ટેક્નોલોજી ની ઉપયોગીતા Pranav Kava દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટેક્નોલોજી ની ઉપયોગીતા

# શું છે ટેક્નોલોજી ? શા માટે ટેક્નોલોજી ?

આપણા વ્યાવહારિક જીવનમાં દરેક સમસ્યાઓને સરળ બનાવતી વૈજ્ઞાનિક વસ્તુ એટલે ટેક્નોલોજી.

રોજબરોજના વ્યાવહારિક કામકાજને ખુબજ સહેલાઈથી ઉકેલવાની રીત એટલે ટેક્નોલોજી.

કોમ્પ્લેક્સિટી થી ઇઝી જવાનો માર્ગ એટલે ટેક્નોલોજી.

ટેક્નોલોજીના ઉપયોગ/વપરાશથી રોજબરોજ ની ક્રિયાઓ ઝડપી બને છે સાથે જ ટેક્નોલોજીના ઉપયોગથી ધારેલ કામને ઝડપી બનાવી અને સરળતાથી ઉકેલી શકાય છે.

આજના યુગમાં એકબીજાના સતત સંપર્કમાં રહેવા ટેક્નોલોજી ઘણી ઉપયોગી બની રહી છે.

# ટેક્નોલોજીની આવશ્યકતા ?

ઘણી બધી બાબતોમાં ટેક્નોલોજીની આવશ્યકતા રહેલી છે જેમ કે, મોબાઈલ દ્વારા એકબીજાને ઝડપથી સંપર્ક કરી શકાય છે. પૃથ્વીના આ ખૂણેથી પેલા ખૂણા સુધીના માણસનો સંપર્ક વિડિઓ કોલ દ્વારા કરવા, ડિજિટલી એકબીજાને વસ્તુ મોકલવા, ટ્રાવેલિંગમાં, ખાણીપીણીમાં , ટેલિવિઝન દ્વારા સમાચારો મોકલવા, ઑટોમોબાઇલ, બેન્કિંગ આવા દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીની ભરપૂર આવશ્યકતા રહેલી છે.

# ટેક્નોલોજીનું ક્ષેત્ર ? ક્યાં સુધી પ્રસરી છે ટેક્નોલોજી ?

ટેક્નોલોજીનું ક્ષેત્ર ખુબજ વ્યાપક છે આને કહીએ તો પૃથ્વીથી અંતરિક્ષ સુધી વિસ્તરેલું આ ટેક્નોલોજીનું ક્ષેત્ર છે.

વિશ્વના ખૂણે ખૂણે સુધી ટેક્નોલોજી વિકસી છે. અને ટેક્નોલોજીનું ક્ષેત્ર લઈએ તો નાની એવી મોબાઈલ ડિવાઇસથી લઈને મંગળયાન સુધી પ્રસરી રહેલી છે.

માઇક્રો ડિવાઇસથી લઈને એરોપ્લેન સુધીની દરેક વસ્તુઓમાં ટેક્નોલોજીનો ભરપૂર રીતે ઉપયોગ કરી અને ખુબજ મોટો વ્યાપ જોવા મળી રહ્યો છે.

# ટેક્નોલોજીનું કવરેજ ?

ટેક્નોલોજીનું કવરેજ વર્લ્ડ વાઈડ છે. જયારે કોઈ નાનકડા મેસેજને દુનિયાના દરેક લોકોના કાન સુધી પહોંચાડવો હોય તો ગણતરીની મિનિટોમાં એ મેસેજ ટેક્નોલોજીના માધ્યમથી સહેલાઈથી પહોંચાડી શકાય છે.

આજે હવામાન વિભાગ દ્વારા સેટેલાઇટથી પરીક્ષણ કરી અને વિશ્વના ક્યાં દેશમાં, ક્યાં વિસ્તારમાં, કેવું હવામાન છે આગળ પણ કેવું હવામાન રહેશે તે તસ્વીરો દ્વારા માપી શકાય છે એ પણ ટેક્નોલોજીનો જ એક ફાળો છે.

આમ, ટેક્નોલોજીનું કવરેજ એ દુનિયાના કણ કણ સુધી વિસ્તરેલું છે.

# ટેક્નોલોજી કેટલી ઉપયોગી ? એના ફાયદાઓ ?

આજે સવારથી લઈને પુરા દિવસમાં હર પળે ક્યાંક અને કોઈ ક્ષણે આપણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ જ છીએ.

ઉદાહરણ તરીકે, મોબાઈલ. આજે મોબાઈલ ડીવાઈસ એ દરેક વ્યક્તિઓ પાસે જોવા મળે છે. કેમ કે એ ડિવાઇસ દ્વારા સૌનો સંપર્ક કરવો, મેસેજ કરવા, વગેરે સહેલાઈથી કરી શકાય છે. મોબાઈલ ના હોય તો વિચારીએ કે સુ પરિસ્થિતિ સર્જાય શકે છે.

ઉદાહરણ રૂપે, ઘરે સોફા પાર બેસીએ અને રિમોટના બટનથી ટીવી ચાલુ કરીએ અને આંગળીના ટેરવે દુનિયાભરની ચેનલો નિહાળી શકીએ છીએ એ ટેક્નોલોજીનો ઉપયોગ બતાવે છે.

ટેક્નોલોજીના ફાયદાઓ જણાવીએ તો દરેક ક્રિયાઓમાં ટેક્નોલોજીના ફાયદાઓ જણાવે છે. ઉદાહરણ રૂપે જણાવીએ તો, કોઈ ગુનેગાર એ સાયબર ક્રાઇમ કરે તો તેને સહેલાઈથી પકડવા માટે ટેક્નોલોજી એ ફાયદાકારક છે.

ઉદાહરણ રૂપે, મોબાઈલ ડિવાઇસમાં રહેલી વિવિધ એપ્લિકેશન દ્વારા વિવિધ પ્રોસેસ ઝડપથી કરી શકાય છે જેમ કે, ઘરે બેઠા ફૂડ -જમવાનું મંગાવવું, ઘરે બેઠા કેબ-વાહન બોલાવવું, ઘરે બેઠા કોઈ કારીગરને બોલાવવો. આમ, સરળ જીવન બન્યું છે એ એક ટેક્નોલોજીનો જ ફાયદો દર્શાવે છે.

# મનોરંજન માટે કેટલી ઉપયોગી ?

જ્યાં સુધી મનોરંજનની વાત આવે છે ત્યારે ટેક્નોલોજીનો મોર્ડન યુગમાં ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.

આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે અને ટેલિવિઝન ક્ષેત્રે એવા મનોરંજન ક્ષેત્રમાં ટેક્નોલોજીનો બહોળો ફાળો રહેલો છે.

અવનવા ગ્રાફિક્સ ડિઝાઇન અને આબેહૂબ વ્યક્તિના ચિત્રો બનાવવા, ડબલ રોલમાં કામ કરવું, ક્યાં અને કેવી રીતે મુવમેન્ટ આપવી આ બધી મનોરંજનની બાબતોમાં ટેક્નોલોજી ઉપયોગી છે.

સાથે મોબાઈલ અને ડેસ્કટોપ ગેમ ને તો કેમ ભુલાઈ. નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ લોકો સુધી ગેમ રમતા જોવા મળે છે એ પણ એક મનોરંજન છે તેમાં ટેક્નોલોજી ખુબ જ સાપેક્ષ નીવડી છે.

# વ્યક્તિત્વ વિકાસમાં ટેક્નોલોજીનો ફાળો કેટલો ?

જયારે ટેક્નોલોજી અને વ્યક્તિત્વ વિકાસ આ બંનેને જોડવામાં આવે ત્યારે ટેક્નોલોજીનું ક્ષેત્ર ખુબ જ ઉપયોગી નીવડ્યું છે.

ટેક્નોલોજીનો ઉપયોગ જયારે વ્યક્તિત્વ વિકાસ કે ઘડતર માં કરવામાં આવે ત્યારે ખુબ જ સમજણ પૂર્વક એ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.

ઉદાહરણ રૂપે, આજે લર્નિગ અને ડેવલોપમેન્ટમાં કમ્પ્યુટર અને મોબાઈલ એ ખુબ જ જરૂરી બની ગયા છે.

જયારે વ્યક્તિત્વ વિકાસ માટે કોઈ સેમિનાર, વર્કશોપ કરવા હોય તો દેશના દરેક નાગરિકને લાઈવ એ કોન્ફરન્સ કરીને બતાવી શકાય છે.

એજ્યુકેશન-શિક્ષણ માં પણ ઘણીં બાબતોમાં ટેક્નોલોજીનો ઉપયોગ જણાય છે. આજે ટેબ્લેટ ડીવાઈસ દ્વારા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે સાથે ઓનલાઇન વિડિઓ દ્વારા યોગા, સંગીત, વગેરે ઘણું બધું એ વ્યક્તિત્વ વિકાસ માટે શીખી શકાય છે.

