ભૂલ - 7 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ભૂલ - 7

ભૂલ

કનુ ભગદેવ

પ્રકરણ - 7

વિનોદનું ખૂન...!

દિલીપ અત્યારે ભૈરવ ચોક પોલીસ સ્ટેશનમાં બેઠો હતો.

થોડા દિવસો માટે વામનરાવનું સ્થાન એણે લઈ લીધું હતું.

વામનરાવ કોઈક કારણસર ત્રણ દિવસ માટે બહારગામ ગયો હતો.

એની ગેરહાજરીમાં ભૈરવ ચોક પોલીસ સ્ટેશનનો ચાર્જ માત્ર દિલીપ અને સબ.ઈન્સ્પેક્ટર કુલકર્ણી સંભાળતો હતા.

કુલકર્ણી છ મહિના પહેલાં જ મુંબઈથી ટ્રાન્સફર થઈને અહીં આવ્યો હતો.

નાગપાલ-દિલીપની કામગીરોનો તે પ્રસંશક હતો.

એની કાર્યપદ્ધતિ જોઈને દિલીપને પણ તેના પ્રત્યે ખૂબ જ માન ઉપજ્યું હતું. અલબત્ત, ક્યારેક તે જરૂર ભૂલ કરી નાંખતો હતો. પરંતુ દિલીપ તથા વામનરાવ તેને ઠપકો આપવાને બદલે તેની ભૂલ સમજાવતા હતા.

દિલીપ અત્યારે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો.

એના જમણા હાથની પહેલી બે આંગળીઓ વચ્ચે સિગારેટ સળગતી હતી.

સહસા ટેલિફોનની ઘંટડીના અવાજથી એની વિચારધારા તૂટી...

‘હેલ્લો...’ એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું.

‘ભૈરવ ચોક પોલીસ સ્ટેશન...?’ સામે છેડેથી પૂછવામાં આવ્યું.

‘જી, હા... બોલો...!’

‘હું મિસ્ટર દિલીપ સાથે વાત કરવા માંગું છું.’ સામે છેડેથી આવતા અપરિચિત અવાજમાં પારાવાર વ્યાકુળતા હતી.

‘હું દિલીપ જ બોલું છું!’ દિલીપે કહ્યું, ‘આપને જે કંઈ કહેવું હોય તે જરા પણ સંકોચ રાખ્યા વગર કહો!’

‘આપ વિનોદને ઓળખો છો...?’

‘હા, ઓળખું છું...શું તમારે એના ઘરનું સરમાનું જાણવું છે?’ દિલીપે ભોળાભટાક અવાજે પૂછ્યું.

જવાબ સામે છેડે ચૂપકીદી છવાઈ ગઈ.

દિલીપ તેના બોલવાની રાહ જોવા લાગ્યો.

આ દરમિયાન એણે સિગારેટનો એક લાંબો કસ ખેંચીને તેના ઠૂંઠાને એશ-ટ્રેમાં પધરાવી દીધું હતું.

‘સાહેબ...! હું આપને વિનોદ વિશે ઉપયોગી નીવડે એવી ખાસ વાત જણાવવા માગું છું.’ થોડી પળો બાદ સામે છેડેથી ગંભીર અવાજ તેના કાને અથડાયો.

‘એમ...?’ દિલીપે ઠાવકા અવાજે પૂછ્યું.

‘હા...’

‘આવું તમે શા માટે કરવા માંગો છો?’

‘આપના સવાલનો સાચો જવાબ આપું તો આમ કરવાથી મારે સ્વાર્થ સાથે પરમાર્થ જેવા ઘાટ થાય તેમ છે!’

‘એટલે...?’

‘એટલે એમ કે હું મારી દેશ પ્રત્યેની ફરજ પૂરી કરી શકું તેમ છું અને આ ફરજ પૂરી કરવાથી મને થોડો લાભ પણ થાય તેમ છે.’

‘સૌથી પહેલાં તો તમારો સ્વાર્થ જણાવો... પરમાર્થની વાત હું પછી સાંભળીશ!’

‘સાહેબ, જો કોઈ માણસ બે નંબરનો માલ પકડાવે તો તેને સરકાર તરફથી જેટલી રકમનો માલ પકડાવ્યો હોય, તેટલી રકમનો વીસ ટકા ભાગ વળતર રૂપે આપવામાં આવે છે. એવં મેં સાંભળ્યું છે.’

‘તમે બરાબર જ સાંભળ્યું છે.’

‘જો હું બે નંબરનો માલ પકડાવું તો મને પણ વીસ ટકા વળતર મળશે?’

‘જરૂર...પરંતુ તમારું નામ શું છે?’

‘ના... સાહેબ...તમારું નામ હું અત્યારે આપને જણાવી શકું તેમ નથી.’

‘કેમ...?’

‘શું આપ મારી લાચારી નથી સમજી શકતા?’

‘ના...’

‘જો મેં એની ખતરનાક ગેંગ વિશે આપને બાતમી આપી છે, એવી તેમને જરા પણ ગંધ આવશે તો તે મને મારી નાંખશે.’

‘ખતરનાક ગેંગ...?’

‘હા...હું બ્લેક કોબ્રા નામની ગેંગની વાત કરું છું.’

દિલીપે પણ આ જ ગેંગનું નામ વિચાર્યું હતું. એની આંખો સંકોચાઈને ઝીણી થઈ ગઈ.

‘વારૂ, વિનોદને આ ગેંગ સાથે શું સંબંધ છે?’

‘સાહેબ, વિનોદ વાસ્તવમાં આ ગેંગનો જ એક સભ્ય છે.’

‘શું...?’ દિલીપે ચમકીને ખુરશી પર ટટ્ટાર થતાં પૂછ્યું.

‘હા...’

‘તમે એના વિશે કઈ ખાસ બાતમી આપવા માંગો છો?’ દિલીપે ધીમા અવાજે પૂછ્યું.

‘પહેલાં તો એ કહો કે મને વીસ ટકા વળતર મળશે કે નહીં?’ સામે છેડેથી આવતા અવાજમાં ખમચાટ હતો.

‘તમે બેફિકર રહો...!’ દિલીપે તેને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરતાં કહ્યું. ‘આ દુનિયામાં જે માણસ મહેનત કરે છે, તેને ફળ જરૂર મળે છે! તમને પણ મળશે જ!’

‘તો સાંભળો...વિનોદને આપ એક કલાક પછી દેવગઢમાં પકડી શકશો...!’

‘પરંતુ હં ક્યાં આરોપસર તેને પકડું? એને પકડવા માટે મારી પાસે કોઈક આધાર તો હોવો જોઈએ ને?’

‘આપ દાણચોરીના આરોપસર તેની ધરપકડ કરી શકશો!’

‘દાણચોરી...?’

‘હા...એ દેવગઢમાં અમૃત થિયેટર પર એક પાર્ટીને મળવા જવાનો છે. એ વખતે તેની પાસે પચાસ લાખ રૂપિયાની કિંમતના સાચા હીરાઓ હશે!’

‘પચાસ લાખના હીરા...?’ દિલીપના મોંમાંથી ચીસકારો નીકળી ગયો.

‘હા...હવે જો આપ એ હીરાઓ પકડી લો તો મને વીસ ટકા લેખે દસ લાખ રૂપિયા મળશે ને?’ સામે છેડેથી આવતા ઘોઘારા અવાજમાં આનંદનો સૂર હતો.

‘હા...પણ તમે આપલી બાતમી પાકી જ છે ને?’

‘ચોક્કસ...એમાં ક્યાંય ફર્ક નહીં પડે!’

‘પરંતુ બેંકમાં નોટો ગણતો ગણતો ને વેપારીઓના ચોપડામાં કાળાધોળા કરતો કરતો વિનોદ બ્લેક કોબ્રા જેવી ખતરનાક ગેંગનો સભ્ય વળી કેવી રીતે બની ગયો? અને આમેય મને ખબર છે ત્યાં સુધી આ ગેંગે છેલ્લા સાતઆઠ વર્ષમાં જ માથું ઊંચક્યું છે.’

‘આપની વાત સાચી છે. અલબત્ત, હું આ બાબતમાં બહુ તો નથી જાણતો, પરંતુ આપ વિનોદને પકડીને એ ગેંગને બરબાદ કરી શકો તેમ છો એટલી તો મને જરૂર ખબર અને ખાતરી છે!’

‘પરંતુ વિનોદ પચાસ લાખના હીરા લઈને દેવગઢ ખાતે અમૃત થીયેટર જવાનો છે એ વાતની તમને કેવી રીતે ખબર પડી?’ સહસા યાદ આવ્યું હોય એમ દિલીપે પૂછ્યું.

‘શું આ સવાલનો જવાબ આપવો જરૂરી છે?’

‘જો આપી શકાય તેમ હોય તો આપો.’

‘તો સાંભળો...ભૂતકાળમાં હું પોતે પણ એ ગેંગનો સભ્ય રહી ચૂક્યો છું.’

‘શું...?’

‘હા..’

‘તમે ખોટું તો નથી બોલતા ને?’

‘ખોટું બોલવાથી મને કોઈ લાભ નથી થવાનો! હું ભૂતકાળમાં એ ગેંકનો સભ્ય હતો. માંડમાંડ મેં તેમનાથી પીછો છોડાવ્યો છે. હું કાયમને માટે પરદેશ ચાલ્યો ગયો છું, એવા ભ્રમમાં જ તેઓ રચે છે!’

‘ઓહ...શું વિનોદના પકડાઈ ગયા પછી તમે સામે આવશો?’

‘હા...’

‘જરૂર...’

‘ઠીક છે...હું એને પકડવાની વ્યવસ્થા કરું છું. જો તમે આપેલી બાતમી સાચી હશે તો વિનોદ આજે નહીં બચી શેક! હું વિનોદને પકડીને બ્લેક કોબ્રાની ગેંગને નેસ્તનાબૂદ કરી નાખીશ!’ દિલીપ મક્કમ અવાજે બોલ્યો.

‘મે આપની પાસેથી આવા જ જવાબની જ આશા રાખી હતી. સાહેબ!’

‘પરંતુ એક વાત મને નથી સમજાતી મિસ્ટર...!’

‘કંઈ વાત...?’

‘બાતમી આપવા માટે તમે મારી જ પસંદગી શા માટે કરી...? વિશાળગઢમાં મારા જેવા બીજા પણ ઘણાબધા અમલદારો છે!’

‘શું આ સવાલનો જવાબ આપવો પડશે?’

‘તમારી મરજીની વાત છે. આપવો હોય તો આપો!’ દિલીપ બોલ્યો.

‘આપ વિનોદમાં રસ લો છો એવું મને લાગ્યું હતું. દિલાવરના ખૂનકેસની તપાસ આપ કરો છો...! આપની નજર સામે જ તેનું ખૂન થયું હતું અને...’

‘અને, શું...?’

‘અને મેં આપને વિનોદના મકાન પર પણ નજર રાખતા જોયા હતા.’

‘ઓહ...તો તમારી નજર મારા કરતાં પણ વેધક લાગે છે!’ દિલીપ પ્રશંસાભર્યા અવાજે બોલ્યો, ‘હું વિનોદ પર નજર રાખું છું, એની તેને પણ ગંધ નહોતી આવી. પરંતુ તમે જોઈ જ ગયા!’

‘હા...પ્રશંસા માટે આભાર...!

‘ભલે...બીજું કંઈ...?’

‘ના...’

‘હું વિનોદને ઘેરવાનો પ્રયાસ કરું છું.’

‘ઓ.કે...’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો,

દિલીપે પણ રિસીવર મૂકી દીધું.

અત્યારે એ કંઈક કરી છૂટવાના મૂડમાં હતો.

કાશ્મીરથી આવ્યા પછી હાથ-પગ અને દિમાગને કામ લગાડવાની તેને આ પહેલી જ તક મળી હતી.

નાગપાલ અંધારી આલમનો કેસ પૂરો કરીને થોડા દિવસોની રજા લઈને ક્યાંક ફરવા ચાલ્યો ગયો હતો.

એની ગેરહાજરીમાં દિલીપ આ તકનો લાભ ઉઠાવીને પોતે કંઈ કમ નથી એ વાત પુરવાર કરી બતાવવા માગતો હતો.

એણે ઘડિયાળમાં સમય જોયો.

બપોરના સાડાચાર વાગ્યા હતા.

વિશાળગઢથી દેવગઢ ત્રીસેક કિલોમીટર દૂર હતું.

એ ઊભો થવા જતો હતો ત્યાં જ સબ, ઈન્સ્પેક્ટર કુલકર્ણી આવી પહોંચ્યા.

‘કંઈ નવીન બન્યું છે સર...?’ એણે એક ખુરશી પર બેસતાં પૂછ્યું.

‘ના, બન્યું નથી પણ બનવાની તેયારીઓ જ છે!’ દિલીપ ઊભો થતાં બોલ્યો.

‘ક્યાંય બહાર જવાનું છે?’

‘હા...’

‘ક્યાં...?’

‘દેવગઢ...!’

‘દેવગઢ વળી શું કામ પડ્યું?’

‘તું પાંચ સશસ્ત્ર સિપાહીઓને તૈયાર કરે...! બાકી વિગતો રસ્તામાં જ જણાવી દઈશ! આપણે સવા પાંચ વાગ્યા પહેલાં કોઈ પણ સંજોગોમાં દેવગઢ પહોચી જવાનું છે!’

દિલીપના અવાજમાં રહેલી ગંભીરતા પારખીને કુલકર્ણી તરત જ ઊભો થઈ ગયો.

‘બે મિનિટમાં જ બધી તૈયારીઓ થઈ જશે સર...!’ એ ગંભીર અવાજે બોલ્યો.

પાંચ મિનિટ પછી તેમની જીપ પૂરપાટ વેગે સડક પક દોડતી હતી.

ડ્રાયવીંગ સીટ પર દિલીપ બેઠો હતો.

રસ્તામાં એણે કુલકર્ણીને દેવગઢ જવાનું કારણ જણાવી દીધું.

એની વાત સાંભળીને કુલકર્ણી આશ્વર્યચક્તિ થઈ ગયા.

‘ઓહ...!’ એ બોલ્યો, ‘તો વિનોદ અને તેની પત્ની કંચન એ ખરતનાક ગેંગ સાથે કોઈ પણ રીતે સંકળાયેલા છે, એવી આપની શંકા છેવટે સાચી પડી એમ ને?’

‘હા...પરંતુ વિનોદ બ્લેક કોબ્રાની ગેંગનો સભ્ય હશે અને તે લાખો રૂપિયાના માલની હેરાફેરી કરતો હશે, એવું મેં નહોતું ધાર્યું!’ દિલીપે કહ્યું, ‘દેખાવ પરથી તે એકદમ સીધો સાદા અને સજ્જન લાગે છે!’

‘અને નીકળ્યો જલેબીના ગુંચળા જેવો...!’ કુલકર્ણી સ્મિત ફરકાવતાં બોલ્યો.

‘હા...!’ કુલકર્ણીએ વિનોદ માટે કરેલું સંબોધન સાંભળીને હોઠ પર હળવું સ્મિત ફરકી ગયું. ‘હંમેશા ચહેરાઓ જ માણસને છેતરે છે! માણસનું મન અને લાકડાના પોલનો કોઈ તાગ નથી મેળવી શકતું!’

‘સર...વિનોદ પકડાઈ જાય, તેની પાસેથી માલ કબજે કરી લેવાય, ત્યાર પછી આપ શું કરશો?’ કુલકર્ણી એ ઉત્સુક અવાજે પૂછ્યું.

‘કુલકર્ણી...!’ દિલીપે જવાબ આપ્યો, ‘આપણને તેની પાસેથી બ્લેક કોબ્રાની ગેંગ વિશે ઘણું બધું જાણવાનું મળી શકે તેમ છે. સૌથી પહેલાં તો આ જ માહિતી આપણે તેની પાસેથી ઓકાવવાની છે, અલબત્ત, તેની ધરપકડને એકદમ ખાનગી જ રાખવામાં આવશ.’

‘હા...એમ જ કરવું પડશે.’

ત્યારબાદ બંને દેવગઢ આવ્યું ત્યાં સુધી એની વિશે જ વાતો કરતા રહ્યાં.

દેવગઢમાં તેઓ અમૃત થિયેટર પાસે પહોંચ્યા ત્યારે પાંચ વાગીને ઉપર સાત-આઠ મિનિટ થઈ હતી.

પાંચય સિપાહીઓને તેમની કામગીરી સમજાવી દેવામાં આવી જાળ પથરાઈ ગઈ હતી.

હવે માત્ર શિકારના આગમનની જ રાહ જોવાતી હતી.

ધીમે ધીમે સમય પસાર થતો હતો.

પરંતુ શિકાર ન આવ્યો.

ન છૂટકે તેમને જાળ સમેટવી પડી.

‘સર...!’ કુલકર્ણી કંટાળાભર્યા અવાજે બોલ્યો, ‘એની રાહ જોતાં જોતાં બે કલાક વીતી ગયા છે. હવે એ નહીં આવે એવું મને લાગે છે.’

‘હવે એની રાહ જોવી મૂર્ખાઈ ભરેલી વાત છે એમ હું માનું છું કુલકર્ણી!’ દિલીપના અવાજમાં નિરાશાનો સૂર હતો.

‘બાતમીદારે આપને મૂરખ બનાવ્યા સાહેબ...! નાહક જ આપને દેવગઢ સુધી કસરત કરાવી!’

‘અને મે તમને...!’

‘પરંતુ પોલીસ સાથે આવી મશ્કરી વળી કોણે કરી હશે?’ કુલકર્ણીએ હસીને પૂછ્યું.

‘આને તું મશ્કરી માને છે?’

‘હા...’

‘ના, કુલકર્ણી આ મશ્કરી નથી.’

‘મશ્કરી નથી તો બીજું શું છે સર?’

‘આ ચાલાકી છે...!’

‘ચાલાકી...?’

‘હા...એણે મને પોતાનો કોઈક સ્વાર્થ સાધવા માટે જ મૂરખ બનાવ્યો છે!’

‘એટલે...?’ કુલકર્ણીએ ચમકીને દિલીપ સામે તાકી રહેતાં પૂછ્યું.

‘હું વિનોદના નિવાસસ્થાને પહોંચું એમ મને ફોન કરનાર કદાચ નહોતો ઈચ્છતો. પરિણામે એણે ખોટી બાતમી આપીને મને અહીં દેવગઢ રવાના કરી દીધો.’

‘ઓહ...’ કુલકર્ણી બબડ્યો, ‘આ વાત આપણને વિશાળગઢમાં જ સૂઝી હોત તો સારું થાત! ફોન કરનારે મજાક નહોતી કરી, પણ કોઈક ષડયંત્ર રચ્યું હતું ખરું ને?’

‘હા...’ કહી, જીપ સ્ટાર્ટ કરીને દિલીપ વિશાળગઢ તરફ દોડાવી મૂકી.

‘હવે શું કરવાનું છે?’

‘આપણે અહીંથી વિશાળગઢ પહોંચીને સૌથી પહેલાં વિનોદના નિવાસસ્થાને જવાનું છે!’

‘કેમ...?’

‘સાચી હકીકત જાણવા માટે...! ફોન કરનાર બ્લેક કોબ્રાની ગેંગનો જ કોઈક સભ્ય હોવો જોઈએ એમ હું માનું છું. એણે વિનોદનું નામ લીધું હતું એટલે તે પરિચિત હતો એ વાત સ્પષ્ટ ખાય છે! ઉપરાંત હું વિનોદમાં રસ લઉં છું, તથા બ્લેક કોબ્રાની ગેંગ વિરૂદ્ધ સક્રિય છું એની પણ તેને ખબર હતી.’

‘જરૂર...! એ વિનોદથી પરિચિત હતો એટલું જ નહીં, વિનોદ સાથે તેને કંઈક સંબંધ પણ છે. આપ વિનોદના નિવાસસ્થાને પહોંચો એમ તે નહોતો ઈચ્છતો એવું હવે મને પણ લાગે છે સર...!’

‘અત્યારે મને એક જ ભય સતાવે છે.’

‘શું...?’

‘એ જે કે વિનોદ સાથે કંઈ અજુગતું ન બન્યું હોય તો સારું!’

‘અજુગતુ અર્થાત્ આપનો સંકેત વિનોદના ખૂન તરફ છે?’

જવાબમાં દિલીપે હકારમાં માથું હલાવ્યું.

જીપ પૂરી રફતારમાં વિશાળગઢ તરફ દોડતી હતી.

***

બપોરે ચાર વાગ્યે કંચને ચાનો કપ તૈયાર કરીને વિનોદની સામે સ્ટૂલ પર મૂકી દીધો.

વિનોદ ઘડિયાળમાં સમય જોયો.

‘ચાર વાગ્યા છે...તું ક્યાંય બહાર જાય છે કંચન?’ એણે પૂછ્યું.

‘ના કેમ...?’ કંચને ચમકવાનો અભિનય કરતાં સામે સવાલ કર્યો.

‘તું થોડી વાર ક્યાંક બહાર ફરી આવી હોય તો સારું થાત!’

‘કેમ...?

‘મારે બેંકનું થોડું જરૂરી કામ પતાવવાનું છે. તું એક કામ કર!’

‘શું...?’

‘તું રાજુને લઈને બે-ત્રણ કલાક માટે તારી કોઈક બહેનપણીને ત્યાં ચાલી જા!’ વિનોદ નીચું જોઈ જતાં બોલ્યો.

કંચનની આંખોમાં આંખો પરોવીને વાત કરવાની તેનામાં હિંમત નહોતી.

‘કારણ...?’

મનનો ચોર...!

‘શું વાત છે વિનોદ...? હમણાં હમણાં તો તું મને અવાર-નવાર બહાર જવા માટે આગ્રહ કરે છે!’ કંચન પોતાનું નાટક ચાલુ રાખતાં બોલી, ‘શું હું એટલી બધી ખરાબ થઈ ગઈ છું કે ઘેર રહું તે તને ગમતું નથી, કે પછી...?’

‘પછી, શું...?’

‘મારી ગેરહાજરીમાં તે કોઈ અન્ય છોકરીને તો મળવા માટે નથી બોલાવી ને?’

‘આ તું શું કહે છે કંચન...?’ વિનોદ ગભરાતા અવાજે બોલ્યો, ‘આવો ગંદો આરોપ મૂક્તાં તને શરમ નથી આવતી?’

‘તે પછી તું મને બહાર જવાનું શા માટે કહે છે? મને બહાર મોકલવા પાછળ કોઈક કારણ તો હશે જ ને?’

‘હા, છે...!’

‘એ કારણ જ હું જાણવા માગું છું.’

‘તો સાંભળ...અહીં રાજુ મને હેરાન કરશે અને હું શાંતિથી મારું કામ નહીં કરી શકું! કરીશ તો પણ એ ખોટું થઈ જશે.’ વિનોદ ખોટું બોલતાં કહ્યું.

ખોટું, કે જે માણસને પોતાનું પાપ છૂપાવવા કે ઢાંકવા માટે બોલે છે!’

લાલચમાં આંધળો બનેલો માણસ કે જેણે હંમેશા સાચું કામ જ કર્યું હોય છે, એ પણ ખોટું બોલવા લાગે છે.

વિનોદ સાથે પણ આમ જ બનતું હતું.

બે લાખ રૂપિયાની લાલચ ઊભી થઈ તેને પોતાની જરૂરિયાતને કારણે!

--એને આ જરૂરિયાત ઊભી કરી હતી એની પત્નીએ...!

--અને આજે એ શરીફ અને સજ્જન માણસ ગુનેગાર બની ગયો હતો.

--એને ગુનેગાર બનાવ્યો હતો એની પત્નીએ...!

--પત્નીની જરૂરિયાત પૂરી કરવા માટે એણે પોતાના સ્વમાન અને સિદ્ધાંતનું ગળું દબાવી દીધું હતું.

--દુનિયાની નજરમાં હલકો પડવાને બદલે એ પોતાની નજરમાં જ હલકો પડી ગયો હતો.

--શા માટે...?

