સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ – 14
પોતે છપ્પનની સાથે છે એટલું જ નહિ નામ-ઠામ અને કામ સહિત દુબળી પોતાને ય જાણી ચૂક્યો છે તેના અહેસાસ માત્રથી ત્વરિત અવશપણે સોફા પર પટકાઈ ગયો હતો. મધરાત થવા આવી હતી. બહાર ધીમી ધારે વરસાદ શરૃ થઈ ગયો હતો. ધાબાની રોજિંદી ચહલપહલ જંપી ગઈ હતી. સિવાય કે, કેકવો હાજર હોય ત્યારે હરઘડી ગાતો રહેતો યેશુદાસ...
ધાબાના છાપરે ગોઠવેલા સ્પિકર પરથી ગીત પોકારી રહ્યું હતું, 'ગોરી તેરા ગાંવ બડા પ્યારા... મૈં તો ગયા મારા.. આ કે યહાં રે.. આ કે..'
ત્વરિતે બળપૂર્વક બેય હાથ કાન ફરતા ભીંસી દીધા.
***
Science does not need mysticism and mysticism does not need science, but man needs both
(વિજ્ઞાનને રહસ્યવાદની જરૃર નથી અને રહસ્યવાદને વિજ્ઞાનની જરૃર નથી પરંતુ માણસને તો એ બંનેની આવશ્યકતા છે)
ફ્રિત્ઝોફ કાપ્રાની બુક 'ધ તાઓ ઓફ ફિઝિક્સ'નું આ વાક્ય વાંચીને એ ફરીથી સ્તબ્ધ થઈ ગયો.
વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે એ ઈશ્વર, મંત્ર-તંત્ર, સાધના-પ્રાર્થના વગેરેથી હંમેશા દૂર રહ્યો હતો અને એ બધાને તે નબળા મનની અંધશ્રધ્ધા માનતો રહ્યો હતો. વિજ્ઞાાનની નજરે સત્ય ફક્ત એ જ છે, જે પ્રેક્ટિકલને થિયરીમાં સમજાવી શકે અથવા તો થિયરીને પ્રેક્ટિકલ વડે સાબિત કરી શકે.
પ્રાચીન ભારતીય તત્વચિંતન એ જ વાતને કાર્ય-કારણ સંબંધ વડે સમજાવતું હતું. ભારતીય દર્શન એવું કહેતું હતું કે, દરેક કાર્ય થવા પાછળનું કોઈ નિશ્ચિત કારણ હોય જ છે અને દરેક કારણને ચોક્કસ કાર્યમાં અચૂક ઢાળી શકાય છે. તો પછી, આ હજારો વર્ષ જૂનો કહેવાતો વામપંથ, આ મૂર્તિઓ, મૂર્તિઓ પર અંકિત થયેલા મનાતા ચોક્કસ ચિહ્નો શું હોઈ શકે? આધુનિક વિજ્ઞાાન જેને પામી ન શકે એવા કોઈ સવાલનો એ જવાબ હશે? જો એ જવાબ હોય તો મૂળ સવાલ શું હોઈ શકે?
પોતાના જ મનમાં ઊઠતા પ્રશ્નોના ઝંઝાવાતથી ત્રાસીને તેણે માથું ધૂણાવી નાંખ્યું.
'પેગ બનાવ..' ઓર્ડરલીને સૂચના આપીને બુક વચ્ચે આંગળી મૂકી તે હવામાં તાકી રહ્યો.
એસપીને તો તેણે રિપોર્ટ કરી દીધો હતો એટલે હવે હેડ ક્વાર્ટરમાંથી કોઈ પૂછપરછ થવાની ન હતી પણ તેના જીવને ચેન પડતું ન હતું. રાત્રે ક્લબમાંથી એ વહેલો આવી ગયો એથી તેના અંગત સ્ટાફને ય નવાઈ લાગી હતી.
ગમે તેવું કામ હોય તો પણ રોજ સાંજ ઢળે એ પહેલાં ઓફિસર્સ મેસમાં જઈને સ્ક્વોશ રમવાનું એ ભાગ્યે જ એવોઈડ કરતો. અહીં તેને કોઈની કંપની ખાસ ગમતી નહિ. ઓછાબોલા અને કંઈક અંશે અંતર્મુખીની છાપ ધરાવતા રાઘવને ચોવીસે કલાક અધિકારીના ઠાઠમાં જ રહેતાં અને પોતપોતાના ખાતા સિવાયની જાણે બીજી કોઈ દુનિયા જ ન હોય તેમ ગોસિપિંગમાં મશગુલ રહેતાં સિનિયર ઓફિસર્સ સાથે બહુ સોરવતું નહિ.
પણ કલેક્ટરેટમાં નવી આવેલી બિરવા અસનાનીએ ક્લબમાં આવવાનું શરૃ કર્યું પછી ક્લબની રંગત વધી હતી. શરૃઆતમાં બિરવા સાથે સ્માઈલ કે હાઈ-હેલ્લોથી આગળ વાતચીત કરવાનું તેણે ટાળ્યું હતું પણ એક દિવસ તેનાં હાથમાં અર્નેસ્ટ હેમિંગ્વેની બુક જોઈ ત્યારે તેનાંથી સહજ રીતે પૂછાઈ ગયું હતું, 'ઓવ્વ, સો યુ રીડ ઈટ?'
છંછેડાયેલી બિરવાએ વિંધી નાંખતી નજરે તેને વળતો સવાલ ફેંક્યો હતો, 'એમ આઈ કિપિંગ ઈટ જસ્ટ ટૂ શો ઓફ્..?'
એ પછી ઓછાબોલા રાઘવ અને આખાબોલી બિરવા વચ્ચે કેમિસ્ટ્રી વધતી ચાલી હતી.
'ડૂ યુ નો એનિથિંગ અબાઉટ વામપંથ?' આજે બિરવા કંઈક પોએટ્રીની વાત કરી રહી હતી અને પોતાના જ વિચારોમાં મગ્ન રાઘવે અચાનક પૂછી નાંખ્યું હતું.
'વામપંથ?' રાઘવે અચાનક જ વાતનો વિષય બદલ્યો એટલે બિરવાને અચરજ થયું, 'યુ મિન પોલિટિકલી લેફ્ટ? કમ્યુનિસ્ટ?'
'ઓહ્ નો..' ઘડીભર રાઘવને ય થઈ આવ્યું કે તેણે ખોટી જગ્યાએ વાત માંડી હતી, 'આઈ વોઝ ટોકિંગ અબાઉટ ઈન્ડિયન માયથોલોજી' બિરવા કશું જ નથી જાણતી એવું સમજાયા પછી રાઘવે હમણાં પોતે જે શીખ્યો તેનું જ્ઞાાન પ્રદર્શિત કરવા માંડયું, 'દક્ષિણ એટલે જમણું... વામ એટલે ડાબુ... શિવના બે સ્વરૃપ હોય... કલ્યાણકારી અને રૌદ્ર.. શિવના વિનાશકારી સ્વરૃપને પૂજે એ વામપંથી કહેવાય...' બિરવા મુગ્ધ ઉત્સુકતાથી સાંભળતી રહી.
પણ પછી તરત રાઘવ કંટાળ્યો. તેને પોતાને ય કહેવામાં નહિ, સાંભળવામાં રસ હતો. મનમાં ઊઠતા સવાલોના જવાબ મેળવવામાં રસ હતો. એક માણસ તદ્દન જર્જરિત અને પહેલી નજરે સાવ નકામી લાગતી મૂર્તિ ચોરે, એ ચોરવા માટે કાચ પાયેલા દોરા, લાકડાના ધારદાર ટૂકડા જેવો સરંજામ વાપરે... રહી-રહીને તેના મનમાં વીજળીના ઝાટકાની માફક સવાલોના આંચકા લાગ્યા કરતા હતા.
થોડો સ્ટડી કરવાનો છે એમ બિરવાને કહીને તે ક્લબમાંથી વહેલો નીકળી ગયો પણ ઘરે આવીને ય તેનો અજંપો બેવડાતો હતો.
ગ્લાસમાં રેડાતા જેક ડેનિઅલ્સ વ્હિસ્કીના અવાજથી તેનું ધ્યાન ખેંચાયું. ઓર્ડરલીને જવાનો ઈશારો કરીને તેણે જાતે જ ગ્લાસમાં ત્રણ આઈસક્યૂબ નાંખ્યા અને બરફની પારદર્શક સફેદી પર એકાકાર થતા જતા વ્હિસ્કીના કેફી બદામી રંગને તે જોતો રહ્યો.
આવી જ એક ચોરી વિશે તેણે ક્યાંક વાંચ્યું હતું. કદાચ હરિયાણાનો કોઈક કેસ હતો કે પછી કદાચ પંજાબનો કે ઉત્તરપ્રદેશનો... તેને બરાબર યાદ આવતું ન હતું. એ કેસમાં તેને રસ પડયો હતો કારણ કે ચોરીના અહેવાલમાં પણ મૂર્તિ ચોરનારાએ વાપરેલા દોરીના ટૂકડા, લાપી-ચૂનાની લૂગદી વગેરે જેવા સરંજામનું આશ્ચર્ય વ્યક્ત થયું હતું.
ડો. ત્વરિત કૌલે તેને કહ્યું હતું કે થાળામાંથી મૂર્તિ ઉખાડવાની આ કોઈ વૈજ્ઞાાનિક કે પ્રચલિત રીત તો ન હતી. તો પછી બંને મૂર્તિઓ ચોરનારો એક જ માણસ હશે? મોડસ ઓપરેન્ડી તો લગભગ સરખી જ હતી. વ્હિસ્કીનો મોટો ઘૂંટ ગળા હેઠળ ઉતારીને તે સફાળો ઊભો થયો અને લેપટોપમાં ઈન્ટરનેટ જોડયું. ગૂગલમાં જઈને તેણે હરિયાણા આઈડોલ થેફ્ટ, એન્શ્યન્ટ સ્કલ્પ્ચર, વામપંથી આઈડોલ થેફ્ટ એવા કિ-વર્ડ નાંખીને સર્ચ કરવા માંડયું અને એમ જ તેને જોઈતા સમાચાર મળી ગયા.
ચંડીગઢથી પ્રકાશિત થતા ધ ટ્રિબ્યુનના એ સમાચાર મુજબ, આજથી અઢી મહિના પહેલાં હરિયાણાના કર્નાલ જિલ્લાના કરારા ગામ પાસેના એક પહાડ પર આવેલી બૌદ્ધકાલીન ગુફામાંથી એક મૂર્તિ ચોરાઈ હતી. ઘટનાસ્થળેથી કાચની બારિક ભૂકી માંજેલા મજબૂત દોરાના ત્રણ-ચાર વડો વળ ચડાવેલા કટકા, લાપી-ચૂનાની પેસ્ટના સૂકાયેલા લચકા મળી આવ્યા હતા. મૂર્તિ જ્યાં જડાયેલી હતી એ દિવાલ પર મૂર્તિ ઉખેડતા પહેલાં ચોરે કોઈક અજીબ તરકિબથી નીચે લાપી-ચૂનાની પેસ્ટ ભરી હોવાનું જણાતું હતું.
અહેવાલમાં આટલી જ વિગત હતી. પછી શું થયું? એ ચોર ઝડપાયો? તપાસમાં શું જાણવા મળ્યું? શકમંદો કોણ હતા? તેના મનમાં ઉપજતા આ દરેક સવાલો સામે કમ્પ્યૂટરના સ્ક્રિન પર ધ ટ્રિબ્યુનની વેબસાઈટ મૌન હતી.
વ્હિસ્કિનો પેગ એકઝાટકો પૂરો કરીને તેણે તરત ઈન્ફર્મેશન પ્રોટોકોલની પોલિસ ડાયરી કાઢી અને તેમાંથી હરિયાણા હોમ મિનિસ્ટ્રીના પીઆરઓનો નંબર જોડયો. પીઆરઓ પાસેથી મળેલી માહિતી મુજબ, કરારા ગામની એ ચોરીની તપાસ જે.ડી. અહલાવત નામના કોઈ ઈન્સ્પેક્ટરે કરી હતી. તેણે ઘડિયાળમાં જોયું. રાતના અગિયાર વાગ્યા હતા. થોડીક અવઢવ પછી તેણે અહલાવતને ફોન જોડયો. સદ્નસીબે અહલાવત ત્યારે ડયુટી પર હતો. રાઘવે પોતાની ઓળખાણ આપી અને આઈપીએસ ટ્રેનિંગ પછી હરિયાણા બેચમાં મૂકાયેલા પોતાના કેટલાંક સાથીદારોનો રેફરન્સ પણ આપ્યો એટલે અહલાવત સરળતાથી વાત કરવા તૈયાર થઈ ગયો.
અહલાવત સાથેની વાત દરમિયાન તેને આઈપીએસ ટ્રેનિંગ વખતે પોલિસના ઈન્ટ્રોેગેશન માટે કહેવાતો એક જોક યાદ આવી ગયો.
એકવાર દેશભરના પોલિસની કાર્યક્ષમતા નક્કી કરવા માટે દિલ્હીમાં સ્પર્ધા થઈ. દરેક પ્રાંતોની પોલિસને કહેવામાં આવ્યું કે તેમણે વાઘ કે સિંહ પકડી લાવવાના હતા. જે સૌથી પહેલાં પકડી લાવે તેને ઈનામ. બધા રાજ્યોના પોલિસ તો સડસડાટ ભાગ્યા. કોઈકે સિંહને શોધવા ગુજરાતના ગીરના જંગલ તરફની દિશા લીધી તો કેટલાંક વાઘને શોધવા સુંદરવન ભણી દોડયા. નિર્ણાયકોએ જોયું કે પંજાબ-હરિયાણાની પોલિસ આરામથી ટહેલતી ટહેલતી બાજુની ગલીમાં ગઈ હતી. બધાને સ્પર્ધા જીતવાની ઉતાવળ હતી તો આ લોકો કેમ આરામથી ખાણી-પીણી પતાવીને કોઈ વાહન લીધા વગર નીકળ્યા એવા આશ્ચર્યથી નિર્ણાયકોએ જોયું તો બાજુની ગલીમાં થાંભલા સાથે બાંધેલા ત્રણ-ચાર ગધેડાને પોલિસ બેરહેમીથી ફટકારીને કબૂલાત કરાવી રહી હતી, 'બોલ તૂ શેર હૈ... બોલ...'
નવા ઓફિસરોને તાલીમ આપવા આવેલા સિનિયરે ઈન્ટ્રોગેશન માટે કહ્યું હતું એ જોક હતો કે વાસ્તવિકતા એ સવાલ અહલાવત સાથેની વાત પછી રાઘવને થઈ આવ્યો.
'એ કેસમાં ખાસ કંઈ દમ ન હતો સરજી... મૂર્તિ બહુ મામૂલી હતી અને એ ગુફામાં ય કોઈની ખાસ આવ-જા હોતી નથી પણ એ ગુફા અને આસપાસના મંદિરોની દેખભાળ કરતી ખાપ પંચાયત જરા વજનદાર છે એટલે તપાસ કરવી પડી. અધરવાઈસ...'
'અને મૂર્તિ પાસેથી મળેલી કેટલીક ચીજવસ્તુઓ?'
'હા, જાડા-ધારદાર દોરાના આઠ-દસ મોટા ટૂકડા ત્યાં દિવાલમાં ભરાયેલા મળ્યા હતા. એ સિવાય દિવાલ પર લાપી-ચૂનો એવા મટિરિયલ્સની સાઈન પણ મળી હતી'
'મૂર્તિ મામૂલી હતી એવું તમે કઈ રીતે ડિસાઈડ કરી લીધું?' રાઘવને લાગ્યું કે, હરિયાણા હોય કે મધ્યપ્રદેશ, પોલિસ ફોર્સની માનસિકતા તો બધે સરખી જ હોય છે.
'માફ કિજિયે સરજી, આપ તો જાનતે હૈ કિ કુછ વારદાત પહેલે સે હી ડિસાઈડ કર દેની પડતી હૈ' પછી અહલાવત ખડખડ અવાજે ગંદું હસ્યો અને તેણે ઉમેર્યું, 'હવે તો ચોર પોતે જ સ્વીકારી ચૂક્યો છે કે એ મૂર્તિ મામૂલી જ હતી અને જૂની મૂર્તિના ખરીદાર આસાનીથી મળી આવે એમ ધારીને તેણે ઊઠાવી હતી...'
'વ્હોટ્..?' ઉશ્કેરાટના કારણે રાઘવ પોતાના અવાજ પર અંકૂશ ન રાખી શક્યો, 'એ ચોર પકડાઈ ગયો છે?'
સામા છેડે અહલાવત ઘડીક ચૂપ રહ્યો. પછી તેણે દબાતા અવાજે કહ્યું, 'બસ યૂંહી સમજ લિજિયે...'
'મતલબ?' રાઘવની કશ્મકશ બેવડાતી હતી.
'સરજી, આપ હમારે સિનિયર્સ કે દોસ્ત હૈ તો આપ સે ક્યા છૂપાના..' અહલાવતના અવાજમાં હવે સાલસતા વર્તાતી હતી, 'આવી વાહિયાત ચોરીના કેસ સોલ્વ કરવામાં કંઈ મગજ ખરાબ કરવાનું ન હોય. આવા કેસમાં આપણે સૌ ઉપરછલ્લુ ઈન્વેસ્ટિગેશન કરીને ફાઈલ અભેરાઈએ ચડાવી દઈએ. પછી બીજા કોઈ કેસમાં કોઈ ચોર ઝડપાય ત્યારે તેના નામે આ ચોરી પણ ચડાવી દઈએ. મૈંને ભી ઐસા હી કિયા...'
'અરે પણ ખરો ચોર...' ખાખી વર્દીની નિંભરતા અનુભવીને રાઘવને માથું પટકવાનું મન થઈ આવતું હતું.
'ખરો ચોર પકડાયો નથી પણ... પકડાઈ ગયો છે... બસ યૂંહી સમજ લિજિયે..' પછી હળવો ઠહાકો મારીને તેણે રાઘવને ય સલાહ આપી દીધી, 'આપ ભી ઐસા હી કિજિયે...'
કંટાળેલા રાઘવે તેને પોતાનો નંબર આપીને એ મૂર્તિના ફાઈલ ફોટોગ્રાફ્સ અને ચોરી પછીના ફોટો વગેરે વ્હોટ્સએપ પર મંગાવીને વાત પૂરી કરી. વ્હિસ્કીના બીજા બે પેગ ગળા નીચે ઉતાર્યા પછી હવે માંડ તેનું મગજ શાંત પડયું હતું. ઓર્ડરલી ટેબલ પર તેની થાળી તૈયાર કરી રહ્યો હતો. તે જમી રહ્યો એટલી વારમાં અહલાવતે ફોટોગ્રાફ મોકલી આપ્યા હતા.
વ્હોટ્સએપ પર આવેલા ફોટા તેણે એન્લાર્જ કરીને ધ્યાનથી જોયા. પથ્થર પર કોરેલી આટલી અસ્પષ્ટ, જર્જરિત મૂર્તિ ચોરવામાં કોઈને શા માટે રસ હોય એ તેને સમજાતું ન હતું પણ બીજા ફોટોગ્રાફ્સ જોઈને જેક ડેનિયલ્સના ત્રણેય પેગ તેના મગજમાંથી ઉતરી ગયા.
મૂર્તિના થાળા પર જોવા મળતા લાપી-ચૂનાના લપેડા દર્શાવતા ફોટોગ્રાફ્સ બિલકુલ એવા જ હતા જેવા તેણે ડિંડોરીના દેવાલયમાં ઉખડેલી મૂર્તિના થાળા પર જોયા હતા. મૂર્તિ ચોરવાનું કારણ ગમે તે હોય, મૂર્તિ ગમે તેવી તિલસ્મી હોય કે ન હોય, ચોરનારો માણસ તો એક જ છે... તેના હોઠ દૃઢતાથી દાંત તળે ભીંસાઈ રહ્યા હતા. ફરીથી તેણે હરિયાણાની એ મૂર્તિ અને ડિંડોરીની ચોરાયેલી મૂર્તિના જૂના ફોટા મેચ કરવા પ્રયાસ કર્યો. ફોટા ઊંધા-ચત્તા, વાંકાચૂંકા કરીને તે આંખો ફાડી-ફાડીને જોતો રહ્યો. ક્યાંય કશું તેને સમજાતું ન હતું.
તેણે ઊંડો નિઃશ્વાસ નાંખીને મોબાઈલ બેડ ઉપર ફગાવ્યો. શરીરને તંગ કરીને આળસ મરડી અને લમણાં પર હાથ ભીંસીને છતને તાકી રહ્યો.
શાસ્ત્રીજીને આ ફોટા બતાડવા પડશે... મનોમન બબડીને તેણે ઘડિયાળમાં જોયું. સવાર પડવાને સાલી હજી ખાસ્સી વાર હતી.
(ક્રમશઃ)