રમણઘેલો MAYUR PRAJAPATI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રમણઘેલો

મુંબઈનો એક બહુચર્ચિત અને કુખ્યાત પબ અને ડાન્સબાર "ધ ગોલ્ડન નાઈટ", એ કહેવા પૂરતો જ ડાન્સ બાર હતો, હકિકતમાં તો એ ગુનાહિત પ્રવ્રુતિઓ કરવા માટેનો એક મુખ્ય અડ્ડો હતો, આ ડાન્સબારનો માલિક ’સલીમ શેખ’ જે પોતે અનેક ગુનાહીત પ્રવ્રુતિઓમાં સંડોવાયેલો હતો અને ભવ્ય ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો એટલે ’બાર’માં મોટાભાગે ગુનેગારોની ને અપરાધીઓની જ અવરજવર રહેતી, ડાન્સફ્લોર પર બે-ત્રણ ડાન્સરો ડાન્સ કરી રહી હતી, ફુલ અવાજમાં ડીજેનાં તાલ પર મ્યુઝીક વાગી રહ્યુ હતું, ડાન્સફ્લોરની ઠીક જમણી બાજુએ, ખુલ્લેઆમ ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હતી, ક્યાંક શરાબની મહેફીલ જામી હતી તો ક્યાંક શબાબની, વિવિધ પ્રકારની રંગબેરંગી પાર લાઈટોથી આખો પબ ઝાકમઝોળ લાગી રહ્યો હતો,

પબનો માલિક સલીમ પોતે પણ શરાબ અને શાબાબનો શોખીન હતો, જો પબમાં આવેલી કોઇ યુવતી એને ગમી જાય તો ઓફીસની કેબીનમાંથી બહાર આવીને, બાર ટેન્ડરની જગ્યાએ ઉભો રહીને પોતે શરાબ પીરસતો.

આજે પણ એ કંઇક એવું જ કરી રહ્યો હતો, એક ગમતી યુવતીને શરાબ પીરસી રહ્યો હતો, એ યુવતીને હવસ ભરી નજરથી જોવા લાગ્યો, એક ઉંચી બ્રાંડની શરાબની બોટલમાંથી કાચના ડીઝાઇનર ગ્લાસમાં શરાબ કાઢ્યો અને ખુબસુરત યુવતી સામે ધર્યો.

યુવતીએ ગ્લાસ હાથમાં લેતા પહેલા સલીમ સામે એક મારકણી અદાથી જોયું પછી એક હળવું સ્મિત કરતા બોલી “થેંક્યું મી. હેન્ડસમ”

“આ તો મારી ખુશનશીબી છે, બ્યુટીફુલ એન્ડ સેક્સી લેડી, અને હા આ મી. હેન્ડસમ ને તમે સલીમ કહીને બોલાવી શકો છો, હું આ પબનો માલીક છુ અને તમે અત્યારે મારી મહેમાનનવાઝી માણી રહ્યા છો” એ યુવતીના અંગે અંગને હવસ ભરેલી આંખોથી માણતા, નીચલા હોઠને દાંતો વચ્ચે દબાવી એક હવસભર્યું સ્મિત કરીને સલીમ બોલ્યો

જરૂરત કરતા વધારે કોલાહલ થતા, એ યુવતીના દેહ પર ફરી રહેલી આંખોએ વળાંક લીધો અને પબના મુખ્ય દરવાજા તરફ ફંટાઈ, દરવાજે કોઇ અજાણ્યો અને જરા વિચિત્ર પહેરવેશવાળો માણસ દેખાયો, દરવાજાને એકદામ જોરથી ધક્કો મારીને ખોલ્યો હતો એટલે સલીમનું ધ્યાન એ અજાણ્ય વ્યક્તિતરફ ગયું. એનો પહેરવેશ ઘણો જ વિચિત્ર લાગી રહ્યો હતો. માથે પંજાબી પાઘડી પહેરી હતી, મોંઘો કહી શકાય એવો નેવી બ્લ્યુ રંગનો કોટ પહેર્યો હતો અને એની નીચે ધોતિયું, એ ધોતિયાને કમરના ભાગમાં જાણે દોરી જેવું કંઇક બાંધ્યુ હોય એવું લાગ્યુ, અંતે એ કથ્થાઈ રંગનું દોરડું હોવું જોઇએ એવુ તારણ કાઢ્યું, અને પગમાં પહેર્યા હતા સાદા સ્લિપર, એવું લાગી રહ્યુ હતું જાણે કોઇ વેશભૂષાની પ્રતિયોગીતામાંથી એ સીધો જ અહીં આવી ચડ્યો હોય, એ વ્યકિતને સાલીમ પહેલી વાર જ આ બારમાં જોઇ રહ્યો હતો, એટલે મનમાં શંકા જાગી કે ક્યાંક એ પોલીસનો માણસ તો નથી ને, પણ પછી પોતાની એ વાતનો છેદ ઊડાડતા મનોમન કહેવા લાગ્યો, પોલીસ ક્યાંથી હોય, દર મહીને ટાઇમસર હપ્તો તો પહોંચી જાય છે એટલે પોલીસ પણ કીધા વિના તો ના જ આવે, તો પછી આ છે કોણ ?

બારની અંદર આવી ગયા પછી એ વ્યક્તિ બારમાં ચારે તરફ જોવા લાગ્યો, એની નજર બાર ટેન્ડરની જગ્યાએ ઉભા રહેલા સલીમ પર પડી અને ત્યાંજ સ્થિર થઈ ગઈ, ધીમા ધીમા ડગલે, સ્લિપરનો થપ થપ અવાજ કરતો એ વ્યક્તિ સલીમની તરફ આગળ વધવા લાગ્યો,

એ વ્યકિતને પોતાની તરફ આવતો જોઇને સલીમ સાવધાનની મુદ્રામાં આવી ગયો, પેલી યુવતીને અહીંથી જવાનો ઈશારો કર્યો, બાર ટેન્ડરની જગ્યાએ ઉભેલો સલીમ જે ટેબલને અડકીને ઊભો હતો, એ જ ટેબલની ઠીક સામેની બાજુએ આવીને એ વ્યક્તિ ઉભો રહી ગયો, એકીટશે અને વિચિત્ર હાવભાવથી એ સલીમને જોવા લાગ્યો

સલીમનો ગુનાહિત ઈતિહાસ એવો હતો કે આજ દિન સુધી કોઈએ પણ એની સામે આ રીતે જોવાની હિંમત નહોતી કરી, એટલે સલીમ થોડો હચમચી ગયો, આંખોના ભવાં તંગ કરીને ખુંખાર અવાજમાં બોલ્યો "એય કોણ છે તુ ? અહીં શુ કામ આવ્યો છે ? તુ જાણે છે આ પબ કોનો છે ? તુ જાણે છે કે હું કોણ છુ ? અહીં કેવા કેવા લોકો આવે છે એની તને ખબર છે ? તુ ભુલો પડ્યો હોય તો પાછો ચાલ્યો જા, આ જગ્યા તારા જેવા લોકો માટે નથી, અને જો, જાણી જોઇને આવ્યો હોય તો, જે કામ કરવા આવ્યો છે એ ફટાફટ પતાવીને નીકળીજા અહીથી, એમાં જ તારી સલામતી છે" આ બધી કોઇ વાતની જાણે અસર જ ના થઈ હોય એમ એ અજાણી વ્યકિત અનિમેષ નજરે સલીમ સામે જોઇ રહી.

હવે સલીમ ગુસ્સામાં બોલ્યો "એય આમ ટગર ટગર શુ જોયા કરે છે ? મારી સામે નજર ઉચી કરીને પણ જોવાની કોઈની હિમત નથી થતી અને તુ મને આમ ટગર ટગર જોયા કરે છે, નજર નીચી રાખ નહીતર બહુ ભારે કીમત ચુકાવવી પડશે તારે, હું શુ બોલી રહ્યો છુ એનુ તને ભાન પડે છે કે નહી, અને પછી જાત-જાતની ને ભાત-ભાતની ગાળો બોલવા લાગ્યો, ક્યાંય સુધી એ ગાળો બોલતો રહ્યો અને પછી શાંત થયો, પણ આ શું ? આટલી બધી ગાળોની કંઇ અસર જ ના થઈ હોય એમ એ અજાણયો વ્યક્તિ સલીમને ટગર ટગર જોતો જ રહ્યો.

હવે સલીમ એનું સંતુલન ગુમાવી બેઠો, એની આંખોમાં લાલાશ તરી આવી અને જોરથી તાડુક્યો " મને આ રીતે જોવાનું બંધ કર, નહી તો, એટલુ બોલીને સલીમે એક ધારદાર ચપ્પુ કાઢ્યુ, અજાણ્યા વ્યક્તિ તરફ ધરીને ધમકી આપતા બોલ્યો "તારી બન્ને આખો કાઢીને.… સલીમ વાક્ય પુરુ કરે એ પહેલાજ એ અજાણ્યા વ્યક્તિએ, પવનવેગે પોતાનો જમણો હાથ ઉછાળીને સલીમને બોચીમાંથી ઝાલ્યો, અને પુરી તાકતથી એને ટેબલ પર પછાડ્યો, ધડામ કરતો અવાજ આવ્યો, એક.. બે… ત્રણ… એમ પુરી પાંચ વખત સલીમને ટેબલ પર પછાડ્યો, સલીમ સભાન અવસ્થામાં આવે એ પહેલા જ વિજળીવેગે બ્લ્યુ રંગના કોટના અંદરના ખીસામાંથી પિસ્તોલ કાઢી સલીમની ખોપડી આગળ ધરી, જે અત્યારે ટેબલ પર પટકાયેલી હતી, સલીમ કંઇક વિચારે એ પહેલાજ ઢિસકાંઉ.… એ અજાણ્યા વ્યકિતએ પિસ્તોલનું ટ્રિગર દબાવી દીધું, બંદુકની ગોળી સલીમની ખોપડીને ચીરીને આરપાર નીકળી ગઈ. ફરી ટ્રિગર દબાવ્યું ને ફરી ઢિસકાંઉ.. ટેબલ પર લોહી લોહી ફરી વળ્યુ, થોડાક લોહીના છાંટા એ અજાણ્યા વ્યક્તિના મોંઢા પર પણ ઉડ્યા, એ છાંટાને બેફિકરાઇથી હાથથી લુછી નાખ્યા, આખા પબમાં એક સન્નાટો છવાઈ ગયો.

પબમાં રહેલા બધા વ્યક્તિઓના ચહેરા પર આશ્ચર્ય હતું... બધા સ્તબ્ધ... બધાના મનમાં એક જ સવાલ “સલીમને મારી નાખ્યો ?”, બીજા ગુનેગારોમાં પણ ગભરાટ અને ફફડાટ ફેલાઈ ગયો, બધા પોત પોતાની જગ્યા પર સ્થિર મુદ્રામાં જાણે જકડાઈ ગયા હોય એમ લાગ્યું, કોઈ જગ્યા પરથી હટવાનો પ્રયત્ન પણ કરવા માગતા નહોતા, બારમાં રહેલ દરેક વ્યક્તિની આંખો એ અજાણ્યા વ્યક્તિ તરફ મંડાયેલી હતી,

પછી થોડો નમીને મરી ગયેલા સલીમના કાન પાસે જઈને ધીમે રહીને અજાણ્યો વ્યક્તિ બોલ્યો " મારૂ નામ, ઘેલો" થોડો અટકીને ફરી આગળ બોલ્યો "રમણઘેલો", જો તું થોડો સભ્યતાથી બોલ્યો હોત, તો મને સાંભળી શક્યો હોત" પછી ઉભો થઈને મરેલા સલીમ સામે જોયુ અને હાથમાં રહેલી પિસ્તોલમાંથી નિકળતા ધુમાડાને ફુંક મારતા મનોમન બબડ્યો " માણસ પૂરો, ને કામેય પૂરૂ"

બારમાં ફેલાયેલા સન્નાટાને, સ્લિપરનાં થપ થપ અવાજથી ચિરતો એ બહાર નીકળી ગયો.

***

રમણઘેલો એક એવું પાત્ર છે જે સામાજિક પ્રદુષણ બની ગયેલા એવા, ગુનેગારો અને અપરાધીઓ નાથવા એકલો જંગે ચઢે છે, કોઈએ એને આજ સુધી એના અસલ રૂપમાં જોયો નથી, એ જ્યારે પણ આવા કોઈ મિશનમાં નીકળે છે ત્યારે રંગ, રૂપ અને પહેરવેશ બધુજ વિચિત્ર અને રહસ્યમય હોય છે જેથી કોઈ એને ઓળખી નાં શકે. એક પછી એક એમ દરેક મિશનને બહાદુરીથી અને ચાલાકી પાર પાડે છે

મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપ પર ચેટ કરતા કરતા, અમસ્તા જ મજાક મસ્તી કરતા સર્જાઈ ગયેલું એક પાત્ર એટલે “રમણઘેલો”, આ પાત્રની પ્રેરણા જેના નામ પરથી મળી છે એવા મારા ખાસ મિત્ર “રમણ” નો હું ખરા હૃદયથી આભાર માનું છું. આ પાત્ર અને એની સાથે સંકળાયેલ ઘટનાઓ બધું જ કાલ્પનિક છે. “રમણઘેલો” પાત્રનું સર્જન કરવું એ મારા માટે ઘણું ચેલેન્જીંગ કામ હતુ, પણ એમાં હું કેટલો ઉણો ઉતાર્યો છું એ તો આપ વાચકમિત્રો જ કહી શકો છો.

પાત્ર સર્જાયા પછી તો એ પાત્રની આસપાસ કેટ કેટલીય ઘટનાઓ આકર લેવા લાગી, એ આકાર લેતી દરેક ઘટનાઓમાં પરોવાતો ગયો “રમણઘેલો”. ઘણીબધી ઘટનાઓમાંનીજ એક ઘટના અહી રજુ કરી છે. અને આગળ પણ કરતો રહીશ

આપના અભિપ્રાયની પ્રતીક્ષાએ