સફરમાં મળેલ હમસફર - ભાગ - ૩૩ Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફરમાં મળેલ હમસફર - ભાગ - ૩૩

સફરમાં મળેલ હમસફર
ભાગ-૩૩
લેખક-મેર મેહુલ
      અમદાવાદથી કચોટીયા આવતાં સમયે રુદ્રની મુલાકાત સેજુ સાથે થાય છે. આગળ જતાં બંનેની મંજિલ એક છે તેવું માલુમ પડે છે.કચોટીયાનો રહસ્યમય ઇતિહાસ જાણી રુદ્રની જિજ્ઞાસાવૃત્તિ જાગી ઉઠે છે. સાથે સેજુ માટે પોતે કુણી લાગણી ધરાવે છે એ વાત શાળામાં બનેલી ઘટના પરથી રુદ્રને માલુમ પડે છે.રુદ્ર પોતાની સાહસિક કથાઓ વાંચવાની આદતને કારણે કચોટીયાના ઇતિહાસ પરથી પોતે નવું સાહસ ખેડવા તૈયાર થાય છે.
         પહેલી કડી મળ્યા બાદ જ્યારે શુભમ અને રુદ્ર નાના સાહેબ પેશ્વાના સ્ટેચ્યુ પાસે બેઠાં હોય છે ત્યારે શુભમ પોતાની કહાની રુદ્રને સંભળાવે છે.હવે આગળ..
       એ પુરી રાત મેં કરવટ બદલવામાં પસાર કરી હતી.જ્યોતિ સાથે શું થયું હશે એ વિચાર મને સુવા નહોતો દેતો. થોડી મિનિટોમાં તો મને હજારો અમંગળ વિચારો આવી ચુક્યા હતા.મને કૉલ કરવાની ઈચ્છા થઈ અને મેં મોબાઈલ હાથમાં પણ લીધો હતો.જો મોબાઈલ તેના ભાઈ પાસે હશે તો શું  થશે એ વિચારીને મેં કૉલ કરવાનું માંડી વાળ્યું હતું.
      જ્યારે રાત્રે બે વાગ્યે મારું સબર તૂટ્યું ત્યારે ડરતાં ડરતાં મેં કૉલ કરેલો.જ્યારે મોબાઈલ સ્વિચ ઑફ આવ્યો ત્યારે હું વધુ ડરી ગયો હતો. મારા માટે એક એક પળ કલાકો જેમ પસાર થતી હતી.મેં સ્વપ્નેય નહોતું વિચાર્યું કે ત્રણ કલાક પહેલાં જ શરૂ થયેલી મારી આ સ્ટૉરી અહીં આવી અટકી જશે.ડિપ્રેશનમાં આવી હું રડવા લાગ્યો.
    થોડીવાર પછી તેનો મૅસેજ આવ્યો,બધું બરાબર હતું. ભાઈ આવી ગયો હતો અને એ જ સમયે મોબાઈલ પણ સ્વિચ ઑફ થઈ ગયો હતો.મેં હાશકારો અનુભવ્યો.તેણે મોબાઈલ સ્વિચ ઓન કરી મને મૅસેજ કરવો જોઈતો હતો.મને તેના પર ગુસ્સો આવતો હતો.હવે વાત થાય એટલે તેને બધું કહેવું હતું પણ જ્યારે બીજીવાર વાત થઈ ત્યારે તેનું બીજું રૂપ જ મારી સામે આવ્યું.સ્ટડી અને ફેમેલીને લઈને એ સીરીયસ હતી.અમારી રિલેશનને કારણે તેને સ્ટડીમાં પ્રોબ્લેમ નહી થાય એવી મેં બાંહેધરી આપી.
        દિવસો પસાર થતાં રહ્યા સાથે અમારી વાતો પણ વધતી રહી.જેમ છોડ વૃક્ષ બની પરિપક્વતા ધારણ કરે છે તેમ એક વર્ષમાં અમારો આ સંબંધ પણ પરિપક્વ બન્યો હતો.અમે એકલતા માણી, ગ્રુપમાં પણ અમે સાથે ફરવા ગયા હતા. બારમાં ધોરણના વેકેશનમાં અમે સાથે DRF જોઈન કર્યું.ત્યાં પણ અમે લોકો સાથે લંચ કરતાં.
       કોલેજ શરૂ થવાને હજી એક મહિનો બાકી હતો. એડમિશનની પ્રોસેસ શરૂ થઈ ગઈ હતી.અમે લોકોએ એક જ કોલેજમાં એડમિશન લેવાનું નક્કી કર્યું હતું જ્યારે સંદીપ અને જે.ડી. અમદાવાદ આવવાના હતા.બધું બરાબર ચાલતું હતું.એક દિવસ અચાનક રાત્રે તેનો કૉલ આવ્યો.
“શુભમ આપણે ખોટું કરીએ છીએ”જ્યોતિ રડતી હતી.તેના ડૂસકાં હું સાંભળી શકતો હતો.
“પણ શું થયું?,કેમ અચાનક આવી વાતો કરે છે?”મેં પણ ગભરાઈને પૂછ્યું.
“બસ હું હવે સાથે નહિ રહી શકું,મારે મમ્મી-પપ્પા, દાદા-દાદી અને પરિવારનું જોવાનું હોય છે”તેના શબ્દોમાં પરિવર્તન હતું.આજ સુધી મેં કોઈ દિવસ આવા શબ્દો નહોતા સાંભળ્યા. તેનું બારમાંનું રિઝલ્ટ પણ સારું આવ્યું હતું જ્યારે હું મહામહેનતે પાસ થયો હતો.
“હું ક્યાં તને રોકું છું?, તું તારા પરિવાર માટે કંઈક કરવા ઈચ્છે છે તો હું ખુશ થઈશ”ગળગળા અવાજે મેં કહ્યું.મારાં મોંમાં ડૂમો બાજી ગયો હતો.
“એવું નથી શુભમ,તું સમજને યાર.આગળ આપણું કોઈ ભવિષ્ય નથી.તારી કાસ્ટ જુદી છે.તારાં સપનાં જુદાં હશે.હું તને અડચણરૂપ બનવા નથી ઇચ્છતી”
“તું કેમ આવું બોલે છે?,ભલે બંનેના સપનાં જુદાં જુદાં હોય પણ આપણે સાથે રહેવાનું નક્કી કર્યું હતું.તે કહ્યું હતું કે આગળ જઈ મારે તારા બધાં નખરા ઉઠાવવાના છે અને હું એ માટે તૈયાર પણ થઈ રહ્યો છું”
“એ બધી વાત સાચી.ત્યારે મેં નાદાનીમાં અને આવેશમાં આવીને ઘણુંબધું કહ્યું હશે.પણ હાલ હું સ્વસ્થ છું અને તું ખુશ રહે એ માટે જ હું તારાથી દૂર થવા ઈચ્છું છું”
“તારાથી દૂર રહી હું ખુશ રહી શકીશ?”
“શરૂઆતમાં તકલીફ પડશે પણ તું ટેવાઈ જઈશ”
“આવું ના કર જ્યોતિ પ્લીઝ”હું પણ રડવા લાગ્યો હતો.
“બાય શુભમ,ખૂબ આગળ વધજે લાઈફમાં”
       જ્યોતિનો કૉલ કટ થઈ ગયો.હું શૂન્યાવકાશ થઈ ગયો.થોડી ક્ષણોમાં મારી સાથે શું થઈ ગયું એ મને નહોતું સમજાતું.હું માથું પકડીને રડતો રહ્યો.મોડી રાત સુધી. આખરે મેં પણ જ્યોતિનો નિર્ણય માની લેવા મન બનાવી લીધું.
*
      પછીના દિવસે સાંજે નવ વાગ્યે જ્યોતિનો કૉલ આવ્યો.એ છેલ્લીવાર મને મળવા ઇચ્છતી હતી.રાત્રે અમે કોઈ દિવસ ના મળતાં. આજે પહેલીવાર તેણે મળવા કહ્યું.કંઈક અજુગતું બનશે તેના ભણકારા મને પહેલેથી સંભળાવા લાગ્યા હતા.પહેલાં મેં ના કહ્યું પણ છેલ્લે તેને તાબે થઈ અમે સ્કૂલની પાછળ મળવાનું નક્કી કર્યું.
      રાતના નવ વાગ્યે હું સ્કૂલ પાછળ જઈ બેઠો હતો.આ એવો સમય હતો જ્યારે ગામની સ્ત્રીઓ પોતાનાં ઘરકામમાં વ્યસ્ત હોય અને પુરુષો મંડળી જમાવી બેઠાં હોય.થોડીવાર પછી જ્યોતિ પણ દબેપાવ આવી.એ બ્લૂ ડ્રેસમાં હતી.મારો આ ફેવરિટ રંગ છે એ વાત જ્યોતિ જાણતી હતી.
        આવીને એ મારી પાસે બેસી ગઈ અને રડવા લાગી.શરૂઆતમાં મેં તેને સાંત્વના આપી અને પછી આવું કરવાનું કારણ પૂછ્યું.
“હું તારા અને મારા ભવિષ્ય માટે આ કરી રહી છું શુભમ”તેણે નમ આંખોએ કહ્યું.
“જુદાં રહીશું તો આપણું ભવિષ્ય જ નહિ રહે”
“એ બધી કહેવાની વાતો છે.હકીકત તો એ જ છે કે થોડાં દિવસ પછી તું તારી મંજિલના રસ્તે ચાલીશ અને હું મારી.”
  મેં તેની ભુરી માંજરી આંખોમાં નજર કરી,“તે કંઈ નક્કી કર્યું છે?”મેં એક આંખ ઉંચી કરીને પૂછ્યું, “મેં તો મારી મંજિલ તારી સાથે નક્કી કરી હતી”
“શુભમ….!!”તેણે ભવા ચડાવી ખભો ઉછાળ્યો.
“શું.??”મેં પણ બંને હાથ ઊંચા કરી હવામાં ઉછાળ્યા, “તું એક દિવસમાં એમ કહી દે કે મારી લાઈફમાંથી તારા નામનો ઉલ્લેખ દૂર કરી દઉં તો એ શક્ય નથી. મેં બધી જ જગ્યાએ તારું નામ જોડી દીધું છે અને મારા માટે એ કહેવાની વાત નથી. મારા માટે બધું મુશ્કેલ છે”
“મુશ્કેલ તો મારા માટે પણ છે જ.તો પણ હું કરી રહી છું ને”તેણે નજર બાજુમાં રહેલાં ગુલાબનાં છોડ પર સ્થિર કરી.
“તું ડરી ગઈ છે અથવા કોઈની વાતમાં આવીને તું આવી વાતો કરે છે જ્યોતિ”આખરે મને જે લાગતું હતું,મારી અંદર જે ચાલી રહ્યું હતું એ મેં કહી દીધું.
       એ ફરી રડવા લાગી.મારા ખભે માથું રાખી,મારા હાથમાં એક હાથ પરોવી એ રડતી જતી હતી.મને વિચાર આવ્યો.છોકરીઓ આવી જ હોતી હશે?,પોતાની પાસે કારણ ના હોય ત્યારે રડીને,હૂંફ માંગીને વાત બદલી નાખવાની.
         એક ક્ષણ માટે મેં તેને દૂર કરી દીધી.
“રડવાથી પ્રૉબ્લેમ સોલ્વ નથી થતી.આજ સુધી મેં તારી બધી વાતોને માન આપ્યું છે અને આગળ પણ આપતો રહીશ.હું તો બસ એટલું જ કહેવા ઈચ્છું છું કે તું જે પણ નિર્ણય લે એ સમજી વિચારીને લે”
“નિર્ણય લેવાઈ ગયો શુભમ,આજ પછી આપણે નહીં મળીએ.હું ગર્લ્સ કૉલેજમાં એડમિશન લઇ લઈશ. તું પણ સારી કૉલેજમાં ફોર્મ ભરી દે”
“હું મારું ફોડી લઈશ,તું જઈ શકે છે”મેં ગુમાનથી કહ્યું.
“જશે ક્યાં હજી તો બધું કામ બાકી છે”સ્કૂલના પાછળના દરવાજે ઊભેલાં તળશીદાદાએ ગુસ્સામાં કહ્યું.
“દાદા??”જ્યોતિ ઉભી થઇ ગઇ.હું પણ.
“ચાલ મારી સાથે”જ્યોતિનો હાથ ઝાલી એ ચાલવા લાગ્યા.
“દાદા મારી વાત સાંભળો”જ્યોતિ તેઓની સામે કરગરી રહી હતી.હું ત્યાં જ થીજી ગયો.શું કરવું એ મને સમજાતું નહોતું.મારા હાથ પગ ધ્રુજતા હતા.ઉભા થઇ મારે જ્યોતિના દાદાને રોકવા હતા.પણ કોઈ અપરાધીની જેમ હું ત્યાં ઉભો રહ્યો.
“તું પણ ચાલ”મારી સામે લાલ આંખ કરી તેઓએ મને સાથે ચાલવા ઈશારો કર્યો.
       અડધી કલાક પછી અમે બંને પંચ સામે ઊભા હતા.મારી સામે પપ્પા હતા.તેઓની બાજુમાં મમ્મી સાડીનો છેડો મોંમાં ચાવતાં બેઠાં હતાં.
“મહેશ, તારા દીકરાએ અને મારી દીકરીએ ભૂલ કરી છે, તું પંચનો નિયમ જાણે છે.તારો દીકરો જેટલો અપરાધી છે,મારી દીકરી પણ એટલી જ સહભાગી છે.પંચનો જે નિર્ણય હશે આપણે આખરી નિર્ણય રાખવો પડશે”તળશીદાદાએ હોકલી સળગાવી વાત શરૂ કરી.તેઓને મત અમે અપરાધી હતા. શું પ્રેમ કરવો અપરાધ છે??
      થોડીવાર પાંચ લોકો વચ્ચે ચર્ચા થઈ.આ પાંચ મિનિટમાં મારા ભવિષ્યનો ફેંસલો થયો.જે અપરાધ મેં નહોતો કર્યો તેની મને સજા મળી.મને પછીના દિવસે અમદાવાદ મોકલવાનું નક્કી કર્યું.હું હવે આ ગામમાં રહી નહિ શકું.સાથે મારો અને જ્યોતિનો મોબાઇલ પણ છીનવી લીધો.વાત મારા ધાર્યા કરતાં વધુ વણસી હતી.એ સમયે ચૂપ રહેવાનું જ મેં મુનાસિફ સમજ્યું.
      ત્યારબાદ હું અમદાવાદ આવી ગયો.મારા પપ્પા દારૂના રવાડે ચડેલા હતા તેને વેગ મળી ગયો.ગામના પંચે માત્ર સરપંચ વિશે વિચાર્યું.મારા વિશે અથવા મારા પરિવાર વિશે કોઈએ એક પણ વિચાર ના કર્યો.
***
 “હું ગુમસુમ રહું છું, મને કચોટીયા નથી પસંદ તેનું બસ આ જ કારણ છે.”શુભમે ટટ્ટાર થતાં કહ્યું.રુદ્ર અને શુભમ નાના સાહેબ પેશ્વાના સ્ટેચ્યુ પાસે બેન્ચ પર બેઠાં હતાં.
“એ દિવસ પછી તારી અને જ્યોતિ વચ્ચે વાત થઈ?”રુદ્રએ ગમગીન અવાજે પૂછ્યું.તેનો ચહેરો ઉતરી ગયો હતો.
“અમારી બંને પાસેથી મોબાઈલ છીનવી લેવામાં આવ્યા હતા.ત્યારપછી અમારી વચ્ચે વાત જ નથી થઈ.મને એ વાતનું દુઃખ નથી..દુઃખ તો એ વાતનું  છે કે..”શુભમે બે હાથ વચ્ચે પોતાનો ચહેરો છુપાવી લીધો અને નીચે તરફ ઝૂકી ગયો, “આ ઘટના પછી જ્યોતિનું ભણવાનું છૂટી ગયું.તેના દાદાએ એક મહિના સુધી તેને હવેલીમાં કેદ કરી રાખી હતી”
“ખોટું થયું તમારી સાથે દોસ્ત”રુદ્રએ શુભમના ખભે હાથ રાખી ખભો દબાવ્યો, “દુનિયામાં આવા લોકો પણ જીવે છે તેની મને આજે જાણ થઈ.હું તો પ્રેમને જુદાં જ દ્રષ્ટિકોણથી જોતો હતો.પણ આ લોકોએ ફરી એકવાર સાબિત કરી દીધું કે આપણા પૂર્વજો પ્રેમને નથી સમજી શક્યા”
“આપણે કંઈ નથી કરી શકતા.માત્ર પ્રેક્ષક બની જઈએ છીએ.”શુભમે નિસાસો નાખીને કહ્યું.
“કોણે કહ્યું આપણે કશું નથી કરી શકતા?,માણસ ધારે તો બધું જ કરી શકે છે.જો ગાંધીજી આવી રીતે વિચારીને બેસી રહ્યા હોત તો આજે આપણે જે આઝાદીથી શ્વાસ લઈ રહ્યા છીએ એ શક્ય ના બન્યું હોત, જો સરદાર વલ્લભભાઈ પટેલ હાથ પર હાથ રાખીને બેસી રહ્યા હોત તો આજે દેશ એક ના થયો હોત?”
“આપણાથી આ નક્શાની એક કડી નથી મળતી,તો આ લોકોનું માનસ કેવી રીતે બદલી શકવાના?,રુદ્ર...કેટલીકવાર માણસના હાથ બંધાઈ જતા હોય છે.જેમ દ્રૌપદીના ચીરહરણ સમયે પાંડવો માટે કશું કરવું શક્ય નહોતું એવી જ રીતે મારા હાથ પણ બંધાઈ ગયા છે”
       શુભમે પોતાની કહાની પાંડવોની કહાની સાથે સરખાવી એ નિખાલસ વાત પર રુદ્ર હસી પડ્યો.તેણે શુભમનો ખભો થપથપાવ્યો અને શુભમની દાઢી પકડીને કહ્યું, “મારા વ્હાલા ઘણીવાર લાઈફમાં જેવું દેખાઈ છે એવું નથી હોતું.તને એવું લાગે છે ને કે બધા પાસા તારી વિરુદ્ધમાં જ ફેંકાય છે.ચાલ હું તને બાંહેધરી આપું છું કે જ્યોતિના લગ્ન તેના દાદાએ નક્કી કર્યા એ જગ્યાએ નહીં થાય.તું જ્યોતિ માટે યોગ્ય છે એ વાત સાબિત કરી આપજે એટલે તારા બધા પ્રૉબ્લેમ સોલ્વ”
“જો એવું થયું તો હું તારો ગુલામ બની જઈશ”શુભમે છાતીમાં હવા ભરી.અજાણતા જ તેનામાં ગજબની સ્ફૂર્તિ આવી ગઈ.એ જ્યોતિની વાતને લઈને હતી કે બીજું કંઈ એ સમજવું તેના માટે મુશ્કેલ હતું.
“મારે તને એક વાત કહેવી છે દોસ્ત”રુદ્રએ ગહન વિચાર કરીને પોતાની વાત રજૂ કરી.
“બોલને શું વાત હતી?”
“આપણે મારી જિજ્ઞાસા માટે આ ખજાનાની પાછળ પડ્યા એ વાત ખોટી છે.તારી વાત સાંભળીને મને એવું લાગે છે કે મારા ત્રણ દિવસ મેં બરબાદ કરી દીધા છે. હવે હું એવું ઈચ્છું છું કે બાકી રહેલા દિવસો આ ખજાના પાછળ ન વેડફતા આપણે સાથે મળીને તારી પ્રોબ્લેમ સોલ્વ કરીએ.”
“તું અહીંયા ક્યાં કારણથી આવ્યો એ મને ખબર છે અને મારા માટે તારું કારણ બદલાય એવું હું નથી ઇચ્છતો.તને તો આજે મારી પ્રોબ્લેમ ખબર પડી. એ પહેલાં પણ હું સંઘર્ષ કરતો જ હતો.તો કોઈ પણ પ્રકારના નાટક વિના તારી જિજ્ઞાસાવૃત્તિને પોષવામાં ધ્યાન આપ”
“મેં તને હમણાં શું કહ્યું? લાઈફમાં જેવું દેખાય એવું હકીકતમાં નથી હોતું.હું જ્યારે તને હકીકત જણાવીશ ત્યારે તારી આંખો પહોળી થઇ જવાની છે.”રુદ્રએ શુભમને ખેંચીને ઉભો કરતાં કહ્યું, “આપણે સવારના કંઈ જમ્યા નથી.હું તારા મમ્મીના હાથનું બનાવેલું ભોજન જમવાનું પસંદ કરીશ.મારા પેટમાં ઉંદર કૂદે છે”રુદ્રએ પેટ પર હાથ ફેરવી ઈશારો કર્યો.
“મારા મમ્મીના હાથમાં જાદુ છે”શુભમે બત્રીસી બતાવતાં કહ્યું.
“મને જાદુ પહેલેથી પસંદ છે, મેં કોઈ મિલ ગયા દસ વાર જોયું હશે”બંને હસી પડ્યા.રુદ્રએ બહાર આવી બાઇક સ્ટેન્ડ પરથી ઉતાર્યું એટલામાં તળશીભાઈ જીણા પાછળ બાઇકમાં જતાં દેખાયા.
“જો મારા પ્રેમનો દુશ્મન”શુભમે દાંત ભીંસી તળશીભાઇ તરફ ઈશારો કર્યો.
“બધી સ્ટોરીમાં એક વિલન હોવો જરૂરી છે. વિલન વિનાની સ્ટૉરી મીઠાં વગરની રસોઈ જેવી લાગે છે”રુદ્રએ કિક મારી એટલે અવાજ સાથે બાઇક શરૂ થઈ.બંને કચોટીયાના રસ્તે ચડી ગયા.
***
“મને એ વાતની જાણ હતી જ પણ મને લાગ્યું તું અને શુભમ સારા મિત્રો છો એટલે તને ખબર હશે”સેજુએ રુદ્રના બંને હાથ પોતાનાં હાથમાં રાખ્યા હતા.સાંજ ઢળી ગઈ હતી અને પહેલાં પહોરની શરૂઆત થતી હતી.સેજુ અને રુદ્ર હવેલીની અગાસી પર બેઠાં હતાં.જેમ જેમ સેજુ અને રુદ્રની વાતો આગળ વધતી હતી તેમ તેમ સેજુની પકડ મજબૂત થતી જતી હતી.રુદ્રએ જ્યોતિ વિશે સેજુને વાત કરી હતી એટલે બંને વચ્ચે એ વિષય પર વાત થતી હતી.
“જ્યોતિની માનસિકતા એ સમયે કેવી હતી?કેમ અચાનક તેણે શુભમને એવું કહ્યું હતું?”રુદ્રએ પૂછ્યું.
“હું આજ સુધી જ્યોતિને સમજી નથી શકી.તેના વિચારો એક મિનિટમાં બદલાય જાય છે. કોઈની વાતો સાંભળી એ પ્રોત્સાહિત થઈ જાય છે તો ક્યારે હતાશા તેને ઘેરી વળે છે.ત્યારે શું થયું એ મને ખબર નથી પણ હું એટલું ખાત્રી પૂર્વક કહી શકું કે જ્યોતિનો પ્રેમ સાચો હતો.શુભમના ગયાં પછી તેણે કોઈ છોકરા વિશે વિચારવાનું તો દૂર,કોઈ છોકરા સામે નજર ઊંચી કરીને પણ નથી જોયું.અત્યારે આ લગ્ન પણ તેની મરજી વિરુદ્ધ થઈ રહ્યા છે.”સેજુ એક શ્વાસે બોલી ગઈ.
“મને તારા પરિવાર વિશે જણાવ”
“કેમ તને મારા પરિવારમાં શું રસ છે?”સેજુએ એક નેણ નચાવ્યો.
રુદ્રએ સેજુને પોતાના તરફ ખેંચી, “ભવિષ્યમાં મારે તારા પરિવાર સાથે સંબંધ બાંધવાના છે.હું એવું ઈચ્છું છું કે એ પહેલાં બધાના સ્વભાવ વિશે હું માહિતગાર થઈ જાઉં”
“ઓહ..અચ્છા…એવું?”સેજુ શરમાઈ ગઈ.
“મારા ભાઈઓ વિશે તો તને ખબર જ છે.બાકી જે.ડી.ની ત્રણ બહેનોમાંથી જ્યોતિ સ્વભાવે થોડી ગંભીર છે.રીંકલ અને કાજલ સ્વભાવે ચંચળ છે.કોઈની સાથે વાત કરવામાં તેઓને જરા પણ સંકોચ નથી થતો.બંને આધુનિક વિચારસરણી ધરાવે છે પણ ઘરનો માહોલ એવો છે કે બંને જેલમાં હોય એવું અનુભવે છે”
“મોટાં સદસ્યો?”
“મારાં પપ્પાને અમદાવાદમાં સાડીઓનો મોટો બિઝનેસ છે.જે.ડી.ના પાપા કચોટીયા ગામના મોટા ખેડૂત છે.તેઓ સિહોરમાં સવારે ભરાતી શાક-માર્કેટમાં દલાલ છે.પોતાનાં જ ખેતરમાં પાકેલા શાકભાજી એ માર્કેટમાં વેચે છે.દલાલી સાથે તેઓને ઉપરનો નફો પણ મળે છે.”
“તારા દાદા વિશે જણાવ”રુદ્રએ સેજુની વાત કાપી કહ્યું.
“ઉતાવળ શાની છે? ધીરજ રાખ.બધા વિશે જણાવું છું”સેજુએ સહેજ નાખુશ અને ગુસ્સા ભર્યા અવાજે કહ્યું.
“અચ્છા સૉરી બાબા,ચાલ તું શરૂ રાખ”
“મારા દાદા છેલ્લાં દસ વર્ષથી ગામના સરપંચ છે.પહેલાં ગામનું કોઈપણ કામ દાદા વિના થતું નહિ.તેઓની સેવાભાવી વૃત્તિને કારણે ગામના લોકોએ તેઓને સરપંચ બનવાની સલાહ આપી હતી.સરપંચ બન્યા પછી પણ તેઓની સેવાભાવી વૃત્તિમાં વધારો થતો રહ્યો.તેઓ હંમેશા કહે છે ‘ગામની ધરોહર સાચવવા હું કંઈ પણ કરી શકું,કચોટીયા ગામે મને ઘણુંબધું આપ્યું છે, હું ગમે એટલું કરું પણ આ ગામનું ઋણ અદા નથી કરી શકવાનો”
“તારા દાદા અંધશ્રદ્ધામાં માને છે ને?”રુદ્રએ પૂછ્યું.
“આપણે જેને અંધશ્રદ્ધા કહીએ છીએ તેઓ તેને શ્રદ્ધા કહે છે, તેઓના મત આપણાં બધા જ કામો ભગવાનને આભારી છે.આપણે હંમેશા તેઓનો આભાર માનવો જોઈએ”
“તારા દાદાના વિચારો ઉમદા છે”રુદ્રએ સેજુના માથે વહાલથી ચુંબન કર્યું.
“હવે મને તારા ઘર વિશે જાણવાની ઈચ્છા થઈ છે”સેજુએ રુદ્રના ખભે બંને હાથ રાખી દીધા.
“મારા ઘરમાં…હું મમ્મી-પાપા,દાદા-દાદી.મારા દાદા મને કહેતાં કે મારા પપ્પા ઘર છોડી મુંબઈ ચાલ્યા ગયાં હતાં.મમ્મી તેઓને ત્યાં જ મળ્યા હતા.તેઓનું સફર જાણવા જેવું છે. જ્યારે મારા દાદાએ પપ્પાને લગ્ન માટે છોકરી જોવા જવા માટે કહ્યું ત્યારે પપ્પા ઉદાસ થઈને દાદાની મરજીથી ગયા હતા.પપ્પાના આશ્ચર્ય વચ્ચે તેઓ મમ્મીને જ જોવા ગયાં હતાં. તને એક રહસ્યની વાત કહું,મારુ નામ મમ્મી-પપ્પાના લગ્ન પહેલાં જ નક્કી થઈ ગયું હતું.”રુદ્રએ હસીને કહ્યું.
“વાહ,તું તો નસીબદાર છે.અમારે અહીં છોકરી આવે એટલે ‘પથ્થર આવ્યો’એવું કહે”
“આપણે એ વિચારસરણી બદલવાની છે.જો તું સાથ આપીશ તો આપણે બધું બરાબર કરી દઈશું”રુદ્રએ પોતાનો એક હાથ સેજુ તરફ લંબાવતા સેજુની આંખોમાં આંખ પરોવી.
“હું હંમેશા તારો સાથ આપીશ રુદ્ર”ચહેરા પર સ્મિત સાથે સેજુએ રુદ્રના હાથમાં હાથ રાખી દીધો.
“તો મારી વાત સાંભળ,આપણે જ્યોતિના લગ્ન નથી થવા દેવાના.એના માટે એક કારણ અને એક તરકીબ મારી પાસે છે.”રુદ્રએ આંખ મારી કહ્યું, “કાન આ બાજુ લાવ”
      રુદ્રએ સેજુના કાનમાં થોડી વાતો કહી.રુદ્રની વાત સાંભળી સેજુ ઉશ્કેરાઈ ગઈ.
“શું બકે છે?,શુભમની વાત તો સમજ્યા પણ આ વાત?,તું શું બોલી રહ્યો છે એનું ભાન છે ને તને?”
“સેજુ..”રુદ્રએ ફરી સેજુના બંને હાથ પોતાનાં હાથમાં લીધા અને પોતાનું માથું સેજુના કપાળે ટેકાવી દીધું, “મેં તને ક્યારે આ વાત કહી હોય?જ્યારે હું અને તું માંથી આપણે સમજવા લાગ્યો હઈશ ત્યારે જ ને?,મારા માટે તું માત્ર ગર્લફ્રેંડ નથી.તું હવે મારી હમસફર બની ગઈ છે અને હું ઈચ્છું છું કે તું આ સફરમાં તું મારી સાથે રહે”
      સેજુની આંખો ભીંની થઈ ગઈ હતી.
“તારી વાત સમજુ છું પણ મારા પરિવાર વિરુદ્ધ કેમ જઈ શકું?”
“સેજુ…હું તને પરીવાર વિરુદ્ધ જવાનું નથી કહેતો.હું તો માત્ર એટલું કહું છું કે જે સત્ય છે એ સત્ય છે.તું માત્ર સત્યનો સાથ આપ.જ્યારે તને એવું લાગે કે હું ખોટો છું ત્યારે મને લાત મારીને તું જઈ શકે છે”રુદ્રએ ગંભીર અવાજે કહ્યું.
“કેવા ભંવરમાં ફસાવે છે તું?,તારા વિરુદ્ધ પણ નથી જઈ શકતી અને પરિવાર વિરુદ્ધ પણ….હું શું કરું યાર??”
“મેં કહ્યું ને,તું સત્યનો સાથ આપ”રુદ્રએ સેજુને બાહોમાં સમાવી લીધી.રુદ્રએ જે વાત કહી એ વિચારી સેજુ રુદ્રને વધુ જોરથી કસતી જતી હતી.રુદ્ર વહાલથી સેજુના માથે હાથ ફેરવી તેને આશ્વાસન આપતો હતો.આજે પણ રુદ્રએ તળશીભાઈને ચોરીચુપે દિવાલનો સહારો લઈ બહાર નીકળતાં જોયાં હતા. તળશીભાઈને જતાં જોઈને રુદ્ર ખંધુ હસ્યો.
(ક્રમશઃ)
        રુદ્રએ સેજુને કંઈ વાત કહી હશે?,શું શુભમને આપેલું વચન રુદ્ર પાળી શકશે? રુદ્રના મનમાં શું ચાલી રહ્યું હશે? 
     ઘણાં દિવસો પછી આ ભાગ આવી રહ્યો છે ત્યારે હું સમજી શકું છું કે વાંચવાની લિંક તૂટી હશે.પણ હવે અઠવાડિયામાં એક ભાગ ચોક્કસ આવશે અને એ લાંબો હશે.તો વાંચતાં રહો.સફરમાં મળેલ હમસફર.મારી અન્ય નૉવેલ મારી પ્રોફાઇલમાં મળી રહેશે.
-Mer Mehul