રમત - 3 MAYUR PRAJAPATI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રમત - 3

“અનિકેતનો એક એક શબ્દ કે. ડી. મહેતા માટે ચોંકાવનારો હતો. એની વાતમાં વિશ્વાસ મુકવો કે નહી એ પણ એક સવાલ ઉભો કરતું હતું. સપનામાં જે દેખાય એ સાચું થાય એ સાંભળ્યું છે. પણ એ સપનાનો વિડીયો બને, એ પહેલી વાર સાંભળ્ય઼ું. કાં તો આ છોકરો અમને મુરખ બનાવી રહ્યો છે કાં તો પછી એની સાથે કોઇ ગંદી રમત રમી રહ્યુ છે. જે પણ હોય, પણ હવે, જ્યાં સુધી આ બધી ગુંચવણમાંથી અસલીયતને બહાર નહી લાવું ત્યાં સુધી મનેય ચેન નહી પડે” મહેતા સાહેબ મનોમન વિચારવા લાગ્યા.

મહેતા સાહેબે પેન ડ્રાઈવ લઇને કોન્સ્ટેબલ દેસાઇને ઇશારો કર્યો “આ પેન ડ્રાઈવને કોમ્પ્યુટરમાં લગાવો, અને વિડીયો ને પ્લે કરો “

પોલીસ સ્ટેશનમાં હાજર દરેકનું ધ્યાન હવે કોમ્પ્યુટર પર હતું જ્યાં પેન ડ્રાઈવનો વિડીયો પ્લે થવાનો હતો.

