અમસ્તા જ આવેલ વિચાર - પ્રકરણ - ૧ Kinjal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમસ્તા જ આવેલ વિચાર - પ્રકરણ - ૧

ક્યારેય નહોતુ વિચાર્યુ કે જીવનના આ પડાવ પર આવીને નવી શરુઆત કરવા માટે પ્રોત્સાહન મળશે અને એ જ વિશ્વાસની સાથે જીવનને એક નવી દિશા પણ મળશે. બસ જીવનમાં એ દરેક વસ્તુ કરી જે ઈચ્છી હતી સિવાય એક જેણે મે એક સપનાનાં રૂપમાં જીવ્યું હતું અને ક્યાંક હ્રદયના નાના ખૂણામાં હજીએ એ સપનું જીવી રહ્યું હતું. જેમ કરમાયેલા છોડને પાણી અને ખાતર મળવાથી નવજીવન મળે છે, એમ બસ કોઈની લાગણીના પાણી અને સહકારના ખાતરથી આ સપનાને પણ નવજીવન મળ્યું હતું. બસ ખેદ એજ વાતનો હતો કે હજી પોતાના બળે ક્યારેય આ સપનું જીવવાનો પ્રયત્ન નહોતો કર્યો. ક્યારેય ભુતકાળની જૂની પરતો ઉખાડીને જોવાનો પ્રયત્ન સુધ્ધા નહોતો કર્યો. ભુતકાળનો એ હિસ્સો જે આ સપના સાથે જોડાયેલ હતો એ આજે આ સપના સાથે મારી સામે આવીને ઊભો છે. સપનું પુરું કરવા જતા ભુતકાળની એ પળો ફરીથી જીવવી પડશે અને કદાચ એ પળો હવે ફરી જીવવાની હિંમત નથી જે પછી જીવવા માંગતી નથી. જીવનમાં પહેલીવાર કંઈક નક્કી કરવા માટે આટલું મનોમંથન કરવું પડી રહ્યું છે. ક્યારેય કોઈ નિર્ણય લેવા માટે આટલું વિચારવું નથી પડ્યું પણ આજે ફરી ફરી એજ દ્રશ્ય અને એજ સપના વિષેના વિચારો મનને હલબલાવી રહ્યા છે. એમ લાગે છે કે હજી કાલની જ વાત છે, એ જ કૉલેજની લૉબી, એજ ક્લાસરૂમ, એજ મિત્રો અને એજ ભવિષ્યમાં કઈ કરી બતાવવાની તાલાવેલી અને હંમેશા પોતાનું ધાર્યુ કરતી હું. ક્યારે જીવન બદલાઈ ગયું એ ધ્યાન જ ના રહ્યું. પોતાના સપના ભૂલી બીજાના સપનાઓમાં જ ખૂશી શોધી લીધી અને એ બીજા પણ થોડી હતા, પોતાના જ છે ને. મારા પતિ અને બાળકો, ક્યારે એમના સપના જીવવામાં અને સાકાર કરવામાં જીંદગી વિતી ગઈ એ ખબર જ ના પડી.

ત્યારે અચાનક જ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને હું મારા વિચારોના સફર પરથી પાછી ફરી અને દિવાલ પર લટકતી ઘડિયાળ તરફ નજર કરી ત્યારે ખ્યાલ આવ્યો કે સુભાષના આવવાનો સમય થઈ ગયો હતો. કદાચ આવી પણ ગયા હશે અને રોજની જેમ આવીને તરત જ પોતાના સ્ટડીરૂમમાં ગયા હશે. ફ્રેશ થવાનું તો એમણે ધ્યાન જ ક્યાં રહે છે, આ એમણો નિત્યક્રમ છે ઑફિસથી આવીને સીધા સ્ટડીરૂમમાં જવું, હું ચા અને નાસ્તો લઇને જઉ ત્યારે ફટાફટ ફ્રેશ થવા રૂમ તરફ જાય અને આવીને થોડી ઠંડી થઈ ગયેલી ચા અને નાસ્તો પતાવીને ફરીથી પોતાના કામમાં લાગી જાય. ત્યારબાદ સીધા જમવા માટે જ બહાર આવતા. મે ઘણી વખત કહ્યુ કે ઑફિસનું કામ ઓફિસમાં પતાવીને આવતા હોય તો પણ એ કહે, ડાર્લિંગ, આ ઓફિસનું કામ છે ને જે ઓછું થતું જ નથી એકદમ તારા પ્રેમની જેમ હંમેશા વધતું જાય છે.

લગ્નને વીસ વરસ થઈ ગયા પણ હજી એ જ મસ્તી કરવાની આદત અને દરેક વાતમાં મારા નામની હાજરી હોય જ. ઘણીવાર એ કહેતા કે "આશા જો તું ના હોત તો ખબર નહી મારૂ શું થાત" આ સાંભળ્યા પછી મને ખરેખર પોતાના પર ગર્વ થઈ આવતો. એ સંતોષ થતો કે જીવનમાં કોઈ છે જેના માટે મારું મહત્વ ક્યારેય ઓછું નથી થવાનું, જે મારું સર્વસ્વ છે એના માટે હું પણ મહત્વ ધરાવું છું. બસ હવે જીવનમાં કોઈ જ કમી નથી, સિવાય એક, બાકી હવે તો બાળકો પણ મોટા થઈ ગયા અને પોતાનું ભવિષ્ય બનાવવાની રાહ પર નીકળી ગયા છે.

હજી કાલે જ સુભાષ કહેતા હતા કે આશા હવે તો તું આખો દિવસ ફ્રી હોય છે અન હવે બાળકો પણ પોતાની જાતે જીવી રહ્યા છે. તો પોતાની ખુશી માટે કંઈક કર અને ત્યારથી એ સપના પર જામેલા વર્ષોની ધૂળ દૂર થઈ ગઈ. સુભાષ જાણતા હતા કે મને લખવાનો ઘણો જ શોખ રહ્યો છે પણ જીવનમાં જવાબદારીઓ બદલાતા લખવાનો શોખ પાછળ રહી ગયો. પણ આજે ફરીથી એ જૂના દિવસો યાદ આવી ગયા, કૉલેજમાં નાટકો લખવા અને પછી એના પર બીજાને અભિનય કરતા જોવા. પોતાની બનાવેલી નાટકરૂપી દુનિયામાં થોડી ક્ષણો માટે બીજાને જીવતા જોઈ કોઈ અવૉર્ડ મળ્યા જેટલી ખુશી થતી અને સાથે સાથે અમે પણ જીવતા જતા હતા. અમારી સપનાની દુનિયામાં બસ અમે બે જ હતા, અમારી આ દુનિયામાં, સપનાની દુનિયામાં, ફક્ત હું અને સંજીવ.

આ નામ યાદ આવતાની સાથે જ બધી જ યાદો તાજી થઈ ગઈ, કદાચ આજે અમસ્તા જ એક નજીવા વિચારની સાથે ભુતકાળની બધી જ યાદો વલોવાઈ ગઈ અને સાથે સાથે હું પણ. ક્યારેય કશું ભૂલવાની કોશિશ નથી કરી પણ બધું જ યાદ આવી જાય અચાનક આમ એવું વિચાર્યુ નહોતું. હાલ એવું લાગી રહ્યું છે કે જીંદગી બે હિસ્સામાં વહેચાઈ ગઈ છે. જાણે મારી અંદર બે આશા જીવી રહી છે. એક સુભાષની અને બીજી સંજીવની પણ કદાચ એક મુકામ પર બન્ને એક જ હતી અને મારા જીવનના આ બન્ને પુરૂષોએ મને હંમેશા સાથ આપ્યો છે. ક્યારેય કોઈ ગુનેગારની ભાવના સાથે જીવવાનો અવસર નથી આપ્યો. એકને પ્રેમ કરીને હું તૂટી ગઈ હતી અને બીજાને તૂટીને પ્રેમ કરતી હતી. બસ આ જ મારા જીવનનું સત્ય હતું અને આજે ફરી મારી સામે શ્વાસ લઈ રહ્યું હતું.

એ રાત પછીની સવાર કંઈક અલગ જ હતી. નવી જ સ્ફૂર્તિ અને નવી જ તાજગી, અને સુભાષ ફરીથી આજે કહીને ગયા કે સાંજે તારા હાથે લખેલું વાંચવાની ઈચ્છા છે અને પ્લીઞ કંઈક લખવાનો પ્રયત્ન કરજે. એ પ્લીઞમાં આજીજી કરતા વધારે ઈચ્છા હતી અને કદાચ એટલા માટે જ ફરીથી એ સફર પર જવાનું નક્કી કર્યુ હતું. આજે વર્ષો પછી હાથમાં કલમ પકડીશ એ વિચારીને જ મન ઉત્સાહિત થઈ ગયું, સવારનો નાસ્તો પતાવીને બસ અમસ્તા જ બુક અને પૅન લઈને બેઠી અને શું લખુ એ વિચારતી જ હતી એટલામાં જ ફોનની રીંગ સંભળાઈ. બુક અને પૅન બાજુ પર મુકી ફોન રીસિવ કર્યો અને સામે છેડે સુરભિ હતી, મારી પ્રિંસેસ. ફોન ઉપાડતા જ બોલો ઉઠી,"મોમ, આઈ વૉન ફર્સ્ટ પ્રાઈઞ ઈન ડિબેટ કોમ્પિટીશન" આ સાંભળીને જાણે પોતે જીતી હોય એટલી ખુશી થઈ. એના પછી એણી સાથે ઘણી વાતો થઈ પણ આ વાતની ખુશી ખૂબ જ વધારે હતી. કદાચ એન આ હુનર વારસામાં મળ્યું હતું, મારી જેમ. અને "નેક્સ્ટ વીકેન્ડ હું આવુ છું" એમ કહી ફોન મુકાઈ ગયો.