“સર આપણે એસ.પી. સાહેબના બંગલે પહોંચી ગયા છીએ” વિચારે ચડેલા મહેતા સાહેબને વચ્ચે અટકાવતા ડ્રાઇવર બોલ્યો.
“વિચારોમાં ને વિચારોમાં એસ.પી. રાઠોડનો બંગલો ક્યારે આવી ગયો ખબર જ ના પડી” મહેતા સાહેબ મનોમન બબડ્યા
કંઇ કહ્યુ સાહેબ તમે ?
મહેતા સાહેબ રોફ જમાવતા ડ્રાઇવર સામે જોઇ રહ્યા, એની વાતને અવગણીને જીપની બહાર નીકળ્યા અને બહાર આવીને બોલ્યા “તમે હવે જઈ શકો છો”
“જી સાહેબ” મહેતા સાહેબના હુકમને માથે ચડાવીને ડ્રાઇવર ત્યાંથી નિકળી ગયો
રાઠોડ સાહેબનો બંગલો આલીશાન હતો. પહેલી જ વાર આવવાનું થયુ હતુ અને ઘણું બધુ સાંભળ્યુ હતુ બંગલા વિષે અને આજે જોઇ પણ લીધો. ગર્ભશ્રીમંત છે રાઠોડ સાહેબ. આ શાનદાર જાહોજલાલી વારસામાં મળી છે. આટલી બધી જાહોજલાલી નો આસામી એક પોલીસની નોકરી શા માટે કરતો હશે ? એક નિ:સાસા સાથે મહેતા સાહેબે બંગલાની ડોરબેલ વગાડી
થોડી રાહ જોવા છતા દરવાજો ના ખુલ્યો મહેતા સાહેબ ફરીથી ડોરબેલ વગાડવા જતા હતા ને ત્યાંજ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો.
દરવાજો ખુલતા જ મહેતા સાહેબ ચોંકી ગયા “એ.સી.પી. તાહીર ખાન ? અહી ?” મનોમન બોલ્યા
“મને પણ આશ્ચર્ય થયુ, મિ.ક્રુષ્ણકાંત મહેતા” કોઇ પણ પ્રકારના હાવભાવ વિના ખાન બોલ્યા.
બન્ને એકબીજાની સામે એવી રીતે જોઇ રહ્યા હતા જાણે ઘણા સમય પછી બે દુષ્મન સામ સામે આવ્યા હોય
તમે અંદર આવી શકો છો.
“મને ’આભાર’ કહેવાની બિલકુલ આદત નથી” ખાનની વાતને અવગણીને અંદર પ્રવેશતા એક નફરત ભર્યા અંદાજથી મહેતા સાહેબ બોલ્યા
“એને કુટેવ કહેવાય મિ. મહેતા.”
“ઠીક છે, તો એને મારી કુટેવ જ સમજી લો, બસ”
“અક્કડ હજુ પણ ગઇ નથી.”
તારા જેવા “હલકટ” માણસ સાથે આ રીતે જ વર્તાય
ઓ “હલકટ” ચહેરા પર એક છીછરું હાસ્ય ફરકાવતા ખાન બોલ્યા “વેરી ગુડ, અને હા મને આભાર કહેવાની આદત છે. ’હલકટ’ કહેવા બદલ ખુબ ખુબ આભાર”
“નાટકબાજીમાં તુ ખરેખર લાજવાબ છે ખાન, અને એક વાર તો હું પણ એમાં સપડાઇ ચૂક્યોં છું”
“કેટલીક વાર જે દેખાય છે, એ સાચું જ હોય, એ જરૂરી નથી મહેતા” ખાન ના ચહેરા પર હવે એક નરમાશ હતી “તને કોઇ ગેરસમજ થઈ છે”
મારા વાક્યને હું ફરીથી દોહરાવીસ “નાટકબાજીમાં તુ ખરેખર લાજવાબ છે ખાન, પણ, હવે તારા કોઇ પણ નાટકની અસર મારી પર નહીં થાય”
“હું અહી કોઇ સફાઈ આપવા નથી આવ્યો મહેતા, તારે જે સમજવું હોય તે સમજ”
“તારા આ નાટકનો ખેલ કોઇ બીજા આગળ જઇને ભજવ, એની ધારી અસર થશે ને તો, બે પૈસા વધારે રળી આપશે” દાંત કચકચાવીને ગુસ્સામા મહેતા બોલ્યા
“હવે તુ હદ પાર કરી રહ્યો છે મહેતા” ખાન પણ ગુસ્સામાં આવીને મોટા અવાજે બોલ્યા
“ઓહો……હો…હો…. ખાન સાહેબને, ઓહ સોરી એ.સી.પી. ખાન સાહેબને ગુસ્સો આવી ગયો” રમુજી અંદાજમાં મહેતા બોલ્યા “એક આ કુટેવ પણ છે મારામાં, ખાન ”
“હું તારી સાથે કોઇ ભેજામારી કરવા નથી માંગતો”
“મને પણ એવો કોઇ જ શોખ નથી” બન્ને જણા એક નફરતી અંદાજથી એકબીજા સામે ઘુરકી રહ્યા
“મિ. મહેતા અને મિ. ખાન” પાછળથી એક બુલંદ અવાજ સંભળાયો, બન્ને અવાજની દિશામાં વળ્યા તો પાછળ ઉભા હતા એસ. પી. બલભદ્રસિંહ રાઠોડ. એમનો દેખાવ અને પ્રભાવ બન્ને એમના અવાજ જેટલો જ બુલંદ હતો. “તમારી આ યાદગાર મુલાકાતનો શ્રેય લેવાનું હું ચોક્કસથી પસંદ કરીશ” થોડુ અટક્યા, બન્નેની સામે એક ધારદાર નજર કરીને ફરી બોલ્યા “એક સમયના બે જીગરજાન મિત્રો, આજે દુષ્મન બનીને મળી રહ્યા હોય, અને એ મુલાકાતનો શુત્રધાર જો હું હોઉં તો પછી યાદગાર મુલાકાતનો શ્રેય મને કેમ ન મળવો જ જોઇએ ?” અને પછી બન્નેની સામે એક પ્રશ્ન તરતો મુકતા હોય એમ બન્નેની આંખમાં આંખ પરોવીને બોલ્યા “આ વિશે તમે શુ કહેશો ?”
“ગુડમોર્નીગ સર” બન્ને એકસાથે બોલ્યા
“ફોર્માલીટીઝની કોઇ જ જરૂર નથી” બન્નેના માન સુચક શબ્દનો છેદ ઉડાડતા રાઠોડ સાહેબ બોલ્યા “કામની વાત કરીશું”
“ચોક્કસથી સર” મહેતા બોલ્યા
“આજ સવારના આધાતજનક ન્યુઝથી તમે બન્ને વાકેફ હશો ” હાથમાં રહેલા મોબાઇલ ફોનને એક કાચની ટીપોઇ પર મુ્કીને સોફામાં બેસતા રાઠોડ સાહેબ બોલ્યા “રહસ્યમય રીતે દેશના અગ્રણી, માનવંતા અને લોકલાડીલા ઉદ્યોગપતી માણેકલાલ શાહની લાશ એમના જ બંગલામાંથી મળી આવી. અને દિલ્હી પોલીસ સાથે હમણાં જ મારી વાત થઇ એમના કહેવા અનુસાર માણેકલાલ શાહે આત્મહત્યા કરી છે” થોડું અટકીને રાઠોડ સાહેબે બન્નેના ચહેરા તરફ નજર કરી, ખાન અપેક્ષા મુજબ ઉત્સુકતા વિના શાંત મુદ્રામા જણાતા હતા જ્યારે મહેતા આગળની વાત જાણવા માટે ઉત્સુક જણાતા હતા “પણ હકીકતમાં એક ચોક્કસ ષડયંત્ર રચીને યોજના મુજબ માણેકલાલનું ખુન કરવામાં આવ્યુ છે” હવે બન્નેના ચહેરાના હાવભાવમાં એક ચોંકાવનારો તફાવત જોવા મળ્યો “રાષ્ટ્રિય કક્ષાનું એક એવું ષડયંત્ર જેમા આંતરરાષ્ટ્રિય સમુદાય પણ સામેલ છે. અને ષડયંત્ર પણ એવું કે માણેકલાલના ખુનને ખુબી પૂર્વક આત્મહત્યામા તબદીલ કરી નાખવું. ફોરેન્સિક સાયન્સ માટે પણ પૂરવાર કરવું અઘરું થઇ જાય કે એ ખુન છે કે આત્મહત્યા” આટલું બોલીને રાઠોડ સાહેબ અટકી ગયા જાણે સામે બેઠેલા ખાન અને મહેતા તરફથી કોઇ પ્રશ્નની અપેક્ષા હોય
આ તમે શું કહી રહ્યા છો સર ? રાષ્ટ્રિય કક્ષાનું ષડયંત્ર અને એમાં આંતરરાષ્ટ્રિય સમુદાય પણ સામેલ છે
“તમારી શ્રવણશક્તિ ખુબ જ સારી છે, મહેતા અને હું એ જ બોલ્યો છું જે તમે સાંભળ્યુ છે”
“પણ સર, એક ઉદ્યોગપતિના મોત માટે રાષ્ટ્રિય ષડયંત્ર ? અને એમાં આંતરરાષ્ટ્રિય સમુદાયની સામેલગીરી ? માફ કરશો રાઠોડ સાહેબ પણ સમીકરણ સમજમાં નથી આવતુ” તાહીર ખાન ગૂંચવણ અનુભવી રહ્યા હતા
“મહેતા સાહેબના મનમાં પણ હવે સવારની ઘટના આકાર લેવા લાગી. પેલા છોકરા અનિકેતનું પણ કહેવું એમ જ હતું કે માણેકલાલનું ખુન કરવાંમાં આવ્યુ છે અને ઉપરથી સાબીતી રૂપે પેલી વિડીયો સીડી. હવે એમને લાગ્યુ કે સવારની ઘટનાની જાણ રાઠોડ સાહેબને કરવાનો સમય આવી ગયો છે. મહેતા સાહેબ એ આખી ઘટનાને શબ્દદેહ આપવા જ જતાં હતા ત્યા ફરી એકવાર બુલંદ અવાજે રાઠોડ સાહેબ બોલ્યા”
“માણેકલાલ શાહ કોણ હતા ? એ હકિકત દેશ જ નહી, પણ આખી દુનિયા જાણે છે, પણ માણેકલાલ શાહ શું હતા ? એ હકિકત આંગળીના વેઢે મુકી શકાય એટલા લોકો જ જાણે છે” પરંતુ મારા મિત્રો, બન્ને તરફ માનસૂચક નજર કરીને રાઠોડ સાહેબ આગળ બોલ્યા “એ આંગળીના વેઢે મુકી શકાય એમાથી જ, કોઇ એક, એમના રહસ્યમય મોતનું કારણ બન્યો છે”
“તાહીર ખાન માટે તો એક એક શબ્દ ચોંકાવનારો હતો જ્યારે મહેતા માટે તો આ સિલસિલો વહેલી સવારથી જ ચાલુ થઇ ગયો હતો”
“ માફ કરશો સર, પણ હું તમને કંઇક જણાવવા માગું છું, જે આ કેસ ના અનુસંધાનમાં જ છે અને અગત્યનું પણ,” મહેતા એક જ શ્વાસે બોલી ગયા પછી રાઠોડ સાહેબ સામે જોયું, રાઠોડ સાહેબના ચહેરાના હાવભાવ પરથી એટલું સમજી ગયા કે એમની વાતને વચ્ચે અટકાવી એ ગમ્યું નહોતું પણ ઇન્સ્પેક્ટર મહેતા હવે ખુદને રોકી શકે એમ નહોતા, સવારે પોલીસસ્ટેશનમાં જે ઘટના બની એ રાઠોડ સાહેબને કહેવા માટે આતુર હતા.
રાઠોડ સાહેબે ભવા તંગ કરીને મહેતા સામે જોયું, એમની વાતને કોઈ વચ્ચેથી કાપે એ પસંદ નહોતું, એમનો રૂઆબ અને પ્રભાવ એવા હતા કે કોઈ એવો પ્રયત્ન પણ કરતુ નહિ, પણ મહેતા ખુબજ અનુભવી અને સીનીયર ઇન્સ્પેક્ટર હતા, અને રાઠોડ સાહેબના કેટલાય દિલધડક અને ખતરનાક મિશનને લીડ કરી ચૂક્યા હતા અંને એમાં સફળ પણ થયા હતા, થોડુક વિચારીને ચહેરા પર નરમાશ લાવીને નમ્ર અવાજે રાઠોડ સાહેબ બોલ્યા “ બોલો મહેતા, શું જણાવવા માગો છો.”
સર આજ સવારની જ ઘટના છે, બન્યું એમ કે એક છોકરો જેનું નામ અનિકેત છે એ એક એન્જીનીયર છે, એ પોલીસ સ્ટેશનમાં આવીને કહે છે, કે એણે માણેકલાલ શાહનું ખૂન કર્યું છે, વિચિત્ર વાત છે કે એ કહે છે કે એણે માણેકલાલ શાહનું ખૂન દિલ્હીમાં એમના જ બંગલામાં કર્યું છે પણ એ ક્યારેય દિલ્લી ગયો જ નથી, એ આખી રાત અમદાવાદમાં જ હતો, મને એમ કે એ છોકરો પોલીસ સાથે રમત રમી રહ્યો છે પણ, જયારે સવારના ન્યુઝ જોયા હું ચોંકી ગયો, માણેકલાલ શાહની લાશ એમના જ બંગલામાં મળી અને પ્રાથમિક તપાસમાં એમને આત્મહત્યા કરી હોય એમ લાગ્યું, પણ પેલો છોકરો અનિકેત એમ કહેવા લાગ્યો કે એમને આત્મહત્યા નથી કરી એમનું ખૂન થયું છે અને એ ખૂન મેં કર્યું છે, પછી એને એના સપનાની વાત કરી, એક સપનું જે એને વારંવાર આવે છે અને એ પણ ૩ થી ૫ ના સમયમાંજ જેમાં એ માણેકલાલ શાહનું ખૂન કરે છે, અને બીજી વિચિત્ર વાત એ લાગી કે માણેકલાલ શાહનું ખૂન કરવાનું જે સપનું એને વારંવાર આવતું હતું એ સપનાનો કોઈ વિડિયો બનાવે છે જે એક પેન ડ્રાઈવમાં હોય છે, એ વિડીયોને મેં પ્લે કરી જોયો તો ખરેખર એ માણેક્લાલનું ખૂન કરે છે, વધુ પુછ્તાછ કરું એ પહેલા તો એ છોકરો બેભાન થઇ જાય છે, અને તમે પણ અત્યારે એ જ કહી રહ્યા છો કે માણેક્લાલનું ખૂન થયું છે, એમને આત્મહત્યા નથી કરી, સર મારું મગજ ચકરાવે ચડ્યું છે, સમજમાં નથી આવતું કે આ થઇ શું રહ્યું છે, હું એટલું તો સમજી શકું છું કે ખૂન એ છોકરાએ નથી કર્યું, એને કોઈ ફસાવી રહ્યું છે, સર અહી બે સવાલ ઉભા થાય છે, પહેલો સવાલ માણેકલાલનું ખૂન કર્યું કોણે અને શા માટે ? અને એમાં અનિકેતને ફસાવીને ખૂનીને શો ફાયદો ? અને બીજો સવાલ સપનું સાચું હોય એ સાંભળ્યું છે પણ એ સપનાનો વિડીયો કેવી રીતે બની શકે ? ત્રીજો અને મહત્વનો સવાલ, એક સાધારણ છોકરો અને એન્જીનીયરીંગનો વિધાર્થી અનિકેત જ કેમ ?
મહેતા સાહેબ થોડું અટકયા, ખાન અને રાઠોડ સાહેબ સામે જોયું, ખાનના ચહેરા પર આશ્ચર્યજનક ભાવ દેખાઈ આવતા હતા પણ રાઠોડ સાહેબ ખુબજ શાંત અને સ્વસ્થ મુદ્રામાં જણાતા હતા, એમના ચહેરા પર કોઈ જ પ્રકારના અચરજના ભાવ જણાતા નહોતા, વાતાવરણમાં નીરવતા પ્રસરેલી હતી,
નીરવતાને તોડતા, રાઠોડ સાહેબ સામે જોઇને ફરી મહેતા સાહેબ બોલ્યા “ તમારી વાત ને આ રીતે વચ્ચેથી અટકાવી એ બદલ હું માફી માગું છું, હું જાણું છું કે તમને કોઈ વચ્ચે અટકાવી એ તમને પસંદ નથી, પણ વાત જ એવી હતી કે તમને કહ્યા વગર ચાલે એમ નહોતી અને તમને જણાવવી ખુબ જ જરૂરી હતી, તમારું અપમાન કરવાનો મારો કોઈ ઇરાદો નહોતો રાઠોડ સાહેબ” આટલું કહીને મહેતાએ એમની વાત પૂરી કરી,
રાઠોડ સાહેબ ખુરશી પરથી ઉભા થયા, પછી ખાન સામે જોઇને આંખોના હાવભાવથી એક પ્રશ્ન તરતો મુક્યો “ તમારે કઈ કહેવું છે ?” ખાને પણ ઇશારાથી જ કહી દીધું કે ના મારે કશું પણ કહેવું નથી, પછી મહેતા સામે જોયું ને એક બુલંદ અવાજમાં બોલ્યા “ બધું જ શક્ય છે મી. મહેતા, જ્યાં માણેક્લાલનું ઇન્વોલમેન્ટ હોય ને ત્યાં બધું જ અશક્ય, શક્ય બની જાય છે પછી થોડું અટકીને આગળ બોલ્યા “ મળશે, મી. મહેતા તમને તમારા દરેક સવાલ ના જવાબ મળશે, માણેકલાલ શાહનું ખૂન કોણે કર્યું ? શા માટે કર્યું ? માણેકલાલ સાથે જેને કોઈ જાતનો સંબંધ જ નથી એવો એન્જીનીયરીંગનો એક વિદ્યાર્થી અનિકેત એમનો ખૂની કેવી રીતે બની ગયો ? શું છે અનિકેતને વારંવાર આવતા સપનાનું રહસ્ય ? શું છે એ સપનાનો વિડીયો બનવાનું રહસ્ય ? દરેક રહસ્ય પરથી પરદો ઉઠશે, એ બધું જ તમને જાણવા મળશે જે તમારે જાણવું જરૂરી છે, અને એ બધું તમારે બન્ને એ જ કેમ જાણવું જરૂરી છે એ રહસ્ય પરથી પણ પરદો ઉઠશે,
પણ પહેલા એ જાણવું જરૂરી છે કે માણેકલાલ શાહ શું હતા ? કારણ દરેક સવાલ અંતે ત્યાં જ આવીને અટકી જાય છે, મેં પહેલા કહ્યું એમ માણેકલાલ કોણ હતા એ તો આખી દુનિયા જાણે છે પણ આંગળીના વેઢે મુકી શકાય એટલા લોકો જ જાણે છે કે “માણેકલાલ શાહ શું હતા ? એ જેટલા લોકો જાણે છે એમાંનાં એક છે મારા યુવાન મિત્ર ’અખિલેશ મજુમદાર’ ”. દુરથી અમારી નિકટ આવી રહેલી એક અજાણી વ્યક્તિ તરફ નજર કરી રહેલા રાઠોડ સાહેબ એ વ્યક્તિના એકદમ નજીક આવવાથી એની ઓળખાણ કરાવતા બોલ્યા. “અખિલેશ મજુમદાર, ભારતની જાસૂસી સંસ્થા રો (રિસર્ચ એન્ડ એનાલીસીસ વીંગ)ના એક હોનહાર, કાબેલ ઓફીસર અને એક ખુફીયા એજન્ટ” એ તમને જણાવશે કે માણેકલાલ શાહ શું હતા ?
ક્રમશ: