ભૂલ
કનુ ભગદેવ
પ્રકરણ - 5
દિલીપનો તર્ક...!
કંચન વિનોદ પ્રત્યે જે રૂક્ષ વર્તન દાખવતી હતી, એ બદલ ક્યારેક ક્યારેક તેનું મન કચવાતું હતું.
અપરાધ બોધની ભાવના તેના પર છવાઈ જતી હતી.
પરંતુ મધુકર ઊર્ફે ભગતની પ્રેમજાળમાં તે એટલી આંધળીભીંત થઈ ગઈ હતી કે અંતર મનના અવાજનું તેને માટે જાણે કે કોઈ જ મહત્વ નહોતું રહ્યું.
મધુકરની દાનત સારી નથી એવું તેને રહી રહીને લાગતું હતું.
પરંતુ તેમ છતાં યે તે મધુકરને નફરત નહોતી કરી શકી અને કદાચ કરે, તો પણ કેવી રીત કરે?
લાલચ અને આંધળા પ્રેમથી એની વિવેક શક્તિ હણાઈ ગઈ હતી.
વિનોદને બરબાદ કરવામાં એણે કોઈ કસર બાકી નહોતી રાખી. પરંતુ ક્યારેક તો કંચનની અક્કલ ઠેકાણે આવશે, એવા વિચારે એ તેની મૂર્ખાઈ સહન કર્યે રાખતો હતો.
ઘરે પહોંચ્યો પછી વિનોદે તેને વીસ હજાર રૂપિયા વિશે કંઈ ન જણાવ્યું. જો કંચનને આ રકમ વિશે જાણ થશે, તો ફરીથી ખર્ચાઓ ઊભા કરશે તેની એને ખબર હતી. જે ઘરમાં સ્ત્રી ઉડાઉ સ્વભાવની હોય, એ ઘરમાં ખર્ચ કરવાની અપ્રિય જવાબદારી પુરુષ જ શા માટે સંભાળે છે, એ હવે તેને રહી રહીને સમજાયું હતું.
પતિની આવકમાંથી ઘરનું ગુજરાન ચલાવવા ઉપરાંત સંકટ સમયે કામ આવે એટલા ખાતર થોડી બચત કરવાની દરેક સ્ત્રીની ફરજ છે. માણસની જરૂરિયાતોનો કોઈ અંત નથી હોતો. દિવસે દિવસે એ વધતી જ જાય છે! અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ માણસની એક જરૂરિયાત પૂરી થતાંની સાથે, તરત જ બીજી નવી જરૂરિયાત ઊભી થઈ જાય છે! જે સ્ત્રીએ આવકના પ્રમાણમાં જ જરૂરિયાતોને સિમિત રાખવાનું શીખી લીધું હોય, એ કુટુંબ સંપન્ન ન હોય છતાં પણ ખુશ રહે છે! જરૂર પડ્યે બચત કરેલી રકમ કાઢી આપે એ જ સ્ત્રી ઘરની લક્ષ્મી કહેવાય છે!
પરંતુ કંચનમાં આમાંથી એકે ય ગુણ નહોતો.
એ તો પોતાના પતિ નિરંતર હેરાન કરતી હતી.
ઘરનું વાતાવરણ એટલું ઝઘડામય બની ગયું હતું કે વિનોદ મોટે ભાગે બહાર જ રહેતો હતો.
કદાચ આ કારણસર જ સવારે નામું કરવા જવામાં તેને જરા પણ મુશ્કેલી નહોતી પડી.
સાંજે વિનોદના ઘેર આવ્યા પછી આઠ હજાર રૂપિયા ગુમાવ્યા બદલ કંચને તેની માફી માંગીને જાણે કે પોતાનું કામ પૂરું થઈ ગયું હોય એમ માની લીધું.
બીજે દિવસે વિનોદ બેંકે જવા માટે રવાના થયો, ત્યાર પછી એ પણ બહાર જવા તૈયાર થવા લાગી. એ મધુકરને મળીને, વિનોદ સાથે તેને શું વાતચીત થઈ હતી, એ જાણવા માંગતી હતી.
પરંતુ તે રવાના થાય એ તે પહેલાં મધુકર પોતે જ ત્યાં આવી પહોંચ્યો.
એ આજે પહેલા જ વખત તેની પાસે સામેથી આવ્યો હતો.
‘ત...તું...!’ કંચન ચમકીને બોલી, ‘હું તારી પાસે જ આવતી હતી.’
‘હું આવ્યો તો શું ફર્ક પડી જવાનો છે?’ મધુકરે સોફા પર બેસતાં અધિકારભર્યા અવાજે કહ્યું.
‘હું અનાથ હતી, એ વાત અહીં સૌ કોઈ જાણે છે. તને જોઈને લોકો નાહક જ જાત-જાતની શંકા-કુશંકા કરશે. આ વિસ્તારની સ્ત્રીો તો આવા જ કોઈક બનાવની રાહ જોતી બેઠી હોય છો!’
‘કોઈ પૂછે તો કહી દેજે કે ટી.વી.મીકેનીક આવ્યો હતો!’
એ બેદરકારીપૂર્વક બોલ્યો,‘ હોઠ સાજા તો ઉત્તર ઝાઝા!’ વાત વાળવાની ઘણી રીતો હોય છે!’
‘તારે વિનોદ સાથે વાતચીત થઈ ગઈ છે?’
‘હા..’
‘પહેલાં કોફી પી લે... પછી નિરાંતે વાતો કરીશું.’ કંચને રસોડા તરફ આગળ વધતાં કહ્યું.
‘ના...અત્યારે મારે કોફી નથી પીવી!’ મધુકર તત્પર અવાજે બોલ્યો, ‘અહીં બેસ...!’
કંચન તેની બાજુમાં બેસી ગઈ.
‘વિનોદ સાથે શું વાતચીત થઈ...?’
‘એ માની ગયો છે. મેં એને વીસ હજાર રૂપિયા પણ આપી દીધા છે.’
‘વીસ હજાર...? પરંતું એણે તો મને આ બાબતમાં કશું જ નથી જણાવ્યું.’ કંચને ચમકીને ક્હ્યું.
‘એને તારા પક કોઈ જાતની શંકા ન ઉપજે એટલા ખાતર મેં જ તેને જણાવવાની ના પાડી હતી.’
‘હવે તો કામ જલદી પૂરું થઈ જશે?’ કંચને “કામ” શબ્દ પર ભાર મૂકતાં પૂછ્યું.
‘હા...ટૂંક સમયમાં જ...! આવતા રવિવારે કામ પતી જશે.’ મધુકરે સ્મિત ફરકાવતાં જવાબ આપ્યો.
‘આગામી રવિવારે જ...?’ કહેતાં કહેતાં કંચનના ચહેરા પર રોનક ફરી વળી.
’હા...બધી તૈયારીઓ થઈ ગઈ છે. કાલે વિનોદ પાસેથી પણ લૉકર વિશે માહિતી મળી જશે.’
‘આ રવિવાર પછી હું તારી સાથે જ રહીશ!’
‘આ પણ કંઈ કહેવાની વાત છે?’
‘મધુકર...કાલે મારી હેન્ડબેગ આંચકી લેનાર બદમાશનું ખૂન તેજ કર્યું હતું ને?’ કંચને ભયભીત અવાજે પૂછ્યું.
‘ના...’મધુકર ભાવહીન અવાજે બોલ્યો, ‘એના કોઈ દુશ્મને તેને મારી નાખ્યો હતો. વારૂ, કેપ્ટન દિલીપ સાથે તારે શું વાતચીત થઈ હતી?’
દિલીપ યાદ આવતાં જ કંચનના દેહમાં ધ્રુજારી ફરી વળી.
‘એણે મને ખૂબ જ પૂછપરછ કરી હતી. માત્ર આઠ હજાર રૂપિયા ખાતર તેનું ખૂન થયું હોય એ વાત કોમ જાણે કેમ તેને ગળે નહોતી ઉતરતી! હેન્ડબેગમાં કોઈક બીજી જ વસ્તુ હોવાની તેને શંકા હતી.’
‘તે એને કંઈ જણાવ્યું તો નથી ને?’ મધુકરે કઠોર અવાજે પૂછ્યું. એનો ચહેરો કમાનની જેમ ખેંચાઈ ગયો હતો.
‘ના...હેન્ડબેગમાં આઠ હજાર રૂપિયા જ હતા, એ વાત પર હું મક્કમ રહી હતી.’ કંચન ખોફભર્યા અવાજે બોલી.
ત્યારબાદ એણે દિલીપ સાથે તેને તથા વિનોદને થયેલી વાતચીતની વિગત મધુકરને જણાવી દીધી.
એની વાત સાંભળીને મધુકર ઊર્ફે ભગતના ચહેરા પર ચિંતા અને પરેશાનીના હાવભાવ છવાઈ ગયા.
‘દિલીપ નામનો આ માણસ જરૂર કરતાં વધુ ચાલાક લાગે છે.’
‘ચાલાક...?’ અરે એ શિયાળને પણ છેતરી લે એચલો ચાલક છે!’ કંચને પોતાના ભય પર કાબૂ મેળવતાં કહ્યું.
‘એ હજુ પણ તને મળવા આવશે. પરંતુ તારી જુબાની પર અડગ રહેજે તું જરા પણ ગભરાઈશ નહીં. એ તારું કંઈ જ બગાડી શકે તેમ નથી.’
‘કોણ જાણે કેમ એનો સાક્ષાત્કાર થતાં જ મને ભય લાગે છે! જાણે મનની વાત ચહેરા પરથી જ જાણી લેવા માગતો હોય એ રીતે તે મારી સામે જુએ છે!’
‘રવિવાર સુધીની જ તકલીફ છે. બનવાજોગ છે એ કદાચ તને મળવા માટે ન પણ આવે!’
‘કાલે સાંજે હું અહીં આવીશ અને...’
‘ના...તારું અહીં આવવું યોગ્ય નથી અને...’
‘પહેલાં મારી વાત સાંભળી લે...!’ મધુકર વચ્ચેથી જ તેને અટકાવીને બોલ્યો, ‘કાલે હું તને નહીં પણ વિનોદને મળવા માટે અહીં આવવાનો છું. કાલે સાંજે તારે અહીં નથી રહેવાનું!’
‘પૈસા બાબત તને ખબર ન પડવી જોઈએ એવી વિનોદની સલાહ છે. ઉપરાંત એ વખતે તું અહીં હાજર રહે એમ હું પણ નથી ઈચ્છતો.’
‘વિનોદની વાત તો જાણે કે સમજી...પરંતુ તું આવું શા માટે ઈચ્છે છે?’
‘કેપ્ટન દિલીપ તારા પર કદાચ નજર રખાવતો હશે એવી મને શંકા છે. જો એ તારા પર નજર રખાવતો હશે તો કાલે તું બહાર નીકળીશ કે તરત જ નજર રાખનાર તારો પીછો શરૂ કરી દેશે.’ મધુકર સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘કોઈ મને અહીં આવતો જુએ એમ હું નથી ઈચ્છતો. કેમ સે કમ પોલીસ સાથે સંકળાયેલો કોઈ માણસ જુએ એમ તો નથી જ ઈચ્છતો.’
‘તું પણ કંઈ ઓછો ચાલાક નથી મધુકર! દિલીપ શેર છે તો તું સવાશેર છો!’
‘પોલીસ સાથે ચાલાકી ન વાપરીએ તો અમે છડેચોક ફરી પણ ન શકીએ ડીયર! એમ કોઈ પણ પગલું ભરતાં પહેલાં પોલીસ પર તેની શી અસર થશે, એનો વિચાર પહેલાં કરી લઈએ છીએ. પોલીસની પ્રતિક્રિયા જાણ્યા પછી જ અમે અમારું કામ કરીએ છીએ.’
‘ભલે...હું કાલે સાંજે ગેરહાજર નહીં રહું!’ કંચન બોલી, ‘પરંતુ હવે તું જા...! તારું હેવ અહીં વધુ વખત રોકાવું યોગ્ય નથી.’
‘તું મને કાઢી મૂકવા માંગે છે?’
‘ના...પણ તું મારી લાચારી સમજવાનો પ્રયાસ કર !’
‘ઓ.કે...’ કહીને મધુકર ચાલ્યો ગયો.
***
દિલીપ ખૂબ જ ચિંતાતૂર હતો.
એની આંખોમાં મુંઝવણ અને વ્યાકુળતાના હાવભાવ છવાયેલા હતા.
જ્યારે તેની સામે બેઠેલો વામનરાવ સિગારેટના કસ ખેંચતો એને ચ્હેરા સામે તાકી રહ્યો હતો.
‘શું વાત છે દિલીપ?’ છેવટે ન રહેવાતાં એણે પૂછ્યું, ‘તું શું વિચારમાં ડૂબી ગયો છે?’
‘કંઈ નહીં...!’ કહીને દિલીપે સ્મિત ફરકાવ્યું, ‘હું પેલા ખૂનનો વિચાર કરતો હતો વામનરાવ! એ મામલો મને ખૂબ જ રહસ્યમય લાગે છે.’
‘તુ આ બાબતમાં તપાસ તો કરી ચૂક્યો છે. મહેતા બ્રધર્સના માલિકે પણ કંચન પાસે ત્રણ-ચાર હજાર રૂપિયા માંગતો હોવાની વાત કબૂલી છે.’ વામનરાવ અચરજભર્યા અવાજે બોલ્યો, ‘ઉપરાંત કંચનના પતિએ પણ એણે કંચનને આઠ હજાર રૂપિયા આપ્યા હોવાનું કબૂલ કર્યું હતું.’
‘એ તો બધુ ઠીક છે... પરંતુ કંચનની હેન્ડબેગ આંચકી જનાર બદમાશનું ખૂન ખૂબ જ શંકાસ્પદ હાલતમાં થયું હતું, એવું મને લાગે છે. માત્ર આઠ હજાર રૂપિયા ખાતર એનું ખૂન કરવામાં આવ્યું હોય એ વાત કેમેય કરીને મારે ગળે નથી ઉતરતી.’
‘એના કોઈક દુશ્મને જોગાનુજોગ તેં એને પકડ્યો, ત્યારે મારી નાખ્યો હશે.’
‘ના...આ દલીલમાં કંઈ દમ નથી, એક સી.આઈ.ડી. ઑફિસરની હાજરીમાં જૂની દુશ્મનાવટ ખાતર કોઈનું ખૂન થાય, એ વાત બહું ઓછી તર્ક સંગત લાગે છે.’
‘તો પછી તેને શું તર્કસંગત લાગે છે?’
‘બધું યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું એવું મને લાગે છે!’ દિલીપે એક સિગારેટ કાઢીને તેના ફિલ્ટરને પેકેટ પર ટપટપાવતાં કહ્યું.
‘તુ કઈ યોજનાની વાત કરે છે દિલીપ...? વામનરાવે ચમકીને ટટ્ટાર થતા પૂછ્યું.
‘જો વામનરાવ...કંચન એ હેન્ડબેગ લઈને ભૈરવચોકમાં દાખલ થાય છે. એક બદમાશ એના હાથમાંથી બેગ આંચકીને નાસી છૂટે છે. જોગાનુજોગ હું ત્યાં હાજર હતો. મેં એનો પીછો કર્યો. બીજી તરફ પોતાનો પીછો થવાની શક્યતા છે, એ વાત તે બદમાશ પણ જાણતો હતો. આ કારણસર તેને મદદ કરવા માટે એક કારમાં તેનો કોઈક સાથીદાર પણ હતો. બદમાશે કંચન પાસેથી આંચકેલી બેગ કારની બારીમાં ફેંકી દીધી અને પછી છેવટે જ્યારે તે પકડાયો બરાબર એ જ વખતે તેનું ખૂન થઈ ગયું. કારણ કે તે પકડાઈ જાય એમ કોઈક નહોતું ઈચ્છતું.’
‘પરંતુ કોઈને વળી આવું શા માટે ઈચ્છવું પડે?’
‘હેન્ડેબેગનો ભેદ છત્તો ન થઈ જાય એટલા માટે!’
‘વારૂ, બીજુ શં વિચારે છે તું?’
‘માઉન્ટ વિશાળગઢ પાસે મોત રહા જોઈને ઊભું છે, એ વાત તે બદમાશ નહોતો જાણતો. પરંતુ તેને જવાનું તો એ તરફ જ હતું. હેન્ડબેગ આંચક્યા પછી માઉન્ટ વિશાળગઢ તરફ જ જવાની તેને સૂચના આપવામાં આવી હતી. માત્ર આઠ હજાર રૂપિયા માટે આટલું મોટું ષડયંત્ર કોઈ સંજોગોમાં ન રચવામાં આવે!’ દિલીપે મક્કમ અવાજે કહ્યું, ‘ હવે તું એ વાતનો જવાબ આપ કે જો મેં તે બદમાશને પકડીને કાયદાને હવાલે કરી દીધો હોત તો તેને વધુમાં વધુ કેટલી સજા થાત?’
‘વધુમાં વધુ ત્રણ વર્ષ!’
‘તો શું માત્ર ત્રણ વર્ષની સજામાંથી બચાવવા ખાતર તેને હંમેશને માટે છૂટકારો અપાવી દેવામાં આવ્યો?’
દિલીપનો તર્ક સાંભળીને વામનરાવની આંખો હેરતથી ફાટી પડી.
‘ના, દિલીપ...!’ એ ધીમેશી બોલ્યો, ‘તારા તર્કમાં વજન છે! એ બદમાશના ખૂન પાછળ જરૂર કોઈક જબરદસ્ત ષડયંત્ર છૂપાયેલું છે.’
‘થેંક્યૂ...મારી વાત તારે ગળે ઊતરી તો ખરી!’ દિલીપે ઊંડો શ્વાસ લેતાં કહ્યું.
‘તારી વિચારશક્તિ કાશ્મીર ફરી આવ્યા પછી ખરેખર ખીલી ઊઠી છે દિલીપ...!’ વામનરાવ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘મેં પોતે પણ આમ નહોતું વિચાર્યું.’
‘એનો પત્તો લાગી ગયો છે દિલીપ!’
‘એમ...?’
‘હા...’
‘તો પછી અત્યાર સુધી બોલતો કેમ નથી?’
‘તેં મને પૂછ્યું જ ક્યાં છે?’
‘ખેર, હવે પૂછું છં...’
‘તો સાંભળ, એનું નામ દિલાવર છે. એની મા તેના મૃતદેહને લઈ ગઈ છે. મેં અનું સરનામું નોંધી લીધું છે.’
‘વેરી ગુડ...કદાચ દિલાવરની માતા પાસેથી કંઈક નવું જાણવાનું મળશે.’
‘દિલીપ તું વિનોદ અને તેની પત્નીને ચેક શા માટે નથી કરતો? કદાચ એ બંને વિશે કોઈક શંકાસ્પદ વાત જાણવા મળે, એ બનવાજોગ છે...’
‘આ કામ હું કરી જ ચૂક્યો છું વામનરાવ! વિનોદ વિશે મને જાણવા મળ્યું છે કે તે અનાથ આશ્રમમા ઊછરીને મોટો થયો છે. પોતાની લગન અને મહેનતથી એણે બેંકમાં નોકરી મેળવી છે. એને મહિને અઢારસો રૂપિયા પગાર મળે છે. પરંતુ એ રહે છે કોઈક બેકના મેનેજરના ઠાઠમાઠથી! એની જેટલી આવક છે, તેમાંથી તે આટલી વૈભવશાળી વસ્તુઓ ખરીદી શકે તેમ નહોતો. એ અનાથ હતો એટલે તેના બાપ-દાદા તેને માટે કોઈ મિલકત કે રોકડ રકમ મૂકી ગયાની શક્યતા ઊડી જાય છે!’
‘આ બધી ચીજવસ્તુઓ તેને કરિયાવરમા મળી હોય એ બનવા જોગ છે.’
‘ના...એણે પ્રેમલગ્ન કર્યાં હતા. કોલોનીમાં રહેતાં લોકો પાસેથી મને જાણવા મળ્યું છે કે તેની પત્ની એટલે કે કંચન પણ અનાથ જ હતી. લગ્ન વખતે તેમનું કોઈ સંગુ-સંબંધી તેમને આશીર્વાદ સુધ્ધાં આપવા માટે પણ મોઝુદ નહોતું તો પછી કરિયાવર આપવાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે?’
‘તો પછી આ બધી વસ્તુઓ તેમણે કેવી રીતે મેળવી હશે?’ વામનરાવે મૂંઝવણભર્યાં અવાજે પૂછ્યું.
‘એની પણ મને ખબર છે.’
‘શું...?’ વામનરાવે ચમકીને પૂછ્યું.
‘હા...આ બધી વસ્તુઓ તેમણે હપ્તા પદ્ધતિથી ખરીદી છે...અને આ બધી વસ્તુઓનો હપ્તો મહિને તેરસો-ચૌદસો રૂપિયાથી ઓછો તો નહીં જ હોય એમ હું માનું છું.’
‘એ હપ્તા ચૂકવે છે?’
‘એ તો ચૂકવવો જ પડે ને?’
‘તો પછી ત્રણસો-ચારસો રૂપિયામાં તેમનું ગુજરાન કેવી રીતે ચાલતું હશે? આટલી રકમ તો સ્કૂટરના પેટ્રોલમાં જ વપરાઈ જાય છે!’
‘વિનોદ ચાર જગ્યાએ નામાં લખવા જાય છે. આ કામમાં તેને મહિને ઓછામાં ઓછા સાતસો રૂપિયા તો મળતા જ હશે.’
‘કમાલ કહેવાય!’ માણસ પોતાનો શોખ પૂરો કરવા માટે પોતાની જાતને મહેનતની ભઠ્ઠીમા પણ ફેંકી દે છે!’
‘રાઈટ...આ જ વાત વિચારવા જેવી છે! મેં પણ આ જ દૃષ્ટિકોણથી વિચાર કર્યો હતો.’
‘આ વિનોદ તો ઘણો વિચિત્ર માણસ કહેવાય! માત્ર પોતાની પત્ની પર રૂઆબ જમાવવા માટે એણે આવું કર્યું?’
‘ના...આવું એને લાચારીવશ કરવું પડ્યું છે...! એની પત્નીએ જ તેને આવું કરવા માટે લાચાર બનાવી મૂક્યો હતો. ઘરમાં જે કંઈ ચીજ-વસ્તુઓ આવતી, એ તની પત્નીને કારણે જ આવતી હતી. જો વિનોદને ઘરમાં આ બધી વસ્તુઓ વસાવવાનો શોખ હોત તો એ તે લગ્ન પહેલાં જ વસાવી શકે તેમ હતો. એ વખતે તેનો એકલાનો બહુ ખર્ચ પણ નહોતો.’
‘ઓહ...તો કંચને જ આવું કર્યું છે એમ ને?’
‘હા...’
‘તો તો પછી એ તેની પત્ની નહીં પણ દુશ્મન હોય એવું તને નથી લાગતું? એક અનાથ છોકરી માટે, તેના લગ્ન કોઈક સારા, ખાનદાન યુવાન સાથે થાય, એટલું જ પૂરતું નથી હોતું?’
‘એક વિદ્વાનનો આ બાબતમાં બહુ ઉત્તમ વિચાર છે.’
‘શું?’
‘દરેક કુંવારી છોકરીની એક જ ઈચ્છા હોય છે કે તેને સારો પતિ મળી જાય! અને લગ્ન પછી તેની બધી ઈચ્છાઓ જાગૃત બની જાય છે...માત્ર પતિ જ મેળવવાની ઈચ્છા ધરાવતી સ્ત્રીને લગ્ન પછી બધી જ વસ્તુઓ મેળવવાની ઈચ્છા થઈ જાય છે!’
‘અને દરેક સ્ત્રીને બધું જ નથી મળતું. કારણ કે એ પોતાના હિસાબથી ઘરખર્ચ ચલાવવાનું શીખી જાય છે.
‘બરાબર છે... પરંતુ કંચન આવું નથી કરતી.’
‘એની પાછળ એક માનસિક કારણ હોઈ શકે છે દિલીપ!’
‘શું?’
‘કંચન અનાથ હતી....હીન ભાવનાઓ વચ્ચે જ તે ઉછરીને મોટી થઈ છે. એટલે આ હીન ભાવનાને મગજમાંથી કાઢી નાખવા માટે તે એવું કરી શકે છે. માણસ પોતાની સુષુપ્ત ઈચ્છાઓને, જાગૃત ઈચ્છાઓ કરતાં પહેલાં પૂરી કરવા માગે છે, એ તો તું જાણતો જ હોઈશ!’ જાણે કુદરતનું કોઈક મોટું રહસ્ય ખોલતો હોય એમ વામનરાવે કહ્યું.
‘વાહ...તું તો માણસના સ્વભાવને બરાબર રીતે પારખી જાણે છે. ા સુષુપ્ત ઈચ્છાઓ એમ તો નથી કહેતો ને કે ભાઈ, તું મને પૂરી કરીને ફરીથી અનાથ બની જા! ખોટું લગાડીશ નહીં, ઘડીભર માટે માની લો કે તારી પત્નીનો સ્વભાવ પણ કંચન જેવો જ હોય, તો એ સંજોગોમાં તું શું કરે?’
‘પહેલાં તો હું એને સમજાવવાનો પ્રયાસ કરું...!’
‘અને જો એ કેમ ય કરીને ન સમજે તો...?’
‘તો એ સંજોગોમાં હું તેનાથી છૂટકારો મેળવવાનો વિચાર કરીશ!’
‘રાઈટ...તો શું વિનોદે તેને નહીં સમજાવી હોય?’ દિલીપે હસીને પૂછ્યું, ‘શું તેને ફરીથી પોતે અનાથ બની જશે એવો વિચાર નહીં આવ્યો હોય?’
‘તો પછી કંચન આવું શા માટે કરે છે?’
‘એ જ તો મોટો ભેદ છે...! જો આ ભેદ છત્તો થાય તો ઘણી વાતો સામે આવી શકે તેમ છે,’
‘શું કંચન જાણી જોઈને જ આવું કરે છે?’
‘ચોક્કસ...’ દિલીપ મક્કમ અવાજે બોલ્યો, ‘અને આવું તો જે સ્ત્રીને પોતાનો વાળ પણ વાંકો નથી થવાનો, એવી ખાતરી હોય, એ જ સ્ત્રી કરી શકે છે!’
‘કમાલ કહેવાય!’ વામનરાવ આશ્વર્યથી બબડ્યો.
‘હું કાલે સાંજે આ બધી વાતો જાણ્યા પછી વિનોદની રાહ જોતો હતો. એ આવ્યો પણ ખરો...! પરંતુ એ મારૂતીકારમાં બેસીને આવ્યો! એને કારમાંથી ઉતરતો જોઈને હું કંઈ ન બોલ્યો. અલબત્ત, મેં કારનો નંબર જરૂર નોંધી લીધો, આ કાર રાધેશ્યામ ભગત નામના કોઈક માણસની છે અને તે સુંદર નગરમાં રહે છે!’
‘તે ભગતને ચેક કર્યો?’
‘ના...પણ ટૂંક સમયમાં જ કરીશે! આર.ટી.ઓ.ઑફિસરથી મને માત્ર એનું નામ સરનામું જ જાણવા મળ્યું છે. સુંદરનગર જવા માટે ફુરસદ નથી મળી.’
‘તે કાર ચલાવનાર માણસને તો જોયો જ હશે?’
‘હા... અને આજે મેં એ જ માણસને વિનોદના મકાનમાં જતો જોયો છે. એ વખતે વિનોદ ગેરહાજર નહોતો.’
‘એ માણસ વિનોદનો કોઈક ગાઢ મિત્ર હોય એવું બની શકે છે.’ વામનરાવનું પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું.
‘ગાઢ મિત્ર, અવારનવાર ઘેર આવતો-જતો હોય એને જ કહેવાય છે ને?’
‘હા...મોટે ભાગે તો આમ જ હોય છે!’
‘તો તને જાણીને નવાઈ લાગશે કે એ કોલોનીમાં. તે માણસને આજે પહેલી જ વાર જોવામાં આવ્યો હતો.’
‘એમ...?’
‘હા...મે એ માણસને જ્યારે તે બહાર નીકળ્યો ત્યારે એક પાનવાળાને બતાવીને પૂછપરછ કરી હતી. પાનની દુકાન વિનોદના ઘરની બરાબર સામે જ છે. એની પાસેથી જ આ વાત મને જાણવા મળી છે. પાનવાળાની વાત ખોટી હોય એવું તો બને જ નહીં?’
‘વારૂ, તે એને કંચનની ચાલ-ચલગત વિશે કંઈ પૂછયું હતું?’
‘હા...પાનવાળાના કહેવા મુજબ કંચન, વિનોદના બેંકે ગયા પછી મોટે ભાગે, વિનોદનો પાછો ફરવાનો સમય ન થાય ત્યાં સુધી ગેરહાજર રહેતી હતી. વિનોદના આગમનની એકાદ કલાક પહેલાં તે ઘેર પાછી ફરતી હતી. પાછાં ફરતી વખતે એક ગુનેગારના ચ્હેરા પર જે હાવભાવ છવાયેલા હોય, બરાબર એવા જ હાવભાવ તેના ચ્હેરા પર જોવા મળતા હતા.’
‘આ વાત પણ તેને પાનવાળાએ જ જણાવી છે?’ વામનરાવે અચરજભર્યાં અવાજે પૂછ્યું.
‘કોઈ માણસ વિશે જો કંઈ જાણવું હોય, ખાસ કરીને તેની ચાલ-ચલગત વિશે જાણવું હોય, તો એ જ્યાં રહેતો હોય, તેની આજુબાજુના કોઈક પાનવાળાને પૂછપરછ કરી જો! એ તેના બાપ-દાદા વિશે પણ જણાવી દેશે!’
‘તારી આ સલાહ હું ધ્યાનમાં રાખીશ!’
‘વામનરાવ...નવાઈની વાત તો એ છે કે સવારે કંચનની હેન્ડબેગને કારણે એક માણસનું રહસ્યમય સંજોગોમાં ખૂન થયું. એને એ જ સાંજે એક માનવી પોતાની મારૂતી કારમાં વિનોદને તેના ઘર સુધી મૂકી ગયો. બીજે દિવસે એ જ માણસ વિનોદની ગેરહાજરીમાં તેના ઘરે પણ ગયો અને ત્યાં એણે પંદર મિનિટ વીતવી!’ દિલીપ વિચારવશ અવાજે બોલ્યો.
‘વિનોદ અને કંચનની હિલચાલ તથા વર્તુણુંક ખૂબ જ શંકાસ્પદ અને રહસ્યમય લાગે છે. તું કહેતો હો તો હું કંચનની ઊલટતપાસ કરું...!’
‘કંઈ જ લાભ નહીં થાય! એની પાસે પોપટની જેમ પઢાવેલો એક જ જવાબ છે વામનરાવ! એ પોતાના જવાબમાંથી તસુભર પણ ચસકશે નહીં. એની જુબાનીના છોતરાં ઉડાવી શકે એવી કોઈ વાત હજી સુધી મને નથી સૂઝી. એને વધુ પૂછપરછ કરીશું તો તે સાવચેત બની જશે. પરંતુ એ બંને ક્યા લોટનો રોટલો શેકે છે, એનો પત્તો લગાવીને જ હું જંપીશં!’
‘હવે તું શું કરવા માંગે છે?’
‘અત્યારે તો હું માત્ર તેમને ચેક જ કરું છું. જો કંઈ ગરબડ હશે તો જરૂર સામે આવશે જ!’
‘વારૂ, દિલાવરે જે કારમાં હેન્ડબેગ ફેંકી હતી, એનો નંબર તેં નેહોતો જોયો?’
‘જોયો હતો...પરંતુ તેનાથી આપણને કંઈ જ લાભ થાય તેમ નથી.’
‘કેમ...?’
‘એ કારની ચોરી થયાની ફરિયાદ બંદર રોડ પોલીસસ્ટેશન પર નોંધાયેલી છે, એટલું જ નહીં, હજી સુધી તેનો પત્તો નથી લાગ્યો!’ દિલીપ એક ઊંડો શ્વાસ લઈને બોલ્યો, ‘ દિલાવરના સાથીદારોએ કારની ચોરી કરી...! શું માત્ર આઠ હજાર રૂપિયા માટે તેમણે પહેલા એંસી હજારની કાર ચોરી?’
‘તું તો એક પછી એક ફણગાં ફોડ્યે જ રાખે છે!’
એની વાત કરવાની ઢબ કંઈક એવી હતી કે દિલીપ ખડખડાટ હસી પડ્યો.
***
બીજે દિવસે ભગત ઊર્ફે મધુકર વિનોદને ત્યાં ગયો.
વિનોદ તેની જ રાહ જોતો હતો.
એણે તેને લૉકરના નંબરો લખેલો એક કાગળ તેને આપી દીધો.
આ લૉકરમાં વધુમાં વધુ માલ-મત્તા હોવાની શક્યતા હતી.
મધુકર ઊર્ફે ભગતે તેને એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા આપી દીધા. બાકીના પચાસ હજાર રવિવારે આપવાનું નક્કી કર્યું.
અંદરોઅંદરની સમજૂતિ પ્રમાણે એ વખતે કંચન ગેરહાજર નહોતી રહી.
બીજી તરફ દિલીપે મધુકરને વિનોદના મકાનમાં બહાર જતો જોયો.
એ બહાર નીકળ્યો ત્યારે એણે તેનો પીછો પણ કર્યો પરંતુ પોતાનો પીછો થાય છે, એવી ગંધ મધુકર ઊર્ફે ભગતને આવી ગઈ. પરિણામે તે સાવચેત થઈ ગયો. અને છેવટે દિલીપને થાપ આપવામાં તેને સફળતા પણ મળી ગઈ.
પરંતુ તેની આ વર્તુણૂંકથી તેને વિનોદ સાથે કોઈક બખેડો ઊભો કરનારો સંબંધ છે, એવી દિલીપને શંકા વધુ મજબૂત બની ગઈ.
રવિવારે સાંજે એકલા જ રહેવાની મધુકર ઊર્ફે ભગતે વિનોદને સૂચના આપી હતી.
અને પછી રવિવારનો દિવસ પણ આવી પહોંચ્યો,
એ દિવસે સવારથી જ બ્લેક કોબ્રાની ગેંગના સભ્યો સક્રિય બની ગયા.
તેમની સક્રિયતાની શરૂઆત સંતોષકુમારના બંગલાથી થઈ.
સંતોષકુમારની ઉમંર આશરે ચાલીસેક વર્ષની હતી. એ ઈલેક્ટ્રોનીક્સ વિષયનો નિષ્ણાત હતો. એણે અમેરિકામાં આ વિષચનો કોર્સ કર્યો હતો. ભારત આવ્યા પછી એણે એન્જીનીયર્સ કેડરમાં આઈ.એ.એસ. કર્યું અને પછી તેને ભારતની રાષ્ટ્રિયકૃત બેંકની સલામતિની જાળવણીનું કામ સોંપવામાં આવ્યું. ભારતની કેટલીયે બેંકોને એણે ઈલેક્ટ્રોનીક્સ સલામતિની વ્યવસ્થાઓથી સજ્જ કરી. એ પોતાના કામમાં એટલી હદ સુધી સફળ થયો હતો કે એના દ્વારા જે જે બેંકમાં સલામતિની વ્યવસ્થા કરવામાં આવી હતી, એ એકેય બેંકમાં લૂંટનો પ્રયાસ સફળ નહોતો થયો.
એને સરકાર તરફથી સરદાર જયસિંહ રોડ પર એક શાનદાર બંગલો મળ્યો હતો.
આ બંગલામાં એ પોતાની પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો.
એને પગાર તરીકે સારી એવી રકમ મળતી હતી.
ટૂંકમાં એ એક સુખી માણસ તરીકેની જિંદગી પસાર કરતો હતો.
સવારના સાત વાગ્યા હતા.
એ ડ્રોઈંગરૂમમાં બેસીને આજનું અખબાર વાંચતો હતો.
બંને પુત્રો અભ્યાસ કરતાં હતા.
એની પત્ની રસોડામાં કોફી બનાવતી હતી.
સહસા ડોરબેલનો મધુર અવાજ ગુંજી ઊઠ્યો.
‘રાહુલ...’ એણે પોતાના મોટાપુત્રને ઉદ્દેશીને કહ્યું, ‘જો તો બેટા...કોણ છે?’
જ્યારે તેના નાના પુત્રનું નામ અમીત હતું.
બનેની ઉંમર અનુક્રમે ચૌદ અને બાર વર્ષ હતી.
રાહુલે આગળ વધીને દ્વાર ઉઘાડ્યું.
બહાર એક અજાણ્યો માણસ ઊભો હતો.
‘આપ કોને મળવા માગો છો?’ એણે વિવેકભર્યા અવાજે પૂછ્યું.
‘મિસ્ટર સંતોષકુમાર છે?’ આગંતુકે પૂછ્યું.
‘હા...’
તેમની વાતચીત સાંભળી રહેલો સંતોષકુમાર બોલી ઊઠ્યો, અંદર આવો...!’
આગતુક યુવાન અંદર પ્રવેશ્યો.
એ યુવાન બીજી કોઈ નહી, પરંતુ ભગત જ હતો. અલબત્ત, અત્યારે તે મધુકરના રૂપમાં હતો.
‘બોલો...શું કામ છે?’ હું જ સંતોષકુમારે અખબારને એક તરફ મૂકીન, વેધક નજરે તેની સામે જોતાં પૂછ્યું, ‘બહાદૂરે તમને અટકાવ્યો નહીં?’
‘આપના ચોકીદારનું નામ કદાચ બહાદુર છે ખરું ને?’ મધુકર ઊર્ફે ભગતે ભાવહીન અવાજે પૂછ્યું.
‘મેં એને બતાવી દીધી હતી.’
‘શું...?’
‘આ...’ કહી, ગજવામાંથી રિવૉલ્વર કાઢીને મધુકરે તેની સામે તાકી.
બરાબર એ જ વખતે વધુ ત્રણ યુવાનો અંદર આવી પહોંચ્યા.
ઉઘાડા બારણામાંથી તેઓ સહેલાઈથી અંદર દાખલ થઈ ગયા હતા.
ભગત ઊર્ફે મધુકરની જેમ એ ત્રણેયના હાથમાં પણ કાળના દૂત સમી સાયલેન્સરયુક્ત રિવૉલ્વરો ચમકતી હતી.
રાહુલ તથા અમિત ભયભીત બનીને સંતોષકુમાર પાસે પહોંચી ગયા.
‘ક...કોણ છો તમે?’ સંતોષકુમારે ડઘાયેલા અવાજે પૂછ્યું.
‘તમારી પત્નીને બૂમ પાડીને અહીં બોલાવો મિસ્ટર સંતોષકુમાર! અને તમને તમારી તથા આ કોમળ ફૂલ જેવા બાળકોની જિંદગીનો મોહ ન હોય તો જ કોઈ જાતની તીડીબાજીનો પ્રયાસ કરજો.’ ભગતે કઠોર અવાજે ક્હ્યું.
‘તમે...તમે શું ઈચ્છો છો?’ સંતોષકુમારનો ભય હજી પણ ઓછો નહોતો થયો.
‘સવાલ પૂછવાની જરૂર નથી. તમને જે કહેવામાં આવે, એટલું જ તેમે કરો...! તમારી પત્નીને બૂમ પાડીને અહીં બોલાવો!’ ભગતે ધીમા પણ સૂસવના અવાજે બોલ્યો.
‘સંતોષકુમાર પરિસ્થિતિની ગંભીરતા પારખી ગયો હતો.’
‘સરલા...જલ્દી અહીં આવ!’ એણે જોરથી બૂમ પાડી.
‘પાંચ મિનિટમાં આવું છું.’ રસોડામાંથી અવાજ આવ્યો.
‘ના, પહેલાં અહીં આવ!’
‘ઉફ...જરા પણ શાંતિ નથી..’ રસોડા તરફખી ધૂંધવાયેલો અવાજ સાંભળ્યો.
ત્યારબાદ ડ્રોઈંગરૂમની બહાર કોઈકનાં નજીક આવતાં પગલાંનો અવાજ ગુંજી ઊઠ્યો.
પછી પડદો ખસેડીને આશરે પાંત્રીસેક વર્ષની ઉંમર ધરાવતી સ્ત્રીએ ડ્રોઈંગરૂમમાં પગ મૂક્યો.
ચાર સશસ્ત્ર માનવીઓને જોઈને તેનાં મોંમાંથી તીણી ચીસ નીકળી ગઈ.
‘મેડમ...જો હવે તમે બીજી ચીસ નાખશો તો પછી ન છૂટકે મારે ટ્રેંગર દબાવવા માટે મારી આંગળીને તકલીફ આપવી પડશે!’ મધુકર ઝેરી સર્પના ફૂફાડા જેવા અવાજે બોલ્યો.
‘હિંમત રાખ સરલા...અને અહીં આવી જા...!’ સતોષકુમારે તેને આશ્વાસન આપતાં કહ્યું.
સરલા થરથરતી હાલતમાં સંતોષકુમારની બાજુમાં જઈને બેસી ગઈ.
મધુકરે ઊર્ફે ભગતે મનમોહનને કંઈક સંકેત કર્યો.
મનમોહને પોતાની રિવૉલ્વર પોતાના એક સાથીદારને આપી દીધી.
ત્યારબાદ એણે પોતાના ગજવામાંથી નાયલોનની પાળતી, પણ મજબૂત દોરી અને ટેપ બહાર કાઢી.
આગામી ચાર મિનિટમાં જ ચારેયના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા.
સંતોષકુમારને બાદ કરતાં બાકીનાં ત્રણેયના મોં પર ટેપ ચોંટાડી દેવામાં આવી.
‘તમે...તમે લોકો છેવટે ઈચ્છો છો શું...?’ સંતોષકુમારે ખોફભર્યા અવાજે પૂછ્યું.
‘મિસ્ટર સંતોષકુમાર હું જે કંઈ કહું છું, તે બરાબર ધ્યાનથી સાંભળી લો...હું તમારી મદદથી સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં લૂંટ ચલાવવા માંગુ છું.’ ભગતે તેની નજીક જઈને ભાવહીન અવાજે કહ્યું.
‘સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં લૂંટ...?’ જાણે ભગતે, તાજમહેલને એમ ને એમ પાયામાંથી જ સાબુત ઊંચકિને આગ્રાથી દિલ્હી પહોંચાડી દેવાની વાત કરી હોય એવા અવિશ્વાસના હાવભાવ સંતોષકુમારના ચહેરા પર છવાયા.
‘હા...’
‘તમે અશક્ય વાતને શક્ય બનાવવાનો પ્રયાસ કરો છો. મિસ્ટર...’ સંતોષકુમારે તટસ્થ અવાજે ક્હ્યું, ‘એ બેંક ખૂબ જ સલામત છે અને તેને લૂંટવાની કલ્પના પણ કરી શકાય તેમ નથી.’
‘હા...તે ખૂબ સલામત છે એ હું જાણુ છું. સાથે જ એની સલામતિની વ્યવસ્થા તમે જ કરી છે, એની પણ મને ખબર છે તમે એ બેંતમા ઈલેક્ટ્રોનીક, કોમ્પ્યુટર રાઈઝ્ડ સલામતિની જાળ પાથરી છે. હવે તમારી મદદથી અમે આ વ્યવસ્થાને તોડીને બેંક લૂંટવા માંગીએ છીએ.’
‘મેં કહ્યું તો ખરું કે એ બેંક એકદમ સલામત છે અને તેને લૂંટવાની કલ્પના પણ કરી શકાય તેમ નથી. હું વળી તમને આમાં શું મદદ કરી શકું તેમ છું?’
‘તમે કંઈ કરી શકો તેમ નથી એવા શબ્દો મારે નથી સાંભળવા!’ ભગત રોષભેર દાંત કચકચાવતાં બોલ્યો, ‘હું તો માત્ર એટલું જ સાંભળવા માગું છું કે તમે અમને મદદ કરી શકો તેમ છો.’
‘હું કંઈ મદદ કરી શકીશ એવું તમને લાગે છે ખરું?’
‘હા...’
‘કેવી રીતે...?’
‘જે વસ્તુનું તમે નિર્માણ કર્યું છે, એને તમે સારી રીતે જાણો છો. તમારે માટે એ સલામતિની વ્યવસ્થાને નિષ્ફળ કરવાનું કામ ખૂબ જ સહેલું છે...! એટેલું સહેલું કે જેટલું સહેલું અત્યારે અમે તમારા ચારેયનું ખૂન કરી શકીએ તેમ છીએ.’
‘હું તમને કોઈ જાતની મદદ કરી શકું તેમ થી.’
‘યાર...’ ભગતે સુરેશને ઉદ્દેશીને બોલ્યો, ‘બધું કામ કેવી રીતે થઈ શકે છે. ે જરા મિસ્ટર સંતોષકુમારને સમજાવી દે!’
સુરેશ સ્મિત ફરકાવીને આગળ વધ્યો.
પછી એણે રાહુલના ગાલ પર સણસણતો તમાચો ઝીંકી દીધો.
રાહુલના મો પર ટેપ ચોંટાડી હોવાને કારણે તે બૂમ પણ ન પાડી શક્યો.
અલબત્ત, એની આંખોમાં આંસુ જરૂર ધસી આવ્યાં.
એના ગાલ પર સુરેશના આંગળાની છાપ ઊપસી આવી હતી.
ત્યારબાદ બીજો તમાચો સુરેશે અમિતના ગાલ પર ઝીંક્યો.
‘આ...આ માસૂમે તમારું શું બગાડ્યું છે કે તમે એને મારકૂટ કરો છો...?’ સંતોષકુમારે દબાતા અવાજે કહ્યું.
એના ચહેરા પર વેદનાના હાવભાવ છવાઈ ગયા.
‘જ્યાં સુધી તમે અમને મદદ કરવાની હા નહીં પાડો ત્યાં સુધી મારો સાથીદાર તમારા બંને સુપુત્રોને ટોર્ચર કરતો રહેશે.’ ભગત હિંસક અવાજે બોલ્યો.
ત્યારબાદ સુરેશે રાહુલનું નાક દબાવ્યું.
મોં પર ટેપ ચોંટાડેલી હોવાને કારણે રાહુલનો શ્વાસ અટકી ગયો.
એ વિરોધથી પોતાનું માથું ડાબે-જમણે હલાવતો હતો.
સુરેશે થોડી પળો સુધી નાક દબાવી રાખ્યા પછી હાથ પાછો ખેંચી લીધો.
જાણે દુનિયાભરની હવા પોતાના ફેફસામાં ભરી લેવા માંગતો હોય એમ રાહુલ જોરથી ઊંડો શ્વાસ ખેંચ્યો.
પરંતુ એ હજુ સરખી રીતે શ્વાસ લેવાની પ્રક્રિયા વ્યવસ્થિત નહોતો કરી શક્યો ત્યાં જ સુરેશે એના પેટ પર એક વજનદાર મુક્કો ઝીંકી દીધો.
પારાવાર પીડાથી રાહુલની આંખો ફાટી પડી.
પરંતુ સુરેશને એ માસૂમ પર જરા પણ દયા ન આવી.
એણે તેના વાળ મુઠ્ઠીમાં પકડીને જોરથી ખેંચ્યા.
રાહુલનો ચહેરો પીડાના અતિરેકથી તરડાઈ ગયો.
સુરેશ અમિત તરફ આગળ વધ્યો.
એણે પોતાના ગજવામાંથી બ્લેડ કાઢીને અમિતના હાથ પર કાપો મૂકી દીધો.
‘આ છોકરાના ઝખમ પર મીઠું-મરચું છાંટી દો...!’ ભગતે કૂળ અવાજે કહ્યું.
‘ઊભા રહો...’ સહસા સંતોષકુમાર બોલી ઊઠ્યો.
સૌની નજર સંતોષકુમાર પર સ્થિર થઈ ગઈ.
‘આ માસૂમો પર અત્યાચાર ન કરો...’
‘તો તમે અમને મદદ કરવા માટે તૈયાર છો?’ ભગતે પૂછ્યું.
સંતોષકુમારે હકારમાં માથું હલાવ્યું.
‘વેરી ગુડ...તમે પહેલાં જ બુદ્ધિનો ઉપયોગ કર્યો હોત તો આ માસુમોને આટલી યાતનાઓ સહન ન કરવી પડત!’ કહીને ભગત સુરેશ તરફ ફર્યો, ‘આને ડ્રેસિંગ કરી આપ.’
સુરેશ પોતાના ગજવામાંથી જોન્સન એન્ડ જોન્સનની મેડીકેટેડ પટ્ટી કાઢીને અમિતના ઝખપ પર ચોંટાડી દીધી.
તેઓ પૂરી તૈયારી સાથે જ આવ્યા હોય એવું લાગતું હતું.
‘જુઓ મિસ્ટર સંતોષકુમાર...!’ ભગત બોલ્યો, ‘આજે અત્યારે સાડા આઠ વાગ્યે તમારા ચાર આસિસ્ટન્ટો અહીં આવવાના છે, એની મને ખબર છે. આજે તમારે સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની સલામતીની વ્યવસ્થાનું ચેકીંગ કરવાનું છે.’
‘અરે, આ વાતની તમને કેવી રીતે ખબર પડી?’ સંતોષકુમારે ચમકીને તેની સામે જોતાં પૂછ્યું.
‘તમારો આ સવાલ સાવ નકામો ઠે મિસ્ટર સંતોષકુમાર...! તમે માત્ર મારી વાત સાંભળો. તમારા ચાર સહકારીઓ અહીં આવશે. તેમની પાસે તમારા વિભાગની જીપ અને ચેકીંગના યંત્રો તથા ઓજારો હશે. તેઓ અહીં આવશે એટલે તેમને પણ બંધનગ્રસ્ત કરી દેવાશે. મારો એક સાથીદાર અહીં તેમના પર નજર રાખવા માટે રોકાઈ જશે અને તમારે અમારા ત્રણેયની સાથે બેંકે આવીને સફળતાપૂર્વક લૂંટ ચલાવવાનો ઉપાય બતાવવાનો છે. બેંકના તમામ ગાર્ડ તમને ઓળખે છે. આપણે રૂટીન મુજબ ચેકીંગ કરવા માટે આવ્યા છીએ એમ જ તેઓ માનશે. તમને તમારા કામમાં ઓછામાં ઓછા ત્રણચાર કલાક લાગે છે, એ વાત તેઓ પણ જાણે છે. આટલા સમયમાં સફળતાપૂર્વક લૂંટ ચલાવી શકાય તેમ છે. તમે ગેસકટરથી લોકરો તોડી નાંખીશું. મારી વાત સમજો છોને તમે?’
‘હા, સમજુ છું.’
‘સરસ...’
‘લૂંટ કર્યા પછી શું થશે?’ સંતોષકુમારે ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ‘તમે કંઈક લઈ જાઓ છો એવી શંકા બહાર ઊભેલા ગાર્ડને નહીં ઉપજે?’
‘ના...’
‘કેમ...?’
‘લૂંટનો બધો માલ, જે થેલાઓમાં ઓજારો અને યંત્રો રાખવામાં આવે છે, તેમાં ભરી દેવામાં આવશે. નીચે લૂંટનો માલ અને ઉપર યંત્રો તથા ઓજારો...! ગાર્ડને રજ માત્ર પણ શંકા નહીં ઉપજે. અને આમેય આ અમારા માથાનો દુઃખાવો છે. માનવીય તાકાતને અને સંભાળી લેશું. તમારે માત્ર કોમ્પ્યુટરરાઈઝ્ડ ઈલેકટ્રોનીક સલામતીની વ્યવસ્થાને જ સંભાળવાની છે.’ ભગતનો અવાજ ભાવહીન હતો.
‘ભલે...હુ તૈયાર છું. પણ મારી પત્ની અને બાળકોને બંધન મુક્ત દો!’
‘અત્યાર નહીં... આપણા અહીથી ગયા પછી...!’ કહીને ભગે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો.
સવારના આઠ વાગીને ઉપર બાવીસ મિનિટ થઈ હતી.
એણે આગળ વધીને સંતોષકુમારને બંધનમુક્ત કરી દીધો.
‘જીપ ઊભી રહેવાનો અવાજ આવશે ત્યારે અમે બંને બહાર નીકળીશું. તમારે એ ચારેયને કોફી પીવા માટે આમંત્રણ આપવાનું છે. તમે સિનિયર હોવાથી તેઓ તમારો આગ્રહ નહીં ટાળી શકે. તેઓ ડ્રોઈંગરૂમમા દાખલ થશે કે તરત જ મારા સાથીદારો તેમને રિવોલ્વરનો જોર બંધનગ્રસ્ત કરી દેશે,’
સંતોષકુમાર ચૂર રહ્યો.
થોડીવાર પછી બહાર જીપ ઊભી રહેવાનો અવાજ ગૂંજી ઊઠ્યો.
ભગતે સંકેત કર્યો.
બંને બહાર નીકળી ગયા.
ત્યારબાદ બધું કામ યોજના મુજબ પૂરું થઈ ગયું.
સંતોષકુમારની ચારેય સહાયકોને પણ બંધનગ્રસ્ત કરી દેવાયા.
‘આમાંથી કોઈ પણ ઉતાવળનું પ્રદર્શન કરે તો બેધડક તેને ગોળી ઝીંકી દેજે!’ ભગતે પોતાના ચોથા સાથીદાર દિવાનને ઉદ્દેશીને બોલ્યો. અલબત્ત, આ વાત એણે એ લોકોને સંભળાવવા માટે જ ઉચ્ચારી હતી.
‘હું વસ્ત્રો બદલી આવું...!’ કહીને સંતોષકુમાર પોતાના શયનખંડ તરફ આગળ વધ્યો.
‘એક મિનિટ...!’ ભગતે તેને ટોક્યો.
સંતોષકુમાર ઊભો રહી ગયો.
‘ભાઈ...’ ભગત સુરેશને ઉદ્દેશીને બોલ્યો, ‘જા...મિસ્ટર સંતોષકુમારને વસ્ત્રો બદલવામાં મદદ કર!’
સંતોષકુમાર ઊંડો શ્વાસ લઈને રહી ગયો.
પોતે શયનખંડમાં જઈને પોલીસને ફોન કરી દેશે એવું વિચાર્યું હતું.
પરંતુ એના વિચાર પર પાણી ફળી વળ્યું હતું.
ભગત તેના કરતાં વધુ ચાલાક હતો.
એ સુરેશ સાથે જઈને, વસ્ત્રો બદલીને બહાર આવ્યો.
‘હવે આપણે નીકળવું જોઈએ મિસ્ટર સંતોષકુમાર...!’ ભગત બોલ્યો.
‘ચાલો હું તૈયાર છું...’ સંતોષકુમારે નિરાશાભર્યા અવાજે કહ્યું.
ચારેય એક એક કરીને બહાર નીકળ્યા.
થોડે દૂર એક જીપ ઊભી હતી. આ જીપની બનાવટ અને નંબર સંતોષકુમારના સહાયકોની જીપ જેવા જ હતા.
એ જીપમાં, કેનવાસના મોટા થેલામાં થોડો સામાન પડ્યો હતો.
લૂંટારઓ પૂરી તૈયારી સાથે આવ્યા છે, એ વાત તરત જ સંતોષકુમાર સમજી ગયો.
મનોમન એણે એમની બુદ્ધિની દાદ પણ આપી.
ત્યારબાદ એ ડ્રાયવીંગ સીટ પર બેસી ગયો.
વળતી જ પળે એણે જીપ સ્ટાર્ટ કરીને સ્ટેટ બેંક ઓફ વિશાળગઢ તરફ દોડાવી મૂકી.
***