ભૂલ
કનુ ભગદેવ
પ્રકરણ - 11
ખૂન અને અકસ્માત...!
બીજો દિવસ દિલીપે સબ-ઈન્સ્પેક્ટર કુલકર્ણીના અંતિમ સંસ્કારમાં જ પસાર કર્યો.
ત્રીજે દિવસે સવારે જ તે ડી.એસ.પી. વિક્રમસિંહ પાસે પહોંચી ગયો. વિક્રમસિંહની આમ તો બીજા શહેરમાં બદલી થઈ ગઈ હતી.પરંતુ નાગપાલે દરમિયાનગીરી કરીને તેની બદલી અટકાવી હતી. વિક્રમસિંહ જેવા બાહોશ ઑફિસરની વિશાળગઢમાં ખૂબ જ જરૂર હતી.
સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની લૂંટની તપાસ પણ વિક્રમસિંહ જ કરતો હતો.
દિલીપને જોઈને વિક્રમસિંહના ચ્હેરા પર ચમે પથરાઈ ગઈ.
‘આવો દિલીપ...’ એણે દિલીપને આવકાર્યો,
ત્યારબાદ એણે કૉફી મંગાવી.
બંનેએ કૉફી પીધી.
‘બોલ, શા માટે આવવું પડ્યું?’ કૉફી પીધા પછી એણે મુદ્દાની વાત પર આવતાં પૂછ્યું.
‘વિક્રમ...પરમ દિવસે સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં જે લૂંટ થઈ, એ બાબતમાં હું તારી સાથે થોડી ચર્ચા કરવા આવ્યો છું. લૂંટ ચલાવનાર બદમાશોનો કંઈ પત્તો લાગ્યો?’
‘ના, હજુ સુધી તો નથી લાગ્યો. પરંતુ તું આ બધું શા માટે પૂછે છે?’
‘આપણે બંને એક જ હોડીના મુસાફરો હોઈએ એવું મને લાગે છે.’
‘એટલે...?’
‘હું અને કુલકર્ણી પણ બેંકમાં લૂંટ ચલાવનારા બદમાશોની વિરૂદ્ધ સક્રિય હતા. બેંકના કેશિયર વિનોદના ખૂન વિશે તો તું જાણતો જ હોઈશ?’
‘હા...’
‘બેંકલૂંટમાં એણે શું ભાગ ભજવ્યો હશે?’
‘એણે બદમાશોને, ક્યા ક્યા લૉકરમાંથી વધુ માલ મળવાની શક્યતા છે, એ જણાવ્યુ હશે એમ હું માનું છું.’
‘મારી પણ એ જ માન્યતા છે. પરંતુ આ બધું વિનોદને પોતાની પત્નીને કારણે કરવું પડ્યું હશે!’
‘પત્નીને કારણે?’
‘હા...એની પત્ની કંચન આદર્શ ગૃહિણીથી વિપરિત ઉડાઉ સ્વભાવની હતી. એણે હપ્તાપદ્ધતિથી સામાન ખરીદીને આંખુ ઘર ભરી લીધું હતું. વિનોદને માથે હપ્તાની રકમ ચડી ગઈ...’ ત્યારબાદ દિલીપે તેને બધી વિગતો જણાવી દીધી.
એની વાત સાંભળીને વિક્રમસિંહ આશ્વર્યચક્તિ થઈ ગયા.
‘ઓહ...’ છેવટે એ બોલ્યો, ‘ સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની લૂંટમાં મધુકર અને કંચનનો હાથ હતો, એમાં હવે શંકા જેવું કશું જ નથી રહ્યું. કંચન પોતાના પુત્ર સાથે ગુમ થઈ ગઈ છે. એટલે એ કદાચ પોતાના પ્રેમીને ત્યાં હોવી જોઈએ.’
‘એ કદાચ જીવતી જ નહીં હોય એવી મને શંકા છે!’ દિલીપે ધીમા અવાજે કહ્યું.
‘શું...?’
‘હા...વિક્રમ...! બ્લેક કોબ્રાની ગેંગની કાર્યપદ્ધતિ વિશે હું જાણું છું. કામ પતી ગયા પછી તેઓ પોતાની પાછળ કોઈ સૂત્ર છોડતાં નથી. નાનામાં નાના પૂરાવાનો પણ નાશ કરી નાખે છે. કંચન પણ આવો જ એક જીવતો-જાગતો પૂરાવો હતો.’
‘બ્લેક કોબ્રા...?’ વિક્રમે ચમકીને પૂછ્યું, ‘આ ગેંગ વિશે તો મેં પણ સાંભળ્યું છે. સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની લૂંટ પાછળ આ ગેંગનો હાથ છે એમ તું કહેવા માગે છે?’
‘હા...આ વાતમાં હવે શંકાને કોઈ સ્થાન નથી રહ્યું. બ્લેક કોબ્રાની ગેંગ વિશે હું ઘણુ બધું જાણી ચૂક્યો છું. અગાઉ મદ્રાસમાં પણ એક બેંકમાં આ રીતે જ લૂંટ ચલાવવામાં આવી હતી. એ વખતે આરતી ચૌહાણ નામની એક સ્ત્રીને હાથો બનાવવામાં આવી હતી. આ બધી વાતોની ખબર મને કેવી રીતે પડી, એવો સવાલ તને અકળાવતો હશે, તો સાંભળ, આ બધી વાતોની માહિતી મને દિલાવરની ડાયરીમાંથી મળી છે. દિલાવર બ્લેક કોબ્રાની ગેંગનો જ સભ્ય હતો અને મારી નજર સામે જ તેનું ખૂન થયું હતું.’ કહીને દિલીપે વિક્રમસિંહને ક્યાં સંજોગોમાં દિલાવરનું ખૂન થયું, તેની વિગતો જણાવી દીધી.
‘શું એ ડાયરીમાં એણે પોતાના સાથીદારોનાં નામ-સરનામાં નહોતાં લખ્યા?’
‘ના...જો લખ્યાં હોત તો અત્યારે એ બધા જેલના સળીયા ગણતા હોત!’
‘ઓહ...તું પણ એ ગેંગની પાછળ પડ્યો છો, એની મને ખબર નહોતી. નહીં તો હું જ સામેથી તારો સંપર્ક સાધત, ખેર, એકથી બે ભલા! આપણે બંને સાથે જ કામ કરીશું.’
‘થેક્યૂં વિક્રમ...! વારૂ, સંતોષકુમાર વિશે તારે શું અભિપ્રાય છે?’ દિલીપે પૂછ્યું.
‘એના પર કોઈ જાતની શંકા કરી શકાય તેમ નથી. એ પોતાના નામ પ્રમાણે સંતોષના ગુણ ધરાવે છે. મેં એને બરાબર ચેક કર્યો છે. તે આવા કોઈ જાતના બખેડાભર્યા કામ કરી શકે તેમ નથી. એનો સર્વિસ રેકોર્ડ એકદમ સ્વચ્છ છે.’
‘અને સ્ટેટ બેંક ઓફ વિશાળગઢના મેનેજરનો તેના વિશે શું અભિપ્રાય છે?’
‘મેનેજર જુગલ કિશોર તો એનાં વખાણ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. સંતોષકુમાર જેવા સજ્જન માણસ પર શંકા વ્યક્ત કરીને પોલીસ તેની સાથે અન્યાય કરીએ છીએ એમ તે કહેતો હતો.’
‘સંતોષકુમાર તો ગુનેગારો સાથે ઘણો સમય પસાર કર્યો હતો. તો ગુનેગારને ઓળખવામાં મદદરૂપ નીવડે એવી કોઈ વાત એણે જણાવી છે ખરી?’
‘મેં તેને આ બાબતમાં ઘણી પૂછપરછ કરી હતી. એક ને એક સવાલ ફેરવી ફેરવીને બબ્બે, ત્રણ ત્રણ વખત પૂછ્યો હતો, પરંતુ એ ગુનેગારોના કદ સિવાય બીજું કશું જ નથી જણાવી શક્યો. એણે જે ચ્હેરાઓ જોયા હતા, તે વાસ્તવમાં ફેસમાસ્કની કમાલ હતી.’
‘ઓહ...તો એ બધાએ ફેસમાસ્ક પહેરી રાખ્યા હતા એમ ને?’
‘હા...’
‘કદાચ તેમણે વાતચીત દરમિયાન એકબીજાનું નામ ઉચ્ચાર્યું હોય?’
‘ના...સંતોષકુમારના કહેવા મુજબ તેઓ કોડવર્ડમાં જ વાત કરતા હતા’
‘ઓહ...તો મહત્વની કોઈ વાત જાણવા નથી મળી એમ ને...?’ દિલીપના અવાજમાં નિરાશાનો સૂર હતો.
વિક્રમસિંહ નકારાત્મક ઢબે માથું હલાવીને રહી ગયો.
***
દિવાન અત્યારે પોતાની દુકાનમાં બેઠો હતો.
એ લાતીનો વેપાર કરતો હતો.
બે નંબરના બિઝનેસને કવર કરવા માટે તે લાતીનો વેપારનો હાથીના દાંતની જેમ ઉપયોગ કરતો હતો.
લાતીના બિઝનેસને તેને પુષ્કળ નફો થાય છે, એમ સૌ કોઈ માનતા હતા.
વાસ્તવમાં તેને ખોટ જતી હતી. પરંતુ તેમ છતાંય ઈન્કમટેક્સ ભરીને એ કાળા નાણાને સફેદ નાણામાં પલટાવતો હતો.
દરરોજ સવારે દસથી બાર વાગ્યા સુધી તે દેખાવ ખાતર દુકાને જ બેસતો હતો.
પોણા બાર વાગ્યા હતા.
એ ઊભો થવાની તૈયારી કરતો હતો ત્યાં જ સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.
‘હેલ્લો...દિવાન ટીમ્બર માર્ટ....!’ એણે રિસીવર ઊંચંકીને કુશળ વેપારીની જેમ ક્હ્યું.
‘મિસ્ટર દિવાન બોલે છે...?’ સામે છેડેથી એક ઘોઘરો અવાજ તેના કાને અથડાતો. કોઈક જાણીજોઈને જ અવાજ બદલાવીને બોલતું હોય એવો તેને ભાસ થતો હતો.
‘હા...હું દિવાન જ બોલું છું...!’ એણે જવાબ આપ્યો. સામે છેડેથી બોલનાર માણસ બિઝનેસ વિશે વાત નહીં કરે એવું મને લાગતું હતું.
‘બેંક લૂંટનો માલ ગુમાવ્યા પછી હવે તારી તબિયત કેવી છે?’ સામે છેડેથી જાણે કે વિસ્ફોટ થયો.
દિવાનનું દિમાં થોડી પળો માટે શૂન્ય થઈ ગયું.
‘તમે...તમે કોણ છો...ને આ શું બકો છો?’ છેવટે એણે પોતાની જાત પર કાબૂ મેળવતાં પૂછ્યું.
‘મને મૂરખ ન બનાવ દિવાન...! સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની લૂંટમાં તારો સક્રિય હાથ હતો, એની મને ખબર છે. અને હું માત્ર તને જ નહીં, મનમોહન, સુરેશ, પ્રતાપ અને ભગતને પણ બહુ સારી રીતે ઓળખું છું.’
સામે છેડેથી આવતા અવાજમાં ભરપુર આત્મવિશ્વાસ હતો.
એને થાપ આપવી નકામી છે એ વાત દિવાન તરત જ સમજી ગયો. કદાચ તે પોતાને ઉપયોગી નીવડે એવી વાત જણાવવા માંગતો હોય, એ પણ બનવાજોગ હતું.
‘તમે કોણ છો ભાઈ...?’ એણે નરમ અવાજે પૂછ્યું.
‘ભાઈ કહ્યો છે, તો મને તારો શુભેચ્છક જ માની લે...!’
‘સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની લૂંટમાં મારો હાથ હતો. અને અમારા કબજામાંથી લૂંટનો માલ રહસ્ય સંજોગોમાં ગુમ થઈ ગયો છે, એ વાતની તમને કેવી રીતે ખબર પડી?’
‘તમે પાંચેય સબ-ઈન્સ્પેક્ટર કુલકર્ણીનું ખૂન કરીને, એના ખૂનને અકસ્માતનું રૂપ આપવા માટે ભગતના બંગલામાંથી બહાર ગયા હતા, ત્યારે જ લૂંટનો માલ, કંચન અને એના દિકરાનો મૃતદેહ ગુમ થયો હતો.’
‘તમે...તમે... આ વાત પણ જાણો છો...?’ દિવાનનો ગહે સૂકાં પાંદડાંની જેમ ધ્રુજી ઊઠ્યો.
એના કપાળ પરથી ઠંડા પરસેવાની ધાર નીતરવા લાગી.
‘હા...લૂંટનો માલ અત્યારે કોની પાસે છે, એ વાતની પણ મને ખબર છે...!’
‘શું...?’ દિવાને કંપતા અવાજે પૂછ્યું.
‘હા..’
‘ક...કોણ છે એ...? ક્યાં રહે છે?’ એનો અવાજ પૂર્વવત્ રીતે કંપતો હતો.
‘તું સાવ મૂર્ખાઈ ભરેલી વાત કરે છે.’
‘ક...કેમ...?’
‘અત્યારે ક્યો યુગ ચાલે છે...?’
‘એટલે...?’
‘સતયુગ કે કળયુગ...?’
‘આ કળયુગમાં સ્વાર્થ વગર કોઈ કોઈની મદદ કરે છે ખરા...?’
દિવાનનો ચ્હેરો ઊતરી ગયો.
સામે છેડેથી બોલનાર માણસ પોતાની સાથે સોદો કરવા માગે છે, એ વાત તેને સમજાઈ ગઈ.
‘તમે શું ઈચ્છો છો...? તમારો શું સ્વાર્થ છે...?’ એણે મુદ્દાની વાત પર આવતાં પૂછ્યું.
‘માત્ર પાંચ લાખ રૂપિયા...!’
‘પાંચ લાખ...?’
‘હા...કેમ, વધારે છે...?’
‘ખૂબ જ વધારે છે...!’
‘ઓછા કરી આપું...?’
‘હા, જો કરી આપે તો મારા પર તારી બહુ મોટી મહેરબાની થશે!’
‘ઠીક છે...ચાલ લાખ નવ્વાણું હજાર નવસો ને નવાણું આવજે બસ ને...?’ હવે તો રાજી ને...?’ જાણે લાખ-બે લાખ રૂપિયા ઓછા કરી આપ્યા હોય એવી ગંભીરતા સામે છેડેથી આવતા અવાજમાં હતી.
‘આ તો તમે એક જ રૂપિયો ઓછો કર્યો છે...!’
‘ચાલ, તારું ને મારું બંનેનું માન રહ્યું, ચાર લાખ નવાણું હજાર નવસોને અઠાણું આપજે...! હવે કંઈ બોલીશ નહીં! પૂરા બસો નયા પૈસા ઓછા કરી આપ્યા છે. હવે જો કંઈ બોલે તો તને મારા સમ છે...!’
સામે છેડે રહેલો માણસ મશ્કરી કરે છે કે ગંભીર છે, એ દિવાનને નહોતું સમજાતું.
‘આ શું મશ્કરી માંડી છે...?’ એણે ધૂંધવાતા અવાજે કહ્યું.
‘ભલા માણસ, આને તું મશ્કરી કહે છે...? સાંભળ, હું કોઈને સામાન્ય રીતે પાંચ પૈસા પણ ઓછા નથી કરી આપતો. પરંતુ તારા પર મને ઘણી લાગણી છે એટલે પૂરા બસો પૈસા ઓછા કરી આપ્યા છે! બસો પૈસાની તારે મને ભલે કોઈ કિંમત ન હોય...! બે રૂપિયાની કિંમત જાણવી હોય, તો રસ્તે રઝડતા ભિખારીને પૂછજે...! અરે, મૂરખ, બે રૂપિયામાં તો તે એક ટંક જમી લે છે! હું કંઈ તારી સાથે બળજબરી નથી કરતો. આ તો રાજી-ખુશીનો સોદો છે! તને મંજૂર ન હોય તો એમાં મને એક પૈસાનું પણ નુકસાન નથી જવાનુ! ઊલટું લાભ જ થશે! હું કેપ્ટન દિલીપ સાથે વાત કરી લઉં છું. કરોડો રૂપિયાની લૂંટના દસ ટકા કમિશન તો એ પગે લાગીને, ભાઈસા’બ કહીને, કાલાવાલા કરીને મને અપાવી દેશે.’
‘તો પછી તેં મને ફોન જ શા માટે કર્યો?’
‘ભાઈ દિવાન..ચોરનો ભાઈ ઘંટીચો....! આ કહેવત તો તેં સાંભળી જ હશે?’
‘એટલે...?’
‘એટલુંય ન સમજ્યા...? લે બીજી કહેવત કહું છું, ચોર, ચોર માસીયાઈ ભાઈ...! હવે તો સમજાયું ને?’
‘ના...’
‘તું એક નંબરનો મુરખ છો...! બ્લેક કોબ્રાએ તારા જેવા અક્કલના ઊંટને પોતાની ગેંગમાં કેવી રીતે સ્થાન આપ્યું, એ જ મને તો નથી સમજાતું. ખેર, સાભળ, હું પણ તારા જેવો જ એક ચોર છું એટલે પોલીસ પાસે જતાં ગભરાઉં એ તો સ્વાભાવિક જ છે. પરંતુ જરૂર પડે હું પોલીસ તો શું, વડાપ્રધાન પાસે પણ પહોંચી શકું છું. એટલું તુ યાદ રાખજે. હું બહુ સંતોષી જીવ છું. પોલીસ પાસેથી કમિશન તરીકે મળનારા પચાસ લાખ કરતાં તારી પાસેથી મળતાં પાંચ લાખ મને વધુ મીઠા, મખ પણ સહેજ ફિક્કું લાગે, એવા લાગશે.’
‘ઠીક છે...! પાંચ લાખ રૂપિયા તને મળી જશે...પરંતુ રકમની વ્યવસ્થા કરવામાં વાર તો લાગશે જ ને?’
‘ના, નહીં લાગે...’
‘કેમ...?’
‘એટલા માટે કે જે બેંકમાં તારું ખાતું છે, એ બેંક તારી દુકાનથી બહુ દૂર નથી. બેંકનું કામકાજ બે વાગ્યા સુધી ચાલુ રહે છે, અને હજુ તો માત્ર બાર જ વાગ્યા છે, તું કીડીની વેગે જઈશ તો પણ એક વાગ્યા સુધીમાં આરામથી ત્યાં પહોંચી જઈશ!’
‘પરંતુ બેંકમાં તો પચીસ-ત્રીસ હજાનું જ બેલેન્સ છે!’
‘કંઈ વાંધો નહીં...! તું સોદો કરવાના મૂડમાં હો એવું મને નથી લાગતું. હવે તું તારે આરામથી પાછો ગાદી-તકીયે બિરાજી જા...હું દિલીપ સાથે વાત કરી લઉં છું...!’
‘પણ મને એકાદ દિવસનો તો ટાઈમ આપ...!’
‘ના...પૈસા તો મારે આજે જ જોઈશે અને એ પણ ચાર વાગ્યા પહેલાં...!’
‘આજે જ...?’
‘હા...’
‘વારૂ, રકમ ક્યાં પહોંચાડવાની છે?’ દિવાને ઊઁડો શ્વાસ લેતાં પૂછ્યું.
‘એક વાતનું ખાસ ધ્યાન રાખજે...! જો તું જરા પણ તારા બુદ્ધિચાતુર્યનું પ્રદર્શન કરીશ, તો પછી હું તને નિરાંતનો શ્વાસ નહીં લેવા દઉં....! મારું કામ માત્ર જેના કબજામાં લૂંટનો માલ છે, એનું નામ જ જણાવવાનું છે, બાકી તું મને એ માણસ પાસે સાથે આવવાનું કહીશ તો હું નહીં આવું...! મારી પાસે એવી ફુરસદ નથી. મારે હજી તારા સિવાય પમ કેટલાય શ્રીફળ વધેરવાના છે!’
‘ભલે...હું આવું કોઈ જાતનું પ્રદર્શન નહીં કરું...!’
‘મારા માણસો તારી પાછળ પડછાયાની માફક આંટા મારે છે. તેમના તરફથી સંકેત મળ્યા પછી જ હું તારી સાથે વાત કરીશ. એટલું યાદ રાખજે.
’ઠીક છે...’
‘તેં ભૈરવચોક પોલીસ સ્ટેશન જોયું છે ને?’
‘હા...’
‘પોલીસસ્ટેશનથી એક મકાન પહેલાં, ‘શાંતિ વન’ નામના બંગલામાં હું તને મળીશ. તારે રકમ ત્યાં જ પહોંચાજવાની છે.’
‘ભલે હું પહોંચી જઈશ...’
‘બરાબર ચાર વાગે...! તારે પગપાળા જ આવવાનું છે.’
‘તમે બેફિકર રહો...!’
‘ઓ. કે...’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.
દિવાન પણ રિસીવર મૂકી દીધી.
ત્યારબાદ તે એક બ્રીફકેસમાં ચેકબુક મૂકીને રવાના થઈ ગયો.
***
ભગત અત્યારે ડિલક્સ હોટલના આલિશાન રેસ્ટોરેન્ટમાં બેઠો હતો.
એના સામે ટેબલ પર કૉફીનો કપ પડ્યો હતો. કપમાંથી કૉફીની મહેંક ફેલાવતી ધુમ્રસેર ઊડતી હતી.
છેલ્લી ત્રીસ મિનિટમાં એ આવા ત્રણ-કપ ખાલી કરી ચૂ્ક્યો હતો.
અત્યારથી પરિસ્થિતિમાં શું કરવું, એનો વિચાર તે કરતો હતો.
પરંતુ શું કરવું એ તેને કંઈ સૂઝતું નહોતું.
એની મતિ એકદમ મુંઝાઈ ગઈ હતી.
છેવટે ઊંડો નિઃસાસો નાખીને એણે એક સિગારેટ સળગાવી.
સહસા એક વેઈટર તેના ટેબલ પાસે આવીને ઊભો રહ્યો.
ભગતે માથું ઊંચુ કરીને તેની સામે જોયું.
‘આપનું નામ જ મિસ્ટર રાધેશ્યામ ભગત છે સાહેબ...?’ વેઈટરે શિષ્ટાચારભર્યા અવાજે પૂછ્યું.
‘હા, કેમ...?’
‘એક બુરખાધારી સ્ત્રી આપને માટે આ કવર આપી ગઈ છે. સફેદ સૂટમાં તો આખા હોલમાં માત્ર આપ જ સજ્જ છો. એ સ્ત્રીએ આ કવર આપને આપી દેવાનું મને જણાવ્યું હતું.’
એણે એક કવર કાઢીને ભગતના હાથમાં મૂકી દીધું.
એના ચ્હેરા પર શરારતભર્યું સ્મિત ફરકતું હતું.
કદાચ પ્રેમનો મામલો છેસ એમ એ માનતો હતો.
‘ઠીક છે...’ ભગતે ગજવામાંથી વીસની નોટ કાઢીને તેને આપી દીધી.
વેઈટર તેને સલામ ભરીને ખુશખુશાલ ચ્હેરે ચાલ્યો ગયો.
એના ગયા પછી ભગતે કરવ ઉઘાડીને તેમાંથી સફેદ રંગનો કાળ બહાર કાઢ્યો.
પછી એણે તેની ગડી ઉકેલીને વાંચવાનું શરૂ કર્યું.
એમાં લખ્યું હતુ---
--મિસ્ટર ભગત,
હું તમારો શુભેચ્છક છું. આ નાતે તમને જાણ કરવાની મારી ફરજ છે કે દિવાન, કેપ્ટન દિલીપ પાસે બેંકલૂંટનો બધો ભાંડો ફોડી નાંખવા માંગે છે. એ તાજનો સાક્ષી બનીને છૂટી જવા માંગે છે. આજે બરાબર ચાર વાગ્યે તે દિલીપને મળવા માટે ભૈરવચોક પોલીસ સ્ટેશનને જશે.
તમને સાવચેત કરવાની મારી ફરજ મેં પૂરી કરી છે. હવે તમને જેમ યોગ્ય લાગે તેમ કરજો.
લિ.તમારો શુભેચ્છક
નીચે નામ નહોતું લખ્યું.
ભગતે પત્રને ફાડીને નાંખીને પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો.
બપોરના ત્રણ વાગીને ઉપર દસ મિનિટ થઈ હતી.
એણે ઝપાટાબંધ કપ ખાલી કર્યો.
ત્યારબાદ બીલ ચૂકવીને તે બહાર નીકળીને પાર્કિંગમાં ઊભેલી કારમાં બેઠો.
કાર સ્ટાર્ટ કરીને હોટલમાંથી બહાર નીકળ્યા પછી એણે તેને ભૈરવચોત તરફ દોડાવી મૂકી.
આ દરમિયાન એ પોતાના ગજવામાં પડેલી રિવોલ્વર ચેક કરી ચૂક્યો હતો.
દિવાન આવી દગાબાજી કરે એ વાત પર તેને ભરોસો નહોતો બેસતો.
એ પત્રને તે મજાક જ સમજતો હતો.
પરંતુ આવી મજાક કોણે કરી હશે એની તેને ખૂબ જ નવાઈ લાગતી હતી.
કોણ છે એ શુભેચ્છક...? એ પોતાને કેવી રીતે ઓળખે છે...? આવી સૂચના આપીને એ શું મેળવવા માંગે છે?
આ બધા સવાલો પણ તેને અકળાતા હતા.
પરંતુ હાલ તુરત આ સવાલોના કોઈ જવાબ તેની પાસે નહોતા.
ભૈરવ ચોક પોલીસ-સ્ટેશનથી સોએક વાર દૂર એણે કાર ઊભી રાખી ત્યારે ચાર વાગવામાં દસ મિનિટની વાર હતી.
હજી તો માંડ ત્રણ-ચાર મિનિટ પસાર થઈ હતી, ત્યાં જ અચાનક એની નજર દિવાન પર પડી.
એનું દિમાગ ચકરાવે ચડી ગયું.
આપવામાં આવેલી બાતમી ખોટી નહોતી.
કથિત શુભેચ્છક ખરેખર જ તેનું ભલું ઈચ્છતો હતો.
દિવાન કાર પાસેથી પસાર થયો ત્યારે એણે જોયું તો તે ખૂબ જ ગભરાયેલો હતો.
‘દિવાન...!’ એ કાર પાસેથી પસાર થયો, ત્યારે એણે બૂમ પાડી. આ દરમિયાન તે ગજવામાંથી રિવોલ્વર કાઢી ચૂક્યો હતો.
દિવાને પળભર અટકીને કાર સામે જોયું.
પછી એની નજર કરામાં બેઠેલા ભગત અને તેના હાથમાં જકડાયેલી સાઈલેન્સરયુક્ત રિવોલ્વર પર પડી.
વળતી જ પળે તે ઊભો રહેવાને બદલે ઝડપભેર આગળ વધી ગયો.
ભગતના મગજમાં વિસ્ફોટ થયો.
પત્ર લખનારે ખોટું નહોતું લખ્યું.
વળતી જ પળે ક્રોધથી એના જડબા ભીંસાયા.
એણે કારને ખૂબ જ ધીમી ગતિએ આગળ ધપાવી.
પછી ડાબા હાથેથી સ્ટીયરિંગ સંભાળીને જમણા હાથેથી રિવોલ્વરની નળી કાચની ધાર પર ગોઠવી અને ઉપરાઉપરી બે વખેત ટ્રેંગર દબાવ્યુ.
એનું નિશાન અચૂક હતું.
ફીસના હળવા અવાજ સાથે છૂટેલી બંને ગોળીઓ દિવાનની ગરદનના પાછળના ભાગમાં ચોંટી ગઈ.
દિવાનના કંઠમાંથી કારમી ચીસ નીકળી ગઈ.
વળતી જ પળે એનો દેહ કપાયેલા વૃક્ષની જેમ સડક પર ઊથલી પડ્યો.
એના હાથમાંથી બ્રીફકેસ છટકી ગઈ.
એ મૃત્યુ પામ્યો હતો.
આ દરમિયાન ભગતે કારની ગતિ એકદમ વધારી દીધી હતી.
કાર પૂરપાટ વેગે માઉન્ટ વિશાળગઢ તરફ લઈ જતી સડક પર દોડતી હતી.
આ બધું એટલું બધું ઝડપખી બન્યું હતું કે કોઈને કશું જ નહોતું સમજાયું.
માઉન્ટ વિશાળગઢના વળાંક સુધી કારની ગતિ ઓછી ન થઈ.
એ જ વખતે વિશાળગઢ લોકલ બસ સર્વિસની એક બસ વળાંક પસાર કરીને સામે આવી ગઈ.
એક ભયંકર ધડાકા સાથે ભગતની કાર એ જ તોફાની રફતાર બસ સાથે અથડાઈ.
આ ધડાકાથી ખળભળાટ મચી ગયો.
જોતજોતમાં જ લોકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ. બંને તરફનો ટ્રાફિક જામ થઈ ગયો હતો.
‘અરે...કારમાંથી ડ્રાયવરને તો બહાર કાઢો...!’ ભીડમાંથી કોઈક ઊંચા અવાજ બોલ્યું.
તરત જ ભગતને બહાર કાઢવામાં આવ્યો.
એની ખોપરી ફાચી ગઈ હતી. પરંતુ તેમ છતાંય એ જીવતો હતો.
ચ્હેરો લોહીલુહાણ હતો.
નાક પાસે એકઠા થયેલા લોહીમાંથી પરપોટા નીકળતા હતા.
એનો શ્વાસ ચાલુ હોય એવું લાગતું હતું.
‘અરે...આ તો હજી જીવે છે...’ કોઈક બોલ્યો.
લોકોની ભીડ વધુ નજીક સરકી આવી.
એ જ વખતે ભગતના દેહમાં સળવળાટ થયો.
એના ચ્હેરાને આંચકો લાગ્યો.
એન પછી એના મોંમાંથી લોહીનો કોગળો નીકળ્યો.
વળતી જ પળે એની ગરદન એક તરફ નમી ગઈ.
એ પણ દિવાનની પાછળ પાછળ જ ઈશ્વરના દરબારમાં પહોંચી ગયો.
એ દિવાનનું ખુન કરીને પોલીસની પક્કડથી દૂર નાસી છૂટવા માગતો હતો.
એ ખરેખર પોતાના પ્રયાસમાં સફળ થયો હતો.
પોલીસની પક્કડથી એ બહુ દૂર પહોંચી ગયો હતો.
‘વાવો તેવું લણો’ની કહેવત એના મામલામાં સાચી પડી હતી.
ત્યારબાદ બંને મૃતદેહો ઓળખી લેવામાં આવ્યાં.
ઓળખવિધિનું કામ દિલીપે કર્યું હતું.
બંને મૃતદેહો જોઈને એણે આશ્વર્યનો આંચકો અનુભવ્યો હતો.
જોગાનુજોગ વિક્રમસિંહ પણ તેની સાથે જ હતો.
પ્રાથમિક વિધિ પૂરી કર્યા પછી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રવાના કરાવીને તેઓ પોલીસસ્ટેશને પહોંચ્યા.
‘દિલીપ...તું એ બંનેને સારી રીતે ઓળખતો હતો એવું મને લાગે છે.’ વિક્રમસિંહે એક ખુરશી પર બેસતાં કહ્યું.
‘હા...બહુ સારી રીતે...! બેમાંથી એક શિકાર હતો અને બીજો શિકારી!’ દિલીપ બોલ્યો.
‘એટલે એમ વિક્રમ કે, એક ખૂની હતો અને બીજાનું ખૂન થયું હતું.’
‘શું...?’ વિક્રમસિંહ ચમકીને તેની સામે જોતાં પૂછ્યું.
‘હા...જે માણસે કાર અકસ્માતમાં પ્રાણ ગુમાવ્યા છે, એણે જ દિવાન પર ગોળીઓ છોડીને તેનું ખૂન કર્યું હતું.’
‘આવું તું ક્યાં આધારે કહે છે?’
‘હું માનું છું ત્યાં સુધી દિવાન મને કંઈક જણાવવા માંગતો હતો અને જોગાનુજોગ આ વાતની ભગતને ખબર પડી ગઈ. પરિણામે દિવાન મારી પાસે અહીં આવતો હતો, બરાબર એ જ વખતે ભગતને તેનું ખૂન કરી નાખ્યું. ત્યારબાદ એણે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો અને અકસ્માતનો ભોગ બની બેઠો. અલબત્ત, દિવાનના મૃતદેહ પાસેથી મળી આવેલી બ્રીફકેસનું કારણ મને નથી સમજાતું. એ બ્રીફકેસમાં પાંચ લાખ રૂપિયા રોકડા હતા. કદાચ આ રકમ તે મને લાંચ તરીકે આપવા માંગતો હતો.’
‘દિવાનનું ખૂન ભગતે જ કર્યું હતું, એવું તું કેવી રીતે કહે છે?’
‘દિવાન પર જે રિવોલ્વરમાંથી ગોળી છોડવામાં આવી હતી, એ રિવોલ્વર ભગતની કારમાં પડી હતી. રિવોલ્વરની નળીમાંથી સળગેલા દારૂની તાજી ગંધ પણ આવતી.’
‘ઓહ...મેં કારમાં નજર નહોતી કરી!’ વિક્રમસિંહ ધીમેથી બોલ્યો.
‘હવે તને જાણીને નવાઈ લાગશે વિક્રમ, કે સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની લૂંટમાં આ બંને સામેલ હતા.’ દિલીપે ધડકો કર્યો.
‘શું...’
‘હા...આ વાત હવે હું દાવા સાથે કહું છું...! દિલાવરનું ખૂન કરવા માટેં જે કારનો ઉપયોગ થયો હતો, એ જ કારના અકસ્માતમાં ભગતનું મોત નિપજ્યું છે. ભગતને દિલાવર સાથે સંબંધ હતો તો પછી વિનોદ સાથે પણ હશે જ! કંચનના હાથમાંથી આંચકવામાં આવેલી હેન્ડબેગવાળા બનાવને હું હજી નથી ભૂલ્યો.’
‘ભગતના બાકીના સાથીદારોને હું ઓળખું છું. પરંતુ હવે તેઓ નાસી છૂટ્યા હશે!’ દિલીપે ઊઁડો શ્વાસ લેતાં કહ્યું.
‘આ વાત તું માત્ર અનુમાનના આધારે જ કહે છે?’
‘હા...’
‘કોણ છે એ ત્રણેય?’
‘પ્રતાપ, મનમોહન અને સુરેશ...! આ ત્રણેય વિશે બધી જ માહિતી હું મેળવી ચૂક્યો છું. પ્રતાપ તો ભગતના નોકર તરીકે તેની સાથે જ રહેતો હતો. જ્યારે મનમોહન સુભાષ રોડ પર હોટલ ચલાવતો હતો. સુરેશ દેખાવ ખાતર એક્સ્પોર્ટ-ઈમ્પોર્ટનો બિઝનેસ ખોલીને બેઠો હતો. વાસ્તવમાં એ ત્રણેયનું ધ્યાન લૂંટ તરફ જ કેન્દ્રિત થયેલું હતું. મેં તેમના પર નજર રાખવા માટે ત્રણ માણસો ગોઠવ્યા હતા.’
‘તેઓ ગુમ થઈ ગયા છે, એવો કોઈ રિપોર્ટ તને મળ્યો છે?’
‘ના હજી સુધી તો નથી મળ્યો.’
‘તો પછી આપણે તેમની ધરપકડ કરી લઈ એ તો?’
‘હું અડધો કલાક રાહ જોવા માગું છું.’
‘કેમ...?’
‘સાડા છ વ્ગાયે મેં ગોઠવેલા માણસો તરફથી મને તેમના વિશે રિપોર્ટ મળશે.’
વિક્રમસિંહ ચૂપ થઈ ગયો.
ત્યારબાદ અડધા કલાક દરમિયાન ત્રણેયના રિપોર્ટ આવી ગયા.
તેમના રિપોર્ટ દિલીપના અનુમાનને સમર્થન આપતા હતા.
મનમોહન, સુરેશ અને પ્રતાપ લગભગ બે વાગ્યાના અરસામાં ગુમ થઈ ગયા હતા.
‘કમાલ કહેવાય...!’ ત્રણે ય ગુમ થઈ ગયા!’ વિક્રમસિંહ આશ્વર્યથી બોલ્યો.
‘આવું કંઈક બનશે એની મને ખબર જ હતી.’ દિલીપે ગંભીર અવાજે કહ્યું, ‘વિક્રમ હું બે દિવસ માટે બહારગામ જઉં છું. ત્યાં સુધી તું અહીં નું કામકાજ સંભાળી લેજે.’
‘તારે જવું જરૂરી છે?’
‘હા...માત્ર જરૂરી જ નહીં, એકદમ જરૂરી છે.’
‘ભલે...વિક્રમસિંહે ઊંડો શ્વાસ લેતાં કહ્યું. દિલીપને અચાનક એવું શું આવી કામ પડ્યું કે એ બહારગામ જવા માગે છે, તે એને નહોતું સમજાતું. પરંતુ તેને પૂછવું યોગ્ય ન લાગ્યું. તેમ દિલીપે પણ પોતે ક્યાં જવા માંગે છે, એ બાબતમાં તેને કશું ન જણાવ્યું.
એ જ રાત્રે તે રવાના થઈ થયો અને ત્રીજા દિવસે સવારે વિશાળગઢ પાછો પણ આવી ગયો.
આવતાવેંત તેની મુલાકાત વિક્રમસિંહ સાથે થઈ.
‘વિક્રમ મેં તને ક્હ્યું હતું ને કે હું કોઈ પણ સંજોગોમાં, આજ સવાર સુધીમાં પાછો આવી જઈશ.’ એણે કહ્યું.
‘એ તો ઠીક છે...પણ તું ગયો હતો ક્યાં...?’
‘મદ્રાસ...’ દિલીપે જવાબ આપ્યો.
‘કેમ...?’
‘ગુનેગારોનું પગેરૂં મેળવવા માટે...! તેમને વિશે થોડી જાણકારી મેળવવા માટે...!’
‘ગુનેગારો અહીં વિશાળગઢમાં ગુનાઓ કરતા હતા ને તું તેમને શોધવા માટે મદ્રાસ ગયો હતો? આ તો સિક્કો ખોવાઈ જાય. અંધારામાં અને સિક્કો ગુમાવનાર તેને અજવાળામાં શોધતો ફરે એના જેવી વાત થઈ.’
એની વાત સાંભળીને દિલીપ ખડખડાટ હસી પડ્યો.
‘અરે, તું હસે છે શા માટે...?’
‘હું શા માટે હસું છું એની પણ તને ખબર પડી જશે. અત્યારે તો આપણે એક માણસને મળવા જવાનું છે.’
‘જરૂર ચાલ...પરંતુ પહેલાં મારી વાત સાંભળી લે...પ્રતાપ, સુરેશ અને મનમોહનના પણ ખૂન થઈ ગયા છે.’
‘મને ખબર છે...! સવારે આવતાંવેંત જ મેં આ સમાચાર અખબારમાં વાચી લીધા છે...! અખબારમાં તેમના ફોટા પણ છપાયા હતા.’
‘પરંતુ અત્યારે આપણે ક્યાં જવાનું છે?’ વિક્રમસિંહે પૂછ્યું.
‘તું એ માણસને ઓળખે છે.’
‘હું ઓળખું છું...?’ વિક્રમસિંહના અવાજમાં અચરજનો સૂર હતો.
‘હા...ચાલ, તું પોતે જ એને મળી લેજે...!’ કહીને દિલીપ ઊભો થયો.
બે મિનિટ પછી જીપ વિશાળગઢના આલિશાન રાજમાર્ગ પર ધસમસતી હતી.
***