નસીબ ના ખેલ... - 13 પારૂલ ઠક્કર... યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ ના ખેલ... - 13

 રોજિંદી રસોઈ શીખી લીધા બાદ હવે હંસાબેન ધરા ને થોડું ફરસાણ શીખવવા માંગતા હતા... ધરા ને ગાંઠિયા શીખવાડવા માટે તેમણે ગાંઠિયા પાડવા નો સંચો અને ગાંઠિયા નો લોટ તૈયાર કર્યો.... એમાં એમણે કાળા મરી પણ નાખ્યા હતા  વાટી ને.....  સંચા માં લોટ ભરી ને ધરા ને આપ્યો અને કડાઈ માં તેલ ગરમ કર્યું...  તેલ ગરમ થઈ જતા સીધા એમાં જ સંચા થી કઈ રીતે ગાંઠિયા બનાવવા એ શીખવી રહ્યા હતા હંસાબેન....


          શરૂઆત માં એક વાર ખૂબ સરસ ગાંઠિયા બન્યા... કાઈ જ વાંધો ન આવ્યો... પણ બીજી વાર તેલ માં સંચા થી ગાંઠિયા પાડવા જતા  સંચા માંથી અચાનક જ લોટ નો એક લચકો તેલ માં પડ્યો... અને ગરમ તેલ ના છાંટા ધરા ના બંને હાથ પર ઉડ્યા... બન્ને હાથ પર કોણી સુધી ગરમાગરમ તેલ ના છાંટા ઉડતા ધરા ચીસ પાડી ઉઠી.. બે ય હાથ લાલચોળ થઈ ગયા... હંસાબેન એ તરત ધરા ના હાથ પાણી માં બોળ્યા..  પણ સખત ગરમ તેલ ઉડયું હોવાથી ધરા એ બળતરા સહન નોહતી કરી શકતી... 

         જો કે આમાં હંસાબેન નો કોઈ વાંક ન હતો... હકીકત માં ગાંઠિયાના લોટ માં જે કાળા મરી વાટી ને નાખ્યા હતા એમાં એ મરી નો એકાદ દાણો આખો રહી ગયો હતો જે પેલા સંચા ના ગાંઠિયા પડવાના કાણા આડો  આવી ગયો હતો પરિણામે ઉપર થી ગાંઠિયા પાડવા માટે આપતા દબાણ ને કારણે અંદર ની ગાંઠિયા પડવાની પ્લેટ આડી થઈ ગઈ અને સીધો લોટ તેલ માં પડ્યો અને એના છાંટા ધરા ને ઉડ્યા કારણ સંચો ધરા ના હાથમાં હતો અને ગાંઠિયા પાડવા માટે ધરા નો હાથ તેલ ની કડાઈ ઉપર જ હતો...

        ધરા દાઝી ત્યારે સાંજ પડી ગઈ હતી... ધીરજલાલ કાયમ 7 / 7:30  આસપાસ ઘરે આવી જ જતા... થોડીવાર માં ધીરજલાલ ઘરે આવી ગયા... ધરા દાઝી છે એ જોતા જ તરત ધરા માટે બરનોલ લઇ આવ્યા... ધરા ને જ્યાં જ્યાં બળવાની ફરિયાદ હતી ત્યાં ત્યાં બરનોલ લગાવી... લગભગ આખી ટ્યુબ ખાલી થવા જેવી થઈ ગઈ... રાત પડી ગઈ હતી... હાથ બે ય લાલ દેખાતા હતા પણ ખરેખર ધરા ક્યાં અને  કેટલું દાઝી છે એ  ધરા ના  મમ્મી પપ્પા ને  અંદાજ ન હતો... ધરા ને ઠંડક માટે  આઈસ્ક્રીમ ખવડાવ્યો... બરફ પણ લાઇ આવ્યા અને એના પાણી માં રૂમાલ ભીનો કરી ને ધરા ના હાથ પર રાખતા હતા... જ્યાં સુધી ધરા ન સૂતી ત્યાં સુધી બધા જાગતાં જ રહ્યા... ધરા સૂતી  પછી જ  એના મમ્મી પપ્પા સુતા...  એમને એમ કે હવે ચિંતા જેવું નથી... ધરા આરામ થી સૂતી છે એટલે એને સારું જ હશે.... પણ સવારે શુ જોવા મળશે એ એમને પણ ક્યાં ખબર હતી....

       સવારે બંને પતિ-પત્ની વહેલા ઉઠી ગયા ધરા  હજી સૂતી હતી... પણ ધરા ને  જોતા જ બંને ના હોશ ઉડી ગયા... ધરા ના બંને હાથ પર કોણી સુધી દાઝ્યા ના ફોડલા ઉપસી આવ્યા હતા અને બંને હાથ ખૂબ  સોજી પણ ગયા હતા... બન્ને ની આંખ મા પાણી આવી ગયા... પોતાની વહાલસોયી દીકરી ના હાથ આટલી હદે દાઝી ગયા છે એની રાતે તો એમને કલ્પના જ ન હતી... રાતે ધરા રોતી હતી ...અત્યારે એના મા-બાપ રોઈ રહ્યા  હતા.... 

          

       ધરા ને સુવા ન દેતા પરાણે ઉઠાડી ને ધીરજલાલ અને હંસાબેન ધરા ને લઈ ને દવાખાને ગયા...  પણ જે દવાખાને લઇ ગયા ત્યાં થી એમને બીજા દવાખાનાનું સરનામું આપવામાં આવ્યું કારણ ધરા ઘણું બધું દાઝી હતી.. અને એને દાઝેલા ના અલગ દવાખાને લઇ જવી જરૂરી હતી... 

       વડોદરામાં ડો. શિખરચંદ નું પ્રખ્યાત દવાખાનું હતું... જ્યાં દાઝેલા દર્દી ની ખૂબ ઉત્તમ સારવાર થતી હતી અને એ પણ ફ્રી માં...  પણ ધીરજલાલ ને એમ કે ફ્રી માં દવા આપે છે તો સારી નહિ હોય... પણ પેલા દવાખાના ના ડોક્ટરે ખૂબ આગ્રહ કર્યો કે ત્યાં લઇ જાવ તમારી દીકરી ને... સારવાર તો સારી જ થશે અને દાઝેલા ના કોઈ ડાઘ પણ નહિ રહે ભરોસો રાખો.... એટલે ન છૂટકે ધરા ને ત્યાં લઈ જવામાં આવી.... 

           ધરા ની સારવાર તરત જ શરૂ થઈ... એક ઇન્જેક્શન અને દુખાવાની દવા આપી ને  કહ્યું કે સાંજે ફરી લઈ  આવજો...  ધરા હાલી-ચાલી શકે છે એટલે એને અહીં દાખલ કરવાની જરૂર નથી પણ હમણાં એક અઠવાડિયું રોજ સવાર સાંજ લઈ આવજો... ધરા ને બધું મટતા તો ઘણો સમય લાગશે.. તમે ધીરજ રાખજો... એના હાથ પહેલા જેવા સાવ નોર્મલ થઈ જશે... તમે કોઈને નહિ કહો તો ખબર પણ નહિ પડે કે એક સમયે એ આટલું દાઝી ગઈ હતી...
(ક્રમશઃ)