Pranaynu Pragaty - 5 books and stories free download online pdf in Gujarati

પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-5



પ્રણયનું પ્રાગટ્ય
ભાગ- 5


બિપીન એન પટેલ
(વાલુડો) 





અનુક્રમણિકા

હ્રદય દ્વાર
હ્રદયની વ્યથા
ક્યાં કોઈ વ્યવહાર હતો 
તારી અનુભૂતિ
તો એ કેમ શક્ય બને? 
પિયુની યાદને સમાવી છે
પ્રણયની કોઈ રીત નથી
વાતોના વાવેતર
ભીંજાતું બદન
મોંઘેરી મિત્રતા





હ્રદય દ્વાર

વસાવી તમારા દીલમાં હવે આમ તરછોડો નહી, 
વરસાવી તમારો પ્રેમ હવે આમ તડપાવશો નહી. 
તમારા દરેક શબ્દથી ચાલે છે આ દીલની ધડકન, 
તમારા શબ્દોને મૌન કરી આમ અજમાવશો નહી.
નીખરે છે મારુ અસીમ સૌંદર્ય તમારા હાસ્યથી,
હવે મુખ ફેરવી તમારુ, આ રૂપને મુરઝાવશો નહી.
તરસી રહી છે આંખો, તમારી ક્ષણીક ઝલક માટે,
આમ અંતર બનાવી હવે આંખોને તરસાવો નહી.
તન મન મથી રહ્યુ છે પામવા તમારા અસ્તિત્વને,
બંદ કરી હ્રદયના દ્વાર, આ વાલુડાને મારશો નહી.



હ્રદયની વ્યથા

હવે ધડકનો પણ ધીમી પડી રહી છે, 
આમ વારે વારે તને કેટલી ફરીયાદ કરુ.
હવે તો સ્વપ્ન પુરતી જ આવે છે તું,
પણ દિવસને રાતમાં તબદીલ કેમ કરુ.
યાદોના સહારે જ જીવી રહ્યો છુ હું, 
પણ એ યાદોને હવે બરકરાર કેમ કરુ,
સંદેશા ઓછા ને હવે તો બંધ થયા છે,
એટલુ તો બોલ, ઈંતજાર ક્યા સુધી કરુ. 
હવે તો 'વાલુડા'ની મનોસ્થિતીને સમજ, 
કે હ્રદયની વ્યથાને શાંત કેવી રીતે કરુ.




ક્યાં કોઈ વ્યવહાર હતો 

વણસર્જેલા સંબંધોના સમીકરણો રચાતા ગયા
નહીતર આમ ક્યા કોઈ સંબંધ હતો આપણી વચ્ચે,
અજાણતા વાતચીતના તાંતણે બંધાતા ગયા
બાકી ક્યાં શબ્દનો કોઈ વ્યવહાર હતો આપણી વચ્ચે
અંદાજ જ ના રહ્યો કે સમય આપતા થઈ ગયા,
આમ ક્યાં બોલવાનો વ્યવહાર હતો આપણી વચ્ચે
લાગણીઓ રેલાવા લાગી ને મન ભીંજાતા ગયા
પહેલા ક્યા વરસવાનો વ્યવહાર હતો આપણી વચ્ચે
વાલુડાના વ્હાલ ભરેલા શબ્દોમાં  સર્જાતા ગયા
અગાઉ ક્યાં લખવાનો વ્યવહાર હતો આપણી વચ્ચે 




તારી અનુભૂતિ

સાત સમુદ્ર સફર કરી ને ખારા જળને ખુંદી વળ્યો,
હલેસા કેવા? તારી અનુભૂતિથી જ આંબી ગયો! 
જંગલોમાં જોજન ભટક્યો, રસ્તાઓ ખૂંદી વળ્યો,
નકશાઓ કેવા? તારા ઉચ્છવાસ જ પારખી ગયો!
વંટોળિયા સાથે બાથ ભીડી રણની રેતી ખૂંદી વળ્યો,
રસ્તાઓ કેવા? તારા પગલે પગલે પહોચી ગયો! 
ખાબડ ખૂબડ શેરીઓ સાથે ડુંગરાઓ ખૂંદી વળ્યો,
વનેચર કેવા? તારી હિંમતના સહારે પાર કરી ગયો!
વાલુડાની વાટ પકડી સંસાર સાગરને ખૂંદી વળ્યો,
નિરાધાર કેવો? હું તો માત્ર તારા આધારે તરી ગયો!




તો એ કેમ શક્ય બને? 

તારે ફોરમ લેવી છે એ મસ્ત લહેરાતા ફુલોની, 
પણ તું બગીચે ન આવે તો એ કેમ શક્ય બને!
તારે ભીજાવું છે અવિરત વરસતા વરસાદમાં
પણ તું છત્રી ન ત્યજે તો એ કેમ શક્ય બને!
તારે સમાવુ છે આ ફેલાયેલી બાહોપાસમાં,
પણ તું નજીક ન આવે તો એ કેમ શક્ય બને!
તારે માણવો છે આ સુંદર હુંફાળો અહેસાસ,
પણ તું પાસે જ ન આવે તો એ કેમ શક્ય બને!
તારે પામવી છે 'વાલુડા'ની નાજુક લાગણીઓ,
પણ તું મર્યાદા જ ન મેલે તો એ કેમ શક્ય બને!



પિયુની યાદને સમાવી છે

સેથીના સિંદુરમાં ને આંખોના કાજળમાં,
હૈયાના હારમાં પિયુની યાદને સમાવી છે
એની આસપાસ મારી સ્રૃષ્ટિને સજાવી છે
બંગડીના ખનકારમાં ને ઝાંઝરના ઝનકારમાં
રૂમઝુમ ચાલમાં પિયુની યાદને સમાવી છે.
એની આસપાસ મારી સ્રૃષ્ટિને સજાવી છે
બંધાતી ઝુલ્ફોમાં ને તન મનના શણગારમાં
લહેરાતી ચુંદડીમાં પિયુની યાદને સમાવી છે
એની આસપાસ મારી સ્રૃષ્ટિને સજાવી છે
અણીયારી આંખોમાં ને મલકાતા અધરોમાં
ગુંજતા ગીતમાં વાલુડાની યાદને સમાવી છે.
એની આસપાસ મારી સ્રૃષ્ટિને સજાવી છે





પ્રણયની કોઈ રીત નથી

પ્રણયને ક્યાં કોઈ રીત છે, હંમેશા એની જ જીત છે!
મકાનોમાં હોય એ, બે હ્રદય વચ્ચે ક્યાં કોઈ ભીત છે! 
તરકીબો ભલેને અજમાવે એ, પામવાની એકબીજાને,
બસ, પ્રમાણિકતાથી નીભાવે એજ તો સાચી રીત છે!
બંધન ક્યાં હોય છે,આ હ્રદયથી સર્જાયેલા સંબંધોમાં
છતા ૠણાનુબંધથી જોડાઈ, ન છુટવાની તો રીત છે!
તારું મારું છુટી જાય ને પછી થઈ જાય છે 'આપણું',
વ્યવહાર સ્વીકારી એકમેક, અપનાવાની તો જીદ છે! 
પ્રણય નિભાવે છે પ્રેમીયો, સ્વિકારી અંદાજ આગવો,
પણ વાલુડાની રીત જુદી ને એથી ન્યારી એની પ્રિત છે!

વાતોના વાવેતર

વાતોના થયા વાવેતર ને વરશી પડ્યો વ્હાલ, 
નીતરતી આ લાગણીને મળી ગયો આધાર, 
વિસ્તાર પામી વાતો ને નીતર્યો હ્રદયનો ભાર
અેકમેકના દુઃખો જાણે વરસ્યા અનરાધાર.
સમજણના સથવારા થયા ખુલ્યા મનના દ્વાર
હળવા થયેલા હૈયામાં મોકળાશ મળી અપાર.
સુખ દુઃખો વહેચાયા ને પામ્યા સંબંધનો સાર,
નિરાશ થયેલા જીવનમાં મળ્યો નવો આધાર. 
અહેસાસ પામ્યા પરસ્પર ને મળ્યા ઉરના તાર,
'વાલુડા'નો સાથ મળ્યો ને મહેકી ઉઠ્યો સંસાર.



ભીંજાતું બદન

ભીંજાતા વસ્ત્રો  અને ભીંજાતું તન-મન,
જાણે વર્ષાનાં શણગારે શોભતું આ બદન.
મારા મનના મનોરથોને ચોમેરથી લીંપતું,
ને મારા હુંફાળા સ્પર્શને આકર્ષે આ બદન.
નયન વાટે ઉતરી ને અંગે અંગ સમાતું, ને
મારા રોમ રોમ પ્રણયને સ્ફુરતું આ બદન.
તારી ભીંજાતી ઝુલ્ફોના બુંદોમાં ટપકતું,
જાણે પથ પર બુંદ બુંદ વેરાતું આ બદન
તારા વિરહને વસમું બનાવી દઝાડતું, ને
'વાલુડા'ની કલ્પનાએ ઘડાતું આ બદન.




મોંઘેરી મિત્રતા

ભાવ ભરેલી ભાઈબંધી ને ભાગ્યથી મળેલો સાથ છે,
અેકલપંથી મૂસાફરી, પણ મધથી મીઠો અહેસાસ છે.

પ્રગટ કરી હ્રદયની લાગણી,ને કંઈક અંગત ઉલેચ્યા છે,
સાન ભાન ભૂલી સમયનું ને ઉરના દરવાજા ખોલ્યા છે.

અંગત બનીને આવ્યા છે ને અમે હ્રદયમાં સમાવ્યા છે,
વાતચીતના વ્યવહારમાં પણ અમે એકમેકને પામ્યા છે.

શબ્દોનાં આ મેળામાં ક્યાંક મતભેદો પણ આવ્યાં છે.
ખુલાસાની હારમાળામાં પણ ફરી સંબંધો સ્થપાયા છે,

ગાઢ બનતા આ સંબંધોમાં, મનના મનોરથ વાવ્યા છે,
વાલુડાને મન આ મિત્રતામાં મોંઘેરા સંબંધો પામ્યા છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED