અને અમીતભાઈ વાતે વળગ્યા અને કાવ્યા મનમા કોકડુ ગુંથવા લાગી . માત્ર રજા લેવા માટે શા માટે આવે ? શુ તે ખરેખર સૌમ્ય ને મુખ દેખાડવા મા શરમ અનુભવતો હશે ? હવે નક્કી છે તે પોતાના કૃત્ય પર લજ્જીત હોવો જોઇએ . અન્યથા તે થોડો વહેલો આવે અને કઈ કામ નડ્યુ હશે તો ત્યાર બાદ સૌમ્ય ને સંપર્ક કરવાનો પ્રયત્ન કરે પરંત તેવુ કશુ બન્યુ નથી એનો અર્થ એજ છે કે તે દોશી છે . સૌમ્ય ની સમસ્યાઓ ઉકેલવાની સપ્રથમ કડી રૂદ્ર જ છે . પહેલા કાવ્યા ને તેના જીવન અંગે શંકા હતી , તેણે એમ માન્યુ હતુ કે અંજલી ના પીતા એ રૂદ્ર ને જીવીત રહેવા દીધો હશે નહી , પરંતુ તે કોઈ પ્રકારે તેમને મુર્ખ બનાવીને નીકળી ચુક્યો હતો . હજુ કાવ્યા નુ હૃદય તેને રૂદ્ર પર શંકા ન કરવા મનાવી રહ્ય હતુ પરંતુ સત્ય તેની સામે જ હતુ  બધા પુરાવા અને બધા તર્ક રૂદ્ર ની વિરૂદ્ધ જ હતા . હવે તેને એજ પુછવુ રહ્યુ કે તેણે આવુ શા માટે કર્યુ ? 
“ ચાલ કાવ્યા “ સૌમ્ય ના અવાજ થી કાવ્યા સ્વસ્થ બની . . તેઓ એ અમીતભાઈ ની વીદાય લીધી પુરા રસ્તા મા કાવ્યા એ  ગુથ્થી ને ઉકેલવા પ્રયાસ કર્યા , પરંતુ સમાધાન મળ્યુ જ નહી . આ વીચાર મા તે સૌમ્ય પર નજર ઠેરવવાનુ ચુકી હતી . સૌમ્ય પર અમીતભાઈ જાણે કશો જાદુ કર્યો હતો તેના ચહેરા પર થાક ના ચિહ્નો દુર થયા હતા . સાંજે તે બન્ને એ નક્કી કર્યુ કે સવાર ના વહેલા જ નીકળી જઈએ . સૌમ્ય પણ હવે થોડો હળવો બન્યો હોવાથી વહેલા કરણ ના ઘરે જવા તૈયાર થયો . તેઓ વહેલી સવારે જ ભુજ થી રવાના થયા . અંતર લાંબુ અને વિષમ હતુ અને રસ્તા મા થોડા સ્થળો ની મુલાકાત કરવાની હતી . 
કાવ્યા કચ્છ નુ સૌન્દર્ય નીહાળી રહી હતી . ચોતરફ પથરાયેલી રેતી અને ત્યાના સ્થાનીક વાસીઓ ને નીહાળવામા રસ્તો ઝડપથી પસાર થઈ રહ્યો હતો . થોડા અંતર બાદ રસ્તા ના વાહનો ઓછા થયા અને રણ ની અપ્રતીમ શાંતી પ્રસરી વળી હતી , શહેર ના ઘોંઘાટ થી દુર આ સ્થળો મન ને આરામ પહોંચાડે છે . પ્રકુતી નુ પ્રત્યેક સ્વરૂપ પોતાની સુંદરતા કળાવ્યા વીના રહી શક્તુ નથી . માત્ર આ સૌન્દર્ય ને નીહાળવા માટે ની દૃષ્ટી તમારી પાસે હોવી જોઈએ . કાવ્યા પોતાના દૃષ્ટીપટ પર અંકીત થઈ રહેલા કચ્છ ના રણના અંશો ને જીવનભર સંઘરી રાખવાના ભાવ થી તે પ્રકૃતી ને માણી રહી હતી . બાજુમાંજ બેસી ને સૌમ્ય તેને માર્ગદર્શન આપી રહ્યો હતો , આ સર્વે વચ્ચે ક્યારે મંજીલ આવી પહોંચી તેનો પણ તેમને ખ્યાલ રહ્યો નહી ? 
કરણના ગામ મા બસ ઉભી રહેતા કાવ્યા અને સૌમ્ય નીચે ઉતર્યા . કાવ્યા એ સૌમ્યની આંખો દ્વારા કરણ નુ ગામ નિહાળ્યુ હતુ પરંતુ આજે તે સ્વયં પોતાની આંખે એ પ્રત્યેક જગ્યાઓ પર નજર ફેરવી રહી હતી જે તેણે શબ્દો થી માણી હતી . સૌમ્ય અને તેની આંખો એ જોયેલા દૃશ્ય મા માત્ર એક જ તફાવત હતો કે સૌમ્ય ને ગામ ભયંકર ભાસ્યુ હતુ પરંતુ આજે કાવ્યા ને તેની સુંદરતા દેખાઈ રહી હતી અને તેમા પણ ગામની મધ્યમા રહેલુ તળાવ ખરેખર આકર્ષણ નુ કેન્દ્ર હતુ આજે બન્ને તરફ ના મહેલો શસ્ત્રો થી નહી પરંતુ પુષ્પો થી આભુષિત હતા . માણસો ની અવર જવર પણ શાંત અને વધારે લાગી જે કઈંક નવુ લાગતા કાવ્યા એ સૌમ્ય સામે જોયુ . 
“ બન્ને વચ્ચે સમાધાન થયુ હશે , ત્યારે જ કરણ અને અંજલી ના લગ્ન નક્કી થાય . સામાન્ય માણસો તો આ બે પરીવારો ને કરણે લઢતા હતા હવે તેમની પાસે પણ કોઈ કારણ નથી . “ સૌમ્ય એ કાવ્યા ના ભાવ જોઈને જ ઉત્તર આપ્યો . 
કાવ્યા કઇપણ બોલ્યા વીના સૌમ્ય પાછળ ચાલવા માંડી . કરણ નુ ઘર નજીક આવતા તેની વીશાળતા અને શણગાર ના કારણે બે પળ કાવ્યા ચાલવાનુ જ વીસરી ગઈ . શણગાર સજીને નવવધુ સમાન મહેલ ઉભો હતો . પ્રવેશદ્વાર પાસે જ આવકાર આપવા માટે ઘણા માણસો ઉભા હતા . તેઓમાના ઘણા સૌમ્ય ને ઓળખતા હશે પરંતુ કાવ્યા ની જાણકારી ઘણી સીમીત હતી અને તે લોકો તો કાવ્યા ને સહેજ પણ જાણતા ન હતા . છતા તેમના તરફ થી મળી રહેલો મીઠો આવકાર અંગત સ્વજન તરફ થી મળી રહ્યો હોય તેવુ જ લાગી રહ્યુ હતુ . સૌમ્ય એ કાવ્યા ની મુલાકાત કરણ ના પરીવાર સાથે કરાવી . કાવ્યા ને મળેલ આત્મીયતાથી તે અચંબીત હતી . શહેર મા તેણે ક્યારેય આવી આત્મીયતા મેળવી ન હતી . નાના ગામ ના કદાચ અશિક્ષીત માણસો એ આપેલ સન્માન તેના માટે નવુ હતુ . તે લોકો જાણે વર્ષો થી જાણતા હોય તેવુ તેને લાગી રહ્યુ હતુ . 
 તેઓ ને અંદર મોટા ખંડ મા થોડી વાર રાહ જોઈ , ત્યા કરણ આવ્યો , આવીને તુરંત જ તે સૌમ્ય ને ભેંટી પડ્યો . તેના ચહેરા પર સૌમ્ય ને જોઈને થયેલો હર્ષ દેખાઈ રહ્યો હતો જ્યારે સૌમ્ય ના મુખ પર હર્ષ ના કોઈ ચિહ્નો કાવ્યા ને કળાયા નહી . તે સૌમ્ય ને ઘણીવાર સુધી બાજી રહ્યો . ત્યાર બાદ તેણે સૌમ્ય ને છોડ્યો અને થોડી વાર તેની સામુ જોઈ ને ઉભો રહ્યો જાણે હજુ તેને વિશ્વાસ ન હતો કે સૌમ્ય તેની સામે છે . 
“ તને આટલા સમય બાદ જોઈને ઘણો આનંદ થયો , તારા માટે એક ઓરડા ની વ્યવસ્થા કરી લઉ . “ એમ કહી કરણે એક માણસ ને કહી કાવ્યા અને સૌમ્ય નો સામાન આપ્યો અને ઓરડા બાબતે કઇંક સમજાવ્યુ . કાવ્યા આ સમય દરમીયાન કરણ નુ નીરીક્ષણ કરી  લીધુ , ખાસ પરીવર્તન ન હતુ , એજ બાંધો , એજ કદકાઠી જેવો તે બે વર્ષ પહેલા હશે તેવો જ આજે હતો . 
“ ચાલ ! તમે ફ્રેશ થઈ જાઓ , તમારો ખંડ બતાવુ “ તે સૌમ્ય ને દોરવા લાગ્યો . થોડીવાર ચાલ્યા બાદ તેણે પુછ્યુ , “ આમની ઓળખાણ ન આપી ? “ 
“ કાવ્યા , ખાસ તારા લગ્ન માટે આવી છે . “ 
કાવ્યા ને અભીવાદન કરી તે બોલ્યો , “ તારા આવવાની મને વધારે આશા ન હતી . તુ આવ્યો તે માટે તારો ખુબ ખુબ આભાર . તારુ સરનામુ મેળવવા માટે ઘણા પ્રયાસો કરવા પડ્યા . અમદાવાદ મા સેટ થયો છે .” ત્યાંજ એક ઓરડા નો દરવાજો બતાવી તેણે કહ્યુ લે તારો ઓરડો આવી ગયો . તમે બન્ને તૈયાર થાઓ ત્યા હુ થોડીજ વાર મા આવુ . કઈપણ જરુરીયાત હોય ખાલી અવાજ કરજે કોઈ ને કોઈ તો આવીજ જશે . “ તે ઓરડો ખોલી ને ત્યાંથી ઝડપ થી નીકળ્યો . 
બન્ને ફ્રેશ થયા અને થોડી વાર માટે મુંગા મોએ બેસી રહ્યા પરંતુ કાવ્યા વધુ સમય તેની જીહ્વા ને રોકવા સક્ષમ ન હતી , “ ઘણો જ સુંદર મહેલ છે , ઘણા સમય પહેલા બન્યો હશે , રાજાશાહી ના ચિહ્નો દરેક જગ્યા એ જણાઈ આવે છે . અને હવે કરણ ની પરવાનગી વીના તો અહીથી જઈ શકાશે જ નહી . ત્તે બહાર થી કઈ રીતે અહી સુધી લાવ્યો તેનો મને સહેજ પણ ખ્યાલ રહ્યો નથી . કેવી મજા આવતી હશે નહી રાજા ની જેમ મહેલ મા રહેવાની ? કરણ ના માતાપિતા અને અન્ય લોકો પણ ઘણા સારા છે . “ 
“ હા , માણસો ઘણા સારા લાગે છે , પરંતુ સ્થીતી નુ સહેજ પરીવર્તન તે લોકો ને સંપુર્ણપણે બદલી નાખશે . માણસ ને ક્યારેય પણ પ્રથમ નજરે પ્રમાણપત્ર આપવુ જોઈએ નહી . સમુદ્ર ની ઉંડાઇ તેને જોવાથી નહી પરંતુ તેનુ ખેડાણ કરીને તાગ મેળવવાથી મળે છે . “ 
બન્ને વધુ કઈ ચર્ચા કરે તેપહેલા જ દ્દરવાજો રણક્યો , કાવ્યા એ દરવાજો ખોલ્યો ત્યારે કરણ ને ઉભેલો જોઈને કહ્યુ , “ આવો તમારી જ રાહ જોઈ રહ્યા હતા . “ 
“ માફ કરજો ઉતાવળ મા અને સૌમ્ય ને મળ્યા ના આનંદ ના અતીરેક મા હુ તમારા હાલચાલ પુછતા જ ભુલી ગયો . તમે પહેલી વાર કચ્છ આવ્યા છો ? “ કાવ્યા ના હકારે કરણ ને આગળ વધવા પ્રોત્સાહીત કર્યો , “ કેવુ લાગ્યુ તમને અમારુ કચ્છ ? “ 
“ ખુબ સરસ ! અહીથી વધુ વીષમ આવસ અને અહીના લોકો થી વધુ સદ્ગુણી માણસો મે હજુ સુધી ક્યાય જોયા નથી . આ વિષમ ભયંકરતા માં છુપાયેલી સુંદરતા ને નીહાળવા મળી એ લાહવો હુ ક્યારેય ભુલી શકીશ નહી . “ 
“ તમારી સ્થીતી ને નીહાળવાની દ્રષ્ટી પ્રભાવીત કરનાર છે . મારા મીત્ર જેવુ સરળ હૃદય કોઈની પાસે નથી . તમે તેમા સ્થાન મેળવ્યુ છે અને ફરી તેને ધબક્તુ કર્યુ છે , તેનો ધબકાર હવે મંદ ન થવા દેતા . તમે તેને પસંદ કરીને તમારા જીવન નો સૌથી ઉત્તમ નિર્ણય લીધો છે . “ 
કાવ્યા એ શરમાઈ ને ઉતર આયો , “ હુ જાણુ છુ . “ સૌમ્ય એ વચ્ચે આવતા કહ્યુ , “ તમારે બન્ને એજ ચર્ચા કરવી હોય તો હુ બહાર જતો રહુ , “ 
સૌમ્ય અને કરણે ઘણી વાતો કરી શરુઆત મા કાવ્યા એ ધ્યાન થી સાંભળ્યુ પરંતુ બન્ને માંથી કોઈ ભુતકાળ વાગોળવા તૈયાર ન હતા . બસ ફરી તેણે તેનુ એકમાત્ર કાર્ય આરંભ્યુ . વીચારો ગોઠવવાનુ . તેનુ અહી આવવાનુ મુખ્ય કારણ એ જ હતુ કે સૌમ્ય પરિસ્થીતી નો સામનો કરે પરંતુ અહી સ્થિતી કઇંક અલગ જ હતી . સૌમ્ય તો શુ કરણ પણ સ્થિતી નો સામનો કરવા માંગતો ન હતો . હવે શુ કરવુ ? પણ કઈ ન સુજતા તે કરણ અને સૌમ્ય ની વાત પર ધ્યાન કેન્દ્રીત કર્યુ . તેને કરણ નો ઉત્સાહ અને સૌમ્ય નો કંટાળો જોઈ શકી . કરણ તેની હાલ ની નોકરી વીશે કહી રહ્યો હતો તેમા વચ્ચે જ કાવ્યા એ કહ્યુ . 
“ બે દીવસ પછી અંજલી તમારી સાથે હશે . આટલો સમય રાહ જોયા પછી હવે ના આ બે દીવસ ઘણા કપરા લાગતા હશે ? “ 
કરણે હાસ્ય સાથે પ્રત્યુતર આપ્યો , “ હા , કપરા તો છે જ પરંતુ તમને ખબર જ છે કે પરીણામ સુખદ અને મારા કીસ્સામા તો સ્વર્ગસમુ મળવાનુ છે  તો થોડો સમય રાહ જોવામા કઈ બગડી જવાનુ નથી . “ થોડુ અટકીને તેણે કહ્યુ , “ સૌમ્ય એ તમને બધી જ જાણકારી આપી લાગે છે . “ 
“ હા ! તમારા બધા વીશે સૌમ્ય જે કઈ પણ જાણે છે તે દરેક વાત હુ જાણુ છુ . માટે જ તમને મળવા અહી સુધી આવી . તમારી પ્રેમ કથા શરુઆત થી જ હુ જાણુ છુ અને હવે તમારો પ્રેમ પુર્ણતા પામવાના આરે છે . પણ એ પુર્ણતા કઈ રીતે પામ્યો તે હુ કે સૌમ્ય બન્ને માંથી કોઈ પણ જાણતા નથી . તમે જ્યારે અંજલી ને પાછી ભુજ થી ઘરે મોકલી ત્યા સુધી હુ જાણુ છુ પરંતુ ત્યાર બાદ શુ બન્યુ હશે તેની હુ કલ્પના સુદ્ધા કરી શકી નથી . જો તમારી ઇચ્છા હોય અને તમે આગળ જણાવો તો તમારી પુર્ણ કથા હુ જાણી શકુ . “ 
પ્રશ્ન એ કરણ ને મુંજવણ મા મુક્યો હતો . તેણે આ પ્રશ્ન ની અપેક્ષા રાખી ન હતી . અને છતા સામે આવેલ પ્રશ્ન થી તે બચી શકે તેમ ન હતો . ત્યાંજ બહાર થી કોઈએ મહેમાન આવ્યા ના સમાચાર આપ્યા અને તેને નિરાંત નો શ્વાસ લીધો . ત્તે સૌમ્ય અને કાવ્યા ની રજા લઈને બહાર નીકળ્યો . કાવ્યા નુ તીર સહેજ અંતરે નીશાન ચુક્યુ . 
સૌમ્ય એ ગુસ્સા થી કાવ્યા ને કહ્યુ , “ તારે તેમની કથા સાંભળીને શુ કરવુ છે ? તેમની સાથે બહુ મગજમારી કરવી રહેવા દે . આ લોકો બહાર થી ખુબ સારા લાગશે પર્ંતુ તેઓ પીઠ પાછળ એવા ઘાવ કરશે કે તુ કોઈ પર પણ વિશ્વાસ કરવો છોડી દઈશ . તેમના થી અંતર જાળવી રાખવા માંજ શાણપણ છે “ 
કાવ્ય સૌમ્ય ને મનાવવાનુ જાણતી હતી તેને એ પણ ખ્યાલ હતો કે થોડા સમય થી વધુ ગુસ્સો તો શુ ગુસ્સા નો અભીનય પણ સૌમ્ય તેની સાથે નહી કરી શકે . તેણે પ્રેમ થી સૌમ્ય ને આલીંગન આપતા કહ્યુ , “ તમે જે કઈ પણ કહો છો ત્તે બધુ બરાબર છે . પરંતુ હુ તે લોકો ને તેમની ભુલો બતાવવા તો અહી આવી છુ . અને તમે મારા પર ચાહે કોઈપણ પ્રકાર ના અત્યાચાર કરો હુ તે જીદ છોડવાની નથી . “ કાવ્યા ની સાદાઇ જ સૌમ્ય ને પીગળાવવા પુરતી હતી , તો સાદાઈ અને સૌન્દર્ય નુ મીશ્રણ કઈ રીતે ખાલી જાય . 
બહાર થી કોઈ નો આવવાનો અવાજ સાંભળતા જ બન્ને શાંત થયા . અને કરણ ની રાહ જોઈ ને ઉભા રહ્યા . કરણ ની સાથે એક જોડા એપ્રવેશ કર્યો કોઈ કઈ કહે તે પહેલા જ કરણે કાવ્યા ને પુછ્યુ , “ શુ તમે આમને ઓળખી બતાવશો ? “ 
કાવ્યા એ વીચારની મુદ્રા મા ઉતર આપ્યો , “ ખુબ જ કઠીન પ્રશ્ન છે . હુ જે ડી ને જાણુ છુ તે ઉત્સાહી , થોડો ગાંડો , હસતો અને ખુશમીજાજી છે . જે લક્ષણો હાલ મને ડી મા જણાઈ રહ્યા નથી . ડી નો ફોટો મે જોયો છે અન્યથા સૌમ્યની વાત પરથી જ હાલ તેને ઓળખવો અઘરો છે . બીજી તરફ સૌમ્યની વાત પરથી પુજા વીશે મે જે કઈ પણ કલ્પનાઓ કરી હતી , પુજા તેવી જ છે . માત્ર થોડુ પરેવર્તન છે જે સમજવુ અઘરુ નથી . “ 
“ હવે ખરેખર તમે અમને બધા ને સારી રીતે જાણો છો તે માન્યા સીવાય બીજો કોઈ વીકલ્પ રહેતો નથી . “ 
ડી આવીને સૌમ્ય ને ભેંટ્યો પરંતુ તેમા કરણ સમાન ઉમળકો ન હતો . પ્રીયા કાવ્યા પાસે આવીને ઉભી રહી . ત્રણે મીત્રો ઘણા સમય બાદ મળ્યા હોવાથી તેમની સામાન્ય વાત પણ ઘણી લંબાણપુર્વક ચાલી . કાવ્યા અને પ્રીયા એ તેમની વાતો માત્ર મુકપ્રેક્ષક બનીને સાંભળી . થોડા જ સમય બાદ રાત્રીભોજન તૈયાર થવાનુ હોવાથી બધા ને નીચે આવવાનુ જણાવી ડી ને તેના ઓરડા મા છોડી ને કરણ નીચે ગયો . ડી માટેનો ઓરડો સૌમ્ય ની બાજુમાંજ જ હતો . 
કાવ્યા ને લાગ્યુ કે તેણે દરેક મોં મા આંગળીઓ દબાવી ને જ બધ બોલાવૌ પડશે . પહેલા કરણ અને હવે ડી એ પણ તેમના ભુતકાળ વીશે એકપણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો . કોઈ પણ પ્રયત્ને તેમ ને બોલાવવા તો રહ્યા જ . તેઓ નીચે જમવા માટે એકઠા થયા . ત્યા કાવ્યા એ પ્રીયા સાથે વાતચીત કરી . અને ભોજન નો આનંદ માણ્યો . અને ત્યારબાદ બન્ને એ તેમના રૂમ મા જઈને ડી અને સૌમ્ય ની રાહ જોવાનુ નક્કી કર્યુ . કાવ્યા એ પ્રીયા સાથે મીત્રતા ની સરુઆત કરી . તે પ્રીયા ને વધુ વિશ્વાસ મા લઈ ને તેની પાસે થી પણ જાણકારી મેળવવા માંગતી હતી . 
થોડો સમય થયો એટલે એ મીત્રોની ત્રીપુટી પણ એ ખંડ મા આવી પહોંચી . થોડા સમય મા બધા હળવા બન્યા . કાવ્યા ને જાણ હતી કે તેના સીવાઈ કોઈ શરુઆત નહી કરે . 
“ તમારા કોલેજકાળ મા હુ તમારી સાથે ન હતી એનો અફસોસ મને જીવનભર રહેશે . અમે પણ કોલેજકાળ મા મજાઓ માણી છે પરંતુ તમારી યાત્રા તો કઈંક અલગ જ હતી . સૌમ્ય પાસેથી મે જે કઈ પણ જાણ્યુ તેમાના મીત્રતા ના ઉત્તમ ઉદાહરણો સમા તમે લોકો મારી સામે છો તે જોઈ ને હજુ મને મારી આંખો પર શ્રદ્ધા નથી . હાલ ના સમય મા તમારા જેવી મીત્રતા મા જોવા મળતી નથી . “ 
“ હા , પરીણામ ની ચીંતા હશે તો તમારા મન મા મીત્ર માટે કઈ કરવાનો ભાવ નહી જન્મે પરંતુ બધા મીત્રો સમાન હોય તો પરીણામ ની ચીંતા વીના મીત્ર માટે કઈ પણ કરવુ અશક્ય નહી રહે . “ ડી ના ઉતર મા તેની સરળતા જોઈ ને કાવ્યા એ તેનામા આવેલ પરીવર્તન અંગે જિજ્ઞાસા થઈ આવી . 
“ ડી ને તુ મળી ત્યારે હુ જાણુ છુ ત્યા સુધી તે આટલો શાંત અને સરળ ન હતો . તો એવુ તે શુ કર્યુ કે ડી પુર્ણ રીતે શાંત થઈ ગયો . “ કાવ્યા ના હાસ્ય સાથે પુછાયેલા પ્રશ્ન નો ઉતર પ્રીયા આપે તે પહેલા જ ડી એ ઉતર આપ્યો . 
“ તમે અંજલી જેવી જ પ્રકૃતી ધરાવો છો . ફુલગુલાબી ઠંડી જેમ શરીર ને ઝકડી ને પીડાદાયક ઠંડ ને બદલે સુવાસીત શીતળતા અર્પે છે તેવી જ રીતે તમારા આ પ્રશ્ન નો ઉતર આપવો પીડાદાયક હોવા છતા તમારી પુછવાની પદ્ધતિ ને કારણે તેનો ઉતર કદાચ આપવો જ પડશે અને તમને જણાવતા કદાચ પીડા નહી થાય તેવી સાંત્વના પણ મળી રહે છે . “ થોડી ક્ષણો ના વીરામ બાદ તેણે ફરી બોલવાનુ શરુ કર્યુ , “ સમય માણસ પાસેથી ઘણુ છીનવી લે છે . માણસ ઘણુ ઇચ્છે કે તે તેના મુળ સ્વભાવ અનુસાર જ વર્તન કરે પરંતુ સમય ની સાથે જ માણસ ની પ્રકૃતી તેની સૌથી મોટી ખામી બની જાય છે . મને સમજાયુ કે સમાજ દેખાવ ને જ  મહત્વ આપે છે . અહી જોઈ લે અહી આપણે પાંચ વ્યક્તીઓ બેઠા છીએ , તેમા કરણ કદાચ તેની ઇચ્છા થી અમને બોલાવ્યા હશે પરંતુ હુ એ કોઈપણ સંજોગે માનવા તૈયાર નથી કે સૌમ્ય અહી તેની ઇચ્છા ને વશ થઈ ને આવ્યો હશે . હાલ તેના ચહેરા પર અહી રહેવાનો અણગમો સ્પષ્ટ જોઈ શકાય છે . તારુ અહી આવવાનુ કારણ કદાચ સૌમ્ય હશે . હુ અને અંજલી તો અહી માત્ર વ્યવ્હાર માટે જ આવ્યા છીએ . જીવન મા ક્યારેય અફસોસ ન રહે કે એક મીત્ર હતો અને તેના લગ્ન નુ આમંત્રણ મળ્યુ હોવા છતા ત્યા પહોંચ્યો નહી . કરણ કદાચ તને ખરાબ લાગ્યુ હશે પરંતુ તે જ સત્ય છે . “ 
કરણ ના ગંભીર મુખ પર સ્મીત આવ્યુ , “ નહી ! તમે શા કારણે અહી આવ્યા તે મારે માટે મહત્વનુ નથી પરંતુ તમે અહી આવ્યા તે જ મહત્વનુ છે . હુ ખુશ છુ , અંજલી મારા જીવન મા પ્રવેશી રહી છે ત્યારે મારા બે મીત્રો અહી ઉપસ્થીત છે , એ સમયે મારે એ નથી જાણવુ કે તમે કેવી માનસીક્તા થી અહી આવ્યા છો . હા પણ એક વાર તમારી માફી માંગવા ની ઇચ્છા ધરાવુ છુ . છેલ્લા દીવસો મા એક તરફ અંજલી અને બીજી તરફ મારી માતા હતી . તેમની વચ્ચે ની પસંદગી ની અસમંજસ મા તમારા બધા સાથે ખરાબ વર્તન થયુ તે બદલ હુ ખુબ જ દીલગીર છુ . તમે મારા માટે જે કર્યુ તેનો આભાર માનવા ના બદલે મે તમારી જ કોઈ વાત માન્ય રાખી નહી . જો તમે મને માફ કરશો તો જીવન મા કરેલી એ સૌથી મોટી ભુલ ને હુ ભુલી જઈશ . “ 
સૌમ્ય એ વચ્ચે જ કહ્યુ , “ હુ જાણુ છુ કે તારી માનસીક સ્થીતી ઘણી ખરાબ હતી પરંતુ એ સમયે તારાથી પણ વધુ ખરાબ સ્થીતી મારી હતી પરંતુ મે કઈ ખરાબ વર્તન કર્યુ ન હતુ . મે ઘણો સમય તને ધીક્કાર્યો હતો કારણ કે તે રૂદ્ર ને અંજલી ને છોડવા માટે કહ્યુ માટે જ પુજા મારા જીવન થી દુર થઈ . ત્યારે મારે તમારા દરેક ની જરુરીયાત હતી પરંતુ તમે કોઈએ મારો સાથ ન આપ્યો . પરંતુ આજે એમ લાગે છે કે જો એવુ કશુ બન્યુ માટે જ તો મારા જીવન નુ સૌથી અમુલ્ય પાત્ર મારા જીવન મા પ્રવેશશ્યુ . કાવ્યા વીના હુ જીવન જ ન જીવી શકુ તો ખરેખર તેના માટે મારે તારો આભાર માનવો રહ્યો . “ 
કાવ્યા નુ મુખ તેજસ્વી બન્યુ હતુ એક તરફ સૌમ્ય એ તેને તેના જીવન નુ સૌથી અગત્ય ધરાવતુ પાત્ર ગણાવ્યુ હતુ અને તેના એક મીત્ર સાથે ના સબંધ મા થોડો સુધાર આવ્યા ન અણસાર દેખાઈ રહ્યા હતા . તેણે સૌમ્ય સાથે સુર મેળવ્યો , “ હુ તારી સાથે સહમત છુ કરણે હૈયુ ખોલીને તેની ભુલ સ્વીકારી એજ ઘણુ મહત્વનુ છે . “ 
“ ડી તુ તારા મિત્ર વીના અધુરો છે . તુ હંમેશા એજ બાબતે પીડાતો રહ્યો છો કે અણીના સમયે જ્યારે તમને એકબીજા ની સૌથી વધુ જરુરીયાત હતી ત્યારે જ તમે એકબીજા નો સાથ છોડ્યો . જીવન ના અમુક પ્રસંગો એ કરેલ ભુલો આજીવન હૃદય ને કચોટતી રહે છે . તે દુર થતા જ જીવન ફરી નવા ઝરણા સમાન આગળ ધપે છે . તુ પણ હીમશીલા માફક એક જ જગ્યાએ સ્થીર થઈ ને રહ્યો છે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે . હુ પણ ફરી એ જ ડી ને જોવા માંગુ છુ કે જેને સમયે મારી પાસેથી પડાવી લીધો છે . “ પ્રીયા ની આંખો મા આવેલ અવીરત ભાવના ઓ ની લહેરો એ ડી ને પણ ભાવુક બનાવ્યો . 
કાવ્યા એ પણ ડી ને ઉદ્દેશી ને કહ્યુ ,”  હા પ્રીયા મિત્રો એ જીવન નો અમુલ્ય હિસ્સો છે . તેમને ભુલવા અશક્ય છે . તેમના થી દુર જવુ કપરુ છે . તેમના થી કોઈ ભુલ થઈ હોય તો તેમને માફ કરો , દરેક માણસ થી ભુલો થાય છે . તેમના થી પણ થઈ . તેમણે કરેલ ભુલો ના કારણે તેમના થી દુર રહેવુ તે માત્ર તેમને જ નહી તમને પણ સજા આપી ગણાશે . તેનુ કોઈ ને કોઈ સમાધાન તો શોધવુ જ રહ્યુ ? તેમને મળો અને એકબીજા ને સાંભળો . તેના કારણો તપાસો અને પછી જ કોઈ નિર્ણય લો . ઉગ્રતા ના કારણે તમે કરેલ નિર્ણયો તમને જ પરેશાન કરતા રહેશે . તમે કોઈ એ એકબીજા નો ઘણા સમય સુધી સંપર્ક કર્યો નથી તેની તમારા પર શુ અસર થઈ છે તે તમને નહી પણ તમારી સાથે રહેનારાઓ ને ખબર પડે છે . તમે કેટલુ ગુમાવ્યુ છે તેનો અંદાજ કાઢવો પણ અઘરો છે . કરણ તમારો ખુબ આભાર કે તમે અહમ ભુલી ને માફી માંગી અન્યથા હજુ સૌમ્ય તો કઈ પણ કહે તેમ જ ન હતા . હવે છોડો બધુ અને એકબીજા ને માફ કરો . અને આ અમુલ્ય ભેંટ જે ઇશ્વરે તમને મીત્રતા સ્વરૂપે આપી છે તેને માણો “ 
ત્રણે મીત્રો એકબીજા ની સામુ તાકી રહ્યા હતા . તેમના સ્મરણો તાજા થઈ રહ્યા હતા . જે બન્યુ તે બધુ તેઓ ભુલવા માંગતા હતા . તેમને બસ હાથ ની જરુર હતી જે જરુરીયાત ના પ્રસંગો એ તેમના ખભા પર રહે . કોઈએ પહેલ કરવાનુ વીચાર્યુ જ નહી અન્યથા આ સમય વીત્યો તેવો વીતવા ની શક્યતા ખુબ ઓછી રહેવાની સંભાવના હતી . હજુ તેમના મા થોડો સંકોચ હતો પણ તે સમય ની સાથે નીકળી જવાનો હતો . કાવ્યા આનંદવીભોર બની હતી . તેના વીજય ના ઉન્માદે તેને બધાથી વધુ ખુશ બનાવી હતી . સૌમ્ય ભલે તેની મરજી વિરુદ્ધ અહી આવ્યો પરંતુ અહીથી પરત ફરતા સમયે આ લગ્ન તેના જીવન ના એક યાદગાર પ્રસંગ માનો એક બની રહેશે . બસ હવે તેને રૂદ્ર વીશે જાણવુ રહ્યુ . તે તેના માટેની તૈયારી કરી રહી હતી ત્યાંજ ડી એ તેની ઇચ્છા પુરી કરી .