પેન ડ્રાઈવ ભરાવતા એમાં એક વિડીયો ફાઈલ હતી, દેસાઈએ એ વિડીયો ફાઈલ પર ક્લિક કરીને વિડીયો પ્લે કર્યો, જેવો વિડીયો પ્લે થયો કે પહેલો જ માણેકલાલનો બંગલો દેખાયો ’માણેકભવન’. માણેકભવન’ ને જોવો એ પણ એક લ્હાવો હતો. લોકો તો ’માણેકભવન’નો ફોટો પણ જુએ ને તો એને પોતાનુ સૌભાગ્ય સમજતાં હતા. પરંતું જેમ જેમ વિડીયો આગળ વધતો ગયો તેમ તેમ પોલીસસ્ટેશનમાં હાજર દરેકનાં ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. જાણે એવું કંઇક જોઇ જોઇ રહ્યા છે જે આજ સુધી પહેલાં ક્યારેય જોયું જ નથી. ’માણેકભવન’નો અદભુત નઝારો કોઇ અલગ જ દુનિયાનો અહેસાસ કરાવી રહ્યો હતો. જાણે કે ’માણેકભવન’ કંઇ કેટલાય રહસ્યો ધરબીને બેઠો હોય. અને બધા રહસ્યો એક પછી એક ખુલી રહ્યા હોય. વિડીયો ખરેખર ચોંકાવનારો હતો એ વાતની સાબીતી હતી ઇન્સ્પેક્ટર મહેતા અને બાકી તમામનાં ખળભળી રહેલા ચહેરા. હવે અનિકેતનો ચહેરો સાફ દેખાઇ રહ્યો હતો. પણ ચહેરો ખુબ જ ભયાનક અને વિકરાળ હતો. એના હાથમાં લાલ રંગની કંઇક વિચિત્ર વસ્તુ દેખાઇ રહી હતી. મહેતા સાહેબ એને ધ્યાનથી જોવા લાગ્યા. એ એક લાલ રંગની છડી હતી જેની ટોચ પર કાળા રંગનું વાઘનું માથું બનાવેલું હતું જેની ડાર્ક બ્લુ રંગની ઝગમગ થયા કરતી આંખો ખુબ જ ભયાનક લાગતી હતી. અનિકેત તીવ્ર ગતિથી માણેકલાલના રૂમ તરફ આગળ વધી રહ્યો હતો અનિકેત હવે એકદમ જ દોડતો સીડીઓ ઉપર ચઢીને સીડીની બાજુમાં આવેલ એક દિવાલ પાસે આવીને ઉભો રહી જાય છે અને કંઇક શોધવાનો પ્રયાસ કરે છે. અને પછી એક હળવું સ્મિત કરે છે જાણે એ જે શોધવા મથતો હતો એ એને મળી ગયુ હોય. દીવાલની બાજુમાં એક કલાત્મક ટેબલ અડકાવીને રાખેલું હતું એ ટેબલને ખસેડતા જ ટેબલની પાછળ એક કાળા રંગનુ એવુજ વાઘનું માથુ હતું જેવું અનિકેતેના હાથમાં રહેલી લાલ રંગની છડી પર હતું. અનિકેત એ વાઘના માથાની સામે પોતાની લાલ છડી ઉપરના એ વાઘના માથાને લાવે છે અને ત્યાં જ બન્ને વાઘની ડાર્ક બ્લ્યુ રંગની આંખો લાલ રંગમાં પરિવર્તિત થાય છે અને એક જોરદાર અવાજ થાય છે અને પછી ધીમે ધીમે દિવાલમાંથી એક રહસ્યમય દરવાજો ખુલે છે. દરવાજો ખુલતાં જ અનિકેત એક વિશાળ રૂમમાં પ્રવેશ કરે છે જ્યાં ભવ્યાતિભવ્ય આસન પર માણેકલાલ બેઠા હતા. અનિકેતનો વિકરાળ દેખાતો ચહેરો માણેકલાલ સામે જોઇને ગંદુ અટ્ઠાસ્ય કરે છે. પરંતુ જાણે માણેકલાલ પર એ અટ્ટહાસ્ય કંઇ જ અસર ન થઇ હોય એમ એકદમ શાંત અવસ્થામા અનિકેતની સામે જોઇ રહ્યા. ત્યાં જ અનિકેત હાથમાં રહેલી એ વિચિત્ર દેખાતી છડીને માણેકલાલની સામે ધરે છે ત્યાં જ ડાર્ક બ્લ્યુ રંગની આંખો લાલ રંગમાં પરિવર્તીત થઇને પહેલ કરતા પણ વધુ ભયાનક લાગવા માંડે છે. અને આંખો લાલ થતાં જ એમાંથી ઘણો જ વિચિત્ર અને ભયંકર આજ સુધી ક્યારેય સાંભળ્યો ના હોય તેવો અવાજ નિકળે છે માણેકલાલ એ અવાજ સાંભળતાં જ બંન્ને હાથ માથાં પર મુકીને જોર જોર થી બુમો પાડવા લાગે છે. અને જોત જોતામાં જ તેઓ એ જ આસન પર ઢળી પડે છે. અને ઢળતાં વેત જ એમનું મ્રુત્યુ થઇ જાય છે, ફરી એક વાર અનિકેતનો વિકરાળ ચહેરો એક ગંદુ અટ્ટહાસ્ય કરે છે. અને વિડીયો ત્યાં જ પૂરો થાય છે.

વિડીયો જોયા પછી દરેકનાં મનમાં કેટલાય પ્રશ્નાર્થચિન્હ ઉમેરાઇ ગયા. આ ચક્ક્રર આખરે છે શુ ? આવું કેવી રીતે શક્ય છે ? એવું લાગી રહ્યુ હતું કે જાણે કોઇ હોલીવુડ્ની ફિલ્મ કે ફિલ્મનું દ્રષ્ય ચાલી રહ્યુ હોય અને ઉપરથી લાલ છડી ? એવું તો શું હશે એ લાલ છડીમાં કે માણેકલાલની સામે લાવવાથી એના અવાજથી એમનું ખુન થઇ શકે ?

હવે શું કહેશો મહેતા સાહેબ ? હજું પણ તમને લાગે છે કે હું તમને મુરખ બનાવી રહ્યો છું ? વિચારમગ્ન વાતાવરણને ચિરતો અનિકેત બોલ્યો.

“ વિડીયો ચોંકાવનારો જરૂર છે અનિકેત પણ, એ સાચો છે કે ખોટો એ હજુ પુરવાર કરવાનું બાકી છે. અને એ પુરવાર થયા પછી સાબિત થશે કે તુ અમને મુરખ બનાવી રહ્યો છે કે પછી કોઇ તને મુરખ બનાવી રહ્યુ છે. ટેકનોલોજી ઘણી એડવાન્સ થઇ ગઇ છે. એવા કેટલાય સોફ્ટવેર માર્કેટમા ઉપલબ્ધ છે જેનાથી ગણતરીના કલાકોમાં તમે ઇચ્છો એવા વિડીયો બનાવી શકાય છે. તુ એક એન્જિનીયર છે એટલે વધુ સારી રીતે સમજી શકે છે. આથી ફોરેન્સિક લેબ જ્યાં સુધી એની સત્યતાને પુરવાર ન કરે ત્યાં સુધી કોઇ પણ જાતના નિર્ણય પર આવવું એ ઉતાવળ ગણાશે.” મહેતા સાહેબને વિડીયો હજુ પણ શંકાસ્પદ જણાતો હતો.

“ફોરેન્સિક લેબ” એક વૈચારીક સ્મિત કરતો અનિકેત ખુરશી પરથી ઉભો થયો, મહેતા સાહેબ સામે જોઇને બોલ્યો, ફોરેન્સિક લેબ પણ એને ખોટી સાબિત નહી કરી શકે, એ વિડિયોમાં મારો કોઈ ડુપ્લીકેટ નથી માટે એ કોઇના ભેજાની ઉપજ નથી અને કોઇ સોફ્ટવેરની કમાલ પણ નથી. એ વિડીયોમાં હું અને માત્ર હું જ છું અને મારા હાથે જ માણેક્લાલનું ખૂન થાય છે, એ વિડિયોનું એક એક દ્રષ્ય સાચું છે. જે પુરવાર થઈને રહેશે. અને…અને…

અનિકેત શુ થઇ રહ્યુ છે તને. તુ બરાબર તો છે ને

અને………અને……….. અનિકેત બંન્ને હાથ માથા પર મુકીને જોરથી દાબવા લાગે છે, જાણે માથામાં કોઈ દુખાવો થતો હોય પછી જોરથી એક ચીસ પાડી ઉઠે છે.

અનિકેત…અનિકેત... શું થઇ રહ્યું છે તને, તુ ઠીક તો છે ને અનિકેત

અચાનક જ અનિકેત જ્યાં ઉભો હતો ત્યાં જ ફસડાઇ પડ્યો. અને પડતા વેંત જ બેહોશ થઇ ગયો.

અનિકેત..અનિકેત…કોન્સ્ટેબલ યાદવ અનિકેતને હોશમાં લાવવાનો પ્રયાસ કરતા હતા. “અચાનક શું થઇ ગયું આ છોકરાને ? હમણા તો પુરેપુરો સ્વસ્થ હતો”

યાદવ એને ગમે તેમ કરીને હોશમાં લાવો એનું હોશમાં આવવું ખુબ જ જરૂરી છે. ઇન્સ્પેક્ટર મહેતા હવે અનિકેતની બાબતને ગંભિરતાથી લઇ રહ્યા હતા

ત્યાં જ ટેલીફોનની ઘંટડી વાગે છે. “હજું તો એક પ્રોબ્લમની શરૂઆત થઇ છે ત્યાં કોઇ બીજી……..” કોનો ફોન હશે સવાર સવારમાં, મહેતા મનોમન બબડ્યા

“એસ. પી રાઠોડ હિયર” ફોન રિસીવ કરતાં જ સામે છેડેથી એક બુલંદ અવાજ આવ્યો

“ગૂડ મોર્નીંગ સર”

“ગૂડ મોર્નીંગ મહેતા”, “અત્યારે ૭:૩૦ વાગ્યા છે તમારા પોલીસ સ્ટેશનથી મારા ઘર સુધીનું અંતર ૨૦ મિનિટનું છે. એક ખુબ જ ઇમ્પોર્ટન્ટ કેસ વિશે તમારી સાથે ડિસ્કશન કરવાનુ છે. તો ઠીક ૮:૦૦ વાગે હું તમને મારા ઘરે મળવાનું પસંદ કરીશ. અશા રાખું છુ, તમે મોડા નહી પડો.” સાવ ટૂકુંને ટચ, મુદ્દા પર મુદ્દાની વાત, ટાઇમ લીમીટ પણ આપી દીધી અને ઓર્ડર પણ, આ જ તો ખાસીયત હતી એસ. પી. બલભદ્રસિંહ રાઠોડની

“ઓ.કે સર હું ઠીક ૮:૦૦ વાગે પહોંચી જઇશ” એસ પી રાઠોડ જ્યારે કોઇ પણ ઇમ્પોર્ટન્ટ કેસ વિશે વાત કરી રહ્યા હોય ત્યારે એમની વાતને વચ્ચેથી કાપવી કે પછી કોઇ પણ જાતનો સવાલ પૂછવો એ એમને પસંદ નહોતું એટલે જ આમ અચાનક યાદ કરવાનું કારણ પૂછવાનું ઇન્સ્પેક્ટર મહેતાએ માડી વાળ્યુ. “સર મારે પણ તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ ડિસ્કશ કરવાની છે. જેના માટે હું તમને મળવા અંગે વિચારી રહ્યો હતો”

“હા, હા જરૂર મિ. મહેતા, ઠીક ૮:૦૦ વાગે” એટલું બોલીને રાઠોડ સાહેબે ફોન મુકી દીધો.

એવી ત શું વાત હોઇ શકે છે કે એસ.પી. સાહેબે આમ સવારના ૮ વાગે એ પણ એમના ઘરે બોલાવ્યો હશે, જ્યા સુધી હું જાણુ છુ ત્યાં સુધી રાઠોડ સાહેબ કેશ વિશેની કોઇ પણ વાત ઘરે ડિસ્કશ નથી કરતા. તો પછી આજે ? અને એ પણ આમ અચાનક ?

સાહેબ, આ છોકરો ભાનમાં નથી આવી રહ્યો “કોન્સ્ટેબલ દેસાઇએ મહેતા સાહેબના વિચારોને વચ્ચે તોડતા બોલ્યા”

એક કામ કરો દેસાઇ એમ્બ્યુલન્સને ફોન કરો પરિસ્થીતી વધુ વણસે એ પહેલા આ છોકરાને તાત્કાલિક હોસ્પીટલાઇઝ કરવો પડશે. તમે બન્ને અનિકેતની સાથે હોસ્પિટલ જાઓ અને જેવો એ ભાનમાં આવે કે તરત જ મને ઇન્ફોર્મ કરજો. હું એક ઇમ્પોર્ટન્ટ કેશ વિશે ડિસ્કશ કરવા માટે એસ. પી સાહેબના ઘરે જઇ રહ્યો છું પણ ધ્યાન રહે કોન્સ્ટેબલ દેસાઇ અને યાદવને ચેતવતા મહેતા સાહેબ બોલ્યા તમારી કોઇ પણ જાતની ગફલત અનિકેતને ભારે પડી શકે છે. તો સાવધાન રહેજો. કંઇ પણ શંકાસ્પદ જણાય તો મને જાણ કરજો.

“જી સાહેબ” બન્ને એક સાથે બોલ્યા

પણ એ શબ્દો મહેતા સાહેબના કાને અથડાય તે પહેલા સડસડાટ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી ગયા. ડ્રાઇવરને ઇશારો કર્યો અને બન્ને જણા સરકારી વાહન “પોલીસ જીપ” માં ગોઠવાઇ ગયા. “અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનો એક જ વિષય છે “માણેકલાલ”. એસ.પી સાહેબ જે ઇમ્પોર્ટન્ટ કેસની વાત કરી રહ્યા છે તે માણેકલાલ વિશે તો નહી હોય ને ? આજ સુધી ક્યારેય એસ. પી સાહેબનો આ રીતે ફોન આવ્યો નથી. તો પછી એવો કેવો ઇમ્પોર્ટન્ટ કેસ હશે કે આમ અચાનક જ મને એમના ઘરે બોલાવ્યો હશે ? સવાલો ઘણા હતા અને એનો જવાબ માત્ર એસ પી સાહેબ જ આપી શકે એમ હતા. સવારથી ચકરાવે ચડેલા મહેતા સાહેબ હવે વિચારોમા ખોવાઇ ગયા હતા અને ગાડી પુર ઝડપે એસ. પી. સાહેબના ઘર તરફ આગળ વધી રહી હતી

(ક્રમશ)