આ સાંભળતા તરત જ બધું જ જોવાની ઇચ્છા સાથે રૂમ તરફ વળ્યા અને મે એમણે રોક્યા, સુભાષ અત્યારે મોળું થઇ ગયું છે તમે કાલે જોઇ લેજો બૅગ ક્યા ભાગી ને જાય છે. અને અચાનક જ મારી કમરમાં હાથ નાખી પોતાની તરફ ખેંચી અને ખૂબ જ પ્રેમથી બોલ્યા, તું અને તારાથી જોડાયેલી દરેક વસ્તુ ક્યાંય નથી જવાની પણ આજે આટલા વર્ષો પછી ફરીથી તારા પ્રેમમાં પડવાની ઇચ્છા થઇ આવી છે.
આમ અચાનક પ્રેમની અભિવ્યક્તિ જોઈ હું ચકિત થઇ ગઇ. શું કરવું કંઇ ભાન જ ના રહ્યું અને અચાનક મારી કમર પરની પકડ વધારે મજબુત થવા લાગી, એમ લાગ્યું કે આમ જ સુભાષની બાહોમાં રહું પણ તરત સમયનું ભાન થતા મે એમણી પકડમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો ત્યારે એમ લાગ્યું કે જાણે સુભાષ મને છોડવા તૈયાર જ નથી. આખરે મારે જ મૌન તોડવું પડ્યું. સુભાષ, ઘણો સમય થઇ ગયો તમારે હવે આરામ કરવો જોઇએ.
આટલા સમયથી આરામ જ તો કરતો આવ્યો છું પણ હવે બસ બહું થયું કામ અને આરામ. હવે તો ઇચ્છા છે કે બાકીનો સમય તારી સાથે જ વિતાવી દઉં. તારી રચનાઓ વાંચતા, તારી કવિતાઓ સાંભળતા અને તને પ્રેમ કરતા. સુભાષમાં આવેલ આ બદલાવથી આશ્ચર્ય તો થયું પણ તરત પોતાને સંભાળીને લખેલી કવિતા સંભળાવી. સાંભળતાની સાથે જ વખાણનો વરસાદ કરી મને બાહોમાં ભરી લેતા બોલ્યા, વાહ વાહ.
એ દિવસે એમ લાગ્યું કે જાણે મારી અંદરની બીજી આશાનો ફરી જન્મ થયો છે. અને આવી રીતે દિવસો વિતી રહ્યા હતા ત્યારે જ એક દિવસ સુરભિનો ફોન આવ્યો.
હલ્લો મમ્મા, કેમ છો તમે?
હાય બેટા, હું ઠીક છું, તું કેમ છે?
હું પણ ઠીક છું મમ્મા.
મમ્મા, હું ઘરે આવું છું આ વીકેન્ડના.
પણ બેટા આમ અચાનક, મે કહ્યું
મમ્મા તમારી અને પપ્પાની બહું યાદ આવે છે એટલે આવું છું
આટલું કહી એણે ફોન મુકી દીધો ખબર નહી એટલી તો શું જલ્દી હતી.
સુરભિના આવવાની ખબર મળતા જ એક ગજબની સ્ફૂર્તિ આવી ગઇ અને હું તરત જ દોડીને મારા રૂમમાં ગઇ કે એના માટે અલગ કરેલી કવિતાઓ ને ગિફ્ટ વ્રેપ કરી શકુ પણ ત્યારે એ મને ક્યાંય ના મળી. રૂમ તો શું આખું ઘર શોધી વળી પણ એ બુક્સ અને કવિતાઓ મને ક્યાંય ના મળી. ખબર નહિ યાદ જ નહોતું આવતું કે ક્યાં મુકાઇ ગઇ મારાથી. આજે સાંજે સુરભિ આવી જશે શું ગિફ્ટ આપીશ એણે એ જ ચિંતા થઇ રહી હતી. બસ સુભાષ આવે એની જ રાહ જોઈ રહી હતી કે એ આવે પછી કોઈ ગિફ્ટ લેવા જઇ શકું. પણ ખબર નહી આજે એ પણ ક્યા રહી ગયા? રોજ તો આ સમયે ઘરે આવી જતા પણ આજે જ મોડું કરવાનું હતું. મને અમસ્તા જ એમના પર ગુસ્સો આવી ગયો પણ હવે શું ફાયદો ભુલ મારી જ હતી મારે જ કવિતાઓ સાચવીને રાખવા જેવી હતી.
આ જ ચિંતામાં ઞુલા પર બેઠી હતી એટલામાં સુરભિનો અવાજ આવ્યો અને સીધી મારી પાસે આવીને બેસી પડી.
મમ્મા, આઈ મિસ્ડ યુ સો મચ.
આઈ લવ યુ, આવતાની સાથે જ કહેવા લાગી.
આઈ લવ યુ ટુ માય બચ્ચા, અને તરત જ પુછવા લાગી કે હું અહી એકલી કેમ બેઠી છું. હવે એણે કેવી રીતે કહું કે હું કઈ ચિંતામાં છું.
બસ કઇ નહી બેટા, હું તો એમ જ બેઠી છું. તું બોલ, તારો સફર કેવો રહ્યો રહ્યો અને આવતા કોઈ તકલી ફ તો નથી થઈ ને.