સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ – 9
દરેક મૂર્તિનો ડાબો હાથ જમણાં હાથ કરતાં લાંબો હોય એવું કહેતી વખતે ત્વરિતના ચહેરા પર અજબ આવેગ, આંખોમાં અદમ્ય વિસ્ફાર અને અવાજમાં ઉશ્કેરાટ વર્તાતા હતા. તેણે ફગાવેલી તસવીરો છપ્પન ઘડીક ધ્યાનભેર જોઈ રહ્યો. તસવીરોમાં દેખાતી મૂર્તિના બંને હાથ તેણે ચકાસ્યા પણ ડાબા-જમણાંનો ભેદ કે એ ભેદનું કારણ તેને સમજાતાં ન હતા. અસમંજસભર્યા ચહેરે તેણે ત્વરિતને પૂછી લીધું, 'એનાંથી શું ફરક પડે?'
છપ્પનનો સવાલ જાણે સાંભળ્યો જ ન હોય તેમ ત્વરિત ક્યાંય સુધી અન્યમનસ્કપણે ઘડીક ભોંય પર તો ઘડીક છત સામે તાકતો રહ્યો. પછી જાણે ગળામાં વજનિયાં લટકાવ્યાં હોય તેવા શ્રમથી તેણે ગરદન ઊઠાવી અને છપ્પન સામે જોયું. તેની આંખોમાં નર્યો સુનકાર હતો અને છપ્પનના ચહેરા પર ભારોભાર ઉત્સુકતા.
'એનાંથી શું ફરક પડે એ તને કેમ સમજાવું?' ત્વરિતે બેય હાથના અંકોડા માથા પાછળ ભીડીને બાવડાં તંગ કર્યા, 'એનાંથી ધરતીકંપ થઈ જાય... ત્સુનામી આવી જાય.. આસમાન નીચે આવીને પટકાય' તેના ચહેરા પર હવે હળવું સ્મિત હતું, 'એ બધું સમજવા માટે તારે ૪-૫ વર્ષ માટે મૂર્તિવિધાનનું આખું શાસ્ત્ર સમજવું પડે બટ આઈ વિલ ટ્રાય ટુ એક્સ્પ્લેઈન ઈન ઈઝીએસ્ટ વે...'
'હમ્મ્મ્...' હોંકારો દઈને છપ્પને ખુરસી નજીક ખેંચી. આ ઘડીએ તેને ચા પીવાની તીવ્ર તલબ ઉપડતી હતી પણ પોતે ક્યાં છે, આ ઘડીએ ચા મળી શકે કેમ એ સવાલ ઊભો કરીને તે માંડ પાટે ચડેલી ગાડીને ખોરવવા ન્હોતો માંગતો. તેણે બારીના રમણિયામાં પડેલું સિગારેટનું પાકિટ ઊઠાવ્યું અને એક સાથે બે સિગારેટ જલાવી એક ત્વરિતને ધરી. ઘડીભર બંને સિગારેટનો પહેલો દમદાર કશ ખેંચતા રહ્યા. બંધ ઓરડાની ભીતર તમાકુની કડવી ગંધ પ્રસરવા લાગી.
'મેં તને કહ્યું કે આ મૂર્તિના પ્રપોર્શનમાં ડાબો હાથ જમણાં હાથ કરતાં લાંબો છે...' ત્વરિતે ધૂમાડાનો ગોટ ઊડાડતા કહ્યું.
'પ્રપોર્શન એટલે?'
'એ જ સમજાવું છું, ઉતાવળ ન કર અને ધ્યાનથી સાંભળ' ત્વરિતે ફરીથી એ ચોરેલી મૂર્તિ ઊઠાવી અને ટેબલ પર છપ્પનની આંખો સામે ધરી. 'મને કહે, તારો ચહેરો વધારે રૃપાળો લાગે છે કે સલમાન ખાનનો?'
છપ્પન નીચે જોઈને ઘડીક શરમાઈ ગયો પછી દોસ્તાના લહેકામાં કહ્યું, 'પથારીમાંથી ઊભો થાઉં છું ત્યારે મારી લગભગ દરેક ગર્લફ્રેન્ડ હું સલમાનનો ય બાપ છું એવું બોલવા મજબૂર થઈ જાય છે' પછી પોતાની જ મજાક પર એ ભદ્દું હસી પડયો.
'સાલા તારા શુરાતનનું નથી પૂછતો...'
'હા હું સમજ્યો...' ચહેરા પર પ્રસરેલું સ્મિત ઓલવીને તેણે ફરી ગંભીરતા ધારણ કરી લીધી.
'તારી કે મારી સરખામણીએ સલમાન કે શાહરૃખ આપણને વધુ રૃપાળા લાગે છે. આપણી આસપાસની છોકરીઓ કરતાં દીપિકા કે પ્રિયંકાના ફિગર આપણને રૃંવાડે રૃંવાડે આગ લગાડે છે. એ કેમ એવા લાગે છે એ આપણને ખબર નથી પડતી એટલે આપણે કહીએ છીએ કે તેમના ચહેરાના ઘાટ-ઘૂટ સુંદર છે... તેમનાં ફિગર અફલાતુન છે. હકિકત એ છે કે, તેમના શરીરના દરેક અંગો એકબીજાની સાપેક્ષમાં તદ્દન પ્રમાણસર છે. એ પ્રમાણને પ્રપોર્શન કહેવાય.'
'હમ્મ્મ્મ્... સમજાયું...'
'ચહેરાની લંબાઈ-પહોળાઈ મુજબના નાક-હોઠ અને આંખ-કાન હોય, ચહેરાના આકાર સાથે બિલકુલ અનુકૂળ એવી ગરદન હોય, ગરદનની લંબાઈ સાથે સુરેખ લાગે એવડું જ ધડ હોય, ધડના અનુપાતમાં જ હાથ-પગની લંબાઈ હોય એ પરફેક્ટ બોડીના લક્ષણ કહેવાય. બહુ ઓછા લોકોનું શરીર એવું તદ્દન સપ્રમાણ હોય. મૂર્તિ ઘડતી વખતે આ દરેક માપનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે.'
છપ્પને હકારમાં ડોકું ધુણાવ્યું, 'પણ ક્યારેક એ પ્રપોર્શન ચૂકી જવાય તો? ક્યારેક એ માપ જાળવી ન પણ શકાય ને?'
'એ જ સમજાવું છું...' ત્વરિતના ચહેરા પર તીવ્ર કશ્મકશ વર્તાતી હતી. એક રીઢા, અઠંગ ઊઠાઉગીરને.. જેણે ચોરી કરવી અને જલસા ઠોકવા એ બે સિવાય જિંદગીમાં ત્રીજું કશું વિચાર્યું નથી એવા ખડ્ડુસને એ મૂર્તિશાસ્ત્ર ભણાવવા બેઠો હતો પણ એ વગર તેનો આરો ય ન હતો. તેણે ઊંડો નિઃશ્વાસ છોડીને પોતાનો પ્રયત્ન આગળ વધાર્યો,
'આપણે આર્ય પ્રજા છીએ. મૂળભૂત રીતે આપણે મૂર્તિપૂજક છીએ. મૂર્તિના આકારમાં આપણે ઈશ્વરના નિરાકારને નિહાળીએ છીએ. પરંતુ કઈ મૂર્તિ ઈશ્વરના નિરાકારને ઝીલે છે તે નક્કી કરવાનું એક પ્રાચીન શાસ્ત્ર છે. એ શાસ્ત્ર મુજબ, પ્રપોર્શનની સંપૂર્ણતા ધરાવતી મૂર્તિ જ પ્રતિષ્ઠાન પામે છે અને તેમાં જ દૈવત્વ આરુઢ થાય છે એવું આપણાં શાસ્ત્રો કહે છે.'
'મતલબ કે, પ્રપોર્શનમાં ન હોય એવી મૂર્તિ મંદિરમાં સ્થાપના કરવા માટે કે પૂજા માટે નકામી એમ જ ને?'
'હા...' ત્વરિતે સસ્મિત જવાબ વાળ્યો અને ફરીથી સિગારેટનો કસ લીધો. તેનો 'સ્ટુડન્ટ' બરાબર સમજતો જતો હતો તેની રાહત તેને અનુભવાતી હતી.
'પરંતુ કેટલીક વાર...' તેણે બહુ જ ધીરજપૂર્વક છપ્પનની આંખમાં આંખ પરોવીને, એક-એક શબ્દ ધીમે ધીમે છૂટો પાડીને કહ્યું, 'મૂર્તિને જાણી જોઈને, બેડોળ બનાવીને અપૂર્ણ કે વિસંગત રાખવામાં આવે છે. પ્રયત્નપૂર્વક રાખવામાં આવેલી અપૂર્ણતા ધરાવતી આવી મૂર્તિ એ વામપંથની સાધના માટે ઉપયોગી હોય છે.'
'વામપંથ એટલે?' છપ્પન સમજવાની ભરચક કોશિષ કરતો હતો પણ આ બધા જ શબ્દો તેને અધ્ધર જતા હતા.
'દક્ષિણ એટલે જમણું અને વામ એટલે ડાબું. વામપંથ એ શંકરના વિધ્વંસક સ્વરૃપને પૂજે છે. આ માર્ગના સાધકો માંસ, મદિરા એટલે કે શરાબ, મૈથુન એટલે કે સંભોગ જેવી જાતિય ક્રિયા વડે ઈશ્વરને ભજે છે. તેને વામમાર્ગ કહો કે પાશુપતદર્શન કહો કે કૌલદર્શન...'
'એટલે..?' છપ્પનના અવાજમાં ઉશ્કેરાટ ભર્યો હતો, 'તું ત્વરિત કૌલ છે એટલે આવો...'
'હાહાહાહાહા..' ત્વરિત ખડખડાટ હસી પડયો, 'તું છપ્પન છે એટલે શું પાંચડે છગડે છપ્પન છે? માય ડીઅર, હું કાશ્મીરી પંડિત છું. સંસ્કૃતમાં કૌલ એટલે પુષ્ટ, પાકેલું. બીજો અર્થ શંકરના અનુયાયી એવો પણ થાય. મારા વડવા શૈવ અને શાક્તપંથના અનુયાયી હતા એટલે અમે કૌલ કહેવાયા પરંતુ કૌલદર્શન અને કૌલ અટક અને વામપંથને કોઈ સંબંધ નથી..'
છપ્પનને હજુ ય ગળે ઉતરતું ન હતું તોય એ ત્વરિતની વાતો સાંભળતો રહ્યો, 'વામપંથના વિધિ-વિધાન તદ્દન અલગ હોય છે. આપણે તુલસીની માળા ફેરવીને મંત્રો જપીએ છીએ ત્યારે વામમાર્ગીઓ મનુષ્યની ખોપરીના પોલાણમાં પોતાનું જ લોહી ભરીને સાધના કરતા હોય છે'
'હાઆઆઆ...' કંઈક પોતાને જાણીતી વાત આવી એટલે છપ્પન ઉત્સાહભેર કહી ઊઠયો, 'એટલે અઘોરી જ ને? ઉ તો હમનેં ભી સુણા હૈ...' પોતે ચોરેલી મૂર્તિ અઘોરીઓના કામની છે એવું જાણીને હવે તે મૂર્તિની સામે નજર માંડતા ય ખચકાતો હતો.
'પૂરાતત્વ વિદ્યા અને મૂર્તિકલાવિધાનના નિષ્ણાતો એવું કહે છે કે, આજથી બે હજાર વર્ષ પહેલાં આવી વામમાર્ગી પ્રતિમાઓ હતી પરંતુ પછી દક્ષિણપંથી શૈવધર્મ વિકસતો ગયો અને વામમાર્ગીઓ ઘટતા ગયા. એ ઉપરાંત સદીઓની ભૌગોલિક, સાંસ્કૃતિક અને નૈસર્ગિક ઉથલપાથલોને લીધે હવે વામમાર્ગિય મૂર્તિઓ લગભગ અપ્રાપ્ય છે. છેલ્લામાં છેલ્લે જમણી આંખ કરતાં ડાબી આંખ ખાસ્સી મોટી હોય તેવી વામમાર્ગિય મૂર્તિ ઈસ. ૧૮૧૨માં દક્ષિણ ભારતના ઐયવુરમાંથી મળી હતી. હજુ પણ કેટલીક અતિ મહત્વની વામમાર્ગિય મૂર્તિ હોવાની ધારણા છે પણ એ મૂર્તિ ક્યાં છે તેની કોઈ ઓળખ કે સ્પષ્ટ માહિતી પ્રાપ્ય નથી..'
'એટલે?'
'એટલે એમ કે...' ત્વરિતે સંમોહિત થયેલી આંખે મૂર્તિ તરફ જોઈને કહ્યું, 'સાલા... ભલભલાં એક્સપર્ટ્સ પણ જેને સદીઓથી લાપતા થયેલી માને છે એવી મૂર્તિઓ તું ઊઠાવી રહ્યો છે... અને તને એનું ભાન પણ નથી'
'ઈન્ટરેસ્ટિંગ...' સ્તબ્ધતાપૂર્વક સાંભળી રહેલા છપ્પને ઉપલા દાંત વડે નીચલો હોઠ કરડી ખાધો.
'ઈન્ટરેસ્ટિંગ એ નથી કે તું આ બધી મૂર્તિ ઊઠાવી લાવ્યો, ઈન્ટરેસ્ટિંગ એ છે કે કોઈક માણસ સાલો આ બધી મૂર્તિના ઠામ-ઠેકાણાં અને વિગતો શોધી ચૂક્યો છે.' છપ્પને એક રીઢા ચોર તરીકે બહુ સહજતાથી 'ઈન્ટરેસ્ટિંગ' શબ્દ વાપર્યો હતો પણ ત્વરિતને એ ખૂંચ્યો, '.. અને મને ઈન્ટરેસ્ટિંગ એ પણ લાગે છે કે તેણે એ કેવી રીતે જાણ્યું અને હોરિબલ ઈન્ટરેસ્ટિંગ એ લાગે છે કે આ બધી મૂર્તિઓનું તે શું કરી રહ્યો છે?'
'તું કહે છે કે ડિંડોરીના દેવાલયમાં તું વારંવાર આવે છે અને મૂર્તિઓનો અભ્યાસ કરે છે તો તને કદી ખ્યાલ ન આવ્યો કે આ મૂર્તિ વામમાર્ગી છે?' છપ્પને એકદમ ચોટડુક સવાલ કર્યો એટલે ત્વરિતને રાહત થઈ. એ બરાબર ટ્રેક પર આખી વાતને સમજી રહ્યો હતો.
'તારા દુબળીને હું બેય હાથે સલામ એટલે જ કરું છું. કારણ કે, વામમાર્ગિય મૂર્તિઓ ઓળખવા માટે સ્કેલિંગ ઉપરાંત બીજા ય માપદંડો છે. એ મૂર્તિની મુખાકૃતિ માણસ જેવી હોય અને ક્યારેક પશુ જેવી હોય, એમાં ભેદી સંકેતો હોય, ગુપ્ત રીતે અંકિત કરેલા મંત્રો ય હોઈ શકે, મુખાકૃતિમાં કે અન્યત્ર ક્યાંક વામમાર્ગનું ચિહ્ન અંકિત થયેલું હોય એ પ્રકારના બીજાય માપદંડ છે. આ બધા જ માપદંડની જેને ખબર હોય અને એ માપદંડ ઓળખતા પણ આવડે એ જ આર્કિયોલોજિકલ સ્કેલિંગ કર્યા પછી મૂર્તિ વામમાર્ગી હોવાનું પારખી શકે'
'પણ તને તો માત્ર સ્કેલિંગથી જ ખબર પડી ગઈ...'
'ના, સ્કેલિંગ તો મેં ડિંડોરીના દેવાલયમાં જ આ મૂર્તિ પર જોયા હતા. જો ત્યારે જ મને આ મૂર્તિ વામમાર્ગી હોવાની ખબર પડી હોત તો મેં ત્યારે જ તેનો ઢંઢેરો પીટી દીધો હોત અને તને એ મૂર્તિ ચોરવાનો મોકો ય ન મળ્યો હોત..'
'તો?'
'સ્કેલિંગ જોઈને તો મને એટલી જ ખબર પડી હતી કે મારા સિવાય બીજું કોઈક અહીં છાનુંછપનું સંશોધન કરવા આવે છે. કારણ કે આવા સ્કેલિંગ તો અમે પણ કરતાં જ હોઈએ. એ કોણ હોઈ શકે એ ચેક કરવાનો જ મારો ઈરાદો હતો. માથું ફાડી નાંખતી ગંધ વચ્ચે એ જગ્યાએ મેં તને ફરતો જોયો અને મને તારા પર શંકા ગઈ. તને મૂર્તિમાં શું ઈન્ટરેસ્ટ હશે તેના બહુ બધા વિકલ્પો મેં વિચાર્યા. તું રિસર્ચર હોઈ શકે અથવા તું એન્ટિક ચીજોનો ઊઠાઉગીર હોઈ શકે. એકેય એંગલથી તું મને રિસર્ચર તો લાગતો ન હતો.'
'તો તેં પોલીસને કે મંદિરના માણસોને જ અગાઉથી કેમ ન ચેતવ્યા?'
'તેનું કારણ પણ એ જ કે આ મૂર્તિ પર સ્કેલિંગ હતા.' છપ્પન મુદ્દાસર સવાલો કરતો હતો એથી ત્વરિતને ખાસ્સો હાશકારો થતો હતો. કારણ કે, એ આ આખી જફા ધ્યાનપૂર્વક સમજે તો જ એ તેનો ભરોસો કરશે એવી ત્વરિતને ખાતરી હતી.
'સાધારણ ઘરફોડિયો જે ઘરમાં તાળુ દેખાય તેનો નકુચો તોડે, રાઈટ?' ત્વરિતે હવે છપ્પનને તેની જ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો, 'પરંતુ બેન્ક લુંટવા જવી હોય તો બેન્કના ટાઈમિંગ, કસ્ટમરની ભીડ, કેશ ક્યારે વધુ હોય કે ઓછી હોય, એલાર્મિંગ સિસ્ટમ અને સિક્યુરિટી એવી બહુ બધી એક્સરસાઈઝ તારે કરવી પડે. બરાબર ને?'
'હમ્મ્મમ્...' છપ્પન હવે સંમત થતો જતો હતો.
'તું આ માર્કિગ કરેલી મૂર્તિ ઊઠાવે એટલે જ મને રસ પડે કારણ કે હું સમજી શકું કે તું સાધારણ મૂર્તિચોર નથી. તને ચોક્કસ પ્રકારની મૂર્તિમાં જ રસ છે. એ રસ કેમ છે અને આ મૂર્તિમાં શું ચોક્કસ છે તેનો જવાબ મારે મેળવવો હતો. એટલે મારે તારું મો ખોલાવવું પડે એ મને સમજાતું હતું. તને ઝડપવા જતા તારી સાથે કદાચ ઝપાઝપી ય થાય એમ ધારીને મેં વેપન્સ પણ તૈયાર રાખ્યા. મૂર્તિના નમૂના પલાળી રાખવા ઈથર પણ હું જોડે રાખતો હોઉં છું. તને બેહોશ કરવાની જરૃર પડે તેમ ધારીને મેં ઈથર પલાળેલો રૃમાલ પણ પાછલા ખિસ્સામાં ખોસી રાખ્યો અને તારી ઉલટતપાસ માટે આ જગ્યાનો ય બંદોબસ્ત કરી રાખ્યો...'
છપ્પને ઊંડો શ્વાસ છોડીને ઓરડામાં નજર ઘૂમાવી દીધી. તેનો બાપ કાયમ કહેતો, 'ઈ સબ કિસ્મત કી બાજી હૈ રે છપ્પનવા... જીસ દિન કિસ્મત બિગડી, દિખીયો સબ કુછ બિગડા... ચુન્નીભર કી ગલતી ભી ગલે મેં ફંદા બનકર ફસ જાવે' તેની સાથે એવું જ થયું હતું. હજુ ય તેને પોતાની નિષ્ફળતાની શરમ અનુભવાતી હતી.
'તું બેહોશ હતો એ દરમિયાન મેં તારો સામાન ચકાસ્યો. એમાંથી મળેલા બીજી મૂર્તિઓના ફોટોગ્રાફ્સ પર પણ મેં એવા જ સ્કેલિંગ જોયા. તું તો સાલા છ કલાક ઘોરતો રહ્યો પણ એ છ કલાકમાં મેં આ એકેએક ફોટાના સ્કેલિંગ ઉકેલવા આંખો ફોડી નાંખી ત્યારે મને સમજાયું કે દરેક મૂર્તિનો ડાબો હાથ...'
'જમણા હાથ કરતાં લાંબો છે...' છપ્પને પોતાના જ ગાલ પર લપડાક મારતા કહ્યું, '... અને મને ગધેડાને આજ સુધી કદી તેનો અણસાર સુદ્ધાં ન આવ્યો...'
(ક્રમશઃ)