“ રૂદ્ર ને પણ જાણીને ખુબ આનંદ થશે . ક્યારે આવવાનો છે ? આ મોભા મા રહેવાના કારણે તેના વીશે પૃચ્છા કરવાનુ જ રહી ગયુ . “ 
ડી ના પ્રશ્ન એ કાવ્યા ને ઉત્તેજીત કરી તો તેની ચકોર આંખો એ સૌમ્ય નો અણગમો જોયો અને સાથે તેણે કરણ ના ચહેરા પર ફરી વળેલી વેદના પણ જોઈ લીધી . કાવ્યા એ ખુબ જ ધારીને નિરીક્ષણ કર્યુ હતુ સૌમ્ય ને તો તે સમજી પરંતુ કરણ ના ભાવો થી તેને સહેજ આશ્ચર્ય થયુ . 
“ અરે ! તારા સાસરીયાએ તેને જીવીત રહેવા નો અવસર આપ્યો છે કે નહી ? છેલ્લી ભયંકર રાત્રી બાદ ઘણા પ્રયત્નો છતા તેનો સંપર્ક થઈ શક્યો નથી . “ ડી એ હસતા ચહેરે કહ્યુ 
“ તેના કારણે જ હુ ભાંગ્યો હતો તે તુ જાણે છે છતા શા માટે તેને યાદ કરાવે છે . હુ તેને કોઈપણ કાળે માફ નહી કરુ . “ સૌમ્ય નો ગુસ્સો રૂદ્ર પરથી હજુ ઉર્યો ન હતો . 
“ સૌમ્ય ! આપણે પુરુ જાણતા નથી . તે રાત્રી એ ખરેખર શુ બન્યુ તે સમજાય પછી જ આપણે કોઈ નિર્ણય પર આવી શકીએ . પહેલા બધુ જાણી લઈ ને જ આરોપ લગાવવો જોઈએ “ ડી ની આ વાત સાથે કાવ્યા સહમત હતી . તે રૂદ્ર ના દોષી હોવા બાબતે શંકાશીલ હતી પરંતુ આ એક જ બાબત હજુ સુધી તેને ચોક્કસ ધારણા બાંધવાથી રોકી રહી હતી . 
“ તે સાચો હોવાની કોઈ સંભાવના જ નથી , અન્યથા આટલા સમય સુધીમા તે ફરી ક્યારેક આપણી સામે ચોક્કસ આવે પરંતુ શરમ ના કારણે તે એવુ કરી શક્યો નહી . “ સૌમ્ય કોઈપણ બાબતે માનવા તૈયાર ન હતો . 
બધુ શાંતી થી સાંભળી રહેલો કરણ બોલ્યો , “ ડી સૌમ્ય સાચો છે , તેણે આપણી ત્રણે સાથે વિશ્વાસઘાત કર્યો છે . કાવ્યા સાંભળી ને ધબકાર ચુકી , રૂદ્ર એ ત્રણે સાથે વિશ્વાસઘાત કર્યો છે ? તેનો અર્થ સ્પષ્ટ છે સૌમ્ય નુ નીરાકરણ રૂદ્ર જ છે . રૂદ્ર જો સૌમ્ય સામે આવે અને સૌમ્ય તેનો ગુસ્સો ઠાલવે , બસ એટલુ કાવ્યા માટે પુરતુ હતુ . તેણે તેના શરીરના બધા અવયવો ને કરણ ને સાંભળવા પર કેન્દ્રીત કર્યા .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED