Featured Books
શ્રેણી
શેયર કરો

અમસ્તા જ આવેલ વિચાર​ - પ્રકરણ - ૨

હું વિચારતી રહી થોડીવાર માટે હે શું ગિફ્ટ આપવી મારી પ્રિંસેસને પછી અચાનક જ એક વિચાર સ્ફૂર્યો અને કબાટમાંથી મારી યાદોની બૅગ બહાર કાઢી. કદાચ એણે કામ લાગે એવું કંઈક મળી જાય અને એણી સાથે જ હું મારી ભુતકાળની દુનિયામાં પાછી ફરી.આમ જ ભુતકાળની ઘણી યાદો ફરી જીવવા લાગી. એ જ જુદી જુદી સ્પર્ધા માટે તૈયારી કરવી, નિબંધ લખવા, આર્ટિકલ લખવા અને કવિતાઓ લખવી પણ સમય જતા બધું છૂટી ગયુ અન આજે ફરી એ જ ક્ષણ જીવવાનો અવસર મળ્યો છે. ફક્ત અને ફક્ત સુભાષ અને બાળકોના કારણે, ત્યારે મનના એક અજાણ્યા ખૂણેથી અવાજ આવ્યો કદાચ સંજીવના કારણે પણ. એ હંમેશા કહેતો, આશા તું એક સારી લેખિકા બની શકે એમ છે અને હું એ વાત બસ હસવામાં કાઢી નાખતી. પણ મનમાં ઘણી વખત વિચાર આવ્યો હતો કે લેખિકા બનવું છે અને એવું પણ નહોતું કે પ્રયાસ નહોતો કર્યો, પહેલા અભ્યાસ અને એના પછી જોબ અને ત્યાર બાદ જીવનનો સૌથી મોટો નિર્ણય, લગ્ન.

લગ્ન, આ શબ્દ એ સમયે ખુબ જ નાનો અને સામાન્ય લાગતો હતો. પણ જ્યારે પ્રભુતામાં પગલા માંડ્યા ત્યારે ધીરે ધીરે સમજાયું કે જેને હું સામાન્ય શબ્દ સમજી રહી હતી એ એક શબ્દ નહી પણ હવેથી મારા જીવનનો આધાર હતો. ઘણા જ નવા સંબંધો, નવી જવાબદારી અને સૌથી મોટું કામ મારા પતિને સમજવાનું. કદાચ કામ સમજીને કર્યું હોત તો જીવનભર ના સમજી શકી હોત પણ કદાચ દરેક કામ પ્રેમથી કરવાની આદત કે સમજણ ગળથૂથીમાંથી આપવામાં આવી હતી. કદાચ એટલે જ આટલી આસાનીથી પોતાના પહેલા પ્રેમને ભૂલી શકી હતી, ભૂલી શકી હતી કે નહી એ પણ મને ક્યાં ખબર હતી. પણ કદાચ હ્રદયના એક ખૂણામાં હજી એ આશા જીવે છે, સંજીવની આશા. ક્યારેક ક્યારેક સંજીવની આશા સુભાષની આશાને સવાલ કરી બસે છે કે શું સુભાષની આશાને પણ સપના જોવાનો અધિકાર છે? ત્યારે કોઈ પણ વિચાર કર્યા વિના જ જવાબ હોઠો પર આવી જાય છે કે હા, સુભાષની આશા ને સપના જોવાનો અધિકાર છે અને જીવવાનો પણ અને એમાં એને એના પરિવારનો પૂર્ણ સહકાર છે. ખાસ કરીને સુભાષનો. સુભાષ, આ એ જ વ્યક્તિ છે જેણે માતાપિતાની મારા માટેની શ્રેષ્ઠ પસંદગી માનીને હું પરણી હતી અને કહે છે ને માતાપિતા ભગવાનનું રૂપ હોય છે. બસ મારા ભગવાને મારા માટે જે વિચાર્યું હતુ એ ખૂબ સારું વિચાર્યું હતુ.

જીવનમાં જ્યારે હંમેશા સ્વતંત્રતાથી જીવેલ વ્યક્તિને બંધનમાં બાંધવામાં આવે તેવી સ્થિતિ મારી હું સમજતી હતી પણ આ બંધનમાં પણ મને સ્વતંત્રતા મળી છે અને આ જ સ્વતંત્રતા સાથે હું આજે ફરી મારા સપના જીવવા જઈ રહી હતી. મારી દીકરીના માધ્યમથી, દીકરાએ પિતાનો વ્યવસાય પસંદ કર્યો જ્યારે દીકરીએ માની કળા અને માના સપના. બસ હવે રવિવારની રાહ જોઉ છુ જ્યારે બંને અહિ આવે અને પછી આરામથી બંને સાથે પોતાની વાતો શેર કરી શકું.

આ જ વિચારોમાં દિવસ ક્યા વિતી ગયો ખબર જ ન પડી. સાંજ થવા આવી હતી, બપોરનું જમવાનું પણ ભૂલાઈ જ ગયુ હતુ પણ હવે ભૂખ તો ક્યારની મરી ગઈ હતી. બસ પ્રતિક્ષા હતી આખોમાં સુભાષ માટે કે ક્યારે આવે અને ક્યારે એમણે આ કવિતાઓ સંભળાવું, આ કહાનીઓ સંભળાવું. વરસો પછી મારી અંદરનો આત્મવિશ્વાસ ફરી જાગ્યો હતો. ત્યારે જ પાંચના ટકોરા પડતા જ હું ઉભી થઈ બૅગ બાજુ પર મુકી, કવિતાની બુક સાથે લઈ બેઠકરૂમમાં ગઈ ત્યારે મહારાજ ચાની તૈયારી કરતા હતા. બસ સુભાષ આવતા જ હશે એ વિચારી હું રોમાંચિત થઈ ગઈ, એ વીસ વર્ષની આશા આજે પાછી ફરી હતી. એને આજે ફરિ પ્રેમ થઈ ગયો હતો, સુભાષ સાથે. પત્નિ તરીકે મે હંમેશા એને પ્રેમ કર્યો પણ આજે સુભાષની પ્રેનિકા બનવાની ઈચ્છા થઈ આવી અને જેવું ધાર્યું હતુ એમ આવતાની સાથે પુછપરછ શરૂ કરી દીધી. શું કર્યુ આખો દિવસ, કઈં લખ્યું કે નહિ? આખરે બુક હાથમાં આપી ત્યારે જ શાંતિથી બેઠા, પચાસની ઉંમરે પણ પચ્ચીસ જેવો જોશ છે એમનામાં.

અમે બંને બાલ્કનીમાં બેઠા હતા ત્યારે મહારાજ ચા આપી ગયા અને રાતના જમવામાં શું બનાવવું એ પણ પૂછતા ગયા. સુભાષ ચાની સાથે સાથે બુકના પાનાં ફેરવતા હતા, એના ચહેરા પરના બદલાતા હાવભાવ હું શાંતિથી જોઈ રહી હતી. એમ થતું હતુ કે બસ આમ જ બેસી રહુ જીવનભર પણ જેમ જેમ દિવસ ઢળતો ગયો એમ બાલ્કનીમાં અંધારું ફેલાતું ગયું, બગીચામાંથી રાતરાનીની મહેક આવી રહી હતી. અમે અંદર આવ્યા ત્યારે રાતના આઠ વાગી રહ્યા હતા. સાડા આઠ થતા જ મહારાજજી એ જમવાની તૈયારી કરી અને અમે બંને જમવા માટે ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયા. જમતા જમતા સુભાષને સુરભિના ફોન વિશે વાત કરી. સુરભિની જીતની વાત જાણતા જ સુભાષ બોલી ઉઠ્યા કે બિલકુલ તારા પર ગઈ છે, બધી જ રીતે તારી છબી છે અને મારી કવિતાઓ વિશે પૂછવા લાગ્યા અને પ્રશંસાના પુલ બાંધવા લાગ્યા. ત્યારે મે સુભાષને જણાવ્યું કે આ કવિતાઓ વરસો જૂની છે આજે તો મે ફક્ત જૂની યાદોને ફરીથી જીવી છે.