64 સમરહિલ - 1 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 1

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - ૧

સ્થળઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ આવેલું એક પુરાણું દેવાલય

સમયઃ નમતી બપોર

ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી આવતાં અજવાસની ઝાંય બદલાતી જોઈને તે પથારીમાંથી બેઠો થયો. આકાશમાં કદાચ વાદળો ઘેરાઈ રહ્યા હતા. ગમે ત્યારે વરસાદ તૂટી પડવાની એંધાણી આપતો તીવ્ર બફારો સવારથી જ હવામાં ઘૂમરાતો હતો. જો વરસાદ પડે તો તેણે હજુ ય અહીં રોકાઈ જવું પડશે. 'લોકેશન' પર ઓછામાં ઓછા દિવસો રોકાઈને કામ પાર પાડી દેવું એ તેનો ઉસુલ હતો અને આજે તેને ચોથો દિવસ તો થઈ ગયો હતો. બધું જ બરાબર ચેક થઈ ગયું હતું. 'સ્પોટ'ની ભાળ મળી ગઈ હતી. ખાસ કોઈ જોખમ ક્યાંય જણાતું ન હતું. આજે સાંજ ઢળે એ પહેલાં ખેલ પાડી દેવાનું તેણે નક્કી કર્યું જ હતું. એમાં જો વરસાદ પડે તો...

તે સફાળો ઊભો થઈ ગયો અને કિટ તૈયાર કરવા માંડયો. અલગ-અલગ ગેજના લાકડાના પેચિયાનું બંચ, જાડા રબ્બરની નાનકડી હથોડી, બારિક કાચની લૂગદી ચડાવેલા સૂતરના મજબૂત દોરાની દડી વગેરે તેણે ક્રમ મુજબ કિટના આગળના ખાનામાં ગોઠવ્યા. પ્લાસ્ટિકની એક થેલી ખોલીને ખાટલા પર ઠાલવી. તેમાં ચૂનાની એક કોથળી હતી અને બીજી કોથળીમાં લાપી અને ચારેક મુઠ્ઠી જેટલી રાખ હતી. નાનકડા ટમલરમાં તળિયું ડૂબે એટલું પાણી ભરીને અંદર રાખ, લાપી અને ચૂનાનું મિશ્રણ નાંખતા જઈને તેણે જાડી પેસ્ટ બનાવી. ઉપયોગમાં લેવાય ત્યારે જરાક સૂકાઈ ગયેલી એ પેસ્ટ પર તેણે ફક્ત પાણી જ છાંટવાનું હતું. બિનજરૃરી એક ટાંકણી ય જોડે રાખવાનો તેનો સ્વભાવ ન હતો. સ્પોટ જોયા પછી તેને ખાતરી હતી કે રાંઢવાના ચાર-પાંચ ફૂટના ત્રણ ટૂકડા બસ થઈ પડશે. રાંઢવાના હારડામાંથી તેણે છરી વડે જરૃરિયાત મુજબનો ટૂકડો કાપીને કિટમાં મૂક્યો અને બાકીનો સરંજામ સામાનની મોટી બેગમાં ભરી બેગ લોક કરી દીધી.

વેપન્સની તેને સખત નફરત હતી. દસ વરસનો હતો ત્યારથી એ 'ધંધે' લાગી ગયો હતો પણ હથિયારનો ઉપયોગ કરવાની કલ્પના માત્રથી તેને લખલખું આવી જતું. આમ છતાં સલામતી પૂરતા ય હથિયાર તો રાખવા જ પડે. તેણે જિન્સના ડાબા પડખે હોલ્સ્ટર બાંધીને તેમાં લાંબો, સીધા ફણાવાળો ધારદાર છરો ખોસ્યો અને જીન્સની નીચે પહેરેલા ઈલાસ્ટિક બેન્ડમાં ગ્લોક-૧૭ પિસ્તોલ બાંધી. એ તેની માનીતી ગન હતી. કદમાં નાની, વજનમાં હળવી અને ધડાકો ય ધીમો પણ નિશાન બેમિસાલ. કમરમાં ગન ખોસતી વખતે તે કાયમ મનોમન બબડી ઊઠતો... બસ, આ પિસ્તોલ વાપરવાની નોબત ન આવવી જોઈએ. આટલાં વરસનો અનુભવ અને આટલી સફળતા છતાં પકડાવાનો ડર તેને ફફડાવી દેતો હતો.

