પ્રેમનાં બંધન SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનાં બંધન

અરવલ્લીની ગિરિમાળાનાં સાનિધ્યમાં આવેલો આ પ્રદેશ પ્રકૃતિના અનુપમ સૌંદર્યથી ભર્યો ભર્યો છે. આ ગામ મને પ્રિય છે. કારણકે અહીં મારા હૃદયને સ્પર્શતું બધું જ છે.. મને ગમતું બધું જ છે.. પંખીના ગાન સાથે તાલ મિલાવતાં કલબલાટ કરતાં પહાડી ઝરણાં... લીલા લીલા વાંસ ની સાથે અનેક વૃક્ષોથી ભર્યા પર્વતોની લિલપ.. ગામથી થોડેક દૂર પહાડોની વચ્ચે આવેલું તળાવ ઘણું બધું છે.. જે મને ગમે છે. અને સૌથી પ્યારું શાંતિવન જેવું વિશ્રામગૃહ છે.. પાલનપુર અંબાજી હાઈવે પર આવેલા વિશ્રામગૃહની ગોદમાં ના જાઉ ત્યાં લગી મને ચેન ના પડે. સમજણો થયો ત્યારનો અહીં આવીને બેસુ છું...!

વિશ્રામગૃહમાં રહેલી મધુમાલતી વેલ આસોપાલવનાં હારબંધ વૃક્ષો, અને અન્ય વિલાયતી વૃક્ષો, પેલો બાંકડો ચંપો મોગરાના છોડ ,અને અનેક રંગી ગુલાબ મને ઓળખે છે.. અહીં મને શાંતિ મળે છે. પરમ શાંતિ... મને માણસોની ભીડ ગમતી નથી. હું એકાંત પસંદ કરું છું. કારણ કે મારાથી વાતો કરવાની મને આદત છે. પ્રકૃતિના અદભૂત તત્વોને પૂછપરછ કરવાની આદત છે. મારા આગવાં સપનાં છે આગવુ જીવન છે...!

ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ લઇ શહેરમાં ગયો. શહેરની ઝાકમજોળ પંચરંગી વસ્તી.. નવા લોકો નવા સંબંધો.. નવો પ્રદેશ બધું સ્વીકારી લીધું. અડધો શહેર લાગુ ,પણ ગામડા ની માયા છૂટી નથી. અને છૂટશે પણ નહીં. ગામના માયાળુ લોકોમાં મારા આત્મજન મને બહુ વહાલા છે. સૌથી વ્હાલી મમ્મી.. પછી મિત્ર વત્સલ.. શણગારી ભાભી અને વિણાબા બધાં સાથે લાગણીના સંબંધો.. બધા મને સારી રીતે ઓળખે છે. મારા ગાંડા આવા વર્તનથી સુપરિચિત છે. પાગલ જ કહેવાઉ ને આમ વિશ્રામગૃહમાં સવારે એકલો બેસી કશુંક ને કશુંક બક્યા કરૂં તો..?

વળી સાંજે તળાવના કિનારે જઈ અપલક સૂરજના કટકાને જોવાના. પાણીમાં ઉભરતાં તરંગોને જોવાના ને આથમતી સંધ્યાના સાતે રંગે પોતાના મનને એકરૂપ કરી નાખવાનું.. લોકોને મન આ પાગલ લાગે પણ જો મારો નિત્યક્રમ તૂટી જાય તો કશું ખોઈ દીધાનો મને રંજ થાય.. અમારું કુટુંબ સુખી છે. મારા કુટુંબમાં હુ ને મમ્મી બે જ છીએ.. પપ્પા અકસ્માતમાં અમારો સાથ છોડી ગયેલા. પણ મમ્મી છેને..! મમ્મીની મુસ્કાન પર મારું અસ્તિત્વ છે..! મમ્મી વિના મારું અસ્તિત્વ અશક્ય છે. એ મને બહુ પ્રેમ કરે છે. હું પણ..!

એેને ક્યારેય પપ્પાની યાદ વર્તાવા દીધી નથી.

હમણાં હમણાં બિચારી ચિંતામાં રહે છે. તેણે વહુની ઉતાવળ છે. મારે નથી. મને ઘણી છોકરીઓની તસવીરો બતાવે છે. પણ હું એ તસવીરો પણ જોવાનું ટાળુ છું. જગતમાં વસતા સ્વાર્થી લોકો કરજીવનને વેડફી નાખે છે પશુની જેમ જીવનભર દોટ મૂકી મૃત્યુને વરી જનારા લોકો પ્રત્યે મને સુગ છે.

એથી જ હું બીજા કોઈ સંબંધમાં જોડાવા માગતો ન હતો. મારી જાતને એકાંતમાં લાવી મૂકુ છું. વિશ્રામગૃહમાં બાંકડા પર બેસી મારી ધૂનમાં હું મસ્ત હતો કે ત્યાં જ મુખ્ય દ્વારમાંથી મોહક સૌંદર્ય પ્રવેશ્યું. સુંદરતા મને ગમે છે. પછી એ ગમે ત્યાંથી મળે . મને છોકરીઓ જોવી ગમતી નહોતી. કારણ શાયદ મારો શરમાળ સ્વભાવ પણ હોઈ શકે..!

હું તો આજતક એ જ વિચારતો હતો કે પ્રકૃતિપ્રેમી, સ્વપ્નદ્રષ્ટા હું જ હોઈશ..! શાંતિવન સમુ એકાંત મને જ પસંદ હશે.. પણ મારી ધારણા ખોટી પડી. એ સ્ત્રીએ શ્વેત સાડી પરિધાન કરી હતી. હાથોમાં શ્વેત બંગડી અને શ્વેત ચપ્પલ... એ સાદગીનો પર્યાયી લાગતી હતી. મારાથી દસેક ફૂટ જેટલી દૂરે બેસી પોતાના ગૌર મુખને કોમળ હાથમાં મૂકી દઈ ધૂંટણવાળી કોણીઓને ઢીંચણે ટેકવીને બેઠી હતી. મારી દ્રષ્ટિ વારે વારે એના પર જતી હતી. એ શાંત ચિત્તે શૂન્યમનસ્ક થઈ ગુલાબની કરમાયેલી ડાળખીને તાકી રહી હતી. મારું ચિત્ત ચકડોળે ચઢ્યું.

"કોણ હશે એ..? પહેલાં તો ક્યારેય મેં એને આ ગામમાં જોઈ નથી.. એ પણ મારી જેમ શહેરમાંથી આવી હોવી જોઇએ..! પણ એ આ ગામની તો લાગતી નહોતી... ન જાણે શા માટે હું એના વિચારો કરવા લાગ્યો. એણે મારા શાંત મનમાં ખલેલ ઊભી કરી હતી. વમળો સર્જ્યા હતાં. મને મનોમન એના વિશે જાણવાની તાલાવેલી જાગી. હુ મનને જ પૂછતો હતો. "શુ એ અહીં દરરોજ આવતી હશે ..? મારી જેમ એને પણ આ બધું ગમતું હશે..?

એનો સુડોળ ચહેરો એની કમનિયતામાં નિખાર લાવતો હતો. છતાં જાણે એને જગતની કશી જ પડી ન હોય એમ એ કેવી ધ્યાનમગ્ન બેઠી છે. લગભગ કલાક વીતી ગયો. 
પવન દ્વારા ફફળતા પર્ણો અને પંખીઓનો કલબલાટ સિવાય નરી શાંતિ પ્રસરી હતી. એ ઉઠી ને ચાલી ગઈ. જાણે કે એક અદભુત વ્યક્તિત્વ સુગંધના અચાનક આવી ચડેલા ઝોંકાની જેમ વહી ગયું. 
હું વિશ્રામ ગૃહ ધ્વારને જોતો રહ્યો. કેટલીયે વાર સુધી.. શાયદ હું તંદ્રામાં સરી પડ્યો હતો. આજે મારા ચિત્તની શાંતિ હણાઈ ગઈ હતી. કદાચ જે હું મેળવવા આવ્યો હતો. એ કોઈ અન્ય મેળવીને ચાલ્યું ગયું હતું. અને હું તો કશુંક ગુમાવીને જ પાછો ફર્યો. મારા મનને ચેન નહોતું.

મમ્મી રસોઈ બનાવતી હતી. મને પાછો ફરેલો જોઈ બોલી..

"સ્વપ્ન બેટા..! હવે બે જ રોટલી બાકી છે. પછી જમી લઈએ. આજે તારે મને તારી બીજી 'વાર્તા' કહેવાની છે. શહેરમાં હતો ત્યારે જુદા જુદાં મેગેઝીનોમાં વાર્તાઓ આપતો હતો. મારી વાર્તાઓ છપાતી એ જોઈ મને બેહદ ખુશ થતી. મારી વાર્તાઓમાં મને સૌથી વધુ ગમતી સ્ટોરી "વાર્તા" છે. કાલે મમ્મીને બીજી વાર્તા કહેલી. સવારે વિશ્રામગૃહ જતી વખતે કહેતો ગયો હતો "આજે તને હું મારી મનપસંદ વાર્તા સંભળાવીશ.

મમ્મીએ રસોઈ બનાવી લીધી પછી અમે જમવા બેઠાં. અને બહારથી અવાજ આવ્યો.

" માસી ...ઓ માસી...!"

"શું છે બેટા..?"

તમે ઘરમાં પુરાયેલા જ રહેજો...! કશો ખ્યાલ જ રાખતાં નથી..! આ મોગરાની ડાળખીઓ કોણે તોડી છે..? ઓહ મા.. સાવ વિલાઈ ગઈ છે..!"

આ રાતરાણી, ચંપો અને બોગનવેલ સિંચવાની બાકી છે.. હું હમણાં આવી..! વીણા બા કહેશે.. ક્યાં ગઈ આ છોડી..!"

કોઈના ચાલ્યા જવાથી પગલાનો અવાજ પણ દૂર દૂર સુધી ચાલ્યો ગયો. સાથે ઝાંઝરનો ઝણકાર પણ..

"કોણ હતી એ મમ્મી..?"

કોયલના ટહુકા જેવું ઘણું બોલતી ગઈ એનો અવાજ રહી રહીને કર્ણોમાં પડઘાતો હતો. એના વિશે જાણવાની અધીરાઈથી મે મમ્મીને પૂછી લીધું.

મમ્મી કહેતી હતી. "એ વાર્તા છે..!"

"વાર્તા..?"

મને આશ્ચર્ય થયું.

"હા વાર્તા..! મજાની છોકરી તારા જેવી પાગલ..! ધૂની..! વિણાબાની કોઈ સિસ્ટરની દીકરી છે.. છેલ્લા પંદરેક દિવસથી તેમના ઘેર રહે છે..! બહેનને મળવા આવેલાં. એને આ ગામની માયા લાગી. એટલે એ વધારે દિવસ રોકાઇ ગઇ..! આવી છે ત્યારથી નાનેરાંથી લગાવી ઘરડાં માણસો સુંધ્ધાંને છેડતી રહે છે..! સાવ પગલી..! ઘણી સમજુ છે..! બોલતી પણ એવી કે સૌને ગમી જાય..! એને પણ તારી જેમ તળાવના કિનારે જઈ બેસવું ગમે છે. તળાવની જીવસૃષ્ટિમાં જગત દેખાય છે. તરંગો અને આથમતા સુરજ ના પ્રતિબિંબ જોવા ઘેલો શોખ એને પણ છે. મે એનેકહ્યું.

"આ તને અને મારા દીકરા સ્વપ્નને ગાંડો શોખ છે .. એ નથી ત્યારે તુ ગાંડી થઈ છે..! જ્યારે તુ નહતી ત્યારે એ ગાંડો થયેલો. મારી વાત સાંભળીને એ બોલી હતી. "જુઓને માસી..! ગાંડી એક જ વ્યક્તિ હોઈ શકે.. પણ એક જ શોખ પાછળ બે માણસ જીવે તો એ ગાંડપણ પણ નથી જીવન છે.. આનંદ છે.. શાંતિ છે.. હું તો સમજતી હતી કે એ શોખ મને એકલીને જ છે પણ..!

એય માસી.. જરા મને બતાવજે ને આ તમારો સ્વપ્ન કેવો છે..? એની તસવીર છે ને તમારી પાસે..?

"બેટા મારી સાથે એ વાતે વળગ્યે છે ત્યારે જાણે મને એની સહેલી બનાવી નાખે છે પગલી.. તે વાત પણ ભૂલી જાય છે કે ઉંમરમાં હું એની 'મા' જેવી છું મને તું'કારથી બોલાવે છે. જ્યારે ભાન ભૂલી જઈ વાતો કરવામાં મગ્ન થઈ જાય છે.. તારી તસ્વીર એને મેે બતાવેલી. એ જોઈ બોલી હતી. "જેવું નામ રાખ્યું છે એટલું જ એના ચહેરામાં સાર્થક છે..! ઘણાં સપનાં છે એની આંખોમાં.. ઘણાં ઉન્મેષો..

ધણા ઊન્માદ.. ભીની આંખનાં ઊંડાણ..! એય માસી આ તસવીર તને જીવતી નથી લાગતી..?"

એ એવી તો વાતો કરે છે કે ક્યારેક મને લાગે છે આ છોકરી સાચે જ પાગલ હોવી જોઈએ.. અને ક્યારેય મહાન દાર્શનિક પેઠેની એવી સમજદારી ભરી વાતો કરે છે કે કોઈ પીઢ ચિંતક લાગે..!"

એ તને મળવા માંગે છે. હમણાં આવશે કાલે આવી હતી. પણ એના ગયા પછી તું આવ્યો હતો. મમ્મી ખુરશી લાવી મારી સામે બેસી ગઈ.

"ચાલ તું મને પેલી વાર્તા કહે..!"

"કહું છું બાબા..! કહું છું..!

"પહેલા મને એક ગ્લાસ પાણી પી લેવા દો..!"

મેં પાણી પીધું. પછી મમ્મી જોડે બેઠો. "સાંભળજો ધ્યાનથી હો..!"

" સારું બાબા ઝટ ચાલુ કરને..!"

"મારી વાર્તાનો નાયક છે સ્વપ્નિલ..!"

"હા, મમ્મી.. સ્વપ્ન.. બિલકુલ મારા જેવો ધૂની વાર્તાકાર.. તુ મને જ કલ્પી લેજે.. જેથી મારે સ્વપ્નિલને તુ સહેલાઈથી વ્યક્તિત્વને સમજી શકીશ..એને નજીકથી પારખી શકીશ.. એ જિંદગી વિશે ગંભીર છે. અેને ઘણા સપના સજાવ્યા છે. જે પ્રકૃતિ સાથે પોતાનું તાદાત્મ્ય મહેસૂસ કરે છે. પ્રકૃતિની દરેક ચીજને ચાહે છે. 
કુદરતનુ રમ્ય સ્વરૂપ તેને પ્રસન્ન કરે છે. અને રૌદ્ર સ્વરૂપથી ખિન્ન પણ થઇ જાય છે. એ આશાવાદી છે. જે વ્યક્તિને કુદરત પ્રત્યે માનવતા દાખવી હોય પછી એ માણસો સાથે કેવું વર્તન કરશે એ કલ્પવની જરૂર હોય ખરી..?" એ પોતાની સ્વપ્નસુંદરી વિશે વિચારે છે. એ કેવી હોવી જોઈએ..? મારા ચિત્તમાં જેવું સ્વરૂપ છે એવી જ શાંત.. મને સમજે એવી યુવતી મળશે ખરી..? જગતમાં બધું અણધાર્યું અને કલ્પના વિરુદ્ધનું જ બનતું હોય છે..! જેથી એને પણ પ્રશ્ન થાય છે કે મારી સ્વપ્ન-પરી મને મળશે ખરી..?

એના જીવનમાં એક યુવતી આવે છે. હા, મમ્મી.. એને લાગે છે મારુ સ્વપ્ન ફળ્યું. મારું સુખ મને મળ્યુ. છતાં જાણે શા માટે એને લાગે છે કે અચાનક આવી મળેલું આ સુખ મૃગજળ તો નહીં હોય ને..?

" હેં મમ્મી આવું અચાનક મળી ગયેલ સુખ સાચું હશે કે પછી મૃગજળ..!

હું સાચેજ કલ્પી શકતો નથી મારે આ વાર્તને અંત શો..દેવો..? સમજાતું નથી મારી વાર્તા જીવતી છે કે ઝાંઝવું છે..! હું સુધ-બુધ ગુમાવી બેઠો છું..! મારી મતિ મારા કહ્યામાં નથી..!"

"વાહ...વાહ લેખક મહાશય ..! રોમેન્ટિક વન્ડરફુલ સ્ટોરી..! ઘણું સુંદર લખો છો વાર્તાકાર..! માસી આ જ તારો સ્વપ્નને..?
અચાનક આવી ચડેલી વાર્તાએ જાણે મારી વાર્તામાં પ્રાણ ફૂંક્યો. મારી આંખોમાં આંખો પરોવી એ કહેતી હતી.

"ઓ સ્વપ્ન.. તારી વાર્તા મને કલ્પી લો. પછી જુઓ તમારી વાર્તાનો અંત મળી જશે.. વિચારી જુઓ.. હું જ તમારી વાર્તા છું ..! તમારાં મેઘધનુષી સપનાનું સાચું સ્વરૂપ છું..!"

હું જોતો જ રહ્યો. અપરિચિત છતાં પરિચિત ચહેરાને જેમાંથી ગુલાબી તાજગી ફૂટુ-ફૂટુ થતી હતી. જેની કાયા સંગેમરમરસી મુલાયમ લાગતી હતી.
આખું ઘર સૌંદર્ય અને સાદગીના મિશ્રણ લઈને આવી ચડેલા વ્યક્તિત્વથી અંજાઈ ગયું. એ ચુપ થઈ ગઈ હતી. અચાનક શું થયું. હું એના ચહેરાને ખોતરવા લાગ્યો.

મમ્મી એના આજના ઉત્સાહથી આશ્ચર્યચકિત હતી. અને અચાનક ઘંટડીનો મીઠો રણકાર થંભી ગયો. 
એનો ચહેરો ફિક્કો પડી ગયો. જાણે કશીક છૂપી વાસ્તવિકતાએ એને ઘેરી લીધી હતી. 
એની આંખોમાંથી બોર બોર જેવડા આંસુ ટપકી પડ્યાં.

"અરે વાર્તા..! શું થયું ..?"

મમ્મી હતપ્રભ બની ગઈ.

સ્વપ્નિલનો હાથ પકડી હીબકે ચઢેલી વાર્તાના મુખેથી જાણે કે દર્દ અને બેબસી પ્રગટ થઈ.

" સ્વપ્નિલ...તમે મને પહેલા કેમ ના મળ્યા..?! પહેલાં કેમ ન મળ્યા મને..!"

હું સમજી ગયો હતો.

"મારી વાર્તા જીવતી હતી. મારું અનુમાન સાચું પડશે. એવી ભીતિથી મન ભરાઈ ગયું.
"નહિ મારી વાર્તા મૃગજળના હોઈ શકે..!" મારી વાર્તા મને છેતરી ન શકે..!

"તુ બોલ વાર્તા આપણે અન્યોન્યને માટે જન્મ્યાં છીએ..! 
આઈ લવ યુ.. હું તારા વિના નહી જીવી શકુ, કહે વાર્તા કે હું તારા વિના ક્યારેય જીવી નહીં શકું ..!"

મમ્મી પણ મને તાકી રહી હતી. કોઈ છોકરીમાં રસ ના લેનારો હું વાર્તાને પોતાની માની લઈ લાગણીસભર શબ્દોથી વિનવી રહ્યો હતો.

"વાર્તા તુ મારૂ સ્વરૂપ છે ..! કહે કે તું મારા વિના નહીં જીવી શકે..!" 
વાર્તા રડતી-રડતી ઘરમાંથી દોડી ગઇ.. ! હું બેચેન હતો. 
મમ્મી પણ મારી બેચેનીથી ચિંતિત હતી. એ પણ અમારા પરસ્પરના વ્યક્ત થયેલા અનૂપમ પ્રેમને સમજી શકી હતી. એ ખુશ હતી કે મને વાર્તા મળી છે. અને એને વહુ. છતાં ચિંતા એ હતી કે વાર્તાએ અમસ્તુ જ કહ્યું કે "હું તમારી વાર્તા છું... મને તમારી વાર્તા કલ્પી લો.. તમને તમારી વાર્તા નો અંત મળી જશે..! અને એ કલ્પના નહતી..એ હાથ પકડીને સ્વપ્નિલને ઝંઝોળી કહેતી હતી કે 'તમે મને પહેલા કેમ ન મળ્યા?' આ બધું અમસ્તું નાહોય..!
વાર્તાને સ્વપ્નિલની વાત કરેલી ત્યારથી તેણે સ્વપ્નને જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને સ્વપ્નની પ્રકૃતિ સાથે એની પ્રકૃતિનું તાદાત્મ્ય સમજીને સહજીવન મરણાંત સુધીનુ વિતાવી લેવાનું સપનું એણે જોયું હોય એ સ્વાભાવિક છે..

વાર્તા કોઈ છુપા ભયથી પીડાય છે ખરી..! કશુંક છે જે એને હસવા દેતું નથી..! એ રાત મારી ગમગીની ભરી વિતી. મમ્મી પણ પડખા બદલતી રહી.
બીજા દિવસે સવારે હું વિશ્રામગૃહમાં બેઠો હતો. મારા ચિતમાં વાર્તા ઘુમરાતી હતી. વાર્તાને શું દુઃખ હોઈ શકે..? એની વેદનામાં સહભાગી ન બની શકું ..? એ વિશે હું વિચારતો હતો કે વાર્તા આવી. અચાનક આવેગથી આવી ગયેલા વર્ષાના ઝાપટાની જેમ.. આજે એ સાડીને બદલે ગુલાબી સલવાર કુરતામાં હતી. હાથોમા ગુલાબી બંગડી હતી. ને કાનમાં ઝૂમખાં, જેમા ગુલાબી મોતીનો ચળકાટ આંખોને આંજી નાખતો હતો. આજે એ ધણી ખુશ લાગતી હતી. એ તરત મારી બાજુમાં આવી બેસી ગઈ.
' સ્વપ્ન મારાથી નારાજ છો તમે..? મારા ઢીંચણ ઉપર એના હાથ મૂકી ચહેરાની બિલકુલ સમિપ લાવીએ પૂછતી હતી.

" સ્વપ્ન..! આજે મારા અંતરને ખાલી કરવા આવી છું. તમે કશું ના બોલજો..! ફક્ત મને સાંભળો. 
તેને શું કહેવું હશે..?હું એના આકર્ષક ગોળ ચંદાને લજાવે એવા વદનને નીરખી રહ્યો.

"સ્વપ્ન.. ચાહવાતો હું તમને ત્યારથી જ લાગી હતી, જ્યારે તમારો પરોક્ષ પરિચય મને માસી દ્વારા થયેલો. તમારો પરિચય થવાનું કારણ આપણા બંનેનો પ્રકૃતિપ્રેમ છે. 
માસી પાસેથી તમે મને સંપૂર્ણ રૂપે પ્રાપ્ત થયેલા.
મેં મનોમન તમારી છબી મારા હૃદયમાં કંડારી લીધી હતી. તમને મારા મનના માણીગર બનાવી બેઠી. 
અને એથી જ હું અહીં વધુ રોકાઈ ગઈ આ ગામમાં..! હું તમને જોવાની ઘેલછા રોકી ના શકી. 
મારે મારા નવજાત પ્રણયને દ્રષ્ટિ સમક્ષ લાવી નિરખવો હતો. તમારી તસવીર જોયા પછી તમને જોવાની ઈચ્છા તીવ્ર બની ગઈ હતી. સાચું કહું છું..! 
તમારી જેમ જ હુ પણ દરરોજ વિશ્રામગૃહે જઈ બેસુ છુ..! તમે આવ્યા એ દિવસે તમને મળી શકી નહોતી. પણ કાલે તમારી વાર્તા સાંભળી અને લાગ્યું. 
"હું તમારી વાર્તા છું..! મેં તમારા માટે જ જન્મ લીધો છે..! તમારી વાર્તા ને હું જીવિત બનાવી દઈશ. હું જાણુ છું એ સ્વપ્ન તમારું પોતાનું છે. તમારી કાલ્પનિક વાર્તાના અંતને પણ સુખમય બનાવવાની ઈચ્છા હતી. પણ નસીબમાં જ ન હોય તો કોઈ શુ કરે.. 
એની આંખો વહેવા લાગી હતી. ઢીલા થઈ ગયેલા અવાજે બોલતી હતી.


"હા..સ્વપ્ન હુ જ બદનસિબ છું..! તમારી આ વાર્તા ઝાંઝવુ છે . તમારુ આ સુખ માત્ર કલ્પના સાબિત થયું છે. જાણો છો કેમ..? 
'હું તમારી બની શકું એમ નથી. મને બ્લડ કેન્સર છે..!" કહેતી વાર્તા મારા ખોળામાં માથું નાખીને ધૃસ્કેને ધ્રૂસકે રડી પડી.

મારી આંખો ફાટી ગઈ હતી. મારુ સુખ છળ રૂપે કેવું પ્રગટ થયું હતું..? પણ મારે હાર માનવી ન હતી. મે વાર્તાને દિલાસો દીધો.
' વાર્તા બસ..! હિંમત હારી ગઈ ..? આજ લગી તો જિંદગીને તુ છેતરતી રહી મુક્ત વિહરતા પંખીની જેમ નિખાલસતાથી જીવી છે.. જાણે કે બધુ જ સુખ તને મળ્યું હોય એમ..! 
અને હવે જિંદગીની આ વાસ્તવિકતા સામે હારી ગઈ.?

ના વાર્તા ના ..! તુ ભાંગી પડીશ તો મને કોણ સંભાળશે..?

મારી વાત સાંભળી વાર્તા પિંગળી ગઈ. "સ્વપ્ન..પણ નોર્મલ વ્યક્તિ છો.. એક સારી છોકરી પસંદ કરીને લગ્ન કરી લેજો.. મારો ખ્યાલ છોડીદો.. હું તમારે લાયક નથી. માટીભીની પૂતળી છું.. અચાનક આંગળી જઈશ..!"

"તુ મારા લાયક નથી એટલા માટે જ કે તને બ્લડ કેન્સર છે..? જો એવું આપણા લગ્ન પછી થયું હોત તો..? મને જિંદગીમાં એક જ વ્યક્તિ માટે પ્રેમ થયો અને એ પહેલી તુ છે વાર્તા..! અને હું તને ગુમાવવા માંગતો નથી..! આપણે કાલે જ લગ્ન કરી લઈએ..! કુદરત રાખે એટલા દિવસ હું તારી સાથે જીવવા માગુ છું.. તારી સાથેના અલ્પ જીવનમાં પણ મને આખી જિંદગી જીવી લીધા નો માનસિક આનંદ મળશે.. જે તને છોડી દેવાથી ક્યારેય નહીં મળે..!"

" સ્વપ્ન ..તમે ખરેખર મારા સ્વપ્ન પુરુષ છો હું કેટલી બદનસીબ છું કે તમારા જેવો પુરુષ મળવા છતાં એને દુઃખી કરીને ચાલી જઈશ..!"

"હવે એક પણ શબ્દ બોલી.. છે તો તને મારા.. એણે મારા હોઠ પર એનો કોમળ હાથ મૂકી વાક્ય પૂરુ ન કરવા દીધુ. એ મને વેલની જેમ ગળે વીંટળાઈ ગઈ. આજે વિશ્રામગૃહની મુલાકાત અને એની પાસેથી કશુંક મેળવવાની ભાવના સાર્થક થઇ હતી. આજે મને જે સુખ મળ્યું હતું. એ કદાચ કોઈ ભાગ્યવાનને ભાગ્યેજ મળતું હોય છે. સાંજે હું ને વારતા સાથે જ તળાવ કિનારે પણ ગયાં. અમે આખો દિવસ સાથે ગાળ્યો. વાર્તાને કેન્સર છે એ વાતથી મારે મમ્મીને અજાણ રાખવી હતી. નહીં તો એ ક્યારેય વાર્તા સાથેના મારા લગ્નને સંમતિના આપે. એ રાતે ગુલાબી શમણાંની સોડમાં વિતી. બીજા દિવસની પરોઢ પણ આહલાદક ઊગી હતી. મને જગત જાણે નવેસરથી પોતાના ક્રમનો પ્રારંભ કરતું હોય એમ લાગ્યું. હું વાર્તાની રાહ જોતો હતો. આજે એનો બર્થડે હતો મારે એને પ્રેઝન્ટ દેવી હતી. ખૂબ મનભરી વાતો કરવી હતી .

એ નવને પંદર મિનિટે આવી. એના હાથમાં ફૂલોનો ગુલદસ્તો હતો. અને એ બેહદ ખુશ લાગતી હતી. જાણે જગતની તમામ ખુશી એને મળી ના હોય.. એ ગુલદસ્તો મને હાથમાં આપતાં બોલી.. "જાણો છો આજે કયો દિવસ છે..? "આજે વેલેન્ટાઇન ડે છે..!" એની આંખો સજલ બની. એ દર્દ હતું કે ખુશી હું ઉકેલી ન શક્યો.

મારી મૂંઝવણનો ઉકેલ રજૂ કરતી હોય એમ એ બોલી.

"સ્વપ્ન.. આપણો સાથ છૂટે એ તો ઈશ્વરને પણ હવે મંજૂર નથી..!"

"મતલબ..?"

આજે વેલેન્ટાઈન ડેના દિવસે અમારા ફેમિલી ડોક્ટરનો મોર્નિંગમાં ફોન હતો. તેઓ દિલગીરી સાથે કહેતા હતા.

"બેટા ! હું તારી માફીને લાયક નથી. પણ બની શકે તો મને માફ કરજે. તને પેટમાં દુખાવાની તકલીફ હતી. તાવ અશક્તિ વગેરેને કારણે તારાં બ્લડ સેમ્પલ લિધેલાં તારી સાથે જ એકબીજા દર્દીનાં પણ બ્લડ-ટેસ્ટ થયેલાો. કમ્પાઉન્ડરની ભૂલથી સેમ્પલ બદલાઈ ગયેલાં. આતો જ્યારે પેલા દરદીને તકલીફ વધતાં એ રીચેકીંગ માટે આવેલો. અને ફરી એના બ્લડ સેમ્પલ લઈ ચેક કર્યા, ત્યારે સમજાયું કે બ્લડ કેન્સર તને નહીં પણ એને છે...! ડોક્ટરના છેલ્લા શબ્દો તૂટતા હતા. એક મોટા જબરજસ્ત અવાજ સાથે ફોન પછડાયો હોય એવુ લાગ્યુ.

શું થયું હતું..? એવું કલ્પી શકતી નહોતી. પરંતુ એમને જે વાત કહી હતી. એ વાત મારા માટે નવા સપનાં અને અરમાનો લઈને આવી હતી. જાણે કે મારો બીજો જન્મ થયો હતો. વાર્તા મને મુક્ત રીતે વિંટળાઈ વળી હતી. અને રૂંધાયેલા અવાજે કહેતી હતી . સ્વપ્ન , પછી હોસ્પિટલેથી મમ્મી પર ફોન આવ્યો કે અમારા ફેમિલી ડોક્ટરનુ હાર્ટએટેકથી મૃત્યુ થયું છે...!