--જવાબ એક જ છે!

--પત્નીએ ઊભી કરેલી ખોટી જરૂરિયાતોને કારણે...!

--જો કંચને હપ્તા પદ્ધતિથી ફ્રીઝ, કલર ટી.વી., ઘરઘંટી જેવી મોંઘી વસ્તુઓ ન ખરીદી હોત તો...?

--તો પોતાને હપ્તા ચૂકવવા માટે વ્યાજે પૈસા ન લાવવા પડત!

--અને જો પોતે વ્યાજે પૈસા ન લાવ્યો હોત તો...?

--તો કંચનની હેન્ડબેગ કોઈ બદમાશ ન આંચકી જાત!

--અને આ બનાવ ન બન્યો હોત તો...?

--તો તેને મધુકરની ઓફર કબૂર ન કરવી પડત!

--બ્લેક મધુકર સાથે તેની મુલાકાત જ ન થઈ હોત!

--તો આજે પોતે સુખી હોત!

પરંતુ દરેક જગ્યાએ તેને ‘તો’ જ આડો આવતો હતો.

વિનોદ આ બધુ જ વિચારતો હતો.

પરંતુ આ ‘તો’ નો તેની પાસે કોઈ જવાબ નહોતો.

એની આંખોમાં નરી ઉજ્જડતા વ્યાપેલી હતી.

ચ્હેરો જાણે લાકડામાંથી કોતરી કાઢવામાં આવ્યો હોય એમ ભાવહીન હતો.

‘અરે...તું શું વિચારમાં પડી ગયો? હું તો મજાક કરતી હતી.’

કંચનના અવાજથી એ વિચારધારામાંથી બહાર આવ્યો.

‘તેં કંઈ કહ્યું?’

‘હા...હું તો માત્ર મજાક જ કરતી હતી એમ મેં કહ્યું હતું!’

‘એટલે...?’ ‘તો’ ના વિચારમાં પોતે કંચનને બહાર જવાનું કહ્યું હતું, એ વાત પણ તે ભૂલી ગયો હતો.

‘તું મને બહાર જવાનું કહ્યું હતું ને?’

‘હા...’

‘તે ન કહ્યું હોત તો પણ હું જવાની જ હતી.’

‘કેમ...?’

‘મારે થોડી ખરીદી કરવાની છે...! રાજુ માટે દૂધનો પાવડરનો ડબ્બો ખરીદવાનો છો.’

‘પૈસા તો છે તારી પાસે?’

‘હા...’

‘રાજુને પણ સાથે લઈ જજે.’

‘કેમ...?’ ‘હવે દિકરા પ્રત્યે પણ લાગણી નથી રહી કે શું?’ કંચનનો અવાજમાં કટાક્ષ હતો.

‘કંચન...!’ વિનોદ વેદનાભર્યા અવાજે બોલ્યો, ‘હું જે કંઈ કરું છું, એ તમારા બંનેના હિત માટે જ તો કરું છું. મારો આમા શું સ્વાર્થ છે?’

‘તું બહુ જલ્દીથી મગજ પરથી કંટ્રોલ ગુમાવી બેસે છે.’

‘તુ વાત જ એવી કરે છે કે કંટ્રોલ ન ગુમાવાતો હોય તો પણ ગુમાવાઈ જાય છે!’

‘હું તો માત્ર મજાક જ કરતી હતી.’

વિનોદ ચૂપ રહ્યો.

‘હવે ચા પી લે...!’ કંચન સ્મિચ ફરકાવાં સ્નેહભર્યા અવાજે બોલી, ‘નાહક જ ઠંડી થઈ જશે.’

વિનોદે ચૂપચાપ કપ ઊંચકી લીધો.

કંચન ઊભી થઈને તૈયાર થવા માટે બીજા રૂમમાં ચાલી ગઈ.

વિનોદ ધીમે ધીમે ઠંડી થી ગયેલી ચાના ઘૂંટડા ભરવા લાગ્યો.

દસેક મિનિટ પછી કંચન રાજુને લઈને બહાર નીકળી ગઈ.

કોણ જાણે કેમ એનું હ્લદય કોઈક અજ્ઞાત આંશકાથી ધબકતું હતું.

પોતે વિનોદ સાથે અન્યાય કરે છે એવો ભાસ તેને થતો હતો.

મધુકર પ્રત્યે એ હવે બહુ લાગણી નહોતી અનુભવતી.

એ પોતાના જ વિચારોમાં મગ્ન બનીને ચાલી જતી હતી.

‘કંચન...કંચન...’

સહસા કોઈની બૂમ તેના કાને અથડાઈ.

એણે અવાજની દિશામાં જોયું---

---એની બહેનપણી રૂપા એક ટેક્સીમાં બેઠી હતી.

રૂપાના કપાળ પર ચાંદલો હતો અને સેંથામાં કંકુ!

આ રૂપમાં એ ખરેખર ભલી લાગતી હતી.

આ દરમિયાન કંચનને જોઈ ને રૂપા ટેક્સમાંથી નીચે ઉતરી આવી હતી.

કંચન ઝડપથી તેની પાસે પહોંચી.

‘રૂપા...તું...!’ કહીને એણે સ્નેહવશ તેના હાથ પકડી લીધો.

‘હા...આપણે કેટલા વર્ષો પછી મળીએ છીએ...!’ રૂપાએ કહ્યું.

‘રૂપા...તારે તો મારે ઘેર આવવું જોઈતું હતું...! મારું ઘર તો તેં જોયું હતું!’ કંચનના અવાજમાં નારાજગીનો સૂર હતો.

‘સાચું કહું...?’

‘હા, બોલ...’

‘હું તારી જિંદગીમાં કાંટા ઊગાડવા નહોતી માગતી! લગ્ન પહેલાં હું કોણ હતી એ તો તું જાણે જ છે! તારી આજુબાજુમાં રહેતા લોકોમાં કોઈક મારા ભૂતકાળ વિશે જાણતું હશે તો નાહક જ તારે તેમની ટીકાનો ભોગ બનવું પડશે એવા વિચારે હું નહોતી આવી. મને આવવાની ઘણી ઈચ્છા થતી હતી.’

‘મેડમ...!’ સહસા ટેક્સી-ડ્રાયવર ઊંચા અવાજે બોલ્યો, ‘હું અહી વધુ રાહ જોઈ શકું તેમ નથી. જો તમારે ન આવવુ હોય તો ભાડુ આપીને મને વિદાય કરોત...!મારો ધંધો ખોટી થાય છે...!’

‘કંચને...!’ રૂપાએ તેનું બાવડું પકડતાં કહ્યું, ‘મારી સાથે ચાલ...હું તને મારું ઘર બતાવું...!’

કંચને જરા પણ આનાકાનાની કર્યા વગર તરત જ હા પાડી દીધી.

એને તો ગમે ત્યાં સમય પસાર કરવાનો હતો.

બંને ટેક્સીમાં બેસી ગયાં.

ડ્રાયવરે ટેક્સી સ્ટાર્ટ કરીને દોજાવી મૂકી.

થોડી વારમાં જ તેઓ સરકારી કોલોનીમાં પહોંચી ગયા.

આ કોલોનીમાં મધ્યમ વર્ગના લોકોને સરકાર પોતે જ ક્વાર્ટર ભાડે આપતી હતી.

રૂપાના પતિનું નામ અમર હતું.

અમરે કારકિર્દીની શરૂઆત પ્રાઈવેટ કંપનીમાં પટ્ટાવાળા તરીકે કરી હતી. પરંતુ તેની મહેનત, લગન અને ઈમાનદારી જોઈને કંપનીના મેનેજરે તેને કલાર્ક બનાવી દીધો હતો.

અમર રૂપાને ખૂબ ચાહતો હતો.

જો રૂપા સાથે પોતાના લગ્ન ન થયાં હોત તો પોતે આજે પણ મામૂલી પટાવાળો જ હોત એમ તે કહેતો હતો.

પોતાની પ્રગતિનો યશ તે રૂપાને આપતો હતો.

