સફરમાં મળેલ હમસફર - 35 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફરમાં મળેલ હમસફર - 35

સફરમાં મળેલ હમસફર 
ભાગ-35
લેખક - મેર મેહુલ
    રુદ્ર અને સેજુની મદદથી શુભમ અને જ્યોતિ સૌના સુઈ ગયા પછી મળે છે.જ્યોતિ શુભમને પોતાનાં પર વીતેલી દાસ્તાન સંભળાવે છે.
       જ્યોતિએ પોતાની વાત શરૂ કરી,
“આપણી વચ્ચે જે સંબંધ આગળ વધી રહ્યો હતો તેની ગંધ મારા દાદાને આવી ગઈ હતી.ઘણી વેળાએ મને કૉલમાં વાત કરતાં તેઓ જોઈ ગયેલા.તેઓના તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા હું આશ્વસ્થ હતી.મારે મન દાદા પોતાના કામોમાં રચ્યાપચ્યા રહેતા એટલે મારા પર ધ્યાન રાખવાનો વિચાર તેઓને નહિ આવ્યો હોય.
     હું ગલત હતી.જે દિવસે મેં જુદાં થવાની વાત કરી હતી તે દિવસની આગળની રાત્રે તેઓ મને વાત કરતા જોઈ ગયા હતા.હું તારી સાથે જ વાત કરતી તેની બાતમી પણ તેઓને મળી ગઈ હતી. આપણી બંનેની વાતો ચાલી ત્યાં સુધી તેઓ છુપી રીતે વાતો સાંભળતા રહ્યા.મેં જેવો કૉલ કટ કર્યો એટલે તેઓએ મારો મોબાઈલ છીનવી લીધો અને મને તમાચો લગાવી દીધો.મેં કોઈ અપરાધ નહોતો કર્યો પણ તેઓની સામે મારે માથું જુકાવવું પડ્યું.
મારા પર ગુસ્સો ઠાલવતા તેઓ બોલ્યા, “તું આપણાં પરિવારનું નાક કપાવીશ એ વાતની ગંધ તો મને પહેલાં જ આવી ગઈ હતી.તારા પર તો હું કેટલા દાડાથી નજર રાખીને બેઠો હતો.તને આવું કરવાથી શું મળ્યું?,તને શરમ ના આવી?,તારા બાપની-તારા દાદાની પાઘડી ભરે બજારે ઉડશે એવો વિચાર તને ના આવ્યો?”
     હું ચુપચાપ નીચું જોઈને સાંભળતી હતી.મારાં પગ ધ્રુજતાં હતા.મારું મગજ સુન્ન પડી ગયું હતું. દાદા તો જ્વાળામુખીની જેમ આગ વરસાવતા રહ્યા.
“આ બધું તારા બાપને લીધે જ થયું છે.મેં કીધું હતું,છોકરીને દસ હુધી(સુધી) ભણાવી એટલું ઘણું છે.હવે મુરતિયો ગોતી(શોધી) પરણાવી દે.પણ તારા બાપાને તો આદર્શ બાપ બનવું હતું. ‘છોકરીઓ ભણેલી હશે તો તેનું ભવિષ્ય ઉજળું થશે’ એવી વાતો કરી ભણવા દીધી.હવે તારા બાપને પોતાની ભૂલ સમજાશે.ખબરદાર,આજ પછી જો એ મહેશના છોકરાને મળી કે વાત કરી તો, રાતોરાત હવેલી વચ્ચે દાટી દઈશ.મારા છોકરાને બે જ છોકરીઓ હતી એવું સમજીશ. એક તો ત્રણ પથ્થર આવ્યા અને હવે એ પગે ભટકાય છે.(પહેલાંના જમાનામાં જો ઘરે છોકરીનો જન્મ થાય તો કુળમાં પથ્થર આવ્યો એવું કહેવાતું.)”
      આટલું કહી દાદા મારો મોબાઈલ લઈને ચાલ્યાં ગયાં.હું રડતી રહી.પપ્પાએ આપેલી છૂટનો મેં દુરુપયોગ કર્યો હતો.મારા પપ્પા આધુનિક વિચારસરણી ધરાવે છે.પરિવારના વાડીલોમાં અપવાદ છે અને આજ સુધી ત્રણેય બહેનો પર કોઈ દિવસ કોઈ પણ પ્રકારની રોકટોક કે પાબંદી નથી રાખી.ક્યારેક દાદાની શરમે તેઓ ચૂપ રહેતા પણ પાછળથી તેઓ જ છુપી રીતે અમને છૂટ આપતા.
       દાદાની વાતોનું તો મને જરા સુધ્ધાં ખોટું નહોતું લાગ્યું.પાપા સામે કેવી રીતે ઉભી રહીશ અને કેમ કરીને આંખો મેળવીશ એ ભયથી મને વધુ રડવું આવતું હતું.
      ખબર નહિ પણ રાતોરાત હવેલીમાં ચર્ચા થઈ હતી.મમ્મીએ મને જગાવી.તેઓએ સાડીના પાલવથી ચહેરો ઢાંકેલો હતો.મતલબ દાદા બીજી બાજુ થોડે દૂર દાદા ખુરશી પર બેઠા હતા.મારી સામે પપ્પા ઉભા હતા.હું કંઈ બોલું એ પહેલાં મમ્મીએ પ્રશ્નોનો મારો શરૂ કરી દીધો. ‘કેવી રીતે મળ્યા,ક્યારથી વાતો કરીએ છીએ, કોને કોને ખબર છે આ વાતની’ જેવી નાની નાની વાતો મમ્મીએ પૂછી લીધી. મને તો આશ્ચર્ય ત્યારે થયું જ્યારે દાદા સામે બેઠા હતા તો પણ મમ્મી બેજીજક મોટા અવાજે બોલતા હતા.ત્યારે મમ્મીએ લાજ-શરમ નેવે મૂકી હતી?
   આપણી વચ્ચે એવું કશું જ નથી થયું જેને મર્યાદા ઓળંગી એવું કહી શકાય.સૌને આ વાત સમજાવવી મારા માટે મુશ્કેલ હતી. મેં રડતી આંખોએ પાપા તરફ નજર કરી.તેઓ અદબવાળી,ટટ્ટાર થઈ,શાંત ચિત્તે ઉભા હતા.તેઓએ મમ્મીને અને દાદાને બહાર જવા કહ્યું.જેવા દાદા અને મમ્મી બહાર ગયા એટલે હું પાપાને ભેટી રડવા લાગી.
“પપ્પા મારી કોઈ ભૂલ નથી.તમે જે છૂટ આપી હતી તેની મર્યાદા મેં ક્યારેય ઓળંગી નથી.”
“હું સમજુ છું દીકરી”પપ્પાએ વહાલથી મારા માથા પર હાથ ફેરવી કહ્યું, “પણ તારા દાદાને તો તું ઓળખે છે ને,જો આ સમયે હું તેની મરજી વિરુદ્ધ જઈશ તો એ વાતનું વતેસર કરશે.તું થોડા દિવસ દાદા કહે એમ કરજે.પરિસ્થિતિ થાળે પડશે એટલે આપણે આ વિશે વિચાર કરીશું.”
      પાપાની વાતથી સહમત થઈ મેં દાદાની વાત માની લેવાનું નક્કી કર્યું.તે રાત્રે દાદાએ જ કૉલ કરાવ્યો હતો.મેં તને જે વાત કહી હતી એ અવાજ મારો હતો,શબ્દો તો દાદાના હતા.પછીના દિવસે મળવાનું પણ દાદાએ જ કહ્યું હતું. મને દાદાએ કહ્યું હતું, “મારે તમારી બંને સાથે એકાંતમાં વાત કરવી છે. મહેશના છોકરાને હું થોડો ઠપકો આપીશ અને થોડી સલાહ.”
      દાદાની વાત જુઠ્ઠી હતી એ હું જાણતી હતી પણ મેં આપણા સંબંધને સૌની સમક્ષ રાખવાનું નક્કી કરી લીધું હતું.મારે મન આપણે બંને સાથે મળી આપણા પરિવારને સમજાવી શકીશું પણ મને જાણ નહોતી કે દાદા તને રાતોરાત અમદાવાદ મોકલી દેશે.
      તારા ગયા પછી દાદાએ મારું ભણવાનું પણ અટકાવી દીધું.એ તો પાપાનો આભાર કે દાદાની જાણ બહાર તેઓએ મારું એડમિશન કૉલેજમાં કરાવી દીધું.એ દિવસ પછી આપણી વાતની ચર્ચા ક્યારેય થઈ નથી.પાપા સાથે વાત કરવાની ઈચ્છા થતી પણ તેઓ તરફથી કોઈ અભિવ્યક્તિ ન મળતાં મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું."
     જ્યોતિએ વાત પુરી કરી.શુભમને ત્યારે પોતાની નિર્બળતા અને અસભાનતા પર અફસોસ થયો.તળશીભાઈનું મગજ ધાર્યા કરતાં તેજ ચાલતું હતું એ શુભમ જાણી ગયો હતો. રુદ્રએ તળશીભાઈને જ મધ્યમાં રાખી વ્યૂહરચના ઘડી હશે એમ શુભમે વિચાર્યું.
       જ્યોતિની વાત પૂરી થઈ ત્યારે રુદ્ર અગાસીના છેલ્લાં દાદરે વાત પૂરી થવાની રાહ જોઇને ઉભો હતો.રુદ્રએ ઉધરસ ખાધી.
"ઓહ રુદ્ર"શુભમે આશ્ચર્ય સાથે કહ્યું, "ક્યારનો ઉભો છે?"
"હું તો ક્યારનો ઉભો છું પણ જ્યોતિની વાત પૂરી થાય તેની રાહ જોઈ રહ્યો હતો.હવે પછીની ચર્ચા લગ્ન પછી કરજો.ત્યારે તમારી પાસે સમય હી સમય હશે.હાલ ઘણાબધા કામ કરવાના છે.તું ચાલ મારી સાથે."
રુદ્રની વાત સાંભળી બંને શરમાઇ ગયા.જ્યોતિ નીચેના રૂમમાં ચાલી ગઈ. શુભમ જે રસ્તે આવ્યો હતો એ રસ્તે બંને હવેલીની બહાર નીકળી ગયા.
***
"આ હવેલીની પ્રથા જુદી જ છે નહીં?"બહાર નીકળી રસ્તે ચડતાં રુદ્રએ કહ્યું.
"કેમ?,તને શું જુદું લાગ્યું?"શુભમે પૂછ્યું.
"હવેલીની ભવ્યતા જોઈ કોઈ પણ અંજાઈ જાય પણ હવેલીના લોકોના વિચારો સંકોચીત અને મર્યાદિત છે.આ લોકો આધુનિક હોવાનો ડોળ તો કરે છે પણ તેઓના વિચારો આદમ-ઇવના જમાનાના હોય એવું લાગે છે. હાહાહા"કહેતાં રુદ્ર હસી પડ્યો.
"એ વાત સાચી કહી.આ હવેલી જ નહીં પણ આ ગામના જ વિચારો આદમ-ઇવના જમાનાના છે.હજી પૂરું ગામ અંધશ્રદ્ધામાં માને છે. જો બહાર જતી વેળાએ બિલાડી રસ્તો કાપે અથવા છીંક આવે તો હજી આ ગામના લોકો ઘરે પાછા આવી જાય છે.કોઈ બીમાર હોય તો ડૉકટર પાસે નહિ પણ ભુવા પાસે લઈ જાય છે."શુભમે ગામની અંધશ્રદ્ધા વિશે માહિતી આપી.
"હું ખુશ નસીબ છું.તારા ગામની મુલાકાત લેવાનું મને સુખ પ્રાપ્ત થયું."રુદ્રએ મૂછમાં હસતા શુભમની ખેંચી.
"ખેંચે છે?"શુભમે ઉંચા અવાજે કહ્યું, "તને શું લાગે?,મેં કોશિશ નહીં કરી હોય?,મેં મારા પરિવારથી જ સુધારો કરવાની કોશિશ કરી હતી. મારાં પ્રસ્તાવ સામે મને એવા જવાબ મળ્યા કે મારી બોલતી બંધ થઇ જતી.એકવાર મેં લાજ પ્રથા બંધ કરવા વિશે કહ્યું હતું તો પાપા મને કહે કે જો આટલી છૂટ આપીએ તો મર્યાદા ભંગ થાય.
      હવે તેઓને કોણ સમજાવે કે ભગવાને સ્ત્રી-પુરુષને સરખા અધિકાર સાથે દુનિયામાં અવતર્યા છે.પુરુષને બોલવાનો જેટલો અધિકાર છે એટલો જ સ્ત્રીને પણ છે. શિક્ષિતવર્ગ આ બધી વાતો સમજી શકે છે પણ કચોટીયા ગામ જેવા કેટલાય અશિક્ષિત ગામો છે જ્યાં હજી લાજ પ્રથા છે.તેઓને આ વાત સમજાવવી ભેંસ પાસે ભાગવત કરવા જેવું થાય છે."
"તારા પપ્પાએ જ્યોતનો ચહેરો નીરખી નીરખીને જોયો હશે.તારે આ પ્રશ્ન આવશે જ નહીં ને.હાહાહા"રુદ્ર મજાકના મૂડમાં હતો.
"રુદ્ર હું અહીં ગંભીર વાત કરું છું અને તું મજાકના મૂડમાં છે?"શુભમે રુક્ષ અવાજે કહ્યું.
"હવે તારો મૂડ હોય એવો જ મારો મૂડ હોય એવું જરૂરી થોડું છે?,મારા દાદા કહે છે કે માણસે પોતાનાં વિચારોને અમલમાં મૂકવા જોઈએ. જો બીજાના વિચારોનું અમલીકરણ કરશો તો હંમેશા નિરાશ થશો અને બીજાના વિચારો પોતાના પર લાદવા બદલ પારાવાર અફસોસ થશે.તો મારા વિચારો અત્યારે સકારાત્મક છે એટલે હું સારા મૂડમાં છું.અને તું છોડને આ બધી વાતો.તારે ક્યાં અત્યારે સમાજસુધારક બનવાની જરૂર છે. જ્યોતિનો પતિ બની જા તો પણ ગંગા નાહ્યા.હાહાહા"
"એ તો તારા હાથમાં છે.તું સસ્પેન્સ પરથી પડદો હટાવે તો કંઈક ખબર પડે.નહીંતર જ્યોતિના લગ્ન થઈ જશે અને હું માત્ર પેટ ભરીને જમવા જ પામીશ.હાહાહા"
"તું પણ મજાકના મૂડમાં આવી ગયો?"
"એક મોટા વિદ્વાને કહ્યું છે કે સમય તો તેના સમયે જ ચાલશે.આપણે આપણા સમયને કેવી રીતે પસાર કરવો એ નક્કી કરવાનું રહ્યું."
"કોણ હતા આ વિદ્વાન,મેં તો કોઈ દિવસ નહિ સાંભળ્યું"
"એ વિદ્વાન તારી સામે જ ઉભા છે બાળક"કહેતાં શુભમ હસવા લાગ્યો.
"હાહાહા,શત શત પ્રણામ તમોને"રુદ્રએ બે હાથ જોડી શુભમને વંદન કર્યા.
"સેજુ સાથે તારા લગ્ન થાય એવા મારા આશીર્વાદ છે તને"રુદ્રના માથે હાથ ફેરવી શુભમે કહ્યું.
      રુદ્રનો ચહેરો પડી ગયો.નીચું જોઈ રુદ્ર ચુપચાપ ચાલવા લાગ્યો.
"શું થયું અલા?,યાદ આવે છે?"હવે શુભમે રુદ્રની ખેંચવાની શરૂ કરી.
"ના બે,આપણે એવું ના હોય.ચલ આપણે ઘણીબધી ચર્ચા કરવાની બાકી છે"
"આપણે ક્યાં જઈએ છીએ?"શુભમે પૂછ્યું.
"તારા ઘરે.આજે મેં હવેલીએ કહ્યું છે કે હું શુભમના ઘરે સુઇશ"રુદ્રએ કહ્યું.
"ઊંઘ આવશે મારા ઘરે?"શુભમે પૂછ્યું.
"એમાં એવું છે બકા,જો તારી જોડે સુવાનું કહે તો હું અંગાર પર પણ સુઈ જાઉં.બસ શરત એક છે કે તારે પેલી છોકરીઓવાળી હરકત નહિ કરવાની,હાહાહા"
"ફરી મજાક?"શુભમે ભવા ચડાવી હાથ ઉછાળ્યા.
"આપણે સુવાનું નથી.મેં બહાનું જ બતાવ્યું છે. તું ચાલને મારી સાથે.આપણે ભોળાનાથના મંદિરે જઈએ છીએ"
      દસ મિનિટ પછી બંને મંદિરના પ્રાંગણમાં બેઠાં હતાં.મંદિરનો આછો પીળો પ્રકાશ બંનેના ચહેરા પર પડી રહ્યો હતો.વાતાવરણ એકદમ શાંત હતું.નિશાચર પક્ષીઓના અને કુતરાના ભસવાના અવાજ ક્યારેક વાતાવરણને જીવંત બનાવતા હતા.થોડીવાર અવાજ થતો પછી ફરી એ ઘોર અંધારામાં સન્નાટો છવાઈ જતો.
"શુભમ"રુદ્રએ શુભમના ખભે હાથ રાખી કહ્યું, "હું હવે જે વાત કરવા જઈ રહ્યો છું એ ગંભીર છે.આ વાત યોગ્ય રીતે રજૂ થાય એ માટે હું રસ્તામાં મજાક કરતો હતો.હવે પરિસ્થિતિની ગંભીરતા સમજી આંખ અને કાન ખુલ્લા રાખી મારી વાત સાંભળજે."
     શુભમે માત્ર હકારમાં માથું ધુણાવ્યું.
"હું અમદાવાદથી અહીંયા આવ્યો ત્યારે જ મને આ ગામ અજુગતું લાગ્યું હતું. મેં ઘણાબધા એવા સ્થળોની મુલાકાત લીધી છે જ્યાં રહસ્ય હોય,રોમાંચ હોય.એ સ્થળોની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ અથવા ખોટી માન્યતાઓ છુપાયેલી રહેતી.હું અહીંયા આવ્યો અને મને  સવજીનું જે સ્વપ્ન આવ્યું હતું એ પરથી મને લાગતું કે આ ગામ જોડે મારો કોઈ અલૌકિક સંબંધ રહ્યો હશે.પાછળથી મને જાણવા મળ્યું કે શાળામાંથી ઇતિહાસના પુસ્તક અને હવેલીમાંથી મળેલા પરષોત્તમના પુસ્તકની અસર માત્ર હતી.
     દસ વાગ્યા પછી પુરા ગામમાં સન્નાટો છવાઈ જતો અને ભૂતના ડરને કારણે કોઈ બહાર ના નીકળતું તેની પાછળ મને રહસ્ય લાગ્યું.એ રહસ્ય જાણવા હું રોજ રાત્રે સેજુને મળવાના બહાને અગાસી પર આવતો.મને આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે હવેલીમાં રહેતાં લોકો પણ દસ વાગ્યા પછી ઓરડાની બહાર ના નીકળતા.
      એ સમય દરમિયાન ઘણીવાર મેં સેજુના દાદા એટલે તળશીભાઇને રાત્રે ચોરીચુપે બહાર નીકળતા જોયા.મને એ વાત ખૂંચી.જો એ જ અંધશ્રદ્ધામાં માનનારા હોય તો રાત્રે તેઓ કેમ બહાર નીકળે છે. મેં એક-બે વાર તેઓનો પીછો કરેલો.એ પરથી હું બે તારણ ઉપર આવ્યો છું.
એક,તેઓ હંમેશા જીણા નામના વ્યક્તિને મળતા. ગામના લોકો પાસેથી મળેલી જાણકારી અનુસાર એ વ્યક્તિ માતાજીનો ભુવો છે.એટલે એવું બની શકે કે તળશીભાઇને તેના પર અપાર શ્રદ્ધા હોય અને એ જીણા નામનો વ્યક્તિ જેમ કહેતો હોય તેમ તેઓ કરતાં હોય.
 બીજી વાત,એ બંનેની વાતો પરથી મને માલુમ પડ્યું હતું કે અમવાસની રાત,એટલે કે આજની રાત્રે તેઓ કોઈ જનવરની બલી ચડાવવાના છે.એ બલી લગ્નમાં કોઈ વિઘ્ન ન આવે એ માટે વાવ પાસે ચડાવવાની છે.
બીજી વાતને ધ્યાનમાં રાખી પેલો નાઈટ વિઝન કેમેરો મેં વાવ પાસે રહેલા એક વૃક્ષની એક ડાળીએ છુપાવેલો છે.કાયદાકીય રીતે પ્રાણીઓને મારવા એ ગુન્હો છે.આપણે કાલે સવારે એ રેકોર્ડિંગ લઈ લઈશું અને હવેલીમાં સૌને દેખાડીશું.જો એ લોકો આપણી વાત નહિ સમજે તો પોલીસ ફરિયાદની ધમકી પણ આપીશું."
"તારી વાત બરાબર છે પણ ખજાનાની વાત ક્યાં આવી?"શુભમે પૂછ્યું.
"તળશીભાઈ જેમ જ્યોતિનો પીછો કરી શકે એમ મારો પીછો પણ કરાવી જ શકેને.કદાચ તેઓએ મને ક્યારેક જાસૂસી કરતાં જોઈ લીધો હોય અને તેના પૌત્રનો દોસ્ત છું એટલે કંઈ કહી ના શકે એમ વિચારી મને ઉલ્જાવવા માટે તેઓએ કાવતરું ઘડ્યું હોય.
     એ વાતની ખાતરી મને ત્યારે થઈ જ્યારે ભૂપતકાકાએ મને પરષોત્તમનું પુસ્તક આપવાની મનાઈ કરી અને પછી જાતે જ પોતે એ રૂમમાં ચાલ્યા ગયા.તેઓ જાણતાં હતા કે હું તેઓની પાછળ જઈશ.એ પુસ્તક ક્યાં રાખવામાં આવ્યું છે એ જણાવવા જ તેઓએ એવું કર્યું હતું.ત્યારબાદ પહેલી કડી મળવી પણ તેઓની જ દેન છે,કારણ કે એ તામ્રપત્ર જોઈ એવું લાગતું જ નથી કે એ વર્ષો પુરાણું હોય.કોઈ નવા તામ્રપત્ર પર ઢોળ ચડાવી તેને જુનવાણી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એ કામમાં તારા પેલા પૂજારીએ પણ સાથ આપ્યો છે."
"તું આ બધી વાતો ખાતરીપૂર્વક કેમ કહી શકે?,છેલ્લા બે દિવસથી હું તારી સાથે જ છું. મને તો એવું અજુગતું નથી લાગતું.જો આ તારું અનુમાન હોય તો કદાચ તું ગલત સાબિત થઈશ.અને વાત રહી વીડિયોની તો પૂરું ગામ પ્રાણીઓની બલી સ્વીકારે છે.અહીં આ બધું છુપી રીતે થાય પણ પછી જાણ પુરા ગામને થઈ જાય છે.તો ધમકી આપી કે ડરાવીને કોઈ ફાયદો નહિ થાય."
"પહેલી વાત,આ મારું અનુમાન નથી અને જો મારી ધમકીની તેઓ પર અસર ના થઇ તો હું આ વીડિયો વાઇરલ કરીશ.કેમેય કરીને હું મારી યોજના સફળ કરીશ."
"મારાં માટે આટલું બધું?"શુભમે ગળગળા થઈને પૂછ્યું.
"ના, દોસ્ત માટે"રુદ્રએ બે હાથ ફેલાવી શુભમને આમંત્રણ આપ્યું. બંને ભેટી પડ્યા.
"જો રુદ્ર, હાથ ફેલાવી તે જ છોકરી જેવી હરકત કરી છે.મારી ભૂલ ના કાઢતો પછી."શુભમ.
(ક્રમશઃ)
      શું રુદ્ર તળશીભાઈની હકીકત સૌની સમક્ષ લાવી શકશે?,ગામમાં રહેલી અંધશ્રદ્ધા સામે રુદ્ર જે લડત આપે છે તેમાં તે સફળ થશે?,જ્યોતિ અને શુભમ એક થઈ શકશે?,અંત તરફ ધસતી નવલકથામાં ઘણાબધા રહસ્યો છુપાયેલા છે.ધાર્યા બહારના રહસ્યો અહીં સામે આવી શકે છે. તો વાંચતા રહો.સફરમાં મળેલ હમસફર.
-Mer Mehul
     મારી અન્ય નૉવેલ મારી પ્રોફાઇલમાંથી મળી રહેશે.