દરિયામાં ઊછરતું સપનું vishnu bhaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયામાં ઊછરતું સપનું

       દરિયામાં ઊછરતું સપનું           
નવવધૂના ચાંદલા જેવો લાલચટક સૂર્ય ધીરે ધીરે સાગરમાં સમાતો ગયો. આકાશ જાણે એ રતાશથી રક્તરંજિત બન્યું. આથમણે અંધારાં હળવેકથી ખારાં પાણી પર ઊતરતાં આવ્યાં. દિવસભર ઉછાળા ભરીને થાકી ગયેલો દરિયો, ઢળતી સાંજે હવે થોડો નરમ પડ્યો. હજી ઘડીભર પહેલા સુસવાટા ફૂંકતો પવન, એકાએક સ્થિર થઈ સૂન બની ગયો ! 
ખૂબ જૂની બાંધણીનું, સાવ ખખડી ગયેલું ભીમજીનું નાનકડું વહાણ અહીં દરિયાને જાણે એકલું ધમરોળી રહ્યું હતું. વર્ષોથી સમારકામની વાટ જોઈ રહેલા એના વહાણનું નસીબ હજી નહોતું ઊઘડ્યું. હવે તો ખીલાની પકડ પાટિયાંમાંથી સાવ ઢીલી થઈ ગયેલી, છતાં એ વહાણ આજે પણ એ જ ખુમારી દરિયાને પડકારતું. ઓટના પ્રચંડ પ્રવાહ સાથે વહાણ બોયાંથી થોડું દૂર સરકી ગયેલું. દિગંત પર ઢળી ગયેલા સૂર્યની રતુંબડી મહાપ્રભાને નિહાળતા ભીમજીએ શંકા વ્યક્ત કરી: 
“હાલ જો હો મારા ભાઈ ! ઉતાવળ કરજો. અમણાં દિ’ ઢળી જાહે તો અંધારું થઈ જાહે !"
"હા, બાપા !" હોંકારો દેતા દિલિપે, બાપની વાતમાં સૂર પુરાવ્યો.
દૂર દૂર સુધી એટલામાં બીજુ કોઈ વહાણ ફરકતું નહોતું. બસ ! રાતોચોળ દરિયો ને તેનાં પર લહેરાતાં અસંખ્ય મોજાં ! એ સિવાય સર્વત્ર ભયાનક શાંતિ. ઘેરી સ્તબ્ધતા. ભૂલાં પડી ગયેલાં બે-ચાર દરિયાઈ પક્ષીઓ પણ ફફડાટ સાથે ઉડી ગયાં. ફરતાં ગોળ સીમાડાં વચ્ચે એક માત્ર ભીમજીનું વહાણ દેખાય. અસલ તરતા તણખલા જેવું. મચ્છીમારી માટે આ આમેય આ વિસ્તાર  ભયાનક અને ડરામણો. એંસી વટાવી ચૂકેલા અનુભવી ખારવાઓ બંદરમાં જાતજાતની વાતો કરતા આ વિસ્તાર વિશે. જમાનાથી આ બાજુના દરિયાનો ખોફ ઘણાંય ખારવાના દિલમાં ઘર કરી ગયેલો. પણ આમાં ભીમજી પાછો અલગ માટીનો માણસ. જુનવાણી ડોસાઓની ડરામણી વાતો તરત કાન તળેથી કાઢી નાખે. ને ક્યારેક મોકો મળે તો સામે ઘા પણ કરી લીયે: "ઈ તો ભાઈ ધાર્યુ ઘણીનું થાય ! હાચું કેમ તો, ખારવાના મોઢામાં આવી વાતું જ નો શોભે. ઈવું થોડું શે કે દરિયો ખાલી ઈપા જ તોફાની થાઈ શે ? અરે ! ઈ રૂઠે તે દિ' ઠેકાણું બેકાણું થોડો જોઈ !"
મનને પણ મચક ન આપે એવો મજબૂત. એ જ્યારે મહેરામણના પટ પર પગ મેલે ત્યારે એના બાવડાંમાં બળ વધી જતું. એટલે એની સાહસવૃતિ કહો કે લાલસા, પરંતુ તેની જીદ અવારનાર તેને અહીં મચ્છીમારી કરવા ખેંચી લાવતી. બંદરમાંથી છુટેલું એનું ભંગારિયું વહાણ મોટેભાગે તો અહીં જ આવીને અટકતું.

દરિયાના આ વિસ્તારમાં જાણે જીવતો ખજાનો તરતો. ખારવા માટે ‘લૉટરી’ કહી શકાય એવી કિંમતી ‘ઘોલ’ માછલી મળવાનો આ સંભવિત વિસ્તાર ગણાતો. રાતોરાતમાં લખપતિ બનવાની એકાદ ઉમેદ અહીં કાયમ બની રહેતી. જોકે, અહીં સરળતાથી ફિશિંગ કરી જવી ક્યારેય આસન નહોતી. એક છૂપો ભય હંમેશા માથે તોળાતો. ભીમજી જેવા કોઈક જ ફરેલ માથાના અહીં ભટકી પડતાં. અહીંનું વાતાવરણ કુદરતી રીતે ગજબ રહેતું. કાંઈ કરતા કાંઈ ભરોસો નહીં. દરિયે જિંદગી નીચોવી નાખનાર ખારવા માટે આજે પણ આ વિસ્તાર કલ્પના બહારનો જ રહ્યો હતો. ભગવાન જાણે અહીં એવું શું હતું ! પણ...અહીં  ક્યારે એકાએક વાતાવરણ આખું પલટી ખાય જાય એની ભણક સુધ્ધાં ન આવે. ક્યારેક તો જોતજોતાંમાં તો આખો માહોલ જ બદલી જાય. શાંત ચિત્તે સૂતો સાગર અહીં ઓચિંતા રાક્ષસી રૂપ લઈ, તોફાને ચઢી જતો. તો ક્યારેક આક્રમક મૂડમાં લાગતો તોફાની દરિયો એકાએક તૃપ્તિના ઓડકાર સાથે, તેના પહાડી મોજાંઓને જકડી લેતો. તો ક્યારેક વળી પલકારામાં ખોફનાક ચક્રવાતો ઊભા થઈ જતા, અને ઘડી ઘડીમાં ખારો દરિયો ઘૂમરડી લેવાં માંડતો. ને ક્યારેક ઓચિંતા ઊંડી ઊંડી ગળણીઓ દરિયામાં ઠેરઠેર રચાઈ જતી. ઊંડા કૂવામાં જાણે પાણી ઠલવાતાં ન હોય એમ દરિયામાં ગાબડાં પડી જતાં. થોડી ગફલતમાં રહે તો વહાણ હતું ન હતું થઈ જાય. એટલે પછી ડરના માર્યા ઘણાંખરા મચ્છીમારો અહીં ફિંશિગ કરવા જવાનું મોટાભાગે ટાળતા.
ભીમજી આમ થોડો ઝનૂની માણસ ખરો પરંતુ તેનું વહાણ નાનું અને જૂનું એટલે ક્યારેક લાચાર થઈ જતો. એમાંય પાછું બાપ-દીકરા સિવાય અન્ય છ ખલાસીના જીવનું જોખમ માથે. છતાં જીવના જોખમે પણ તે અહીં આવી ચડતો. ભીતર ઘૂમરાતું એક સપનું તેને અવારનવાર અહીં ખેંચી લાવતું.
“બાપા ! જલદી વેત્તો રાખજો. નાં દોર તરી ગઈ ઓય ઈવું લાગેશ !” ફાટી આંખે, દૂર દરિયા તરફ તકતા દીકરાએ ઉત્સાહમાં એક રાડ નાખી.
"ઓય બાપા ! ઘોઇલ ભરાઈ ગઈ લાગેશ !" ઊંડો શ્વાસ ગળી જતા એક ખલાસી હેબક ખાય ગયો.
દૂર દૂર દરિયાના પાણીમાં થતો સળવળાટનો આછો આભાસ દિલીપ સહિત બધા ખલાસીએ જોયો. અદમ્ય ઉત્સાહ સાથે તેના પગમાં જોમ ઊમટ્યું. પળના પલકારામાં સુકાની ભીમજી સાબદા થઈ ગયો. દરેકેની આંખોમાં ઇંતેજારી વધી. આશાતુર આંખો એ તરફ ચોંટી રહી. ખુશી, ભય, અધીરાઈ અને કુશંકાથી ઘેરાયેલાં ખલાસી, ધડકતા હૈયે એ તરફ જોઈ રહ્યા. જાણે તરસી આંખો ઠરી ! થડકારા સાથે કામે ચઢ્યા. મગજમાં ઊઠતા કંઈ હજારો વિચારને ખંખેરતા દિલીપે, ગોઠણ સુધીની લાંબી ચડ્ડી સાથે અધીરાઈ પૂર્વક હાથ લૂછી નાખ્યા. ખરેખર તો મગજમાં ઘૂમરાતા એ વિચારોએ એને ગભરાવી નાખ્યો હતો.
