કર્ણલોક - 13 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કર્ણલોક - 13

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 13 ||

તે વખતે એકસાથે ચાર નવી સાઇકલ જોડીને સાંજે આપવાની હતી. મારે ઑફિસ વાળવાની, પાણી ભરી રાખવાનું અને બે-ત્રણ વાર ચા બનાવવાનું તો જાણે વણલખ્યા કરાર જેવું થઈ ગયું હતું. મેં સમરુને વહેલો બોલાવી લીધો અને બે સાઇકલ તૈયાર કરવાનું એને સોંપ્યું.

મેં પહેલી જ સાઇકલ તૈયાર કરીને નટ-બોલ્ટ ચકાસીને એક તરફ મૂકી ત્યાં નેહાબહેન કોઈ મહેમાન સાથે ગાડીમાં આવ્યાં. દુકાન પાસે કાર થોભાવીને તેમણે મને કહ્યું, ‘જરા અંદર આવ તો! બે-ચાર પેકેટ ઉતારવાનાં છે.’

ગાડી દરવાજેથી સીધી ઑફિસ તરફ ગઈ. તેની પાછળ જ હું પણ ગયો. ઑફિસમાં પહોંચ્યો ત્યારે નેહાબહેન નલિનીબહેનને મહેમાનની ઓળખાણ કરાવતાં હતાં.

વાત પૂરી કરીને નેહાબહેને કહ્યું, ‘અહીંનાં બાળકોને માટે એ થોડાં કપડાં લાવ્યાં છે. એમણે મને અહીંનાં બાળકોની ઉંમર વગેરે તે પૂછેલું. જોકે મને તો પૂરી ખબર નહોતી, પણ તમારા રજિસ્ટરમાંથી આશરે મળ્યાં તેટલાં માપ મેં લખાવેલાં. જરા નાનાં-મોટાં હશે. પણ છે પૂરતાં. તમારા રજિસ્ટર પ્રમાણેનાં.’

લક્ષ્મી ત્યાં જ ઊભી હતી. તેણે કહ્યું, ‘એકસો વીસ છોકરાં છે.’

મહેમાને લક્ષ્મી સામે જોયું. પછી નેહાબહેન સામે જોઈને બોલ્યાં, ‘હા, એટલાં તો હશે જ. કદાચ બે-ચાર જોડી વધારે પણ હોય. મારો ભત્રીજો ખરીદી લાવ્યો છે એટલે એક્ઝેક્ટ કેટલાં હશે તે ખબર નથી. તમે જોઈ લો, ગણી લો. કદાચ ઘટે તો કહેવરાવજો. વધારે મોકલાવી આપીશ.’

નલિનીબહેનને ક્ષોભ થયો. તેમણે વાત અટકાવવા કહ્યું, ‘કંઈ નહીં. એ તો જોઈ લઈશું.’

આટલી વાત થઈ પછી નલિનીબહેને મને કપડાંનાં પૅકેટ ઑફિસમાં લઈ આવવાની સૂચના આપી.

બહાર નીકળતાં મેં જોયું કે દુર્ગા ત્યાં જાળી પાસે બેઠીબેઠી કંઈક વાંચે છે. એકાદ પળ રોકાઈને મેં તેના સામે જોયું. મારા તરફ ધ્યાન ગયાં છતાં દુર્ગા પુસ્તકમાં નજર રાખીને બોલી, ‘તું તારું કામ કર.’

ગાડીનો ડ્રાઇવર મદદમાં આવ્યો અને અમે બેઉ મળીને કપડાં ભરેલાં ખોખાં ઑફિસમાં લાવ્યા. દુર્ગા પાસેથી પસાર થયો ત્યારે તે કંઈક વધારે ધ્યાનથી જોઈ રહી હોય તેવું લાગ્યું. મેં બહુ ધ્યાન ન દીધું.

અમે ખોખાં ટેબલની પાછળ દીવાલ પાસે મૂકવા માંડ્યા. લક્ષ્મીએ તેમાંથી એક પૅકેટ લઈને ખોલ્યું અને ખાસ પ્રકારનો લહેકો કરીને બોલી, ‘મોંઘાં લાગે છ. છોકરાંવ ફાવી ગ્યાં.’

આ વખતે લક્ષ્મીની વાત પર કોઈએ ધ્યાન ન આપ્યું. મારું ધ્યાન નેહાબહેન તરફ ગયું તો લાગ્યું કે તેમની નજર બારણા બહાર કંઈક ખાસ જુએ છે.

બીજા ફેરા માટે હું બહાર નીક્ળ્યો તો મેં દીવાલની આડશ લઈને બારણા પાસે ઊભેલી દુર્ગાને જોઈ. તરત પાછળ ફરીને મેં નેહાબહેન તરફ જોયું તો તેમણે હકારસૂચક મસ્તક નમાવીને મોં ફેરવી લીધું.

જાણે કંઈ બન્યું ન હોય તેમ દુર્ગા પાછી વાંચવા બેસી ગઈ. મને નેહાબહેન અને દુર્ગા વચ્ચે શું ઇશારા થયા તે ન સમજાયું. પછી તેને પૂછીશ તેમ વિચારીને મેં મારું કામ કર્યે રાખ્યું.

બીજાં ખોખાં લઈને અમે અંદર આવ્યા ત્યારે નેહાબહેન મહેમાનને કહેતાં હતાં, ‘એમ કરોને, તમે આવ્યા જ છો તો તમારા હાથે જ વિતરણ કરી નાખો. મહેમાન જાતે આપે તે તો આ બાળકોને બહુ જ ગમશે.’

‘ફરી કોઈ વાર’ મહેમાને કહ્યું, ‘આજે તો મારે બીજે પહોંચવાની ઉતાવળ છે. મારે હાથે અહીં સુધી પહોંચાડ્યાં એટલું બસ છે. ફરી કોઈ વાર સમય લઈને આવીશ ત્યારે બાળકોને મળીશું.’

મહેમાન ગયા પછી મારે દુકાને જવું હતું; પણ નલિનીબહેને મને રોકતાં કહ્યું, ‘ઊભો રહે, હજી આનો વહીવટ કરવો પડશે.’

લક્ષ્મી મોટું કબાટ ખોલવા માંડી અને બોલી, ‘બેન, સાવ નવેનવાં કપડાં છે. સ્ટાફનેય શોભે એવાં. એક આલજો મારા ભત્રીજાને.’

‘આપીશ. પણ તું એ કબાટ બંધ કર. એમાંથી કેટલી વસ્તુઓ ગઈ છે તે ખબર તો છે. અહીં ઑફિસમાં ક્યાંય મુકાશે નહીં. અહીંથી તો ગમે ત્યારે જતાં રહેશે.’ બહેને જવાબ આપ્યો.

‘તો કંઈ મેલવાના છે? તમારે ઘરે જ રાખો.’ લક્ષ્મીએ કહ્યું.

થોડો વિચાર કરીને બહેને કહ્યું, ‘મારા ઘરમાં તો સફાઈ ચાલે છે. એમ કર, તું માધોને બોલાવ. આજની રાત એના કોઠારમાં મૂકી રાખે. સવારે મેડો સાફ કરીને જગ્યા કરું પછી ત્યાં મુકાવી દઈશ.’

‘તે અમે અમારાં જોઈતાં લઈ લઈએ?’ લક્ષ્મીનો જીવ રહેતો નહોતો.

‘ના.’ બહેને કહ્યું અને ચીમકી આપી, ‘મેં કહ્યું છે કે તમને આપીશ એટલે આપીશ; પણ હું કહું નહીં તે પહેલાં સ્ટાફ માટે પણ કોઈએ કશું લેવાનું નથી. પંદર ઑગસ્ટે આ છોકરાંવને કંઈક આપવું પડશે ને! ત્યારે બધાંનું જોઈશું. અત્યારે તો માધોને કહે કે કપડાં બરાબર ગણીને મૂકે. સવારે મને બોલાવીને બતાવે.’

મારે માધોને બોલાવવા જવાનું થયું એટલે તે બન્નેને ચર્ચા કરતાં છોડીને હું બહાર નીકળ્યો. દુર્ગા જાળી પાસે ઊભી હતી. માધો મારી સાથે જ આવ્યો. અમે બેઉએ મળીને ઉપરનાં પૂંઠાં કાઢીને પ્લાસ્ટિકની કોથળીઓ ગણી અને એક મોટા ખોખામાં ભરી. પછી નલિનીબહેનને બતાવતાં કહ્યું, ‘બેન, જોઈ લ્યો. બરાબર છે ને!’

‘કાલે.’ બહેને જોયા વગર જ જવાબ આપ્યો અને કામ કરતાં રહ્યાં.

ખોખું ઉપાડીને જતાં જતાં માધોએ કહ્યું, ‘બેન ચિંતા ન કરતાં. કોઠારમાં જ રાખીશ. અડધી રાતે માગશો તોય ગણાવી દઈશ. બારણે ખાટલો નાખીને માધો સૂતો હોય પછી કોઈ ખાપરા-કોડિયાની દેન નથી કે અડે..’

હું તે બધાને વાતો કરતાં છોડીને દુકાને ગયો. સમરુ કામ કરતો હતો. સાંજે ચારમાંથી બે ઘરાકો પોતાની સાઇકલો લઈ ગયા. બાકીની બે સમરુને ત્યાં મૂકવા જવી પડી. હું સમરુ સાથે તેને ઘરે રોકાઈ ગયો.

બીજે દિવસે સવારે મોહનકાકાના કૂવે નહાઈને મેં કપડાં ધોયાં. એક સાઇકલ મેં લીધી અને બીજી સમરુ લેતો આવે તેમ કહીને દુકાને પહોંચીને મેં સાફસૂફી આદરી. કામ શરૂ કરું ન કરું ત્યાં માધો આવ્યો. મને કહે, ‘ચાલ, સમન્સ આવ્યું છે.’

‘કોણ?’ માધો શું કહેતો હતો તે મારા ધ્યાનમાં ન આવ્યું.

‘કોણ શું! બેન તને બોલાવે છે.’ માધોએ કહ્યું અને પછી મારી મશ્કરી કરતો હસી પડતાં બોલેલો, ‘નેહાબેન જોડે ફરે છે ને સમન્સની ખબર નથી? પૂછીને શીખી રાખજે. આજ-કાલમાં વોરન્ટેય આવવાનું.’

માધો સાથે જતાં હું થોડો ગભરાયેલો. એક તો આટલું વહેલું મને બહેનનું તેડું આવ્યું હોય તેવું હજુ સુધી બન્યું નહોતું. નવ-સાડાનવ આસપાસ જ મારે જવાનું હોય. આજે માધો મને બોલાવવા આવ્યો અને વ્યંગમાં આવું બોલ્યો એટલે મને નવાઈ લાગી, મેં તેની સાથે જતાં પૂછ્યું, ‘કેમ આજે અત્યારમાં, કંઈ થયું છે?’

જવાબમાં માધો કહે, ‘થયું ના થયું બધુંય ખબર પડશે. ચાલ.’

હું નલિનીબહેન સામે જઈને ઊભો રહ્યો. લક્ષ્મી, અને સફાઈ માટે આવતી મહેતરાણી પણ આવીને ઊભાં હતાં. નંદુ નહોતો.

‘કાલે પેલા કપડાંનાં પારસલ તું લાવેલોને?’ બહેને પૂછ્યું.

‘હા. મેં અને ડ્રાઇવરકાકાએ અહીં લાવી મૂકેલાં. બે ફેરા કરીને લાવેલા. છેલ્લે અહીં બેસીને મેં અને માધોભાઈએ બધાં ખોખાં ખાલી કરીને કપડાં એક ખોખામાં ભર્યાં હતાં. માધોભાઈ એ ખોખું કોઠારમાં મૂક્વાના હતા.’ મેં શાંતિથી જવાબ આપ્યો.

‘એ બધું મને ખબર છે; પણ હવે તે ખોખું મળતું નથી.’ બહેને કહ્યું.

મારી સ્થિતિ કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. કંઈ જવાબ આપું તે પહેલાં માધો બોલ્યો, ‘એને પૂછવાથી કશું નહીં વળે. બહેન, આ કામ કોઈ અંદરનાનું જ છે.’ તેનો ઇશારો લક્ષ્મી તરફ હતો કે બીજે ક્યાંય તે મને સમજાયું નહીં.

લક્ષ્મીએ પોતાની જાતને આ વાતમાંથી બહાર રાખવા કે પછી સહજ રીતે માધોની વાતને સમર્થન આપવા કોણ જાણે કેમ પણ કહ્યું, ‘હોવે બેન, કામ તો અંદરનાનું જ. બાહ્યલું તો જાળીમાં કોણ ઘૂસે?’

નલિનીબહેન મારા તરફ ધ્યાનથી જોઈને બોલ્યાં, ‘અંદર તો ખૂણે-ખાંચરે બધે જોઈ વળ્યા પણ મળતાં નથી. કામ અંદરનાનું હોય તોય બહારનાની મદદ વગર તો...’

આ મારી ધારણા બહારનું હતું. મારા પર આવો આરોપ આવે તે હું સહી ન શક્યો. મારી આંખમાં પાણી આવી ગયાં. માંડ રડવું રોકીને મેં કહ્યું, ‘હું તો રાતે અહીં હતો પણ નહીં. મોહનકાકાને પુછાવી જુઓ. દુકાનમાં જોવું હોય તો જોઈ લો. કાલની બંધ કરેલી હમણાં જ ખોલી છે.’

નલિનીબહેને મારા આવા સ્પષ્ટ જવાબને સાચો માનવાની કોશિશ કરતાં કહ્યું, ‘દુકાનમાં નથી જોવું. તને કંઈ ખબર છે કે નહીં તે જ પૂછવું છે. અંદર તો એકે એક છોકરાંને પૂછ્યું. પણ કોઈને ખબર નથી.’

‘ખબર ના હોય એવું તો ના બને બેન, એ લોક બધાંય જાણે છ; પણ મારાં બેટાં કોઈ બોલતાં નહીં. મેં જાતે કોઠારમાં મૂકેલું ખોખું એમ જાય ક્યાં? તમે ઢીલાં પડશો તો કોઈ બોલશે નહીં. ચમત્કાર વિના નમસ્કાર નહીં.’ માધોએ કહ્યું.

નલિનીબહેન માધોની વાત પર વિચાર કરતાં મૌન રહ્યાં. માધો પોતાના ઉપર આળ ન આવે છેવટે એટલા ખાતર પણ ચોરને શોધવા દૃઢનિશ્ચય હતો. એથી એણે બહેન ઉપર બાળકો પાસેથી વાત કઢાવવા કડકાઈ વાપરવા પણ દબાણ કર્યું.

બહેને થોડું વિચારીને તેની વાત માની લીધી હોય તેમ કહ્યું, ‘માધો, તું એક કામ કર. અત્યારે રસોઈનો સામાન આપતો નહીં.’

‘ક્યારનોય આલી દીધો. બેન, રસોઈ ટુકડીએ શાક તો સમારીયે નાખ્યું. નંદુકાકો લોટ બાંધે છ.’ માધોએ જવાબ આપ્યો.

‘તો આવતી કાલે સવારે કોઠાર ખોલતો નહીં. કંઈ આપીશ નહીં.’

‘આ બરોબર કર્યું બેન.’ લક્ષ્મીએ બહેનના પગલાંને સમર્થન આપ્યું.

‘બરોબર તો નથી પણ બીજું શું કરીએ!’ બહેનને હજી અવઢવ હતી. તેમણે કહ્યું, ‘પાણી માથેથી વહી જાય એ પહેલાં કંઈક કરવું પડે.’

મને કહેવાનું મન થયું કે બહેને નંદુ સાથે વાત કર્યા પછી આવો નિર્ણય કરવો જોઈતો હતો. પરંતુ એમ કરવા જતાં બહેન મારા પર વહેમ લાવે કે બગડીને કંઈ બોલી બેસે તે ભયે મૌન રહ્યો.

માધોને કોઈ પણ હિસાબે આમાંથી બહાર નીકળવું હતું. તેણે કહ્યું, ‘બિલકુલ સીધી વાત છે. જ્યાં સુધી ચોર પકડાય નહીં ત્યાં સુધી ખાવાનું નહીં બને. ભૂખ લાગશે એટલે ફટ-ફટ બોલવા માંડશે.’

‘બસ તો. હું ન કહું ત્યાં સુધી કાલ કોઠાર ખોલતો નહીં.’ બહેને છેવટનો હુકમ કર્યો.

આ હુકમથી મને તો કોઈ ફરક પડવાનો નહોતો. નંદુ પર તો કોઈને શંકા હતી જ નહીં. બાકી રહ્યાં માધો, લક્ષ્મી અને પીળા મકાનનાં બાળકો.

બધાં ધીરે ધીરે સરકી ગયાં. મને હતું કે હમણાં જ આ વાતની જાણ બધાને થશે અને દુર્ગા મને મળવા આવશે; પણ તે આખો દિવસ આવી નહીં.

રાત્રે હું નંદુને ઘરે બેસવા ગયો. નંદુને બહેને જાહેર કરેલી સજાની ખબર પડી ગઈ હતી. તેણે મને જોતાં જ પૂછ્યું, ‘તું ત્યાં હતો તો પછી મને તરત કહ્યું કેમ નહીં?’

‘શું કહું?’ મેં જવાબ આપ્યો, ‘બેને મને પણ...’

નંદુ મારા સામે જોઈ રહ્યો પછી કહે, ‘બેનને સમજાવવાં પડશે. આટલી મોટી સજા તે હોતી હશે! તું સાથે આવે છે કે હું જઉં?’

સાથે જવાની મારી હિંમત નહોતી. નંદુ એકલો જ ગયો. થોડી વારે તે પાછો ફર્યો ત્યારે તેનો બબડાટ કરતો આવ્યો, ‘સાંભળ્યું તેં? કાલે મારે રસોઈ નહીં કરવાની. કહે, નંદુ રસોઈ નહીં કરે તો એનું અહીં કામ પણ શું છે? મારે બીજે જવું પડવાનું આવી નોકરી ન કરાય.’

હું સમજી ગયેલો કે તે નલિનીબહેનને સમજાવી શક્યો નથી. જે છે તે, પણ નિર્ણય આખરી અને અડગ છે.

મેં કહ્યું, ‘કાલ સવારે બેનનો ગુસ્સો ઊતરી જશે. ચિંતા ન કરો.’

‘ગુસ્સો ઊતરવાનો હોત તો આખા દહાડામાં ઊતરી ગયો હોત. મેં, ખુદ નંદુએ સમજાવ્યાં પણ માન્યાં નહીં. આવું તો ક્યાંય જોયું નથી. કોઈની ભૂલની સજા બધાને? આવડાં નાનાં બાળગોપાળને! તું વિચાર આવું કદી કરાય?’

નંદુ ઉદાસ હતો. રસોઈ ન કરવાની હોય તો રસોઇયાએ અહીં શા માટે રહેવું જોઈએ? એવું તેણે વારંવાર કહ્યું. તે બબડતો રહ્યો, ‘બેનનોય વાંક નથી. માધોએ જ તેમને ક્રોધ ચડાવ્યો છે. પણ એ લોક આમ છોકરાંને ભૂખ્યાં રાખીને વાત કઢાવી નહીં શકે તે નક્કી માનજે. છોકરાંનો સંપ એ લોકોએ જોયો નથી. પેટ દાબીને પડ્યાં રહેશે, ભૂખે મરશે પણ કોઈનું નામ દેશે નહીં. ભલે જેને જે કરવું હોય તે કરે.’

‘સવારે કંઈક રસ્તો નીકળશે.’ મેં કહ્યું, ‘અત્યારે સૂઈ જાવ.’

‘એ તો નીકળશે જ. તું કહે છે તેમ જ થશે. સવારે જોજે, રસ્તો નહીં નીકળે તો દુર્ગાઈ કાઢશે. આપણે કોઈ તો કંઈ ન કરી શક્યા. નંદુ તો નોકરીનો બાંધેલો છે; પણ મારી મા કંઈ કોઈની મોહતાજ નથી. એને કોઈનો ડર નથી. તું જોજે, મા ઊઠીને છોકરાંને ભૂખ્યાં રહેતાં જોઈ નહીં રહે. બેસીને જોઈ રહે તો મા શાની? જરૂર પડ્યે તાળું તોડીને અનાજ કાઢી આપશે. માથે ઊભી રહીને રંધાવતાયે દુર્ગાઈને કોઈ રોકી શકવાનું નહીં. નંદુને ન રાંધવા દે તો શું થયું? દુર્ગાને કહ્યે રસોઈટુકડી તો ઠીક, એકે એક છોકરું, નાનું ટબૂરિયું સુધ્ધાં વણવા-શેકવા બેસી જશે.’

નંદુની વાત તો સાચી હતી. નંદુ એકાદ ટંક ન રાંધે તોપણ દુર્ગાએ તૈયાર કરેલી ટુકડીની નવી વ્યવસ્થા જ એવી હતી કે કામ અટકી ન પડતું.

બાળકોને વારાફરતી રસોઈ, પાણી, કપડાં ધોવાં એમ દરેક કામની ટુકડીમાં ફેરવતા રાખીને દુર્ગાએ આવાં તૈયાર કર્યાં છે તે સાચું છે. છતાં નંદુનો દુર્ગા પરનો આટલી હદનો વિશ્વાસ મને વ્યર્થ લાગ્યો. મોટી સત્તા સામે આવડી છોકરી આખરે શું કરી શકવાની હતી!

બીજે દિવસે સવારે નવ વાગે ઑફિસમાં સફાઈ અને ચા કરવા જવાનો સમય થતાં તે તરફ ચાલ્યો ત્યારે માધો દરવાજાની બહાર રખડતો દેખાયો. મને થોડી ચિંતા થઈ. મેં માધો પાસે જઈને પૂછ્યું, ‘શું થયું માધો?’

‘અલ્યા શું થવાનું હતું? રસોડાની અને કોઠારની ચાવી નલિનીબહેનને ત્યાં જમા થઈ ગઈ. બીજું શું!’ માધો જાણે તેને કંઈ પડી ન હોય તે રીતે બોલતો હતો. એમાં એનોયે વાંક નહોતો. તે દિવસે તો નંદુ સિવાય બીજું કોઈ પણ બાળકોનો પક્ષ લઈને બહેનને કંઈ કહેવા જાય તો કપડાંચોરીમાં તેનો હાથ હોવાનો વહેમ આવે તે સ્વાભાવિક હતું.

ઑફિસ ખોલીને મેં સફાઈ કરી. પાણી ભર્યું. હવે શું થશે તેના વિચારમાં ચાવી દીધેલાં રમકડાંની જેમ કામ કર્યા કર્યું. રોજ સાત વાગ્યામાં શરૂ થતું રસોડું આજે નવ વાગતાં સુધી બંધ હતું. બારણેથી નમીને જાળીમાંથી ચોકમાં જોઈ જોયું તો નંદુ રસોડાના બંધ બારણા પાસે નીમાણો થઈને બેસી રહ્યો હતો. માધો દૂર, દરવાજા બહાર રોડ પર ફરતો ટેસથી ટ્રાન્ઝિસ્ટર સાંભળતો હતો.

સાડાનવ થયા.નલિનીબહેન ઑફિસે આવ્યાં. મેં ચા મૂકી. લક્ષ્મી તો આવી જ ગઈ હતી. ઓટલા પર નમીને હું પ્યાલા-રકાબી ધોતો હતો ત્યાં મેં જાળીમાંથી બહાર આવતી દુર્ગાને જોઈ. તેની ચાલમાં દૃઢતા હતી.

મેં અંદર જઈને ચા ભરી. બહેન હજી એક રકાબી હાથમાં લે તે પહેલાં તો દુર્ગા બારણામાં આવીને ઊભી રહી. ત્યાં હતાં એટલાં બધાં હવે શું બને છે તેની રાહ જોતાં હોઈએ તેમ સ્થિર થઈ ગયાં.

દુર્ગા અંદર આવી. નલિનીબહેનના ટેબલ સામે ઊભી રહી. બહેને ચાની રકાબી હાથમાં લઈને ઘૂંટ ભર્યો. પછી રકાબી પાછી ટેબલ પર મૂકતાં દુર્ગા સામે જોઈને જરા ગંભીર અવાજે પૂછ્યું, ‘શું છે, કેમ પધાર્યાં છો?’

બહેનના વર્તનની દુર્ગા પર અસર ન થઈ. તેણે શાંત મુખે, આંખો શીતળ અને હોઠ દૃઢ રાખીને કહ્યું, ‘કોઠારની ચાવી લેવા આવી છું. આપો. જાણો કે કપડાં મેં ગુમ કર્યાં છે. કોઈને મળવાનાં નથી. તમ તમારે મારું જે કરવાનું હોય તે કરજો. અત્યારે તો ચાવી આપી દો.’

દુર્ગાએ મારી સામે નજર પણ ન કરી. તેના મોં પર પણ કોઈ ભાવ નહોતા. તે સાચું જ કહે છે તે માની લેવું અઘરું હતું.

નલિનીબહેનના મોં પર વિકૃત લાગે તેટલો તિરસ્કાર દેખાયો. તેમણે મારા સામે પણ એ જ નજરે જોયું અને બોલ્યાં, ‘મને વહેમ હતો જ.’

દુર્ગા વિચલિત ન થઈ. શાંત, ગંભીર સ્વરે તે બોલી, ‘તમે એના સામે ના જોશો. એને કંઈ ખબર પણ નથી. હું કહું છું કે બીજા કોઈને કંઈ ખબર નથી. કપડાં વંડીની બહાર નથી ગયાં. કહ્યું ને કે મેં ગુમ કર્યાં છે! હવે લાખ વાતે પણ પાછાં મળવાનાં નથી. તમને તમારો ચોર મળી ગયો ને? તમે રસોડું ચાલુ કરાવો. હું કબૂલી લઉં છું. કપડાં મેં ઉઠાવ્યાં છે. હવે ચાવી આપો. મને જે સજા કરવી હોય તે કરજો.’

નલિનીબહેન ક્રોધ રોકી ન શક્યાં. તેમણે પહેલાં તો હાથ ઉગામ્યો, પછી ટેબલ પર પછાડ્યો અને ખાનામાંથી ચાવી કાઢી દુર્ગા તરફ ફેંકી. પછી જે કંઈ થયું તેણે મને સાંગોપાંગ ડહોળી નાખ્યો.

બધું જ મારી હાજરીમાં બનતું હતું. હા, મારી નજર સામે. મારાં સાંભળતાં. હે ઈશ્વર, તે વખતે દુર્ગાને કઠોરમાં કઠોર દંડ થયો હોત તો સારું હતું, તેના શરીર પર સબોસબ વીંઝાતી સોટી પડી હોત તો ભલે, ધોધમાર તમાચા પડ્યા હોત તો તેને પણ હું સારું થયું ગણત. પણ એમાંનું કશું પણ થયું નહીં. થયું તો એ, જે નહોતું થવું જોઈતું.

નલિનીબહેને ક્રૂરતાથી, અવાજમાં લાવી શકાય તેટલો તિરસ્કાર લાવીને, શબ્દો ગણી ગણીને કહેતાં હોય તે રીતે કહ્યું, ‘કોણ જાણે કોના પેટની છે! મા ઉકરડે ફેંકી ગઈ ’ને ત્યાંથી કૂતરાંએ તાણી તોય મરી નહીં. જા મર હવે. બાળ તારી માનું પેટ.’

મારું મસ્તક ઝૂકી ગયું. મારા પગ જમીન સાથે જોરથી ભીડીને હું સ્થિર થઈ ગયો. કેમેય કરીને મારાથી ઊંચું જોવાયું નહીં. ઈશ્વર સાક્ષી છે; તે પળે દુર્ગાને એકલી છોડી દીધાની શરમથી હું લદાઈ ગયો હતો.

દુર્ગા ગમે તેમ બોલશે કે બહેનને મારી બેસશે તેવું મેં માનેલું, પણ જવાબનો શબ્દ ન આવ્યો. નજરને જમીન સાથે જોડી રાખીને હું જે જોઈ-સાંભળી શક્યો તે પરથી લાગ્યું કે દુર્ગા નીચી નમી. તેણે જમીન પર પડેલી ચાવી ઉપાડી, આવી હતી તેમ જ શાંત, દૃઢ પગલે બારણામાંથી બહાર ગઈ. બારણાથી બે ડગલાં દૂર જરા થંભીને, અસીમ શાંતિથી કહ્યું, ‘બેન, તમે તો શું કહેવાનાં? ભગવાન જાતે આવીને કહે કે મને ઉકરડે ફેંકનારી મારી મા હતી; તોયે હું માનવાની નથી.’

લક્ષ્મી હજી સાવરણી હાથમાં જ રાખીને ઊભી હતી. બહેને પોતાનો અણગમો, મૂંઝવણ, ક્રોધ અને શરમ તેના પર ઠાલવતાં કહ્યું, ‘ભોટની જેમ ઊભી શું રહી છે. જા, કામ પતાવ.’ મને પણ એવી જ રીતે પ્યાલા-રકાબી ધોઈ લઈને ચાલતા થવાનું કહ્યું.

ઑફિસથી દુકાને જવાને બદલે હું સીધો પીળા મકાનના ચોકમાં ગયો. રસોડું ખુલ્લું હતું. નંદુ આનંદથી ઊછળી પડીને રાંધવા બેઠો હતો. થોડાં બાળકો લોટ કાઢતાં હતાં, થોડાં દાળ-ચોખા ધોતાં હતાં. હું ત્યાં નંદુની સાથે તેની મદદમાં રોકાઈ ગયો.

રસોઈ શરૂ કરતાં નંદુએ મને ઉત્સાહથી કહ્યું, ‘મેં કહેલું તને. મારી મા કોઈ ને કોઈ રસ્તો કાઢવાની. અહીં આવીને પોતાને હાથે મને કોઠારની ચાવી આપી ગઈ.’

મેં કહ્યું, ‘આપીને ગઈ ક્યાં?’

‘છોકરીઓના કમરામાં હશે. એને તો નિશાળે જવાની તૈયારી પણ કરવાની.’ કહીને નંદુએ પાછું કહેવા માંડ્યું, ‘ન જાણે તેને માથે શું વીતી હશે! રાત જાગીને તે પ્રાર્થના કરતી રહી હશે. ‘હે આરાસુરવાસીની, આજે કોઈને સજા ન થાય એવું કર. એવું ન કરી શકે તો મને એટલી નિષ્ઠુર બનાવી દે કે હવે જે થવાનું છે તે હું જોઈ શકું.’ પણ એમ દુર્ગાઈ કંઈ એટલી નિષ્ઠુર થોડી થઈ શકવાની હતી!’

મેં બહાર જઈને જોયું તો આસપાસ ક્યાંય દુર્ગા દેખાતી નહોતી. નંદુ પાસે જઈને હું વાત કરું ત્યાં નંદુ ફરી કહેવા માંડ્યો, ‘દશ વાગતા સુધી રસોડું ચાલુ ન થયું. હાય રે! બાબા, ક્યારેક ધ્યાનથી મારી માનું મોં જોજે તને તરત સમજાશે કે નિષ્ઠુર થઈને જે થાય તે જોઈ રહેવા જેવું કઠણ હૃદય ઈશ્વરે દુર્ગાને આપ્યું નથી. બીજાનું દુ:ખ એનાથી જોયું નથી જતું. એ છોકરી ભૂખ્યાં બાળકોને કેમ જોઈ શકવાની! તરત દોડતી ગઈ હશે નલિનીબહેન પાસે. ગમે તે કરીને પણ ચાવી લઈ આવી.’

ઑફિસમાં શું બનેલું તે બિચારા નંદુને ખબર નહોતી. દુર્ગા તો કહેવાની જ નહોતી. લક્ષ્મી એટલી ડઘાઈ ગયેલી કે નંદુને મળતાં પણ ડરે. મને લાગ્યું કે મારે પૂરી વાતથી નંદુને વાકેફ કરવો જોઈએ.

મેં કહ્યું, ‘નંદુકાકા, ચાવી લાવવા માટે થઈને કપડાંની ચોરાયાની જવાબદારી દુર્ગાએ પોતાને માથે લીધી એ તમને ખબર છે?’

નંદુના હાથ કામ કરતાં અટકી ગયા. તેણે કહ્યું. ‘દુર્ગાએ કબૂલ્યું?’

‘હા. દુર્ગાએ. પોતાના મોઢે કબૂલ્યું.’ મેં ભાર દઈને કહ્યું ‘કપડાં તો ગમે તે લઈ ગયું હશે; પણ દુર્ગાએ બહેન સામે જઈને કહ્યું કે કપડાં તેણે પોતે ગુમ કર્યાં છે અને હવે મળવાનાં નથી.’

નંદુએ લોટવાળો હાથ મારા ખભે મૂકી દીધો અને કહ્યું, ‘દુર્ગાઈ જો કહેતી હોય કે કપડાં એણે ગુમ કર્યાં છે તો સાંભળી લે ભાઈ, કે દુર્ગાએ જાતે જ કપડાં સંતાડ્યાં છે.’

નંદુની વાતથી હું હતપ્રભ થઈ બોલી પડ્યો, ‘હું નથી માનતો.’

‘તું ન માને તેથી કંઈ ફરક નથી પડતો. જો તે બોલી હોય તો નક્કી માન કે તેણે એવું કર્યું જ છે. હું દુર્ગાઈને જાણું છું. એ કોઈ કાળે પોતાની માથે ખોટું આળ નહીં લે.’ નંદુએ કહ્યું. પછી તરત જ તેને ચિંતા થઈ પડી હોય તેમ પૂછવા માંડ્યો, ‘આટલું થયું તોપણ નલિનીબેને તેને કંઈ કર્યું નહીં! માને માર તો નથી પડ્યોને?’

‘દુર્ગાને મારવાની હિંમત હવે નલિનીબેન કરે? બેને મારી તો નહીં, પણ મારી હોત તો વધુ સારું હતું....’ કહીને મેં ઑફિસમાં જે બનેલું તેની બધી વાત માંડીને કરી.

પૂરી વાત સાંભળીને નંદુ ઢીલો થઈ ગયો. તેનું મોં જોઈને મને લાગ્યું કે જો રસોઈ કરવાની બાકી ન હોત તો તે સીધો દુર્ગાને મળવા દોડ્યો હોત. બે પળ વિચારીને તેણે મને આટલું જ કહ્યું, ‘અરેરે! તેં તો બધું નજરે જોયું છે. જગદંબાનું મોઢું કેવું પડી ગયું હશે! જેનું હૈયું જરાક થડકે તે થડકારો પણ મુખ પર ચોખ્ખો દેખાઈ જતો હોય તે આખું હૃદય ચિરાઈ જાય ત્યારે કેમ કરીને છુપાવી શકવાની?’

‘ત્યાં તો એ ઘણી સ્વસ્થ હતી.’ મેં નંદુને ઠાલું આશ્વાસન આપ્યું.

‘તોયે, ભાઈ, તું એને ગોત. હું જાણુંને રડી પડાય તે પહેલાં તો પીપળે નાસી ગઈ હશે. જરા જો.’

હું ઊભા થતાં અચકાયો એટલે નંદુએ ફરી કહ્યું, ‘ભલે. હમણાં ન જતો. રડી લેવા દે. એનું મન ખાલી થાય પછી આપણે વાત કરશું.’

બાળકો જમવા બેઠાં તોયે દુર્ગા આવી નહીં એટલે અમે તેને લેવા ગયા. તે મૌન બેઠી હતી. તેનાં આંસુ સુકાઈ ગયાં હતાં. નંદુ પાસે બેસીને થોડી વાર કંઈ બોલ્યો નહીં પછી કહ્યું, ‘મા, જમવાનું નથી?’

દુર્ગા કંઈ બોલી નહીં. નંદુએ તેને ફરી કહ્યું, ‘જાણું છું મા, તને ફરીથી જાત વિશે અને એવું બધું કહ્યું છે; પણ તું તો આરાસુરથી આવી છે મા. તારે વળી જાત શી! જાત-પાત, મા-બાપ, બધાંની જરૂર તો અમને બુદ્ધિહીન માણસોને. તારે, સ્વયંજાતાને વળી મા-બાપ ક્યાંથી હોવાનાં? જગતમાં કોઈનું ન હોય તે કુળ તારું છે. ભલે કોઈ તને ઓળખે કે ન ઓળખે. આ નંદુ ઓળખે છે. હવે ચાલ, ખાઈ લે મા. ચાલ ઊભી થા જોઉં.’

આમ છતાં દુર્ગા સ્થિર, મૌન બેસી રહી એટલે નંદુએ છેલ્લું શસ્ત્ર ઉગામતાં કહેલું, ‘તું નહીં જમે તો કહે, મારે શું કરવાનું છે? દરરોજ તારો પ્રસાદ થાય પછી જ આ નંદુ ખાવાનો તે તું નથી જાણતી શું?’

આ વાત સાંભળતાં જ દુર્ગા નંદુ સામે જોઈ રહી પછી જાણે કંઈ બન્યું જ નથી તેના ભાવથી દુર્ગા ઊભી થઈ, વાળ સરખા કર્યા, કૂવે જઈને મોં ધોયું અને બોલી, ‘નંદુદાદા, ચાલો.’

અમે મૂંગાં ચાલ્યા કર્યું. થોડી વારે દુર્ગા નંદુ ધીરેથી બોલી, ‘નંદુકાકા. મારી માએ મને ફેંકી નથી દીધી. એ કામ જરૂર મારા બાપનું કે એના કોઈ સગાનું. મારી માએ મને નથી ફેંકી.’

‘હા. મા એમ જ. નક્કી એમ જ. મા કોઈ દિવસ એવું ન કરે. એ તો કદાચ ભાનમાં પણ નહીં હોય.’ નંદુએ જવાબ આપતાં દુર્ગાની પીઠ પર હાથ ફેરવ્યો અને આગળ કહ્યું, ‘દુનિયા શું કહે છે તે તું ક્યારેય ન સાંભળીશ. તારું મન કહે છે તે જ સાચું છે.’

***