રૂપાએ કોલગર્લનો ઘૃણિત વ્યવસાય બંધ કર્યા પછી એકદમ સાદું જીવન અપનાવી લીધું હતું. એને અમર પર ખૂબ જ ભરોસો હતો. પોતાના દઢ મનોબળ અને નિર્ણય શક્તિથી એણે દુર્વ્યસનોમાં ફસાયેલા પોતાના પતિ અમરને મુક્તિ અપાવી દીધી હતી.

રૂપાને ચાંદના ટુકડા જેવી એક દિકરી પણ હતી.

એને તેનું નામ ચાંદની રાખ્યું હતું.

રવિવાર હોવાથી અમર પણ ઘેર હતો. સાધારણ દેખાવ ધરાવોત અમલ ભલે સુંદર ન હોય, પરંતુ એનાં કાર્યો સામે તેની સુંદરતાનું કોઈ જ મહત્વ નહોતું. એનાં સારાં કામો ગમે તેવી ખૂબસૂરતી ઝાંખી પડી જતી હતી.

રૂપાએ કંચન સાથે તેનો પરિચય કરાવ્યો.

‘તને મળવાની ખૂબ જ ઈચ્છા હતી. બહને!’ એ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘રૂપા તને અવારનવાર યાદ કરતી હતી. એ તને પોતાની આદર્શની દેવી માને છે. એણે તારે વિશે મને બધું જ જણાવી દીધું હતું. બહેન, માણસના જીવનમાં ચડતી-પડતી તો આવ્યે જ રાખે છે. એનાથી કંઈ ગભરાઈ કે હિંમત ન હારી જવું જોઈએ!’

કંચન મનોમન ગ્લાનિ અનુભવવા લાગી.

કોણ જાણે કેમ પોતાના મેલા મન સાથેની કાયાને આ પવિત્ર સ્થળેથી દૂર જવાની તેને ઈચ્છા થઈ આવી.

‘આ તો રૂપાની મહાનતા છે ભાઈ...!’ પ્રત્યેક્ષમાં એ બોલી, ‘હું તો મારા સ્વાર્થ વચ્ચે ઘેરાયેલી એક સ્ત્રી છું.’

‘તમે બંને વાતો કરો...ત્યાં સુધીમાં હું બજારમાંથી કંઈક નાસ્તો લઈ આવું છું.’

‘ના, ભાઈ...એવી તકલીફ લેવાની કંઈ જરૂર નથી.’ કંચન ઉતાવળા અવાજે બોલી.

‘અરે ગાડી...!’ રૂપાના અવાજમાં મીઠો ઠપકો હતો, ‘તું આજે પહેલીવાર મારે ત્યાં આવી છો એટલે એમ ને એમ તો હું તને નહીં જ જવા દઉં!’ એણે પલંગ પર સૂતેલી ચાંદનીના માથા પર સ્નેહથી હાથ ફેરવ્યો. પછી અમરને ઉદ્દેશીને બોલી, ‘હવે તમે મારું મોં જોઈને શું ઊભા છો? જલ્દી જાઓ...’

અમર સ્મિત ફરકાવીને બારણા તરફ આગળ વધી ગયો,

‘રૂપા...તારી દિકરી કેટલી સુંદર...!’ કંચન ચાંદની સામે તાકી રહેતા બોલી, ‘મારે પણ આવી દિકરી હોત તો....!’

‘તો પછી તું ચાંદનીને જ તારી દિકરી બનાવી લે ને?’

રૂપા સ્મિત ફરકાવતાં બોલી.

‘એટલે...?’

‘હું રાજુને મારો દિકરો બનાવી લઈશ! આ રીતે આપણે બંને સગાં બની જશું!’

કંચન રૂપાની આંખોમાં પોતાની આંખો પરોવી.

એની આંખોમા ઉત્સુકતાના હાવભાવ છવાયેલા હતા.

‘ભલે રૂપા...!’ છેવટે એ બોલી, ‘આજથી ચાંદની મારી અને રાજુ તારો...!’ કહીને તેણે ચાંદનીનું કપાળ ચુમી લીધું.

ગાઢ ઊંઘમાં સૂતેલી ચાંદનીના હોઠ પર જાણે તે પોતાના લગ્નની વાત સાંભળી અને સમજી હોય એ રીતે સ્મિત ફરકી ઊઠ્યું.

‘કંચન, તેં લગ્ન કરીને મને પણ કોલગર્લ જેવા ઘૃણિત બિઝનેસ છોડી દેવાની પ્રેરણા આપી હતી. ગૃહિણી બનવાનું...લગ્ન કરવાની મને પણ ઈચ્છા થઈ...મને પણ અતૂટ પ્રેમ કરે એવો એવો પતિ મળે...મારા ઘરમાં બાળકોનું હાસ્ય ગુંજે...આ બધાં સપનાઓ મેં જોયાં અને...અને...આજે એ બધું સુખ મને મળી ગયું છે...! આજે આ એક સુખની સામે દુનિયાભરની સુખ-સમૃદ્ધિ મને ફિક્કી લાગે છે...!’ કહેતાં રૂપાની આંખોમાં આંસુ ચમકવા લાગ્યા.

એની વાત સાંભળીને પહેલી જ વાર, પોત પોતાના પતિ સાથે કેટલો અન્યાય કરે છે, તેનો કંચનને ભાસ થયો.

એક પારકા માણસ પાસેથી એણે એ સુખ મેળવવા ઈચ્છા રાખી હતી કે જે વાસ્તવમાં દગો અને ફરેબ હતા.

પૈસા પાછળ દોડીને, એણે આત્મિક સુખ ગુમાવી દીધું હતું.

‘તું સાચું કહે છે રૂપા....!’ કંચન એક ઊંડો શ્વાસ લેતાં બોલી, ‘હું જ કદાચ સત્યને નહોતી સમજી શકી!’

‘એટલે...?’

‘કંઈ નહીં...તને નહીં સમજાય...!’

‘શું વાત છે કંચન...? તું કોઈક મુંઝવણમાં હો એવું મને લાગે છે!’

‘ના, એવું કંઈ નથી...’

‘કંઈક તો જરૂર છે...!’

‘રૂપા...શું તું આ ગરીબાઈ ભરેલા જીવનથી ખુશ છો?’ કંચને પૂછ્યું.

હમણાં રૂપા પોતાની મુશ્કેલીઓનાં રોદણાં રડવાં શરૂ કરી દેશે એવી તેને આશા હતી. ગરીબોથી મોટો શ્રાપ બીજો ક્યો હોઈ શકે?

‘ગરીબીભર્યું જીવન...?’ જાણે કંચનની વાતનો મર્મ ન સમજાયો હોય એવા અવાજે રૂપાએ પૂછ્યું.

‘હા...’

‘તું છેવટે કહેવા શું માંગે છે કંચન...?’

‘રૂપા...તારી પાસે પણ બંગલો, મોટર, નોકર-ચાકર, પૈસા તેમ જ અન્ય વૈભવ હોય એવી તને ઈચ્છા નથી થતી? દુનિયાનાં આ બધાં સુખો પ્રાપ્ત કરવા માટે પૈસા હોવા જરૂરી છે એવું તને નથી લાગતું?’

‘કંચન...જો હજુ પણ તું આમ જ વિચારતી હો તો આ તારો ભ્રમ છે...! તું એક એવી વસ્તુ પાછ દોડે છે કે જેનો કોઈ દેખાવ કે આકાર નથી..એ માત્ર પડછાયા પાછળ દોડવાની જિંદગી માત્ર બરબાદ જ થાય છે...! આબાદ નથી થતી! આત્મિક સુખ એક એવી વસ્તુ છે જેને જોઈ નથી શકાતી...માત્ર તેને અનુભવી શકાય છે...! પૈસા અને આત્મિક સુખને કશુંયે લાગતું વળગતું નથી. પૈસા તો ઝાંઝવાનાં જળ જેવો છે...! એનાથી બધી વસ્તુઓ ખરીદી શકાય છે...! માત્ર એક જ વસ્તુ નથી ખરીદી શકાતી...! અને એ વસ્તુ છે આત્મિક સુખ...! મનની શાંતિ...! અત્યારે આપણે જેટલાં સુખી છીએ, તેટલાં તો કદાચ પૈસાદારો પણ નહીં હોય! પ્રસન્નતારૂપી તાળાની ચાવી પૈસો જ છે, એવું તુ કેવી રીતે કહી શકે છે? મેં કેટલાય પૈસાદારોને જોયા છે! કરોડપતિ માણસના ઘરમાં જો ખાવા-પીવાવાળું અર્થાત્ સંતાન ન હોય, તો એ પૈસો શું કામનો...? આપણા બાળકોનું એક સ્મિત જ એના કરોડો રૂપિયા પર પાણી ફેરવી દે છે! હું કોલગર્લ હતી...મારી પાસે ગ્રાહક તરીકે કેટલાય ધનવાનો આવતા હતા...! હેવ જો મેં તેમને જે સુખ આપ્યું. એ સુખ તેઓ પોતાની પત્ની પાસેથી મેળવી શકતા હોત તો મારી પાસે આવત ખરા...? તો પછી આવો પૈસો શું કામનો? પૈસાદારોનો પૈસો જ તેમનો સૌથી મોટો દુશ્મન હોય છે, એની મને ખબર છે! તેમના મનને ક્યાંય ચેન નથી પડતું! કરોડપતિ હોવા છતાં પણ રાત્રે સૂવા માટે તેમને ઊંઘની ગોળીઓ લેવી પડે છે...! આ તો થઈ પૈસાદારોની વાત...! હવે હું ગરીબોની વાત કરું છું...! તું જરા આપણાથી નીચના સ્તરના ગરીબ લોકો, કે જેઓ રોજનું લાવીને રોજનું ખાય છે, તેમની જીવનની કલ્પના કરી જો...! એ લોકો કરતાં તું તારી જાતને વધુ સુખી જોઈશ! ખુશ રહેવું હોય તો તેના એક જ રામબાણ ઈલાજ છે! દુઃખમાંથી સુખ શોધી કાઢો...! જો આ તમને શોધી શકો, તો જિંદગીમા ક્યારેક નિરાશા નહીં અનુભવો! કોઈકનો મહેલ જોઈને આપણે આપણું ઝૂંપડું ન સળગાવી નાખવું જોઈએ! બીજાઓનું સુખ અને પોતાનું દુઃખ જોઈને માણસ માત્ર ઈર્ષ્યા જ કરી શકે છે...! અને આ ઈર્ષ્યા તેને સુખ આપવું તો એક તરફ રહ્યું, ઊલટું એના જીવનમાં નિરાશા ભરી દે છે! એના દુઃખમાં ઘટાડો કરવાને બદલે વધારો કરે છે...! અમરની પણ આ જ વિચારસરણી છે...! એણે સ્કૂટર લેવા માટે પાંચ હજાર રૂપિયાની બચત કરી હતી. સ્કૂટર પર જલ્દી ઓફિસ પહોંચી શકાય તેમ હતું. પરંતુ ચાંદનીનો જન્મ થતાં જ એણે પોતાનો વિચાર માંડી વાળ્યો. સ્કૂટરને બદલે એણે નવી સાયકલ ખરીદી લીધી. અને બાકીના જે ચાર હજાર રૂપિયા બચ્યા, તે એણે ચાંદનીના નામથી બેંકમાં ફિક્સ ડિપોઝીટમાં જમા કરાવી દીધા. ચાંદની અઢાર વર્ષની થશે, ત્યારે તેને આ ચાર હજારના આડત્રીસ હજાર રૂપિયા મળશે! સમયસર ઓફિસે પહોંચવા માટે તે હવે ઘેરથી પાંચ મિનિટ વહેલો નીકળે છે. માણસને ખુશ રહેવું હોય તો ઢગલાબંધ ઉપાયો છે!’

‘તારી વાત સાચી છે, રૂપા...પરંતુ માણસ ઉપર જોવાની જ પ્રગતિ સાધી શકે છે! જો આપણે આપણાથી ઉપરના સ્તરના લોકો સામે ન જોઈએ તો આપણામાં પ્રગતિ કરવાનો ઉત્સાહ કેવી રીત આવશે?’ કંચને તર્કભર્યા અવાજે પૂછ્યું, ‘માણસ આશામાં જ જીવે ને મૃત્યુ પામે છે...! આશા અમર છે...!’

‘કંચન...!’ રૂપા સ્મિત ફરકાવતાં બોલી, ‘ગરીબ કુટુંબમાં જન્મીને જે માણસો ઈમાનદારીપૂર્વક પૈસાદાર બન્યા છે, તેમને આંગળીના વેઢે ગણાવી શકાય! લાખ માણસોમાં એકાદ માણસ એવા હશે કે જેણે આવી રીતે પ્રગતિ કરી હોય! બાકી તો તું જે પૈસાદારો જુએ છે. એમાંથી મોટા ભાગના એવા છે કે જેમણે પરસેવાનું ટીપું પણ નથી પાડ્યું. કાળાનું ધોળું ને ધોળાનું કાળુ કરીને તેઓ પૈસાદાર બન્યા છે. અથવા તો પછી તેમને બાપ-દાદાનો વારસો મળ્યો છે! જે સાચા પૈસાદારો છે, તેમણે માત્ર પ્રગતિ કરવા ખાતર નહોતી કરી...! તેમને જે કંઈ મળ્યું, એ અનાયાસે જ નથી મળ્યું...! એ મેળવવા માટે તેમને એડી-ચોટીનો પરસેવો પાડવો પાડ્યો હશે. તેમણે પોતાનાથી ઉપરના સ્તરના લોકો સામે નહોતું જોયું....! માત્ર પોતાનાં કામ અને નિર્ણય સાથે જ નિસ્બત રાખી હતી...! તેમણે અગાઉથી જ એક લક્ષ્યાંક નક્કી કરી રાખ્યું હતું અને આ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે તેઓ દિવસ-રાત ટાઢ-તડકો કે વરસાદની પરવાહ કર્યા વગર લગાતાર મહેનત કરતાં જતાં હતાં. તેમની મહેનતનું ફળ તેમને મળ્યું છે! તેઓ પોતાનું લક્ષ્યાંક સિદ્ધ કરી શક્યા છે! જિંદગીનો લક્ષ્યાંક ધીમી ગતિએ જ સિદ્ધ થાય છે! એક જ કુદકે પ્રગતિના શિખર પર પહોંચેલો માણસ, આટલી જ ઝડપથી પાછો નીચે પછડાય છે...! અને કદાચ ન પછડાય તો તેને આપણે નસીબનો બળીયો ગણવો જોઈએ. અને દરેક માણસ કંઈ આવો બળીયો નથી હોતો.

‘પરંતુ આપણે પણ પૈસાદાર બની શકીએ તેમ નથી એવું તું શા માટે વિચારે છે?’

‘તું હજી પણ નથી સમજી...?’

‘ના...’

‘તો સાંભળ...આપણને એક એવી જમીન મળી છે, કે જેના પર જિંદગી જીવવા માટેની જરૂરિયાતો પૂરી થઈ શકે , એટલી જ મહેનત રંગ લાવે છે! પહાર પર ખેતી કરી શકાય છે પણ બગીચા નથી ઉગાડી શકતા...! દ્રાક્ષનો વેલાઓ ઊભી નથી કરી શકતા!’

‘ના...તારી આ દલીલ મારે ગળે નથી ઉતરતી!’

‘કેમ...?’

‘માણસ જો પોતાની મગજ શક્તિથી કામ કરે...ઈચ્છાઓને છૂટો દોર આપી દે, તો તે જરૂર પોતાનું લક્ષ્યાંક સિદ્ધ કરી શકે છે! દુનિયાની કોઈ તાકાત તેને પોતાનું લક્ષ્યાંક સિદ્ધ કરતાં નથી અટકાવી શકતી!’ કંચન ગંભીર અવાજે બોલી.

‘તેં કહ્યું તેમ મગજ શક્તિને કામે લગાડીને માણસ જરૂર પૈસાદાર થઈ શકે તેમ છે! પરંતુ આ રીતે પૈસાદાર થવા માટે તેને શું કરવું પડે છે એની તને ખબર છે?’

કંચન નકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘તો સાંભળ, આ રીતે પૈસાદાર થવા માટે પોતાના અંતરના અવાજનું ગળું દબાવવું પડે છે! કારણ તે મગજ અને મન, આ બંનેનો તાલમેલ ક્યારેય નથી જામતો! મગજ કોઈ કામ માટે હા પાડતું હોય તો, મન એ કામ કરવા માટે ના પાડે છે. બંને એકબીજાના વિરોધી છે! અને આવું તો, જે માણસને ગુનાના માર્ગે જવું હોય, એ જ માણસ કરી શકે છે! આત્માના અવાજને ન માનનાર માણસ પણ ગુનેગાર જ ગણાય છે! ગુનેગાર જ્યાં સુધી ન પકડાય, ત્યાં સુધી જ તે ભ્રામક જિંદગી જીવી શકે છે. ગુનાનો આશરો લઈને મેળવેલું ધન એ માણસને લોહીના આંસુએ રડાવે છે! એ ધન લાકડાની એ હાંડલી સમાન છે કંચન, કે જેને છેવટે તો સળગીને રાખમાં જ પલટાઈ જવાનું છે! સંતોષથી મોટું ધન આ દુનિયામાં બીજું કોઈ નથી. જેણે સંતોષ મેળવ્યો, માની લે કે એણે જિંદગીમાં સુખી રહેવાનો મંત્ર મેળવી લીધો છે. સંતોષરૂપી મંત્ર સાધનાથી એ સુખાકારી જિંદગી પસાર કરી શકે છે. થાળીમાં પડેલી રોટલીને ભૂલીને બત્રીસ જાતનાં ભોજનની કલ્પના કરતો માણસ રોટલીનું સુખ પણ નથી માણી શકતો...! તેની થાળીમાંથી રોટલી પણ કોઈક લઈ જાય છે, અને જ્યારે તે કલ્પનામાંથી બહાર આવીને રોટલીનું સુખ ગુમાવે છે, ત્યારે તેને ભૂખ્યા રહેવું પડે છે. માણસે પછેડી તેટલી સોડ તાણવી જોઈએ એમ હું તો માનું છું. માણસ પાસે જો લાખો રૂપાયા હોય, પરંતુ સંતોષ નામની ચીજ ન હોય તો એ ક્યારેય સુખી નથી થઈ શકતો. આપણને જે કંઈ મળે છે, તેમાં સંતોષ માનીને તેનો પૂરેપૂરો આનંદ મળવો જોઈએ. આ મારો જ દાખલો લે...! હું કોલગર્લ હતી...! હવે મેં કોઈ પૈસાદાર કુટુંબમાં પરણવાની ઈચ્છા રાખી હોત, તો મારી આ ઈચ્છા ફળીભૂત થાત ખરી? અને કદાચ થાય તો પણ હું પરણું ખરા? આજે હું સૌને અંધારામાં રાખીને લગ્ન કરી લઉં, અને ભવિષ્યમાં જો મારા ભૂતકાળ વિશે તેમને જાણ થાય તો...? એ વખતે મારી શી ગતિ થાય...? એ લોકો મને સળગાવીને મારી નાંખે અને પછી પૈસા ખવડાવીને મારું મૃત્યુ આકસ્મિક રીતે થયું હતું, એવું જાહેર કરાવી દે! અને આમેય પૈસાદાર કુટુંબમાં પરણવાની મારી હેસિયત ક્યાં હતી? હુ કંઈ ખોટું કરવા નહોતી માંગતી...કોઈ વાત છૂપાવવા નહોતી માગતી...! હવે જો હું સાચી હકીકત જણાવી દઉં, તો મારી સાથે પૈસાદાર કુટુંબનો કોઈ નબીરો લગ્ન કરવા માટે તૈયાર ન થાય...! અલબત્ત, તે મારી સાથે મનોરંજન કરવાના બદલામાં મને પૈસા આપવાની ઓફર જરૂર કરત! પરંતુ તારા લગ્ન થયેલા જોઈને કોમ જાણે કેમ મારી આખી વિચારધારા જ બદલાઈ ગઈ! પૈસા મારે મત મહત્વહિન વસ્તુ બની ગયો. પૈસો અને પૈસાદારો આ બંને પ્રત્યે મને સખત નફરત થઈ ગઈ. સાંભળ, જેં આપણા વાણીયા, બ્રાહ્મણની જાત હોય છે, તેમ આ પૈસાદારોની પણ એક અલગ જ જાત હોય છે! તેઓ કદાપિ કોઈના થયા નથી અને થવાના પણ નથી. પોતે પૈસાથી બધી વસ્તુઓ ખરીદી શકે છે, એવાં બણગાં ફૂંકતા હોય છે. પરંતુ જ્યારે આ પૈસા વડે તેઓ આત્મિક સુખ ખરીદવા જાય છે ત્યારે તેમને નિરાશ થવું પડે છે! કારણ કે આત્મિક સુખ બજારમાં ક્યાંયય વેંચાતુ નથી મળતું. એક સરસ ઉદાહરણ આપું છું. સાંભળ...કોઈ પૈસાદાર શેઠ પોતાની કારમાં બેસીને ઓફિસે જતો હોય...રસ્તામાં એક ભિખારીને જોઈને તે કાર ઊભી રાખી, નીચે ઉતરીને, એ ભિખારીને શાનદાર હોટલે લઈ જઈને જમાડે...જમાડ્યા પછી, તેને દસ-વીસ રૂપિયા રોકડા આપે અને પછી ચૂપચાપ પોતાના કારમાં બેસીને ચાલ્યો જાય! હવે આમાં એ શેઠનો શું સ્વાર્થ સધાયો એ તું કહી શકીશ?’

‘ના...પરંતુ આમાં વળી એનો શું સ્વાર્થ હોઈ શકે છે...?’

‘એનો સ્વાર્થ તો બહું મોટો હતો...!’

‘શું...?’

‘એનો સ્વાર્થ હતો આત્મિક સુખ મેળવવાનો..! એક ભૂખ્યા માણસને જમાડ્યાનું આત્મિક સુખ એણે મેળવ્યું હતું.’

‘ઓહ...’ કંચન બબડી.

રૂપાની વિચારસરણી જોઈને તે આશ્વર્યચક્તિ થઈ ગઈ હતી.

ત્યારબાદ એ કંઈ કહે, તે પહેલાં જ અમર આવી પહોંચ્યો.

એના હાથમાં બે પેકેટ હતાં.

‘ગરમ ગરમ જલેબી અને કચોરી લાવ્યો છું, બનવાની રાહ જોવામાં મોડું થઈ ગયું...! તારી બહેન ક્યાંક જતી રહી હશે એવો ડર મને લાગતો હતો.’ એણે બંને પેકેટને ટેબલ પર મૂક્તાં કહ્યું.

સહસા રાજુ ઊઠી ગયો.

અમરે તેને તેડી લીધો.

‘તમે, તમારા ભાવિજમાઈને તેડી લીધો છે...!’ રૂપા સ્મિત ફરકાવતાં બોલી.

‘ઓહ...તો અત્યારથી સંબંધો પણ નક્કી કરી નાખ્યા એમ ને? કમાલ કહેવાય! તમારી અક્કલ ક્યારે ય ઠેકાણે નહીં જ આવે...! હવે બાળલગ્નનો જમાનો નથી રહ્યો! અગાઉના વખતમાં તો એમ કહેવાતું કે ભાઈ, જો અમારે પુત્ર અને તમારે ત્યાં પુત્રીનો જન્મ થશે, આપણે તેમનાં લગ્ન કરી નાખીશું...! પરંતુ હવે એ યુગ આથમી ગયો છે.’

અમરની વાત સાંભળીને બંને હસી પડ્યા.

‘પરંતુ મોટે ભાગે શું બનતું એની તમને ખબર છે?’

‘ના...’

‘બંનેને ત્યાં કાં તો પુત્રી અથવા તો પુત્રનો જ જન્મ થતો!’

આ વાત સાંભળીને બંને ફરીથી ખડખડાટ હસી પડ્યા.

ત્યારબાદ કંચન અડધા કલાક સુધી રૂપાને ત્યાં રોકાઈ.

અમર અને રૂપાએ તેને એક ટેક્સીમાં બેસાડી દીધી. અમરે તો છેક તેના ઘેર સુધી મૂકી જવાનો આગ્રહ કર્યો હતો.

પરંતુ કંચન વિવેકથી તેને ના પાડી દીધી. કારણ કે ઘેર શું ચાલતું હશે એની તેને ખબર નહોતી.

કંઈ અજુગતું બન્યાની આશંકાથી એના ધબકારા વધી ગયા હતા.

છેવટે ટેક્સી તેના મકાન સામે પહોંચીને ઊભી રહી.

એણે જોયું તો મકાનની બધી લાઈટો બુઝાયેલી હતી.

ભાડું ચુકવીને તે લથડતા પગે મકાન તરફ આગળ વધી.

રાજુ થાકીને ફરીથી સૂઈ ગયો હતો.

દ્વાર પર તાળું નહોતું એ જોઈને તેનું આશ્વર્ય બેવડાયું.

વિનોદ ઘરમાં મોજુદ છે તો પછી લાઈટ કેમ ચાલુ નથી? અને એમ મોઝુગ ન હોય તો બારણા પર તાળું શા માટે મારેલું નથી?

‘વિનોદ...સૂઈ ગયો છે કે શું...?’ એણે ધીમેથી બૂમ પાડી.

પરંતુ કોઈ જવાબ ન મળ્યો. ઘરમાં કોઈ હોય એવું લાગતું જ નહોતું.

એણે બત્તી ચાલુ કરી.

ડ્રોઈંગરૂમ ખાલી હતો. તેમાં કોઈ જ નહોતું.

એ શયનખંડમાં પહોંચી.

એણે કંપતા હાથે સ્વીચ ઓન કરી. વળતી જ પળે ત્યાં ટ્યુબ લાઈટનું અજવાળું પથરાઈ ગયું.

પરંતુ એ અજવાળાએ કંચચની જિંદગીમાં અંધકાર પાથરી દીધો.

ડબલ બેડ પર વિનોદનો લોહીથી ખરડાયેલો દેહ પડ્યો હતો.

કંચનના મોંમાંથી દબાતી-ઘૂંટાતી ચીસ કરી પડી.

એના દિમાગમાં હથોડાની માફક એક સવાલ ઝીંકાયો.

-શું મધુકરે વિનોદનું ખૂન કરી નાખ્યું છે?

અચાનક વિનોદના ગળામાંથી ચિત્કાર નીકળ્યો.

એ ઝડપથી તેના તરફ આગળ વધી.

એણે રાજુને પલંગના એક ખૂણામાં સૂવડાવી દીધો.

‘કં...કંચન...!’ વિનોદના મોંમાંથી ધ્રુજતો અવાજ નીકળ્યો.

‘હા, વિનોદ...હું કંચન જ છું...! આ...આ તેને શું થયું...? તારી આ હાલત કોણ કરી...?’

‘મ...મધુકરે...!’

‘મધુકરે?’ એ કંપતા અવાજે બોલી, ‘હું ડૉક્ટરને તેડી લાવું છું...! હું...હું તને મરવા નહીં દઉં...!’

‘ના કંચન...હવે હું નહીં બચી શકું...!’ વિનોદ ધુજતા સાદે કહ્યું, ‘અંતિમ સમયે તારી સાથે થોડી વાતો કરી શકું, એટલા માટે જ કદાચ ભગવાને અત્યાર સુધી મને જીવતો રાખ્યો છે.’

‘તને કંઈ થાય વિનોદ... હું ડૉક્ટરને...’

‘ના...!’ વિનોદના અવાજમાં વિરોધનો સૂર હતો, મારા શ્વાસની દોરી તૂટવાની તૈયારીમાં જ છે! થોડી વારમાં અહીં, મારી પાસે જ બેસ...! હું જે કહું, તે ધ્યાનથી સાંભળ...! મેં તારાથી ખાનગી રાખીને બે લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો હતો. વીમા કંપની પાસેથી તને બે લાખ રૂપિયા મળી જશે. બે લાખ રૂપિયા મારી જૂની બ્રીફકેસમાં પડ્યાં છે. મારા મૃત્યુ પછી રાજુને ભણાવી-ગણાવીને સારો અને ઈમાનદાર માણસ બનાવજે કંચન...! તારે પૈસા જોઈતા હતા ને...? ભગવાને આજે તારું સપનું પૂરું કરી દીધું છે. કંચન...મધુકરે મને બધું જ જણાવી દીધું છે. તું એને પ્રેમ કરે છે...! મધુકરે મારા સંસારમાં આગ લગાવી અને તને બરબાદીના પંથે ધકેલી દીધી. એણે મને તારી અશ્લિલ ફોટાઓ પણ બતાવ્યા હતા કે જે જોઈને કોઈ પણ પતિ પોતાની પત્નીને માફ ન કરે...! પરંતુ હું તને માફ કરી દઉં છું કંચન! તને ફોસલાવવામાં આવી હતી, તારી આંખો પર લાલચરૂપી પાટા બાંધી દેવામાં આવ્યા હતા. એની મને ખબર છે. પરંતુ તેમ છતાં ય તારી ઈચ્છા હોય તો તું ખુશીથી મધુકર સાથે લગ્ન કરી શકે છે. કદાચ રાજુને બાપની કમી નહીં લાગે! મેં તને ખરા હ્લદયથી પ્રેમ કર્યો હતો. પરંતુ મારા પ્રેમમાં જ કોઈક કમી હતી. હું તને પત્ની બનાવ્ય પછી પણ મારી નથી બનાવી શક્યો. મને માર કરી દે કંચન...! હું તારી ઈચ્છાઓ પૂરી ન કરી શક્યો...! તારે બીજાનો આશરો લેવો પડ્યો...!’

‘વિનોદ...!’ કહેતાં કહેતાં કંચનની આંખોમાં આંસુ ધસી આવ્યાં.

‘મારા જીવનવીમાની પોલીસીના કાગળો પણ બે લાખ રૂપિયા ભરેલી બ્રીફકેસમાં જ છે! રાજુનું ધ્યાન રાખજે કંચન! એને સારો માણસ બનાવજે...આ મારી અંતિમ ઈચ્છા છે...! હવે... હવે... હું.... હું જ... જઉં... છ...છું...!’

વળતી જ પળે વિનોદની ગરદન એક તરફ નમી ગઈ.

એની ખુલ્લી ફટાક નિર્જીવ આંખો છત તરફ જડાઈ ગઈ.

કંચને કાળજું કઠણ કરીને તેની આંખો બંધ કરી દીધી.

ત્યારબાદ એણે કરમ ભરેલી બ્રીફકેસ શોધી કાઢી.

પછી એક હાથમાં બ્રીફકેસ અને એક હાથમાં રાજુને તેડીને તે દ્વાર તરફ આગળ વધી ગઈ.

અહીં રોકાવામાં હવે સોએ સો ટકાનું જોખમ છે, એ વાત તે જાણતી હતી.

વિનોદના મોતે અંદરખાનેથી તેને હચમચાવી મૂકી હતી.

પરંતુ પોતાનો પ્રેમી મધુકર પોતાને જરૂર મળી જશે એની તેને ખાતરી હતી.

પતિ અને પ્રેમી...!

એને માટે ત્રાજવાનાં બંને પલ્લાં પર પ્રેમીનું પલ્લું વધુ ભારે હતું. કારણ કે પ્રેમીના પલ્લા પર પૈસા અને ઈચ્છાઓની માયાજાળને ભાર હતો.

અને કંચન આ ઈચ્છાઓ જ પૂર કરવા મથતી હતી.

સંતોષ નામની કોઈ ચીજ તેને યાદ નહોતી.

રૂપાએ આપેલી દરેક શિખામણોને તે ભૂલી ગઈ હતી.

એના પગ નજીકના ટેક્સી-સ્ટેન્ડ તરફ આગળ વધતા હતા.

***

રેટ કરો અને રિવ્યુ આપો

GIRISH AHIR

GIRISH AHIR 6 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 11 માસ પહેલા

Rupal Patel

Rupal Patel 2 વર્ષ પહેલા

Kaushik Shah

Kaushik Shah 2 વર્ષ પહેલા

Ghananjay

Ghananjay 2 વર્ષ પહેલા