# કેટલી હદે ટેક્નોલોજી ખતરનાક ?

જેટલો ટેક્નોલોજી વાપરવાનો ફાયદો છે એવી રીતે ખતરનાક પણ છે.

આજે નાના બાળકોથી લઈને યુવાન વર્ગમાં ગેમ-રમત રમવાનું વધારે જોવા મળે છે જે મગજ, આંખ એ સૌને નુકસાન પણ પહોંચાડે છે.

જયારે કોઈ વ્યક્તિ સતત મોબાઈલ અથવા ટેલિવિઝન અથવા કોમ્પ્યુટર સામે બેસી રહે છે ત્યારે તેમાંથી નીકળતા રેડિયો એક્ટિવ તત્વો મગજની બીમારી અને આંખની બીમારી નોતરે છે.

આજે માર્કેટમાં એવી ખતરનાક ગેમ પણ આવી રહી છે જે માણસને આપઘાત કરવા સુધી લઇ જાય છે. ગેમનું વળગણ એ બાળક વર્ગમાં વધુ જોવા મળી રહ્યું છે. તેમજ મોબાઈલ તો આજે દરેક નાના મોટા વર્ગ પાસે જોવા મળે છે પણ એનો સતત ઉપયોગ એ ઘાતક છે અને ખતરનાક બીમારીઓ પણ સર્જે છે.

# સતત અપડેટ રહેવા ટેક્નોલોજી ઉપયોગી ?

આજના આ મોર્ડન યુગમાં સતત અવનવું જાણવા તથા સતત અપડેટ રહેવું જરૂરી છે. તે માટે ટેક્નોલોજી એ ખુબ જ સફળ નીવડી છે.

કોઈ બીજા દેશનો બનેલો બનાવ એ આપણા સીધું માત્ર ગણતરીની મિનિટોમાં પહોંચે છે એ જાણવા આપણે પણ મોબાઈલ, ટેલિવિઝન જેવા ટેક્નોલોજિકલ સંસાધનોથી વાકેફ હોવા જોઈએ.

દુનિયામાં નવું શું ચાલી રહ્યું છે ? માર્કેટમાં શું નવું આવી રહ્યું છે ? આવી અનેક બાબતો આપણને સતત અપડેટ રાખે છે તો એ છે એકમાત્ર આધુનિક ટેક્નોલોજી.

નવું જાણવા, નવું શીખવા માટે પણ ટેક્નોલોજી સાથે તાલ મિલાવતી રહેવી પડે છે ત્યારે જ આજે ગામડાઓ સુધી આપણા દેશમાં ટેક્નોલોજીનો વ્યાપ થતો દેખાઈ રહ્યો છે.

# ટેક્નોલોજીનો સવળો ઉપયોગ અને અવળો ઉપયોગ, ફાયદાઓ અને ગેરફાયદાઓ ?

આગળ આપણે જોયું તેમ ટેક્નોલોજીના દરેક ક્ષેત્રે ફાયદાઓ છે તે પણ શરત માત્ર એજ છે કે જો ટેક્નોલોજીનો સવળો ઉપયોગ કરવામાં આવે તો.

મોબાઈલથી નવું નવું જાણી પણ શકાય છે અને એજ મોબાઈલમાં આવતા ખરાબ વિડિઓ, ફોટાઓ દ્વારા માનવીના વ્યક્તિત્વ વિકાસને રૂંધાવી પણ શકાય છે.

આજના મોર્ડન યુગમાં ઘણા લોકો અવળી રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરતા જણાય છે. જેમ કે કોઈની ગુપ્ત વસ્તુને હેકિંગ કરીને લઇ લેવી, કોઈના બેન્ક એકાઉન્ટમાંથી હેક કરી અને પૈસા લઇ લેવા, કોઈના મોબાઈલ ડેટા એ હેક કરીને ચોરી લેવા આવી અનેક બાબતો છે જો ટેક્નોલોજી નો અવળો ઉપયોગ છે અને એ ગેરફાયદાઓ જણાવે છે.

સાથે સતત કોઈ ડીવાઈસ સાથે એટેચ રહેવું અને એ ડીવાઈસમાંથી નીકળતા રેડિયો એક્ટિવ વિકિરણો એ શરીર માટે ઘાતક રૂપ છે.

માટે ખુબ કે સાવચેત પૂર્વક ટેક્નોલોજીનો ઉપયોગ કરવો એ સવળો માર્ગ છે બાકી સતત ટેક્નોલોજીનું વળગણ એ અવળો માર્ગ છે જે ગેરફાયદો છે.

# ટેક્નોલોજીના જુદા જુદા માધ્યમો અને ટેક્નોલોજી વિશેની અવેરનેસ ફેલાવવા શું જરૂરી ?

ટેક્નોલોજીના માધ્યમો જેવા કે માહિતી પ્રસારણ માટે, ઑટોમોબાઇલ ક્ષેત્રે, ટેલિકોમ ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, વ્યાપાર ક્ષેત્રે, મુસાફરી ક્ષેત્રે, ફાઇનાન્સિયલ ક્ષેત્રે, વગેરે અનેક માધ્યમો છે જેમાં ટેક્નોલોજી નો ઉપયોગ થાય છે.

આજે ટેક્નોલોજી વિશેની અવેરનેસ ફેલાવવા માટે શહેરમાં અને ગામડાઓમાં એવા લીડર ની જરૂર છે જે ઉપયોગી ટેક્નોલોજી માણસો સુધી પહોંચાડી શકે. એવી ઝુંબેશની જરૂર છે જે માણસોને જરૂરી ટેક્નોલોજી નું જ્ઞાન આપી શકે.

આજે આપણા દેશમાં પ્રધાનમંત્રી એ દર મહિનાના અંતમાં છેલ્લા રવિવારે 'મન કી બાત' માં સમગ્ર દેશના વિવિધ વર્ગના માણસો સાથે જોડાઈ અને દેશભરમાં બનેલી વિવિધ માહિતીઓ જણાવે છે અને આગામી કાર્યક્રમ પણ જણાવે છે તથા દેશના ખૂણે ખૂણે વસતા લોકોના પ્રશ્નો સાંભળે છે અને તેનું નિરાકરણ પણ કરે છે. એજ ટેક્નોલોજી પ્રત્યેની અવેરનેસ છે જે દેશના દરેક નાગરિક સુધી પહોંચે છે.

# આજે આપણું ભારત ટેક્નોલોજી ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે ?

આપણા દેશના પ્રધાનમંત્રી આજે 'ડિજિટલ ઇન્ડિયા' ના માધ્યમ દ્વારા અવનવી ટેક્નોલોજી ને સતત આગળ ધપાવી રહ્યા છે.

દરેક ક્ષેત્ર માં ટેક્નોલોજી નો વિકાસ કરવા તથા આપણા દેશના દરેક નાગરિકોને એમાં કામ કરવાની તક આપવા બીજા દેશોના નાગરિકો અહીં દેશમાં પોતાના પ્લાન્ટ, કંપનીઓ સ્થાપી રહ્યા છે.

આજે આપણા દેશમાં 'ડિજિટલ ઇન્ડિયા' ના માધ્યમથી સમગ્ર દેશમાં ટેક્નોલોજી ખુબ જ વ્યાપક બની છે. રોજગાર પણ સૌને સારી રીતે મળી રહ્યો છે અને બેન્ક ના ખાતા થી લઈને ટેક્સ ભરવાથી લઈને મિસાઈલ સુધી ‘ડિજિટલ ઇન્ડિયા’ ના માધ્યમથી દેશ હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે.

# અંતમાં, ટેક્નોલોજી કેટલી, ક્યાં અને કઈ રીતે વાપરવી ?

આપણે આગળ ટેક્નોલોજી વિષે બધું જ જાણ્યું, હવે ટેક્નોલોજી ની જરૂર હોય એટલી અને પોતાના ક્ષેત્ર માં ટેક્નોલોજી ની ક્યાં જરૂર છે, આ ટેક્નોલોજી વાપરવાથી હું શું આગળ પ્રગતિ કરી શકીશ એના ફાયદાઓ વિચારીને તથા પોતે કામ કરતા ક્ષેત્ર માં આગળ વધવા ટેક્નોલોજી વાપરવી.

ટેક્નોલોજી ને સાચી દિશામાં વાપરવાથી વરદાન રૂપ બને છે નહિ તો શાપ રૂપ પણ બને છે.

તો મિત્રો, આજે માર્કેટમાં ટેક્નોલોજી ખુબ ઝડપથી આગળ વધી રહી છે આપણે પણ ખુબ સમજણપૂર્વક એ ટેક્નોલોજી અપનાવીએ અને એ સરળ માર્ગ તરફ પ્રયાણ કરીએ.