કબુલાત MAYUR PRAJAPATI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કબુલાત

“તમે સમજો છો એવું કઈ જ નથી, પ્રિયા મારી સારી મિત્ર છે, બસ એથી વધારે કશું જ નહી” અનિકેત રાકેશ સામે જોઈને બોલ્યો

“જો ભાઈ આ વેવલા વેળા રે’વા દે, અને માની જા, આપણે બાળપણથી મિત્રો છીએ એટલે તારી રગ રગથી અમે વાકેફ છીએ, તુ ઉંઘે ને તો સપના પણ કોના જુએ છે ને એની પણ અમને ખબર હોય છે, એટલે જો તુ તારી જાતને છેતરવાનો પ્રયત્ન કરતો હોય ને તો વાંધો નહી પણ અમને છેતરી નહી શકે, માટે અમને મુર્ખ બનાવાવનો પ્રયત્ન નાં કરીશ.” ભાવેશ સમજાવતો હોય એમ બનાવટી ગુસ્સો કરીને બોલ્યો

“જે સત્ય છે એને સ્વીકારી કેમ નથી લેતો, આજે કોલેજ નો છેલ્લો દિવસ છે આજના દિવસ પછી પ્રિયા તને ક્યારેય નહી મળી શકે, તુ ઇચ્છીસ ને તો પણ નહી, માટે કહીએ છીએ માનીજા, પ્રિયા ને જઈને કહી દે કે તુ એને ચાહે છે” ભાવેશના સુર માં સુર પુરાવતો હોય એમ મુદ્દાની વાત કરતા રાકેશ બોલ્યો.

અનિકેત કંઈક બોલવા જતો હતો પણ હાથનો ઈશારો કરીને એની વાતને વચ્ચે જ અટકાવતા ભાવેશ બોલ્યો “હવે એમ ના કહેતો કે પ્રિયા શું વિચારશે ? એને નહી ગમે તો ? એ મને ખોટો ધારી લેશે તો ? અને જો આવું થશે તો હું એક સારી મિત્રને ખોઈ બેસીશ, આ બધું તારા વિચાર માત્રની ઉપજ છે અંદરખાને તો તુ પણ નથી ઈચ્છતો કે પ્રિયા તારાથી દુર જાય, જો અનિકેત અમે ભણવામાં થોડા કાચા હશું, પણ કોઈની લાગણીઓને નાં સમજી શકીએ એટલા તો કાચા નથીજ, તુ ગમે તેવી સફાઈ આપે પણ એક વાત તો ચોક્કસ છે કે તુ પ્રિયાને ચાહે.. છે ચાહે છે અને ચાહે છે જેની કબુલાત પ્રિયા સામે તારે આજે ને અત્યારે જ કરવાની છે બસ, અરે પ્રિયા પણ તને ચાહે છે, પ્રિયાની આંખોમાં, વાણીમાં, વર્તનમાં હરેક સમયે તારા પ્રત્યેનો પ્રેમ છલકાતો જોયો છે માટે કહું છુ દોસ્ત માની જા, અને પ્રિયાને જઈને કહી દે”

“અરે યાર, સવારથી તમે બંને મારી પાછળ પડી ગયા છો, કેટલી વાર હું તમને સમજાવીશ કે મારી ને પ્રિયા વચ્ચે એવું કશું જ નથી, અમે બંને એક સારા અને ગાઢ મિત્ર છીએ, અને મિત્ર હોય તો એક બીજા પ્રત્યે લાગણીઓ હોય એટલે એને પ્રેમનું નામ નાં આપી શકાય. માટે હું એવું કશું કહેવાનો નથી અને એવું કશું કરવાનો નથી જે તમે મારી જોડે કરાવવા માગો છો” અનિકેત એકી શ્વાસે બધું બોલી ગયો, થોડો અટકી બંનેની સામું જોઇને પછી બોલ્યો “ સમજી ગયા ને તમે, હવે આ ચર્ચા નો અહીં અંત લાવો અને મારો પીછો છોડો”

ખરી કમાલ કરે છે યાર તુ તો, પ્રિયા તારી ગાઢ મિત્ર છે તો અમે કશું જ નથી, અને તુ કહેવા શું માગે છે અમે તારી જોડે એવું તે શું કરાવવા માગીએ છીએ, અમે તારી જોડે કોઈ ખોટું કામ નથી કરાવતા” ભાવેશ ગુસ્સામાં બોલ્યો

“મારો કહેવાનો એવો કોઈ મતલબ નથી એટલે આખી વાતને આડા પાટે નાં લઇ જશો”

“અમે તો તને સીધા પાટે લઇ જઈએ છીએ, આડા પાટે તો તુ જઈ રહ્યો છે અને આમ વારેઘડીએ શું એક જ પિપુડી વગાડ્યા કરે છે કે પ્રિયા મારી મિત્ર છે, પ્રિયા મારી મિત્ર છે, બસ હવે બહુ થયું તારે સાબિતી જોઈએ છે ને, તો હું તને આપું, ગયા સેમેસ્ટરમાં તારો અકસ્માત થયો હતો યાદ છે ને તને, જ્યારે પ્રિયાને તારા અકસ્માતની ખબર પડી, ત્યારે હાંફતી, દોડતી આવી હતી હોસ્પિટલમાં, તુ તો ત્યારે ભાનમાં પણ નહોતો, બે દિવસ પછી તને ભાન આવ્યું હતું અને એ બે દિવસ તારા બેડ પાસે જ બેસી રહી હતી એ પણ રાત દિવસ ભૂખી તરસી, તારા પ્રત્યેની ચિંતા એના ચહેરા પર સાફ ­દેખાઈ આવતી હતી અને એ ચિંતા સાથે સાફ દેખાઈ આવતો તારા પ્રત્યેનો ભારોભાર છલકાતો પ્રેમ, જે અમે જોયો છે, અને તુ પણ બેભાન અવસ્થામાં પ્રિયા પ્રિયાનું એકધારું રટણ કર્યા કરતો હતો, જો એ પ્રેમ નહોતો તો શું હતું ? તારા ભાનમાં આવ્યા પછી સૌથી વધારે ખુશી પ્રિયાને થઇ હતી, અને તારા ભાનમાં આવ્યા પછી પ્રિયાને તારી પાસે જોઇને તારા ચહેરાના બદલાયેલા હાવભાવ અને જો પ્રિયા એક મિનીટ માટે પણ તારાથી અળગી થતી ત્યારે પણ તારા ચહેરાના બદલાતા હાવભાવ, બધું જ અમે જોયું છે ભાઈ, પ્રિયાની હાજરીથી તારો ચહેરો જ નહી પણ આખો માહોલ ખુશમિજાજ બની જતો હતો, ડોકટરે રીકવરી માટે ૨૫ દિવસનો સમય આપ્યો હતો પણ ભાઈ તને તો દસ જ દિવસમાં નેવું ટકા રીકવરી આવી ગઈ હતી અને એનું એક જ માત્ર કારણ હતું પ્રિયા અને તારા પ્રત્યેનો અપાર પ્રેમ અને તુ પણ કાઈ ઓછો નહોતો ભાઈ, પ્રિયા ક્યા ગઈ ? પ્રિયા ક્યારે આવશે ? પ્રિયા તે ખાધું કે નહી ? પ્રિયા તુ થોડો આરામ કરી લે...,... આખો દિવસ, સવારથી સાંજ બસ પ્રિયા પ્રિયા જ કાર્ય કરતો, પ્રિયા સિવાય હોસ્પિટલમાં અમે પણ હતા, પણ તને પ્રિયા જ દેખાતી હતી અને પ્રિયાને તુ, હવે તુ અમને કહે કે આ પ્રેમ નહોતો તો બીજું શું હતું ? અનિકેતના ચહેરાના બદલાતા હાવભાવ જોઇને રાકેશ વધુ આક્રમક બન્યો “ નાં નાં હવે તારે બોલવું જ પડશે, એ પ્રેમ નહોતો તો બીજું શું હતું ? અને તારે સ્વીકારવું જ પડશે કે તુ પ્રિયાને ચાહે છે એને પ્રેમ કરે છે, પ્રિયા હવે તારા માટે પ્રિયા નથી રહી, એ હવે તારી પ્રિય બની ગઈ છે અને આટલી નાની વાત માનવામાં આનાકાની કેમ કરે છે બોલ અનિકેત બોલ આમ ચૂપ રહેવાથી કાઈ જ નહી વળે, બોલ ભાઈ બોલ કે તુ પ્રિયાને ચાહે છે. અને.......

રાકેશ આગળ બોલવા જ જતો હતો પણ અનિકેત એની વાતને વચ્ચે જ કાપતા જોરથી બોલ્યો

હા, હા હું પ્રિયાને ચાહું છુ, ખુદથી પણ વધારે પ્રેમ કરું છું, અનહદ ને અપાર પણ, ડરું છુ કે હું ક્યાંક એને ખોઈ નાં બેસું

રાકેશે ભાવેશ તરફ ફરીને ઈશારો કરતા ધીમા અવાજે કહ્યું હાશ... પચાસ ટકા કામ પત્યું હવે પ્રિયાને જઈને કહી દે એટલે બાકીનું પચાસ ટકા કામ પણ પતે, પછી જરા ચકીત થતા બદલાયેલા ભાવ સાથે કહ્યું લાગે છે બાકીનું પચાસ ટકા કામ પણ પતી ગયું.

“શું બકવાસ કરે છે, હજુ પ્રિયાને જઈને કહેવા તો દે પછી બાકીનું પચાસ ટકા કામ પતે ને” ભાવેશ બોલ્યો

પ્રિયાને કહેવાની કઈજ કહેવાની જરૂર નથી, રાકેશ આગળ બોલવા જતો હતો પણ એની વાતને વચ્ચેજ અટકાવતા ભાવેશ બોલ્યો “ બે ફરી ગયું છે કે શું તારું, આ શું બકવાસ કરવા લાગ્યો છે.

ભાવેશ આગળ કઈ બોલે એ પહેલા એની વાતને હાથ થી અટકાવી, આંખથી પાછળ ઉભેલી આકૃતિ તરફ ઈશારો કરતા બોલ્યો “ પ્રિયા એ બધું જ સાંભળી લીધું છે.”

ભાવેશની વાત સાંભળી અનિકેત એકદમ ચોંક્યો અને પાછળ ફરી જોયું તો ત્યાં ખરેખર પ્રિયા ઉભી હતી, પ્રિયા એ ભાવેશ અને રાકેશ સામે જોયું, બંને એકદમ ચૂપ અને શાંત ઉભા હતા, પ્રિયાએ અનિકેત સામે જોયું, બંનેની આખો મળી, બંને ની આંખોમાંથી ભારોભાર છલકાતો પ્રેમ સાફ દેખાઈ આવતો હતો, સમગ્ર વાતાવરણમાં એક નીરવતા પ્રસરી ગઈ

થોડી ક્ષણો બાદ નીરવતા ને તોડતા મક્કમ અવાજે પ્રિયા બોલી

“હા હું તને ચાહું છુ...અપાર...અનહદ, અને જીવનભર ચાહતી રહીશ, મારા જીવનમાં કાં તો તુ હોઇશ કાં તો પછી કોઇ નહી, પણ તારા કરતા પણ વધારે હું ખુદને ચાહું છું, મારા સપનાઓને ચાહું છું, મારા માતા-પિતા, મારા પરિવારને ચાહું છું, અનિકેત, હું આ કોલેજમાં એક સપનું લઈને આવી હતી ડોક્ટર બનવાનું, મારુ ગામ ખુબ નાનું છે અને શહેરથી ઘણું દુર, જરૂરી સારવાર ન મેળવી શકવાને કારણે, મારા પાંચ વર્ષનાં નાના ભાઈએ મારા હાથોમાં એનો છેલ્લો શ્વાસ લીધો હતો...થોડી અટકીને અવની આગળ બોલી. એ એક ઘટનાએ મારા આખા જીવનને ઘમરોળી નાખી એના બીજા જ દિવસે મેં મારી કાલી કાલી ભાષામા મારા પપ્પાને કીધુ’ તુ કે પપ્પા મારે ડોકટર બનવું છે, જેથી કોઇ ભઈલો આપણા ગામમાંથી વિદાય ના લે, મરવું કોને કહેવાય એ વખતે કદાચ હું નહોતી જાણતી, પણ ૭ વર્ષની ઉંમરે મેં મનમાં ગાંઠ વાળી લીધી હતી કે હું બનીશ, અને ડોક્ટર જ બનીશ, એ દિવસ છે ને એક આજનો દિવસ, મારા એ સપના સિવાય કંઇ જ નથી વિચાર્યુ, હું એક નિર્ણય કરીને આવી હતી, હું મારું સમગ્ર જીવન ગરીબ લોકોની સેવામાંજ વીતાવીશ, આજીવન નાં તો હું કોઈને પ્રેમ કરીશ કે ના તો હું કોઈની સાથે સંબંધમાં જોડાઇશ, પણ શું કરું ? તુ છે જ એવો કે હું મારી જાતને રોકી નાં શકી અને દિલ દઈ બેઠી, પણ હું તને ખોટા ખોટા સપનાઓ બતાવીને છેતરવા નથી માગતી, હું તારી લાગણીઓ, તારા પ્રેમને સમજી શકું છું પણ હું એ લાયક નથી કે એને અપનાવી શકું, માટે મને ભુલી જા હું તારી જીવનસંગીની ક્યારેય નહી બની શકું મેં ખુદને આપેલું એક વચન તો તોડી ચુકી છું પણ બીજું વચન હું કદાપી નહી તોડી શકું.”

આટલું બોલતા બોલતા પ્રિયા ગળગળી થઈ ગઈ, આંખોમાં ભિનાશ તરી આવી, હજુ એને ઘણું બોલવું હતુ, પણ બોલી ના શકી, શબ્દો ગળા થી હોઠ સુધી આવવા જ માગતા નહોતા. અનિકેતથી આંખો મિલાવી નાં શકી અને નીચું જોઈ ગઈ

અનિકેત પ્રિયાની નજીક આવ્યો, પ્રિયાએ અનિકેત સામે જોયું, પ્રિયાની આંખમાંથી આવતા આંસુ લૂછ્યા પછી પ્રિયાની આંખમાં આંખ મિલાવતા બોલ્યો

હાં, હું પણ તને ચાહું છુ....અપાર....અનહદ, અરે ગાંડી હું તો મારુ આખુ જીવન તારી સાથે વિતાવવા માગું છું. હું તો મારા પ્રેમની કબુલાત કરવા આવ્યો હતો પણ તે તો મારા આખા જીવનની કબુલાત કરાવી દીધી. પ્રેમ બસ એક જ કાફી છે એના માટે કોઈ સંબંધ માં જોડાવાની ક્યા જરૂર છે, અને પ્રેમમાં ક્યારેય કોઈ બંધન નથી હોતા, પ્રેમ ક્યારેય કમજોર નથી બનાવતો, એ તો મજબુત બનાવે છે અને જ્યાં સુધી હું મારી પ્રિયાને ઓળખું છુ ત્યાં સુધી એ આટલી કમજોર તો નથી જ તો પછી આ આંખોમાં ભીનાશ કેમ ? તારું વચન આજથી મારું વચન, તારા સપનાઓ આજથી મારા, તારૂ ગામ, તારો પરિવાર બધું જ મારું, પડાવ ગમે તેટલા હોય ને ગમે તેવા હોય, ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ગમે તેની સાથે હામ ભીડાવી પડે, હરેક ઘડી, હરેક સમય, ડગલે ને પગલે હું તારી સાથે રહીશ, તારી હિમત બનીને, તારો મિત્ર બનીને, પ્રેમ કર્યો છે તને, પ્રેમ જીવનના છેલ્લા શ્વાસ સુધી, તુ કહીશ ને તો પણ તારો સાથ નહી છોડું.

બંનેની આંખો મળી, બંનેની આંખો ભીની હતી ને હોઠો પર પ્રેમભર્યું સ્મિત, થોડી વાર સુધી બંને એકબીજાની સામે જોઈ રહ્યા, ને બંને એકબીજાને ભેટી પડ્યા

સમગ્ર કોલેજ એમની આ પ્રેમની કબુલાત નું સાક્ષી બની રહ્યું

આ પ્રેમ મિલાપ જોઈ થોડી દુર ઉભા રહેલા રાકેશે ભાવેશને કહ્યું

વાહ....શું ધાર્યું હતું ને શું થઇ ગયું

હા યાર સાચું કહ્યું તે, પણ આનાથી વધારે સારું તો નાં જ થઇ શક્યું હોત, મેં લોકોના મોઢે સાંભળ્યું છે, ચોપડીઓમાં વાંચ્યું છે, ફિલ્મોમાં પણ જોયું છે, પણ વાસ્તવિકતામાં આજે પહેલી વાર જોઈ પણ રહ્યો છું અને સાંભળી પણ રહ્યો છું અને એ પણ લાઈવ

શું ? એક પ્રશ્નસૂચક ભાવ સાથે રાકેશે ભાવેશ ને પૂછ્યું

એજ કે પ્રેમ બે આત્માઓનું મિલન છે, શરીરનું નહી.