દિલીપ ભીમજીનો એકનો એક દીકરો. જેટલો એનો એટલો જ પાછો દરિયાનો. ભીમજી ઘરમાં એનો બાપ ને સાગર પર એનો સુકાની બની જતો. જલધિ તેમની જવાંમર્દીને ઘણીવાર લલકાર દેતો. પણ બાપને માથે બાંધેલું ફાળિયું ને પોતાના માથે રહેલી ટોપી જાણે કફન હોય એમ સમજી બાપ-દીકરો દરિયે દોટ દેતાં. દિલીપ એ રીતે જિંદગીના ચોવિસ-પચ્ચીસ વર્ષ વટાવી ચૂકેલો. એની ઊભરેલી યુવાની દરિયે ખીલી ને બાળપણ બંદરમાં. જોકે દેખાવે પાછો લાગે રૂડો. એકવડિયો બાંધો, શ્યામવર્ણો અને બાપ જેવી જ દરિયાઈ આવડત ધરાવતો બાહોશ ખારવો. એમાય ઉઘાડા ડીલે જોવો વધારે ગમે એવો. ધાવણમાં જાણે દરિયાનું ખારું પાણી પીને ઉછર્યો હોય એમ સ્વભાવે થોડો ખારો પણ ખરો. 
ભીમજીએ પગની જોરદાર ભીંસ લઈ બે હાથે સુકાન મરડ્યું. સડસડાત સરકતું વહાણ મક્કમતાથી જાળ નજીક પહોંચી ગયું. જોયું તો સાચે જ ‘ઘોલ’ માછલીથી આખી જાળ વીંધાઈ ગયેલી. દરિયાની સપાટી ઉપર ગીચોગીચ ભરેલી જાળ જાણે 'રામસેતુ' ખડકાયો હોય એમ તરવરી ઊઠેલી. જાળમાં ફસાયેલી ‘ઘોલ’ માછલી છટકવા વ્યર્થ તડફડાટ કરી રહી હતી. વહાણના આઠે આઠ ખલાસીની આંખો તેજસ્વી તારલા જેમ ચમકી ઊઠી. દરેકને લાગ્યું :'ક્યાંક આ સપનું તો નથી ને ?  ભરમ તો નથી ને ?' 
જીવનમાં ‘ઘોલ’ માછલીનો આટલો મોટો જથ્થો તેમાંથી કોઈએ આજ દિ’ લગી નહોતો જોયો. આખું દૃશ્ય જાણે ભ્રામક હોય એમ લાગ્યું ! એક ખલાસી તો માનસિક સંતુલન ગુમાવી ચુક્યો હોય એમ ધૂનમાં સતત હસતો રહ્યો. દિલીપે એને એક તમાચો ખેંચી કાઢ્યો ત્યારે એકદમ ભાનમાં આવ્યો. એક સાથે અનેક માછલી જાળમાં વીંટળાઈને દરિયા પર રસ્તો બનાવતી પડી હતી.
દરિયાદેવે આજે ભીમજી પર દિલ ખોલીને મહેર કરી. ભીમજીની ફાટી આંખો હજી એ તરતા ખજાના પર ચોંટી હતી. જાણે દરિયાના પેટાળ ઉપર પથરાયેલા એ દૃશ્ય પર હજી ભરોસો બેસતો ન હોય એમ તેણે વહેમીલી આંખો ચોળી. હૈયું પણ હર્ષના આવેગમાં એકાદ ધબકાર ચૂકી જતું લાગ્યું. અને પછી તો તેના હૈયામાં એક કાલ્પનિક ઉમંગની લહેરખી ઊઠી. જાણે હૈયામાં આખરનો જુવાળ ઊભરાયો હોય એમ હેલી ચઢી. રૂંવે રૂંવે ન સમજાય એવી કંપારી વછૂટી. અને ત્યાં બીજી  પળે તેને સચોટ પરિસ્થિતિનું ભાન થઈ ગયું. તેના પગ એકાએક ટટ્ટાર થયા. બગલમાં દબાવેલો વીણો છટકવા બળ કરી ઊઠ્યો. એવામાં એક હળવી વાછટ ભંડારમાં ધસી આવી. ભીમજી ચમક્યો. અહીંના ભ્રામક વાતાવરણના ખ્યાલે તેના દિમાગમાં એકાએક તેજ લિસોટો કર્યો. 
મનને આશંકા ઘેરી વળી:'વાવડો મોજોં કવાર વધી જાય ઈનું નક્કી નીં હો ! દોર જલદી અળકાવી પડીએ.'
તેણે ખલાસીને ઉદ્દેશીને ઉશ્કેરાટમાં રાડ પાડી: 
“જલદી કરો. દિલા, તું સેરો વીજમાં લે... જલદી. ખેંચજો મારા ભાઈ.”
ધડાધડ કરતી એક પ્રચંડ લહેર વહાણ સાથે ફરી ટકરાઈ. જાણે શક્તિ પ્રદર્શન કરવા કેમ આવી હોય ! ભીમજીએ પળભર વહાણ પરથી કાબૂ ગુમાવ્યો. તે રાક્ષસી મોજું વહાણનાં સથા પરથી વાછટ ઉડાવતું એકાએક પસાર થઈ ગયું. પરમાણ હવામાં ફંગોળાતું કુવાથંભ સાથે ટકરાયું. કામમાં વ્યસ્ત  ખલાસી પર ખારું પાણી ફરી વળ્યું. ઓચિંતુ ઠંડુગાર પાણી ખલાસીના અડધા ઉઘાડા અંગને ધ્રૂજાવી ગયું. ક્ષણેક તો બધા હેબકાઈ ગયા.
“કંઈ નીં થાય. હિંમત રાખો.. લીજો... આરિયા કરો ધીરેધીરે.” ભીમજીએ ખલાસીને હિંમત આપી. 
જાળ વહાણના સથા પર ઠલવાલી ગઈ... તડફડાટ કરતી ઘોલને કોલ્ડરૂમમાં ફેકતાં ખલાસી રંગતમાં નાચી રહ્યા. તેમના કાંડામાં આજ કટોકટ કૌવત ઊભરાયું.  
“બાપા ! આપણાં વા’ણમાં બધી ઘોલ નીં માંય ! હજી તો ઘણી બાકી શે. હું કરીયું ?”  દિલીપ દિગ્મૂઢ બની, વહાણમાં પડેલા ઘોલના ઢગલા તરફ અને હજી જાળમાં ફસાયેલી અસંખ્ય માછલીના પથારા તરફ તાકતા બોલી ઊઠ્યો.
“જેટલી માંય એટલી ભરી લ્યો, આવી જાહે બધી...” ભીમજીના કસાયેલા અવાજમાં જુસ્સો છલોછલ રણકતો હતો.
“પન, બાપા ! પછી વા'ણમાં લોડ વધી જાયે.... પેરસા બરોબર તો થઈ ગયુશ !" દિલીપનું દિલ આ ટાણે પણ સહેજ ભારે થયું. 
તેના કપાળે ચિંતાની કરચલી પડી :'ક્યાંક બધી ઘોલ વા'ણમાં ભરી લિયું ને વા'ણ માથું મારી ગયું તો ?'
દિલીપની દુવિધા આમ ખોટી પણ નહોતી. વહાણ હતું પણ વામણું. એટલે મનમાં ઊઠેલી આશંકાને નકારી પણ ન શકાય. 
"ભીમજીકાકા ! અટલામાં બીજા કો’ક વા'ણુ હોય તો વયલશ કરો ની ?" એક ખલાસીએ થોડી ચિંતા અને વધારે ઉમંગના રણકા સાથે સલાહ આપી. 
જેમતેમ કરતા ભીમજીએ બધી જ ઘોલ વહાણમાં સમાવી લીધી. કોલ્ડરૂમથી માંડીને દરેક ખૂણેખાંચરે તેણે માછલી ખડકી દીધી. મોજાંની મહાકાય થપાટો જીલતું વહાણ દરિયામાં ઘણું ઊંડુ બેસી ગયું. તમાચા પર તમાચા પડવાથી તિરાડો વધુ સ્પષ્ટ થવા માંડી. દેખતી આંખે આજે વહાણમાં માલ વધારે ભરાયો. જાણે જવાંમર્દીનો આ છેલ્લો જંગ કેમ હોય ! હવે તો દરિયાની સપાટીથી વહાણ માત્ર બે-ત્રણ ફુટ જ બહાર દેખાતું. જોકે ભીમજીના ગર્વિષ્ટ ચહેરા પર હાલ રોનક સમાતી નહોતી. વર્ષોથી આંખોમાં રમી રહેલા સપનાના પડછાયા આજે જાણે મુખ પર ઊભરાઈ આવ્યા. છેક આટલા વર્ષોની મહેનતનું મહેનતાણું દરિયાલાલે એકસાથે તેની ઝોળીમાં ઠાલવી દીધું. એ પણ જેને જોઈને ખારવાની ખુમારી ખીલી ઊઠે એવી 'ઘોલ' માછલી રૂપે. જે માછલીને કેટલાય માચ્છીમારોએ આજ સુધી જોઈ સુધ્ધાં નહોતી ! 
ભીમજી મનના ઊંડા ખૂણે ડર તો હતો જ ! ફરી એ છૂપો ડર દિલમાં ડંખ્યો: 'આંયથી જેમ બને એમ જલદી નીકળી જાવું પડે ! જો વાવડો ફઇરો તો ભારી પડી જાયે.'
અંધકારનો આંચલ ઓઢીને નીલગગનમાં ખડકાઈ ગયેલા અસંખ્ય તારલાઓ ભીમજીની ઘોલને જોવા આવી પહોંચેલા. જાણે આખું આકાશ આતુર આંખે વહાણની ઝાંખી લાઇટને તાકી રહ્યું.  ધ્રુવતારો પણ આજે જાણે ચકિત. દરિયાના દરેક મિજાજથી વાકેફ ભીમજીએ અડધી જિંદગી મહેરામણને માથે જ વિતાવી દીધેલી. આમેય ખારા દરિયાએ ઘણીવાર એના કાંડાની કસોટી કરેલી. જોકે એમાં ભીમજી ઊણો ઊતરે એમય નહોતો. તેણે સુકાન મરોડતા, વહેતા પવનની દાનત પર કુશંકા કરતા, અવાજ દીધો: " ભુદા, આપણે હવે જલ્દી નીકળી જાવું પડશે હો ! વાવડો વધીયે એવું લાગેશ."
"હા, લાગેશ બધી એક ઘરનું થાયે !" સથા પર ઘોલનો ઢગલો ખડકતા એક વૃદ્ધ ખલાસીએ અમંગળ અટકળ કરી.
વહાણનો સહેજ બેસી ગયેલો મોરો બંદર તરફ ફંટાયો. દિલીપનું હૈયું હવે હાથમાં નહોતું રહેતું. તે ભીની જાળના ઢગલા પર કુવાથંભનો ટેકો લઈ આરામથી બેઠો. દિલમાં દબાયેલુ મીઠા દર્દે જોર પકડ્યુ. મોં પર મુલાયમ મલકાટ ફર્ક્યો. રહી રહીને પેલી તીરછી આંખો, મરક મરક થતા હોઠ, કામણગારી દેહલતા, મોટો અંબોડો અને ઘેરદાર ઘાઘરો સામે આવી જવા લાગ્યા. એક ચહેરો જે વર્ષોથી એણે હજી મનમા સંઘરી રાખેલો. દિલીપે જાણે આ વહેતા સમયને હૈયે દાબી દીધો. 
ધીરે ધીરે વહાણ ખજાનો લઈ દરિયો ઓળંગતું રહ્યું જ્યારે દિલીપનુ ભીંજાયેલુ હૈયું એકલું એકલું છાનું સપનું પંપાળતું રહ્યું. 
મહેરામણનાં મોજાં અત્યારે તો નીરવ શાંતિમાં ડૂબી ગયેલા. ભીમજીની પાછળ જાણે હળવે હળવે ચાલ્યા આવતા ન હોય !  પણ, વચ્ચે વચ્ચે કોઈ એકાદ મોટી લહેર અણધારી આવી જતી તો ખલાસીનો જીવ અધ્ધર થઈ જતો. 'એ... એ... એ... હમણાં ડૂબી જશે ?' એવો ડરામણો આભાસ સૌને થઈ આવતો. એવામાં વહાણના સથા પર પડેલો ઘોલ માછલીનો જથ્થો પાછો હૈયામાં હિંમત આપી જતો. હેબક ખાઈ ગયેલા ખલાસી બીજી જ પળે ડર ખંખેરી નાખતા અને સોનેરી સપનામાં સરી પડતા.
ભંડારમાં ભીમજી સુકાન પકડી સ્વમાનભેર એકલો ઊભેલો. અંધારું દરિયા પર જરૂર ફરી વળેલું પણ ભીમજીનું ભીતર તો આજ અનેરા તેજપુંજથી ઝળહળી રહ્યું હતું. તેનો કસાયેલો ચહેરો આજ ખુદ્દારીના ભાવથી ચમકી ઊઠેલો. તેની દરિદ્રતા પર દરિયો આજ દરિયાદિલ થઈ વરસેલો. વહાણ તો મોજાંની પછડાટ ઝીલતું ચાલતું રહ્યું. પણ, ભીમજી ચારેક વર્ષ પહેલાં જીરવી ગયેલો એક કારમો ઘા તાજો કરી રહ્યો. દિકરો મોરા આગળ મીઠા દર્દમાં ડૂબેલો અને ભીમજી એના ભૂતકાળના ભંવરમાં. બાબુ પટેલના ઉચ્ચારેલા શબ્દો તેને આજ સુધી કાનમાં હથોડા જેમાં ઘા કરતા. એ વખત જ્યારે જ્યારે યાદ આવતો ત્યારે તે હ્રદયથી ભાંગી પડતો. પરંતુ આજે પોતાના એ ખંડિત સ્વમાન પર મલમ લગાવતો હોય એમ તેણે રૂઆબભેર ચહેરો ઊંચો કર્યો. એક નજર અંધારિયા દરિયા પર નાખી. અને.... રાતના અંધકારમાં... ઠંડા વાયરાના સુસવાટામાં... માથે મોતના પડકારા વચ્ચે પણ... તેને તે દિ’ ભૂતકાળમાં ભજવાયેલું એ હૈયાસૂનું  દૃશ્ય ફરી તાજું થઈ આવ્યું. 
                               ***
બાબુ પટેલ અને ભીમજીનું ઘર બિલકુલ સામ સામે. દરિયાદેવની દયા બાબુ પટેલ પર ખૂબ વરસેલી. ત્રણ તો મોટા મોટા વહાણો ધમધોકાર ચાલતાં. ગામમાં એમના નામનો વટ પડતો. જ્યારે ભીમજીનું ખંડેર જેવુ ખોરડું બાબુ પટેલના ઘર આગળ વામણું લાગતું. ભીમજીની આર્થિક સ્થિતિ તો દેખીતી રીતે જ ખૂબ નાજુક. એક નાનકડું વહાણ હતું એ પણ માંડ માંડ ઉછીઉધારાં કરીને લીધેલું.  ભીમજીનો દીકરો દિલીપ તો પહેલેથી જ બાબુ પટેલના માંડવે કામ કરતો. તેમના વહાણોના નાના મોટા કામ કરી ત્યાં જ પડ્યો રહેતો. શિખાઉ ખલાસી તરીકે પણ દિલીપ પહેલીવાર બાબુ પટેલના વાહણમાં જ ચઢેલો. અને ત્યાં જ  ધંધો શીખ્યો. એવામાં એક દિવસ દિલીપના લાગણીવશ શબ્દોએ ભીમજીને  ચોંકાવી દીધો.
"બાપા, મારું વે'વાર નીતા હાયરે જ કરજો હો ! બાબુ પટેલની નીતા !"
ભીમજીને ક્ષણાર્ધ તો અકળ આંચકો લાગ્યો. 
ગળું સહેજ ઝલાયું: "પન દીકરા ઈ મોટા મા'ણા કે'વાય ! આપણે તો...."
ઘણી દલીલ છતાં દિલીપ એકનો બે ન થયો. પાછો મા વગરનો દીકરો. હા, એક દિકરી પણ હતી ભીમજીને દિલીપ કરતા નાની. દીકરાને વધારે કાંઈ કહેતા બાપનો જીવ કોચવાતો. મરતાં પહેલા એની વહાલપની ગંગા જેવી પત્નીએ વચન લીધેલું: “ ઉં અવે ઝાઝા દિ’ નઈ કાઢું ! પન મારા ગ્યાં પછી બેન-ભાઈને કંઈ ઓછું આણવા નીં દેતા.” 
ભીમજીની આંખ સહેજ ભીની થઈ. એ ઊંડી આંખોમાં શું ધસી આવ્યું હતું, એ તો દિલીપ ન સમજી શક્યો. તો પણ એ પિતાના ઉત્તર વાટે ધડકતા હૈયે ઊભો. ભીમજીએ દિકરા સામે વહાલથી જોતા ભાવવાહી અવાજે કહ્યું.    
"ભલે બટા ! એક કોશિશ કરી જોઉં બસ !"  ભીમજી પરાણે લુખ્ખું હસ્યો.
હિંમત એકઠી કરી એક દિવસ ભીમજી બાબુ પટેલના ઘરે પહોંચ્યો. શબ્દો તો થોડીવાર ગળામાં જ થીજી ગયા. કેમે કરી મોં ઊઘડતું નહોતું. તેણે મનોમન ફરી હિંમત એકઠી કરી. આખરે થોથવાતા થોથવાતા તેણે પોતાના દીકરાનું વેવિશાળ નીતા સાથે કરવાની વાત મૂકી. હૈયામાં ફાળ તો પડી: ‘બાબુ પટેલ હું કે’શે ?’ આમેય ભીમજી પોતે પણ જાણતો કે અમારા બન્ને વચ્ચેનુ આર્થિક અંતર પૃથ્વીના બન્ને ધ્રુવ કરતા પણ વધારે છે ! 
 બાબુ પટેલ તો ચોંકી ઊઠ્યાં. તેનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. કોઈ સાવજ શિકારને જોઈ ત્રાડ નાખે તેવી રીતે બરાડી ઊઠ્યાં.
"સાલા ભિખારી. તું હમજેશ હું પોતાને ? મારી નીતાનું વે'વાર તારા જેવા રખડતા ભીખારીના ઘેર ઉં કરીશ એમ ? હાલતો થા ઘરમાંથી... નીકળ. અને હા, હવે જો ઈવો વિચાર પન મનમાં લાઈવો તો હારાવટ નીં રે. કહી દિજે તારા  દીકરાને. ને હાંભળ. તારા દીકરાને કે હવે આંયી નજર ઊંચી કરીને પન જોતો નીં. નીકર મયરોશ, હમજી લીજે.  હાલી નીકળ્યાશ ભીખારીના પેટના !!"
 રાડારાડી કરી તેણે તો ગામ ભેગું કર્યું. ભીમજી બિચારો ઊંચી નજર કરીને જોઈ પણ ન શક્યો. વીલા મોઢે ચાલ્યો ગયો. કેટલાય દિવસ ઘરના ખૂણામાં ભરાઈ રહ્યો. પછી તો બાપ- દીકરાએ ત્યાં ઊંચી નજર કરી જોવાનું પણ ટાળ્યું. ગામ આખામાં ભવેડો થયો. પ્રકરણ ખૂબ લાંબું ચાલ્યું, ઘણાએ રસ લીધો. કેટલાક તો વળી ભીમજીનું વહાણ ડક્કે લાંગરે એટલે તરત બાપ- દીકરાની ઠેકડી ઉડાડવવા પહોંચી જતા. મસ્તીના મૂડમાં કહેતા:" તમીને શરમ નથી આવતી અલા... તી બાબુ પટેલના ઘેર માંગુ લઈને ગીયાં ! કાં ઈ અને કાં તમે ? શરમાવ શરમાવ જરાક "
શબ્દો જાણે હૈયે વાગતા. બાપ-દીકરા બન્નેનો ચહેરો ઝંખવાણો પડી જતો. જવાબ આપવાને બદલે ભીમજી નીચું મોઢું કરી કામ કરતો રહેતો. દિલીપ આવેશમાં કંઈક કહી દેવા પર આવી જતો પણ શબ્દો જાણે ગૂંગળાઈને હોઠમાં જ રહી જતા. 
પછી તો બાબુ પટેલ વટ દેખાડવા માંગતા હોય એમ એક અધિકારી જેવા રૂઆબથી લાડકી દીકરી, નીતાનાં લગ્ન કોઈ ઊંચા ખમતીધર ઘરમાં કરી નાખ્યા. નીતા જોકે જરાઈ ખુશ નહોતી. દિલીપ પ્રત્યે તેને પણ છાને ખૂણે ઊંડો લગાવ. દિલીપનો ખીલતો દેહ ક્યારનો નીતાનાં મનનો કબજો લઈ બેઠો એતો એ ખૂદ નહોતી જાણતી. મહેરામણની માછલી જેમ ફટ દઈને ખારા પાણીમાં ભળી જાય એમ બન્નેના મન એકમેકમાં ભળી ગયેલાં.
 પણ પિતાની અક્કડતા અને મગરુબી આગળ નીતા લાચાર બની જતી. કુદરતને પણ જાણે આ સગપણ પસંદ ન હોય એમ માત્ર ત્રણેક મહિનામાં જ નીતા વિધવા બની. બાબુ પટેલ ભીતરથી ભાંગી પડ્યા. તેના મસ્તક પર છવાયેલો રહેતો દોલતનો નશો પછી ધીરે ધીરે મંદ પડતો ગયો.  નજર સામે જુવાનજોધ દીકરી ઘરમાં વિધવાની જિંદગી વિતાવતી. સાસુ સસરા નીતાને કાયમ માટે પિતાને ઘરે છોડી ગયેલાં. બાબુ પટેલ હવે દીકરીનું દુઃખ ને નિર્દોષ ચહેરો જોઈ દ્રવી ઊઠતાં. બધું હતું પરંતુ ચેન નહોતું. ધંધો પુર જોશમાં ચાલતો, છતાં જીવનમાં એક ખાલીપો સતત છવાયેલો રહેતો. કેમે કરી બેચેન મનને શાંતિ નહોતી મળતી. દુઃખ તો ભીમજીને પણ થયું, જોકે હજી હિંમત નહોતી કે બાબુ પટેલના ઘરે ઊંચી નજર કરી જોઈ લેવાય. બિચારા દિલીપનું મોં જ સિવાઈ ગયું. હર્યાભર્યા વૃક્ષ પરથી જાણે ઊડી ગયેલી કોયલ વેરાન વગડામાં ખોવાઈ ગઈ !  
ઠંડા પવનના સુસવાટા, દરિયાનો ઘૂઘવતો શોર, મોજાંની પછડાટ અને વહાણના ઢીલા પડતા પાટિયાંના અવાજથી ઓચિંતા ભીમજીની તંદ્રા તૂટી. એક યુગ જાણે આંખ સામે ભજવાઈ ગયો. એક બાહોશ સુકાનીની અદાથી તેણે વહાણને સાંભળી લીધું. આખરે અધ્ધર જીવે તેણે વહાણને હેમખેમ બંદરમાં પહોંચાડીને જ દમ લીધો. 
વહાણ બંદરમાં પહોંચતા ખલાસીઓ નાચી ઊઠ્યાં. અડધી રાતે પણ ભીમજીના વહાણમાં આવેલી ઢગલાબંધ ઘોલ માછલીને જોવા ખારવાના ટોળે ટોળા ખડકાયા. આટલી બધી ઘોલ જોઈ ઘણાં તો ઈર્ષાથી બળીને બેઠાં થતા હતા. 
"ભીમા, આટલી ઘોલ તો અમે જિંદગીમાં નથ જોઈ !" ફાટી આંખે જોઈ રહેલા કેટલાક ટંડેલોએ અચરજ દેખાડ્યું. 
જોનારા બધા મોંમાં આંગળા નાખી ગયા. હસતા મોઢે ભીમજી સૌને શાક માટે જોઈતી મચ્છી લઈ જવા વિનવવા લાગ્યો.
દિવસો બદલતા ગયા. શુક્લ પક્ષનો ચાંદલિયો જેમ દર રાતે વધતો જાય એમ દિવસે દિવસે ભીમજીની ઈજ્જત અને અમીરી વધતી ગઈ. આંબે કેરીઓ વધે અને તે વધું નીચે નમે તેમ ભીમજીએ મનમાં ઈર્ષા કે અભિમાન આવવા ન દીધું. માઈકાંગલું એ વહાણ હવે નવું નકોર અને મજબૂત બની ગયું. બાબુ પટેલના ઘરની સામે ઊભેલું નાનકડાં નળિયાવાળા જૂના મકાનની જગ્યાએ હવે ત્રણ માળની ઇમારત  શોભતી.  
ચોમાસાના દિવસો આવ્યા. આખરનો દરિયો તોફાની થયો ને સીઝન બંધ થઈ. વહાણોના સમારકામમાં બોટ માલિકો વ્યસ્ત બન્યા. દિલીપની મા તો હતી નહીં ! એટલે ભીમજીએ જ એક દિવસ દીકરાને પૂછી લીધું.
"બેટા ! તારા લગન હાટુ તું કે ના પૂછું. હું જાણું છું ઈ જૂની વાત. ઈ બધું હવે ભૂલી જા મારા દીકરા. હવે તારી ઉંમર પન વધતી જાયશ. અને, નાની બેન હવે કેટલા દિ' આપણે રાંધીને ખવડાવીએ ? ઈના હારે તારા પન લગન થઈ જાય તો ઘરમાં એક બાય મા'ણા આવી જાય... ને હવે દરિયાદેવની મે'ર શે.  ગમે ઈના ઘેર ઈજ્જતથી ઊભો રહી હકીશ. તું કહી જો...” નિસાસો સર્યો. ધીમેથી ઊમેર્યુ: “તારા લગન થઈ જાય એટલે મારા મનને પન શાંતિ વળે." ભીમજીના ગળામાં લાગણીભીનો ડૂમો ભરાયો. નેહ નીતરતા શબ્દોમાં પુત્રપ્રેમ ભારોભાર છલકાયો.
દિલીપથી પણ એક નિસાસો નંખાઈ ગયો. વર્ષોથી દિલમાં હજી સુધી સંઘરી રાખેલું સમણું સળવરી ઊઠ્યું. ધગધગતા સૂકા રણમાં જાણે કોઈ વાદળી અમીધારા વરસાવતી હોય એમ દિલીપના હૈયે ટાઢક વળતી જણાય. હૃદયના ધબકારા એકાએક વધી ગયા. એકાદ ક્ષણ નીતાનો ચહેરો સ્મૃતિપટ પર તાજો થયો. પિતાનું અપમાન... નીતાના લગ્ન... વેઠેલી વ્યથા ઘડીભર દિલ દઝાડી ગયું. શબ્દો ગળામાં અટવાતા લાગ્યા. કહેતા જીભ નહોતી ઉપડતી. તે સ્વસ્થ થયો. અને લાગણી નીતરતા ભીના આંસુ જેવા શબ્દો સરી પડ્યા.
"બાપા ! મારા દિલમાં હજી નીતા જ વસી શે !" થોડીવાર સ્વર થીજી ગયા. તે શાંત થયો. એકાદ ક્ષણ પછી તેણે ઉમેર્યું :" તમે મને પરણાવવા જ માંગતા હોય તો બાબુ પટેલને નાં પાછા..... " આંખોના બે ખૂણા ભીના થયા અને તે નજર ફેરવી ગયો.
"પન દીકરા ! નીતા તો હવે વિધવા શે ને તું !!" વધું આગળ બોલતા ભીમજીની જીભ ન ઉપાડી. તેણે માંડી વાળ્યું. દીકરાની લાગણી અને ભાવ એ સમજી ગયા. તેણે દીકરાના ખભે હાથ મૂક્યો. આંખોમાં ભીનાશ વરતાઈ, મોં પર નાજુક હાસ્ય ફરક્યું. ત્યાં ભીમજીના મુખમાંથી સહમતીના સુર સરી પડ્યા :
"ભલે દીકરા, હું પાછો એકવાર જાઈશ !"
ભેગી થયેલી ચાર નમ આંખો આખરે રડી પડી. 

-વિષ્ણુ ભાલિયા