હવે સૌથી અગત્યનું કામ કરવાનું હતું.

ટેબલ ફેનને જરાક નજીક ખસેડવા જતાં ખરબચડી ભોંય સાથે સ્ટૂલના પાયા ઘસાવાથી કર્કશ અવાજ થયો એથી એ છળી ઊઠયો. 'કામ' પર જતી વખતે એ તૈયાર થતો હોય ત્યારે હૈયાના ધબકારાના અવાજથી ય એ ભડકી ઊઠતો. જોકે તેનું કામ જ એવું હતું. જરાક સરખી ચૂક કરી કે ખલ્લાસ.

કિટ વ્યવસ્થિત ગોઠવીને તેણે થેલા પર પડેલું કાચું ચીભડું ઊઠાવ્યું. તેની ચાર-પાંચ ચીર કરીને બેય હાથ વડે બળપૂર્વક છુંદી નાંખ્યું અને તેનો રસ ધીમે ધીમે બંને હાથના કાંડાના મણિબંધ સુધી કાળજીપૂર્વક રેલાવા દીધો. કાચાં ચીભડાંનો મીઠો, ચીકણો રસ બેય હથેળીમાં પ્રસરી ગયા પછી તેણે હાથના પંજા પંખા સામે ધર્યા અને પંખાની હવામાં આંગળીઓની છાપની અત્યંત બારિક રેખાઓ પર સમરસ થઈ રહેલાં ચીભડાના રસને સૂકાતો તેણે જોયા કર્યો.

સ્ટૂલની નીચે મૂકેલી રકાબીમાં અડધી મીણબત્તી જલી ચૂકી હતી અને તળિયે પ્રવાહી મીણ તરવા લાગ્યું હતું. સ્ટૂલની ધાર પર મૂકેલી સનમાઈકાની ચપતરી તેણે ઊઠાવી. હાથવગી કોઈપણ ચીજને હથિયાર અને આંખે ચડે એ કોઈપણ ચીજને ઓજાર બનાવવામાં તે માહેર હતો. ચપતરીને સંભાળપૂર્વક પકડીને તેણે ગરમ પ્રવાહી મીણમાં ઝબોળી અને ડાબા હાથની આંગળીઓ પર ચોપડવા માંડયું. બેય હથેળી પર હૂંફાળું મીણ ચોપડયા પછી તેણે ફરીથી ટેબલફેન સામે હાથ ધરી દીધા. ચીભડાના રસ ફરતો મીણનો પાશ વિંટળાતો જોઈને એ મનોમન મરકી પડયો. ફિંગર પ્રિન્ટ પારખવાના આધુનિક વિજ્ઞાનને તેનો આ તદ્દન દેશી કિમિયો હંમેશા મ્હાત કરતો રહ્યો હતો. અથવા કહો કે, આજ સુધી કદી એ પકડાયો ન હતો એટલે તે આ કિમિયાને કારગત નીવડેલો માનતો હતો.

પકડાવાના વિચારથી જ ટેબલફેન સામે ધરેલા તેના હાથમાં હળવી કંપારી આવી ગઈ. તેનો બાપ ગૂંગાસિંઘ કાયમ કહેતો, 'હમરે કામ મેં તીણ બાત ખયાલ મેં રખઉં. ઊઠાઈયોે, ભાગો ઔર ફેંકો. તીણ મેં સે એક મેં ભી દેર લગી તો સમજો વાટ લગી'

બાપના સ્મરણથી તેના ચહેરા પર હળવાશ આવી ગઈ. મોતીહારીથી છપરા અને મધુબનીથી ગોરખપુર સુધીના વિસ્તારમાં એક જમાનામાં ગૂંગાસિંઘની હાક વાગતી. પોલીસ તો ઠીક, ભલભલા માથાભારે જમીનદારો, ઠાકુરોના લઠૈત પણ તેને પકડી શક્યા ન હતા. એ તદ્દન અભણ દેહાતી હતો પણ સાલો ગજબનો ચબરાક હતો. જેટલો ચબરાક એટલો જ સનકી. દરેક મોટી ચોરીની કશીક યાદગીરી રાખવાની તેને આદત. એવી જ આદતમાં, છપ્પન કોશી મંદિરનું ભોંયરું તેણે તોડયું અને અઢળક દાગીના ઊઠાવ્યા એ જ રાતે તેના ગામ સોનેહારમાં તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો એટલે તેણે દીકરાનું નામ રાખી દીધું... છપ્પનસિંઘ...

નામના વિચાર માત્રથી તેણે મૂછ પર તાવ દઈ દીધો. પોતાના નામ માટે તેને અજબ લગાવ હતો. એક તો, સમગ્ર ઈલાકાને ખળભળાવી ગયેલી ચોરીનું પરાક્રમ તેના નામ સાથે જોડાયેલું હતું અને બીજું, તેનું નામ આજ સુધી કદી પોલીસના ચોપડે ચડયું ન હતું. પોલીસ તો શું, હાથફેરાની કારકિર્દીના તેણે જ્યાં શ્રીગણેશ કર્યા હતા એ મિશનરી સ્કૂલ કેમ્પસમાં આઠ-આઠ વર્ષ સુધી તે કળા કરતો રહ્યો તોય કદી ઝડપાયો ન હતો.

દીકરો ભણી-ગણીને બીજા કામ-ધંધે વળગે અને પોતાના ધંધામાં ભૂલથી ય ન પ્રવેશે એ માટે અભણ ગૂંગાસિંઘે છપ્પનને બાળપણથી જ પટણા મોકલી દીધો હતો. પરંતુ ત્યાં મિશનરી સ્કૂલની હોસ્ટેલમાં ય છપ્પનના લોહીના સંસ્કાર છાના રહ્યા ન હતા. ક્લાસમેટ્સના કંપાસ, બુક્સની ઊઠાંતરી કરવાથી તેણે હાથ અજમાવ્યો. પછી તો હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થીઓનો એકે ય કબાટ કદી સલામત ન રહ્યો. ગૂંગાસિંઘ પૈસા મોકલે એથી બમણું તો છપ્પન હાથચાલાકીથી 'કમાઈ' લેતો હતો.

નાની ઉંમરે ઓછી મહેનતે જરૃરિયાતથી ઝાઝું રળવા લાગેલો છપ્પન હોસ્ટેલમાં તેની બાદશાહી મહેફિલો માટે ખાસ્સો લોકપ્રિય હતો. સૌ કોઈ એમ જ માનતા કે એ તળબિહારના કોઈ જમીનદારનો દીકરો છે અને કદી કોઈને એ ખબર ન પડી કે છપ્પન એમના જ ખિસ્સા કાતરીને ઐયાશી કરતો હતો. પંદર વર્ષની ઉંમરથી હોસ્ટેલની અગાસીમાં તે મુજરા યોજતો. નવા-નવા જવાન થયેલા છોકરાઓની મહેફિલમાં નાચવા આવેલી તવાયફો બે-ત્રણ ઠુમકા લગાવે પછી ચોથે ઠુમકે તો પથારીમાં ખેંચાઈ જતી.

નૌસિખિયાઓનું લોહી. કહેનારું-પૂછનારું કોઈ નહિ. એવી બેલગામ ઘોડા જેવી હણહણતી જિંદગીના તોરમાં છપ્પન અને તેના કેટલાંક સાથીદારોએ મોટો દલ્લો ઊઠાવવાના આશયથી માંગીલાલ જ્વેલર્સની દુકાન તોડવાનો કારસો ઘડયો. લોકેશન કેવું છે, ત્યાં સિક્યોરિટી કેવી છે તેની કશી જ ગતાગમ વગર બાપના ખેતરમાં વાડ ભાંગતાં હોય એવી બેપરવાઈથી તેમણે શટર તોડયું એ સાથે એલાર્મ ગાજી ઊઠયો. બીકના માર્યા સૌ જે પહેલી દિશા દેખાઈ ત્યાં ભીના પાટલૂને ભાગી છૂટયા. એવા ભાગ્યા કે પછી જિંદગીમાં કદી એકમેકને ભેગાં જ ન થયા.

ગૂંગાસિંઘને આખરે દીકરાની કુંડળીમાં પણ પોતાની માફક ચર-રાશિના ગ્રહો બળુકા હોવાનો અહેસાસ થઈ ગયો. તેણે ઘડીક પોતાનું માથું કૂટયું. જવાન થવા આવેલા દીકરાને ધોલધપાટ પણ કરી નાંખી. છેવટે નસીબને દોષ દઈને તેણે છપ્પનને પોતાની પાસે જ પલોટવા માંડયો.

ગૂંગાસિંઘની કાબેલ દેખરેખ હેઠળ ઘડાયેલો છપ્પન પોતાના બાપને આરાધ્ય માનતો. દરેક મુશ્કેલ વખતમાં તે ચંદ ઘડી માટે આંખ મિંચી દેતો અને બંધ પોપચા હેઠળ બાપનો ચહેરો નજર સામે આવે પછી ગમે તેવું સાહસ ખેડી નાંખતાં ય એ કદી ખચકાતો નહિ. બાપે શીખવેલા ચોરીના દરેક ઉસુલોને એ ભગવદ્ગીતાની આસ્થાથી યાદ રાખતો.

તેના બાપનો બીજો ઉસુલ હતો, 'તૌલિયા ઊઠૈયો તો ભી ચોરી, ગહેના ઊઠૈયો તો ભી ચોરી... તો ફિર કાહે ગહેના હી ન ઊઠૈયો??'

છપ્પનસિંઘને પણ મોટા મીર મારવામાં જ રસ હતો. ઘરફોડી કરતો હતો ત્યારે પણ તેણે માલેતુજારને જ નિશાન બનાવ્યા હતા. લોકો ચોરીને હરામની કમાઈ કહેતા ત્યારે છપ્પનનું મગજ ફાટી જતું. આટઆટલો પરસેવો પાડવો પડે છે... દિમાગ ફાટીને ચૂરચૂર થઈ જાય એટલી તરકીબો લડાવવી પડે છે.. રૃંવાડે રૃંવાડે ફફડાટના ડામ પડે એટલું જોખમ ઊઠાવવું પડે છે અને પછી ય ચોરેલા માલની ધારી રકમ મળે છે કે નથી મળતી એ તો સાલું સાવ અનિશ્ચિત. તો પછી ચોરી કરવી એ હરામની કમાણી કેવી રીતે?

કરિયાણાના વેપારીને મન દુકાન માટે હોય અને ટાટા-બિરલાને મન તેમના કારખાના માટે હોય એટલા જ તીવ્ર લગાવ અને ગર્વ છપ્પનને પોતાના વ્યવસાય માટે હતા. એ કરે છે એવી મહેનત હું ય કરું છું... એ કરે છે એવું રોકાણ હું ય કરું છું... એ ઊઠાવે છે એવું જોખમ હું ય ઊઠાવું છું... તો ફિર વો કરે વો ધંધા ઔર મૈં કરું વો ચોરી? ઉ કમાયે વો મહેનત કી કમાઈ ઔર હમ કમાયેં વો હરામ કી?

'છટ્ટ...' અત્યારે તૈયાર થતી વખતે ય છપ્પનના મોંમાંથી તિરસ્કારસૂચક ડચકારો નીકળી ગયો.

તેનો બાપ જીવતો હોત તો પોતાની સફળતાથી, સમૃધ્ધિથી કેવો પોરસાતો હોત એ વિચાર છપ્પનને કાયમ લિજ્જત આપતો. એમાં ય દુબળી સાથેની મુલાકાત પછી તો છપ્પનને ચહુ દિશાએથી બખ્ખાં જ હતાં.

દુબળી... તેનું નામ તો છપ્પન પણ ક્યાં જાણતો હતો? કદમાં જરાક ઠીંગણો અને કાઠીમાં ખાસ્સો એવો પાતળો હોવાથી બસ્તરમાં થયેલી એ પહેલી જ મુલાકાતથી છપ્પને મનોમન તેનું નામ પાડી દીધું હતું... દુબળી ! છપ્પનના બાપ ગૂંગાસિંઘે જે રેલમછેલના જિદંગીભર સપનાં જોયાં હતાં એટલું તગડું હવે છપ્પનનું બેન્ક બેલેન્સ થઈ ચૂક્યું હતું. જિંદગીએ અચાનક જ હસીન કરવટ બદલી નાંખી હતી. દુબળી કેટલો ભેજાંબાજા, કેવો શાતિર અને ડામિસ હતો એનાં પરચા તેણે અસંખ્ય વાર જોયા હતા. તેના મનમાં સ્પષ્ટ અંકાઈ ગયું હતું, ગૂંગાસિંઘ સિવાય જગતમાં જો બીજું કોઈ ખેપાની હોય તો એ દુબળી જ છે... સાલો જબ્બર ખેલાડી છે યાર...

ચહેરા પર દુબળીની ધાકથી ઓઢાઈ ગયેલી નિઃશબ્દ સ્તબ્ધતા ખંખેરીને એ સતર્ક બન્યો.

ફિંગરપ્રિન્ટ છૂપાવવા તેણે કરેલી કરામત હવે હથેળી પર સૂકાઈ ગઈ હતી. હાથ પર થીજેલું મીણ અને મીણ નીચે બાઝેલી ચીભડાંનાં રસની પર્ત એકાદ-દોઢ કલાકમાં ઉતરડાવા લાગે એ પહેલાં કામ આટોપી લેવું રહ્યું. ખભા પરથી ગમછો ઝાટકીને તેણે ચહેરા પર ઘસ્યો અને ઊંડો શ્વાસ છાતીમાં ભર્યો.

તેના બાપનો આદેશ હતો, ક્યારેય ટોળી નહિ બનાવવાની. ગમે તેવું મુશ્કેલ કામ હોય તો પણ એકલાએ જ અંજામ આપવાનો. ગૂંગાસિંઘ હંમેશાં માનતો કે, ચોરીનું કામ ફક્ત દસ મિનિટનું જ હોય છે પણ આયોજન વગર કરેલી ચોરી પકડાતાં બે મિનિટ પણ નથી લાગતી. ચોરીને અંજામ આપતાં પહેલાં આયોજનનો ભરચક ટાઈમ આપવા માટે એ કાયમ કહેતો, ચોરી અઈસે કરો જઈસે લૌંડિયા સે ઈસ્સક કરતે હો...

- અને રંગીલો છપ્પનસિંઘ પણ આ વેરાન જગ્યાએ આવેલા પૂરાણા મંદિરની ખખડધજ ધર્મશાળામાં ચચ્ચાર દિવસથી ધામા નાંખીને પાક્કું હોમવર્ક કરી રહ્યો હતો... બિલકુલ એવી જ તલ્લિનતાથી, જાણે લૌંડિયા સાથે ઈશ્ક કરી રહ્યો હોય !!

(ક્રમશઃ)