રમત MAYUR PRAJAPATI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રમત

“છેલ્લા અડધા કલાકથી તુ શું બકવાસ કરી રહ્યો છે, મારી કંઇજ સમજમાં નથી આવતુ,”
“સર હું બકવાસ નથી કરી રહ્યો હું સાચું બોલી રહ્યો છું, તમે સમજતા કેમ નથી?”“ના તુ સમજવા લાયક છે ના તારી પાયા વગરની વાતો, તુ સાડા છ વાગે પોલીશ સ્ટેશનમાં આવે છે આવીને સીધું તુ એમ જ કહે છે કે મેં ખૂન કર્યું છે અને એ પણ માણેકલાલનું, સોરી ઉદ્યોગપતી માણેકલાલ શાહનું, એ બકવાસ નથી તો બીજુ શું છે, જો છોકરા, અત્યારે આ મજાક કરવાનો સમય નથી, ચુપચાપ ઘરે જા અને કોઈ સારા ડોક્ટર પાસે જઈ તારો ઈલાજ કરાવ”

“પાયા વગરની વાતો તો તમે કરી રહ્યા છો સાહેબ, હું ખૂન ની કબુલાત કરું છું ને તમે મને ડોક્ટર પાસે જવાની સલાહ આપો છો, મને લાગે છે કે મારે નહિ પણ તમારે ઈલાજ કરવાની જરૂરત છે”
“જો છોકરા, હવે બહું થયું, આ પોલીસ સ્ટેશન છે પાગલખાનું નથી, તારી આ મજાક તને ભારે પડી શકે છે, તારી ભલાઇ માટે કહું છું, ચુપચાપ અહીંથી નિકળીજા નહિંતર એવા હાલ કરીશ કે જીવનમાં કોઇની પણ સાથે મજાક કરવાને લાયક નહી રહે.” ઇન્સપેક્ટર મહેતા હવે આક્રમક બની રહ્યા હતા
“મારી વાતને મજાક સમજવાની ભુલ કરી રહ્યા છો તમે”
“શુ નામ છે છોકરા તારુ ?” કોન્સ્ટેબલ યાદવે બાજી સંભાળી
“અનિકેત રાવલ”
“જો બેટા, આ મહેતા સાહેબ છે ને થોડા ગરમ મિજાજી માણસ છે, ક્યાંક ગુસ્સામાં ઉંધો-સીધો હાથ પડી જશે ને તો જીવનભર ખોડખાંપણ રહી જશે, શું કામ તારી દશા બગાડવા માટે આતુર છે, એક તો આખી રાતની ડ્યુટી, હજુ ચા પણ પીધી નથી ને સવાર સવારમાં શું મગજ ખરાબ કરવા નીકળી પડ્યો છે.”
“કમાલ છે મેં એક ખુન કર્યુ છે, હું ગુનાની કબુલાત કરવા આવ્યો છું, અને તમને મજાક લાગી રહ્યુ છે, શું તમને હું પાગલ દેખાઉ છું? તમે મને ઇગ્નોર કરી રહ્યા છો ઇન્સપેક્ટર સાહેબ કાં તો પછી તમને તમારી ડ્યુટી માં રસ જ નથી.”
“એ છોકરા, મોઢુ સંભાળીને વાત કર, તુ પોલીસ સ્ટેશનમાં બેઠો છે તારા ઘરમાં નહી, પોલીસ સાથે કેવી રીતે વાત કરવી એનું ભાન છે કે નહી”
“હું તો ભાનમાં જ છું અને મારી શાન પણ ઠેકાણે જ છે બસ તમે જ તમારી ફરજ ચૂકી રહ્યા છો, ઇન્સપેક્ટર સાહેબ”
“હવે તુ અમને અમારી ફરજ શીખવાડીશ” મહેતા બરાડી ઉઠ્યા
“હા, જરૂર પડશે તો” એટલા જ શાંત પરંતુ મક્કમ અવાજે અનિકેત બોલ્યો
“ઠીક છે, તો, તેં ખુન કર્યુ છે”
“હા”
“ભારતના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ માણેકલાલ શાહનું”
“હા”
“એમના જ બંગલામાં”
“જી બિલકુલ”
“જાણી શકુ કયા બંગલામાં ?”
“કયા બંગલામાં એટલે”
“મોટા માણસ છે, ઉદ્યોગપતિ છે, તો એમના ઘણા બધા બંગલા હોય, દેશમાં પણ હોય ને વિદેશમાં પણ હોય, તે કયા બંગલામાં એમનું ખુન કર્યુ ?”
દિલ્હી સ્થિત “માણેકભવન”
“કેટલા વાગે ?”
“આજે સવારે ૫ વાગે”
“અત્યારે ૭ વાગી રહ્યા છે, તો તું સવારે ૫ વાગે દિલ્હીથી ખુન કરીને ૬:૩૦ વાગે અમદાવાદ પણ આવી ગયો, કેવી રીતે ?”
“સર હું આખી રાત અમદાવાદમાં જ હતો”
એટલે ?
“એટલે, હું ક્યારેય દિલ્હી ગયો જ નથી”
“તુ ક્યારેય દિલ્હી ગયો જ નથી, ક્યારેય નહી”
“ના ક્યારેય નહી”
“ફરીથી બકવાસના કર”
“હું કોઈ બકવાસ નથી કરી રહ્યો”
“મારૂ માથું ભમી રહ્યુ છે, ઓ દેસાઇ જા જરા ચા લઇ આવ, આપણી સ્પેશ્યલ”
“જી સાહેબ, હમણા જ લઇ આવ્યો”
“ઠીક છે, ચલો એ પણ માની લઈએ, તો તુ ખુન કરીને ભાગી જવાના બદલે પોલીસ સ્ટેશનમાં કેમ આવ્યો ?”
“સર માણસ મુસીબતોથી દુર ભાગી શકે છે, કિસ્મતથી નહી અને આજે નહી તો કાલે હું પકડાઇ જ જાત”
“મને એક વાત સમજાવ તુ દિલ્હી ક્યારેય ગયો નથી તો તેં ખુન કેવી રીતે કર્યુ ?”
“ખુન કર્યુ છે એ ખાત્રી પૂર્વક કહી સકું છુ, કેવી રીતે ? એ શોધવાનું કામ પોલીશનું છે”
“જો છોકરા મારી ધીરજની પરીક્ષા ના કર, ચુપચાપ અહીથી ચાલી નિકળ, નહીતર આજનો દિવસ તારી જીંદગીનો સૌથી ખરાબમાં ખરાબ દિવસ હશે”
“મહેતા સાહેબ, ઓ મહેતા સાહેબ” કોન્સ્ટેબલ દેસાઇ દોડતો અને હાંફતો આવે છે.
“શુ થયું આટલી બુમો કેમ પાડે છે સવાર સવારમાં”
“અરે મહેતા સાહેબ વાત જ એવી છે તમે પણ સાંભળશો તો ચોંકી જશો”
“એ યાદવ જરા ટી.વી. ઓન કર” કોન્સ્ટેબલ દેસાઇ હજુ પણ હાંફતો હતો
ટી.વી. ઓન કરતા જ “બ્રેકીંગન્યુઝ” ભારતના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ માણેકલાલ શાહની દિલ્હી સ્થિત “માણેકભવન”માં લાશ મળી, ન્યુઝ જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ મહેતા સાહેબનું મગજ પણ ચકરાવે ચઢવા લાગ્યુ

ક્રમશ: