Aankho hi aankho me books and stories free download online pdf in Gujarati

આંખો હી આંખો મેં

પ્રેમ શબ્દોથી જેટલો લખાયો છે. એથી વધારે તો એ શબ્દો વિના વખણાયો છે. પ્રેમ એક અનુભુતિ છે એક અદભુત એહસાસ છે, ભારતીય પરંપરામાં અનેક શાસ્ત્રો લખાયા છે, પણ પ્રેમ ઉપર, એક અલાયદુ પ્રેમશાસ્ત્ર ક્યારેય લખાયું નથી અને લખી શકાશે પણ નહી, કારણ, પ્રેમને શબ્દોમાં બાંધી શકાય એમ જ નથી, આટલા યુગો વિતવા છતા કોઇ પ્રેમની વ્યાખ્યા પણ કરી શક્યુ નથી અને કરે પણ ક્યાંથી, પ્રેમ ને બે લીટીમાં સમાવી શકાય ?

વ્યાખ્યા પ્રેમની તે કંઇ થોડી લખાતી હશે

યુગોની પરંપરા બે લીટીમાં સમાતી હશે

પણ આજે એક નવા જ પ્રકારનો પ્રેમ આકાર લઈ રહ્યો હતો, આંખોના ઇશારાઓથી રજુ થતો પ્રેમ, આંખોની ભાષાથી રજુ થતો પ્રેમ, આ આંખોની ભાષા પણ ગજબની છે, એક પણ શબ્દ કહ્યા વગર ઘણુ બધુ કહી જવાય છે ને ઘણુ બધુ કહી શકાય છે, અને પછી પ્રેમ નો એવો માહોલ રચાવા લાગે છે કે કોઇ પણ એના રંગે રંગાઇ જાય.

પ્રેમભવનમાં આજે કોલાહલ ભર્યો માહોલ હતો, સંબંધીઓથી ભરેલું ભરેલું ઘર એમની ખુશીઓની ચાડી ખાતુ હતુ, દરેકના ચહેરા પર એક અજબ જ પ્રકારની ખુશી દેખાઇ રહી હતી અને આ ખુશીનું એક જ કારણ હતું અનિકેત, અને કેમ ન હોય ગઇ કાલે જ અનિકેત ના લગ્ન થયા હતા પ્રિયા સાથે, અનિકેત અને પ્રિયા બન્ને એકબીજાને વર્ષોથી જાણતા હતા, સમજતા હતા, બન્નેના પરિવાર પણ એકબીજાથી સારી રીતે પરીચિત હતા, પહેલા મૈત્રીભર્યો સંબંધ પ્રેમમાં પરિણમ્યો અને પછી લગ્નમાં, એમાં બન્ને પરિવારની સંમતિ પણ હતી અને મંજુરી પણ

સવારના સમયે ઘરમાં નિરવતા પ્રસરેલી હતી, લગ્ન ગઇ કાલે પૂર્ણ થઈ ગયા હતા ને આજે એક ભવ્ય રીસેપ્શનની યોજના હતી, ઘરનાં સભ્યો એની ભાગદોડમાં પરોવાયેલા હતા, અનિકેત સોફામાં બેચેનીની અવસ્થામાં બેઠો હતો ઠીક અને એની બાજુમાં કાકા રતીલાલ છાપું વાંચી રહ્યા હતા અનિકેત વારંવાર કિચન તરફ નજર કરીને કોઇને શોધી રહ્યો હતો, હા એ પ્રિયાને જ શોધી રહ્યો હતો, બાજુમાં બેઠેલા રતિલાલ ત્રાંસી નજરે અનિકેત સામે જોવા લાગ્યા પછી છાપામાંથી નજર ઉંચી કરીને અનિકેત સામે જોયું, અનિકેત પણ કાકા સામે જોયુ, કાકા એ આંખોના ઇશારાથી પુછ્યુ, શુ છે ભાઇ ? પેપર વાંચવુ છે ? "ના તમ તમારે વાંચો" અનિકેતે આખોના ઇશારથી જ જવાબ આપી દિધો, અનિકેતનો જવાબ મળી ગયા પછી રતિલાલ પાછા છાપું વાંચવામા પરોવાઇ ગયા ને અનિકેત પાછો કિચન તરફ જોઇને પ્રિયા ને શોધવા લાગ્યો,

દિવાલ પર લટકાવેલુ જુનું ઘડીયાળ ૮ ના ટકોરે રણકી ઉઠ્યું એક પછી એક એમ ૮ ટકોરા વાગ્યા અને પછી શાંત થઈ ગયું એટલામાં જ એક સુગંધમય હવાની લહેરખી આવી અને સમગ્ર રૂમમાં સુગંધ પ્રસરી ગઇ અનિકેત એ સુગંધથી અભિભુત થઇને મંત્રમુગ્ધ થઇ ગયો, આ સુગંધને એ સારી રીતે જાણતો હતો, એ સમજી ગયો કે જેની એ આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો એ પ્રિયા આવી રહી છે, અનિકેતે એ દિશામા નજર કરી જે દિશામાંથી સુગંધ આવી રહી હતી, ને સામે જ તેને પ્રિયા દેખાઇ ને બસ અનિમેષ નજરે તેના ચહેરા સામે જોતો જ રહી ગયો.

આટલા વર્ષોથી જાણતો હોવા છતા એવું લાગી રહ્યુ હતું કે જાણે આટલી બધી સુંદર અને સ્વરૂપવાન પ્રિયાને એ પહેલી વાર જ જોઇ રહ્યો છે, એક નાજુક નમણીં નાર,જેની ઢળેલી પાંપણો એના મુખને અનેરી શોભા અર્પી રહ્યુ હતુ, હોઠોં પર રમતુ મારકણું સ્મિત અને ગાલે પડતા ખંજન એમાં ઓર વધારો કરી રહ્યા હતાં, માથે કુમકુમનું તિલક અને ચહેરા પર કોમળતાનો શ્રીંગાર, જે એના રૂપને મનમોહક બનાવી રહ્યુ હતુ, સાડીના એક છેડો માથે ઓઢેલો હતો અને એમાંથી નિકળેલી લટો ભીના કેશની ચાડી ખાતી હતી, સફેદ અને આછા ગુલાબી રંગના મિશ્રણ વાળી સાડીમાં એ ખરેખર, એટલી સુંદર, મોહક અને સ્વરૂપવાન લાગી રહી હતી કે જાણે સ્વર્ગની અપ્સરા પણ એની આગળ પાણી ભરે, વાળની લટોને જરા હળવેકથી, આંગળીના ટેરવેથી, કાનની પાછળ ધકેલી એક મારકણી અદાથી પાંપણો ઉંચી કરીને અનિકેતની સામે જોયુ, અનિકેતની બેચેનીમાં ઓર વધારો થયો, એ મનોમન બબડ્યો કાજળભર્યા કામણગારા નયનને પાછી નજાકત ભરેલી ચાલ, આટલુ ખતરનાક કોમ્બીનેશન, ખરેખરે ઓ પ્રિયા, તારી સાથે પરણીને મેં મારા જીવનની સૌથી અમુલ્યવાન ક્ષણોને મેળવી છે. પ્રિયા હવે અત્યંત નિકટ આવી ગઇ અનિકેત બેબાકળો થવા લાગ્યો ઘડીભર તો એને થઈ આવ્યુ કે એ પ્રિયાને......હમણાંજ.......પણ બાજુમાં બેઠેલા રતિલાલકાકાનો વિચાર આવ્યો અને એક નિ:સાસો ખાઇને સોફા પર ગોઠવાઇ ગયો.

રતિલાલકાકા હજુ પણ છાપું વાંચી રહ્યા હતા પ્રિયા બન્નેની નજીક આવી એના હાથમાં આરતીની થાળી હતી, કાકાએ છાપાને બાજુએ મુકી બન્ને હાથથી આરતી લીધી,પછી પ્રિયા કાકાને પગે લાગી કાકાએ વાત્સલ્યભર્યો હાથ પ્રિયાના માથે મુક્યો ને "જીવતા રહો બેટા અને સો વર્ષના થાવ, સૌભાગ્યવતી ભવ" મનોમન આશીર્વાદ આપ્યા,હવે આરતીની થાળી લઈને અનિકેત તરફ નજર કરી.

પણ આ શું ? પ્રિયા અચરજ પામી ગઈ, અનિકેત બન્ને હાથ સોફામાં ફેલાવીને એક અક્કડ મુદ્રામાં પતિસહજ ભાવથી બેઠો હતો, એણે પ્રિયા સામે નજર કરી અને પોતાના પગ તરફ ઇશારો કર્યો, પોતાની આંખો થકી કેટલાક શબ્દોને તરતા મુક્યા જે પ્રિયાની આંખોએ ઝીલી લીધા, એ શબ્ધો પ્રિયાને કહી રહ્યા હતા, કે "ઘરમાં બધાને પગે લાગ્યા, તો શું પતિદેવને નઈ લાગવાનું, લાગો, લાગો પગે લાગો", પ્રિયા અનિકેતના પતિસહજ ભાવને કળી ગઈ એક હળવું સ્મિત કર્યુ અને કામણગારી આંખોથી એવો જવાબ આપ્યો કે અનિકેતે પતિસહજ ભાવના સમસ્ત હથિયાર પળવારમાં હેઠા મુકીને શરણાગતી સ્વિકારી લીધી, અનિકેતે બન્ને હાથ આગળ કરીને આરતી લીધી, પતિસહજ ઇચ્છાને માન આપી પ્રિયા સહેજ ઝૂકીને પોતાના પતિદેવને પગે લાગી, પણ જેવા પ્રિયાના હાથે અનિકેતના પગને સ્પર્શ કર્યો અનિકેતના આખા શરીરમાં એક ઝણઝણાટી વ્યાપી ગઈ જાણે કોઇ વિજળીનો તાર સ્પર્શી ગયો હોય, પણ એ ઝણઝણાટી એને ગમી રહી હોય એમ બન્ને આંખોને બંધ કરીને એનો આનંદ લઈ રહ્યો હતો, આ તકનો લાભ લઈને ઝડપભેર પ્રિયા ત્યાંથી સરકી અને કિચનમાં જવા લાગી,

અનિકેત પ્રિયાની આ જીઞાસા ને કળી ગયો હોય એમ પાછો ફરીને પ્રિયાને જોવા લાગ્યો, ઉતાવળમાં પ્રિયાએ માથે ઓઢેલો સાડીનો છેડો સરકી ગયો, એના ભીના અને લાંબા કેશ જે કમર સુધી આવતા હતા એ હવે સાફ જોઇ શકાતા હતા, ફરીથી એક હવાની લહેરખી આવી જે પ્રિયાના લાંબા વાળને સ્પર્શીને સીધી અનિકેતને જઈને ટકરાઈ ને એની સુવાસ અનિકેતના રોમેરોમમાં પ્રસરી ગઈ એક અકલ્પનીય આનંદની અનુભૂતી, હવાને કારણે ઉડતા વાળમાંથી આછી આછી દેખાઇ આવતી પાતળી મરોડદાર કમરે એને ફરીથી બેબાકળો બનાવી દીધો, ફરી એકવાર કાકાનો વિચાર આવ્યો એક નિ:સાસો નાંખીને પાછો સોફામાં ગોઠવાઈ ગયો.

પ્રિયાથી એક ક્ષણની દુરી પણ હવે અનિકેતને અકળાવી રહી હતી, એની અકળામણમાં ઉતરોતર વધારો થવા લાગ્યો, હવે એક પળનો પણ વિલંબ કર્યા વગર સોફા પરથી સફાળો ઉભો થયો અને કિચન તરફ જવા લાગ્યો પણ ત્યાં જ સામેથી એની નાની બેન રિન્કી આવી અને તેનો રસ્તો અવરોધતા આંખોના ઈશારે બોલી, "શું છે ભાઇ? ક્યાં જવું છે ?" પછી હાથથી કિચન તરફ ઇશારો કર્યો "કિચનમાં જવુ છે ? ભાભી જોડે ?" પછી માથુ નકારમા હલાવતા કહ્યુ ”ના હો કિચનમાં કોઇ એલાઉ નથી અને આજે તો બિલકુલ પણ નહી" અનિકેતને ધડીભરતો રિન્કી પર ગુસ્સો આવી ગયો પછી હળવુ સ્મિત કરીને રિન્કીની સામે આજીજી ભરી નજરે જોઇ રહ્યો, રિન્કી એની આજીજીનો છેદ ઉડાડી ને ત્યાથી જતી રહી.

રિન્કીના ગયા પછી અનિકેત રૂમમા આમતેમ ફરવા લાગ્યો, એ કોઇ એવી જગ્યાની શોધમાં હતો જ્યાંથી પ્રિયાને જોઇ શકે થોડા પ્રયત્નો બાદ આખરે એ જગ્યા મળી ગઈ, જે સોફામાં પોતે બેઠો હતો ત્યાથી ડાબી બાજુ થોડેક દુર એક બારી હતી, બસ એ બારી પાસે આવી ખભો ટેકવીને ઉભો રહી ગયો, અહીથી કિચન સાફ દેખાઇ રહ્યુ હતું અને કિચનમાં રહેલી પ્રિયા પણ, એકધારી નજરે એ પ્રિયાને જોઇ રહ્યો.

અનિકેતના બારી જોડે ઉભા રહી જવાથી બારીમાંથી આવતો પ્રકાશ થોડો ઓછો થયો એટલે રતિલાલકાકાનું ધ્યાન એ બાજુ ગયુ, અનિકેતને ત્યાં ઉભેલો જોઇને વિચારવા લાગ્યા કે આ છોકરો બારીએ જઈને શુ કરે છ? એ ધ્યાનથી જોવા લાગ્યા, અનિકેતની નજર કિચન તરફ હતી.

પ્રિયાનું ધ્યાન અચાનક જ અનિકેત તરફ ગયુ, બન્નેની નજરો એક થઈ ગઈ, અનિકેતે ગરીબડો ચહેરો બનાવીને, ડાબા હાથમાં લગાવેલ કાંડા ઘડિયાળ તરફ ઇશારો કર્યો, પછી આંગળીઓ દ્વારા ઇશારો કરતા મનોમન કહ્યુ ’મેડમ ચા તો પિવડાવો પતિદેવને’, પ્રિયા એ ઇશારાને કળી ગઈ, પાંપણ ઝબકાવીને આંખોથી જ ઇશારો કર્યો ’હમણાં જ લાવી’ પ્રિયા હવે ચા બનાવવામાં મશગુલ થઈ ગઈ અને અનિકેત બારીની બહાર બગીચામાં ઉગેલા ફુલોને જોવા લાગ્યો.

થોડીવારમાં પ્રિયા ચા લઈને આવી, ચાનો કપ લેતા સમયે જાણીજોઇને એણે પ્રિયાના હાથને સ્પર્શ કરી લીધો, ફરી એકવાર એક ઝણઝણાટી આખા શરીરમાં વ્યાપી ગઈ, પ્રિયાએ આંખોની ભ્રમરો તંગ કરીને એક ગુસ્સાભરી નજરે અનિકેત સામે જોયુ અને મનોમન બોલી "શું કરો છો ? જલ્દી ચા લઈ લો મારે બીજા પણ ઘણા કામ છે ?’

છાપુ વાંચતા રતીલાલકાકા છાપામાંથી ત્રાંસી નજરે આ બધુ જોઇ રહ્યા હતા અને આ ઇશારાઓની ભાષાને સમજવાનો પ્રયત્ન કરતાં મનોમન બબડ્યા ’ આ સાલું જબરું કે’વાય, ખાલી આંખથી ઇશારો થઈ ગ્યો ને ગરમા ગરમ ચા આવી ગઈ, અમે તો રોજ સવારે બુમો પાડી પાડીને અધમુઆ થઈ જઈએ ત્યારે ચા આવે છે, એમાંય ઘણીવાર, જો વાદળા ગર્જ્યા હોય ને તો બહાર કીટલી એ જઈને પીવી પડે’ મને લાગે છે, જો વધારે રૂમમાં રહી આ બધું જોયા કરીશ તો હું ગાંડો થઈ જઈશ, મને બહાર જતો રહેવા દે’ રતિલાલકાકા છાપું હાથમાં લઈને, રૂમની બહાર જવા માટે સોફા પરથી ઉભા થયા.

કાકાને ઉભા થતા જોઇ, અનિકેતે, પ્રિયાના હાથમાંથી ચાનો કપ લઈ લીધો ને પ્રિયાએ તકનો લાભ લઈને ઝડપભેર કિચનમાં ચાલી ગઈ.

કાકાને રૂમની બહાર જતાં જોઇને અનિકેત હર્ષોલ્લાસમાં આવી ગયો, અંતે એક હાશકારો અનુભવ્યો, ચાનો કપ હાથમાં લઈને એ સીધો જ કિચનામાં પહોંચી ગયો,પણ કિચનમાં એને પ્રિયા દેખાઇ નહી, કપને ડાઇનીંગ ટેબલ પર મુક્યો, બાજુમાં પડેલા કાચના બાઉલમાંથી દ્રાક્ષના દાણાને મોઢામાં નાખી ખાતા ખાતા પ્રિયા વિશે વિચારવા લાગ્યો, એટલામાં ક્શુક પડવાનો અવાજ આવ્યો, અવાજ સ્ટડી રૂમમાંથી આવતો હતો, પ્રિયા ત્યાં જ હોવી જોઇએ એમ વિચારી મનોમન હસ્યો, દ્રાક્ષના થોડા વધારેક દાણા લઈને સ્ટડીરૂમ તરફ ચાલવા લાગ્યો.

કિચનના પાછલા બારણેથી રચનાબેન જે અનિકેતના મમ્મી છે તે અંદર આવી રહ્યા હતા , અનિકેતને કિચનમાં આવેલો જોઇને મનોમન થયુ કે આમ તો આ છોકરો ક્યારેય કિચનમા પગ મુકતો નથી તો આજે કિચનમાં ? સમજતા વધુ વાર ન લાગી કે એનુ એકમાત્ર કારણ પ્રિયા જ છે, પણ એની ખાતરી કરવા એ દબાતા પગલે અનિકેતની દિશા તરફ ચાલવા લાગ્યા.

અનિકેત સ્ટડીરૂમના દરવાજે આવીને ઉભો રહી ગયો, અંદર ખરેખર પ્રિયા જ હતી, આખો રૂમ એની ખુશ્બુથી ભરાઇ ગયો હતો, પછી અદબવાળી, ખભો દરવાજે ટેકવીને પ્રિયાની દરેક હરકતોને નિહાળવા લાગ્યો, સ્ટડીરૂમથી થોડેક જ દુર છુપાઇને રચનાબેન અનિકેતની હરકતોને જોઇ રહ્યા હતા, અનિકેતને દરવાજે ઉભેલો જોઇને એ સમજી ગયા કે પ્રિયા અંદર જ છે, મનોમન એ પણ આનંદિત થઈ રહ્યા હતા વર્ષો પહેલા જ્યારે એ પણ પરણીને આ ઘરમાં આવ્યા હતા ત્યારે પણ કંઇક આવો જ પ્રસંગ રચાયો હતો, અનિકેતના પપ્પા પણ આ રીતે જ દરવાજે.....મનોમન એટલું બોલતાં તો એ શરમાઇ ગયા ને પાંપણો ઢળી પડી.

વિચારોમાંથી બહાર આવી, પાંપણો ઉચી કરી, ફરી સ્ટડીરૂમના દરવાજે નજર કરી, પણ સામે છેડેથી અનિકેતના પપ્પા પુર ઝડપે સ્ટડીરૂમ તરફ જઈ રહ્યા હતા,રચનાબેન એમની તરફ નજર કરીને ઇશારો કરી રહ્યા હતા કે ઉભા રહો, પ્રથમેષભાઇ અનિકેતના પપ્પા, જે હજુ સ્ટડીરૂમ તરફ જ જઈ રહ્યા હતા, અચાનક એમની નજર રચના પર પડી એ હાથેથી ઇશારો કરી રહ્યા હતા કે ઉભા રહો, પ્રથમેશભાઇને થોડું અજુગતુ લાગ્યુ પણ પછી એ ઉભા રહી ગયા, હવે એ બોલવા જ જતા હતા પણ રચનાબેને પાછો મોઢાં પર આંગળી મુકેને ઇશારો કર્યો કે ’ચુપ રહેજો, હમણાં કશું પણ બોલતા નહી’ અને ફરી આંખોથી ઇશારો કર્યો કે ધીમે ધીમે દબાતા પગલે આ બાજુ આવી જાઓ’ પ્રથમેષભાઇને કાંઇ ખબર પડતી નહોતી, રચના આજે આવું વર્તન કેમ કરી રહી છે? એમણે આંખોના ઇશારે હાથ હલાવીને રચના સામે સવાલ મુક્યો ’કેમ?શુ થયુ ?’ રચનાબેને આંખોની ભ્રમર તંગ કરી ગરદનને સહેજ સ્ટડીરૂમ તરફ કરીને પ્રથમેષભાઇને ઇશારો કર્યો ’ત્યાં સ્ટડીરૂમ તરફ જુઓ’ પ્રથમેષભાઇએ સ્ટડીરૂમ તરફ નજર કરી, રૂમનાં દરવાજાને ટેકવીને અનિકેત ઉભો હતો, એની નજર સ્ટડીરૂમની અંદર હતી પછી આગળનું દ્રષ્ય એ પણ કળી ગયા, એમણે રચના સામું જોયુ, રચનાએ હાથથી ઇશારો કરીને આંખોથી જ સવાલ કર્યો ’ સમજી ગયા ? ’પ્રથમેષભાઇ એ હળવું સ્મિત કર્યુ, પાંપણનો પલકારો કર્યો, હકારમાં માથુ ધૂણાવ્યુ અને મનોમન બોલ્યા ’હા સમજી ગયો’

પ્રિયા દરવાજાની વિરુધ્ધ દિશામાં હતી એટલે અનિકેત દેખાયો નહી, પણ અનિકેત પ્રિયાની દરેક હરકત ને નિહાળી રહ્યો હતો અને ખરા દીલથી માણી રહ્યો હતો,કમર સુધી આવતા લાંબા રેશમી વાળ એના રૂપને એક અલગ જ શોભા આપી રહ્યા હતા, પ્રિયા ટેબલ પરના પુસ્તકોને સરખા કરી રહી હતી, એમાંથી એક પુસ્તક એના હાથમાંથી સરકી ગયુ અને નીચે પડી ગયુ, એને લેવા માટે પ્રિયા સહેજ નીચે ઝુકી અને રેશમી વાળ કમર પરથી સરકી ગયા, કમરનો ભાગ જે વાળની પાછળ છુપાયેલો હતો એ વાળના નીચે સરકી જવાથી ખુલ્લો થઈ ગયો, પાતળી મરોડવાળી કમર જોઇને અનિકેત જાણે ઘાયલ થઈ ગયો અને દ્રાક્ષને વધુ ચાવીને ખાવા લાગ્યો, હાથમાં બાકી રહેલા દ્રાક્ષના દાણાને જોઇને એને એક તુક્કો સુઝ્યો, એને એક દ્રાક્ષનો દાણો લીધો, બિલકુલ આંખની સામે લાવ્યો અને પ્રિયાની કમર સામે નિશાન તાક્યુ, કમરની દિશામાં એને દ્રાક્ષના દાણાને છોડી મુક્યો, જે સીધો પ્રિયાની કમરે જઈને અથડાયો, કમર પર કંઇક વાગ્યાનો એહસાસ થતા પ્રિયા એકદમ સીધી થઈ ગઈ અને દરવાજાની દિશામાં જોવા લાગી, દરવાજે અનિકેત ઉભો હતો જે એક લુચ્ચુ સ્મિત કરી રહ્યો હતો, પ્રિયાએ આંખોની ભ્રમરો તંગ કરી ને એક ગુસ્સાભરી નજરે અનિકેત સામે જોયુ, જાણે કહી રહી હોય કે ’આવું કરાતું હશે, કોઇ જોઇ ગયું હોત તો ?’ પણ અનિકેતને હવે કોઇની પરવાહ નહોતી, પ્રિયાની આંખોના મનમોહક હાવભાવથી જાણે હ્રદય એક ધબકારો ચુકી ગયુ હોય એમ પોતાનો જમણો હાથ હ્રદય પર મુકીને માથાને સહેજ દરવાજે ટેકવી, આંખો બંધ કરીને મનોમન બબડ્યો " હાય, મારી નાખ્યો’.

પછી આંખો ખોલીને પ્રિયા સામે જોયું, પ્રિયા પણ અનિકેતના આવા વર્તનથી હસવા લાગી, અને બન્નેની નજરો એક થઈ ગઈ, અનિકેતની આંખો પ્રિયાને કહી રહી હતી, પ્રિયા તુ હસે છે ને ત્યારે ખરેખર બહું જ સુંદર લાગે છે’ અનિકેત ધીમે ધીમે રૂમની અંદર અને પ્રિયા તરફ આગળ વધવા લાગ્યો, સમગ્ર રૂમમાં ફેલાયેલી પ્રિયાની માદક ખુશ્બુ એને પ્રિયાની વધુ નજીક લઈ જઈ રહી હતી, અનિકેત પ્રિયાની એકદમ નજીક આવીને ઉભો રહી ગયો, પ્રિયાએ હાથમા પકડેલા પુસ્તકને ટેબલ પર મુક્યા તરતજ અનિકેતે એનો હાથ પકડી લીધો, પ્રિયા શરમાઇ ગઈ ને પાંપણો ઝુકી ગઈ, હ્રદયના ધબકાર પુરજોષમાં ચાલવા લાગ્યા, અનિકેતે પોતાના બીજા હાથને પ્રિયાની પાતળી મરોડદાર કમર પર મુક્યો ને પ્રિયાના આખા શરીરમાં એક ઝણઝણાટી વ્યાપી ગઈ, પાંપણનો પલકારો એકદમ ધીમો થઈ ગયો, પ્રિયા બીજુ કંઇ વિચારે એ પહેલા જ એક આંચકા સાથે પોતાની સાવ નજીક ખેંચી લીધી, અનિકેત અને પ્રિયા બન્ને એકદમ નજીક આવી ગયા, બન્નેના શ્વાસ એકબીજાને અથડાઇ રહ્યા હતા અને શ્વાસોની ગરમાહટને અનુભવી રહ્યા.

પ્રિયાથી થોડો અળગો થઈને અનિકેતે, હળવેકથી ખીસ્સામાથી એક ગુલાબનું ફુલ કાઢ્યુ અને પ્રિયાની સામે ધર્યુ, પ્રિયા એ ફુલને જોઇ રહી, અત્યારે એના મનમાં ઉત્પન્ન થતા ખુશીના ભાવને કળી શકાય એમ જ નહોતા, નજર ઉંચી કરીને પ્રિયાએ અનિકેત સામે જોયુ, અનિકેત આંખોના ઇશારાથી કહી રહ્યો હતો ’ હેપ્પી વેલેન્ટાઇન ડે,માય વેલેન્ટાઇન’, પ્રિયા આંખોના ભવા ઉંચા કરીને આંખોથી કહેવા લાગી આજે ક્યાં વેલેન્ટાઇન ડે છે ? પછી મનમાં ઉભરેલા પ્રેમભાવને રોકી ના શકી અને એક લાગણી સભર સ્મિત કરીને અનિકેતની બાહોમાં ઢળી પડી, પ્રિયાના કાન અનિકેતના હ્રદયની બિલકુલ નજીક હતા એ હ્રદયના ધબકારા ને સાંભળી રહી, જે એક અનેરો આનંદ અને હુંફ અર્પી રહ્યા હતા, જે પ્રિયાને કહી રહ્યા હતા, તારી સાથેનો મારો હરેક દીવસ મારા માટે વેલેન્ટાઇન ડે સમાન જ છે, અને પ્રિયાએ પક્કડને વધારે મજબૂત કરીને અનિકેતને બાહોમાં જકડી લીધો.

પ્રથમેષભાઇએ અનિકેતને રૂમમાં જતો જોઇને, હળવેકથી જરા પણ અવાજ ના થાય એ રીતે રચનાબેન જ્યાં ઉભા હતા ત્યાં આવી ગયા, નજીક આવતાં જ રચનાબેને આંખોથી ઇશારો કર્યો, ’ શુ સમજ્યા ?’ પછી પ્રથમેષભાઇએ રચનાબેનના ગાલે એક હળવી ટપલી મારી, ખીસ્સામાથી એક ગુલાબ કાઢીને રચનાબેન ને આપતા આંખનો ધીમો પલકારો કરીને મનોમન કહ્યુ ’બધુ જ સમજી ગયો, મારી વ્હાલી’ પ્રથમેષભાઇના આવા અણધાર્યા, વ્હાલભર્યા વર્તનથી રચનાબેનની પાંપણો ઢળી પડી, એ શરમાઇને નીચું જોઇ ગયા અને પ્રથમેષભાઇની બાહોમાં ઢળી પડ્યા

પ્રેમભવનમાં જાણે પ્રેમનો પર્વ ઉજવાઇ રહ્યો હતો.

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો